Home Blog Page 269

Gujarat : આગાહી વચ્ચે ગીર પંથકમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ-ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતાતુર

0

રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આજે (20મી માર્ચે) ગીર પંથકના વાતાવરણમાં પલટો આવતા ઉના, ગીર ગઢડા અને તાલાલા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. કમોસમી વરસાદને પગલે અનેક માર્ગો પર નદીઓની જેમ પાણી વહેતા થયા હતા. જ્યારે માળીયા હાટીના તાલુકાના અકાળા, કાલીંભડા અને વિરડી સહિતના ગામોમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીના પાકને અસર થઈ છે.

ગીર સોમનાથ જિલ્લો જે કેસર કેરી માટે જાણીતો છે, ત્યાં સિઝનના પ્રારંભે જ કમોસમી વરસાદ પડતા બગીચાના માલિકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. તૈયાર થઈ રહેલા આંબાના મોર અને નાની કેરીઓ ખરી જવાની શક્યતાને પગલે ખેડૂતો ભારે મુંઝવણમાં મુકાયા છે.

હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હજુ આગામી 24 કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક બાદ વરસાદી માહોલ ઓસરતા જ ધીમે-ધીમે 3થી 5 ડિગ્રી તાપમાન વધશે અને ફરીથી કાળઝાળ ગરમી પડશે.

ગત બે દિવસ દરમિયાન તીવ્ર પવન અને ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની અને વીજ પુરવઠો ખોરવાઈ જવાની ઘટનાઓ બની છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખેતરોમાં ઉભેલા પાકોને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

Ahmedabad : બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે ‘રેલવે કોચ રેસ્ટોરન્ટ’, 64 લોકો બેસી શકશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા રેલવેના વારસા અને આધુનિક મહેમાનગતિના સંગમ સમાન એક અનોખો પ્રોજેક્ટ આગામી એપ્રિલ મહિનામાં બોપલ-આંબલી રેલવે સ્ટેશન પર શરૂ થવા જઈ રહ્યો છે. ‘ઓન ધ ટ્રેક રેસ્ટ્રો એન્ડ કાફે’ નામની આ રેસ્ટોરન્ટ એક રિફર્બિશ્ડ ટ્રેનના કોચ અને તેની સાથે જોડાયેલી ખુલ્લી જગ્યામાં તૈયાર કરવામાં આવશે, જેમાં કુલ 154 મહેમાનો માટે બેસવાની વ્યવસ્થા હશે.

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ એર-કન્ડિશન્ડ કોચમાં 64 લોકો બેસી શકશે, જે મુસાફરોને ટ્રેનના ડબ્બામાં બેસીને જમવાનો અહેસાસ કરાવશે. જ્યારે બાકીની બેઠકો બહારના ખુલ્લા વિસ્તારમાં રાખવામાં આવશે. આ સુવિધા માત્ર રેલવે મુસાફરો માટે જ નહીં, પરંતુ આસપાસના રહીશો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે, જે મોડી રાત્રિના આઉટિંગ અને કેઝ્યુઅલ ડાઇનિંગ માટે નવો વિકલ્પ પૂરો પાડશે.

આ મલ્ટી-ક્યુઝિન રેસ્ટોરન્ટ 24 કલાક કાર્યરત રહેશે, જેનાથી આ વિસ્તારમાં ‘નાઇટ કલ્ચર’ને વેગ મળવાની આશા છે. જે લોકો ઉતાવળમાં હોય તેમના માટે દિવસ-રાત ટેક-અવે કાઉન્ટરની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. આ પ્રોજેક્ટ અમદાવાદ ડિવિઝનની વ્યાપક યોજનાનો એક ભાગ છે, જે હેઠળ મહેસાણા, ભુજ, ગાંધીધામ અને સાબરમતી જેવા મુખ્ય સ્ટેશનો પર પણ આવી ‘રેલ કોચ રેસ્ટોરન્ટ્સ’ શરૂ કરવાનું આયોજન છે.

આ કોન્સેપ્ટ હેઠળ, નકામા થયેલા ટ્રેનના કોચને થીમ-આધારિત ડાઇનિંગ સ્પેસમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જેથી લોકો મુસાફરી કર્યા વિના ટ્રેનની મુસાફરી જેવો આનંદ માણી શકે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવાની સાથે રેલવે માટે વધારાની આવક ઊભી કરવાનો છે. દરેક રેસ્ટોરન્ટમાં આધુનિક રસોડું હશે અને મેનુમાં સ્થાનિક વાનગીઓ તેમજ ભારતીય અને આંતરરાષ્ટ્રીય વાનગીઓનો સમાવેશ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી, મુંબઈ અને ઈન્દોર જેવા શહેરોમાં આ મોડલ પહેલેથી જ સફળ રહ્યું છે. ગુજરાતમાં પણ નવેમ્બર 2023માં રાજકોટમાં ‘ટ્રેકસાઇડ તડકા’ નામની આવી જ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી હતી. આ તમામ પ્રોજેક્ટ્સ પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ હેઠળ ચલાવવામાં આવશે. જો આ પહેલને સારો પ્રતિસાદ મળશે, તો રેલવે આગામી સમયમાં રાજ્યના અન્ય સ્ટેશનો પર પણ આ સુવિધાનો વિસ્તાર કરશે.

Entertainment : શિલ્પા શેટ્ટી ને 12.5 કરોડના કેસમાં મોટી રાહત, પરંતુ અભિનેત્રીઓ મુશ્કેલીઓ હજુ ટળી નથી, જાણો શું છે આખો વિવાદ

0

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા અવારનવાર કાયદાકીય ગૂંચવણોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં, વર્ષ 2019-20ના એક જૂના ઇન્કમ ટેક્સ કેસમાં શિલ્પા શેટ્ટીને ‘આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ’ (ITAT) તરફથી આંશિક રાહત મળી છે, પરંતુ સાથે જ તપાસ અધિકારીઓને આ મામલે ફરીથી ઊંડી તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે આવકવેરા તપાસ અધિકારીઓએ નોંધ્યું કે શિલ્પા શેટ્ટીને તેના પતિ રાજ કુન્દ્રા તરફથી ₹12.5 કરોડની જંગી રકમ ભેટ (Gift) તરીકે મળી હતી. તપાસ દરમિયાન અધિકારીઓને આ વ્યવહાર શંકાસ્પદ લાગ્યો હતો. અધિકારીઓનો તર્ક: ઇન્કમ ટેક્સ વિભાગના મતે, આ રકમ ‘ન સમજાયેલી ક્રેડિટ’ (Unexplained Credit) હતી. આવક અને ગિફ્ટ વચ્ચેનો તફાવત: જ્યારે રાજ કુન્દ્રાના ટેક્સ રિટર્નની તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે તેમણે તે વર્ષે માત્ર ₹27.7 લાખની જ આવક જાહેર કરી હતી. આટલી ઓછી આવક ધરાવતી વ્યક્તિ ₹12.5 કરોડની ભેટ કેવી રીતે આપી શકે? તે પ્રશ્ન ઉભો થયો હતો.

મુંબઈ બેન્ચની આવકવેરા અપીલ ટ્રિબ્યુનલે આ કેસમાં સુનાવણી કરતા જણાવ્યું કે માત્ર ‘ગિફ્ટ ડીડ’ (ભેટના દસ્તાવેજો) કે PAN કાર્ડની વિગતો રજૂ કરવાથી વ્યવહારની સત્યતા સાબિત થતી નથી. ટ્રિબ્યુનલે નોંધ્યું કે ગિફ્ટ ડીડમાં પૈસા કઈ બેંક દ્વારા ટ્રાન્સફર થયા કે પેમેન્ટની પદ્ધતિ શું હતી, તેનો કોઈ ઉલ્લેખ નહોતો. ટ્રિબ્યુનલે શિલ્પા શેટ્ટી પર લાદવામાં આવેલા ટેક્સના ઉમેરાને હાલ પૂરતો અટકાવીને અધિકારીઓને આ મામલે ફરીથી તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. આનો અર્થ એ છે કે શિલ્પાને પુરાવા રજૂ કરવાની બીજી તક મળી છે.

શિલ્પા શેટ્ટીએ પોતાનો બચાવ કરતા દાવો કર્યો હતો કે તેના પતિ રાજ કુન્દ્રાને એક વિદેશી સંસ્થા (Foreign Entity) પાસેથી ફંડ મળ્યું હતું, જેમાંથી આ ભેટ આપવામાં આવી હતી. જોકે, આ ફંડની વિગતો ટેક્સ રિટર્નમાં યોગ્ય રીતે દર્શાવવામાં આવી નહોતી, જેના કારણે ટેક્સ અધિકારીઓએ આ રકમને શિલ્પાની વ્યક્તિગત આવકમાં ઉમેરી દીધી હતી. હવે ઇન્કમ ટેક્સ વિભાગ શિલ્પા શેટ્ટીના તમામ બેંક રેકોર્ડ્સ, નાણાકીય વિગતો અને અન્ય દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરશે. જો શિલ્પા શેટ્ટી આ ભેટની અધિકૃતતા અને તેના પતિની ‘ક્રેડિટપાત્રતા’ (પૈસા આપવાની ક્ષમતા) સાબિત નહીં કરી શકે, તો તેની મુશ્કેલીઓ વધી શકે છે.

Business : સાવધાન! LPG બુકિંગના નામે સોશિયલ મીડિયામાં સાયબર ગઠિયાઓની ‘માયાજાળ’, એક ભૂલ અને બેંક ખાતું સાફ

0
અત્યારે મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. જેને લીધે સમગ્ર દેશમાં અને રાજ્યમાં LPGની અછત સર્જાઈ છે. ત્યારે ઠેક ઠેકાણે LPG સિલિન્ડર બુક કરાવવા માટે ગેસ એજન્સીની ઓફિસે લોકો મોટી કતાર લગાવી રહ્યા છે. આ તકનો લાભ ઉઠાવી સાયબર ઠગો કોઈનું વોટ્સએપ હેક કરીને અન્ય યુઝર્સને LPG બુકિંગ માટે એપ ડાઉનલોડ કરવાનું સૂચન મેસેજ મોકલે છે. આ એપ ડાઉનલોડ કરાવીને સાયબર ગઠિયાઓ જે તે યુઝરના મોબાઈલનું એક્સેસ મેળવીને છેતરપિંડી આચરી રહ્યા છે.

સાયબર ઠગો દ્વારા વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોકલેલી આ એપ ડાઉનલોડ કરતાં જ કોઈના મોબાઈલનું સંપૂર્ણ એક્સેસ મળી જાય છે. આ રીતે સાયબર ઠગો પોતાના મોબાઈલમાં SMS અને કૉલ ફોરવર્ડ સર્વિસ પણ મેળવી લે છે, જેના કારણે કોઈ પણ બેંકના ઓટીપી અને અન્ય ખાનગી મેસેજ સીધા ગઠિયાઓ પાસે પહોંચે છે. આ રીતે લોકોના વોટ્સઅપ હેક થાય છે અને બેન્કમાંથી પૈસા પણ ઉપડી જવાના ફ્રોડ થાય છે.

આ સ્કેમમાં સાયબર ઠગ ઘણીવાર લીક ડેટાનો ઉપયોગ કરે છે અથવા રેન્ડમલી કોઈને પણ મેસેજ મોકલે છે. એકવાર યુઝર એપ ઇન્સ્ટોલ કરે એટલે તેના મોબાઈલના તમામ ટેક્સ્ટ મેસેજ ફ્રોડ કરનારાના નંબર પર ફોરવર્ડ થવા લાગે છે. તેઓ આ ઓટીપીનો ઉપયોગ કરીને યુઝરના જ નંબરથી બીજા મોબાઈલમાં વોટ્સએપમાં લોગ-ઇન કરે છે. એકવાર યુઝરનું વોટ્સએપ હેક થઈ જાય, પછી તેઓ યુઝરના મિત્રો અને ફેમિલી ગ્રૂપમાં ફરીથી LPG સિલિન્ડર બુક કરાવવાની લિંક-મેસેજ મોકલે છે. અન્ય લોકો લોકોને લાગે છે કે તમે આ મેસેજ મોકલ્યો છે, તેથી તેઓ પણ તેનો શિકાર બને છે અને આ રીતે આ આખી સાયકલ ચાલતી રહે છે.

આ રીતે સાયબર ઠગ માયાજાળમાં ફસાવે છે

વાયરલ મેસેજ: સાયબર ઠગ દ્વારા ગેસની તંગીના સમયે ગેસ મેળવવા માટે એક લિંક કે એપની વિગત ધરાવતો મેસેજ વાઇરલ કરાય છે.

એપ્લિકેશન ઇન્સ્ટોલેશન: યુઝરને જાણીતા નંબર પરથી મેસેજ આવતા વિશ્વાસ કરીને એપ ઇન્સ્ટોલ કરે છે અને માંગવામાં આવેલી તમામ મંજૂરી ‘Allow’ કરે છે.

સર્વિસ એક્ટિવેશન: ઇન્સ્ટોલ થતાની સાથે જ મોબાઈલમાં SMS ફોરવર્ડિંગ અને કોલ ફોરવર્ડિંગ સર્વિસ ચાલુ થઈ જાય છે.

OTP ચોરી: બેન્કના OTP કે WhatsApp લોગીન માટેના OTP સીધા છેતરપિંડી કરનારાના મોબાઈલ પર જાય છે.

WhatsApp હેકિંગ: તમારા OTPનો ઉપયોગ કરીને તે તમારા WhatsApp માં લોગ-ઇન કરી લે છે અને તમને ‘Log out’ કરી દે છે.

સ્કેમનો ફેલાવો: તમારા હેક થયેલા એકાઉન્ટમાંથી તમારા કોન્ટેક્ટ્સ અને ગ્રૂપમાં ખોટા મેસેજ મોકલવામાં આવે છે.

બચવા માટેના પગલાં

  • જો આવું કંઈ પણ થાય તો સૌથી પહેલા મોબાઈલમાંથી સીમ કાર્ડ કાઢી નાખવું જોઈએ.
  • સેટિંગમાં જઈને ‘એપ મેનેજર’ માંથી પેલી શંકાસ્પદ એપ્લિકેશનને ડિલીટ કરી દો.
  • જો એપ્લિકેશન ન મળે તો ડેટાનો બેકઅપ લઈને ફોન ફોર્મેટ કરી નાખવો જોઈએ (પણ એપ્લિકેશન ડેટાનો બેકઅપ ન લેવો).
  • ગૂગલ પર WhatsApp Grievance Form સર્ચ કરીને ફોર્મ ભરો, જેથી 12 કલાકમાં તમારું એકાઉન્ટ રિકવર થઈ શકે.
  • એકાઉન્ટ પાછું મળે એટલે તરત જ સેટિંગમાં જઈને Two Step Verification ચાલુ કરી દેવું જોઈએ.

Breaking News : ભારતમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં રૂ. 2.35 સુધીનો વધારો! ક્રૂડની કિંમતોમાં વધારાની અસર

Premium Petrol Price Hike in India : ભારતમાં 20 માર્ચ, 2026 થી પ્રીમિયમ પેટ્રોલની કિંમતોમાં વધારો થયો છે. તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર, BPCL ના ‘Speed’, HPCL ના ‘Power’ અને IOCL ના ‘XP95’ પેટ્રોલના ભાવમાં લિટર દીઠ રૂ. 2.09 થી રૂ. 2.35 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, હાલના તબક્કે સામાન્ય (Regular) પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Vadodara : ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર, ટૂંક સમયમાં ટૂ-વ્હીલર અને પગપાળા માટે રસ્તો ખુલશે

0

મહીસાગર નદી પર ગંભીરા બ્રિજની કામગીરી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. ગત જુલાઈ મહિનામાં બ્રિજનો એક હિસ્સો તૂટી પડતા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનો સીધો સંપર્ક કપાઈ ગયો હતો.પાદરા-મુજપુરને જોડતા અને મહીસાગર નદી પર આવેલા મહત્વના ગંભીરા બ્રિજની કામગીરી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. ગત જુલાઈ મહિનામાં બ્રિજનો એક હિસ્સો તૂટી પડતા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનો સીધો સંપર્ક કપાઈ ગયો હતો. આ સમસ્યાના ઉકેલ માટે લાંબા સમયથી ચાલી રહેલી કામગીરીમાં હવે મોટી સફળતા મળી છે.

પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ આજે ગંભીરા બ્રિજની સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓ સાથે ટેકનિકલ કામગીરીની સમીક્ષા કરી હતી અને કામની ગતિ વધારવા સૂચના આપી હતી. બ્રિજના P4 અને P5 પિલર વચ્ચે સ્ટીલનું મજબૂત માળખું સફળતાપૂર્વક ગોઠવી દેવામાં આવ્યું છે. આ સ્ટીલ સ્ટ્રક્ચર ‘વિશ્વકર્મા મિકેનિકલ વર્ક્સ’ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બ્રિજ બંધ હોવાને કારણે અહીંથી પસાર થતા હજારો કામદારો અને અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ભારે અગવડતાનો સામનો કરવો પડતો હતો. ધારાસભ્યએ ખાતરી આપી છે કે હવે અંતિમ તબક્કાનું ફિનિશિંગ કામ ચાલુ છે અને ખૂબ જ ટૂંકા સમયમાં આ બ્રિજ ટૂ-વ્હીલર (દ્વિચક્રી વાહનો) અને પગપાળા અવરજવર માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. આ નિર્ણયથી પાદરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

Business : દેશમાં મોંઘુ થયુ પ્રીમીયમ પેટ્રોલ, જાણો કેટલા વધ્યા ભાવ ?

0

20 માર્ચ, 2026 ના રોજ, BPCL ના ‘સ્પીડ’, HPCL ના ‘પાવર’ અને IOCL ના ‘XP95’ જેવા પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

યુદ્ધ સમયની પરિસ્થિતિઓ જેવી ભૂરાજકીય પરિસ્થિતિઓ વચ્ચે ખાસ કરીને ઈરાન સહિત—જ્યાં LPG કટોકટી પહેલેથી જ ચાલી રહી છે, બીજી તરફ, તેલ કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે. 20 માર્ચ, 2026 ના રોજ, BPCL ના ‘સ્પીડ’, HPCL ના ‘પાવર’ અને IOCL ના ‘XP95’ જેવા પ્રીમિયમ પેટ્રોલ વેરિઅન્ટના ભાવમાં પ્રતિ લિટર ₹2.09નો વધારો કરવામાં આવ્યો હતો.

પહેલાં, પ્રીમિયમ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹111.68 હતો; હવે તે વધીને ₹113.77 પ્રતિ લિટર થયો છે. આ વધારા બાદ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹103.92 પર પહોંચી ગયો છે, જ્યારે પુણેમાં, પ્રીમિયમ પેટ્રોલ ₹113.17 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

દેશભરમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં આ વધારો એવા સમયે થયો છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને પાર કરી ગયા છે. તે જ સમયે, LPG કટોકટી ચાલુ રહે છે. આ સંજોગોમાં, કાચા તેલના ભાવમાં આ વધારાનો સીધો પ્રભાવ સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડશે અને ફુગાવાના દબાણને વધુ તીવ્ર બનાવી શકે છે.

મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા ભૂરાજકીય તણાવને કારણે આંતરરાષ્ટ્રીય અસ્થિરતાએ વિશ્વભરના ઇંધણ બજારોને ગંભીર અસર કરી છે. જ્યારે પણ વૈશ્વિક ક્રૂડ ઓઇલ પુરવઠા અને પુરવઠા શૃંખલા પર આ પ્રકારનું દબાણ લાવવામાં આવે છે, ત્યારે તેની સીધી અસર સ્થાનિક બજારના ભાવમાં પ્રતિબિંબિત થાય છે. આ જ કારણ છે કે ભારતમાં તેલ કંપનીઓને આંતરરાષ્ટ્રીય બજારમાંથી આવતા દબાણને સરભર કરવા માટે પ્રીમિયમ પેટ્રોલના ભાવ વધારવાની ફરજ પડી છે.

જો કે આ ભાવ વધારો ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રીમિયમ પેટ્રોલ સુધી મર્યાદિત છે. જો તમે તમારા વાહનમાં તમારા રોજિંદા મુસાફરી માટે પ્રમાણભૂત (નિયમિત) પેટ્રોલ ભરો છો તો તમારે આ ભાવ વધારા અંગે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ સ્પષ્ટતા કરી છે કે નિયમિત પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

World : ‘5 વર્ષ સુધી ભારતની ગેસ સપ્લાય પર અસર…’, LNG ગેસ પ્લાન્ટ પર એરસ્ટ્રાઈક બાદ કતારનો ચિંતાજનક દાવો

0

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ભીષણ જંગમાં હવે એક નવો અને ખતરનાક વળાંક આવ્યો છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા હવે એકબીજાના સૈન્ય મથકોને બદલે ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓઇલ-ગેસ રિફાઇનરીઓને નિશાન બનાવી રહ્યા છે. ઈરાને કતારમાં આવેલા વિશ્વના સૌથી મોટા ગેસ હબ ‘રાસ લાફાન’ પર મિસાઇલ હુમલો કરતા વૈશ્વિક ગેસ બજારમાં મોટો ભડકો થયો છે.

કતાર એનર્જીના CEO સાદ અલ-કાબીએ જણાવ્યું કે આ હુમલામાં કતારની LNG નિકાસ ક્ષમતાનો 17% હિસ્સો તબાહ થયો છે, જેના કારણે વાર્ષિક 20 અબજ ડૉલરનું નુકસાન થવાનો અંદાજ છે. આ નુકસાનને કારણે ચીન, ભારત અને યુરોપના દેશોને થતી ગેસની સપ્લાય જોખમમાં મુકાઈ છે.

આ યુદ્ધની સીધી અને મોટી અસર ભારત પર પણ જોવા મળી રહી છે. ભારત પોતાની કુલ LNG આયાતનો 20% જેટલો મોટો હિસ્સો એકલું કતાર પાસેથી ખરીદે છે. કતારમાં ઉત્પાદન ઠપ્પ થવાને કારણે ભારતમાં કુદરતી ગેસની અછત સર્જાઈ શકે છે, જેને પગલે ભારત સરકારે આ હુમલાની આકરી ટીકા કરી છે. બીજી તરફ, ઈરાને માત્ર કતાર જ નહીં પરંતુ સાઉદી અરેબિયાની ‘સેમરેફ’ રિફાઇનરી અને કુવૈતની મધ્ય પૂર્વની સૌથી મોટી રિફાઇનરી ‘મિના-અલ અહમદી’ પર પણ ડ્રોન હુમલા કર્યા છે. આ હુમલાઓને કારણે વિશ્વમાં મોટાપાયે ઊર્જા સંકટ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

પરિસ્થિતિની ગંભીરતા જોતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું કે જો ઈરાન કતારના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા ચાલુ રાખશે, તો અમેરિકા વળતો પ્રહાર કરીને ઈરાનનું આખું ‘સાઉથ પાર્સ’ ઓઇલફિલ્ડ ઉડાવી દેશે. દરમિયાન, અમેરિકાના સંરક્ષણ મંત્રીએ દાવો કર્યો છે કે તેમણે ઈરાનની તમામ 11 સબમરીન ડૂબાડી દીધી છે. યુદ્ધ હવે માત્ર સરહદ પૂરતું મર્યાદિત ન રહેતા આખા વિશ્વના અર્થતંત્ર અને ઊર્જા પુરવઠા માટે જોખમરૂપ બની ગયું છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

Surendranagar : મિનિ વાવાઝોડા અને માવઠાથી સાયલામાં તરબૂચની ખેતીમાં ભારે નુકસાન, મહેનત પર ફરી વળ્યું પાણી

0

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટા અને ફૂંકાયેલા ભારે પવનને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ઉનાળુ પાક તરીકે તરબૂચનું વાવેતર કરનારા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે.મળતી માહિતી અનુસાર, સાયલાના રહેવાસી ખેડૂત જીતેશભાઈ સોલંકીએ 15 વીઘા જમીનમાં મોટી આશા સાથે તરબૂચનું વાવેતર કર્યું હતું. ઉનાળાની સીઝનમાં સારા વળતરની અપેક્ષાએ તેમણે આ ખેતી પાછળ આશરે 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જોકે, પાક તૈયાર થવાના આરે હતો ત્યારે જ મિનિ વાવાઝોડા જેવા પવને ખેતરમાં તારાજી સર્જી છે.

ખેડૂતના જણાવ્યા અનુસાર, અચાનક આવેલા પવન અને વાતાવરણના ફેરફારને કારણે તૈયાર થયેલો તરબૂચનો પાક બગડી ગયો છે. વાવેતર અને માવજત પાછળ 4થી 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. અંદાજે 8થી 10 લાખ રૂપિયાની આવક થવાની ધારણા હતી, જે હવે શૂન્ય સમાન થઈ ગઈ છે.

ભર ઉનાળે વાતાવરણ પલટાતા ખેડૂતોની ચિંતામાં તોતિંગ વધારો થયો છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે રાત-દિવસ એક કરીને પકવેલો પાક જ્યારે બજારમાં જવાની તૈયારીમાં હતો, ત્યારે જ કુદરતી આફતે આર્થિક કમર તોડી નાખી છે. સાયલા પંથકના અન્ય ખેડૂતો પણ આ બદલાયેલા હવામાનને કારણે પોતાના પાકને લઈને ચિંતિત બન્યા છે. પીડિત ખેડૂતો હવે સરકાર પાસે નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય વળતર આપવામાં આવે તેવી આશા રાખી રહ્યા છે.

Deesa : હીરા બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, 929 લિટર શંકાસ્પદ ઘી ઝડપાયું

0

ડીસાના હીરા બજાર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં શંકાસ્પદ ઘીનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે આરોગ્ય વિભાગે દરોડા પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ડીસાના હીરા બજાર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં શંકાસ્પદ ઘીનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે આરોગ્ય વિભાગે દરોડા પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

તપાસ દરમિયાન હીરા બજારની દુકાનમાંથી ‘હાસ્ય’, ‘ગૌરસ’ અને ‘જયમુલ’ જેવી જાણીતી લાગે તેવી બ્રાન્ડના નામે પેકિંગ કરેલું શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કુલ 929 લિટર શંકાસ્પદ ઘી સીલ કર્યું છે, જેની અંદાજિત કિંમત 6,14,995 રૂપિયા જેટલી થાય છે. આ ઘી શુદ્ધ છે કે ભેળસેળિયું તે જાણવા માટે વિભાગે સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે.

દરોડા દરમિયાન અધિકારીઓને 1.40 લાખ રૂપિયાની કિંમતનો એવો જથ્થો પણ મળી આવ્યો હતો જેની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હતી. આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે તેવા આ જથ્થાનો અધિકારીઓએ સ્થળ પર જ નાશ કરાવ્યો હતો. ડીસામાં આટલા મોટા પાયે શંકાસ્પદ ઘી ઝડપાતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત વેપારી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.