Home Blog Page 282

Surat : દોઢ કરોડના પાર્સલનો બારોબાર વહીવટ કરનાર ડિલિવરી બોયઝની ટોળકી જેલના સળિયા પાછળ, 12 હજારથી વધુ પાર્સલ વેચી માર્યા

0

સુરતમાં લિંબાયત પોલીસે 1.46 કરોડના પાર્સલ બારોબાર વેચી મારનાર ડિલિવરી બોયઝની ગેંગને ઝડપી પાડી છે. 12,000 થી વધુ પાર્સલ સસ્તા ભાવે વેચી વિશ્વાસઘાત કર્યો હતો.

સુરતના લિંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, જેમાં ગ્રાહકો સુધી પહોંચાડવાના લાખોની કિંમતના પાર્સલ ડિલિવરી બોયઝે બારોબાર વેચી મારી વિશ્વાસઘાત કર્યો છે. લિંબાયત પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરીને ત્રણ રીઢા આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે કુલ રૂપિયા 1,46,45,919 (દોઢ કરોડ) ની કિંમતના પાર્સલ સગેવગે કર્યા હતા.

મળતી માહિતી મુજબ, આ ડિલિવરી બોયઝની ગેંગે કંપની અને ફરિયાદીની જાણ બહાર લાખોની કિંમતના માલસામાન પર હાથ સાફ કર્યો હતો. આરોપીઓએ કુલ 12,966 જેટલા પાર્સલ જે ગ્રાહકોને પહોંચાડવાના હતા, તે ગ્રાહકો સુધી પહોંચાડવાને બદલે અન્ય લોકોને અત્યંત સસ્તા ભાવે વેચી દીધા હતા. આ રીતે આરોપીઓએ કંપની સાથે મોટો વિશ્વાસઘાત કર્યો હતો.

જ્યારે કંપનીને આટલી મોટી સંખ્યામાં પાર્સલ ગાયબ હોવાની જાણ થઈ, ત્યારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ અને આ સસ્તો માલ ખરીદનાર લોકો કોણ હતા.

World : હવે ડિપ્લોમેસી નહીં, પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપીશું: 400 મોત બાદ અફઘાનિસ્તાનની પ્રતિજ્ઞા

0

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલા એક ડ્રગ રિહેબિલિટેશન(નશામુક્તિ) કેન્દ્ર પર પાકિસ્તાની વાયુસેના દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈક બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદ અને સુહૈલ શાહીને આક્ષેપ કર્યો છે કે આ હુમલામાં 400થી વધુ દર્દીઓના મોત થયા છે અને 250 જેટલા લોકો ઘાયલ થયા છે. તાલિબાનના મતે, પાકિસ્તાને કોઈ પણ પુરાવા વગર આતંકવાદીઓને નિશાન બનાવવાના નામે માનવતા વિરુદ્ધનો અપરાધ કર્યો છે અને હોસ્પિટલના મોટા હિસ્સાને તબાહ કરી દીધો છે. કાબુલના પોલીસ ડિસ્ટ્રિક્ટ 9માં થયેલા આ હુમલાને પગલે મૃત્યુઆંક હજુ વધવાની આશંકા સેવાઈ રહી છે.

આ ઘટના બાદ તાલિબાન સરકારે પાકિસ્તાનને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે. પ્રવક્તા સુહૈલ શાહીને સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે હાલ કોઈ પણ પ્રકારની ગુપ્ત વાટાઘાટો ચાલી રહી નથી અને જો પાકિસ્તાન સૈન્ય માર્ગ પસંદ કરશે, તો અફઘાન સરકાર પણ તેને તેની જ ભાષામાં જવાબ આપવા તૈયાર છે. તાલિબાને પાકિસ્તાન પર આરોપ લગાવ્યો છે કે તે અફઘાનિસ્તાનમાં સ્થિરતા ઈચ્છતું નથી અને પાકિસ્તાને વર્ષોથી ત્યાં રહેતા લાખો અફઘાન શરણાર્થીઓની સંપત્તિ છીનવીને તેમને બળજબરીથી પરત મોકલી દીધા છે. તાલિબાને ખાતરી આપી છે કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિ માટે નહીં થવા દેવાય, પરંતુ પાકિસ્તાનના આક્રમક વલણને સાંખી લેવામાં આવશે નહીં.

બીજી તરફ, પાકિસ્તાને તાલિબાનના આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. પાકિસ્તાન સરકારનું કહેવું છે કે તેમની સેનાએ માત્ર આતંકવાદી ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા છે અને કોઈ પણ નાગરિક સુવિધા કે હોસ્પિટલ પર હુમલો કર્યો નથી. આ એરસ્ટ્રાઈક પહેલા સરહદ પર થયેલી અથડામણમાં 4 અફઘાન નાગરિકોના મોત થયા હતા, જેના કારણે છેલ્લા ત્રણ અઠવાડિયાથી બંને દેશો વચ્ચે ગંભીર તણાવ પ્રવર્તી રહ્યો છે. આ તાજી ઘટના બાદ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર સુરક્ષા અને રાજદ્વારી સંબંધોમાં વધુ ખટાશ આવવાના સંકેતો મળી રહ્યા છે.

Entertainment : અનુષ્કા શેટ્ટીનો ભાવિ પતિ કોણ છે? બાહુબલીને છોડી આ બિઝનેસમેન સાથે લગ્ન કરવા જઈ રહી છે દેવસેના!

0

સાઉથ ભારતીય અભિનેત્રી અનુષ્કા શેટ્ટીના લગ્નની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે, એવું લાગે છે કે તેમની રાહ પૂરી થશે. અભિનેત્રી 44 વર્ષની ઉંમરે લગ્ન કરવાની તૈયારી કરી રહી છે. જોકે, અનુષ્કા શેટ્ટીના લગ્નના સમાચાર પહેલા પણ ઘણી વખત હેડલાઇન્સમાં આવી ચૂક્યા છે. પરંતુ તે ફક્ત અફવાઓ હતી. અનુષ્કા શેટ્ટી પણ તેના પ્રેમ જીવન માટે સમાચારમાં રહી છે. તેનું નામ બાહુબલી અભિનેતા પ્રભાસ સાથે પણ જોડાયું છે. જોકે, બંનેએ હંમેશા આ અફવાઓને નકારી કાઢી છે અને એકબીજાને સારા મિત્રો ગણાવ્યા છે.

અનુષ્કા શેટ્ટીના ફેન્સ હંમેશાથી તેને દુલ્હન તરીકે જોવા માંગતા હતા. હવે, અનુષ્કાના લગ્નના સમાચાર ફરી એકવાર ફરતા થયા છે. અભિનેત્રીનો વરરાજા પ્રભાસ ચોક્કસપણે નથી. અહેવાલો અનુસાર, અભિનેત્રી ટૂંક સમયમાં લગ્ન કરી રહી છે.

અનુષ્કાનો પરિવાર તેના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે, અને તે ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. અહેવાલો અનુસાર, અનુષ્કાના લગ્નનો ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે કોઈ સંબંધ નથી. તેના ભાવિ પતિ એક બિઝનેસમેન હોવાનું કહેવાય છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અનુષ્કાના લગ્ન એક પારિવારિક મિત્ર સાથે થવાના છે. જોકે, અભિનેત્રીના સંભવિત વરરાજા, રાજા, અથવા તેની કારકિર્દી વિશે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. એટલું જ નહીં, અનુષ્કા શેટ્ટીએ પણ તેના લગ્ન વિશે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. કામના મોરચે, અનુષ્કા શર્મા છેલ્લે 2025 માં આવેલી ફિલ્મ ‘ઘાટી’માં જોવા મળી હતી. હાલમાં, તે લાઈમલાઈટથી દૂર છે. અનુષ્કાએ તેના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. જોકે, તેને સૌથી વધુ લોકપ્રિયતા બાહુબલીમાં દેવસેનાની ભૂમિકા ભજવવાથી મળી.

Navsari : વીજતંત્રની ઘોર બેદરકારીએ કિશોરીનો જીવ લીધો, રસ્તા પરથી પસાર થતી 16 વર્ષીય આયુષી પર જીવંત વીજતાર તૂટી પડ્યો

0

નવસારીમાં DGVCL ની બેદરકારીથી 16 વર્ષીય કિશોરી પર અચાનક જીવંત વીજતાર તૂટી પડતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ કિશોરીનું મોત થયું છે.નવસારી શહેરમાં DGVCLની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના કૃષિ વિશ્વવિદ્યાલયની સામેના વિસ્તારમાં રહેતી એક 16 વર્ષીય કિશોરી પર અચાનક જીવંત વીજતાર તૂટી પડતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. કમનસીબે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ કિશોરીનું મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી મુજબ, આયુષી નાયકા નામની કિશોરી જ્યારે વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ઉપરથી પસાર થતો હાઈટેન્શન વીજતાર તૂટીને તેના પર પડ્યો હતો. જીવંત વાયરમાંથી વહેતા જોરદાર વીજ પ્રવાહને કારણે કિશોરીને વીજળીનો જોરદાર ઝટકો લાગ્યો હતો અને તે સ્થળ પર જ ફસડાઈ પડી હતી.

ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ગંભીર રીતે દાઝી ગયેલી આયુષીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જોકે, તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો.

માત્ર 16 વર્ષની વયે આયુષીનું અકાળે અવસાન થતા તેના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોમાં DGVCL પ્રત્યે ભારે રોષ છે. લોકોનો આરોપ છે કે જર્જરિત વીજતારોના મેન્ટેનન્સમાં તંત્ર દ્વારા દાખવવામાં આવતી બેદરકારીને કારણે આજે એક માસૂમે જીવ ગુમાવવો પડ્યો છે. આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

Surendranagar : સબજેલમાં કેદીઓ વચ્ચે જૂથ અથડામણ, બેરેકમાં થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

0

સુરેન્દ્રનગર સબજેલમાં કેદીઓ વચ્ચે મોડી રાત્રે મારામારી થઈ છે.. 4 કેદીઓ ઇજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.. 125 ની ક્ષમતા સામે 250 કેદીઓ હોવાથી વિવાદ થયો છે.ઝાલાવાડના મુખ્ય મથક સુરેન્દ્રનગરની સબજેલમાં મોડી રાત્રે કેદીઓ વચ્ચે હિંસક મારામારીની ઘટના સામે આવી છે. જેલની બેરેકમાં સામાન્ય બાબતે શરૂ થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કેદીઓ સામસામે આવી ગયા હતા. આ અથડામણમાં ચાર કેદીઓને શરીરે ઇજાઓ પહોંચતા જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે જેલની બેરેકમાં રહેલા કેદીઓ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. જેલ ગાર્ડ અને સત્તાધીશો સ્થળ પર પહોંચી મામલો થાળે પાડે તે પહેલા ચાર કેદીઓ લોહીલુહાણ થયા હતા. જેલ પ્રશાસન દ્વારા તાત્કાલિક તમામ ઇજાગ્રસ્તોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાએ ફરી એકવાર સુરેન્દ્રનગર સબજેલની સુરક્ષા અને વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે. નોંધનીય છે કે આ જેલની વાસ્તવિક ક્ષમતા માત્ર 125 કેદીઓની છે, પરંતુ તેની સામે હાલમાં 250 થી વધુ કેદીઓને રાખવામાં આવ્યા છે. ક્ષમતા કરતા બમણા કેદીઓના કારણે અવારનવાર નાની બાબતોમાં વિવાદો સર્જાય છે અને જેલ સતત વિવાદોના કેન્દ્રમાં રહે છે.જેલમાં થયેલી આ મારામારી અંગે જેલ સત્તાધીશો દ્વારા એ-ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.

Gujarat : જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર પેટ્રોલ પંપ પાસેથી રેઢી પડેલી કારમાંથી 744 નંગ બિયરના ટીન મળી આવ્યા

0

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર એક પેટ્રોલ પંપના પાર્કિંગમાં વર્ના કાર રાખવામાં આવેલી છે, જેની અંદર બિયરના ટીનનો મોટો જથ્થો સંતાડેલો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટુકડીએ મોડી રાત્રે દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન જી.જે. 7 કે.આર. 5988 નંબરની કાર બિનવરસુ હાલતમાં મળી આવી હતી. જે કારને ખોલીને અંદર તલાસી લેતા તેમાંથી કુલ 744 નંગ બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે કાર અને બિયર સહિત રૂપિયા 3,40,000 નો મુદ્દામાલ કબજે કરી લીધો છે, જ્યારે વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે બિયરનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સહિતના શખ્સોની શોધ ખોળ હાથ ધરી છે.

Bhavnagar : પતિએ છુટાછેડા આપી દેવાની ધમકી આપતા પરિણીતાએ દવા ગટગટાવી

ભાવનગર : ગઢડાના ચભાડિયા ગામે રહેતી પરિણીતાને પતિ અને સાસુએ છૂટાછેડા આપી દેવાની ધમકી આપતા પરિણીતાએ દવા ગટગટાવી લેતા ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.

ગઢડા તાલુકાના ચભાડિયા ગામે રહેતા જીજ્ઞાશાબેન રાજેશભાઈ વાઘેલાના પતિ રાજેશભાઈ વાઘેલ કેરી ગાડી લઈને બાજુમાં રહેતા પાડોશી કનુબેન તથા તેમની દીકરી દક્ષાબેનને દડવા ખાતે ભાડેથી મુકવા માટે જતા રહ્યા હતા અને પતિ રાજેશભાઈ કેરી ગાડીનું ભાડું કરી પરત આવ્યા ત્યારે પત્ની જીજ્ઞાશાબેનએ પતિને કહેલ કે, તમે કેરી ગાડી લઈને ભાડે જાવ છો તો જ્યાં જાઓ છો તે બાબતે કહેતા જતા હો તો તેવું કહેતા પતિ રાજેશ એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને કહેલ કે તું મને પૂછ-પૂછ કરછ તે નથી ગમતુ તેમ કહી જીજ્ઞાશાબેનને ગાલ ઉપર એક ઝપટ ઝીંકી દીધી હતી. સાસુ જયાબેન લઘરાભાઈ વાઘેલા પતિનું ઉપરાણું લઈને જીજ્ઞાશાબેન સાથે ઝથડો કરવા લાગેલ અને અમારા પતિએ મને જણાવેલ કે હવે મારે તેને નથી જોઈતી તુ અહીંથી ઘરથી બહાર નીકળ અને મારે તને રાખવી નથી મારે તારી સાથે છુટાછેડા લેવા છે અને જો તું છૂટાછેડા નહીં આપે તો હું તને જાનથી મારી નાખવાની ધમકી આપતા જીજ્ઞાશાબેનએ આવેશમાં આવી જઈ ઘરમાં પડેલ ઉઘરશ તથા ઉનવાની દવાની બોટલમાંથી અડપી અડધી બોટલ દવા પી લીધી હતી. જીજ્ઞાશાબેનને ગંભીર હાલતે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે જીજ્ઞાશાબેનએ પતિ અને સાસુ વિરૂધ્ધ ગઢડા પોલીસ મસ્તકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

National : ઘરમાં એક સમયે કેટલા ગેસ સિલિન્ડર રાખી શકાય? નિયમો તોડનારાને ખાવી પડશે જેલની હવા

0

દેશમાં છેલ્લા કેટલાક સમયથી વર્તાઈ રહેલી ગેસની અછત વચ્ચે સરકારે દેશમાં LPG ગેસના ઉપયોગ અંગેના નિયમો વધુ કડક બનાવ્યા છે. તાજેતરમાં જ સામે આવેલી માહિતી પ્રમાણે હવે LPG સિલિન્ડરનો સંગ્રહ કરનારા અને PNG સાથે ડબલ ગેસ કનેક્શન ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી થઈ શકે છે. પેટ્રોલિયમ મંત્રાલયનું કહેવું છે કે આ પગલાંનો હેતુ ગેસની સપ્લાઈ સંતુલિત રાખવાનો અને જરૂરિયાતમંદ પરિવારો સુધી સંસાધનો પહોંચાડવાનો છે.

ઉર્જા સંસાધનો પર વધતા દબાણ અને આયાત પર નિર્ભરતાને ધ્યાનમાં રાખતા સરકારે કાનૂની જોગવાઈઓને કડકાઈથી લાગુ કરવાનો સંકેત આપ્યો છે. તો ચાલો એ જાણીએ કે, આ નિયમો હેઠળ કઈ-કઈ જોગવાઈ છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોમાં સરકારે LPG ગેસ સિલિન્ડર સંબંધિત ઘણા નિયમોમાં પણ ફેરફાર કર્યા છે.

સરકારી નિયમો પ્રમાણે ઘરેલુ ગ્રાહકોને મહત્તમ 2 LPG સિલિન્ડર રાખવાની મંજૂરી છે. જો કોઈ વ્યક્તિ માન્ય પરમિટ વિના 40 કિલોગ્રામથી વધુ LPGનો સંગ્રહ કરે તો તેને સંગ્રહખોરી માનવામાં આવે છે.

આવા મામલામાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 હેઠળ કાર્યવાહી કરી શકાય છે. આ કાયદાની કલમ 7 પ્રમાણે દોષિતોને ત્રણ મહિનાથી સાત વર્ષની સજાની જોગવાઈ છે. કલમ 6A હેઠળ વધારાના ગેસ સિલિન્ડર જપ્ત કરી શકાય છે. આટલું જ નહીં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સંબંધિત ગ્રાહકનું ગેસ કનેક્શન પણ રદ કરી શકાય છે.

માર્ચ 2026માં પેટ્રોલિયમ મંત્રાલયે LPG (પુરવઠા અને વિતરણ નિયમન) ઓર્ડર 2000માં સુધારો કરીને એક નવો નિયમ લાગુ કર્યો છે. આ નિયમ હેઠળ હવે કોઈપણ ઘરમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) અને LPG બંને કનેક્શન એકસાથે રાખવા ગેરકાયદેસર માનવામાં આવશે.

સરકારનું કહેવું છે કે, ‘જ્યાં PNGની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં LPGની જરૂરિયાત ઓછી થઈ જાય છે. તેથી આવા ગ્રાહકોને તાત્કાલિક તેમના LPG કનેક્શન સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું છે.’

જો કે, જો કોઈ ગ્રાહક સ્વેચ્છાએ LPG કનેક્શન પરત કરી દે છે, તો તેને કોઈ દંડ ફટકારવામાં નહીં આવશે. પરંતુ જો નિયમોની અવગણના કરવામાં આવે અને બંને કનેક્શન એકસાથે ઉપયોગમાં લેવાતા જોવા મળે, તો સબંધિત વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

જો કોઈ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેસ સિલિન્ડરનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે અથવા ગેરકાયદેસર સંગ્રહની માહિતી મળે, તો તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકાય છે. તેના માટે 1906 LPG ઈમરજન્સી હેલ્પલાઈન ઉપલબ્ધ છે, જ્યાં ગ્રાહકો સીધી જાણ કરી શકે છે. આ ઉપરાંત જિલ્લા ખાદ્ય અને પુરવઠા વિભાગ, સ્થાનિક વહીવટીતંત્ર અથવા પોલીસને પણ આવી ગતિવિધિઓની જાણ કરી શકાય છે.

Dahod : સરનામું પૂછવાના બહાને મહિલાને વાતોમાં ફસાવી દાગીના લૂંટનાર મહારાષ્ટ્રની જોડી ઝડપાઈ

0

દાહોદ શહેરમાં નિર્દોષ લોકોને વાતોમાં ભોળવી તેમની કિંમતી જણસો સેરવતી એક રીઢા ગુનેગાર જોડીનો પર્દાફાશ થયો છે. સરનામું પૂછવાના બહાને મહિલાને વિશ્વાસમાં લઈ નજર ચૂકવી દાગીનાની લૂંટ ચલાવનાર મૂળ મહારાષ્ટ્રના બે આરોપીઓની દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે.

આ ઠગ ટોળકીની કામ કરવાની પદ્ધતિ ફિલ્મી છે. સૌ પ્રથમ પુરુષ આરોપી મહિલાને સરનામું પૂછવા માટે ઉભી રાખે છે અને વાતચીત કરીને જતો રહે છે. તેના ગયા પછી તરત જ મહિલા સાગરીત આવે છે અને ભોગ બનનાર મહિલાને ડરાવે છે કે ‘આવા લોકો લૂંટ ચલાવતા હોય છે, તમે તમારા દાગીના સુરક્ષિત રીતે પર્સમાં મૂકી દો’. મહિલા ડરના માર્યા પોતાની ચેન અને બુટ્ટી ઉતારી પર્સમાં મુકે છે, ત્યારે આ ઠગ મહિલા નજર ચૂકવી પર્સમાંથી દાગીના સેરવી લઈ બંને ફરાર થઈ જાય છે.

લૂંટની ઘટનાની જાણ થતા જ દાહોદ પોલીસ સક્રિય થઈ હતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના સમયમાં જ આરોપી પુરુષ અને મહિલાને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બંને આરોપીઓ મૂળ મહારાષ્ટ્રના રહેવાસી છે. પકડાયેલી મહિલા આરોપી સામાન્ય ગુનેગાર નથી, તેના પર ગુજરાત રાજ્યમાં આ પ્રકારના અગાઉ 8 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે.

દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામ પાસે કાર રોડ સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાતા ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિઓના મોત થયા છે.

Surat : સુરત પાલિકાએ 166 કરોડના ખર્ચે ડુમસ સી ફેસનું લોકાર્પણ કર્યું પણ સાંજે સાત વાગ્યે લાગે છે તાળા

0

સુરત પાલિકાએ 166 કરોડના ખર્ચે સુરતીઓ માટે ડુમસ સી ફેસ ડેવલપમેન્ટનો પહેલો ફેઝ ખુલ્લો મુક્યો છે. સુરતીઓ માટે આ ડુમસ સી ફેસ પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને પહેલા જ વીક એન્ડમાં ઓવર ક્રાઉડ થઈ ગયો હતો. જોકે, પાલિકાએ ડુમસ સી ફેસ માટે સાત વાગ્યાની સમય મર્યાદા કરી હોય સુરતીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મોડી સાંજથી રાત્રી સુધી ફરવા માટે ટેવાયેલા સુરતીઓને પાલિકાની સમય બંધી યોગ્ય નથી લાગતી. સી ફેસની મુલાકાત લેનારા સુરતીઓ આક્રોશથી કહે છે 166 કરોડના ખર્ચ પછી સાંજે સાત વાગ્યે બંધ કરી દેવો યોગ્ય નથી અન્ય પ્રોજેક્ટની જેમ સમય મર્યાદા લંબાવવામાં આવે તેવી માંગણી કરી રહ્યાં છે.

ખાણી પીણીના શોખીન સુરતીઓ નોકરી ધંધાથી આવ્યા બાદ મોડી રાત્રી સુધી ફરવા માટે ટેવાયેલા છે અને તેમના માટે પાલિકાએ બનાવેલો ડુમસ સી ફેસ હોટ ફેવરિટ બન્યો છે. પરંતુ પ્રોજેક્ટ લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ આ પ્રોજેક્ટની સમય મર્યાદા સુરતીઓને અકળાવી રહી છે. 166 કરોડના ખર્ચ બાદ પાલિકાએ પ્રોજેક્ટની સમય મર્યાદા સાંજના સાત વાગ્યાની રાખી છે અને સાત વાગ્યે મુલાકાતીઓને બહાર કાઢવામા આવે છે તેના કારણે સુરતીઓમાં નારાજગી જોવા મળી રહી છે. સી ફેસની મુલાકાતે આવેલા લોકો પાલિકા તંત્ર પર સવાલ ઉઠાવી રહ્યા છે. મુલાકાતીઓનું કહેવું છે કે 166 કરોડનો ખર્ચ કરીને બનાવેલો પ્રોજેક્ટ જો સાંજે 7 વાગ્યે જ બંધ કરી દેવાનો હોય તો લોકો તેનો આનંદ કેવી રીતે માણી શકે ? શહેરમાં દિવસ દરમિયાન ગરમી વધુ હોય છે અને મોટાભાગના લોકો કામકાજ બાદ સાંજે ફરવા નીકળતા હોય છે. પરંતુ સી ફેસ પર સાંજ પડતા જ તાળા મારી દેવામાં આવતા લોકોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે.

કેટલાક મુલાકાતીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે “પાલિકા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પ્રોજેક્ટ બનાવે છે, પરંતુ લોકો તેનો આનંદ લઈ શકે તેવી યોગ્ય વ્યવસ્થા કરતા નથી. શહેરના અન્ય સ્થળો પર મોડી રાત સુધી લોકો ફરતા હોય છે તો અહીં કેમ સાંજે જ લોકોને બહાર કાઢી દેવામાં આવે છે ?

ડુમસ દરિયા કિનારાની ઠંડી હવા અને સાંજ બાદનું વાતાવરણ જ આ વિસ્તારનું સૌથી મોટું આકર્ષણ છે. દિવસ દરમિયાન અહીં ગરમી અને તડકાના કારણે ઓછા લોકો આવે છે, જ્યારે સાંજ પછી પરિવાર સાથે સમય પસાર કરવા મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચતા હોય છે. આવી સ્થિતિમાં સાંજે 7 વાગ્યે જ પ્રવેશ બંધ કરી દેવો લોકોને અયોગ્ય લાગી રહ્યો છે.

સુરતીઓનું સ્પષ્ટ કહેવું છે કે જો પાલિકા શહેર માટે 166 કરોડનો પ્રોજેક્ટ ઊભો કરે છે તો લોકો તેને મોડી સાંજ સુધી માણી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ અને મુલાકાતીઓ માટે આ પ્રોજેક્ટ રાત્રીના 11 વાગ્યા સુધી ખુલ્લો રાખવો જોઈએ તેવી માંગણી થઈ રહી છે. જો પાલિકા સમય મર્યાદામાં ફેરફાર નહીં કરે તો આગામી દિવસોમાં આ મુદ્દે પાલિકાએ સુરતીઓનો રોષનો સામનો કરવો પડે તો નવાઈ નહીં.

સુરત પાલિકાના ડુમસ સી ફેસ પ્રોજેક્ટ વીક એન્ડમાં ઓવર ક્રાઉડેડ થયો હતો અને સમય મર્યાદાના કારણે વિવાદમાં છે તો બીજી તરફ પાલિકાએ અહીં આવતા લોકોને કચરાના સેગ્રીગેશન માટે જાગૃતિ કરવા પ્રયાસ કર્યો છે. પાલિકાએ પર્વારણ પ્રેમી સંસ્થાઓ સાથે મળીને ડુમસ સી ફેસ અને દરિયા ગણેશ મંદિર પાસે બીચ પર વિવિધ સ્ટોલ અને ગ્રુપ બનાવીને મોટા સ્પીકર લગાવી સમજણ આપી હતી. અને ડુમસ સી ફેસ અને ડુમસ બીચની આજુબાજુના વિસ્તારમાંથી સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા અંદાજે 300 કિલો જેટલા કચરો પાલિકાએ ઉલેચ્યો હતો.