Home Blog Page 281

Ahmedabad : કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ‘સમર સ્પેશિયલ’ વ્યવસ્થા, ગરમીથી બચાવવા પિંજરામાં કુલર અને ખાસ ડાય

અમદાવાદમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી રહ્યો છે, ત્યારે શહેરના પ્રસિદ્ધ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને હીટવેવથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સતત વધતી ગરમીને ધ્યાનમાં રાખીને પ્રાણીઓ અને પક્ષીઓના સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન થાય તે હેતુથી ખાસ સમર મેનેજમેન્ટ અમલમાં મૂકવામાં આવ્યું છે. અહીં બહારના તાપમાન કરતા પિંજરાઓની અંદરનું વાતાવરણ 1થી 2 ડિગ્રી ઓછું રહે તે માટે હાઈટેક ડિવાઈસ અને નેચરલ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પ્રાણી સંગ્રહાલયના સુપ્રીટેન્ડેન્ટ ડો. આર.કે. શાહના માર્ગદર્શન હેઠળ સિંહ, વાઘ, દીપડા અને હાથી જેવા મોટા પ્રાણીઓના પાંજરા પાસે વિશાળ ઇન્ડસ્ટ્રીયલ કુલર ગોઠવવામાં આવ્યા છે. મગર, હિપોપોટેમસ અને વાઘ જેવા જળપ્રિય પ્રાણીઓ માટે પાણીના હોજ સતત ભરેલા રાખવામાં આવે છે જેથી તેઓ ગમે ત્યારે ઠંડક મેળવી શકે. આ ઉપરાંત, ગરમીમાં પ્રાણીઓમાં ડિહાઇડ્રેશનની સમસ્યા ન સર્જાય તે માટે તેમના પીવાના પાણીમાં ORS અને ઈલેક્ટ્રલ પાવડરનું મિશ્રણ ઉમેરવામાં આવ્યું છે, જે તેમના શરીરમાં ક્ષારોનું પ્રમાણ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.

ગરમીમાં રાહત આપવા માટે પ્રાણીઓના આહારમાં પણ ફેરફાર કરાયો છે, જેમાં તરબૂચ, શક્કરટેટી અને શેરડી જેવા જળયુક્ત ફળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પક્ષીઓ માટે પિંજરાની ઉપર ગ્રીન નેટ બાંધીને સીધા સૂર્યપ્રકાશથી રક્ષણ અપાયું છે અને સમયાંતરે પાણીનો છંટકાવ (ફોગર્સ) કરવામાં આવી રહ્યો છે. પ્રાણી સંગ્રહાલયનો મેડિકલ સ્ટાફ પણ સતત કાર્યરત છે, જે દરેક જીવના સ્વાસ્થ્ય પર બારીકાઈથી નજર રાખે છે જેથી કોઈપણ પ્રકારની તકલીફ જણાય તો તાત્કાલિક સારવાર આપી શકાય.

National : યુનિફોર્મનું પેન્ટ ક્યાં? અને બાળકે છલકતી આંખે આપેલો જવાબ રડાવી દેશે……

0

તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર શુભમ શેરવાલ (@shubham_sherwal) નામના એક સરકારી શાળાના શિક્ષકે શેર કરેલી ઘટનાએ 26 મિલિયનથી વધુ લોકોની આંખો ભીની કરી દીધી છે.

સોશિયલ મીડિયાના યુગમાં દરરોજ હજારો વીડિયો વાયરલ થાય છે, પરંતુ અમુક કિસ્સાઓ સીધા હૃદયને સ્પર્શી જાય છે. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર શુભમ શેરવાલ (@shubham_sherwal) નામના એક સરકારી શાળાના શિક્ષકે શેર કરેલી ઘટનાએ 26 મિલિયનથી વધુ લોકોની આંખો ભીની કરી દીધી છે. આ માત્ર એક વીડિયો નથી, પણ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધ અને નિઃસ્વાર્થ પ્રેમનું પ્રતિબિંબ છે.

ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે શિક્ષક શુભમે વર્ગખંડમાં જોયું કે ‘રાજ’ નામનો વિદ્યાર્થી સ્કૂલ યુનિફોર્મનું પેન્ટ પહેરીને આવ્યો નથી. જ્યારે પ્રેમથી તેનું કારણ પૂછવામાં આવ્યું, ત્યારે બાળકના માસૂમ જવાબથી આખો વર્ગ સ્તબ્ધ થઈ ગયો. રાજે રડમસ અવાજે જણાવ્યું કે તેનું પેન્ટ ફાટી ગયું છે અને અત્યારે નવું લેવા માટે પૈસા નથી. તેણે આશા વ્યક્ત કરી કે જ્યારે તેના દાદાનું પેન્શન આવશે, ત્યારે જ તે નવું પેન્ટ ખરીદી શકશે.

વાતચીત દરમિયાન વધુ એક આઘાતજનક હકીકત સામે આવી કે રાજના માતા-પિતા હવે આ દુનિયામાં નથી. અનાથ બાળકની લાચારી અને તેની આંખોમાં છુપાયેલું ઊંડું દુઃખ જોઈને શિક્ષકનું હૃદય દ્રવી ઉઠ્યું. શુભમે તુરંત જ બાળકને ગળે લગાવીને સાંત્વના આપી, જે ક્ષણ જોનારા દરેક વ્યક્તિને હચમચાવી દે તેવી હતી.

સાચો શિક્ષક એ જ છે જે વિદ્યાર્થીની મુશ્કેલીને પોતાની સમજે. બીજા જ દિવસે શુભમ શેરવાલ રાજ માટે નવો શર્ટ અને પેન્ટ લઈને શાળાએ પહોંચ્યા. તેમણે પોતાના હાથે રાજને નવો યુનિફોર્મ પહેરાવ્યો. નવા કપડાંમાં સજ્જ રાજના ચહેરા પર જે સંતોષ અને સ્મિત હતું, તેણે લાખો લોકોના દિલ જીતી લીધા.
નેટીઝન્સ આ શિક્ષકને “રિયલ હીરો” કહી રહ્યા છે. લોકોનું માનવું છે કે સાચું શિક્ષણ માત્ર ડિગ્રીઓ મેળવવામાં નહીં, પણ કોઈના આંસુ લૂછવામાં રહેલું છે. શુભમ શેરવાલે સાબિત કર્યું કે એક શિક્ષક ભલે માતા-પિતાનું સ્થાન ન લઈ શકે, પણ તે એક મજબૂત આધાર ચોક્કસ બની શકે છે. આ વાર્તા આપણને શીખવે છે કે નાની અમસ્તી મદદ પણ કોઈના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે.

Gujarat : શિવાલિક બાદ નંદાદેવી જહાજ વાડીનાર પહોંચ્યું

0

ભારતમાં ગઈકાલે શિવાલિક જહાજ ગેસનો જથ્થો લઈને ગુજરાતના મુંદ્રા બંદરે આવી પહોચ્યું હતું. આ ઉપરાંત અન્ય એક ‘નંદદેવી’ જહાજ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત પસાર થઇ ગયું અને આજે જામનગરના વાડીનાર બંદરે પહોંચી ગયું છે.

ગલ્ફ દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતમાં ગેસ અને ક્રુડ ઓઈલ સહિતના પુરવઠાની ભારે તંગી સર્જાઈ છે. વિદેશમાંથી જથ્થો લઈને આવી રહેલા જહાજોને હોર્મુઝ સ્ટેટથી નીકળવામાં મુશ્કેલી સર્જાઈ છે. ત્યારે ભારતમાં ગઈકાલે શિવાલિક જહાજ ગેસનો જથ્થો લઈને ગુજરાતના મુંદ્રા બંદરે આવી પહોચ્યું હતું. આ ઉપરાંત અન્ય એક ‘નંદદેવી’ જહાજ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત પસાર થઇ ગયું અને આજે જામનગરના વાડીનાર બંદરે પહોંચી ગયું છે.

જામનગરના વાડીનાર બંદર પર 46 હજાર મેટ્રીક ટન LPG ગેસનો જથ્થો લઈને નંદાદેવી જહાજ આવી પહોંચ્યું છે. આ જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ગુજરાતના વાડીનાર બંદર ખાતે આવી પહોંચ્યું છે. અગાઉ આ જહાજ ગેસના જથ્થા સાથે કંડલા બંદરે જવાનું હતું પરંતુ કોઈ કારણોસર તેને જામનગરના વાડીનાર બંદરે લાંગરવામાં આવ્યું છે. આજે વાડીનારથી અંદાજિત 10 નોટિકલ માઇલ દૂર તેને અનલોડિંગ કરાશે. આ ઉપરાંત હજી પણ એક જગ લાડકી નામનું જહાજ ગુજરાતના બંદર પર આવે તેવી શક્યતાઓ છે. બે જહાજો ગેસનો પુરવઠો લઈને ગુજરાત પહોંચ્યા છે.

Business : વર્તમાન મોસમ માટે ખાંડના ઉત્પાદન અંદાજમાં સાધારણ ઘટાડો કરાયો

0

મુંબઈ : વર્તમાન ખાંડ મોસમમાં ભારતની ખાંડ મિલોએ ૧લી ઓકટોબરથી ૧૫ માર્ચ સુધીમાં ૨.૬૧ કરોડ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે જે ગઈ મોસમના સમાન ગાળાની સરખામણીએ ૧૦.૪૦ ટકા વધુ છે. જો કે વર્તમાન મોસમના એકંદર ઉત્પાદન અંદાજમાં ઘટાડો કરાયો છે.

દેશના ટોચના ત્રણ ખાંડ ઉત્પાદક રાજ્યોમાં સ્થિતિ સાનુકૂળ હોવાને પરિણામે ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં ઉત્પાદન ૭૮.૬૦ લાખ ટન પરથી વધી ૯૮.૫૦ લાખ ટન રહ્યું છે જ્યારે કર્ણાટકમાં ઉત્પાદન ૧૭.૧૦ ટકા જોરદાર વધી ૪૫.૮૦ લાખ ટન રહ્યું હોવાનું નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેકટરીસના ડેટા જણાવે છે.ઉત્તર પ્રદેશમાં ઉત્પાદન જે ગઈ મોસમના ૧લી ઓકટોબરથી ૧૫ માર્ચ સુધીમાં ૮૧ લાખ ટન રહ્યું હતું તે વર્તમાન મોસમના સમાન ગાળામાં સાધારણ વધી ૮૧.૫૦ લાખ ટન જોવા મળ્યું છે.
સપ્ટેમ્બરમાં સમાપ્ત થનારી વર્તમાન મોસમના અંતે દેશનું ખાંડ ઉત્પાદન ૨.૮૩ કરોડ ટન રહેવા ધારણાં છે જે અગાઉના ૨.૯૬ કરોડ ટનના અગાઉના અંદાજ કરતા ૪.૪૦ ટકા જેટલી નીચી છે. કેટલાક રાજ્યોમાં પ્રતિકૂળ હવામાનને કારણે અંદાજમાં ઘટાડો આવી પડયો છે.

વર્તમાન વર્ષના ઓકટોબરથી ફેબુ્રઆરીના ગાળામાં મિલોએ અત્યારસુધી ૩.૧૫ લાખ ટન ખાંડ નિકાસ થઈ છે. આ નિકાસ મુખ્યત્વે યુએઈ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, તાંઝાનિયા ખાતે થઈ હોવાનું ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિએશન દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.

IRCTC Jyotirlinga Tour: IRCTCની શાનદાર ઓફર! 12 દિવસમાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન, જાણો બુકિંગની વિગતો

0

ભગવાન શિવના ભક્તો માટે વર્ષ 2026 એક મોટી ભેટ લઈને આવ્યું છે. જો તમે લાંબા સમયથી દેશના પવિત્ર જ્યોતિર્લિંગોના દર્શન કરવાનું વિચારી રહ્યા હોવ, તો IRCTC (ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) એ તમારી આ મનોકામના પૂર્ણ કરવા માટે એક શાનદાર ટૂર પેકેજ લોન્ચ કર્યું છે. ‘ભારત ગૌરવ સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેન’ દ્વારા શ્રદ્ધાળુઓને 7 મુખ્ય જ્યોતિર્લિંગોના દર્શન કરાવવામાં આવશે.

આ ધાર્મિક યાત્રા 28 મે 2026ના રોજ દિલ્હીના સફદરજંગ સ્ટેશનથી શરૂ થશે. આ પ્રવાસ કુલ 12 દિવસ અને 11 રાતનો રહેશે. યાત્રા પૂર્ણ થયા બાદ ટ્રેન પરત દિલ્હી પહોંચશે. આ પેકેજમાં મુસાફરોને માત્ર ટ્રેનની મુસાફરી જ નહીં, પરંતુ રહેવા-જમવાની અને લોકલ સાઈટસીઈંગની સુવિધા પણ આપવામાં આવશે.

ટ્રેન દિલ્હીથી ઉપડશે પરંતુ મુસાફરોની સુવિધા માટે તે દિલ્હી કેન્ટ, ગુરુગ્રામ, રેવાડી, અલવર, બાંદીકુઈ, ભરતપુર, મથુરા, આગ્રા કેન્ટ, ગ્વાલિયર, ઝાંસી અને લલિતપુર જેવા સ્ટેશનો પર ઉભી રહેશે. મુસાફરો આમાંથી કોઈપણ સ્ટેશનેથી ટ્રેનમાં ચઢી કે ઉતરી શકશે.

આ 12 દિવસીય યાત્રામાં શ્રદ્ધાળુઓને નીચે મુજબના પવિત્ર સ્થળોએ લઈ જવામાં આવશે:

મહાકાલેશ્વર (ઉજ્જૈન)

ઓમકારેશ્વર

સોમનાથ

નાગેશ્વર (દ્વારકા)

ત્ર્યંબકેશ્વર (નાસિક)

ભીમાશંકર (પુણે)

ઘૃષ્ણેશ્વર (ઔરંગાબાદ)

આ સિવાય દ્વારકા અને ભેટ દ્વારકાના દર્શન પણ આ પેકેજમાં સામેલ છે.

પેકેજની કિંમત અને સુવિધાઓ
IRCTC એ મુસાફરોની સુવિધા મુજબ ત્રણ શ્રેણીમાં ભાડું નક્કી કર્યું છે

ઈકોનોમી (સ્લીપર ક્લાસ): આશરે રૂ.23,505 પ્રતિ વ્યક્તિ.

સ્ટાન્ડર્ડ (થર્ડ એસી): આશરે રૂ.36,560 પ્રતિ વ્યક્તિ.

કમ્ફર્ટ (સેકન્ડ એસી): આશરે રૂ.48,500 પ્રતિ વ્યક્તિ.

આ ભાડામાં ટ્રેન ટિકિટ, શાકાહારી ભોજન (સવારનો નાસ્તો, લંચ અને ડિનર), હોટલમાં રોકાણ અને એસી/નોન-એસી બસો દ્વારા લોકલ ટ્રાવેલની સુવિધા સામેલ છે.

બુકિંગ કેવી રીતે કરવું?
આ પેકેજ માટે બુકિંગ શરૂ થઈ ગયું છે. ઇચ્છુક શ્રદ્ધાળુઓ IRCTCની અધિકૃત વેબસાઈટ (www.irctctourism.com) પર જઈને ઓનલાઈન બુકિંગ કરી શકે છે. આ ઉપરાંત IRCTCના પ્રાદેશિક કાર્યાલયો અને ટુરિસ્ટ ફેસિલિટેશન સેન્ટર પરથી પણ ટિકિટ બુક કરાવી શકાય છે.

Up : PM Modi સાથે Varun Gandhiએ સહપરિવાર કરેલી મુલાકાત બની ચર્ચાનો વિષય, જાણો શું છે કારણ?

0

ઉત્તર પ્રદેશના પીલીભીતના ભૂતપૂર્વ ભાજપ સાંસદ વરુણ ગાંધીએ તેમના પરિવાર સહિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમની પત્ની અને પુત્રી હાજર હતા. વરુણ ગાંધીએ પીએમના આશીર્વાદ માંગ્યા અને માર્ગદર્શનની ઇચ્છા વ્યક્ત કરી હતી. વરુણ ગાંધીએ પીએમ મોદી સાથેની તેમની મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. પીએમ મોદી અંગે વરુણે લખ્યું કે, તમારી આભા પિતાના સ્નેહ અને રક્ષણની અદ્ભુત ભાવનાની જેવી છે. તમને મળવાથી મારો વિશ્વાસ વધુ મજબૂત થાય છે.

વરુણ ગાંધીની વડા પ્રધાન મોદી સાથેની મુલાકાતને બંગાળની ચૂંટણી સાથે પણ જોડી દેવામાં આવી રહી છે, કારણ કે વરુણ ગાંધીની પત્ની બંગાળી છે. ભાજપ આ વખતે બંગાળમાં સત્તામાં પાછા ફરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. પરિણામે, ભાજપ તેના બંગાળ ચૂંટણી પ્રચારમાં વરુણ ગાંધીનો ઉપયોગ કરી શકે છે. વરુણ ગાંધીએ પશ્ચિમ બંગાળના પ્રભારી તરીકે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે સેવા આપી હતી. તેમણે બંગાળમાં ભાજપની પાયાના સ્તરે હાજરી મજબૂત કરવા માટે તત્કાલીન બંગાળ ભાજપ પ્રમુખ રાહુલ સિંહા સાથે કામ કર્યું હતું.

ભાજપના ભૂતપૂર્વ સાંસદ વરુણ ગાંધી ઘણા સમયથી ભાજપથી નાખુશ હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં, ભાજપે તેમને પીલીભીતથી ટિકિટ નકારી કાઢી અને તેમની જગ્યાએ બ્રાહ્મણ જિતિન પ્રસાદને ટિકિટ આપી. જિતિન પ્રસાદ, જે હાલમાં મોદી સરકારમાં મંત્રી છે, તેઓ પીલીભીતથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. વરુણ ગાંધીની માતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીને 2024માં સુલતાનપુરથી લોકસભાની ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા.

વરુણ ગાંધીની પીએમ મોદી સાથે મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ઉત્તર પ્રદેશમાં ભાજપની રાષ્ટ્રીય ટીમ અને પંકજ ચૌધરીની ટીમ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. વધુમાં, ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ આવતા વર્ષે યોજાવાની છે અને રાજ્યસભાની ચૂંટણીઓ આ વર્ષે ઓક્ટોબરમાં યોજાવાની છે. રાજનાથ સિંહ ભાજપના સુકાન પર હતા ત્યાં સુધી વરુણ ગાંધી પાર્ટીમાં એક માનનીય પદ પર હતા. તેમણે પાર્ટીના મહાસચિવ અને પશ્ચિમ બંગાળના પ્રભારી તરીકે સેવા આપી હતી. વરુણ ગાંધીએ પહેલી વાર 2009માં પીલીભીતથી લોકસભા ચૂંટણી લડી હતી, જ્યારે રાજનાથ સિંહ ભાજપ અધ્યક્ષ હતા.

જ્યારે અમિત શાહે ભાજપની કમાન સંભાળી, ત્યારે તેમણે વરુણ ગાંધીને પાર્ટીના મહાસચિવ પદ પરથી દૂર કર્યા. તેમની પાસેથી બંગાળનો પોર્ટફોલિયો પણ છીનવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ ભાજપમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. 2016માં પ્રયાગરાજમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક દરમિયાન, તેમના સમર્થકોએ 2017ની યુપી વિધાનસભા ચૂંટણી માટે વરુણ ગાંધીને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવા માટે શક્તિ પ્રદર્શન કર્યું હતુ. આ વાત ભાજપ અને આરએસએસના નેતૃત્વને પસંદ ન પડી. ત્યારથી, વરુણ ગાંધી ધીમે ધીમે હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને તેમણે બળવાખોર વલણ અપનાવ્યું છે.

Patan : લુખ્ખાઓએ હુમલો કરતાં પોલીસ ભાગી, જાણો સમગ્ર ઘટના અંગે DySPએ શું કહ્યું?

0

પાટણના જીલીયા ફાર્મમાં મોડી રાત્રે 20થી વધુ લુખ્ખાઓનું ટોળું લાકડીઓ અને હથિયારો સાથે ત્રાટક્યું હતું.આ ટોળાએ ફાર્મ હાઉસમાં મિલકતને નુકસાન પહોંચાડી આતંકનું વાતાવરણ સર્જ્યું હતું.ઘટનાની જાણ થતા જ્યારે પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી.

પાટણમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મોડી રાત્રે એક ફાર્મ હાઉસ પર 20 થી વધુ અસામાજિક તત્વોએ હિંસક હુમલો કરી ભારે તોડફોડ મચાવી હતી. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે, લુખ્ખાઓએ સ્થળ પર પહોંચેલી પોલીસ પર જ પ્રતિકાર કરી તેમને ત્યાંથી ભાગવા મજબૂર કરી દીધા હતા.આ ઘટનાને લઈને ડીવાયએસપીએ નિવેદન આપ્યું છે.

પાટણના જીલીયા ફાર્મમાં મોડી રાત્રે 20થી વધુ લુખ્ખાઓનું ટોળું લાકડીઓ અને હથિયારો સાથે ત્રાટક્યું હતું.આ ટોળાએ ફાર્મ હાઉસમાં મિલકતને નુકસાન પહોંચાડી આતંકનું વાતાવરણ સર્જ્યું હતું.ઘટનાની જાણ થતા જ્યારે પોલીસની ટીમ ત્યાં પહોંચી ત્યારે અસામાજિક તત્વો ડરવાને બદલે પોલીસ સામે જ થઈ ગયા હતા. અસામાજિક તત્વોએ પોલીસ સાથે ઝપાઝપી કરી અને એવો પ્રતિકાર કર્યો કે પોલીસ જવાનોને પોતાની સુરક્ષા માટે સ્થળ પરથી ભાગવું પડ્યું હતું. લુખ્ખાઓના મનમાં કાયદાનો કોઈ જ ડર ન હોય તેમ તેઓએ ખુલ્લેઆમ પોલીસને પડકારી હતી.

આ ઘટનાને લઈને પાટણ પોલીસે શરમજનક નિવેદન આપ્યું છે. જીલીયા ફાર્મ પર થયેલા હુમલા અંગે ડીવાયએસપી પરેશ રેણુંકાએ કહ્યું હતું કે, માથાભારે તત્વોએ ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. 112 જનસુરક્ષા અને ચાણસ્મા પોલીસની ગાડીઓ ત્યાં હતાં. પુરતો પોલીસ સ્ટાફ નહીં હોવાથી વધુ સ્ટાફ લેવા માટે પોલીસ ગઈ હતી. પોલીસ સ્થળ પર આવી ત્યારે માથાભારે તત્વો ભાગી ગયા હતાં. જીલીયા ગામે રામાપીરનું મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે.ફાળો ઉઘરાવવા બાબતે હુમલાની ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે, છાશવારે એકલ દોકલ આરોપીઓના વરઘોડા કાઢતી પોલીસ મેદાન છોડીને કેમ ભાગી તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યાં છે. જો પોલીસ જ સુરક્ષિત નથી તો જનતાની સુરક્ષા કોના ભરોસે?

Business : 1 એપ્રિલથી હાઇવે પર સફર કરવી મોંઘી, જાણો કેટલી થશે FASTag વાર્ષિક પાસની કિમત ?

0

FASTag વાર્ષિક પાસ ફી 1 એપ્રિલ, 2026 થી ₹3,000 થી વધારીને ₹3,075 કરવામાં આવશે. એકવાર ચૂકવી દીધા પછી પાસ એક વર્ષ માટે અથવા 200 ટોલ પ્લાઝા પાર કરવા માટે માન્ય રહેશે અને તે ફક્ત ખાનગી વાહનો માટે જ લાગુ પડશે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુસાફરો માટે FASTag વાર્ષિક પાસ ફીમાં વધારો થવાનો છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2026-27 માટે FASTag વાર્ષિક પાસ ફી ₹3,000 થી વધારીને ₹3,075 કરવાનો નિર્ણય લીધો છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય અનુસાર, નવી ફી 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે. આ ફેરફાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી (નિર્ધારણ અને સંગ્રહ) નિયમો, 2008 માં નિર્ધારિત નિયમો અનુસાર છે.

નવી ફી માન્ય FASTag થી સજ્જ બિન-વાણિજ્યિક, ખાનગી વાહનો પર લાગુ થશે. આ સુવિધા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાષ્ટ્રીય એક્સપ્રેસવે નેટવર્ક પર સ્થિત દેશભરના આશરે 1,150 ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ છે. મંત્રાલય અનુસાર, ખાનગી વાહન માલિકોમાં FASTag વાર્ષિક પાસનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. હાલમાં, દેશમાં 5.6 મિલિયનથી વધુ લોકો આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે.

વાહન માલિકોને FASTag વાર્ષિક પાસ રિચાર્જ કરવાની જરૂર નથી. એકવાર ફી ચૂકવી દીધા પછી, પાસ એક વર્ષ માટે અથવા 200 ટોલ પ્લાઝા ક્રોસિંગ સુધી માન્ય રહેશે. આ સુવિધા બધા બિન-વાણિજ્યિક વાહનો માટે ઉપલબ્ધ છે, જો વાહન પાસે માન્ય FASTag હોય.આ પાસ સક્રિય કરવાનું પણ એકદમ સરળ છે. વાહન માલિકો રાજમાર્ગ યાત્રા એપ અથવા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ દ્વારા એકવાર ફી ચૂકવી શકે છે. ચુકવણીના લગભગ બે કલાકની અંદર વાહનના હાલના FASTag પર પાસ સક્રિય થાય છે.

FASTag વાર્ષિક પાસ યોજના 15 ઓગસ્ટ, 2025 ના રોજ શરૂ કરવામાં આવી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેની શરૂઆતથી, આ યોજનાને વાહન માલિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. તે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરનારાઓને વધુ અનુકૂળ અને સસ્તું મુસાફરી વિકલ્પો પ્રદાન કરે છે.

National : Middle East Warને લઈને “રામાયણ” ફેમ અભિનેતા સુનિલ લહરીએ લોકોને શાંતિ રાખવા કરી અપીલ, ગેસ અને પેટ્રોલ બચાવવા આપી સલાહ

0

“રામાયણ” ફેમ અભિનેતા સુનિલ લહરીએ મધ્ય પૂર્વ યુદ્ધને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અભિનેતા સુનિલ લહરીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં વિશ્વભરમાં વધતી જતી અશાંતિ અને યુદ્ધની તીવ્ર અસરના કારણે ભારત સહિત અનેક દેશોમાં અરાજકતાનો માહોલ ફેલાયો હોવાનું જણાવ્યું. આ વીડિયોમાં તેમણએ યુદ્ધની ગંભીર અસર અને લાંબા ગાળાના પરિણામ પર ચર્ચા કરી હતી. આ સાથે તેમણે સંઘર્ષની અસર ટાળવા લોકોને શાંત રહેવા અપીલ કરી.

મધ્યપૂર્વ યુદ્ધને લઈને અભિનેતા સુનિલ લહરીએ લોકોને ચેતવણી આપી કે વૈશ્વિક પરિસ્થિતિઓ ભારતમાં ઇંધણના ભાવ અને પુરવઠા શૃંખલા પર સીધી અસર કરી શકે છે. સુનીલે લોકોને આગળના આર્થિક પડકારોથી વાકેફ રહેવાની સલાહ આપી હતી. તેમજ યુદ્ધને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી. કારણ કે અફવાને હકીકત માની કયારેક લોકો અણસમજમાં સ્થિતિ વધુ તંગ કરી શકે છે.

સોશિયલ મીડિયામાં સુનિલ લહરીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સુનિલે લોકોને પ્રશ્ન કર્યો, કે આપણી સરકાર અન્ય દેશોમાં યુદ્ધો માટે કેવી રીતે જવાબદાર હોઈ શકે? આપણે કેવી રીતે સંડોવાયેલા? તેમણે કહ્યું, “હા, હું સંમત છું કે મધ્ય પૂર્વથી તેલ, ગેસ અને પેટ્રોલ આવવામાં કેટલાક વિલંબ થઈ રહ્યા છે, જે કિંમતોને નોંધપાત્ર રીતે અસર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો આપણે, કેટલાક બૌદ્ધિકોના પ્રભાવ હેઠળ, સરકારને દોષ આપવાનું શરૂ કરીએ, હડતાળ પર જઈએ અને બૂમો પાડવાનું શરૂ કરીએ, તો તેનો કોઈ ફાયદો થશે નહીં. ઉકેલ શોધવો વધુ સારું છે.”

અભિનેતાએ કહ્યું, “ગેસ સિલિન્ડર પહેલા એક મહિનો ચાલતા હતા, તેથી હવે તેમને દોઢ મહિના સુધી ચાલે તેવો પ્રયાસ કરો. ઓછા તેલમાં રાંધો, અને થોડો કાચો ખોરાક ખાઓ. આનાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે.” તેમણે પેટ્રોલ અને ડીઝલ બચાવવાની પણ સલાહ આપી. તેમણે કહ્યું, “અલગ અલગ વાહનો ચલાવવાને બદલે, એક જ દિશામાં મુસાફરી કરતા ત્રણ કે ચાર લોકોએ કાર અથવા બાઇક શેર કરવી જોઈએ. આનાથી ઇંધણની બચત થશે, તમારા પૈસા બચશે અને દેશને ફાયદો થશે. “તમારી બુદ્ધિનો ઉપયોગ કરો, ગેરમાર્ગે ન દોરો. તમારી અને તમારા પ્રિયજનોની સંભાળ રાખો. ખુશ રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય રામ જી.” કહી વીડિયોનું સમાપન કરે છે.

Gandhinagar : ગુજરાત વિધાનસભામાં પણ LPGની તંગી! સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીઓના ભોજન માટે ચૂલા પર બને છે રસોઈ

રાજ્યમાં વર્તાઈ રહેલી એલપીજી ગેસની કટોકટી હવે સચિવાલય અને વિધાનસભા સુધી પહોંચી ગઈ છે. ગુજરાત વિધાનસભાની સુરક્ષામાં તહેનાત પોલીસ જવાનો માટેના ભોજનાલયમાં છેલ્લા પાંચ દિવસથી ગેસ સિલિન્ડર ન હોવાને કારણે લાકડાં અને ચૂલા પર રસોઈ બનાવવાની નોબત આવી છે. સરકારના પૂરતા પુરવઠાના દાવાઓ વચ્ચે આ ઘટનાએ વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કર્યાં છે.

મળતી માહિતી અનુસાર, સચિવાલય પરિસરમાં સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલા આશરે 150થી 200 જેટલા પોલીસ જવાનો અને અધિકારીઓ માટે ભોજન તૈયાર કરતા કેટરિંગ યુનિટની હાલત કફોડી બની છે. છેલ્લા પાંચ દિવસથી ગેસની સપ્લાય ખોરવાતા કેટરિંગ સંચાલકોએ લાકડાં મંગાવીને કામચલાઉ ચૂલા પર રસોઈ શરૂ કરી છે. લાકડાં પર રસોઈ બનાવવામાં વધુ સમય લાગતો હોવાથી પોલીસ જવાનોને સમયસર ભોજન મળવામાં મુશ્કેલી પડી રહી છે. ખુલ્લામાં અને ધુમાડા વચ્ચે ભોજન બનતું હોવાથી તેની ગુણવત્તા પર પણ અસર પડી રહી છે.

ચોંકાવનારી બાબત એ છે કે, હજુ ગઈકાલે જ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે ‘રાજ્યમાં 16થી 18 દિવસ ચાલે તેટલો એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે.’ જો રાજ્યના હૃદય સમાન સચિવાલયમાં જ પોલીસના ભોજન માટે ગેસ ન મળતો હોય, તો સામાન્ય જનતાની હાલત કેવી હશે તે ચર્ચાનો વિષય બન્યો છે.

કેટરિંગ સર્વિસના સંચાલકોના જણાવ્યાનુસાર,, ગેસ સપ્લાય માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. સવારે વહેલા રસોઈ શરૂ કરવી પડે છે અને ધુમાડાને કારણે રસોઈયાઓને પણ સ્વાસ્થ્યની સમસ્યાઓ નડી રહી છે.

માત્ર સચિવાલય જ નહીં, રાજ્યભરની ગેસ એજન્સીઓ પર સિલિન્ડર માટે લાંબી કતારો જોવા મળી રહી છે. આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવવો જરૂરી છે, જેથી સામાન્ય લોકો તેમજ ભોજનાલયોને પડતી મુશ્કેલીઓનો અંત આવી શકે.