Home Blog Page 385

Gujarat : કીર્તિ પટેલને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાઈ, કોર્ટ કમ્પાઉન્ડમાં પહોંચતા જ રડવા લાગી

0

જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિના મેળા દરમિયાન મૃગીકુંડમાં નાગા સાધુઓ સાથે ભગવા ધારણ કરી, પોલીસ સાથે ગેરવર્તન કરવાના આરોપમાં ગઇકાલે 22 ફેબ્રુઆરીના રોજ કીર્તિ પટેલની રાજસ્થાનના ઉદયપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં જૂનાગઢ લાવી તેનું મેડિકલ ચેકઅપ કરી આજે 23 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જે દરમિયાન તે મીડિયાના કેમેરાને જોતાં જ મગરમચ્છના આસું વહાવવા લાગી હતી.

આ દરમિયાન સોશિયલ મીડિયામાં બેફામ નિવેદનો અને રૌફ જમાવતી કીર્તિ પટેલ ઢીબીઢબ પડી ગઈ હતી. કોર્ટ પરિસરમાં પોલીસની વાનમાંથી બહાર નીકળતા જે તે મીડિયા સમક્ષ આજીજી કરવા લાગી હતી. અને રડતાં રડતાં કહ્યું હતું કે, ‘તમે મને એમ ખેંચી ના શકો, મીડિયા હાજર રહે અને યોગ્ય ન્યાય કરે, મારા પર લાગેલા આરોપો ખોટા છે, મને ન્યાય મળવો જોઈએ’, આ બાદ પોલીસે તેને બોલવાથી અટકાવી દીધી હતી, કોર્ટની અંદર લઈ ગઈ હતી. પાંચ દિવસના રિમાન્ડ મેળવવાની પોલીસે તજવીજ હાથ ધરી છે.

ભવનાથના મેળાથી શરૂ થયેલો વિવાદ બંધ થવાનું નામ લેતો નથી. કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરતા તેને બહાર કાઢવા ઈન્દ્રભારથીએ અધિકારીઓને રજૂઆત કરી હતી. બાદમાં તેને બહાર કાઢવામાં આવી ત્યારે કીર્તિએ મહિલા પીઆઈ સાથે ગેરવર્તુણક કરી ફરજમાં રૂકાવટ કરી હોવાનો ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.

ત્યારબાદ પ્રભાસ-પાટણના નિરાલી ખોડિયાર આશ્રમના મહંત અને મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ આપતા કીર્તિ પટેલ સામે ભવનાથ પોલીસ સ્ટેશનમાં બીજો ગુનો દાખલ થયો હતો. આ તમામ ઘટનાક્રમ વચ્ચે તે ઈન્દ્રભારતી સામે ગંભીર આરોપ લગાવતા વીડિયો જાહેર કરતી હતી.

તેવામાં તા.20 ફેબ્રુઆરીની રાત્રે કીર્તિ પટેલ સામે 20 લાખની ખંડણી માંગવી અને જો ખંડણી ન આપે તો બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની તથા મારી નાખવાની ધમકી આપ્યાનો જૂનાગઢ તાલુકા પોલીસમાં અબઝલ સીડાએ ગુનો નોંધાવ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતા જૂનાગઢના ઉદ્યોગનગર પોલીસ મથકે કીર્તિ પટેલ સહિત દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ તમામ સામે ખંડણી, ધમકી અને આત્મહત્યાની દુષ્પ્રેરણાના પ્રયાસ હેઠળ તપાસ તેજ કરી હતી. આ કેસના ફરિયાદીએ કીર્તિ પટેલ પર આરોપ લગાવી ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, વારંવાર વિવાદોમાં આવતી કીર્તિ પટેલ સામે આ વખતે પોલીસ કડક કાર્યવાહી કરશે તેવા સંકેત છે.

Skin : ત્વચાની સુંદરતા માટે વરદાન છે મોરિંગા, ઘરે જ બનાવો આ નેચરલ ફેસ પેક અને મેળવો ચમકતો ચહેરો

0

આજના સમયમાં પ્રદૂષણ અને તણાવને કારણે ત્વચાની ચમક ગુમાવવી સામાન્ય વાત બની ગઈ છે. સુંદર દેખાવા માટે આપણે બજારમાં મળતા મોંઘા અને કેમિકલયુક્ત બ્યુટી પ્રોડક્ટ્સ પાછળ હજારો રૂપિયા ખર્ચીએ છીએ, પરંતુ ઘણીવાર તેનાથી ફાયદાને બદલે નુકસાન થાય છે. જો તમે કોઈ આડઅસર વગર કુદરતી રીતે ચમકતી ત્વચા મેળવવા માંગતા હોવ, તો મોરિંગા (સરગવો) તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

મોરિંગા (સરગવો) કેમ છે ત્વચા માટે શ્રેષ્ઠ?
મોરિંગાને ‘મિરેકલ ટ્રી’ કહેવામાં આવે છે. તેમાં રહેલા પોષક તત્વો કોઈપણ મોંઘી સ્કિન કેર પ્રોડક્ટને ટક્કર આપી શકે છે.

વિટામિન A: કોલેજનના ઉત્પાદનમાં મદદ કરે છે, જે ત્વચાને ટાઈટ રાખે છે.

વિટામિન C: ચહેરાના કાળા ડાઘ દૂર કરી કુદરતી નિખાર લાવે છે.

વિટામિન E: ત્વચાને અંદરથી હાઇડ્રેટ રાખે છે અને નરમાશ આપે છે.

એન્ટીઑકિસડન્ટ: ત્વચાના કોષોને થતા નુકસાનને અટકાવે છે અને યુવાન રાખે છે.

મોરિંગા ફેસ પેક બનાવવાની રીત

આ ફેસ પેક બનાવવો ખૂબ જ સરળ છે અને તે ઘરે જ ઉપલબ્ધ વસ્તુઓથી બની જાય છે.

સામગ્રી:

1 ચમચી મોરિંગા પાઉડર (સરગવાના સૂકા પાનનો પાઉડર)

1 ચમચી તાજું દહીં

1 ચમચી મધ

અડધી ચમચી ગુલાબજળ

બનાવવાની પદ્ધતિ:

એક નાના બાઉલમાં ઉપરની બધી સામગ્રી મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવો. જો પેસ્ટ વધુ ઘટ્ટ લાગે તો થોડું વધારે ગુલાબજળ ઉમેરી શકાય છે.

ઉપયોગ કરવાની રીત:

સૌ પ્રથમ ચહેરાને સાદા પાણીથી ધોઈ લો.હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર સમાન રીતે લગાવો.10 થી 15 મિનિટ સુધી તેને સુકાવા દો.ત્યારબાદ હળવા હાથે મસાજ કરીને ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખો. શ્રેષ્ઠ પરિણામ માટે અઠવાડિયામાં બે વાર આ પ્રયોગ કરો.

આ ફેસ પેક લગાવવાના અદભૂત ફાયદા

  1. એન્ટી-એજિંગ (Anti-aging): મોરિંગામાં રહેલા ગુણો ચહેરા પરની ઝીણી રેખાઓ અને કરચલીઓ ઘટાડે છે, જેનાથી તમે લાંબા સમય સુધી યુવાન દેખાઓ છો.
  2. ખીલ અને ડાઘથી મુક્તિ: તે ત્વચાને અંદરથી સાફ કરે છે (Detox), જે ખીલ થતા અટકાવે છે અને જૂના ડાઘને આછા કરે છે.
  3. કુદરતી ગ્લો: તે લોહીને સાફ કરવામાં અને ત્વચાના ટેક્સચરને સુધારવામાં મદદ કરે છે, જેનાથી ચહેરો તેજસ્વી બને છે.

Entertainment : રશ્મિકા-વિજય ઉદયપુર પહોંચ્યા, રોયલ વેડિંગ પહેલાની તસવીરો આવી સામે, સ્ટાઇલિશ લુકમાં જોવા મળી દુલ્હન

0

સાઉથ સિનેમાનું સૌથી ફેવરિટ અને પાવર કપલ ગણાતા વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના આખરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લાંબા સમયની ડેટિંગની અફવાઓ બાદ, આ કપલે સોશિયલ મીડિયા પર પોતાની વેડિંગને ‘Virosh'(વિરોશ) ટાઈટલ આપીને સત્તાવાર રીતે લગ્નની જાહેરાત કરી દીધી છે. હાલમાં જ આ જોડી ઉદયપુરમાં પોતાના શાહી લગ્ન માટે એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યાં બંનેનો અંદાજ ચાહકોના દિલ જીતી રહ્યો છે.

એરપોર્ટ પર ‘બ્રાઈડ ટુ બી’ રશ્મિકા મંદાનાનો લુક ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. રશ્મિકાએ ટ્રેડિશનલ કપડાંને બદલે બ્લુ કલરના સૂટ-બૂટમાં બોસી લુક સાથે સ્ટાઇલિશ એન્ટ્રી કરી હતી. બ્લેઝર, વ્હાઇટ શર્ટ અને ફ્લેયર્ડ પેન્ટ્સમાં તે ખૂબ જ કોન્ફિડન્ટ લાગતી હતી. તેના ચહેરા પર લગ્નનો ગ્લો દેખાઈ રહ્યો હતો. ખાસ વાત એ હતી કે એરપોર્ટ પર પેપ્સને જોઈને રશ્મિકાએ હાથ જોડીને નમસ્તે કર્યું હતું, તેના આ સંસ્કારી અંદાજે સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધા છે. મિનિમલ જ્વેલરી, બ્લેક સનગ્લાસ અને મરૂન હીલ્સ સાથે તેણે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

બીજી તરફ, ‘દૂલ્હે રાજા’ વિજય દેવરકોંડા પણ પોતાના સ્વેગમાં જોવા મળ્યો હતો. વિજયે વ્હાઇટ શર્ટ પર બ્લેક લેધર જેકેટ અને બ્લેક પેન્ટ પહેરીને કુલ લુક ધારણ કર્યો હતો. ચશ્મા અને મૂછોના તાણ સાથે વિજયનો અંદાજ એકદમ શાનદાર લાગતો હતો. વિજયની સાથે તેનો ભાઈ આનંદ દેવરકોંડા અને તેના પિતા પણ ઉદયપુર પહોંચ્યા છે. આનંદે પણ બ્લેક જેકેટ અને ગ્રીન ટી-શર્ટમાં ભાઈ જેવો જ સ્ટાઇલિશ લુક રાખ્યો હતો.

આ શાહી લગ્નના ફંક્શન આવતીકાલે એટલે કે 24 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 26 ફેબ્રુઆરીએ આ કપલ સાત ફેરા લેશે. આ લગ્નમાં પરિવારના સભ્યો ઉપરાંત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક દિગ્ગજ સિતારાઓ હાજરી આપે તેવી શક્યતા છે. વિજય અને રશ્મિકાના લગ્નને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.

Sports : સાઉથ આફ્રિકા સામે પરાજય બાદ સ્ટાર ખેલાડીઓનું ટીમ ઈન્ડિયામાંથી કપાશે પત્તું! સહાયક કોચે આપ્યા સંકેત

0

સુપર-8માં સાઉથ આફ્રિકા સામે 76 રને ભારતીય ટીમની હાર થઈ. ટીમ મેનેજમેન્ટ એક આઉટ-ઑફ-ફોર્મ બેટરને બહાર કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. તેવામાં સાઉથ આફ્રિકા સામે પરાજય બાદ સ્ટાર ખેલાડીઓનું ટીમ ઈન્ડિયામાંથી પત્તું કપાઈ શકે છે. આ મામલે મુખ્ય કોચ ગૌતમ ગંભીરના સહાયક કોચ રેયાન ટેન ડેશકાટે અને બેટર કોચ સિતાંશુ કોટક સંકેત આપ્યા છે કે, આગામી મેચમાં પ્લેઈંગ-11માં ફેરફાર થશે. ભારતને હવે સુપર-8માં 26 ફેબ્રુઆરીએ જિમ્બાબ્વે સામે ચેન્નાઈમાં અને 1 માર્ચે કોલકાતામાં વેસ્ટઈન્ડીઝ સામે રમશે.

સુપર-8માં સાઉથ આફ્રિકા સામે હાર બાદ ટોપ ઓર્ડરને લઈને સવાલો ઉઠ્યા છે. અભિષેક શર્માએ ચાર મેચમાં માત્ર 15 રન કર્યા છે. તિલક વર્માએ 5 મેચમાં 107 રન છે, પરંતુ સ્ટ્રાઈક રેટ 118 છે. ફિનિશર રિંકુ સિંહએ 29 બોલમાં 24 રન કરવાની સાથે 82.75 સ્ટ્રાઈક રેટ છે. તેવામાં ટીમ મેનેજમેન્ટ પાસે ફેરફારને લઈને વિચાર કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.

બેટર કોચ સિતાંશુ કોટકે સ્પષ્ટ કહ્યું કે, ‘જો હેડ કોચ અને ટીમ મેનેજમેન્ટને લાગે છે કે આપણે કાંઈક અલગ કરવું પડશે તો અમે ફેરફાર કરીશું. અત્યારે આપણે વિચારવું પડશે કે શું બદલીએ અને કઈ રીતે. આમ, એ નક્કી કરવું પડશે કે પહેલાની ટીમ પ્રમાણે ચાલીએ કે કોઈ નવી યોજના બનાવીએ.’

સહાયક કોચ રેયાન ટેન ડેશકાટેએ સંકેત આપ્યા કે, ડાબા-જમણા હાથના બેટરના સંતુલન પર પણ ચર્ચા થઈ રહી છે. તેમણે કહ્યું કે, ‘ છેલ્લા 18 મહિનામાં સારું પ્રદર્શન કરનારા ખેલાડી સાથે કન્ટીન્યૂ કરીએ કે પછી સંજુને મોકો આપીએ. સંજુ એક શાનદાર ખેલાડી છે અને તે ટોપ ઓર્ડરમાં જમણા હાથનો વિકલ્પ છે. આગામી બે મેચ પહેલા આ મામલો ચોક્કસપણે ચર્ચાનો વિષય રહેશે.’

ડેશકાટેના નિવેદન બાદ સંભાવના છે કે, સુપર-8ની આગામી બે મેચમાં અભિષેક કે તિલકની જગ્યાએ સંજુ સેમસનને ફરી એકવાર પ્લેઈંગ-11માં સામેલ કરી શકે છે. ટીમમાં બેકઅપ બેટરની અછત પણ ચિંતાનો વિષય છે. જમણા હાથના બેટરને સામેલ કરી ટોપ ઓર્ડરની એકરૂપતા તોડી શકાશે. રિંકુ સિંહને લઈને સહાયક કોચે કહ્યું કે, ‘7-8 નંબર પર બેટિંગ કરવી એ મુશ્કેલ છે. રિંકુને વધુ મોકો નથી મળ્યો, પરંતુ હવે સમય પ્રદર્શનનો છે.’

ટેન ડેશકાટેએ અભિષેકની તૈયારીઓ પર પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું, ‘હું અભિષેક માટે બહાનું નહીં બનાવું, પરંતુ ફૂડ પોઇઝનિંગથી તેની તૈયારીઓ પર અસર પડી છે. જ્યારે તમે ત્રણ વખત શૂન્ય પર આઉટ થાઓ છો, ત્યારે દબાણ વધવું સ્વાભાવિક છે. તિલક વર્મા પણ અપેક્ષા મુજબ સારો સ્કોર કરી રહ્યો નથી.’ જ્યારે કોચ સિતાંશુ કોટકનું માનવું છે કે, વધુ પડતી સલાહ આપવાથી વિપરીત પરિણામ આવી શકે છે.

Jetpur : 5 વર્ષની માસૂમ બાળકી સાથે પડોશીએ આચર્યું દુષ્કર્મ

0

રાજકોટ જિલ્લાના જેતપુરમાં પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે પડોશમાં રહેતા શખ્સે દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. માસૂમની એકલતાનો લાભ લઈને આચરવામાં આવેલા આ જઘન્ય અપરાધને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભોગ બનનાર પાંચ વર્ષીય માસૂમ બાળકી પડોશમાં રહેતા જીતેન્દ્ર ભોજાણી નામના શખ્સના ઘરે રમવા ગઈ હતી.

આ દરમિયાન નરાધમે બાળકીની એકલતાનો લાભ લીધો હતો. આરોપીએ માસૂમ બાળકીને ‘કપડાં ઉતારવાની રમત’ રમવાનું કહી તેની સાથે હેવાનીયત આચરી હતી. જ્યારે બાળકીએ ઘરે જઈને તેની માતાને આખી ઘટનાની જાણ કરી, ત્યારે આ ભયાનક સત્ય સામે આવ્યું હતું. બાળકીની માતાએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.

ઉદ્યોગનગર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી જીતેન્દ્ર ભોજાણીની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટની કલમો સહિત દુષ્કર્મની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં માસૂમ બાળકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. પોલીસે આરોપીને કડકમાં કડક સજા થાય તે દિશામાં પુરાવા એકત્રિત કરવાની તજવીજ શરૂ કરી છે.

Ahmedabad : હસ્તકલાના શ્રેષ્ઠ નમૂના જયાં મળે છે, રોશનીનો હોય છે ઝગમગાટ, જાણો અમદાવાદના આ ધમધમતા બજાર

0

અમદાવાદમાં 615માં સ્થાપના દિવસની ઉજવણીની તૈયારી થઈ રહી છે. ત્યારે શહેરમાં એવા બજાર વિશે જાણીએ જે હંમેશા ધમધમતા રહે છે. અમદાવાદમાં આ બજારમાં સસ્તા, મોઘા અને ફેશનબેલ વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ છે. અમદાવાદના કોટ વિસ્તાર એટલે જૂના શહેરમાં એવા બજાર છે જયાં તમને તમામ પ્રકારની વસ્તુઓ મળી રહેશે. શહેરમાં પોળની આસપાસના બજારો પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. ભલે તે રમકડા બજાર હોય કે પછી લાઈટ બજાર. આ બજાર આજે પણ લોકોની ચહલપહલથી ધમધમતા છે. આખું શહેર ખૂંદીવળો છતાંય અંહીયા મળે તેવી વસ્તુ તમને ભાગ્યે જ કયાંય જોવા મળશે. જાણો આ બજારની વિશેષતા.

રમકડા બજાર અને વિશેષતા :

અમદાવાદનું સૌથી જૂનું અને જાણીતું રમકડા બજાર તીન દરવાજા અને ખાડિયા વિસ્તારની વચ્ચે આવેલું છે. આ બજારમાં હંમેશા તમને ભીડ જોવા મળશે. આ બજાર મુખ્યત્વે તીન દરવાજાથી આગળ વધતા પાનકોર નાકા અને ટંકશાળ રોડની પાસે છે. તેને ‘રામકડા માર્કેટ’ તરીકે જ ઓળખવામાં આવે છે.

વિશેષતા : આ બજારમાં લાકડાના પરંપરાગત રમકડાં (જેમ કે ઈડરના રમકડાં), પાંચિયા, ઘોડિયા, અને બાળકો માટેના આધુનિક પ્લાસ્ટિક તેમજ ઈલેક્ટ્રોનિક રમકડાં હોલસેલ અને રીટેલ ભાવે મળે છે. અહીંની ‘રામકડા પોળ’ તેના લાકડાના હસ્તકલાના નમૂનાઓ અને દાંડિયા માટે પણ ખૂબ પ્રખ્યાત છે. નવરાત્રી દરમિયાન અહીં દાંડિયાની મોટી બજાર ભરાય છે.

લાઈટ બજાર અને વિશેષતા

અમદાવાદનું સૌથી મોટું લાઈટ અને ઈલેક્ટ્રિકલ વસ્તુઓનું બજાર ગાંધી રોડ અને રિલીફ રોડ પર આવેલું છે. લાલ દરવાજાથી ગાંધી રોડ તરફ જતાં અને પાનકોર નાકા પાસે આખું ઈલેક્ટ્રિક બજાર આવેલું છે. અહીંની સાંકડી ગલીઓમાં અને પોળોના નાકે અનેક શોરૂમ્સ અને દુકાનો છે.

વિશેષતા : અહીં દરેક પ્રકારની ફેન્સી લાઈટ્સ, ઝુમ્મર, દિવાળી કે લગ્નપ્રસંગે વપરાતી ડેકોરેટિવ સીરીઝ, LED પેનલ્સ અને ઘરવખરીની ઈલેક્ટ્રિક વસ્તુઓ મળે છે.દિવાળીના સમયે આખું બજાર રોશનીથી ઝળહળી ઉઠે છે. અહીં હોલસેલ ભાવે લાઈટિંગ મળતું હોવાથી આખા ગુજરાતમાંથી લોકો અહીં ખરીદી કરવા આવે છે.

બજારમાં મુલાકાત લેવા માટે ઉપયોગી ટિપ્સ:

રમકડા બજાર અને લાઈટ બજાર એવા વિસ્તારમાં છે જયાં રસ્તા ખૂબ જ સાંકડા હોવાથી અહીં ટ્રાફિકની સમસ્યા રહે છે. જો તમે ત્યાં જવા માગતા હોવ તો કારને બદલે ટુ-વ્હીલર અથવા રિક્ષામાં જવું વધુ અનુકૂળ રહેશે. સામાન્ય રીતે આ બજારો સવારે 11.00 વાગ્યા થી રાત્રે 8:૦૦ થી 9:૦૦ વાગ્યા સુધી ધમધમતા હોય છે. જો કે અમુક હોલસેલ દુકાનો રવિવારે બંધ હોય છે. ઘરમાં પ્રસંગ હોય કે પછી શુભકાર્ય માટે લોકો આ બજારમાંથી જરૂર ખરીદી કરતા હોય છે.

Rajkot : જામખંભાળિયા-દ્વારકા નેશનલ હાઇવે પર અકસ્માત, અજાણ્યા વાહનની ઠક્કરે મહિલા પદયાત્રીનું મોત

0

હોળી-ધૂળેટીના પર્વે દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહેલા પદયાત્રીઓ માટે જામખંભાળિયા-દ્વારકા નેશનલ હાઇવે અકસ્માત સંભવિત બન્યો છે. રાજકોટથી સંઘ સાથે પદયાત્રા કરી રહેલા એક મહિલા પદયાત્રીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ અકસ્માત સર્જી વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, આગામી ફૂલડોલ ઉત્સવ નિમિત્તે રાજકોટથી પદયાત્રીઓનો એક સંઘ દ્વારકા તરફ જઈ રહ્યો હતો. આ સંઘમાં સામેલ એક મહિલા પદયાત્રી જ્યારે જામખંભાળિયા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર એટલી ભીષણ હતી કે મહિલા પદયાત્રી રોડ પર પટકાતા તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે સંઘના અન્ય પદયાત્રીઓ અને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલા અથવા સારવાર મળે તે પૂર્વે જ તેમણે દમ તોડ્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે (23મી ફેબ્રુઆરી) અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ બાદ સિંધુ ભવન રોડ, ગોતા, ચાંદલોડિયા અને એસ.જી. હાઈવે જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા. શિયાળના અંતે અને ઉનાળાની શરૂઆતમાં માવઠું થતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. મહત્વનું છે કે, આજે અમદાવાદના દરેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે રાજ્યમાં વાવાઝોડા જેવી સ્થિતિ સાથે માવઠાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠા થઇ શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, તાપી, સુરત, નર્મદા અને છોટાઉદેપુરમાં પવન સાથે હળવા ઝાપટાંની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદની પૂરેપૂરી શક્યતા છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આગામી 24 ફેબ્રુઆરીથી રાજ્યમાં હવામાન પલટાશે અને વાતાવરણ મુખ્યત્ત્વે સૂકું રહેવાની શક્યતા છે. જોકે, તાપમાનમાં વધ-ઘટ ચાલુ રહેશે, જેમાં બપોરના સમયે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 18થી 20 ડિગ્રીની વચ્ચે રહેશે. હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનું જોર ફરી થોડું વધી શકે છે, આમ લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડશે.

ઉલ્લેખનીય છેકે, આજે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં કમોસમી વરસાદનો ભારે માર જોવા મળ્યો હતો. શિનોર, માલસર અને દામાપુરા ગામોમાં જોરદાર વરસાદ પડ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. જ્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને જંબુસર સહિતના તાલુકાઓમાં તેજ ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.

માવઠાની આગાહીને પગલે ખેડૂતોના પાકને નુકસાની પહોંચવાની ભીતિ છે. જેમાં કમોસમી વરસાદને કારણે ઊભા પાક અને લણણી કરેલા પાકને નુકસાનની શક્યતા છે, ત્યારે પાકની કાપણી કરી લીધી હોય અને પાક ખેતરમાં ઢાંક્યા વિના પડ્યો હોય તેવા ખેડૂતોએ ત્વરિત ધોરણે પોતાના ખેત ઉત્પાદિત પાકને સલામત સ્થળે ખસેડવા. જો પાક ખસેડવો શક્ય ન હોય, તો તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો. વધુમાં વાદળછાયા અને વરસાદી વાતાવરણ દરમિયાન જંતુનાશક દવાઓનો છંટકાવ તેમજ ખાતરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

National : લાલ કિલ્લા અને દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની જૂથના નામે આવ્યો ઈમેઇલ

0

દિલ્હી પોલીસને આજે(23 ફેબ્રુઆરી) દિલ્હી વિધાનસભા અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેઇલ મળ્યો. આ ધમકી કથિત રીતે ખાલિસ્તાની જૂથના નામે મોકલવામાં આવી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓને સતર્ક કરવામાં આવી હતી. ધમકી મળતાં જ દિલ્હી વિધાનસભા સંકુલમાં સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારની સંપૂર્ણ તપાસ કરી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.

દિલ્હી પોલીસે કહ્યું કે, સર્ચ ઓપરેશનમાં કોઈ ખતરનાક કે હાનિકારક વસ્તુ નથી મળી, તેમ છતાં તકેદારીના ભાગરૂપે તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે. ધમકીભર્યા ઈમેઇલની તપાસ કરાઈ રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે કે તેને કોણે અને ક્યાંથી મોકલ્યો. કેસને ગંભીરતાથી લેતા સાયબર સેલ પણ તપાસમાં લાગી છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે, પરિસ્થિતિ પર સંપૂર્ણ નજર રખાઈ રહી છે.

આ સિવાય દિલ્હીની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેને લઈને આસપાસના વિસ્તારોમાં હડકંપ મચી ગયો છે. બોમ્બની ધમકી મળતાં જ ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી. તેની સાથે સ્કૂલ તંત્ર દ્વારા તાત્કાલિક બાળકોને સુરક્ષિત બહાર લવાયા. જોકે, બોમ્બ સ્ક્વોડ તપાસમાં લાગી છે અને હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

National : ભારતમાં AI ની સાઈડ ઈફેક્ટ દેખાઈ, જાણીતી કંપનીએ 1000 કર્મચારીઓની છટણી કરી

0

એઆઈને કારણે વર્ષ 2025માં વૈશ્વિક ધોરણે 55000થી વધુ કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી. એમેઝોન, માઈક્રોસોફ્ટ, યુપીએસ, પિન્ટરેસ્ટ, આઈબીએમ, મેટા, ઈન્ટેલ જેવી કંપનીઓએ સ્ટાફમાં ઘટાડો કર્યો છે. હવે, આ લિસ્ટમાં ભારતીય હોમ ઇન્ટીરિયર પ્લેટફોર્મ લિવસ્પેસ જોડાઈ ગયું છે. તેમણે એઆઈ અપનાવીને લગભગ 1000 કર્મચારીઓની છટણી કરી છે. કંપનીના કો-ફાઉન્ડર સૌરભ જૈને પણ પદ છોડયું છે.

લિવસ્પેસમાં છેલ્લા છ મહિનાથી તબક્કાવાર રીતે છટણી કરવામાં આવી છે. જેમાં, ડિઝાઇન, સેલ્સ, ઓપરેશન્સ અને માર્કેટિંગ સહિતના અનેક વિભાગોને અસર થઈ છે. છટણી પહેલાં લિવસ્પેસમાં અંદાજે 7000 થી 8000 કર્મચારીઓ કાર્યરત હતા.કંપનીના જણાવ્યા અનુસાર, કંપનીમાં છટણીનું પગલું ખર્ચ ઘટાડા માટે નહીં પરંતુ કંપનીના લાંબા ગાળાના વિકાસ અને કાર્યક્ષમતા વધારવા માટે લેવામાં આવ્યું છે. લિવસ્પેસમાં અનેક કામ ઓટોમેશન અને એઆઈ સિસ્ટમ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

એઆઈના ઉપયોગથી કંપનીમાં ડિઝાઈન આધારિત ૩-ડી વિઝયુલાઈઝેશનનો સમય બચી રહ્યો છે, સેલ્સમાં વોઈસ બોટની સાથે ઓટોમેટેડ લીડ મેનેજમેન્ટનો ઉપયોગ, ઓપરેશન્સમાં પ્રોજેક્ટ ટ્રેકિંગ અને સપ્લાય ચેઇન માટે પ્રિડિક્ટિવ એઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કંપનીએ જણાવ્યું કે નવા મોડલથી ગ્રાહકોને વધુ ઝડપી અને ગુણવત્તાસભર સેવાઓ આપવામાં મદદ મળશે.

લિવસ્પેસની છટણી વચ્ચે તેના નાણાકીય પરિણામોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. 2025ના નાણાકીય વર્ષમાં કંપનીની આવક રૂપિયા 1460 કરોડ રહી હતી. જે કંપની નફા તરફ વધી રહી હોવાનું જણાવે છે. જાણકારોના મતે, લિવસ્પેસનો નિર્ણય વૈશ્વિક સ્તરે વધી રહેલા ટ્રેન્ડનો હિસ્સો છે. જેમાં, કંપનીઓ કાર્યક્ષમતા વધારવા માટે એઆઈ અને ઓટોમેશનનો ઉપયોગ કરી રહી છે.

National : તિરૂપતિ મંદિર લાડુ વિવાદ મુદ્દે સુબ્રમણ્યમ સ્વામીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘જરૂરી પુરાવા નથી’

0

તિરુપતિના વિશ્વપ્રસિદ્ધ તિરુમાલા મંદિરમાં પ્રસાદના લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં કથિત ભેળસેળના મામલે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા SIT રિપોર્ટની તપાસ માટે એક સભ્યની સમિતિ રચવાના નિર્ણયને પડકાર્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વહીવટી તપાસ અને ગુનાઇત કાર્યવાહી બંને અલગ-અલગ છે અને તે કાયદા મુજબ સાથે ચાલી શકે છે.

સુપ્રી કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે જણાવ્યું હતું કે, આ અરજીમાં પૂરતા આધારનો અભાવ છે. કોર્ટના મતે, રાજ્ય સરકારની સમિતિની તપાસ અને પોલીસની ગુનાઇત તપાસનો વ્યાપ સ્પષ્ટપણે અલગ છે, તેથી બંને પ્રક્રિયા એકબીજામાં દખલ કરશે નહીં. આ આદેશ સાથે હવે આંધ્ર સરકારની તપાસ સમિતિ પોતાની કામગીરી ચાલુ રાખી શકશે, જે મંદિરના વહીવટમાં રહેલી ક્ષતિઓ તપાસશે.

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસમાં અત્યંત ગંભીર વિગતો સામે આવી છે. તપાસ મુજબ, ભગવાન વેંકટેશ્વરના મંદિરમાં જે વસ્તુને ‘શુદ્ધ ઘી’ કહીને વેચવામાં આવી હતી, તે હકીકતમાં કેમિકલ પ્રોસેસ કરેલું પામોલિન તેલ અને અન્ય પદાર્થોનું મિશ્રણ હતું. આ ભેળસેળ માત્ર ધાર્મિક આસ્થા સાથે છેડછાડ નથી, પરંતુ મોટા આર્થિક કૌભાંડ તરફ પણ ઈશારો કરે છે.

આ મામલે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સક્રિય થયું છે. ટીટીડી (TTD) ચેરમેન બી. આર. નાયડુના જણાવ્યા અનુસાર, અગાઉની સરકારના કાર્યકાળ દરમિયાન મંદિરમાં અંદાજે 60 લાખ કિલો ભેળસેળિયું ઘી સપ્લાય કરવામાં આવ્યું હતું, જેની કિંમત આશરે Rs. 250 કરોડ થાય છે. ED હવે તપાસ કરી રહી છે કે આટલી મોટી રકમનો વ્યવહાર કેવી રીતે થયો. એજન્સીને શંકા છે કે આ પૈસાના વ્યવહારમાં હવાલા નેટવર્કનો ઉપયોગ થયો હોઈ શકે છે.

આ વિવાદ સપ્ટેમ્બર 2024માં ત્યારે શરૂ થયો જ્યારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે જગન મોહન રેડ્ડીની સરકાર વખતે તિરુપતિના પવિત્ર લાડુ બનાવવામાં જાનવરોની ચરબીનો ઉપયોગ થયો હતો. આ મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને કરોડો ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી હતી. આ સમગ્ર ઘટનામાં મંદિરની પવિત્રતા જાળવવાનું મહત્ત્વ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે.