Home Blog Page 386

National : તિરૂપતિ મંદિર લાડુ વિવાદ મુદ્દે સુબ્રમણ્યમ સ્વામીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘જરૂરી પુરાવા નથી’

0

તિરુપતિના વિશ્વપ્રસિદ્ધ તિરુમાલા મંદિરમાં પ્રસાદના લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં કથિત ભેળસેળના મામલે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા SIT રિપોર્ટની તપાસ માટે એક સભ્યની સમિતિ રચવાના નિર્ણયને પડકાર્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વહીવટી તપાસ અને ગુનાઇત કાર્યવાહી બંને અલગ-અલગ છે અને તે કાયદા મુજબ સાથે ચાલી શકે છે.

સુપ્રી કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે જણાવ્યું હતું કે, આ અરજીમાં પૂરતા આધારનો અભાવ છે. કોર્ટના મતે, રાજ્ય સરકારની સમિતિની તપાસ અને પોલીસની ગુનાઇત તપાસનો વ્યાપ સ્પષ્ટપણે અલગ છે, તેથી બંને પ્રક્રિયા એકબીજામાં દખલ કરશે નહીં. આ આદેશ સાથે હવે આંધ્ર સરકારની તપાસ સમિતિ પોતાની કામગીરી ચાલુ રાખી શકશે, જે મંદિરના વહીવટમાં રહેલી ક્ષતિઓ તપાસશે.

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસમાં અત્યંત ગંભીર વિગતો સામે આવી છે. તપાસ મુજબ, ભગવાન વેંકટેશ્વરના મંદિરમાં જે વસ્તુને ‘શુદ્ધ ઘી’ કહીને વેચવામાં આવી હતી, તે હકીકતમાં કેમિકલ પ્રોસેસ કરેલું પામોલિન તેલ અને અન્ય પદાર્થોનું મિશ્રણ હતું. આ ભેળસેળ માત્ર ધાર્મિક આસ્થા સાથે છેડછાડ નથી, પરંતુ મોટા આર્થિક કૌભાંડ તરફ પણ ઈશારો કરે છે.

આ મામલે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સક્રિય થયું છે. ટીટીડી (TTD) ચેરમેન બી. આર. નાયડુના જણાવ્યા અનુસાર, અગાઉની સરકારના કાર્યકાળ દરમિયાન મંદિરમાં અંદાજે 60 લાખ કિલો ભેળસેળિયું ઘી સપ્લાય કરવામાં આવ્યું હતું, જેની કિંમત આશરે Rs. 250 કરોડ થાય છે. ED હવે તપાસ કરી રહી છે કે આટલી મોટી રકમનો વ્યવહાર કેવી રીતે થયો. એજન્સીને શંકા છે કે આ પૈસાના વ્યવહારમાં હવાલા નેટવર્કનો ઉપયોગ થયો હોઈ શકે છે.

આ વિવાદ સપ્ટેમ્બર 2024માં ત્યારે શરૂ થયો જ્યારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે જગન મોહન રેડ્ડીની સરકાર વખતે તિરુપતિના પવિત્ર લાડુ બનાવવામાં જાનવરોની ચરબીનો ઉપયોગ થયો હતો. આ મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને કરોડો ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી હતી. આ સમગ્ર ઘટનામાં મંદિરની પવિત્રતા જાળવવાનું મહત્ત્વ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે.

Ahmedabad : ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં માવઠું, આગામી 24 કલાક વાવાઝોડા જેવી સ્થિતિની આગાહી

0

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે (23મી ફેબ્રુઆરી) અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ બાદ સિંધુ ભવન રોડ, ગોતા, ચાંદલોડિયા અને એસ.જી. હાઈવે જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા. શિયાળના અંતે અને ઉનાળાની શરૂઆતમાં માવઠું થતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. મહત્વનું છે કે, આજે અમદાવાદના દરેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે રાજ્યમાં વાવાઝોડા જેવી સ્થિતિ સાથે માવઠાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠા થઇ શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, તાપી, સુરત, નર્મદા અને છોટાઉદેપુરમાં પવન સાથે હળવા ઝાપટાંની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદની પૂરેપૂરી શક્યતા છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આગામી 24 ફેબ્રુઆરીથી રાજ્યમાં હવામાન પલટાશે અને વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા છે. જોકે, તાપમાનમાં વધ-ઘટ ચાલુ રહેશે, જેમાં બપોરના સમયે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 18થી 20 ડિગ્રીની વચ્ચે રહેશે. હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનું જોર ફરી થોડું વધી શકે છે, આમ લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડશે.

ENTERTAINMENT : યશની ‘Toxic’ માં જોવા મળશે ટીવી ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી, જાણો કોણ છે આ રૂપસુંદરી

0

યશના ઘણા ચાહકો તેમની ફિલ્મ “ટોક્સિક” ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. યશ KGF 2 પછી કોઈ પણ ફિલ્મમાં દેખાયો નથી. ચાર વર્ષ પછી યશ “ટોક્સિક” સાથે મોટા પડદા પર પાછા ફરવા માટે તૈયાર છે. આ ફિલ્મને લઈને યશ ઘણા દિવસથી હેડલાઈનમાં છે. હાલમાં ફરી “ટોક્સિક” ને લઈને એક નવી અપડેટ સામે આવી છે. આ ફિલ્મમાં ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી એકસાથે જોવા મળશે ત્યારે ટીવી ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રીં પણ આ ફિલ્મમાં જોડાઈ હોવાનું સામે આવ્યું છે. ટીવી ઇન્ડસ્ટ્રીની રૂપસુંદર સંજીદા શેખ ટોક્સિકની હિસ્સો બની હોવાની ચર્ચા છે.

નિર્માતાઓએ તાજેતરમાં જ ફિલ્મનો ટીઝર વિડીયો રિલીઝ કર્યો છે. હવે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ફિલ્મનો એક ટ્રેક રિલીઝ કરશે. આ બધા વચ્ચે હાલમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ હેડલાઇન્સમાં છે. હવે, આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. અહેવાલો અનુસાર, પ્રખ્યાત ટીવી અભિનેત્રી સંજીદા શેખ પણ ટોક્સિકની કાસ્ટમાં જોડાઈ ગઈ છે. બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી કિયારા અડવાણી બાદ સંજીદા શેખ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મમાં સંજીદા કેમિયો કરશે, તેની ભૂમિકા ફિલ્મની વાર્તા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સંજીદાના કરિયરમાં આ ફિલ્મ એક નવો વળાંક લાવી શકે છે.

20 ફેબ્રુઆરીના રોજ, નિર્માતાઓએ ફિલ્મનો ટીઝર વિડીયો રિલીઝ કર્યો, જેને વ્યાપક પ્રેમ મળ્યો અને તેનાથી વધુ ઉત્સાહ વધ્યો. હવે, એવું કહેવામાં આવી રહ્યું છે કે નિર્માતાઓ ફિલ્મનું એક ગીત રિલીઝ કરશે. ગીતુ મોહનદાસ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મમાં યશ સાથે કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી, તારા સુતારિયા અને રુક્મિણી વસંત પણ મુખ્ય ભૂમિકામાં છે. યશની ફિલ્મમાં અભિનેત્રીઓનો જમાવડો કહી શકાય. આ ફિલ્મ રણવીરની ધુરંધર-2 સાથે જ 19 માર્ચના રોજ રિલીઝ થશે તેવી ચર્ચા છે. યશને આ ફિલ્મ માટે ઘણી આશાઓ છે. બોક્સઓફિસ પર ધુરંધર-2 અને ટોક્સિકની ટક્કર જોવા મળશે.

Jammu Kashmir : ગોળી વાગી પણ ડર્યો નહીં! લોહીલુહાણ હાલતમાં આર્મી ડોગ ટાયસને આતંકવાદીઓને દબોચી જવાનોની કરી રક્ષા

0

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સામે ચાલેલા એક ભીષણ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના જવાનોની સાથે એક અબોલ સાથીએ પણ બહાદુરીનો પરિચય આપ્યો છે. સુરક્ષાબળોના સર્ચ ઓપરેશન દરમિયાન આર્મીના ડોગ સ્ક્વોડના સભ્ય ‘ટાયસને’ પોતાના જીવની પરવા કર્યા વગર જવાનોનો જીવ બચાવ્યો હતો. આ ઓપરેશનમાં સુરક્ષાબળોએ જેશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડર સૈફુલ્લા સહિત ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. આ સફળતામાં ટાયસનનું યોગદાન અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે, કારણ કે તેણે પોતાની ઉપર પહેલી ગોળી ઝીલીને આતંકીઓના લોકેશન શોધવામાં મદદ કરી હતી.

કિશ્તવાડના પાસરકુટ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ ભારતીય સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં આતંકીઓના અડ્ડા સુધી પહોંચવાની જવાબદારી ટાયસનને સોંપવામાં આવી હતી. જેવી ટીમ આગળ વધી કે તરત જ આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરુ કરી દીધું હતું. આ દરમિયાન ટાયસનના પગમાં ગોળી વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો, પરંતુ ઘાયલ હોવા છતાં તે પીછેહઠ કરવાને બદલે આગળ વધતો રહ્યો અને જવાનોને આતંકીઓના સચોટ ઠેકાણા સુધી પહોંચાડ્યા.

ટાયસનની આ બહાદુરીને કારણે સેનાએ નિર્ણાયક કાર્યવાહી કરી અને લાંબા સમયથી ફરાર કુખ્યાત આતંકી સૈફુલ્લાને તેના સાથીઓ સાથે ઢેર કરી દીધો. એન્કાઉન્ટર બાદ ટાયસનને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સ્થિતિ હાલ સ્થિર છે. ઘટનાસ્થળેથી બે એકે-47 રાઈફલ અને પાંચ મેગેઝિન સહિતનો દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. આતંકવાદ વિરોધી અભિયાનોમાં ‘સાયલન્ટ વોરિયર’ તરીકે ઓળખાતા આ બહાદુર ડોગે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ માનવીના સૌથી વિશ્વાસુ મિત્ર અને દેશના સાચા રક્ષક છે.

Gujarat : હિંમતનગરમાં યોજાઈ ખેલ મહાકુંભની સ્વિમિંગ સ્પર્ધા, રાજ્યભરના 300થી વધારે સ્પર્ધકોએ કૌશલ્ય અજમાવ્યું

0

રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે યોજાતા ‘ખેલ મહાકુંભ’ અંતર્ગત હિંમતનગર ખાતે રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાંથી 300થી વધુ કુશળ સ્વિમરોએ ભાગ લીધો હતો. હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં વિજેતા થનારા ખેલાડીઓ હવે રાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને દેશનું નામ રોશન કરવા માટે પાયો નાખશે.

સાબરકાંઠાના હિંમતનગર ખાતે આયોજિત આ સ્પર્ધામાં રાજ્યભરની કુલ 99 ટીમોએ ભાગ લીધો હતો. ખાસ કરીને અંડર-11, અંડર-14 અને અંડર-17 વયજૂથની કન્યાઓ માટેની આ સ્પર્ધામાં વહેલી સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ખેલાડીઓમાં માત્ર રાજ્ય કક્ષાએ જીતવાની જ નહીં, પરંતુ ભવિષ્યમાં એશિયન ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ સુધી પહોંચવાની તીવ્ર ઈચ્છાશક્તિ જોવા મળી હતી. સ્પર્ધકોએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા મળતા આ પ્લેટફોર્મથી તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવવાની તક મળી રહી છે.

આ સ્પર્ધામાં 400 મીટર ફ્રી સ્ટાઈલ, બ્રેસ્ટસ્ટ્રોક અને બટરફ્લાય જેવી વિવિધ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50-50 મીટરની હીટ્સ દ્વારા ખેલાડીઓની ક્ષમતા ચકાસવામાં આવી હતી. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સ્ટેડિયમ ખાતે પાયારૂપ તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવતા સ્પર્ધકો, કોચ અને વાલીઓમાં સંતોષની લાગણી જોવા મળી હતી. સાબરકાંઠાના ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ કોચ હેમલ વર્ધાનીએ જણાવ્યું હતું કે, આ સ્પર્ધા દ્વારા રાષ્ટ્રીય કક્ષા માટેના શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે.

હિંમતનગર ખાતે રજૂ થયેલું આ ઉચ્ચ પ્રદર્શન દર્શાવે છે કે આવનારા સમયમાં ગુજરાતના સ્વિમરો રાષ્ટ્રીય અને વિશ્વ સ્તરે ભારતનું નામ મોખરે કરવા સજ્જ છે. આ આયોજન માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ આગામી સમયમાં યોજાનારા મોટા રમત ઉત્સવો માટેની એક મજબૂત તૈયારી છે. હવે જોવાનું એ રહેશે કે આ ખેલાડીઓ રાષ્ટ્રીય મંચ પર ગુજરાતને કેટલી સફળતા અપાવે છે.

Anand : ઉમરેઠમાં આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આકસ્મિક તપાસનો ધમધમાટ

0

ઉમરેઠ શહેરમાં આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાણી-પીણીના એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ખાદ્ય પદાર્થોના સ્ટોરેજની પદ્ધતિ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે હેતુથી આજે આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો. ઉમરેઠના વ્યસ્ત એવા બસ સ્ટેન્ડ (બસટોપ) અને તેની આસપાસના વિસ્તારોમાં ખાણી-પીણીના એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

તંત્રની ટીમોએ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી નાની-મોટી હોટલો, રેસ્ટોરન્ટ્સ અને રસ્તા પર ઊભા રહેતા ખાણી-પીણીની લારીઓ પર સઘન ચેકિંગ કર્યું હતું. આ તપાસ દરમિયાન ખોરાકની ગુણવત્તા અને વપરાતા તેલ-મસાલાની તપાસ. રસોડા અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતાનું પ્રમાણ. ખાદ્ય પદાર્થોના સ્ટોરેજની પદ્ધતિ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આકસ્મિક ચેકિંગ દરમિયાન જે એકમોમાં ક્ષતિઓ જોવા મળી હતી, તેમને તાત્કાલિક સ્વચ્છતા જાળવવા અને નિયમોનું પાલન કરવા કડક સૂચના આપવામાં આવી હતી. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડે તેવો ખોરાક પીરસતા એકમો સામે આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આ સપાટાને પગલે ઉમરેઠના હોટલ સંચાલકો અને લારી ગલ્લાવાળાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Surat : હોળીમાં વતન જતા મુસાફરોને ગરમીથી મળશે રાહત, ભીડને કાબૂ કરવા તંત્ર તૈયાર,સુરત રેલવે સ્ટેશન પર મંડપ બંધાયા……

0

હોળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે,ત્યારે સુરતથી વતન જતા પરપ્રાંતીય મુસાફરોનો પ્રવાહ તેજ બન્યો છે. સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર ઉમટી રહેલી જનમેદનીને ધ્યાને રાખીને રેલવે તંત્રએ આ વખતે ‘પેસેન્જર ફ્રેન્ડલી’ અભિગમ અપનાવ્યો છે. કાળઝાળ ગરમીમાં મુસાફરોને શેકાવું ન પડે તે માટે સ્ટેશન પરિસરમાં વિશાળ મંડપો બાંધવામાં આવ્યા છે, જેના કારણે ભીડનું વ્યવસ્થાપન પણ સરળ બન્યું છે.

મળતી માહિતી અનુસાર, ર ગતરોજથી જ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશા તરફ જતી ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. મુસાફરોને તડકામાં ઉભા ન રહેવું પડે તે માટે રેલવે દ્વારા શેડ અને મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાને કારણે સ્ટેશનના પ્લેટફોર્મ પર સીધી ભીડ થવાને બદલે મુસાફરોને મંડપમાં ક્રમશઃ રાખવામાં આવે છે, જ્યાંથી તેમને ટ્રેન દીઠ રવાના કરવામાં આવે છે.

કોઈ પણ અપ્રિય ઘટના ન બને અને મુસાફરો સુરક્ષિત રીતે પ્રવાસ કરી શકે તે માટે સ્ટેશન પર સુરક્ષા એજન્સીઓ ખડેપગે છે. રેલવે સુરક્ષા દળ (RPF) ના 50 જવાનો અને જીઆરપી (GRP) ના 40 જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. 30 જેટલા ચેકિંગ સ્ટાફના સભ્યો ભીડના વ્યવસ્થાપનમાં મદદ કરી રહ્યા છે. જનરલ ટિકિટ ધારકો માટે ખાસ ‘લાઈનબંધી’ પદ્ધતિ અમલમાં મુકાઈ છે. દરેક મુસાફરને લાઈનમાં ઉભા રાખી ટ્રેનમાં બેસાડવામાં આવતા પ્લેટફોર્મ પર થતી ધક્કામુક્કી અને અફરાતફરીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણી અને પ્રાથમિક ચિકિત્સાની સુવિધાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. રેલવે અધિકારીઓ સતત એનાઉન્સમેન્ટ દ્વારા મુસાફરોને માર્ગદર્શન આપી રહ્યા છે. તંત્રની આ આગોતરી તૈયારીઓને કારણે લાખોની સંખ્યામાં વતન જતા મુસાફરો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે.

Business : સોના-ચાંદીમાં તોફાની તેજી, ચાંદીમાં એકઝાટકે ₹15,000 તો સોનામાં ₹3,100થી વધુનો ઉછાળો

0

સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર તેજી જોવા મળી છે. માર્કેટ શરુ થતાંની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો આવતા રોકાણકારોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. MCX(મલ્ટી કોમોડિટી એક્સચેન્જ)ના તાજા આંકડાઓ મુજબ સોનામાં ₹3,000થી વધુ અને ચાંદીમાં ₹15,000થી વધુનો એકઝાટકે વધારો નોંધાયો છે.

MCXના ડેટા મુજબ, ચાંદીના (Silver 05-Mar-26) ભાવમાં આજે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ ₹2,52,944.00 હતો, જેની સામે આજે બજાર શરુ થતાંની સાથે જ તે ₹2,63,061.00 પર ઓપન થઈ હતી. આ સમાચાર લખાય છે ત્યારે ચાંદીનો ભાવ વધીને ₹2,67,911.00 પર પહોંચી ગયો છે, જે તેના અગાઉના બંધ ભાવથી અંદાજે ₹14,967.00 (+5.92%) જેટલો વધારો દર્શાવે છે. દિવસ દરમિયાન ચાંદીમાં ₹2,68,875.00 સુધીનું હાઇ લેવલ જોવા મળ્યું છે.

સોનાના (Gold 02-Apr-26) ભાવમાં પણ આજે મોટી રિકવરી જોવા મળી છે. સોનાનો અગાઉનો બંધ ભાવ ₹1,56,876.00 હતો, જે આજે ₹1,58,458.00 પર ખુલ્યું હતું. હાલમાં સોનાનો ભાવ વધીને ₹1,60,053.00 પર ટ્રેડ થઈ રહ્યો છે, જે અગાઉના બંધ ભાવ કરતા ₹3,177.00(+2.03%)નો ઉછાળો સૂચવે છે. સોનાએ આજે દિવસ દરમિયાન ₹1,60,600.00ની ઊંચી સપાટીને સ્પર્શ કર્યો છે.

આ એકઝાટકે આવેલા ઉછાળાને કારણે જ્વેલરી બજાર અને કોમોડિટી માર્કેટમાં હલચલ મચી ગઈ છે. વૈશ્વિક પરિબળો અને રોકાણકારોની નવી લેવાલીને કારણે કિંમતોમાં આટલો મોટો તફાવત જોવા મળી રહ્યો હોય તેમ જણાય છે.

World : ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતીયોને સરકારની અપીલ

0

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધતાં ભારતે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. ઈરાનમાં આવેલા ભારતીય દૂતાવાસે એક નિવેદન જાહેર કરીને નાગરિકોને દેશ(ઈરાન) છોડવાની અપીલ કરી છે. જેમાં નિર્દેશ અપાયા છે કે લોકો કોઈપણ રીતે જલ્દીથી જલ્દી ઈરાનથી બહાર નીકળી જાય. દૂતાવાસે આ મામલે કેટલાક અન્ય નિર્દેશ પણ આપ્યા છે.

ભારત સરકારે જાન્યુઆરીમાં જાહેર કરેલી પોતાની એડવાઈઝરીને ફરી જાહેર કરી છે, જેમાં લોકોને સાવધાની રાખવાની અપીલ કરાઈ હતી. એડવાઈઝરીમાં લખ્યું હતું કે, ‘તમામ ભારતીય નાગરિક અને PIOને સંપૂર્ણ સાવધાની રાખવી જોઈએ, વિરોધ કે પ્રદર્શનવાળી જગ્યાઓથી બચવું જોઈએ, ઈરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવું જોઈએ અને કોઈપણ ડેવલપમેન્ટ માટે લોકલ મીડિયા પર નજર રાખવી જોઈએ.’

દૂતાવાસે નાગરિકોને દેશ છોડવાની સલાહ આપતા, તેમને પોતાના ઇમિગ્રેશન અને ટ્રાવેલ ડોક્યૂમેન્ટ્સ પોતાની પાસે રાખવા અને કોઈપણ મદદ માટે ઈન્ડિયન એમ્બેસી સાથે સંપર્ક કરવા કહ્યું છે. ભારતીય દૂતાવાસે આ અંગે ભારતીય નાગરિકો માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. ફસાયેલા નાગરિકો આ મોબાઈલ નંબરો પર સંપર્ક કરીને મદદ માગી શકે છે: +989128109115; +989128109109, +989128109102, +989932179359.

ગત મહિને ઈરાનમાં થયેલા હિંસક પ્રદર્શનો બાદથી જ અમેરિકા ખામેનેઈ શાસનને સૈન્ય હસ્તક્ષેપની ધમકી આપી રહ્યું છે. ગત મહિનાથી લઈને અત્યાર સુધી અમેરિકા મિડલ ઈસ્ટમાં મોટી સંખ્યામાં સૈન્ય તૈનાતી કરી રહ્યું છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ગત અઠવાડિયે ફરી એકવાર નિવેદન આપ્યું છે કે તેઓ ઈરાન પર હુમલાનો વિચાર કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ બંને પક્ષો વચ્ચે પરમાણુ વાટાઘાટો પણ ચાલી રહી છે. જોકે, તેનાથી કોઈ ઉકેલ આવતો નજરે નથી પડી રહ્યો.

National : 400 કરોડના ખર્ચે બનેલો બ્રિજ 4 વર્ષમાં ધરાશાયી, MPમાં ભાજપના ભ્રષ્ટાચારની પોલ ખુલી

0

મધ્ય પ્રદેશમાં ભાજપના રાજમાં સરકારી ભ્રષ્ટાચાર અને નબળા બાંધકામનો એક ચોંકાવનારો નમૂનો સામે આવ્યો છે. જબલપુરથી ભોપાલને જોડતા નેશનલ હાઈવે-45 પર માત્ર 4 વર્ષ પહેલાં બનેલો 400 કરોડનો બ્રિજ ધરાશાયી થતાં તંત્રની પોલ ખુલી ગઈ છે.

જબલપુર-ભોપાલ નેશનલ હાઈવે-45 પર સ્થિત ‘વના રેલવે ઓવરબ્રિજ’નો એક મોટો હિસ્સો તૂટી પડ્યો છે. આ બ્રિજનો એક ભાગ છેલ્લા ઘણા સમયથી ક્ષતિગ્રસ્ત હતો, જેના કારણે વાહનવ્યવહાર માત્ર એક તરફથી ચલાવવામાં આવતો હતો. પરંતુ હવે બીજો હિસ્સો પણ ધરાશાયી થતાં હાઈવે પરનો ટ્રાફિક સંપૂર્ણપણે અટકી ગયો છે. 4 વર્ષ પહેલાં ₹400 કરોડના ખર્ચે તૈયાર થયેલો 56 કિલોમીટર લાંબો માર્ગ અને આ બ્રિજ આટલી જલ્દી જવાબ આપી દેતા બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.

આ ઓવરબ્રિજનું નિર્માણ ‘મેસર્સ બાગડ ઈન્ફ્રા’ નામની કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, આ કંપનીને નબળા કામ અને ગેરરીતિ બદલ પહેલાથી જ બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત, બાંધકામ દરમિયાન ગેરકાયદેસર ખનન કરવા બદલ વહીવટીતંત્ર દ્વારા કંપની પર ₹82 કરોડનો જંગી દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. હાલમાં આ બ્રિજ ‘ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ’ (ગેરંટી પિરિયડ) હેઠળ હતો, જેથી તેની મરામતનો ખર્ચ કોન્ટ્રાક્ટરે જ ભોગવવો પડશે.

दुર્ઘટના બાદ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે. ભારે વાહનોને બાયપાસ માર્ગે અને હળવા વાહનોને શહેપુરા શહેરની અંદરના રસ્તાઓ પરથી પસાર કરવામાં આવી રહ્યા છે. ભોપાલ જવા માંગતા મુસાફરોને ગોટેગાંવ અથવા પાટણ બાયપાસ થઈને જવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ, ટોલ ટેક્સની વસૂલાત ચાલુ હોવા છતાં મુસાફરોની સુરક્ષા ભગવાન ભરોસે હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.