પાટનગર આસપાસ મુખ્ય માર્ગો પર નોંધાયેલા અકસ્માતના ગુનાઓ ઉકેલાયા વગરના ના રહે તેના માટે પણ ગાંધીનગર પોલીસને કામે લગાડવામાં આવી છે. તેના અંતર્ગત ચિલોડાથી ગાંધીનગરના હાઇ વે પર છ દિવસ પહેલાં કારને ટક્કર મારીને તેના ચાલકને ઇજા પહોંચી હોવા છતા નાશી છુટેલા ડર્બો ટ્રકના ચાલકને ઝડપી લેવાયો છે. સીસી ટીવી ફૂટેજથી ઓળખ સ્થાપિત કર્યા બાદ ચિલોડા પોલીસે તેની ધરપકડ કરી હતી.
ગત તારીખ ૨૪મી નવેમ્બરે ઉપરોક્ત અકસ્માત સર્જાયો હતો. તેમાં ટર્બો ટ્રકની ટક્કરથી કારને નુકસાન થવાની સાથે તેના ચાલકને ઇજા પહોંચી હતી. પરંતુ ચાલક ટ્રકને ભાગવીને નાસી છુટયો હતો. નોંધવું રહેશે, કે ગાંધીનગર જિલ્લામાં રેતીની હેરાફેરી કરતા સહિતના ટર્બો ટ્રક્સ બેફામ દોડતા રહેવાની સાથે છાશવારે અકસ્માતો સર્જતાં રહે છે. ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા અકસ્માતના બનાવોમાં નોંધાયેલા ગુનાઓ ઉકેલવા પર વિશેષ ભાર મુકવાની સુચના આપી હતી.
દરમિયાન ઉપરોક્ત બનાવ સંબંધે ચિલોડા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી તે દરમિયાન હાઇવે પર આવેલા પેટ્રોલ પમ્પ, હોટેલ, રેસ્ટોરન્ટ, આર્મી કેમ્પ તથા એરફોર્સ કેમ્પ પર લગાવવામાં આવેલા સીસી ટીવી કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યા હતાં. તેમાં કાર અને ટર્બો ટ્રકના આ અકસ્માત પહેલાના અને પછીના સીસી ટીવી ફૂટેજની બારિકાઇથી ચકાસણી કરીને અકસ્માત સર્જનાર ટ્રકની ઓળખ સ્થાપિત કર્યા બાદ તેના ચાલક મુળ બિહારના અને હાલ અમદાવાદના દસક્રોઇ તાલુકાના ભુવાલડી ગામે તેના શેઠ બિકાસ ઠાકુરની ઓરડીમાં રહેતા મકસુદખાન સુલતાનખાનને અમદાવાદ જઇને ઝડપી લીધો હતો.
આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર ચાંદીની કિંમત ₹3500થી વધુ ઉછળીને નવા લાઈફ ટાઈમ હાઈ લેવલ(₹1,78,489 પ્રતિ કિલો) પર પહોંચી ગઈ. ચાંદી તેના અગાઉના બંધ ભાવ ₹1,74,981ની સરખામણીએ ₹1,76,452 પર ખૂલી હતી અને માત્ર 15 મિનિટમાં ₹3508નો વધારો થયો.
સોનાના ભાવમાં ₹1200થી વધુનો વધારો
આની સાથે, સોનાના ભાવમાં પણ ₹1200થી વધુનો વધારો થયો. સોનાનો ભાવ ₹1,29,504 પર બંધ થયા બાદ સોમવારે ખુલતાની સાથે જ ₹1,30,794 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતો જોવા મળ્યો, એટલે કે એક ઝાટકે સોનું ₹1290 મોંઘું થયું. જોકે, આ ઉછાળા છતાં સોનું હજી પણ તેના લાઈફ ટાઈમ હાઈ લેવલ(₹1,34,024 પ્રતિ 10 ગ્રામ)થી લગભગ ₹4000 સસ્તું મળી રહ્યું છે.
ચાંદીનો ભાવ: ₹1,64,359 પ્રતિ કિલો
ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના શુક્રવારના ભાવ પ્રમાણે, 24 કેરેટ સોનું ₹1,26,591 પ્રતિ 10 ગ્રામ પર અને ચાંદી ₹1,64,359 પ્રતિ કિલો પર બંધ થઈ હતી. નોંધનીય છે કે આ IBJAના દરોમાં GST અને મેકિંગ ચાર્જ ઉમેરવાથી ગ્રાહક માટે જ્વેલરીની અંતિમ કિંમત વધે છે.
અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ભારતના 12 રાજ્યોમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયાને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ફૉર્મ ભરવાની પ્રક્રિયા 11મી ડિસેમ્બર સુધી ચાલશે અને તે પછી 16મી ડિસેમ્બરે મતદારોની ડ્રાફ્ટ યાદી જાહેર કરાશે. નોંધનીય છે કે અગાઉ SIRની પ્રક્રિયા ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર રાખવામાં આવી હતી. જોકે હવે ચૂંટણી પંચે નવો કાર્યક્રમ જાહેર કર્યો છે.
કયા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચાલી રહી છે SIRની પ્રક્રિયા?
ગુજરાત, આંદામાન નિકોબાર ટાપુ, છત્તીસગઢ, ગોવા, કેરળ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, પોંડિચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ.
નોંધનીય છે કે ડેડલાઈનમાં વધારો થવાના કારણે જેમને ફૉર્મ ભરવાના બાકી છે તેમને વધુ સમય મળશે તથા BLOને પણ કામના ભારણમાંથી થોડી રાહત મળશે જેથી તેમને સ્થળ પર જઈ વેરિફિકેશન કરવામાં વધુ સમય અને સરળતા રહેશે.
દિતવાહ ચક્રવાત સવારે તમિલનાડુમાં ચેન્નઈ પર ત્રાટકવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. જોકે, આ ચક્રવાત રવિવારે મોડી સાંજ સુધી તમિલનાડુ પર ત્રાટક્યું નહોતું. હવામાન વિભાગે રવિવારે કહ્યું કે, ચક્રવાત દિતવાહ તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાથી અંદાજે ૮૦ કિ.મી.ના અંતર પર દક્ષિણ- પશ્ચિમ બંગાળની ખાડી પર કેન્દ્રીત થયું છે અને તે ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈને નબળું પડયું છે. જોકે, દિતવાહ ચક્રવાતના કારણે તમિલનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશમાં અતિ ભારે વરસાદ ખાબકતાં ભારે તારાજી થઈ હતી. વરસાદ સંબંધિત ઘટનાઓમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા તેમજ ૧૫૫ પશુ તણાઈ ગયા હતા.ચક્રવાત દિતવાહે શ્રીલંકામાં ભારે વિનાશ વેર્યા પછી હવે તમિલનાડુમાં ભારે તારાજી ફેલાવી છે. જોકે, ચક્રવાત રવિવારે સવારે તમિલનાડુમાં લેન્ડફોલ થવાનું હતું, પરંતુ તેની ગતિ ધીમી પડતાં અને તમિલનાડુમાં દરિયાકાંઠાના સમાંતર ઉત્તર તરફ આગળ વધતાં રવિવારે મોડી રાત સુધી તે લેન્ડફોલ થયું નહોતું.
જોકે, દિતવાહ ચક્રવાતની અસરના કારણે દરિયો તોફાની બન્યો હતો અને તિવ્ર ગતિએ ફૂંકાતા પવનના પગલે ઊંચી-ઊંચી લહેરો ઊઠી હતી. હવામાન વિભાગે કહ્યું કે, ચક્રવાત ઉત્તર તમિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠાથી ૮૦ કિ.મી. દૂર દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં કેન્દ્રીત થયું છે તથા ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈને નબળું થયું છે. ચક્રવાત પ્રતિ કલાક પાંચ કિ.મી.ની ગતિએ આગળ વધી રહ્યું છે. જોકે, ચક્રવાતને પગલે તકેદારી માટે ૫૦થી વધુ ફ્લાઈટ કેન્સલ કરાઈ છે તથા અનેક ટ્રેનોને અન્યત્ર ડાયવર્ટ કરાઈ છે. પ્રવાસીઓ અને માછીમારો સહિત લોકોને સમુદ્રથી દૂર રહેવા ચેતવણી અપાઈ છે.
દિતવાહ ચક્રવાત તમિલનાડુ નજીક નબળું પડતાં મોટી જાનહાનિ ટળી હતી. જોકે, ચક્રવાતના કારણે તમિલનાડુ અને પુડુચેરીમાં અતિ ભારે વરસાદ ખાબક્યો છે, જેના પગલે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. કાવેરી ડેલ્ટા જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે રામનાથપુરમ અને નાગપટ્ટિનમ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તમિલનાડુમાં વરસાદ સંબંધિત ઘટનામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે તેમજ ૧૫૦થી વધુ પશુઓ તણાઈ ગયા છે. ડેલ્ટા વિસ્તારમાં ૫૭,૦૦૦ હેક્ટર ખેતીમાં જમીન ડૂબી ગઈ છે.
ચક્રવાતના કારણે કોઈપણ સ્થિતિનો સામનો કરવા પુડુચેરીમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ૧૬ ટીમો અને એનડીઆરએફની ૧૨ ટીમો તૈનાત કરાઈ છે. વધુમાં તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની અસર જોવા મળશે. દિતવાહ ચક્રવાતની ભયાનકતા એ બાબત પરથી જ સમજી શકાય છે કે આ ચક્રવાતના કારણે શ્રીલંકામાં મૃત્યુઆંક વધીને ૩૩૦ થયો છે તથા ૩૭૦થી વધુ લોકો હજુ લાપતા છે. વધુમાં શ્રીલંકાની મદદે ગયેલી ભારતીય એનડીઆરએફની ટીમે શ્રીલંકામાં અલગ અલગ સ્થળો પર ફસાયેલા સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડયા હતા.
ખરાબ હવામાનના કારણે શ્રીલંકાના કોલંબો એરપોર્ટ પર ફસાયેલા ૩૨૦ ભારતીય પ્રવાસીઓને ભારતીય એરફોર્સની ટીમ ભારત લઈ આવી હતી.
શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશને જણાવ્યું કે, ભારતીય એરફોર્સની બે એમસીસી ફ્લાઈટ્સે ૨૪૭ પ્રવાસીઓને થિરુવનંતપુરમ અને ૭૬ પ્રવાસીઓને દિલ્હીના હિન્ડોન એરપોર્ટ પર સલામત રીતે પહોંચાડયા હતા. એરફોર્સના બંને વિમાનો શનિવારે ભારત સરકારના સાગરબંધુ અભિયાન હેઠળ રાહત સામગ્રી લઈને કોલંબો એરપોર્ટ પહોંચ્યા હતા. દિતવાહ ચક્રવાતના કારણે શ્રીલંકામાં મોટાપાયે પૂર, ભૂસ્ખલનની આપત્તીઓ આવી છે તેમજ ખરાબ હવામાનના કારણે અનેક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. વધુમાં શ્રીલંકામાં આ ચક્રવાતની ૩,૦૯,૬૦૭ પરિવારોના ૧૧,૧૮,૯૨૯ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
ધ્રાંગધ્રાના જસમતપુર કેનાલમાં ઝંપલાવનાર પિતા-પુત્રના મૃતદેહના શોધખોળની ત્રણ દિવસની નિષ્ફળતા બાદ અંતે ચોથા દિવસે એનડીઆરએફની ટીમે કમાન સંભાળી છે. કેનાલના સાયફનમાં મૃતદેહ ફસાયા હોવાની આશંકા છે.
ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે ગત ગુરુવારે ૩૫ વર્ષીય મહેશભાઈ દાદરેચા (ઠાકોર)એ પોતાના ૦૯ વર્ષના પુત્ર દેવરાજ સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. ફાયર ટીમ દ્વારા સતત ત્રણ દિવસ સુધી ભારે શોધખોળ કરવા છતાં અને નર્મદા વિભાગ દ્વારા પાણીની આવક બંધ કરવા છતાં પિતા-પુત્રના મૃતદેહનો કોઈ પત્તો લાગ્યો નહોતો. મૃતદેહ કેનાલના સાયફનમાં ફસાયા હોવાનું અનુમાન છે.
આખરે, ત્રણ દિવસ બાદ પણ સફળતા ન મળતા એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમને જાણ કરવામાં આવી હતી. એનડીઆરએફની ટીમ દ્વારા હવે મૃતદેહોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પરિવારજનો અને ગ્રામજનો છેલ્લા ચાર દિવસથી પ્રયત્નશીલ છે, પરંતુ સફળતા ન મળતા ગામમાં ગમગીનીનો માહોલ છવાયો છે.
માંજલપુરની મારૃતિધામ સોસાયટીના બંધ મકાનમાંથી ચોર ટોળકી સોના ચાંદીના દાગીના અને રોકડા મળી ૧ લાખની મતા ચોરી ગઇ હતી.
માંજલપુર જ્યુપીટર ચાર રસ્તા પાસે મારૃતિધામ સોસાયટીમાં રહેતા ફતેસિંહ રતનસિંહ ચૌહાણ ગઇકાલે રાત્રે આઠ વાગ્યે નોકરી પર ગયા હતા. તેમના પુત્ર અને પુત્રવધૂ મકાનને તાળું મારીને લગ્ન પ્રસંગે પાદરા રણછોડજીના મંદિરે ગયા હતા. આજે સવારે ફતેસિંહ ઘરે પરત આવ્યા ત્યારે તેમના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો. ચોર ટોળકી તેમના ઘરમાં ઘુસીને તિજોરીનું લોક તોડીને ૪૦ હજાર રોકડા તથા સોનાની દોઢ તોલા વજનની ચેન અને ચાંદીનો ઝૂડો મળી ૧ લાખની મતા ચોરી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, દોઢ તોલા સોનાની કિંમત હાલની બજાર કિંમત મુજબ ૧.૮૦ લાખ થાય છે. જ્યારે પોલીસે માત્ર ૫૦ હજાર જ ભાવ ગણ્યો છે.
ધર્મેન્દ્રની બિનહયાતીમાં હવે ‘અપને ટુ’ નહિ બને તેવી જાહેરાત મૂળ ‘અપને ‘ ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્માએ કરી હતી. આ જાહેરાત સામે મૂળ ફિલ્મના નિર્માતા દીપક મુકુટે નારાજગી વ્યક્ત કરી છે. નિર્માતા દીપક મુકુટે કહ્યુ ંહતુ ંકે, ફિલ્મ બનશે કે નહીં તે દિગ્દર્શકને કહેવાનો કોઇ અધિકાર નથી. .
નિર્માતાએ વધુમાં કહ્યું હતું કે, હું અને ધરમજી આ પ્રોજેક્ટ પર સાથે કામ કરી રહ્યા હતા. હવે હું ધરમજીને શ્રદ્ધાજલિ રૂપે આ ફિલ્મ બનાવવા માંગુ છું. આ પ્રોજેક્ટ સાથે તેમની આત્મા જોડાયેલી રહેશે તેવો મારો વિશ્વાસ છે. ‘અપને ટુ ‘માટે હું થોડા સમય પછી સની દેઓલ સાથે વાતચીત કરીશ. આ ફિલ્મમાં સનીના પુત્ર કરણની પણ ભૂમિકા હશે. નિર્માતાએ વધુમાં કહ્યું હતુંકે, આ પ્રોજેક્ટ આગળ વધશે કે નહીં તે બાબતે હું અને સની દેઓલ સાથે નિર્ણય કરશું. આ પ્રોજેક્ટને આગળ વધારવો કે નહીં તે માટે અનિલ શર્માનો નિર્ણય ચાલે નહીં.
આ વિવાદ બાદ એવી ચર્ચા શરુ થઈ છે કે કદાચ ‘અપને ટુ’ બનશે તો પણ તેમાં દિગ્દર્શક તરીકે અનિલ શર્મા રિપીટ નહિ થાય.
દક્ષિણ આફ્રિકા સામે રાંચી વનડેમાં શાનદાર સદી (135 રન) ફટકારીને ભારતને 17 રને વિજય અપાવનાર સ્ટાર બેટર વિરાટ કોહલીએ પોતાના સંભવિત પુનરાગમન અને નિવૃત્તિની અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધો છે. ટેસ્ટ ક્રિકેટમાં તેની વાપસી અંગેની અટકળોને રદિયો આપતા કોહલીએ ભારપૂર્વક જણાવ્યું કે તે ભારત માટે ફક્ત એક જ ફોર્મેટ રમવાનું ચાલુ રાખશે.દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતનો 0-2થી ક્લીન સ્વીપ થયા બાદ કોહલીના ટેસ્ટ ક્રિકેટમાં ફરી જોડાવાની અટકળો વધી હતી, જેના પર હવે ખુદ કોહલીએ સ્પષ્ટતા આપી છે.
135 રનની ધમાકેદાર ઇનિંગ્સ
રાંચીમાં રમાયેલી વનડેમાં વિરાટ કોહલીએ 120 બોલમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 135 રન બનાવ્યા હતા. તેની શાનદાર સદીના આધારે ભારતે 8 વિકેટે 349 રન બનાવ્યા હતા. કોહલીને તેના આ પ્રદર્શન બદલ ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.
‘અનુભવ સારી રીતે મદદ કરે છે’
મેચ પછીની પ્રેઝન્ટેશન સેરેમનીમાં જ્યારે વિરાટ કોહલીને તેના ભવિષ્યના ક્રિકેટ પ્લાન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે ટેસ્ટમાં વાપસીની અટકળોનો અંત લાવ્યો. જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે ફક્ત એક જ ફોર્મેટ રમવાનું ચાલુ રાખશે, ત્યારે તેણે કહ્યું, ‘હા, તે હંમેશા આવું જ રહેશે. હું ફક્ત એક જ ફોર્મેટ રમી રહ્યો છું.’
ભારતીય બેટર વિરાટ કોહલીએ કહ્યું કે, ‘મેં 300થી વધુ ODI રમી છે અને મારી પાસે 15-16 વર્ષનો અનુભવ છે. જો તમે રમત સાથે જોડાયેલા છો, અને તમે પ્રેક્ટિસ દરમિયાન બોલ ફટકારી રહ્યા છો, તો તમારા રિફ્લેક્સ સારા છે. જો તમે દોઢ કે બે કલાક સુધી નેટમાં રોકાયા વિના બેટિંગ કરી શકો છો, તો તમારી ફિટનેસ સારી છે.’
તેમણે ઉમેર્યું કે, ‘જો તમારું ફોર્મ ઘટે છે, તો તમારે મેચની જરૂર છે, પરંતુ જ્યારે તમે બોલને સારી રીતે ફટકારી રહ્યા છો અને રમતનો આનંદ માણી રહ્યા છો, ત્યારે અનુભવ બધું સારી રીતે કરવામાં મદદ કરે છે.’ નોંધનીય છે કે, કોહલીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તે હાલમાં ODI ક્રિકેટ પર જ પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
અમેરિકામાં H-1B વિઝા પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્કે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે પ્રતિભાશાળી ભારતીયોથી અમેરિકાને ઘણો ફાયદો થયો છે. તેમણે અમેરિકામાં ટેકનોલોજી અને ઇનોવેશનને આકાર આપવામાં ઇમિગ્રન્ટ પ્રતિભાની ભૂમિકાને સ્વીકારી છે.
ભારતીયોથી અમેરિકાને ઘણો ફાયદો થયો: મસ્ક
ઇલોન મસ્કે વૈશ્વિક કંપનીઓમાં ટોચના હોદ્દા પર ભારતીય મૂળના લોકોની હાજરીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, ‘પશ્ચિમી કંપનીઓમાં અમારા બધા સીઈઓ ભારતીય મૂળના છે.’ બ્રોકરેજ ફર્મ ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ સાથેના પોડકાસ્ટમાં મસ્કે કહ્યું, ‘અમેરિકા લાંબા સમયથી વિશ્વભરના ઇન્ટેલિજેન્ટ લોકોને આકર્ષિત કરે છે, જેના કારણે ભારતમાં સ્થળાંતર પણ થયું છે. મને લાગે છે કે પ્રતિભાશાળી ભારતીયો અમેરિકા આવતા હોવાથી અમેરિકાને ઘણો ફાયદો થયો છે. ભારતીય મૂળના ઘણા સીઈઓ પશ્ચિમી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર છે.
‘H-1B વિઝા અને ઇમિગ્રેશન પર ટ્રમ્પનો મત
મંગળવારે (25 નવેમ્બર, 2025), વ્હાઇટ હાઉસે H-1B વિઝા પર ડોનાલ્ડ ટ્રમ્પના વિચારનો બચાવ કરતા કહ્યું હતું કે, ‘આ બાબતે રાષ્ટ્રપ્રમુખનો દ્રષ્ટિકોણ સંતુલિત અને સામાન્ય સમજ પર આધારિત છે.’ વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે, ‘ટ્રમ્પ શરૂઆતમાં ફક્ત વિદેશી કામદારોને જ આવવા દેશે, જેથી મોટી કંપનીઓ જ્યારે અમેરિકામાં નવી ફેક્ટરીઓ સ્થાપશે ત્યારે તેઓ કામ શરૂ કરી શકે, પરંતુ ત્યારબાદ તે જગ્યાઓ પર ફક્ત અમેરિકન કામદારોને જ રોજગારી આપવામાં આવશે.’
તેમણે કહ્યું હતું કે, ‘ઘણા લોકોએ રાષ્ટ્રપ્રમુખના વિચારને સમજી નથી શક્યા. ટ્રમ્પે વિદેશી કંપનીઓને સ્પષ્ટપણે કહ્યું છે કે જો તેઓ અમેરિકામાં રોકાણ કરે છે, તો તેમણે ફક્ત અમેરિકનોને જ નોકરી પર રાખવા પડશે. ટ્રમ્પે કાયદેસર ઇમિગ્રેશનને ટેકો આપ્યાના થોડા દિવસો પછી જ આ નિવેદન આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ હજારો વિદેશી કામદારોને ટેક-સંબંધિત ઉદ્યોગોમાં અમેરિકન કામદારોને તાલીમ આપવા માટે આવકારશે.’