પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ વિસ્તારમાં ફરી એકવાર આતંકવાદી હુમલો થયો છે. બાજૌર જિલ્લામાં થયેલા ભયાનક હુમલામાં સુરક્ષા દળોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ વિસ્તારમાં આવેલા બાજૌર જિલ્લોમાં એક ભયાનક આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં વિસ્ફોટકોથી ભરેલું વાહન એક સંયુક્ત સુરક્ષા ચોકીની દિવાલ સાથે અથડાવાયું, જેના કારણે ભયાનક વિસ્ફોટ થયો અને આખી ચોકી ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં 11 સુરક્ષા કર્મચારીઓ શહીદ થયા છે, જ્યારે નાગરિકોમાં પણ જાનહાની અને ઇજાઓ નોંધાઈ છે.
આ હુમલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સંવેદનશીલ વિસ્તારમાં થયો છે, જે અગાઉ પણ આતંકવાદી ઘટનાઓ માટે ચર્ચામાં રહ્યો છે. આતંકવાદીઓએ સુયોજિત રીતે વિસ્ફોટકોથી ભરેલું વાહન સુરક્ષા ચોકીની દિવાલ સાથે ટકરાવ્યું હતું. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ચોકીનું મકાન સંપૂર્ણપણે તૂટી પડ્યું અને આસપાસના રહેણાંક ઘરોને પણ ભારે નુકસાન થયું.આ ઘટનામાં એક નિર્દોષ બાળકીનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે. સાથે સાથે મહિલાઓ અને બાળકો સહિત કુલ 7 નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે વિસ્ફોટ બાદ વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. ઘણા ઘરોના દરવાજા-બારીઓ તૂટી ગયા અને લોકો જીવ બચાવવા માટે બહાર દોડ્યા.

પાકિસ્તાની સેનાએ મંગળવારે આ હુમલાની પુષ્ટિ કરી હતી. સેનાના નિવેદન મુજબ, ફરજ પર તૈનાત સુરક્ષા દળના 11 જવાનો શહીદ થયા છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. સેનાએ જણાવ્યું કે આતંકવાદ સામે લડત ચાલુ રહેશે અને હુમલાખોરોને બખ્શવામાં નહીં આવે.
આ હુમલો ફરી એકવાર પાકિસ્તાનમાં સુરક્ષા સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. ખાસ કરીને અફઘાનિસ્તાનની સરહદ નજીકના વિસ્તારોમાં આતંકવાદી સંગઠનો હજુ પણ સક્રિય હોવાનું જોવા મળે છે. સામાન્ય નાગરિકો માટે આવા હુમલાઓ જીવનને અસુરક્ષિત બનાવે છે અને રોજિંદા જીવન પર ગંભીર અસર કરે છે. સ્થાનિક પ્રશાસને અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા વધારી છે અને તપાસ શરૂ કરી છે. સરકાર તરફથી શહીદ જવાનોના પરિવારજનોને સહાય આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ ઘટના બાદ સમગ્ર પાકિસ્તાનમાં શોક અને રોષનો માહોલ છે.


