E-Paper
Wednesday, March 4, 2026
E-Paper
HomeWorldWorld : ઈરાનના પરમાણુ મથકો પર અમેરિકા-ઈઝરાયેલના હુમલાથી સ્થિતિ સ્ફોટક

World : ઈરાનના પરમાણુ મથકો પર અમેરિકા-ઈઝરાયેલના હુમલાથી સ્થિતિ સ્ફોટક

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ચોથા દિવસે વધુ ભયાનક બન્યું છે.  ઈરાને મધ્ય-પૂર્વમાં અમેરિકાના બધા જ સાથી દેશો પર એક સાથે હુમલા ચાલુ રાખ્યા છે. અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં ઈરાનમાં ૭૮૭થી વધુ લોકોના મોત થયા છે. હવે ઈરાનના પરમાણુ સ્થળો સુરક્ષિત નથી. અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં નતાંઝ પરમાણુ એકમને નુકસાન પહોંચ્યું છે. રશિયન પ્રમુખ પુતિને ચેતવણી આપી છે કે ઈરાનના પરમાણુ કેન્દ્રો પર હુમલા નિયંત્રણ બહાર થઈ રહ્યા છે, જેના વિનાશક પરિણામ આવી શકે છે. બીજીબાજુ ઈરાને રિયાધમાં અમેરિકાના દૂતાવાસ પર હુમલો કર્યો હતો. જેથી અમેરિકાએ મધ્ય-પૂર્વમાં બે દૂતાવાસ બંધ કરી દીધા હતા.અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર હુમલા ચાલુ રાખ્યા છે ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ફરી ઈરાનને ધમકી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા ટ્રુથ સોશિયલ પર જણાવ્યું કે, તેમની એર ડિફેન્સ, એરફોર્સ, નેવી અને લીડરશીપ ખતમ થઈ ગઈ છે. તેઓ હવે વાત કરવા માગે છે. પરંતુ મેં કહ્યું કે હવે ઘણું મોડું થઈ ગયું છે. ટ્રમ્પનું આ નિવેદન દર્શાવે છે કે તેઓ હવે આર યા પારના મુડમાં છે.

અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના અનેક વિસ્તારો પર હુમલા ચાલુ રાખ્યા છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં કુલ ૭૮૭થી વધુ લોકોનાં મોત થઈ ગયા છે. બંને દેશોએ હવે ઈરાનના પરમાણુ મથકોને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. આ હુમલાઓમાં ઈરાનના નતાંઝ પરમાણુ એકમને નુકસાન થયું છે.

સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ સંસ્થા આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીએ પણ નતાંઝ એકમને નુકસાન થયાની પુષ્ટી કરી હતી. જોકે, આ એકમ અન્ડરગ્રાઉન્ડ છે અને રાહતની વાત એ છે કે આ ઘટનાથી કોઈપણ પ્રકારના વિકિરણના સ્રાવની કોઈ આશંકા નથી. આ સમાચારોથી ચિંતિત રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને ચેતવણી આપી છે કે ઈરાનના પરમાણુ કેન્દ્રોને નુકસાન ચિંતાજનક અને ડરામણી બાબત છે. પરમાણુ કેન્દ્રો પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા હવે નિયંત્રણ બહાર જઈ રહ્યા છે, જેના વિનાશક પરિણામ આવી શકે છે. આ હુમલાઓને પગલે પરમાણુ કેન્દ્રમાંથી ૬૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવા પડયા છે.બીજીબાજુ ઈરાન મધ્ય-પૂર્વના દેશો માટે જોખમી હોવાનો દાવો કરતા ઈઝરાયેલે ઈરાન પર હુમલા ચાલુ રાખ્યા હતા. આ હુમલામાં ઈરાનના નવા સંરક્ષણ મંત્રી માજિદ ઈબન અલ રજાનું મોત થયું હતું. આ સિવાય તહેરાન અને કોમ શહેરમાં સુપ્રીમ લીડરની પસંદગી માટે બેઠક ચાલી રહી હતી. ઈઝરાયેલે આ ૮૮ સભ્યોની કાઉન્સિલના બેઠકના સ્થળ પર હુમલો કરતા અનેકનાં મોત નીપજ્યાં હતા.

દરમિયાન ઈરાને મધ્ય-પૂર્વમાં અમેરિકાના બધા જ સાથી દેશો પર એકસાથે હુમલા ચાલુ રાખ્યા છે. ઈરાને સાઉદી અરબના રિયાધમાં અને કુવૈતમાં અમેરિકાના દૂતાવાસ પર ડ્રોનથી હુમલો કરી ભારે નુકસાન પહોંચાડયું હતું, જેને પગલે અમેરિકાએ બે દૂતાવાસ બંધ કરી દીધા હતા. ઉપરાંત તેણે કુવૈત, બહરિન, ઈરાક, કતાર, જોર્ડન અને યુએઈમાં તેના દૂતાવાસોમાંથી બિનજરૂરી કર્મચારીઓને અમેરિકા પરત બોલાવવાની જાહેરાત કરી હતી.

આવા સમયે ઈરાનની આર્મી આઈઆરજીસીના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલિ મોહમ્મદ નાઈનિએ જણાવ્યું હતું કે, ઓપરેશન ટ્રુ પ્રોમીસ ફોર હેઠળ તેમના હુમલામાં અમેરિકાના ૬૫૦થી વધુ જવાનો માર્યા ગયા છે. અમેરિકા અને ઈઝરાયેલ માટે આ બાબતનો ઈનકાર કરવો સ્વાભાવિક છે. જોકે, ઈરાનની ગુપ્તચર એજન્સી અને ફિલ્ડ રિપોર્ટ્સે મૃત્યુઆંકની પુષ્ટી કરી છે. બહરિનમાં અમેરિકન નેવીના પાંચમા કાફલા પર ઈરાનના મિસાઈલ અને ડ્રોનનો હુમલો સતત ચાલુ છે. સાથે જ તેમણે એવી પણ ધમકી આપી હતી કે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ ક્યાં બેઠકો કરે છે તેની અમને જાણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments