મધ્ય-પૂર્વ (મિડલ-ઈસ્ટ)માં ચાલી રહેલા યુદ્ધ અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે આજે આખી દુનિયાની નજર પાકિસ્તાન પર ટકેલી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાનની મધ્યસ્થતામાં ઈસ્લામાબાદ ખાતે આજથી મહત્વપૂર્ણ શાંતિ વાર્તા શરૂ થઈ રહી છે. આ બેઠક માટે બંને દેશોના ટોચના પ્રતિનિધિઓ પાકિસ્તાન પહોંચી ગયા છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં ચાલી રહેલી શાંતિ મંત્રણામાં એક મહત્ત્વપૂર્ણ વળાંક આવ્યો છે, જેમાં અમેરિકા વિવિધ વિદેશી બેંકોમાં ફસાયેલા ઈરાનના નાણાં મુક્ત કરવા સંમત થયું છે. આ સમજૂતીના બદલામાં, ઈરાને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી પસાર થતા જહાજોની સુરક્ષા અને અવરજવર સુનિશ્ચિત કરવાની ખાતરી આપી છે. તેહરાન આ પગલાને અમેરિકાની સદ્ભાવના અને શાંતિ પ્રક્રિયા પ્રત્યેની ગંભીરતા તરીકે જોઈ રહ્યું છે, જેનાથી વૈશ્વિક ઊર્જા પુરવઠો અને દરિયાઈ સુરક્ષા પર હકારાત્મક અસર પડવાની શક્યતા છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાનારી મહત્વપૂર્ણ શાંતિ વાટાઘાટો માટે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી અનુસાર, સુરક્ષાના કારણોસર સંસદ ભવન, સરકારી કચેરીઓ અને વિદેશી દૂતાવાસો ધરાવતા ‘રેડ ઝોન’ વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે અને તમામ રસ્તાઓ પર બેરિકેડ્સ લગાવી દેવાયા છે. ઈરાનનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ, જેનું નેતૃત્વ ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકેર ગલિબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી કરી રહ્યા છે, તે શુક્રવારે જ ઇસ્લામાબાદ પહોંચી ચૂક્યું છે અને સમગ્ર શહેરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિઓ હવે મધ્યસ્થી કરનારા પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે અલગ અલગ મુલાકાત કરીને તેમના મુદ્દાઓ અને પ્રસ્તાવ તથા માગણીઓ જણાવશે. પછી બંને વચ્ચે સામ-સામે બેઠક થશે.
અમેરિકા વતી ઈરાન સાથે શાંતિ મંત્રણામાં ચર્ચા કરવા માટે અમેરિકાના ઉપ પ્રમુખ જેડી વેન્સ સહિત વિટફોક અને જેરેડ કુશનર પણ ઈસ્લામાબાદ આવી પહોંચ્યા છે.
તાજેતરમાં જ અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ યુદ્ધવિરામ પાછળ પાકિસ્તાનની મોટી ભૂમિકા હોવાનું ખુદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું હતું. હવે આ કામચલાઉ શાંતિને કાયમી બનાવવા માટે ઈસ્લામાબાદમાં ટેબલ ટોક શરૂ થઈ છે. આ મંત્રણામાં ઈરાન તરફથી 6, અમેરિકા તરફથી 4 અને યજમાન પાકિસ્તાન તરફથી 4 પ્રતિનિધિઓ સામેલ થશે.
ઈરાનના પ્રતિનિધિમંડળે સ્પષ્ટ શબ્દોમાં અમેરિકાને કહી દીધું છે કે જો તમે અમારી શરતો માનશો તો જ અમે શાંતિ પ્રસ્તાવ પર સહમત થઇશું. બીજી બાજુ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાની મેજબાની કરવી એ પાકિસ્તાન જ નહીં પરંતુ સમગ્ર મુસ્લિમ જગત માટે ગર્વની વાત છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે ઈસ્લામાબાદમાં યોજાનારી નિર્ણાયક શાંતિ મંત્રણા પૂર્વે ઈરાની પ્રતિનિધિમંડળ પાકિસ્તાન જવા રવાના થયું હતું, જેમાં ઈરાને વાટાઘાટો શરૂ કરવા માટે મૂકેલી પ્રમુખ શરતો સ્વીકારી લેવામાં આવી હોવાના અહેવાલ છે. આ કરારના ભાગરૂપે કતાર અને દક્ષિણ કોરિયાની બેંકોમાં ફ્રીઝ કરાયેલા અંદાજે 7 બિલિયન ડોલરના ઈરાની ફંડને રિલીઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે નાણાં મુક્ત થયા બાદ જ ઈરાન મંત્રણામાં જોડાશે તેવી શરત રાખવામાં આવી હતી. આ ઉપરાંત, ઈરાનના દબાણને વશ થઈને લેબનોન પરના ઈઝરાયલી હુમલાઓ પણ આજે બંધ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે, જે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે પાકિસ્તાનની મધ્યસ્થતામાં લેવાયેલો એક મોટો રાજદ્વારી વિજય માનવામાં આવે છે.
ઈરાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઈરાનના સંસદમંત્રી ગલિબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી કરી રહ્યા છે. આ સાથે ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગલિબાફ પણ હાજર છે. રસપ્રદ વાત એ છે કે, ઈરાને પોતાના ડેલિગેશનનું નામ ‘મીનાબ 168’ રાખ્યું છે. આ નામ મીનાબ શહેરમાં એક સ્કૂલ પર થયેલા હુમલામાં માર્યા ગયેલા 168 બાળકોની યાદમાં આપવામાં આવ્યું છે, જેના દ્વારા ઈરાન આંતરરાષ્ટ્રીય મંચ પર તે ઘટનાની ગંભીરતા દર્શાવવા માંગે છે.
શાંતિ મંત્રણાના મુખ્ય સહભાગીઓ:
દેશ પ્રતિનિધિઓ
અમેરિકા જેડી વેન્સ (VP), જેરેડ કુશ્નર, સ્ટીવ વિટકોફ, બ્રેડ કૂપર
ઈરાન અબ્બાસ અરાઘચી (વિદેશ મંત્રી), મોહમ્મદ બાગેર ગલિબાફ, અલી અકબર અહમદીન, અબ્દોલનાસેર હેમ્મતી, મજીદ તખ્ત રવાંચી, મોહમ્મદ બાગેર જોલ્ઘાદ્ર
પાકિસ્તાન શહેબાઝ શરીફ (PM), અસીમ મુનીર (આર્મી ચીફ), ઈશાક ડાર, મોહમ્મદ અસીમ મલિક


