HomeWorldWorld : યુદ્ધ રોકવા અમેરિકા-ઇરાનની વાટાઘાટો અનિર્ણિત

World : યુદ્ધ રોકવા અમેરિકા-ઇરાનની વાટાઘાટો અનિર્ણિત

અમેરિકા અને ઇરાન વચ્ચે કાયમી શાંતિ માટે ઉગ્ર ચર્ચા થઈ રહી છે. તેના બે રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે અને હવે ત્રીજો રાઉન્ડ આવતીકાલે યોજાય તેમ માનવામાં આવે છે. આ ચર્ચાની સૌથી મોટી ફળશ્રુતિ એ છે કે હજી સુધી આ મંત્રણા અટકી નથી કે ખતમ થઈ નથી.  અહીં આશ્ચર્યની વાત એ છે કે ઇઝરાયેલે શાંતિમંત્રણા છતાં પણ લેબનોનમાં હુમલા ચાલુ રાખીને ૨૦નો ભોગ લીધો હોવા છતાં પણ ઇરાને અમેરિકા સાથે મંત્રણા કરી હતી, જેના માટે એક સમયે તે ઇન્કાર કરતું હતું. બીજી બાજુ અમેરિકાએ પણ શાંતિમંત્રણાના બે તબક્કામાં ઇરાનની અત્યાર સુધી ફ્રીઝ કરેલી એસેટ્સ ડીફ્રીઝ કરવાની તૈયારી દાખવી હતી. આ સિવાય બીજા કોઈ મુદ્દે હજી સુધી પ્રગતિ થઈ નથી તો તેની સામે આશ્વાસન લેવા લાયક બાબત એ પણ છે કે આ મંત્રણા હજી ખોરવાઈ પણ નથી. ઇરાનના મીડિયાએ દાવો કર્યો છે કે આ મંત્રણા રવિવારે આગળ ચાલી શકે છે. આ મંત્રણામાં અમેરિકા તરફથી વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સની આગેવાની હેઠળ આવેલા અમેરિકન પ્રતિનિધિમંડળમાં જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફનો સમાવેશ થાય છે. જ્યારે ઇરાનનું પ્રતિનિધિમંડળ સંસદના સ્પીકર મોહમ્મદ ગાલિબાફ વાઘેરની આગેવાની હેઠળના ૭૦ સભ્યો સાથે આવ્યું છે. ઇરાન આ મંત્રણા શરુ થઈ હોવા છતાં હોર્મુઝ ન ખોલવાની તેની ધમકી પર અડગ રહ્યું છે.

ઇઝરાયેલના લેબનોનમાં 200 સ્થળોએ હુમલા- 20નાં મોત

અમેરિકા અને ઇરાન વચ્ચે ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા ચાલી રહી છે ત્યારે પણ ઇઝરાયેલે લેબનોનમાં તેના હુમલા જારી રાખતા ૧૨ સિક્યોરિટી ગાર્ડ સહિત કુલ ૨૦ના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેેલે લેબનોન પર છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૦થી વધુ હવાઈ હુમલા કર્યા હતા. આમ શાંતિમંત્રણાનો જે એક મુદ્દો છે તેનો ઇઝરાયેલે છેદ ઉડાવી દીધો છે. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુનો દાવો છે કે ઇરાનનું સંચાલન હવે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કરે છે. આમ ઇરાન હવે પહેલાં કરતાં પણ વધુ કટ્ટર હાથોમાં પહોંચી ગયું છે. વિશ્વએ આગામી દિવસોમાં તેની કટ્ટરતાનો અહેસાસ થશે.

હોર્મુઝની ખાડી ખોલવા ગયેલા અમેરિકન જહાજ પરત ફર્યા

મધ્યપૂર્માં ચાલતા જંગ વચ્ચે હોર્મુઝ ની ખાડી ખોલવાના પ્રયત્નોમાં અમેરિકાને નિષ્ફળતા સાંપડી હોવાના સમાચાર સામે આવ્યા છે. હોર્મુઝની ખાડી ખોલવા માટે ગયેલા અમેરિકાના યુદ્ધજહાજો ઇરાનના નૌકાદળની કડક ચેતવણીના લીધે પરત ફરવાની ફરજ પડી છે. આ ઘટના ત્યારે થઈ જ્યારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સતત દાવો કરી રહ્યા છે કે અમેરિકા આ અત્યંત મહત્ત્વના સમુદ્રી રસ્તાને ખોલવાની પ્રક્રિયા શરૂ કરી ચૂક્યું છે.ઇરાનના સરકારી ટીવીનું કહેવું છે કે અમેરિકન યુદ્ધજહાજોને ચેતવણી આપવામાં આવી હતી કે જો તે હોર્મુઝની ખાડી પાર કરે છે તો ૩૦ મિનિટની અંદર તેના પર હુમલો કરવામાં આવશે. ઇરાનના વરિષ્ઠ લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે ચેતવણી પછી અમેરિકન યુદ્ધજહાજ પરત જતું રહ્યું. આમ હોર્મુઝની ખાડી ખોલવા જવાનો અમેરિકાનો પ્રયત્ન નિષ્ફળ નીવડયો છે.

અમેરિકા ઇરાનની ટાંચમાં લીધેલી એસેટ્સ છોડવા માટે તૈયાર

અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિમંત્રણા ચાલી રહી છે ત્યારે અમેરિકા ઇરાનની કતાર અને અન્ય દેશોમાં જપ્ત કરવામાં આવેલી એસેટ્સને છોડવા સંમત થયું છે. જો કે ઇરાનની ટાંચમાં લીધેલી એસેટ્સ અંગે અમેરિકાએ ક્યારેય જાહરમાં કોઈ ટિપ્પણી કરી નથી. આ અંગે સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ રીતે મિલકતો મુક્ત કરવાનો હેતુ હોર્મુઝની ખાડીમાંથી સલામત રીતે પસાર થવા સાથે જોડાયેલો છે. હોર્મુઝની ખાડી વર્તમાન મંત્રણામાં ચાવીરૂપ મુદ્દો છે.

અમેરિકાએ એક જ વર્ષમાં બે વખત અમારો વિશ્વાસ તોડયોઃ ઇરાન

અમેરિકાએ ઇરાન સાથેના શાંતિમંત્રણામાં ઇરાનની વિશ્વસનીયતા અંગે સવાલ ઉઠાવતા ઇરાને પણ વળતો જવાબ આપ્યો છે. ઇરાનના સ્પીકર ગાલિબાફે જણાવ્યું હતું કે અમેરિકા પોતાને વિશ્વની મહાસત્તા કહેવડાવે છે, પરંતુ તેને પોતાના જ વચનોની કિંમત નથી. તેણે છેલ્લા એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં બે-બે વખત અમારો વિશ્વાસ તોડયો છે અને ચાલુ મંત્રણાએ તેણે અમારા પર બોમ્બાર્ડિંગ શરૂ કરી દીધુ હતુ. ગયા વર્ષે તેણે જૂનમા આવું કર્યુ હતુ અને આ વર્ષે ૨૮મી ફેબુ્રઆરીથી તેનો પ્રારંભ કર્યો હતો.

પાક.નો મંત્રણા માટે અસાધારણ સ્તરની સુરક્ષા ગોઠવ્યાનો દાવો

પાકિસ્તાને અમેરિકા-ઇરાન માટે અસાધારણ સ્તરની સુરક્ષા ગોઠવ્યાનો દાવો કર્યો છે. આ માટે આખી ઇસ્લામાબાદ રાજધાનીને જાણે પોલીસ છાવણીમાં ફેરવી દેવાઈ હતી અને અભેદ્ય ગઢ સમાન બનાવી દેવાઈ હતી. અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થામાં લગભગ ૧૦ હજારથી પોલીસ કર્મચારીઓ ગોઠવાયેલા છે. તેમા પણ ખાસ કરીને ઇરાનના પ્રતિનિધિમંડળને લાવવામાં તો પાકને પરસેવો છૂટી ગયો હતો. ઇરાનના પ્લેનના ટ્રાન્સપોન્ડર ઓફ હોવાના કારણે તેની સાથે-સાથે સતત પાકિસ્તાની એરલાઇન્સનું પ્લેન ઉડાડવું પડયું હતું. ઇરાનનું પ્રતિનિધિમંડળ તહેરાનથી ૪૦૦ કિ.મી. દૂર આવેલા કાસ્પિયન સી ખાતેના ગોર્ગન એરપોર્ટ પરથી ઉપડયું હતું. પાક. એર ટ્રાફિક કંટ્રોલરોનએ એડવાન્સમાં જ જણાવી દેવાયું હતું કે તેના પ્લેનના ટ્રાન્સપોન્ડરો ઓફ હશે. તેના કારણે કોમર્સિયલ ફ્લાઇટ્સના રાડાર પર આ એરક્રાફ્ટ ડિટેક્ટ નહીં થઈ શકે. જો કે તે મિલિટરી રાડાર પર દેખાતું હતું.

ઇરાનમાં અટવાયેલા 312 ભારતીય માછીમારો પરત ફર્યા

ઇરાનમાં પ્રાદેશિક તનાવના લીધે અટવાયેલા ૩૧૨ ભારતીય માછીમારો પરત ફર્યા છે. તેઓ આર્મેનિયાના રુટે બહાર આવ્યા હતા, એમ વિદેશપ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું. ઇરાનમાંથી અગાઉ ૩૪૫ માછીમારોને બચાવાયા પછીનો આ બીજો મોટો જથ્થો છે.

અમેરિકામાં ઇરાની અધિકારીઓના સંબંધીઓના ગ્રીન કાર્ડ રદ કરવાની તજવીજ

વોશિંગ્ટન : ટ્રમ્પ વહીવટીતંત્રએ અમેરિકામાં લાબા સમયથી રહેતા અને ગ્રીન કાર્ડ ધરાવતા ઇરાનીયનોનું ગ્રીન કાર્ડ સ્ટેટસ રદ કરવા માંડયું છે. આ ઇરાનીયનો મુખ્યત્વે વરિષ્ઠ ઇરાનીયનોની સાથે સંબંધ ધરાવે છે. વિદેશ વિભાગે શનિવારે જણાવ્યું હતું કે લોસ એન્જલ્સ સ્થિત મનોવિજ્ઞાાનના પ્રાધ્યાપક સૈયદ આઇસા હાશમી, તેમની પત્ની અને તેમના પુત્ર બધા કાયદેસરના અમેરિકન નાગરિક હતા. તેમની સામે પગલાં લેવામાં આવ્યા છે. વિભાગે જણાવ્યું હતું કે ઇમિગ્રશન સત્તાવાળાઓએ તેમને ડિપોર્ટેશન માટે કસ્ટડીમાં લીધા છે. હાશેમી ૧૯૭૯માં તહેરાનમાં અમેરિકન રાજદૂતાવાસના હુમલાખોરોની પ્રવક્તા હતી અને તેને પછી સૌપ્રથમ ઇરાની મહિલા પ્રમુખ તરીકે પ્રમોટ કરવામાં આવી હતી. ગયા સપ્તાહે વિદેશ વિભાગે ભૂતપૂર્વ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના વડા કાસેમી લુલેમાનીના ભત્રીજા અને ભત્રીજીનું ગ્રીન કાર્ડ પણ છીનવ્યુ હતુ, કાસિમ સુલેમાની ૨૦૨૦ના પ્રારંભમાં અમેરિકાના બગદાદ પરના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments