ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક ચોંકાવનારો દાવો કર્યો છે કે, ઈરાન વિરુદ્ધ ચલાવવામાં આવેલા સૈન્ય અભિયાનમાં મોટી સફળતા મળી છે. તેમના મતે, ઈરાનનો પરમાણુ અને બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમ હવે અત્યંત નબળો પડી ગયો છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલેલી 21 કલાકની મેરેથોન બેઠક કોઈ પણ પરિણામ વગર પૂરી થઈ છે.
નેતન્યાહુએ જણાવ્યું હતું કે, ઈરાન વર્ષોથી હમાસ, હિઝબુલ્લાહ અને હૂતીઓ જેવા સંગઠનો દ્વારા ઈઝરાયેલને ઘેરવાનો પ્રયાસ કરતું હતું. ઈરાન ઈઝરાયેલને ખતમ કરવાની વાતો કરતું હતું, પણ હવે તે પોતે અસ્તિત્વ ટકાવી રાખવા માટે ફાંફા મારી રહ્યું છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે, આ અભિયાન હજુ સંપૂર્ણપણે સમાપ્ત થયું નથી.

ઈસ્લામાબાદમાં થયેલી બેઠક અંગે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પ્રતિક્રિયા આપી હતી. તેમણે દાવો કર્યો કે, અમેરિકા ઈચ્છતું હતું કે ઈરાન ભવિષ્યમાં પરમાણુ હથિયાર નહીં બનાવે તેનો લેખિત ભરોસો આપે. ઈરાને આ શરત માનવાનો ઈનકાર કર્યો, જેના કારણે 21 કલાકની ચર્ચા બાદ પણ કોઈ સીઝફાયર ડીલ થઈ શકી નહીં. ઈરાને આ નિષ્ફળતા માટે અમેરિકાની અયોગ્ય માંગણીઓને જવાબદાર ઠેરવી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, સૈન્ય મોરચે અમેરિકાની જીત થઈ છે. તેમણે ચીનને પણ ચેતવણી આપી છે કે જો તે ઈરાનને ટેકો આપશે તો તેને માઠાં પરિણામ ભોગવવા પડશે. દરિયાઈ સુરંગોનો વિવાદ પણ વકર્યો છે. અમેરિકાના બે યુદ્ધ જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પહોંચી ગયા છે. અમેરિકાનો આરોપ છે કે, ઈરાનની IRGC એ દરિયામાં સુરંગો બિછાવી છે. ઈરાને ચેતવણી આપી છે કે, જો કોઈ સૈન્ય જહાજ આ રસ્તે આગળ વધશે તો તેના ગંભીર પરિણામો આવશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે બંને પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી છે, પરંતુ નેતન્યાહુના દાવા અને અમેરિકાના કડક વલણને જોતા આગામી દિવસોમાં આ સંઘર્ષ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.


