કોમેડી શોમાં ‘દાદી’ બનવું અલી અસગરને ભારે પડ્યું, બાળકોની મજાક ઉડતા અભિનેતાએ લીધો મોટો નિર્ણય. કપિલ શર્મા શોના ‘દાદી’એ કેમ છોડ્યો શો. અલી અસગરે વર્ષો પછી જણાવી આપવીતી.
ધ કોમેડિયન કપિલ શર્મા શો ગુત્થી અને દાદીના પાત્રોને આજે પણ લોકો યાદ કરે છે. એક સમયે સોની ટેલીવિઝન પર આવતા કપિલના શો દર્શકોનું ભરપૂર મનોરંજન કરતો હતો. જો કે હાલમાં કપિલ નેટફ્લિકસ પર ધૂમ મચાવી રહ્યો છે. પરંતુ આ શોમાં દાદીનું પાત્ર ભજવનાર અલી અસગર 9 વર્ષથી ઇન્ડસ્ટ્રીથી ગાયબ છે. આખરે કપિલ શર્મા શોના ‘દાદી’એ કેમ શો છોડ્યો તેને લઈને ચાહકો પણ ચિંતાતુર છે. મનીષ પોલના પોડકાસ્ટમાં ‘દાદી’ બનતા અભિનેતા અલી અસગરે વર્ષો બાદ ‘કપિલ શો’ છોડવાને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
મનોરંજન જગતમાં સક્રિય અલી અસગર 1980ના દાયકાથી ફિલ્મો અને સિરિયલમાં નાની -મોટી વિવિધ ભૂમિકા ભજવી હતી. જો કે અલી અસગરને ખરી ઓળખ કપિલ શર્માના શોમાં ‘દાદી’ના પાત્રથી મળી. આ પાત્ર એટલું લોકપ્રિય થયું કે લોકો તેમને અલીને બદલે ‘દાદી’ તરીકે જ ઓળખવા લાગ્યા. પરંતુ 2017માં અલી અસગર સફળતાની ટોચ પર હોવા છતાં તેમણે કપિલનો શો છોડી દીધો હતો. 2017 પછી તેઓ કપિલ શર્માના શોમાં દેખાયા નથી. વર્ષો પછી, અભિનેતાએ આનું કારણ જાહેર કર્યું છે. તાજેતરમાં તેમણે મનીષ પોલના પોડકાસ્ટમાં સમજાવ્યું કે તેમણે શો કેમ છોડી દીધો અને તેના કારણે તેમને શું સહન કરવું પડ્યું. મનીષ પોલના પોડકાસ્ટમાં અલીએ શો છોડવા પાછળના દુખદ અને અંગત કારણોનો ખુલાસો કર્યો છે.

અલીએ જણાવ્યું કે સતત સ્ત્રી પાત્રો ભજવવાને કારણે તેમની એક ચોક્કસ છબી (Image) બની ગઈ હતી. ‘કોમેડી સર્કસ’ જેવા શોમાં પણ તેઓ સતત સ્ત્રીના વેશમાં દેખાતા હતા, જેના કારણે લેખકો તેમના માટે માત્ર આવા જ રોલ લખવા લાગ્યા હતા. અલીએ કહ્યું, “મારે જીવનનિર્વાહ માટે આ કામ કરવું પડતું હતું, પરંતુ એક અભિનેતા તરીકે હું કંઈક નવું કરવા માંગતો હતો. મને લાગ્યું કે મારી પ્રતિભા માત્ર એક પ્રકારના પાત્રોમાં કેદ થઈ રહી છે.” ટીવી પર ક્રોસ-ડ્રેસિંગ ભૂમિકાઓમાં જ જોવા મળતો હતો. સતત એક જ પ્રકારનું પાત્ર કરવું માટે શ્રાપ બની ગયું.
સૌથી ચોંકાવનારો ખુલાસો અલીએ તેમના બાળકો વિશે કર્યો. મનીષ પોલ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે તેમના ક્રોસ-ડ્રેસિંગ (સ્ત્રી પાત્ર ભજવવું) પાત્રોને કારણે તેમના બાળકોને શાળામાં ગુંડાગીરી અને મજાકનો સામનો કરવો પડ્યો હતો. અલીએ ભાવુક થતા કહ્યું કે, “ફિલ્મ ‘દીવાર’માં વિજયના હાથ પર લખ્યું હતું કે ‘મેરે બાપ ચોર હૈ’, પરંતુ વાસ્તવિક જીવનમાં મારા બાળકોને એવું કહીને ચીડવવામાં આવતા કે ‘તારા પિતા સ્ત્રી બને છે’. આ સાંભળવું કોઈ પણ પિતા માટે ખૂબ પીડાદાયક હોય છે.”
અલી અસગર હવે પોતાની આ જૂની છબીમાંથી બહાર નીકળીને અભિનેતા તરીકે નવી તકો શોધી રહ્યા છે. ૯ વર્ષ પછી પણ ચાહકો તેમને એટલો જ પ્રેમ કરે છે, પરંતુ તેમની આ સફર પડદા પાછળના અનેક સંઘર્ષોથી ભરેલી રહી છે. 2013 થી 2017 સુધી કપિલ શર્માના શોમાં નાની અને દાદીની ભૂમિકા ભજવનાર અલી અસગરને ઇન્ડસ્ટ્રીમાં નવી તકો મળે તેને લઈને ચાહકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. અત્યારે ફક્ત ટીવી અને ફિલ્મ નથી. ઓટીટી પ્લેટફોર્મ અને વેબ સિરિઝના નવા વિકલ્પો છે. આવી સ્થિતિમાં આ સશક્ત કલાકારને પોતાનો અભિનય બતાવવાની નવી તકો મળશે.


