HomeIndiaNational : મમતા બેનર્જીની પાર્ટી TMCને હાઈ કોર્ટની મોટી રાહત: બેંક ખાતાઓમાંથી...

National : મમતા બેનર્જીની પાર્ટી TMCને હાઈ કોર્ટની મોટી રાહત: બેંક ખાતાઓમાંથી મર્યાદિત વ્યવહારોને મંજૂરી આપી, દેખરેખ માટે ખાસ અધિકારીની નિમણૂક

ચૂંટણી બાદ સત્તામાંથી હાથ ધોયા બાદ પાર્ટીના વિખવાદો સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલા પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને કોલકાતા હાઈ કોર્ટે  મોટી રાહત આપતા તેમના ફ્રીઝ કરાયેલા ત્રણ બેંક ખાતાઓમાં સામાન્ય લેવડદેવડ ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે.

કોર્ટે આ મામલે સુનાવણી કરતા પાર્ટીના રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા માટે આ વચગાળાની વ્યવસ્થા આગામી 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ બેંક ખાતાઓ પર નજર રાખવા અને નાણાકીય વ્યવહારોનું સંચાલન કરવા માટે કોર્ટે એક સ્પેશિયલ ઓફિસરની પણ નિમણૂક કરી છે, જેથી રાજકીય પક્ષનું કામકાજ સુચારુ રૂપે ચાલી શકે.

મળતી વિગતો અનુસાર કોર્ટના આદેશ અનુસાર બેંક ખાતાઓમાંથી થતી આ નાણાકીય લેવડદેવડ માત્ર રાજકીય પક્ષ ચલાવવા માટે થતા રોજિંદા ખર્ચ પૂરતી જ સીમિત રહેશે, જેની જાણકારી TMC દ્વારા તેમના પૂરક સોગંદનામામાં આપવામાં આવી છે. 

ખર્ચ પર દેખરેખ રાખવા માટે કોર્ટે નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ સુબ્રત તાલુકદારને સ્પેશિયલ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ તૃણમૂલ કોંગ્રેસના બે જવાબદાર અધિકારીઓની સહીવાળા ચેકના આધારે જ પૈસા ખર્ચવાની મંજૂરી આપશે. જસ્ટિસ તાલુકદાર આ સિવાયના કોઈ પણ અન્ય પ્રકારના બહારના ખર્ચ કે ચૂકવણીની પરવાનગી આપશે નહીં.

સુનાવણી દરમિયાન કોર્ટે ફરિયાદી અને પોલીસ બંનેનો ઉધડો લીધો હતો. બેન્ચે ફરિયાદીને સવાલ કર્યો હતો કે તેમણે 4 મે પહેલા આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ કેમ નોંધાવી ન હતી. 

વધુમાં કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદીએ પોતે જ આ બેંક ખાતાઓમાંથી પૈસા સ્વીકાર્યા હતા અને ચૂંટણી લડીને ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ ઉપરાંત, કોર્ટે પોલીસને પણ આકરા સવાલો કરતા પૂછ્યું હતું કે આખરે કયા વાંધાજનક દસ્તાવેજોના આધારે પાર્ટીના આ બેંક ખાતાઓને ફ્રીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે TMCના વકીલ અર્ક કુમાર નાગે કોર્ટના આદેશની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે પાર્ટીના ખાતાઓમાંથી માત્ર આવશ્યક ખર્ચ માટે જ પરવાનગી આપવામાં આવી છે. 

આ તમામ જરૂરી ચુકવણીઓ કોર્ટ સમક્ષ સોગંદનામા મારફતે પહેલેથી જ જાહેર કરવામાં આવી છે. રાજકીય પક્ષના ખાતાના વર્તમાન સહી કરનારાઓ દ્વારા ચેક રજૂ કરવામાં આવ્યા બાદ જ સ્પેશિયલ ઓફિસરની દેખરેખ હેઠળ આ સમગ્ર નાણાકીય વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments