HomeIndiaNational : આંધ્રપ્રદેશમાં બસ-ઓટો વચ્ચે ભયાનક અકસ્માત,બર્થડે પાર્ટીથી પરત ફરતા પરિવાર પર...

National : આંધ્રપ્રદેશમાં બસ-ઓટો વચ્ચે ભયાનક અકસ્માત,બર્થડે પાર્ટીથી પરત ફરતા પરિવાર પર ત્રાટક્યો કાળ, 7ના મોત

આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લામાં ગુરુવારે સવારે એક દર્દનાક રોડ અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં 6 મહિલાઓનો સમાવેશ થાય છે. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે વિજયવાડાથી તિરુપતિ જઈ રહેલી એક ખાનગી બસે ઓટો-રિક્ષાને જોરદાર ટક્કર મારી દીધી હતી.

બર્થડે પાર્ટીમાંથી પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત

પોલીસે આપેલી વિગતો મુજબ, આ દુર્ઘટના પલનાડુ જિલ્લાના ચિલકાલૂરીપેટમાં અડ્ડા રોડ નજીક બની હતી. ઓટો-રિક્ષામાં આશરે 15 લોકો સવાર હતા. પીડિતો ચિલકલુરીપેટ મંડળના વેલુરુ ગામના રહેવાસી હતા અને તેઓ પ્રકાશમ જિલ્લાના કોંડામાં જુલુરથી એક બર્થડે પાર્ટી ઉજવીને પરત ફરી રહ્યા હતા. ટક્કર એટલી ભીષણ હતી કે 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 2 લોકોના ગુન્ટૂરની સરકારી જનરલ હોસ્પિટલમાં અને 1 વ્યક્તિનું ચિલકલુરીપેટ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

મૃતકો અને ઘાયલોની વિગત

અકસ્માતમાં ચાર બાળકો સહિત આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે ગુન્ટૂરની સરકારી જનરલ હોસ્પિટલ અને ચિલકલુરિપેટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોની ઓળખ બોન્ટૂ બાબૂ (62), બોન્ટૂ માનેમ્મા (55), સંપૂર્ણમ્મા (70), ગંગમ્મા (50), લક્ષ્મમ્મા (75), ચૌતુપલ્લી સ્વાર્થમ્મા (45) અને મારીયમ્મા (45) તરીકે થઈ છે.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ

આ ભયાનક રોડ’ અકસ્માત પર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબૂ નાયડુએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સાંત્વના પાઠવી હતી અને અધિકારીઓને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સતત દેખરેખ રાખવાના નિર્દેશ આપ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે પણ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને જિલ્લા સત્તાધીશોને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.

ગૃહમંત્રીએ આપ્યા તપાસના આદેશ

દરમિયાન, રાજ્યના ગૃહમંત્રી વંગાલપુડી અનીતાએ પલનાડુના એડિશનલ એસપી સાથે વાતચીત કરીને અકસ્માતના કારણો અને રાહત કામગીરીની જાણકારી મેળવી હતી. 7 લોકોના મોતની ઘટનાને અત્યંત દુઃખદ ગણાવતા તેમણે તપાસના આદેશ આપ્યા છે. ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું કે બસની સ્પીડ, ડ્રાઈવરની બેદરકારી અને અકસ્માત માટે જવાબદાર તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરવામાં આવે. ભવિષ્યમાં આવી હોનારત રોકવા માટે ખાનગી વાહનો માટેના રોડ સેફ્ટી નિયમોનું કડક પાલન કરાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments