નેપાળમાં પૂરના નવા સંકટ વચ્ચે ગુરુવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. દેશના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ભોટેકોશી નદી પાસે કુદરતી તળાવ બની જવાથી નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર વિનાશક પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે.
પૂરની તબાહી વચ્ચે નેપાળમાં ભૂકંપનો આંચકો
નેપાળ હજુ તાજેતરમાં આવેલા ભયાનક પૂરની હોનારતમાંથી બહાર પણ નીકળી શક્યું નથી. તિબેટમાં ભોટેકોશી નદી પાસે થયેલા ભૂસ્ખલન બાદ આવેલા અચાનક પૂરના કારણે ભારે વિનાશ સર્જાયો હતો. આ કુદરતી આપદામાં અત્યાર સુધીમાં 359 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 1,500થી વધુ લોકો હજુ પણ લાપતા છે.
કૃત્રિમ તળાવ બનતા નેપાળ સરકારે એલર્ટ જાહેર કર્યું
નેપાળ સરકારના સેટેલાઇટ તસવીરોના વિશ્લેષણ પરથી મળેલા રિપોર્ટ મુજબ, રસુવાગઢી સરહદથી લગભગ 18 કિલોમીટર ઉપર લેંડે નદીનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આ રુકાવટના કારણે કાંઠાના વિસ્તારમાં લગભગ 0.11 ચોરસ કિલોમીટર વિસ્તારમાં એક મોટી અસ્થાયી લેક (તળાવ) બની ગઈ છે. નેપાળ સરકારે ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે આ કુદરતી તળાવનો બંધ તૂટવાથી નીચાણવાળા વિસ્તારોમાં અચાનક ભયાનક પૂર આવવાનું મોટું જોખમ ઊભું થયું છે. વહીવટીતંત્રે નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ નિવાસીઓ અને સંબંધિત અધિકારીઓને ખૂબ જ સાવચેતી રાખવા અને હાઇ એલર્ટ પર રહેવાનો નિર્દેશ આપ્યો છે.

ભોટેકોશી નદીમાં તળાવ ફાટવાનો અને ફરી પૂરનો ખતરો
નેપાળ સરકારે ભોટેકોશી નદીમાં સંભવિત પૂરના જોખમ અંગે વિશેષ નોટિસ જાહેર કરી છે. ચીન તરફથી મળેલી તાજી માહિતી અને સેટેલાઇટ ઇમેજ મુજબ, નદીનો પ્રવાહ રોકાઈ ગયો છે અને ગઈકાલે જ્યાં પૂર આવ્યું હતું ત્યાં એક તળાવ બની ગયું છે. નોટિસમાં જણાવાયું છે કે તળાવમાં પાણીનું સ્તર વધી રહ્યું છે અને તે ફાટવાનું જોખમ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, ભોટેકોશી નદીના નીચાણવાળા કાંઠાના વિસ્તારોના રહીશો, પ્રવાસીઓ અને બચાવ કાર્યકર્તાઓને નદીના કિનારા અને જોખમી વિસ્તારોથી દૂર સુરક્ષિત જગ્યાએ રહેવા વિનંતી કરવામાં આવી છે.
તિબેટમાં 4.9ની તીવ્રતાનો જોરદાર આંચકો
તિબેટમાં 27 ઓગસ્ટ 2026ના રોજ ભારતીય સમય મુજબ રાત્રે 8 કલાક, 15 મિનિટ અને 53 સેકન્ડે 4.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના ડેટા મુજબ તેનું કેન્દ્રબિંદુ 33.121 અક્ષાંશ અને 86.775 રેખાંશ પર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ કેન્દ્રબિંદુ કાઠમંડુથી 616 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વ, સિક્કિમના લાચુંગથી 632 કિલોમીટર ઉત્તર-ઉત્તરપશ્ચિમ, યુકસોમથી 654 કિલોમીટર ઉત્તર-ઉત્તરપશ્ચિમ અને પેલિંગથી 660 કિલોમીટર ઉત્તર-ઉત્તરપશ્ચિમ અંતરે આવેલું હતું.


