આજના વ્યસ્ત જીવનમાં મોટાભાગના લોકો આખો દિવસ પોતાના ખાવા-પીવા પર પૂરતું ધ્યાન આપે છે, પરંતુ સવારે ઉઠતાંની સાથે જ સૌથી પહેલાં પેટમાં શું પધરાવવું જોઈએ તે બાબત પ્રત્યે બેદરકાર રહે છે. નિષ્ણાતોના મતે, સવારની શરૂઆત કેવી રીતે થાય છે તે આપણા આખા દિવસના એનર્જી લેવલ, પાચન અને મૂડને નક્કી કરે છે. જાણીતા ન્યુટ્રિશનિસ્ટ દીપશિખા જૈને સોશિયલ મીડિયા પર પોતાની મોર્નિંગ રૂટિન શેર કરીને બતાવ્યું છે કે તેઓ સવારે 6 વાગ્યે ખાલી પેટે કઈ 3 વસ્તુઓનું સેવન કરે છે.જો તમે પણ સવારે સુસ્તી, થાક કે આળસ અનુભવો છો, તો ન્યુટ્રિશનિસ્ટ દ્વારા બતાવવામાં આવેલી આ સરળ અને અસરકારક મોર્નિંગ આદતોને તમારા દિનચર્યાનો ભાગ બનાવી શકો છો.
- 250 મિલી પાણી પીને દિવસની શરૂઆત કરો
રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ દરમિયાન શરીર પાણી વગર રહે છે, જેના કારણે સવારે ઉઠતી વખતે ડીહાઇડ્રેશન (પાણીની કમી) અનુભવાય છે. ન્યુટ્રિશનિસ્ટના જણાવ્યા મુજબ, સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા 250 મિલી નવશેકું કે સાદું પાણી પીવું જોઈએ. આનાથી રાત્રિ દરમિયાન શરીરમાંથી ઘટેલા ફ્લુઇડ્સની ભરપાઈ થાય છે અને મેટાબોલિઝમ તુરંત જ સક્રિય થઈ જાય છે.

- હેલ્ધી ફેટ (1 ચમચી શુદ્ધ નારિયેળ તેલ)
પાણી પીધા પછી તરત જ ચા કે નાસ્તો કરવાને બદલે એક ચમચી ‘વર્જિન કોકોનટ ઓઇલ’ (શુદ્ધ નારિયેળ તેલ) લેવાની સલાહ આપવામાં આવે છે. સવારે ખાલી પેટે હેલ્ધી ફેટ લેવાથી બ્લડ સુગરનું સ્તર દિવસભર સ્થિર રહે છે. તેનાથી વારંવાર ભૂખ લાગતી નથી અને દિવસ દરમિયાન ચિડચિડાપણું અનુભવાતું નથી.
૩. એક કપ બ્લેક કોફી (એનર્જી અને ફોકસ માટે)
રૂટિનના છેલ્લા સ્ટેપમાં તેઓ એક કપ ગરમ બ્લેક કોફી લે છે. બ્લેક કોફીમાં રહેલું કેફીન સવારે શરીરમાં કોર્ટિસોલનું નેચરલ લેવલ 30થી 40 ટકા સુધી વધારી દે છે, જેનાથી આળસ દૂર થાય છે અને વ્યક્તિ વધુ એકાગ્ર તથા સતર્ક અનુભવે છે. આ ઉપરાંત કોફીમાં પોલીફેનોલ્સ (એન્ટિઓક્સિડન્ટ્સ) હોય છે, જે આંતરડા અને પાચન સ્વાસ્થ્ય (Gut Health) માટે ખૂબ ફાયદાકારક ગણાય છે.આ ત્રણેય વસ્તુઓનો સમન્વય સવારે પાચનતંત્રને શાંત રાખીને દિવસભર શરીરને કાર્યક્ષમ અને ઉર્જાવાન રાખવામાં મદદ કરે છે.


