ભરુચ જિલ્લાના અંકલેશ્વરમાં થોડા દિવસો પહેલા ગળું કપાયેલી હાલતમાં મળી આવેલા પરપ્રાંતીય યુવાનની લાશના કેસમાં પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. આ હત્યા કોઈ લૂંટના ઈરાદે નહીં, પરંતુ ‘અનૈતિક સંબંધો’ના કારણે થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે એક મહિલાના જમાઈ અને તેના સગીર પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા મુન્ના લક્ષમણ પાલની હત્યા પાછળ પ્રેમ સંબંધ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. મૃતક મુન્નાને અંકલેશ્વરમાં પાનનો ગલ્લો ચલાવતી એક મહિલા સાથે અનૈતિક સંબંધો હતા. આ વાતની જાણ જ્યારે મહિલાના પરિવારજનોને થઈ, ત્યારે ઘરમાં ભારે વિખવાદ ઉભો થયો હતો. પરિવારની બદનામીના ડરે મહિલાના જમાઈ અને પુત્રએ મુન્નાને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મહિલાના જમાઈ ભોલું માનિક મંડલ અને તેના સગીર સાળાએ મળીને મુન્ના પાલની ઘાતકી હત્યા કરી હતી. આરોપીઓએ તીક્ષ્ણ હથિયારથી મુન્નાનું ગળું કાપી નાખ્યું હતું અને પુરાવાનો નાશ કરવાના ઈરાદે મૃતદેહને સારંગપુર ગામની સીમ નજીક ફેંકી દીધો હતો. અંકલેશ્વર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી બંને આરોપીઓને દબોચી લીધા છે અને ગુનામાં વપરાયેલ હથિયાર મેળવવાની તજવીજ શરૂ કરી છે.


