ધોરાજીના ઝાંઝમેર ગામે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા શંકાસ્પદ દૂધના જથ્થા પર દરોડો પાડવામાં આવ્યો છે. દૂધમાં ભેળસેળ કરતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે એસ.ઓ.જી. (SOG) રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા શંકાસ્પદ દૂધના જથ્થા પર દરોડો પાડવામાં આવ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી દૂધમાં ભેળસેળ કરતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્ય પોલીસ શાખાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઝાંઝમેર ગામે આવેલી ‘દ્વારકાધીશ દૂધ ડેરી’માં દૂધની માત્રા (Quantity) અને ફેટ વધારવા માટે હાનિકારક પદાર્થોની ભેળસેળ કરીને નકલી દૂધ બનાવવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે ઓચિંતી રેડ પાડી હતી.
પોલીસના દરોડા દરમિયાન ડેરીમાંથી આશરે 400 લિટર જેટલો શંકાસ્પદ દૂધનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ દૂધનો જથ્થો કબજે કરી, તેના સેમ્પલ મેળવીને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આપ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ આ દૂધમાં કયા પ્રકારની ભેળસેળ કરવામાં આવતી હતી તેની વિગતો સ્પષ્ટ થશે.


