દેશમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી તથા મહિલા અનામત બિલ મુદ્દે ચર્ચા વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 8.30 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. વડાપ્રધાન મોદી આ સંબોધનમાં કયા વિષય પર વાત કરવાના છે તે અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જોકે પીએમ મોદી મહિલા અનામત મુદ્દે સંબોધન કરે તેવી શક્યતા છે.
કેબિનેટ બેઠકમાં આજે મોટો નિર્ણય લેવાયો
આજે સવારે મળેલી કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના DA માં 2% નો વધારો અને PM ગ્રામ સડક યોજના ને 2028 સુધી લંબાવવા જેવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
મહિલા અનામત બિલ અંગે કોઈ નિવેદન આપશે PM મોદી?
ગઈકાલે લોકસભામાં મહિલા અનામત સુધારા બિલ પસાર ન થતા આજે રાજકીય માહોલ ગરમાયેલો છે. વડાપ્રધાને કેબિનેટ બેઠકમાં આ બાબતે વિપક્ષ પર નિશાન સાધ્યું હોવાના અહેવાલો પણ છે.

પીએમ મોદીના મુખ્ય રાષ્ટ્રજોગ સંબોધનોની યાદી
8 નવેમ્બર, 2016: રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત
27 માર્ચ, 2019: ભારતે અંતરિક્ષમાં લો-અર્થ ઓર્બિટ સેટેલાઇટને તોડી પાડીને ‘A-SAT’ મિસાઇલ ક્ષમતા હાંસલ કરી તેની જાહેરાત
8 ઓગસ્ટ, 2019: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ દેશને સંબોધન અને ત્યાંના વિકાસની બ્લૂપ્રિન્ટ રજૂ કરી
19 માર્ચ, 2020: કોરોના મહામારી સામે લડવા માટે દેશવાસીઓને એક દિવસના ‘જનતા કર્ફ્યુ’ માટે અપીલ કરી
24 માર્ચ, 2020: કોરોનાને રોકવા માટે સમગ્ર દેશમાં 21 દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત
12 મે, 2020: કોરોના કાળમાં અર્થતંત્રને વેગ આપવા ₹20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત
30 જૂન, 2020: દિવાળી સુધી મફત અનાજ વિતરણ યોજનાને લંબાવવાની જાહેરાત
19 નવેમ્બર, 2021: ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત અને ખેડૂતોની માફી માંગી
25 ડિસેમ્બર, 2021: 15-18 વર્ષના બાળકો માટે રસીકરણ અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે ‘પ્રિકોશન ડોઝ’ની જાહેરાત
12 મે, 2025: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સેનાની સફળતા (ઓપરેશન સિંદૂર) અને આતંકવાદ સામે કડક સંદેશ
આ પણ વાંચો: વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: મહિલા અનામત બિલ મુદ્દે PM મોદીનું નિવેદન
કેબિનેટની બેઠકમાં PM મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન
મહિલા અનામત બિલ લોકસભામાં જરૂરી બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું નથી. આ ઐતિહાસિક બિલ નિષ્ફળ જતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. કેબિનેટ બેઠક દરમિયાન પીએમ મોદીએ વિપક્ષની ઝાટકણી કાઢતા કહ્યું કે, વિપક્ષે આ બિલને સમર્થન ન આપીને મોટી ભૂલ કરી છે અને હવે તેમણે તેના પરિણામો ભોગવવા પડશે.
બંધારણ (131મો સુધારો) બિલ, જેનો ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવાનો હતો, તે લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. ગુરુવારથી શુક્રવાર મધ્યરાત્રિ સુધી ચાલેલી લાંબી ચર્ચા બાદ થયેલા મતદાનમાં બિલની તરફેણમાં 298 મત પડ્યા હતા, જ્યારે 230 સાંસદોએ તેનો વિરોધ કર્યો હતો.
વિપક્ષી પાર્ટીઓએ આશંકા વ્યક્ત કરી હતી કે, સીમાંકન પછી દક્ષિણ ભારતના રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટી શકે છે. જોકે, પીએમ મોદીએ સંસદમાં ખાતરી આપી હતી કે લોકસભાની બેઠકો 543 થી વધીને 816 થશે ત્યારે કોઈ પણ રાજ્ય સાથે અન્યાય નહીં થાય. તેમણે આ બિલને રાજકીય ચશ્માથી ન જોવા અને રાષ્ટ્રહિતમાં જોવા અપીલ કરી હતી. પીએમ મોદીએ કેબિનેટમાં સ્પષ્ટ કર્યું છે કે આ સંદેશ દેશના ખૂણે ખૂણે અને દરેક ગામડા સુધી પહોંચવો જોઈએ કે વિપક્ષે મહિલાઓના અધિકારો છીનવ્યા છે.


