વડોદરામાં ગાજરાવાડી પાણીની ટાંકી પાસે આજે ફરી પીવાના પાણીની સપ્લાય લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણી રસ્તા પર વહી ગયું હતું. એક તરફ ગાજરાવાડી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાય મહિનાથી ગટરમિશ્રિત પાણીની સમસ્યા યથાવત્ છે, ત્યારે બીજી તરફ પીવાના પાણીની લાઈનમાં ભંગાણની ઘટના સામે આવતા પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
સામાજિક કાર્યકર પંકજ દર્વેએ આક્ષેપ કર્યો હતો કે, પાલિકા દ્વારા પાણીની લાઈનો સહિતની કામગીરી જે રીતે કરવામાં આવી રહી છે તે ચિંતાજનક છે. તેમણે જવાબદાર અધિકારીઓની નિષ્કાળજી હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.

દર્વેએ વધુમાં જણાવ્યું હતું કે, અદ્યતન ટેકનોલોજી અને મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ શહેરની પ્રાથમિક સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના નેતાઓની કામગીરી સામે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા. દર્વેના જણાવ્યા મુજબ, ગટરમિશ્રિત પાણીના કારણે વિસ્તારમાં રોગચાળાની સ્થિતિ ઊભી થઈ હોવા છતાં પાલિકા દ્વારા કોઈ નક્કર અને કાયમી કાર્યવાહી કરવામાં આવી રહી નથી. સ્થાનિક લોકોને વારંવાર પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.


