HomeIndiaNational : લખનઉમાં ભીષણ આગ, 1000થી વધુ ઝૂંપડીઓ સ્વાહા; ગેસ સિલિન્ડરના ધડાકાથી...

National : લખનઉમાં ભીષણ આગ, 1000થી વધુ ઝૂંપડીઓ સ્વાહા; ગેસ સિલિન્ડરના ધડાકાથી આખો વિસ્તાર આગની ઝપેટમાં

લખનઉના વિકાસનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વિનાયકપુરમ ઝૂંપડપટ્ટીમાં બુધવારે સાંજે લગભગ ચાર વાગ્યે આગ લાગી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. ગેસ સિલિન્ડર અને પાર્ક કરેલ બાઈકોની ફ્યુઅલ ટેન્કમાં એક પછી એક વિસ્ફોટ થવાને કારણે આખો વિસ્તાર ફફડી ઉઠ્યો. આગ આખી વસ્તીમાં પ્રસરી ગઈ છે. આ અગ્નિકાંડમાં 1000થી વધુ ઝૂંપડીઓ બળી ગઈ જેના કારણે ભારે નાસભાગ મચી ગઈ. અનેક લોકોના બાળકો અંદર ફસાઈ ગયા, જેના કારણે લોકોમાં આક્રંદ જોવા મળ્યું.

આ દરમિયાન જ્યારે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને લોકોને બહાર કાઢ્યા, ત્યારે પોતાના બાળકો અંદર હોવાનું કહીને લોકો પોલીસ સાથે અથડામણના દ્રશ્યો સર્જાયા. કેટલાક લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો, જેમાં સિવિલ ડિફેન્સના પોસ્ટ વોર્ડન ઋષિ શ્રીવાસ્તવન અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા.

ઘટનાની ગંભીરતા જોતા ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક, ફાયર સર્વિસના ડાયરેક્ટર જનરલ સુજીત પાંડે, પોલીસ કમિશનર અમરેન્દ્ર કુમાર સેંગર અને ડીએમ વિશાખ જી. ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે લોકોને સમજાવીને શાંત કર્યા અને નજીકમાં આવેલી મિની સ્ટેડિયમમાં ખસેડ્યા. મોડી રાત સુધી ફાયર બ્રિગેડના જવાનો આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયેલા રહ્યા. ઝૂંપડપટ્ટીના રહેવાસી વિશાલ ગૌતમ ઇટૌજાના કુંવરપુરના રહેવાસી છે. તેમણે જણાવ્યું કે, ઝૂંપડપટ્ટીમાં રહેતા મોટાભાગના લોકો મહમુદાબાદ (સીતાપુર), લખીમપુર ખીરી, બહરાઇચ અને પડોશી જિલ્લાઓના વતની છે. તેઓ લગભગ 25થી 30 વર્ષથી અહીં રહે છે.

સાંજે લગભગ ચાર વાગ્યે દેશી દારૂના ઠેકાની બાજુમાં આવેલી કેન્ટીનમાંથી અચાનક આગની જ્વાળાઓ ઉઠી હતી. આગની લપેટો વિકરાળ બની ગઈ હતી. તેની સાથે જ પાડોશી ધર્મેન્દ્ર, બબલુ, વિમલેશ, રામ સ્વરૂપ, મંત્રી, મોહમ્મદ આસિફ કુરૈશી, રહેમાન, સુનીતા અને કરનની ઝૂંપડીઓ પણ તેની ઝપેટમાં આવતા સળગવા લાગી. લોકોએ પાણી છાંટીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા મળી નહીં. આગની ઝપેટમાં આવવાને કારણે ઝૂંપડીઓમાં રાખેલા ગેસ સિલિન્ડરો ધડાધડ ધડાકાઓ સાથે ફાટવા લાગ્યા. આગ બેકાબૂ બની ગઈ અને આખી ઝૂંપડપટ્ટી સળગવા લાગી, જેની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને કરવામાં આવી. આશરે દોઢ કલાક પછી ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી. ફાયર ફાઈટરોએ આગ ઓલવવાનું શરૂ કર્યું અને બચાવ કામગીરી માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) પણ પહોંચી ગયું. પોલીસે તાત્કાલિક લોકોને ઝૂંપડપટ્ટીની બહાર ખસેડી દીધા.

રહેમાને જણાવ્યું કે, તેના ચાર બાળકો અંદર જ ફસાયા છે. બીજી તરફ, એક મહિલાએ કહ્યું કે, તેના બે બાળકો ફસાયા છે. લોકો અંદર જવા માટે જીદ કરી રહ્યા હતા. જ્યારે પોલીસે તેમને રોક્યા તો લોકો ઉગ્ર બની ગયા અને પથ્થરમારો શરૂ કરી દીધો. આ પથ્થરમારામાં ઝૂંપડપટ્ટીના લોકોની સાથે પોલીસ અને સિવિલ ડિફેન્સના કર્મચારીઓ સહિત 8થી 10 લોકો ઘાયલ થયા. મોડી રાત સુધી ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતા રહ્યા. લોકોએ જણાવ્યું કે, આ ઝૂંપડપટ્ટીમાં 1000થી વધુ ઝૂંપડીઓ હતી. તેમની ઘરવખરી, સામાન અને રોકડ બધું જ બળી ગયું. ઘણા લોકોના બાળકોના લગ્ન હતા, તેમનું દહેજ અને લગ્નનો અન્ય સામાન પણ રાખ થઈ ગયો. લોકોએ જણાવ્યું કે, તેમના પાળેલા મરઘાં, બકરીઓ અને કૂતરાઓ સહિત લગભગ 50 જેટલા પશુઓ જીવતા ભૂંજાઈ ગયા. સામાન બહાર કાઢવાના પ્રયાસમાં ઘણા લોકો દાઝી પણ ગયા છે.

ભીષણ આગની આ ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક નોંધ લીધી છે. ઘટનાની ગંભીરતાને જોતા તેમણે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને રાહત તથા બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે, અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવે અને રાહત કાર્યમાં કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવામાં ન આવે. તેમણે અધિકારીઓને તમામ સંસાધનોનો પૂરો ઉપયોગ કરવા અને પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે પણ આદેશ આપ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments