Home Blog Page 140

Maharashtra : મહારાષ્ટ્રમાં ધોરણ 1થી 10 સુધી મરાઠી ફરજિયાત, નિયમ તોડનાર શાળાઓએ ભરવો પડશે દંડ

0

મહારાષ્ટ્ર સરકારે રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 1થી 10 સુધી મરાઠી ભાષા ભણાવવાનું ફરજિયાત કરી દીધું છે. શિક્ષણ વિભાગે આ અંગે એક વિસ્તૃત સરકારી આદેશ(GR) જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે, જે શાળાઓ આ નિયમનું પાલન નહીં કરે તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ‘મહારાષ્ટ્ર અનિવાર્ય શિક્ષણ અને મરાઠી ભાષા અધિગમ અધિનિયમ, 2020’ હેઠળ શૈક્ષણિક વર્ષ 2020-21થી જ મરાઠી વિષયને ફરજિયાત બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે સરકાર તેને અમલી બનાવવા માટે વધુ કડક બની છે.

નવા નિયમો મુજબ, જો કોઈ શાળા આ આદેશનું ઉલ્લંઘન કરશે તો સૌ પ્રથમ તેને નોટિસ આપી 15 દિવસમાં ખુલાસો માંગવામાં આવશે. જો શાળાનો જવાબ સંતોષકારક નહીં હોય, તો તેને 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે અને આગામી શૈક્ષણિક વર્ષથી મરાઠી વિષય શરૂ કરવાનો આદેશ અપાશે. આટલું જ નહીં, જો શાળા વારંવાર સૂચના આપવા છતાં નિયમનો ભંગ ચાલુ રાખશે, તો તેની માન્યતા રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. આ મામલે શિક્ષણ કમિશનર ત્રણ મહિનામાં અંતિમ નિર્ણય લેશે, જેથી રાજ્યમાં માતૃભાષાના શિક્ષણને અસરકારક બનાવી શકાય.

બીજી તરફ, મહારાષ્ટ્ર સરકારે ટેક્સી અને રિક્ષા ચાલકો માટે પણ મરાઠી ભાષાની જાણકારી હોવી ફરજીયાત બનાવી છે, જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ સરકારના આ નિર્ણયની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે, આવા નિયમો ગરીબ વર્ગના લોકોને પરેશાન કરવા માટે લાવવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ માત્ર રિક્ષા અને ટેક્સી ચાલકો પાસેથી પૈસા પડાવવાનું એક સાધન છે. આમ, ભાષાના મુદ્દે મહારાષ્ટ્રમાં હવે વહીવટી કડકાઈની સાથે રાજકીય વિવાદ પણ વકર્યો છે.

Sports : સ્મૃતિ મંધાનાએ રચ્યો ઈતિહાસ: રોહિત શર્માનો ‘મહારેકોર્ડ’ તોડ્યો, બની ભારતની સૌથી સફળ T20I બેટર

0

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાના ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બેટથી શાનદાર પ્રદર્શન કરી રહી છે. 17 એપ્રિલના રોજ ડરબનમાં દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરિઝની પહેલી મેચમાં સ્મૃતિએ 13 રન બનાવ્યા હતા, પરંતુ આ નાની ઈનિંગ દરમિયાન તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. સ્મૃતિ ભારત તરફથી T20 ઈન્ટરનેશનલ (T20I)માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે.

આ મેચમાં સ્મૃતિ મંધાનાએ 1 રન બનાવતાની સાથે જ રોહિત શર્માને પાછળ છોડી દીધો, જેણે ભારત માટે T20 ઈન્ટરનેશનલ મેચોમાં 4,231 રન બનાવ્યા હતા. સ્મૃતિના નામ પર 161 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 30.31ની એવરેજથી 4,244 રન નોંધાઈ ચૂક્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 33 અડધી સદી ફટકારી છે.

આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કારણ કે સ્મૃતિ મંધાનાએ આ રેકોર્ડ એવા ખેલાડીને પાછળ છોડીને બનાવ્યો છે, જેણે લાંબા સમય સુધી ભારતીય T20 ક્રિકેટમાં દબદબો બનાવ્યો હતો. રોહિતે વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ T20I માંથી નિવૃત્તિ લઈ લીધી હતી. રોહિત શર્માએ 159 T20Iમાં 32.05ની એવરેજથી 4,231 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને અડધી સદી સામેલ છે.

જોકે, રેકોર્ડ બનાવ્યા બાદ સ્મૃતિ મંધાના પોતાની ઈનિંગને મોટી ન બનાવી શકી. તે સારા લયમાં દેખાઈ રહી હતી અને શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરવાનો પ્રયાસ કરી રહી હતી. સ્મૃતિ મંધાનાએ શેફાલી વર્મા સાથે મળીને ભારતને ઝડપી શરૂઆત અપાવી. બંનેએ પ્રથમ વિકેટ માટે માત્ર પાંચ ઓવરમાં 46 રન ઉમેર્યા.

સ્મૃતિ મંધાનાની ઈનિંગની સૌથી શાનદાર ક્ષણ ત્યારે આવી, જ્યારે તેણે ક્લો ટ્રાયનના બોલ પર બેકવર્ડ સ્ક્વેર લેગ પર જોરદાર છગ્ગો ફટકાર્યો. આ શોટમાં તેની ટાઈમિંગ અને ક્લાસ બંને દેખાયું. જોકે, શેફાલી વર્માના આઉટ થયા પછી સ્મૃતિ પણ વધુ સમય ટકી ન શકી. તે આયાબોંગા ખાકાના બોલ પર કવરમાં કેચ આપીને આઉટ થઈ ગઈ.

મેચમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે 6 વિકેટથી હારી ગઈ. તેમ છતાં તે દિવસ સંપૂર્ણપણે સ્મૃતિ મંધાનાના નામે રહ્યો. તે પહેલાથી જ ભારતીય મહિલા ક્રિકેટના સૌથી મોટા નામોમાં સામેલ છે, પરંતુ હવે તેણે T20 ઈન્ટરનેશનલ મેચોમાં રોહિત શર્માને પાછળ છોડીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. હવેની નજર સીરિઝની બીજી T20 મેચ પર રહેશે, જ્યાં તે મોટી ઈનિંગ્સ રમીને ટીમને જીત અપાવવા માગશે.

Entertainment : હંસિકા મોટવાણીએ ડિવોર્સના એક મહિના બાદ તોડ્યું મૌન, કહ્યું-મને કોઈ પસ્તાવો નથી…!

0

બોલીવુડ અને દક્ષિણની પ્રખ્યાત અભિનેત્રી હંસિકા મોટવાણી ફરી એકવાર હેડલાઇન્સમાં છે. આ પાછળનું કારણ તેના છૂટાછેડા છે, કારણ કે તેણે છૂટાછેડાના એક મહિના પછી પોતાની લાગણીઓ વિશે ખુલીને વાત કરી હતી.

બોલીવુડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હંસિકા મોટવાણી પોતાની એક્ટિંગ અને સુંદરતા માટે જાણીતી છે. તે બાળપણથી જ અભિનય અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તે પોતાની વૈવાહિક જિંદગીને લઈને ચર્ચામાં આવી હતી કારણ કે તેણે હાલમાં જ તેના પતિ સોહેલ ખતુરિયાથી છૂટાછેડા લીધા છે. હવે ફરી એકવાર તે પોતાના તૂટેલા લગ્નજીવનને કારણે સમાચારોમાં પાછી આવી છે.

છૂટાછેડા પછી હંસિકાએ લાંબા સમય સુધી મૌન જાળવી રાખ્યું હતું. ફેન્સ અને મીડિયા રાહ જોઈ રહ્યા હતા કે તે આ વિશે શું કહેશે. એક મહિના પછી તેણે સોશિયલ મીડિયા પર પોતાનું મૌન તોડ્યું. તેણે એક સરળ પણ મજબૂત પોસ્ટ શેર કરી જેમાં લખ્યું હતું કે Chardi Kala always. તેનો અર્થ છે હંમેશા ઉંચી વિચારધારા અને સકારાત્મક સ્થિતિમાં રહેવું. આ પોસ્ટ પરથી સ્પષ્ટ જણાય છે કે હંસિકા હવે જીવનમાં આગળ વધવા માટે તૈયાર છે.

હંસિકાએ પોતાના દિલની વાત સ્પષ્ટ શબ્દોમાં કહી છે. તેણે લખ્યું કે તેને કોઈ પસ્તાવો નથી, જે થયું તે થયું. તેણે કહ્યું કે જો તમે ખોટી ટ્રેનમાં ચઢી જાઓ તો ઉતરી જવું વધુ સારું છે. લગ્ન પછી બંનેની લાઈફસ્ટાઈલમાં ઘણો તફાવત હતો. તેણે માત્ર શાંતિ અને આગળ વધવાની વાત કહી છે.

બોલીવુડ અને સાઉથની ફેમસ અભિનેત્રી હંસિકા મોટવાણીએ તેના પતિ સોહેલ ખતુરિયાથી છૂટાછેડા લીધા છે. લગ્નને માત્ર ચાર વર્ષ થયા હતા, પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. ડિસેમ્બર 2022માં લગ્ન થયા પછી જુલાઈ 2024થી બંને અલગ રહેતા હતા. માર્ચ 2026માં મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટે બંનેને પરસ્પર સંમતિથી છૂટાછેડા આપી દીધા છે. હંસિકાએ કોઈ પણ પ્રકારની એલિમીની (ભરણપોષણ) નો દાવો કર્યો નથી. તેણે લગ્નને શાંતિપૂર્ણ અને સન્માનજનક રીતે સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો.

National : સોનિયા ગાંધીની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ

0

સોનિયા ગાંધી વિરુદ્ધ મતદાર યાદીમાં ગેરકાયદેસર રીતે નામ નોંધાવવા બદલ ચાલી રહેલા કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મહત્ત્વનો આદેશ આપ્યો છે. શનિવારે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે સોનિયા ગાંધીના વકીલને એક સપ્તાહની અંદર આ મામલે જવાબ રજૂ કરવા જણાવ્યું છે. બીજી તરફ, અરજીકર્તા તરફથી તમામ દલીલો પૂર્ણ થઈ ચૂકી છે અને તેમણે કોર્ટ પાસે ચૂંટણી પંચનો રિપોર્ટ રજૂ કરવાની પરવાનગી પણ માંગી છે. હવે આ મામલે આગામી સુનાવણી 16 મેના રોજ હાથ ધરવામાં આવશે.

આ સમગ્ર વિવાદ સોનિયા ગાંધીની નાગરિકતા અને મતદાર યાદીમાં તેમના નામની નોંધણી સાથે જોડાયેલો છે. અરજીકર્તા વિકાસ ત્રિપાઠીનો આરોપ છે કે સોનિયા ગાંધીને ભારતની નાગરિકતા 1983માં મળી હતી, પરંતુ તેમનું નામ તે પહેલા જ એટલે કે 1980માં દિલ્હીની મતદાર યાદીમાં ખોટી રીતે સામેલ કરી દેવામાં આવ્યું હતું. દાવો કરવામાં આવ્યો છે કે 1980માં નામ જોડાયા બાદ 1982માં તેને હટાવી દેવાયું હતું અને ફરીથી 1983માં જોડવામાં આવ્યું હતું.

અરજીકર્તાએ આક્ષેપ કર્યો છે કે તે સમયે રાજકીય પ્રભાવ અને છેતરપિંડી દ્વારા આ પ્રક્રિયા કરવામાં આવી હતી, તેથી સોનિયા ગાંધી વિરુદ્ધ ગુનાહિત કેસ નોંધવો જોઈએ. સોનિયા ગાંધીના વકીલે આ આરોપોના બચાવમાં કેટલાક પુરાવા રજૂ કરવા માટે સમય માંગ્યો છે. અગાઉ સપ્ટેમ્બર 2025માં પણ આ મામલે સુનાવણી થઈ હતી અને હવે કોર્ટ એ તપાસી રહી છે કે નાગરિકતા મળ્યા પહેલા તેમનું નામ યાદીમાં કેવી રીતે આવ્યું.

Entertainment : કપિલ શર્મા શોના ‘દાદી’એ કેમ છોડ્યો શો? અલી અસગરે વર્ષો પછી કર્યો ચોંકાવનારો ખુલાસો

0

કોમેડી શોમાં ‘દાદી’ બનવું અલી અસગરને ભારે પડ્યું, બાળકોની મજાક ઉડતા અભિનેતાએ લીધો મોટો નિર્ણય. કપિલ શર્મા શોના ‘દાદી’એ કેમ છોડ્યો શો. અલી અસગરે વર્ષો પછી જણાવી આપવીતી.

ધ કોમેડિયન કપિલ શર્મા શો ગુત્થી અને દાદીના પાત્રોને આજે પણ લોકો યાદ કરે છે. એક સમયે સોની ટેલીવિઝન પર આવતા કપિલના શો દર્શકોનું ભરપૂર મનોરંજન કરતો હતો. જો કે હાલમાં કપિલ નેટફ્લિકસ પર ધૂમ મચાવી રહ્યો છે. પરંતુ આ શોમાં દાદીનું પાત્ર ભજવનાર અલી અસગર 9 વર્ષથી ઇન્ડસ્ટ્રીથી ગાયબ છે. આખરે કપિલ શર્મા શોના ‘દાદી’એ કેમ શો છોડ્યો તેને લઈને ચાહકો પણ ચિંતાતુર છે. મનીષ પોલના પોડકાસ્ટમાં ‘દાદી’ બનતા અભિનેતા અલી અસગરે વર્ષો બાદ ‘કપિલ શો’ છોડવાને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

મનોરંજન જગતમાં સક્રિય અલી અસગર 1980ના દાયકાથી ફિલ્મો અને સિરિયલમાં નાની -મોટી વિવિધ ભૂમિકા ભજવી હતી. જો કે અલી અસગરને ખરી ઓળખ કપિલ શર્માના શોમાં ‘દાદી’ના પાત્રથી મળી. આ પાત્ર એટલું લોકપ્રિય થયું કે લોકો તેમને અલીને બદલે ‘દાદી’ તરીકે જ ઓળખવા લાગ્યા. પરંતુ 2017માં અલી અસગર સફળતાની ટોચ પર હોવા છતાં તેમણે કપિલનો શો છોડી દીધો હતો. 2017 પછી તેઓ કપિલ શર્માના શોમાં દેખાયા નથી. વર્ષો પછી, અભિનેતાએ આનું કારણ જાહેર કર્યું છે. તાજેતરમાં તેમણે મનીષ પોલના પોડકાસ્ટમાં સમજાવ્યું કે તેમણે શો કેમ છોડી દીધો અને તેના કારણે તેમને શું સહન કરવું પડ્યું. મનીષ પોલના પોડકાસ્ટમાં અલીએ શો છોડવા પાછળના દુખદ અને અંગત કારણોનો ખુલાસો કર્યો છે.

અલીએ જણાવ્યું કે સતત સ્ત્રી પાત્રો ભજવવાને કારણે તેમની એક ચોક્કસ છબી (Image) બની ગઈ હતી. ‘કોમેડી સર્કસ’ જેવા શોમાં પણ તેઓ સતત સ્ત્રીના વેશમાં દેખાતા હતા, જેના કારણે લેખકો તેમના માટે માત્ર આવા જ રોલ લખવા લાગ્યા હતા. અલીએ કહ્યું, “મારે જીવનનિર્વાહ માટે આ કામ કરવું પડતું હતું, પરંતુ એક અભિનેતા તરીકે હું કંઈક નવું કરવા માંગતો હતો. મને લાગ્યું કે મારી પ્રતિભા માત્ર એક પ્રકારના પાત્રોમાં કેદ થઈ રહી છે.” ટીવી પર ક્રોસ-ડ્રેસિંગ ભૂમિકાઓમાં જ જોવા મળતો હતો. સતત એક જ પ્રકારનું પાત્ર કરવું માટે શ્રાપ બની ગયું.

સૌથી ચોંકાવનારો ખુલાસો અલીએ તેમના બાળકો વિશે કર્યો. મનીષ પોલ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે તેમના ક્રોસ-ડ્રેસિંગ (સ્ત્રી પાત્ર ભજવવું) પાત્રોને કારણે તેમના બાળકોને શાળામાં ગુંડાગીરી અને મજાકનો સામનો કરવો પડ્યો હતો. અલીએ ભાવુક થતા કહ્યું કે, “ફિલ્મ ‘દીવાર’માં વિજયના હાથ પર લખ્યું હતું કે ‘મેરે બાપ ચોર હૈ’, પરંતુ વાસ્તવિક જીવનમાં મારા બાળકોને એવું કહીને ચીડવવામાં આવતા કે ‘તારા પિતા સ્ત્રી બને છે’. આ સાંભળવું કોઈ પણ પિતા માટે ખૂબ પીડાદાયક હોય છે.”

અલી અસગર હવે પોતાની આ જૂની છબીમાંથી બહાર નીકળીને અભિનેતા તરીકે નવી તકો શોધી રહ્યા છે. ૯ વર્ષ પછી પણ ચાહકો તેમને એટલો જ પ્રેમ કરે છે, પરંતુ તેમની આ સફર પડદા પાછળના અનેક સંઘર્ષોથી ભરેલી રહી છે. 2013 થી 2017 સુધી કપિલ શર્માના શોમાં નાની અને દાદીની ભૂમિકા ભજવનાર અલી અસગરને ઇન્ડસ્ટ્રીમાં નવી તકો મળે તેને લઈને ચાહકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. અત્યારે ફક્ત ટીવી અને ફિલ્મ નથી. ઓટીટી પ્લેટફોર્મ અને વેબ સિરિઝના નવા વિકલ્પો છે. આવી સ્થિતિમાં આ સશક્ત કલાકારને પોતાનો અભિનય બતાવવાની નવી તકો મળશે.

Ahmedabad : ધંધુકામાં યુવકની હત્યા બાદ તોફાન, એસપી સહિત 200 પોલીસ જવાનો તૈનાત

ધંધુકામાં બાઈક ઓવરટેક બાબતે વિધર્મી યુવકે છરીના ઘા ઝીંકી હત્યા કરી છે. ઘટના બાદ ટોળાએ દુકાન સળગાવી હતી. પોલીસે હત્યારાને ઝડપી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

અમદાવાદ ગ્રામ્યના ધંધુકા શહેરમાં આજે ફરી એકવાર રક્તરંજીત ઘટના સામે આવી છે. ધંધુકાના મુખ્ય માર્ગ પર બાઈક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વકર્યો હતો કે, એક વિધર્મી યુવકે આવેશમાં આવીને અન્ય યુવક પર તીક્ષ્ણ છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું કરૂણ મોત નીપજતા સમગ્ર પંથકમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.

હત્યાની આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ વિરોધ દર્શાવતા એક દુકાનમાં આગ લગાવી દીધી હતી, જેના કારણે વાતાવરણ વધુ તંગ બન્યું હતું. સ્થિતિ વણસતી જોઈને અમદાવાદ ગ્રામ્ય એસપી સહિત 200થી વધુ પોલીસ જવાનોનો કાફલો તાત્કાલિક ધંધુકા દોડી આવ્યો હતો. હાલ સમગ્ર શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા પ્રયાસો ચાલુ છે.

ધંધુકા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા હત્યા કરનાર વિધર્મી યુવકની ધરપકડ કરી લીધી છે. પોલીસે ગુનો નોંધીને આરોપીની પૂછપરછ શરૂ કરી છે. એસપી દ્વારા શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે, અને કોઈ અફવા ન ફેલાવવા જણાવાયું છે. પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના આધારે વધુ તપાસ હાથ ધરી રહી છે.

Gujarat : ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આગેવાનો સાથે ગોષ્ઠિ, કાર્યકરોને ભણાવ્યા ‘વિકાસ અને ઈકોનોમી’ના પાઠ

0

નવસારીમાં જગદીશ વિશ્વકર્માએ સામાજિક અને વ્યાપારી આગેવાનો સાથે ગોષ્ઠિ યોજી હતી. કાર્યકરોને વિકાસ અને ઈકોનોમીના પાઠ ભણાવી બિનહરીફ વિજેતા ઉમેદવારોનું સન્માન કર્યું હતું.

નવસારીમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માહોલ વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં એક મહત્વની ગોષ્ઠિ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં નવસારીના નામાંકિત સામાજિક આગેવાનો અને અગ્રણી વ્યાપારીઓ સાથે જગદીશ વિશ્વકર્માએ ખાસ સંવાદ કર્યો હતો. તેમણે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને વ્યાપારીઓ માટેની નીતિઓ વિશે ચર્ચા કરી હતી.

બેઠક દરમિયાન જગદીશ વિશ્વકર્માએ પક્ષના કાર્યકરોને સંબોધન કરતા વિકાસના પાઠ ભણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, માત્ર ચૂંટણી જીતવી જ મહત્વની નથી, પરંતુ દેશની ઈકોનોમી અને તેના વિકાસમાં દરેક કાર્યકરનું યોગદાન હોવું જોઈએ. વિશ્વકર્માએ વૈશ્વિક સ્તરે ભારતની વધતી આર્થિક શક્તિ વિશે સમજૂતી આપી કાર્યકરોને જન-જન સુધી વિકાસના કાર્યો પહોંચાડવા હાકલ કરી હતી.

ગોષ્ઠિ અને ચર્ચા પૂર્ણ થયા બાદ જગદીશ વિશ્વકર્માએ ચૂંટણીમાં બિનહરીફ વિજેતા જાહેર થયેલા ઉમેદવારોનું સન્માન કર્યું હતું. પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને તમામ વિજેતા ઉમેદવારોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આગામી ચૂંટણીઓમાં ભવ્ય વિજય મેળવવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Bharuch : અંકલેશ્વરમાં અનૈતિક સંબંધોમાં યુવાનની ક્રૂર હત્યા, સગા જમાઈ અને પુત્રએ જ ખેલ્યો લોહીનો ખેલ

0

ભરુચ જિલ્લાના અંકલેશ્વરમાં થોડા દિવસો પહેલા ગળું કપાયેલી હાલતમાં મળી આવેલા પરપ્રાંતીય યુવાનની લાશના કેસમાં પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. આ હત્યા કોઈ લૂંટના ઈરાદે નહીં, પરંતુ ‘અનૈતિક સંબંધો’ના કારણે થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે એક મહિલાના જમાઈ અને તેના સગીર પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા મુન્ના લક્ષમણ પાલની હત્યા પાછળ પ્રેમ સંબંધ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. મૃતક મુન્નાને અંકલેશ્વરમાં પાનનો ગલ્લો ચલાવતી એક મહિલા સાથે અનૈતિક સંબંધો હતા. આ વાતની જાણ જ્યારે મહિલાના પરિવારજનોને થઈ, ત્યારે ઘરમાં ભારે વિખવાદ ઉભો થયો હતો. પરિવારની બદનામીના ડરે મહિલાના જમાઈ અને પુત્રએ મુન્નાને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મહિલાના જમાઈ ભોલું માનિક મંડલ અને તેના સગીર સાળાએ મળીને મુન્ના પાલની ઘાતકી હત્યા કરી હતી. આરોપીઓએ તીક્ષ્ણ હથિયારથી મુન્નાનું ગળું કાપી નાખ્યું હતું અને પુરાવાનો નાશ કરવાના ઈરાદે મૃતદેહને સારંગપુર ગામની સીમ નજીક ફેંકી દીધો હતો. અંકલેશ્વર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી બંને આરોપીઓને દબોચી લીધા છે અને ગુનામાં વપરાયેલ હથિયાર મેળવવાની તજવીજ શરૂ કરી છે.

Amreli :સ્કૂલ બસનું સ્ટેયરિંગ તૂટી જતાં સર્જાયો અકસ્માત, 8થી વધુ બાળકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા

0

અમરેલીના ધારીમાં સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો છે. જેમાં ધારીના ગોપાલગ્રામ OPZ હાઈસ્કૂલની બસ વિદ્યાર્થી લઈને જતી વખતે અકસ્માત નડ્યો હતો. બસ રસ્તા પરથી નીચે ઉતરી જતાં 8થી વધુ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે ચલાલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.

મળતી માહિતી મુજબ, ધારીમાં વિદ્યાર્થી ભરેલી સ્કૂલ બસ ચલાલાથી ગોપાલગ્રામ તરફ જઈ રહી હતી. આ દરમિયાન બસના સ્ટેયરિંગનો રૉડ તૂટી જતાં બસચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બસ માર્ગ પરથી નીચે ઉતરી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને ચલાલા સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. સ્કૂલ બસ દુર્ઘટનાને લઈને સ્થાનિક ધારાસભ્ય હોસ્પિટલ પહોંચ્યા હતા. સદનસીબે આ બનાવમાં મોટી દુર્ઘટના ટળી હતી.

National : રશિયા-યુક્રેન યુદ્ધની ભેટ ચઢી ગયો ભારતીય યુવક, સૈન્ય યુનિફોર્મ સાથે મૃતદેહ ભારત લવાયો

0

છેલ્લા ઘણા સમયથી રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હવે એક ભારતીય યુવક આ યુદ્ધની ભેટ ચઢી ગયો છે. હરિયાણાના રેવાડી જિલ્લાના કાઠુવાસ ગામમાં શુક્રવારે તે સમયે માતમ છવાઈ ગયો જ્યારે એમબીએ (MBA)ના અભ્યાસ માટે રશિયા ગયેલા 22 વર્ષીય અંશુનો મૃતદેહ તાબૂતમાં વતન પહોંચ્યો. ગામના સ્મશાનઘાટ પર કટર મશીન વડે તાબૂતને ખોલવામાં આવ્યું. તાબૂતમાં અંશુના પાર્થિવ દેહની સાથે-સાથે રશિયન સેનાનો યુનિફોર્મ અને બૂટ પણ મોકલવામાં આવ્યા હતા, જેને જોઈને ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા. મૃતક યુવકના પિતાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, એજન્ટોએ અંશુને છેતરીને રશિયન આર્મીમાં ભરતી કરાવી દીધો હતો અને તેને રશિયા-યુક્રેન યુદ્ધના મેદાનમાં મોકલી આપ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું છે.

જે દીકરાને પિતાએ આંખોમાં સોનેરી ભવિષ્યના સપનાઓ સજાવીને અભ્યાસ માટે વિદેશ મોકલ્યો હતો, તેની અર્થી ઉઠતી જોઈને આખું ગામ હિબકે ચડ્યું હતું. અંશુના અંતિમ સંસ્કાર વખતે સ્મશાનમાં ગમગીની વ્યાપી ગઈ હતી. મોટા ભાઈ મોહિતે ભીની આંખે અંશુની ચિતાને મુખાગ્નિ આપી હતી. લોકોનું કહેવું છે કે, આ માત્ર એક અકસ્માત નથી, પરંતુ તે એજન્ટોનું પૂર્વયોજિત કાવતરું છે, જેમણે શિક્ષણના બહાને એક હોનહાર વિદ્યાર્થીને છેતરીને રશિયન સેનામાં ભરતી કરાવીને મોતના મોરચે ઝોંકી દીધો.

પરિવહન વિભાગમાં ફરજ બજાવતા પિતા રાકેશ કુમારે જણાવ્યું કે, અંશુ બીએ (BA) પૂર્ણ કર્યા બાદ MBAનું સપનું લઈને 30 એપ્રિલ 2025ના રોજ સ્ટડી વિઝા પર રશિયા ગયો હતો. શરૂઆતના થોડા મહિના તેણે કોલેજમાં અભ્યાસ પણ કર્યો હતો, પરંતુ ત્યારબાદ તે એજન્ટોની જાળમાં ફસાઈ ગયો હતો. એજન્ટોએ સપ્ટેમ્બર 2025માં અંશુને જબરદસ્તીથી રશિયન સેનામાં ભરતી કરાવી દીધો હતો. અંશુએ છેલ્લે 18 ઓક્ટોબર 2025ના રોજ ઘરે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, હું સપ્ટેમ્બર મહિનાથી સેનામાં જોડાઈ ચૂક્યો છું અને હવે હું યુદ્ધ માટે યુક્રેનની ‘ફર્સ્ટ લાઈન’માં જઈ રહ્યો છું અને હવે થોડા દિવસો પછી જ વાત થઈ શકશે.

આ ઘટનાથી કાઠુવાસ ગામના રાકેશ કુમારના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. કારણ કે, રાકેશ કુમારની પત્નીનું પણ નિધન થઈ ચૂક્યું છે. ત્રણ ભાઈ-બહેનોમાં અંશુ સૌથી નાનો અને સૌનો લાડકો હતો. પિતાએ પોતાની આજીવનની જમા-પૂંજી એકઠી કરી અંશુને રશિયા ભણવા મોકલ્યો હતો, જેથી તે મોટો માણસ બની પરિવારનું નામ રોશન કરે. પરંતુ, કમનસીબે ઘરે પરત ફરી તો માત્ર તેની યાદો અને તાબૂત. ગામલોકોનું કહેવું છે કે, સરકારે આ એજન્ટો પર કડક કાર્યવાહી કરવી જોઈએ, જે નિર્દોષ યુવાનોને શિક્ષણના બહાને વિદેશ બોલાવી મોતની ખાઈમાં ધકેલી રહ્યા છે. રશિયા ગયેલા હરિયાણાના અન્ય સાત યુવાનો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે અનેક પરિવારોના જીવ અધ્ધર છે.

  • પ્રાપ્ત માહિતી પ્રમાણે ફોન પર વાતચીત થયાના થોડા જ સમય પછી અંશુનું મોત થઈ ગયું હતું, પરંતુ પરિવાર છ મહિના સુધી અજાણ રહ્યો. 2 એપ્રિલેના રોજ દેશના વિદેશ મંત્રી સાથે મુલાકાત થઈ હતી.
  • 4 એપ્રિલ 2026ના રોજ પિતા રાકેશ કુમારને રશિયાના મોસ્કોથી ફોન આવ્યો હતો, જેમાં તેમને જણાવવામાં આવ્યું કે અંશુનું મોત થઈ ચૂક્યું છે અને તેનો મૃતદેહ મળી આવ્યો છે અને તેને ભારત મોકલવામાં 10થી 15 દિવસ લાગશે.
  • 16 એપ્રિલના રોજ સૂચના મળી કે મૃતદેહ શુક્રવારે દિલ્હી એરપોર્ટ આવી રહ્યો છે. શુક્રવારે સવારે દિલ્હીથી મૃતદેહ લીધા બાદ પરિવાર 10 વાગ્યે ગામના સ્મશાન ઘાટમાં તેમનો અંતિમ સંસ્કાર કર્યો.