રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી હતી. ટેક્સિંગ દરમિયાન સ્પાઇસજેટનું એક વિમાન અકાસા એરના વિમાન સાથે ટકરાયું હતું. આ ઘટનામાં બંને વિમાનોને નુકસાન પહોંચ્યું છે, જોકે રાહતની વાત એ છે કે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
સ્પાઇસ જેટ વિમાનની પાંખ અકાસા એરના પ્લેન સાથે ટકરાઈ
પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્પાઇસજેટનું B737-700 વિમાન જ્યારે રનવે તરફ આગળ વધી રહ્યું હતું, ત્યારે તેની જમણી બાજુનું વિંગલેટ બીજા વિમાન સાથે ટકરાયું હતું. આ ટક્કરને કારણે બીજા વિમાનના લેફ્ટ હેન્ડ હોરિઝોન્ટલ સ્ટેબિલાઇઝરને પણ નુકસાન પહોંચ્યું છે.
દિલ્હીથી હૈદરાબાદ જઈ રહેલી અકાસા એરની ફ્લાઇટ QP 1406ને ટેકનિકલ અને ઓપરેશનલ કારણોસર પરત બે (Bay) પર ફરવાની ફરજ પડી હતી. પ્રારંભિક જાણકારી પ્રમાણે જ્યારે અકાસા એરનું વિમાન ઊભું હતું, તે જ સમયે અન્ય એક એરલાઇન્સના વિમાને તેની સાથે સંપર્ક (ટક્કર જેવી સ્થિતિ) કર્યો હતો.અકાસા એરલાઇને જણાવ્યું કે, તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમને સમય રહેતા વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા. અકાસા એર એ એમ પણ કહ્યું છે કે, તેનો ગ્રાઉન્ડ સ્ટાફ મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે હૈદરાબાદ લઈ જવા માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરી રહ્યો છે.
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારત અને ફ્રાન્સ ફરી એકવાર દુનિયાને પોતાની વ્યૂહાત્મક ભાગીદારીનો અનુભવ કરાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (16 એપ્રિલ) ફ્રાન્સના પ્રમુખ અને પોતાના નજીકના મિત્ર ઈમેન્યુઅલ મેક્રોન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ વાતચીતનો મુખ્ય ઉદ્દેશ્ય ન માત્ર વિસ્તારની શાંતિ છે, પરંતુ વૈશ્વિક વ્યાપાર માટે સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગ હોર્મુઝની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરાઈ.
ક્ષેત્રીય શાંતિ માટે નવી રણનીતિ પર થઈ ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, “મારા પ્રિય મિત્ર પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનનો ફોન આવ્યો. અમે મિડલ ઈસ્ટની સ્થિતિ અંગે ચર્ચા કરી અને હોર્મુઝમાં સુરક્ષા અને નેવિગેશનની સ્વતંત્રતા તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર સહમત થયા. અમે આ ક્ષેત્રમાં અને તેની બહાર શાંતિ અને સ્થિરતાને આગળ વધારવા માટે અમારો ગાઢ સહયોગ ચાલુ રાખીશું.
“ભારત અને ફ્રાન્સની આ વાતચીત મહત્ત્વની
બંને દેશોએ તણાવ ઘટાડવા અને પરિસ્થિતિને સામાન્ય બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓ વચ્ચે મિડલ ઈસ્ટમાં બગડતી પરિસ્થિતિ અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. આ સાથે જ બંને નેતાઓએ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે જીવનરેખા ગણાતા હોર્મુઝમાં દરિયાઈ સુરક્ષા અને નૌકાવિહારની સ્વતંત્રતાને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા પર ભાર મૂક્યો છે. મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવને લઈને વિશ્વના અનેક દેશો ચિંતિત છે, તેવા સમયે ભારત અને ફ્રાન્સની આ વાતચીત રાજદ્વારી દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
સંસદના વિશેષ સત્ર દરમિયાન મહિલા અનામત અને સીમાંકન બિલ પર ચર્ચા દરમિયાન અનેક રોમાંચક અને ઐતિહાસિક ક્ષણો જોવા મળી હતી. આ સત્રમાં પ્રિયંકા ગાંધી વાડ્રા અને અમિત શાહ વચ્ચેની હળવી નોંકઝોંક તથા પીએમ મોદી અને અખિલેશ યાદવ વચ્ચેની વાતચીત ચર્ચાનો વિષય બની હતી
સંસદની ટોચની 8 મુખ્ય ક્ષણો
પ્રિયંકા ગાંધીનો અમિત શાહ પર કટાક્ષ (ચાણક્ય વાળી ટિપ્પણી): કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહ તરફ જોઈને કટાક્ષ કર્યો કે, “જો આજે ચાણક્ય જીવિત હોત, તો તમારી રાજકીય કુટિલતા જોઈને તે પણ ચોંકી જાત.” જ્યારે પ્રિયંકા બોલી રહી હતી ત્યારે અમિત શાહ હસી રહ્યા હતા અને તેમની આ ટિપ્પણી પર ભાજપના બેન્ચ પર પણ હાસ્ય ફેલાઈ ગયું હતું.
અખિલેશને પીએમ મોદીએ ‘મિત્ર’ કહ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અખિલેશ યાદવનો ઉલ્લેખ કરીને તેમને ‘મિત્ર’ કહ્યા, જેના જવાબમાં અખિલેશ યાદવે હાથ જોડી દીધા હતા. આ ક્ષણ રાજકીય વર્તુળોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
મહિલા અનામત બિલ પર ચર્ચા: સંસદમાં મહિલા અનામત બિલ (33% અનામત) અંગેની ચર્ચા દરમિયાન, પ્રિયંકા ગાંધીએ સત્તાધારી પક્ષ પર નિશાન સાધતા કહ્યું કે આ બિલ મહિલા સશક્તિકરણ કરતાં રાજકીય લાભ માટે વધુ છે.
સીમાંકન પર વિપક્ષનો વિરોધ: પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે સરકાર સીમાંકનના બહાને નાના રાજ્યોની તાકાત ઘટાડીને લોકશાહીના ચીંથરેહાલ કરી રહી છે.
OBC અનામતનો મુદ્દો: પ્રિયંકા ગાંધીએ બિલમાં OBC મહિલાઓ માટે અનામતની જોગવાઈ ન હોવા અંગે સવાલ ઉઠાવ્યા હતા.
સરકારની પુરી તૈયારી: પ્રિયંકા ગાંધીએ ગૃહમાં કહ્યું, “ગૃહમંત્રી હસી રહ્યા છે, તેમની પૂરી યોજના તૈયાર છે”.
કોંગ્રેસનું સમર્થન: તેમ છતાં, પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટતા કરી કે કોંગ્રેસ મહિલા અનામત બિલને ટેકો આપે છે, પરંતુ તેની રચના અંગે સવાલો છે.
મોદીની ‘બ્લેન્ક ચેક’ ટિપ્પણી: વડાપ્રધાન મોદીએ મહિલા અનામત બિલ પર વિપક્ષને ‘બ્લેન્ક ચેક’ આપવાની વાત કરી હતી
લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પરની ચર્ચા દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ મહિલા આરક્ષણના ઈતિહાસ અને તેના અમલની પદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા છે. ચર્ચાની શરૂઆત કરતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, ‘દેશમાં મહિલા આરક્ષણની શરૂઆત કોંગ્રેસે જ કરી હતી.’ તેમણે કરાચી અધિવેશનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી આ પ્રસ્તાવ લાવ્યા હતા, પરંતુ તે સમયે ભાજપે તેનો વિરોધ કર્યો હતો.’
કોંગ્રેસ સાંસદે વર્તમાન બિલની જોગવાઈઓ પર વાંધો ઉઠાવ્યો
વર્તમાન બિલની જોગવાઈઓ પર વાંધો ઉઠાવતા પ્રિયંકાએ કહ્યું કે, ‘મહિલા આરક્ષણ 2029 સુધીમાં લાગુ થવું જોઈએ, તેમાં અમે સંમત છીએ, પરંતુ તે માટે સીટોની સંખ્યા 50 ટકા વધારીને 850 કરવી પડશે. આ માટે બેઠકો વધારવાનું કામ કરવા માટે સીમાંકન પંચ બનાવાવમાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય ગંધનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તે તેમાં સંપૂર્ણ ભેળવાયેલી છે. 2023માં પાસ કરાયેલા વિધેયકમાં જનગણના અને સીમાંકરનો ઉલ્લેખ હતો, જે હવેના બિલમાં નથી, તેથી હવે કેમ તેનો ઉલ્લેખ નથી, મન બદલાઈ ગયું… કેન્દ્ર સરકાર જૂના આંકડાઓને કેમ આગળ વધારવા માંગે છે, ઉતાવળ કેમ કરે છે. જ્યાં સુધી જાતિગત જનગણના નહીં થાય, ત્યાં સુધી તમામ વર્ગોને યોગ્ય હિસ્સો મળી શકશે નહીં.’
કેન્દ્ર સરકાર પર OBC વર્ગના હક છીનવવાનો આરોપ
પ્રિયંકા ગાંધીએ સરકાર પર ઓબીસી વર્ગના હક છીનવવાનો આરોપ લગાવતા કહ્યું કે, ‘વડાપ્રધાન આ વિધેયક દ્વારા ઓબીસી વર્ગના અધિકારોને નકારવા માંગે છે.’ સીમાંકનની પ્રક્રિયા પર સવાલ કરતા તેમણે કહ્યું કે, ‘કેટલાક પ્રદેશોની તાકાત ઘટાડીને લોકશાહીના લીરેલીરા ઉડાડી પોતાની પાર્ટીની મજબૂતી નક્કી કરવામાં આવી રહી છે.’ તેમણે સરકારને પડકાર ફેંકતા કહ્યું કે, ‘સરકાર વર્તમાન ૫૪૩ બેઠકોમાં જ ૩૩ ટકા આરક્ષણની જાહેરાત કેમ નથી કરી દેતી?’
મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની હાલત આ સીઝનમાં દયાજનક બની ગઈ છે. પંજાબ કિંગ્સ સામેની શરમજનક હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાનો પિત્તો ગયો છે. પંડ્યાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે હવે ટીમમાં ‘નામ’ જોઈને નહીં પણ ‘કામ’ જોઈને જગ્યા મળશે અને નિષ્ફળ ગયેલા દિગ્ગજોને બહારનો રસ્તો દેખાડવામાં આવશે.
મેચ બાદ હાર્દિક પંડ્યાએ પોતાની નારાજગી છુપાવી નહોતી. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “અમારે જોવું પડશે કે શું હવે કઠિન નિર્ણયો લેવાની જરૂર છે કે પછી અમે આમ જ ચાલતા રહીશું. આ સવાલોના જવાબ અમારે જ આપવા પડશે અને જવાબદારી પણ લેવી પડશે.” પંડ્યાએ સ્વીકાર્યું કે પંજાબે દરેક વિભાગમાં મુંબઈને પછાડ્યું છે.
મોટા માથાઓની થશે રજા?
સૌથી ચોંકાવનારી વાત એ છે કે મુંબઈના ત્રણ મોટા સ્ટાર્સ – જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા રડાર પર છે.
સૂર્યકુમાર યાદવ: ‘ગોલ્ડન ડક’ પર આઉટ થયો, 5 મેચમાં માત્ર 106 રન.
જસપ્રીત બુમરાહ: 19 ઓવર ફેંકી પણ હજુ સુધી ‘એક પણ’ વિકેટ મળી નથી. પંજાબ સામે 4 ઓવરમાં 41 રન લુટાવ્યા.
તિલક વર્મા: 5 મેચમાં માત્ર 43 રન.
હાર્દિકના નિવેદન પરથી લાગે છે કે આગામી મેચમાં આમાંથી કોઈ એક કે બે ખેલાડીઓને બેન્ચ પર બેસવાનો વારો આવી શકે છે.
પંજાબનો પાવર: અય્યર અને પ્રભસિમરન છવાયા
મુંબઈએ આપેલા 195 રનના ટાર્ગેટને પંજાબે રમતા-રમતા ચેઝ કરી લીધો. પ્રભસિમરન સિંહે માત્ર 39 બોલમાં તોફાની 80* રન ફટકાર્યા, જ્યારે કેપ્ટન શ્રેયસ અય્યરે 35 બોલમાં 66 રન ઠોકી દીધા. મુંબઈના બોલરો પાસે આ બંનેનો કોઈ જવાબ નહોતો.
પ્લેઓફની આશા ધૂંધળી
લગાતાર હારને કારણે મુંબઈ હવે પોઈન્ટ ટેબલમાં નવમા નંબરે છે. જો હવે પછીની એક-બે મેચમાં કમબેક નહીં થાય, તો પ્લેઓફની રેસમાંથી બહાર થવું લગભગ નક્કી છે. પંડ્યા હવે ‘ડ્રોઈંગ બોર્ડ’ પર જઈને આખી પ્લાનિંગ બદલવાની તૈયારીમાં છે.
અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ શરૂ થયા પછી દુનિયાભરમાં ક્રૂડ ઓઈલ કટોકટી સર્જાઈ છે, જેને પગલે અત્યાર સુધીમાં અનેક દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી ગયા છે. ફિલિપાઈન્સમાં ડીઝલના ભાવમાં 172 ટકાનો ઊછાળો થયો છે જ્યારે મ્યાંમારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ડબલ થઈ ગયા છે. જોકે, ભારતમાં હજુ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. પરંતુ દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારાની આશંકા સેવાઈ રહી છે.
મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ શરૂ થયા પછી બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 71 ડોલરથી વધીને 111 ડોલર સુધી પહોંચી ગયા છે. સપ્લાય અંગે અનિશ્ચિતતા વધી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા પડી ભાંગતા ફરી એક વખત બ્રેન્ટ ક્રૂડના ભાવ ઊછળવાની આશંકા સેવાઈ રહી છે.વૈશ્વિક સ્તર પર ગ્લોબલપેટ્રોલપ્રાઈસ.કોમના તાજા આંકડા મુજબ અમેરિકા-ઈરાન યુદ્ધ સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સૌથી વધુ વધારો કરનારા દેશોમાં ફિલિપાઈન્સમાં 172 ટકા, લાઓસમાં 169 ટકા, મ્યાંમારમાં 161 ટકા, મલેશિયામાં 124 ટકાનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલમાં ભાવવધારાની અસર હજુ સુધી ભારત પર જોવા મળી નથી. ભારતમાં કેટલાક વર્ષોથી પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂ. 94.77 અને ડીઝલના ભાવ પ્રતિ લીટર રૂ. 87.67ના સ્તરે સ્થિર છે.
જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે, જેના કારણે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા પર અંકુશ મૂકેલા છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ મોંઘું થતું રોકવા માટે તેના પરનો વધારાનો રૂ. 10નો એક્સાઈઝ સેસ ઘટાડી નાંખ્યો છે અને નિકાસ પરનો ટેક્સ પણ વધાર્યો છે.
જોકે, એપ્રિલના અંતે ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ અને ડીઝલ પર તોતિંગ વધારાની આશંકા સેવાઈ રહી છે. મેકક્વેર ગૂ્રપના રિપોર્ટ મુજબ સરકારી ઓઈલ કંપનીઓને પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. 18 અને ડીઝલ પર રૂ. 35નું નુકસાન થઈ રહ્યું છે. અમેરિકા-ઈરાન યુદ્ધ પૂરું થવાના હાલ કોઈ સંકેત દેખાતા નથી. સરકારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખવા શક્ય તમામ પ્રયત્નો કર્યા છે. જોકે, હવે ભાવ વધારો રોકવો સરકાર માટે મુશ્કેલ બનશે તેમ મનાય છે.
ઈરાન સાથે શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી અમેરિકાએ વર્ષોથી આકરા પ્રતિબંધોનો સામનો કરતા ઈરાનના અર્થતંત્રને તોડી પાડવા હોર્મુઝની ખાડી પર નાકાબંધી કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે ઈરાનના બંદરો પરથી આવતા તમામ જહાજોને પસાર નહીં થવા દેવાય તેવી ધમકી આપી હતી. ટ્રમ્પની આ જાહેરાતથી ઈરાનની સાથે એશિયામાં ચીન અને ભારત પર દબાણ વધારી રહ્યું છે. ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે આગામી મહિને બેઠક યોજાવાની છે ત્યારે અમેરિકાની નાકાબંધી ચીન સાથેની બેઠકને અસ્થિર બનાવી શકે છે.
ઈરાને યુદ્ધ વિરામ માટે અમેરિકાની શરતો માનવાનો ઈનકાર કરી દેતાં ટ્રમ્પે હોર્મુઝની ખાડીની નાકાબંધી કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ ઈરાનનું ઓઈલ લઈને જતા જહાજોને હોર્મુઝ પાર કરવા દેવાતા નથી. અમેરિકાએ બે દિવસમાં ચીનના અનેક જહાજોને પાછા હટવા ફરજ પાડી છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના આ પગલાંથી અમેરિકાના એશિયાના બે મોટા દેશો ચીન અને ભારત સાથે સંબંધો જોખમમાં મુકી શકે છે.ઈરાનનું 98 ટકા ઓઈલ ચીનમાં નિકાસ થાય છે ત્યારે ટ્રમ્પનું નાકાબંધીનું પગલું આગામી મહિને બેઈજિંગમાં યોજાનારી ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાતને અસ્થિર કરી શકે છે. ટ્રમ્પ મે મહિનાની મધ્યમાં બેઈજિંગ જવાના છે. અમેરિકન સરકારે છેલ્લા કેટલાક સપ્તાહમાં વારંવાર સંકેત આપ્યા છે કે બંને દેશો વચ્ચેના સંબંધો ઉચ્ચ સ્તરની આ બેઠક સરળતાથી આગળ વધી શકે તેટલા સ્થિર રહે. જોકે, ઈરાન સામેના યુદ્ધમાં હોર્મુઝ પર ટ્રમ્પની નાકાબંધીએ ચીનને વધુ આક્રમક બનાવ્યું છે.
બેઈજિંગે ટ્રમ્પની નાકાબંધીને ખતરનાક અને બેજવાબદાર ગણાવી છે અને તેનાથી અમેરિકા સાથે તણાવ વધવાની ચેતવણી આપી છે. બીજીબાજુ અમેરિકાએ ચીન ઈરાનનને હથિયાર આપે તો ૫૦ ટકા ટેરિફની ધમકી આપી છે પરંતુ સામે ચીને પણ ટ્રમ્પને વળતા પ્રતિકારની ચેતવણી આપી છે. એશિયા સોસિયાટની વેન્ડી કટલરે કહ્યું કે, ઈરાન સામેનું યુદ્ધ ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાતના પ્રયાસોને ઉથલાવી શકે છે.
બીજીબાજુ અમેરિકાની નાકાબંધીથી ટ્રમ્પે ભારતની પણ મુશ્કેલી વધારી છે. ટ્રમ્પે ઈરાનના ઓઈલ પરના પ્રતિબંધો એક મહિના માટે ઉઠાવતા ભારતે આઠ વર્ષ પછી ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ અને એલપીજીની આયાત કરી હતી. જોકે, હવે અમેરિકાએ પ્રતિબંધોમાં છૂટને લંબાવવાનો ઈનકાર કરતાં ભારતનું માનવું છે કે અમેરિકાની નીતિ ભારતના આર્થિક હિતો વિરુદ્ધ છે, જેની અસર અમેરિકા સાથે તેના જટિલ સંબંધો પર પડી શકે છે. ટેનેઆના અર્પિત ચતુર્વેદીએ કહ્યું કે, ભારત ઈરાન પાસેથી ઓઈલની આયાત ચાલુ રાખે તો વોશિંગ્ટન અને નવી દિલ્હીના સંબંધો બગડશે.
જોકે, વિશ્લેષકોનું કહેવું છે કે ઈરાન સામેના સંઘર્ષમાં ટ્રમ્પના આર્થિક પ્રતિબંધો વચ્ચે બેઈજિંગ અને નવી દિલ્હી તરફથી આકરી પ્રતિક્રિયાની સંભાવના ઓછી છે. ભારત ક્રૂડ ઓઈલની ખરીદી માટે મધ્ય-પૂર્વના અન્ય દેશો, અમેરિકા તરફ વળી શકે છે, પરંતુ સમુદ્રમાં સીધો સંઘર્ષ અમેરિકાનો ચીન અને ભારત સાથે રાજદ્વારી તણાવ વધારી શકે છે.
ઓઈલ કટોકટીની ભારત-ચીન પર અલગ અલગ અસર
મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે સર્જાયેલી ક્રૂડ ઓઈલ કટોકટીની ભારત અને ચીન પર અલગ અલગ અસર થઈ રહી છે. ક્રૂડ ઓઈલ કટોકટી વચ્ચે ચીન પર નિયંત્રિત અસર થઈ રહી છે, કારણ કે તેની પાસે ઓઈલ સ્ટોક ઘણો વિશાળ અને વૈવિધ્યસભર છે. યુરેશિયા ગુ્રપના ડિરેક્ટર ડેન વાંગે જણાવ્યું કે, ચીનના વ્યૂહાત્મક અને વાણિજ્યિક ઓઈલ સ્ટોક્સ તેમજ ટ્રાન્ઝિટમાંના ક્રૂડ ઓઈલ સાથે કુલ ઓઈલ સ્ટોક્સ 120 દિવસનો છે. બીજીબાજુ ભારત પાસે ચીન જેવા બફર સ્ટોકની કોઈ વ્યવસ્થા નથી. ભારત પાસે ક્રૂડ ઓઈલનો 60 દિવસથી ઓછા સમયનો સ્ટોક છે જ્યારે એલપીજીનો સ્ટોક માત્ર બેથી ત્રણ સપ્તાહ ચાલે તેટલો છે. વિશ્વના ત્રીજા સૌથી મોટા ઓઈલ આયાતકાર ભારતને અમેરિકાના અવરોધોથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
લેખક: પવન માકન જીવનમાં ક્યારેક એવો વળાંક આવે છે જ્યારે આપણને સમજાય છે કે અત્યાર સુધી આપણે જે જીવતા હતા એ માત્ર એક મૃગજળ હતું. ઘણીવાર ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળવામાં સમય લે છે, પણ જ્યારે એનો જવાબ મળે છે ત્યારે જીવનનો આખો નકશો બદલાઈ જાય છે. મારી આ મથામણ અને અનુભૂતિ આજે આપણી સાથે વહેંચવી છે.
ખોટા દેખાડાનું વજન આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં ‘ફેક સ્માઈલ’ અને ‘ખોટા ખર્ચાઓ’ એ આપણી ઓળખ બની ગયા છે. બીજાને સારા દેખાવા માટે આપણે અંદરથી કેટલા પોલા થતા જઈએ છીએ, તેનો અંદાજ પણ નથી રહેતો. જો જીવનમાં સાચું માર્ગદર્શન કે સાચી વ્યક્તિનો સાથ ન મળ્યો હોત, તો કદાચ આજે પણ હું એ જ દેખાડાની જિંદગીમાં વ્યસ્ત હોત, જ્યાં હાસ્ય હોઠ પર તો હતું પણ હૃદયમાં નહીં. દુઃખનું વૃક્ષ અને આપણે એક સત્ય સમજવા જેવું છે: દુઃખ ક્યારેય બહારથી નથી આવતું. આપણે પોતે જ આપણા મનમાં નકારાત્મક વિચારો અને અપેક્ષાઓનું એક વૃક્ષ વાવીએ છીએ. રોજ ચિંતા અને ભયનું પાણી પાઈને આપણે એને મોટું કરીએ છીએ, અને પછી ફરિયાદ કરીએ છીએ કે જીવનમાં શાંતિ નથી. હકીકતમાં, આપણે જ એ માળી છીએ જેણે આ દુઃખને મોટું કર્યું છે. હવે જીવવું છે ખુલ્લા દિલથી… પણ હવે બહુ થયું! હવે મારે એ જૂની જિંદગીના ભાર નીચે દબાવું નથી. જીવનની હવે જેટલી પણ ક્ષણો બાકી છે, તેને મારે ‘એન્જોય’ કરવી છે.
હળવું મન: ભૂતકાળની ભૂલો અને ભવિષ્યની ચિંતા છોડીને વર્તમાનમાં રહેવું.
સચ્ચાઈનો સાથ: કોઈને પ્રભાવિત કરવા માટે નહીં, પણ પોતાની જાતને ખુશ રાખવા માટે જીવવું.
આભારની લાગણી: જે મળ્યું છે તેના માટે ઈશ્વરનો આભાર માનવો. તમારા જીવનમાં પણ જો કોઈ એવી વ્યક્તિ કે એવી ક્ષણ આવી હોય જેણે તમને તમારી જાત સાથે મેળવી આપ્યા હોય, તો તેને સાચવી લેજો. કારણ કે, ખોટા દેખાડા કરતા સાચું હૃદય અને હળવું મન એ જ જીવનની સૌથી મોટી કમાણી છે. ચાલો, આજથી જ જીવીએ – કોઈના માટે નહીં, પણ આપણી પોતાની ખુશી માટે!
સુરત એસઓજીએ ઓપરેશન શુઘ્ધિ અંતર્ગત સચિન જીઆઇડીસીમાં જીઇબીના સબ સ્ટેશન નજીક સબકા ફુડ નામની ફેક્ટરીમાં દરોડા પાડી વિદુર ગાયનું ઘી અને શુઘ્ધ ઘીના નામે સમગ્ર ગુજરાત તથા અન્ય રાજયોમાં વેચાણ થતું સ્વાસ્થય માટે હાનિકારક કેમિકલ યુકત ઘી બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી કુલ રૂ. 36.36 લાખના મુદ્દામાલ સાથે બે ભાગીદારની ધરપકડ કરી છે.
એસઓજીના હે.કો જગશી શાંતિભાઇ અને પો.કો દેવેન્દ્રદાન ગંભીરદાનને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એમ.ડી. હડીયા અને તેમની ટીમે સચિન જીઆઇડીસીમાં જીઇબીના સબ સ્ટેશનની બાજુમાં લક્ષ્મી પાર્કની સામે પ્લોટ નં. I/33 માં સબકા ફુડ નામની ફેક્ટરીમાં દરોડા પાડયા હતા. જયાંથી વિદુર ગાયનું ઘી અને દેશી ઘીના નામે વેચાણ થતું સ્વાસ્થય માટે હાનિકારક કેમિકલ યુકત ડુપ્લીકેટ ઘી બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી. પોલીસે ભાડાની ફેકટરીમાં ડુપ્લીકેટ ઘી બનાવનાર ફેક્ટરી માલિક ભરત ગોગનભાઇ પોલરા (ઉ.વ. 48 રહે. આશોપાલવ સોસાયટી-2, પટેલ પાર્ક, કેનાલ રોડ, કામરેજ અને મૂળ. ચરખા, તા. ધારી, અમરેલી) અને અમીન બાબુભાઇ વઢવાણિયા (ઉ.વ. 45 રહે. સોહમ એપાર્ટમેન્ટ, રંગીલા પાર્ક સોસાયટી, ઘોડદોડ રોડ, સુરત) ને ઝડપી પાડયા હતા. બંનેની પૂછપરછમાં એક કિલોગ્રામ શુઘ્ધી ઘીમાં તેલ, વનસ્પતિ ઘી, કેમિકલ તથા કલર ઉમેરી અંદાજે 15 કિલોગ્રામ ઘી બનાવીને 100 એમ.એલના નાના ડબ્બાથી લઇ 15 કિલોગ્રામના મોટા ડબ્બામાં પેકીંગ કરી સબકા ફૂડસના લાયસન્સ હેઠળ વિદુર ગાયનું ઘી અને શુઘ્ધ ઘીના નામે વેચાણ તથા તલંગપપુરના ગીતા નગર-સીના પ્લોટ નં. 79માં ગોડાઉન હોવાની કબૂલાત કરતા પોલીસે ત્યાં પણ દરોડા પાડયા હતા. સર્ચ દરમિયાન ફેક્ટરીમાં બંને ભાગીદારની ઓફિસમાંથી રોકડા રૂ. 2 લાખ, ભેળસેળ યુક્ત ડુપ્લીકેટ ઘી 2029 કિલોગ્રામ કિંમત રૂ. 14.19 લાખ, ડુપ્લીકેટ ઘી બનાવાની મશીનરી તથા રો-મટિરીયલ્સ કિંમત રૂ. 21.61 લાખ મળી કુલ રૂ. 36.36 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કેમિકલ એડ કરવા ડોક્ટરની જેમ સિરીંજનો ઉપયોગ કરાતો
1 કિલોગ્રામ શુઘ્ધ ઘીમાં પામોલિન તેલ, વનસ્પતિ ઘી, કેમિકલ તથા કલર ઉમેરી અંદાજે 15 કિલોગ્રામ ઘી બનાવતા હતા. ગ્રાહકોને અસલ ઘી જેવી જ સુંગધ અને દેખાય તેના માટે ઘી બનાવતી વખતે કેમિકલ એડ કરતી ઘીના કલર અને સુંગધ માટે ખાસ ઘ્યાન રાખતા હતા. શુઘ્ધ ઘી, પામોલિન તેલ, વનસ્પતિ ઘીનું મિશ્રણ ગરમ કરીને તૈયાર કર્યા બાદ તેમાં કેમિકલ એડ કરવા માટે ડોક્ટરની જેમ સિરીંજનો ઉપયોગ કરતા હતા.
અમરિકાએ ઇરાનને ચેતવણી આપી છે કે જો તેણે સમાધાન ન કર્યુ તો અમે યુદ્ધ માટે તૈયાર છીએ. હવે નિર્ણય ઇરાને કરવાનો છે. તે પોતાના દેશ માટે એક સમૃદ્ધ અને મનોહર ભવિષ્ય પસંદ કરી શકે છે. ડીલ ન કરે તો તે પોતાના જ દેશવાસીઓ માટે વિનાશનો રસ્તો પસંદ કરશે. આ નિર્ણય ઇરાને કરવાનો છે, એમ અમેરિકાના વિદેશ પ્રધાન પીટ હેગસેથે જણાવ્યું હતું.
અમેરિકાએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે હવેના હુમલા અગાઉ કરતાં પણ વધુ ભયાનક હશે તેમા ઇન્ફ્રાસ્ટ્રકચર, વીજળી અને ઉર્જા કેન્દ્રો પર બોમ્બમારો કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ઇરાને વહેલામાં વહેલી તકે નિર્ણય લેવો પડશે. ઇરાને જો કોઈ નિર્ણય ન લીધો તો કે યોગ્ય નિર્ણય ન લીધો તો અમેરિકા ફરીથી યુદ્ધ શરુ કરી દેશે. સમાધાન ન થયું તો અમેરિકન લશ્કર તો યુદ્ધ લડવા સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે ઇરાન કહે છે કે તે હોર્મુઝની ખાડીને કંટ્રોલ કરે છે અને ત્યાંથી પસાર થતા વ્યાપારી જહાજોને ધમકી આપે છે. આ કોઈ કંટ્રોલ નથી, પરંતુ દરિયાઈ ચાંચિયા જેવી લૂંટ છે. અમેરિકા ઇરાન યુદ્ધવિરામ ૨૧મી એપ્રિલના રોજ ખતમ થઈ રહ્યો છે. અમેરિકા પહેલાં કરતાં વધુ તાકાતથી ત્રાટકવા તેના પર તૈયાર છે.
આ દરમિયાન અમેરિકન નૌકાદળે તેની ઘેરાબંધીનો વ્યાપ વધાર્યો છે. તેણે તેમા હવે તે જહાજોને પણ સામેલ કરી લીધા છે જેને ગેરકાયદેસર રીતે માલ લઈ જતા માનવામાં આવી રહ્યા છે. નૌકાદળે ચેતવણી આપી છે કે ઇરાન તરફ આગળ વધતા શંકાસ્પદ જહાજોની ચકાસણી કરવામાં આવી શકે છે. આ જહાજ હોર્મુઝની ખાડીમાં ગમે ત્યાં હોય તેની ચકાસણી કરી શકાય છે, તેના પર હુમલા કરી શકાય છે અને તેની તપાસ કરીને તેને જપ્ત પણ કરી શકાય છે. અમેરિકન નૌકાદળના ૧૦ હજારથીવ ધુ જહાજો ઘેરાબંધી કરી રહ્યા છે.
ઇરાનના ભૂમિદળના ડેપ્યુટી વડાએ જણાવ્યું હતું કે ઇરાને ગયા વર્ષથી લશ્કરી સરંજામના ઉત્પાદનમાં વધારો કર્યો છે. અમેરિકા-ઇઝરાયેલે હુમલા કર્યા પછી એટેકર ડ્રોનના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરાયો છે. આવું એટલા માટે કરવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં કોઈપણ ઘટના થાય તો તેની તૈયારી પહેલેથી જ હોય. ઇરાન આમ ગયા વર્ષે અમેરિકાના ભરોસે રહી ગયુ અને તેણે તેના પરમાણુ મથકો પર બોમ્બાર્ડિંગ કર્યુ તેમાં સપડાવવા માંગતુ નથી. તેથી તેઓ અમેરિકાની દરેક બાબતને સાશંકિત નજરે જ જુએ છે. એટેક ડ્રોન બનાવવાની ઇરાનની ક્ષમતામાં ૧૦ ગણી ઝડપ લાવવામાં આવી છે.ચીનના વિદેશપ્રધાન વાંગ યીએ ઇરાનના વિદેશપ્રધાન સાથેની વાતચીતમાં હોર્મુઝની ખાડીને ખોલવા માટે જણાવ્યું હતું.ઇરાનના રાજદૂતાવાસે તેમને અમેરિકા સાથેની વાતચીતથી માહિતગાર કર્યા હતા.
પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ ખાતે ઇરાન અને અમેરિકા વચ્ચે શાંતિમંત્રણા યોજાઈ હતી, પરંતુ તે કોઈપણ પ્રકારના નિર્ધારિત પરિણામ વગર પૂરી થઈ. આના પગલે આગળના ઘટનાક્રમ પર આખા વિશ્વની નજર છે. આ સિવાય પાકિસ્તાનમાં ફરીથી બેઠક યોજવાની તૈયારી પણ ચાલી રહી છે. પાકિસ્તોને પણ જણાવ્યું છે કે ઇરાન-અમેરિકા મંત્રણાની કોઈ તારીખ હજી સુધી નક્કી થઈ નથી.
ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામ
ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયો છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તેની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે મારી હમણા જ લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ આઉન અને ઇઝરાયેલના નેતન્યાહુ સાથે વાત થઈ. બંને નેતાઓએ સંમતિ વ્યક્ત કરી છે કે તેઓ શાંતિ સ્થાપવા ૧૦ દિવસના યુદ્ધવિરામથી ઔપચારિક છૂટથી શરૂઆત કરશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે હું ઇઝરાયેલ અને લેબનોનના બંનેને વ્હાઇટ હાઉસમમાં આમંત્રિત કરીશ. ૧૯૮૩ પછી પહેલી જ વખત લેબનોન અને ઇઝરાયેલ વચ્ચે સીધી વાતચીત થશે.હું માનું છું કે આ સમજૂતી ટૂંક સમયમમાં અમલમાં આવશે.