Home Blog Page 192

Ahmedabad : તૈયાર ખીરાના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. બજારમાંથી લાવેલા ઢોસાના ખીરામાંથી બનાવેલી વાનગી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થતા એક જ પરિવારની બે માસૂમ દીકરીઓના મોત નિપજ્યાના દાવો કરવામાં આવ્યો છે. જ્યારે બાળકીઓના માતા-પિતાની હાલત પણ ગંભીર છે અને તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મળતી માહિતી અનુસાર, ચાંદખેડાની મારુતિ પ્લાઝા રેસિડેન્સીમાં રહેતા ગૌરીશંકર પ્રજાપતિએ દાવો કર્યો કે, ‘પહેલી એપ્રિલ સાંજે મારો દીકરો આયુષી રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ઢોંસાનું ખીરું લાવ્યો હતો. રાત્રે તેણે ઢોંસા બનાવીને ખાધા બાદ બીજા દિવસે સવારે તેને ઉલટીઓ શરૂ થતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ બીમારી ઢોંસા ખાવાથી થઈ છે તેની જાણ ન હોવાથી મારી પુત્રવધૂ અને સાડા ત્રણ વર્ષની પૌત્રીએ પણ તે ખાધું હતું, જેથી તેમને પણ ઉલટીઓ થવા લાગી અને તમામને હોસ્પિટલ ખસેડાયા હતા.’

ગૌરીશંકર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ‘આ ગંભીર અસરને કારણે મારી અઢી મહિનાની નાની પૌત્રીનું અને ત્યારબાદ સાડા ત્રણ વર્ષની મોટી પૌત્રીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. અત્યારે મારો દીકરો અને પુત્રવધૂ બંને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે. મારી પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે.’

શોકમાં ગરકાવ દાદા ગૌરીશંકર પ્રજાપતિએ પોલીસ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે. તેમણે માંગ કરી છે કે જે ડેરીમાંથી ખીરું લાવવામાં આવ્યું હતું તેની સઘન તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય કોઈ પરિવાર પોતાની વહાલસોયી દીકરીઓ ન ગુમાવે.

Rajasthan : ડ્રોનથી નશાની તસ્કરી! શ્રીગંગાનગરમાંથી 60 કરોડનું હેરોઈન કરાયું જપ્ત

0

આ કાર્યવાહી એક ગુપ્ત માહિતી બાદ કરવામાં આવી હતી. CID, સ્થાનિક પોલીસ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ આ ઓપરેશન માટે સંયુક્ત યોજના વિકસાવી હતી, જે સફળ રહી છે.

રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં સુરક્ષા એજન્સીઓએ 12 કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે, જે પાકિસ્તાનથી ડ્રોન દ્વારા ભારતમાં મોકલવામાં આવ્યું હોવાની શંકા છે. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે આ કેસના સંબંધમાં 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ અટકાયત કરાયેલા લોકોની પૂછપરછ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે હેરોઈન પંજાબમાં સપ્લાય કરવાનો હતો.

અહેવાલો અનુસાર CID, સ્થાનિક પોલીસ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ શ્રી ગંગાનગરમાં ડ્રગ્સની હેરાફેરી પર મોટી કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી એક ગુપ્ત માહિતી બાદ કરવામાં આવી હતી. CID, સ્થાનિક પોલીસ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ આ ઓપરેશન માટે સંયુક્ત યોજના વિકસાવી હતી, જે સફળ રહી છે. 12 કિલોગ્રામ હેરોઈન સાથે 4 યુવાનોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે આશરે 12 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત આશરે રૂપિયા 60 કરોડ છે. તે સરહદ પારથી ડ્રોન દ્વારા પરિવહન કરવામાં આવ્યું હતું. 4 લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સીઆઈડી, સ્થાનિક પોલીસ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)એ એક ગુપ્ત માહિતીના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

સુરક્ષા એજન્સીઓને શ્રીકરણપુર વિસ્તારમાં સરહદ પારથી દાણચોરીના પ્રયાસની માહિતી મળી હતી. તેમણે જણાવ્યું હતું કે માહિતીના આધારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને સરહદ પર નાકાબંધી સ્થાપિત કરી હતી. ઓપરેશન દરમિયાન રાત્રે ડ્રોન દ્વારા ભારતીય ક્ષેત્રમાં પેકેજો ફેંકવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે શોધખોળ દરમિયાન, નાના પેકેટોમાં આશરે 12 કિલોગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે પેકેટ લેવા પહોંચેલા બે યુવાનોને સ્થળ પર જ પકડી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ આ માલ પાકિસ્તાની દાણચોરો દ્વારા મોકલવામાં આવ્યો હતો અને તેને પંજાબ મોકલવાનો હતો.

World : ગુસ્સામાં અપશબ્દો બોલીને ટ્રમ્પે પગ પર કુહાડી મારી? આ નિયમ હેઠળ જઈ શકે છે ખુરશી, 5 સાંસદો મેદાને

0

ઈરાન સામે અપશબ્દોનો ઉપયોગ કર્યા બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલીમાં મુકાયા હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકામાં વિરોધ પક્ષના સાંસદોએ ટ્રમ્પ વિરુદ્ધ 25મા બંધારણીય સુધારા હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી તેમને પદ પરથી હટાવવાની માંગ તેજ કરી છે. ઓછામાં ઓછા 5 સાંસદોએ ખુલ્લેઆમ ટ્રમ્પને હટાવવાની માંગ કરતા જણાવ્યું છે કે તેઓ પોતાના કર્તવ્યો નિભાવવામાં સંપૂર્ણપણે અક્ષમ છે અને તેમને સત્તા પરથી દૂર કરવા એ જ એકમાત્ર વિકલ્પ છે. સાંસદ બેક્કા બાલિંટે સવાલ ઉઠાવ્યો હતો કે જો ઓબામા કે બાઈડને આવા અપશબ્દો કહ્યા હોત તો શું રિપબ્લિકન પક્ષે તેમને હટાવવાની માંગ ન કરી હોત? જ્યારે સીનેટર ક્રિસ મર્ફી અને કોંગ્રેસ સદસ્ય યાસ્મીન અંસારીએ ટ્રમ્પને ‘પાગલ’ ગણાવીને કહ્યું છે કે તેમના કારણે આખી દુનિયા અત્યારે જોખમમાં છે.

અમેરિકન બંધારણનો 25મો સુધારો પ્રમુખને પદ પરથી હટાવવા અથવા તેમના મૃત્યુ કે અસમર્થતાની સ્થિતિમાં આગળની કાર્યવાહી વિશે વિગતવાર માહિતી આપે છે. આ કાયદા મુજબ, જો પ્રમુખને હટાવવામાં આવે તો બાકીના સમયગાળા માટે ઉપરાષ્ટ્રપતિ કાર્યભાર સંભાળે છે. આ પ્રક્રિયા શરૂ કરવા માટે સૌથી પહેલા કેબિનેટે પ્રસ્તાવ લાવવો પડે છે. જો પ્રમુખ આ પ્રસ્તાવનો વિરોધ કરે, તો મામલો સંસદમાં જાય છે. જો સીનેટ અને કોંગ્રેસના 2/3 સભ્યો આ પ્રસ્તાવને મંજૂરી આપી દે, તો પ્રમુખે ફરજિયાતપણે પોતાની ખુરશી છોડવી પડે છે.

રિપોર્ટ મુજબ, ઈરાન વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ 3 દિવસની રજા પર ઉતરી ગયા છે. રિપ્રેઝન્ટેટિવ મેલેની સ્ટાન્સબેરીએ આકરા શબ્દોમાં ટીકા કરતા કહ્યું છે કે હવે પાણી માથા પરથી જઈ રહ્યું છે અને પગલાં લેવાનો આ જ યોગ્ય સમય છે. અમેરિકામાં અત્યારે જે રીતે રાજકીય માહોલ ગરમાયો છે તે જોતા ટ્રમ્પ માટે આગામી દિવસો ઘણા પડકારજનક સાબિત થઈ શકે છે.

Business : સોમવારે કેટલો ઘટ્યો સોનાનો ભાવ? જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ

0

યુદ્ધની સ્થિતિને કારણે સોના ચાંદીના ભાવમાં ફેરફાર આવી રહ્યો છે. ક્યારેક ભાવ વધે છે તો ક્યારેક ઘટે છે. ત્યારે 4 એપ્રિલના રોજ પણ સોના ચાંદીના ભાવમાં ફેરફાર આવ્યો છે.

ઘરેલુ વાયદા બજારમાં 6 એપ્રિલ, સોમવારના રોજ સોનું અને ચાંદી સ્થિર સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. ટ્રેડિંગની શરૂઆતમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો થયો હતો. જોકે સત્રના અંતે થોડી રિકવરી જોવા મળી હતી.

આ લખાય છે ત્યારે, 5 જૂન, 2026 ના રોજ સમાપ્ત થઈ રહેલા ગોલ્ડ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આશરે ₹220 નો વધારો થયો હતો. MCX પર, ગોલ્ડ ફ્યુચર્સ ₹148,847 (પ્રતિ 10 ગ્રામ) પર ખુલ્યા હતા. પાછલા ટ્રેડિંગ દિવસે, એક્સચેન્જ પર સોનું ₹149,680 પર બંધ થયું હતું.

સવારે 11:10 વાગ્યાની આસપાસ ગોલ્ડ ફ્યુચર્સ ₹149,904 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે 0.15 ટકાનો વધારો હતો. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન, ગોલ્ડ ફ્યુચર્સ ₹150,319 ની ઊંચી સપાટીને સ્પર્શી ગયું હતું. ચાલો જોઈએ કે આજે આ કિંમતી ધાતુઓ ખરીદવા માટે તમારે કેટલો ખર્ચ કરવાની જરૂર પડશે.

ચાંદીના ભાવ
આ લખાઈ રહ્યું છે ત્યારે – લગભગ સવારે 11 વાગ્યે – MCX પર 5 જૂન, 2026ના રોજ સમાપ્ત થતા સોનાના કોન્ટ્રેક્ટનું મૂલ્ય આશરે 10 ગ્રામ દીઠ ₹250 વધીને ₹149930 પર પહોંચી ગયું હતું. દરમિયાન, ચાંદીના સંદર્ભમાં 5 મે, 2026ના રોજ સમાપ્ત થતા કોન્ટ્રેક્ટના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. વાયદા બજારમાં, સવારે 11 વાગ્યે ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹ 232660 પર ટ્રેડ થઈ રહી હતી.

શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,49,180 1,36,750
વડોદરા
1,49,180 1,36,750
રાજકોટ 1,49,180 1,36,750
સુરત 1,49,180 1,36,750
મુંબઇ 1,49,130 1,36,700
દિલ્હી

1,49,280 1,36,850

Gujarat : અંબાલાલ પટેલની આગાહી : બે દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા, 12 એપ્રિલથી તાપમાન 42 ડિગ્રી પાર થઈ શકે

0

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 48 કલાકમાં ઉત્તર ભારતમાં વાતાવરણમાં પલટો આવશે. ભારે ગાજવીજ અને કરા સાથે વરસાદની સંભાવનાઓ છે. સાતમી અને આઠમી એપ્રિલે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે.

ગુજરાતમાં ગરમી અને ઉકળાટની સાથે સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવે છે.ત્યારે ફરીવાર રાજ્યમાં માવઠાનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.આવતીકાલે સાતમી એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.આઠમી એપ્રિલથી ગરમીમાં વધારો થશે.આવતીકાલથી પવનની ગતિમાં વધારો થશે.7 એપ્રિલ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બે દિવસ ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 48 કલાકમાં ઉત્તર ભારતમાં વાતાવરણમાં પલટો આવશે. ભારે ગાજવીજ અને કરા સાથે વરસાદની સંભાવનાઓ છે. સાતમી અને આઠમી એપ્રિલે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે. કચ્છ સહિત ઉત્તર ગુજરાતના ભાગોમાં અસર થશે. રાજ્યમાં 12મી એપ્રિલથી ગરમીમાં વધારો થશે. 15 એપ્રિલથી ભીષણ ગરમી પડશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી પહોચી શકે છે. ગરમી વધતા લૂની અસર જોવા મળશે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાબરકાંઠા, હિંમતનગર, વડોદરા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, અમદાવાદ,ગાંધીનગર, મહીસાગર, અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે. રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે તાપમાનમાં પણ વધારો થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. રાજ્યમાં આજે ગરમીનું જોર રહેશે. રાજકોટમાં સૌથી વધુ 36.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ,અમરેલીમાં 35.3, ભુજ,સુરેન્દ્રનગરમાં 35.8, જ્યારે ગાંધીનગર,વડોદરા,સુરતમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Rajkot : જસદણના અમર ગેસ્ટ હાઉસમાં દેહવ્યાપારનો પર્દાફાશ, સંચાલક સહિત 3 ઝડપાયા

0

જસદણ નવા બસ સ્ટેન્ડ પાસે આવેલા અમર ગેસ્ટ હાઉસમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી છે. આ રેડ દરમિયાન એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. મોડી રાત્રે પોલીસની કાર્યવાહીથી ચકચાર મચી જવા પામી છે.

જસદણ શહેરમાં પ્રથમ વખત કોઈ ગેસ્ટ હાઉસમાં ચાલતા દેહવ્યાપારના નેટવર્કને પોલીસે ખુલ્લું પાડ્યું છે. રાજકોટ જિલ્લાના જસદણ શહેરના નવા બસ સ્ટેશન પાસે આવેલા અમર ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી જસદણ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસ દ્વારા ગત મોડી રાત્રે ઓચિંતી રેડ કરવામાં આવી હતી.

પોલીસના રેડ દરમિયાન ગેસ્ટ હાઉસમાંથી શંકાસ્પદ હાલતમાં એક મહિલા મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી ગેસ્ટ હાઉસના સંચાલક અને કર્મચારી સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. લાંબા સમયથી અહીં આ અનૈતિક પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસની આ આકસ્મિક કાર્યવાહીને પગલે મોડી રાત્રે રસ્તા પર લોકોના મોટા ટોળા એકઠા થઈ ગયા હતા અને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

જસદણ પોલીસે ગેસ્ટ હાઉસના સીસીટીવી કેમેરાના ડીવીઆર કબજે કર્યા છે. આ ફૂટેજના આધારે અહીં આવતા-જતા ગ્રાહકો અને અન્ય સંડોવાયેલા શખ્સોની ઓળખ કરવામાં આવી રહી છે. ગેસ્ટ હાઉસના ઓથા હેઠળ ચાલતા આ રેકેટમાં અન્ય કોણ-કોણ સામેલ છે, તેની પણ પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. જસદણ જેવા શાંત વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિ પકડાતા સ્થાનિક રહીશોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

National : LPG સંકટનો તોડ શોધ્યો સરકારે, 5 KG વાળા સિલિન્ડરનો સપ્લાય વધાર્યો, ID બતાવો અને લઈ જાઓ

0

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનું પાંચમું અઠવાડિયું ચાલી રહ્યું છે અને હાલમાં આ યુદ્ધનો અંત આવે એવા કોઈ સંકેત નથી દેખાઈ રહ્યા. રવિવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને એક નવી ધમકી આપીને તણાવ વધારી દીધો છે. આ સાથે જ હોર્મુઝ સ્ટ્રેટ પર રાહતની આશા પણ ઓછી થઈ ગઈ છે, જેના કારણે વિશ્વભરમાં તેલ અને ગેસ સંકટ વધુ ઘેરું બન્યું છે. ભારતમાં પણ LPGની અછત જોવા મળી, પરંતુ નરેન્દ્ર મોદી સરકારે LPG ઉત્પાદન વધારવા અને આયાતમાં ડાયવર્સિફિકેશન સહીત અન્ય ઉપાયો દ્વારા પરિસ્થિતિને વધુ ખરાબ ન થવા દીધી.

જોકે, આ વચ્ચે LPG ગેસ એજન્સીઓની બહાર લાંબી લાઈનો ચોક્કસ જોવા મળી, પરંતુ સરકાર દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, ભારત પાસે પૂરતો સ્ટોક છે અને પેનિક બાયિંગ (LPG Panic Buying)ની જરૂર નથી. હવે LPG સંકટનો તોડ શોધી કાઢતા સરકારે ડિમાન્ડ પૂરી કરવા માટે 5 KG વાળા સિલિન્ડરનો સપ્લાય વધાર્યો છે.

આ 5 કિલોગ્રામ વાળા નાના LPG સિલિન્ડરો LPG ડીલર્સના કાઉન્ટર પર જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને તેના વેચાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયે જાણકારી આપતા જણાવ્યું કે, 23 માર્ચથી અત્યાર સુધીમાં દેશમાં લગભગ 6.6 લાખ સિલિન્ડર વેચાઈ ચૂક્યા છે.

એક અહેવાલ પ્રમાણે સબસિડીવાળા ઘરેલુ 14.2 કિલોગ્રામના સિલિન્ડરોથી વિપરીત આ 5 KG વાળા LPG બાટલાને FTL Cylinder કહેવામાં આવે છે. તે માર્કેટ ભાવે ઉપલબ્ધ છે અને નજીકના કોઈપણ ગેસ ડીલર પાસેથી ખરીદી શકાય છે.

સૌથી મહત્વની વાત એ છે કે, આ નાના સિલિન્ડર ખરીદવા માટે કોઈ પણ પ્રકારનું એડ્રેસ પ્રૂફ બતાવવાની જરૂર નથી. તમારી પાસે ફક્ત માન્ય ઓળખ પત્ર (Identity Proof) હોવું જોઈએ અને તે બતાવ્યા બાદ તમને એ આપી દેવામાં આવે છે. સરકારે LPGની માંગને પહોંચી વળવા માટે આ સિલિન્ડરોના પુરવઠામાં વધારો કર્યો છે.

આ પહેલા ગત શનિવારે પણ સરકારે એક નિવેદન જારી કરીને લોકોને પેટ્રોલ, ડીઝલ અને LPGની ગભરાટમાં ખરીદી ટાળવા વિનંતી કરી હતી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકાર પેટ્રોલિયમ ઉત્પાદનો અને રસોઈ ગેસની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લઈ રહી છે.

આ સાથે જ તેલ અને LPGના સંગ્રહખોરી અને કાળાબજાર સામે કાર્યવાહી ચાલુ છે. આ કાર્યવાહી હેઠળ 3,700થી વધુ દરોડા પાડવામાં આવ્યા છે અને LPG વિતરકોને લગભગ 1,000 કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 36 ડીલરોને સસ્પેન્ડ કરવામાં આવી ચૂક્યા છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઘરો અને ટ્રાન્સપોર્ટેશન માટે સંપૂર્ણ પુરવઠો જાળવવામાં આવી રહ્યો છે, જ્યારે ફર્ટિલાઈઝર્સ પ્લાન્ટને પુરવઠો 6 એપ્રિલથી સરેરાશ વપરાશના લગભગ 90 ટકા સુધી વધવાની અપેક્ષા છે, જેમાં આવનારા LNG કાર્ગોથી મદદ મળશે.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશની તમામ રિફાઈનરીઓ પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઓઈલના ભંડાર સાથે સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી રહી છે અને દેશભરના પેટ્રોલ પંપ સંપૂર્ણ રીતે ભરેલા છે.

Gujarat : વાવ-થરાદ જિલ્લાના મોડલ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓનો હલ્લાબોલ, ‘વોર્ડન આશાબેન નહીં ચાલે’ના નારા સાથે દેખાવો

0

વાવ-થરાદ જિલ્લાના થરાદમાં આવેલી મોડલ હોસ્ટેલ (KGBV)માં વહીવટી વિવાદ વકરતા વાતાવરણ ગરમાયું છે. હોસ્ટેલની અંદાજે 250થી વધુ વિદ્યાર્થિનીઓએ વર્તમાન વોર્ડન આશાબેનની નિમણૂક સામે આજે (છઠ્ઠી એપ્રિલ) વહેલી સવારથી જ મોરચો માંડ્યો છે. ‘વોર્ડન આશાબેન નહીં ચાલે’ના સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થિનીઓ હોસ્ટેલના મેદાનમાં ધરણા પર બેસી ગઈ છે, જેને પગલે સમગ્ર પંથકમાં ચર્ચાઓ જાગી છે.

આંદોલન કરી રહેલી વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે, અગાઉ જ્યારે આશાબેન વોર્ડન તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમનું વર્તન અત્યંત અમાનવીય હતું. તે વિદ્યાર્થિનીઓને ‘ઢોર’ જેવા અપશબ્દો કહીને અપમાનિત કરતા અને નાની નાની બાબતોમાં શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા. તેના પરિવારના સભ્યો પણ હોસ્ટેલમાં આવીને વિદ્યાર્થિનીઓને હેરાન કરતા હતા.

છેલ્લા એક વર્ષથી સોનલબેન વોર્ડન તરીકે હતા, જેમના શાસનમાં વિદ્યાર્થિનીઓ માતા જેવી સુરક્ષા અનુભવતી હતી, પરંતુ તેમની બદલી કરીને ફરી વિવાદિત આશાબેનને લાવવામાં આવતા રોષ ફાટી નીકળ્યો છે.

દીકરીઓના આ આંદોલનમાં વાલીઓ પણ જોડાયા છે. વાલીઓએ આશાબેન પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, અગાઉ તેમના સમયમાં ભોજનમાં જીવજંતુઓ આવવા, સ્ટેશનરી બારોબાર વેચી દેવી અને પાયાની સુવિધાઓમાં ગેરરીતિની અનેક ફરિયાદો સીએમ પોર્ટલ સુધી કરવામાં આવી હતી. આટલા વિવાદિત ભૂતકાળ ધરાવતા વ્યક્તિને ફરીથી અહીં કેમ મૂકવામાં આવ્યા તેવો સવાલ વાલીઓએ ઉઠાવ્યો છે.

હાલમાં પરીક્ષાઓ ચાલી રહી હોવા છતાં, ન્યાયની માંગ સાથે દીકરીઓ મક્કમ છે. વિદ્યાર્થિનીઓની મુખ્ય માંગણીઓ છે કે, વર્તમાન વોર્ડન આશાબેનને તાત્કાલિક અસરથી હોસ્ટેલમાંથી હટાવવામાં આવે. સોનલબેનને ફરીથી નિયુક્ત કરવામાં આવે અથવા અન્ય કોઈ તટસ્થ વ્યક્તિને જવાબદારી સોંપાય. છેલ્લા 3 મહિનાથી હોસ્ટેલની મુલાકાત ન લેનારા જિલ્લા જેન્ડર ઓફિસર સામે તપાસ થાય.

જો સત્તાધીશો દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો વિદ્યાર્થિનીઓએ પરીક્ષાનો બહિષ્કાર કરવાની અને ભૂખ હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારી છે. હાલમાં સ્થાનિક વહીવટી તંત્ર આ મામલે મધ્યસ્થી કરવાના પ્રયાસો કરી રહ્યું છે.

Jamnagar : કાર પલટતા INS વાલસુરાની મહિલા તાલીમાર્થીનું મોત

0

બેડેશ્વર વિસ્તારમાં આવેલા વાલસુરા રોડ પર એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ભારતીય નૌસેનાની તાલીમ પૂર્ણ કરી પરત ફરી રહેલી એક મહિલા તાલીમાર્થીનું કરૂણ મોત નીપજ્યું છે.

જામનગરના બેડેશ્વર પાસે આવેલા વાલસુરા રોડ પર ગત રોજ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ૨૨ વર્ષીય મહિલા તાલીમાર્થી અંશુ કિશનસિંહનું ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, મૃતક અંશુ કિશનસિંહ ભારતીય નૌસેનામાં તાલીમાર્થી તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓ મહારાષ્ટ્રના પુના ખાતે પોતાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને જામનગર પરત ફર્યા હતા. તેઓ જામનગર એરપોર્ટ પર ઉતરીને ત્યાંથી ટેક્સી અથવા ખાનગી કાર મારફતે આઈએનએસ વાલસુરા (INS Valsura) તરફ જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં આ કાળમુખો અકસ્માત નડ્યો હતો.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, કાર ચાલક પોતાની ગાડી અત્યંત પૂરઝડપે અને બેફીકરાઈથી ચલાવી રહ્યો હતો. બેડેશ્વરના વાલસુરા રોડ પર ચાલકે અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર માર્ગ પર પલટીઓ ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવતીને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. એક આશાસ્પદ યુવતીના મોતના સમાચારથી નૌસેના પરિવાર અને સ્થાનિકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસે આ મામેલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Entertainment : ‘ધડક’ફિલ્મના દિવસોને યાદ કરી જહાનવી કપૂરે કર્યો ચોંકાવનારો ખુલાસો

0

જ્હાન્વી કપૂરે તેની પહેલી ફિલ્મ ‘ધડક’ અને માતા શ્રીદેવીના નિધન બાદના સંઘર્ષ વિશે ભાવુક ખુલાસો કર્યો છે. જાણો કેમ આટલી મોટી હિટ ફિલ્મ બાદ પણ તે ડિપ્રેશનનો શિકાર બની હતી.

બોલિવૂડ સ્ટાર જ્હાન્વી કપૂરે તાજેતરમાં પોતાની કારકિર્દીના સૌથી મુશ્કેલ અને ભાવનાત્મક તબક્કા વિશે ખુલ્લેઆમ વાત કરી છે. રાજ શમાણીના પોડકાસ્ટમાં જ્હાન્વીએ પહેલી ફિલ્મ ‘ધડક’ (2018) ના દિવસોને યાદ કર્યા. જહાનવી કહ્યું કે આજે ભલે લોકો મારી ફિલ્મ ‘ધડક’ ના વખાણ કરતા હોય પરંતુ મારા માટે તેની યાદો કડવી છે. તે ધડકના રિલીઝ સમયે માનસિક રીતે ભાંગી પડી હતી.

જ્હાન્વી માટે તેની પહેલી ડેબ્યુ ફિલ્મનો અનુભવ ખૂબ જ પીડાદાયક રહ્યો હતો. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ તેની માતા અને દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીનું અવસાન થયું હતું. જ્હાન્વીએ ખુલાસો કર્યો કે, “માતાના મૃત્યુના આઘાત વચ્ચે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે બહારથી મળતી નકારાત્મકતા અને ટીકાઓએ મને હચમચાવી દીધી હતી. મને એવું લાગવા માંડ્યું હતું કે લોકો મને નફરત કરે છે. એકબાજુ માતા ગુમાવવાનું દુઃખ હતું. અને બીજી બાજુ ડેબ્યુ ફિલ્મ રિલીઝ વખતે લોકોની ટીકાઓ. હુ ડિપ્રેશનમાં સરી પડી. મને ડર લાગ્યો કે મારી કારકિર્દી શરૂ થતા પહેલા જ ખતમ થઈ ગઈ છે.

વધુમાં અભિનેત્રીએ કહ્યું કે બધા કહેતા કે મારી પહેલી ફિલ્મ ધડકે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું. ઇશાન ખટ્ટર અને મારા અભિનયની પણ લોકો પ્રશંસા કરી હતી. ફિલ્મના ગીતો આજે પણ લોકોને પસંદ છે. છતાં આ ફિલ્મ વખતે હું ડિપ્રેશનમાં હતી. મને આશા હતી કે પ્રેક્ષકો મને મારી માતાની જેમ જ તરત સ્વીકારી લેશે, જે શક્ય નહોતું. મારું ધ્યાન ફક્ત નેગેટિવિટી પર જ હતું. મને ખ્યાલ પણ નહોતો કે ‘ધડક’ તે સમયની મોટી હિટ હતી. મને લાગતું હતું કે હું એક ખરાબ એક્ટર છું.

નોંધનીય છે કે શશાંક ખૈતાન દ્વારા દિગ્દર્શિત “ધડક”, 2016 ની બ્લોકબસ્ટર મરાઠી ફિલ્મ “સૈરાટ” ની સત્તાવાર રીમેક હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પ્રભાવશાળી ₹110.11 કરોડની કમાણી કરી હતી. ત્યારબાદ, જાહ્નવી કપૂરે “ગુંજન સક્સેના”, “ઘોસ્ટ સ્ટોરીઝ”, “રૂહી” અને “ગુડ લક જેરી” સહિત વિવિધ શૈલીની ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા સાબિત કરી. જ્હાન્વી કપૂર ટૂંક સમયમાં સાઉથ સુપરસ્ટાર રામ ચરણ સાથે તેલુગુ ફિલ્મ ‘પેડ્ડી’ માં જોવા મળશે, જે આ વર્ષે સિનેમાઘરોમાં ધમાક મચાવવા તૈયાર છે.