Home Blog Page 193

Entertainment : ‘ધડક’ફિલ્મના દિવસોને યાદ કરી જહાનવી કપૂરે કર્યો ચોંકાવનારો ખુલાસો

0

જ્હાન્વી કપૂરે તેની પહેલી ફિલ્મ ‘ધડક’ અને માતા શ્રીદેવીના નિધન બાદના સંઘર્ષ વિશે ભાવુક ખુલાસો કર્યો છે. જાણો કેમ આટલી મોટી હિટ ફિલ્મ બાદ પણ તે ડિપ્રેશનનો શિકાર બની હતી.

બોલિવૂડ સ્ટાર જ્હાન્વી કપૂરે તાજેતરમાં પોતાની કારકિર્દીના સૌથી મુશ્કેલ અને ભાવનાત્મક તબક્કા વિશે ખુલ્લેઆમ વાત કરી છે. રાજ શમાણીના પોડકાસ્ટમાં જ્હાન્વીએ પહેલી ફિલ્મ ‘ધડક’ (2018) ના દિવસોને યાદ કર્યા. જહાનવી કહ્યું કે આજે ભલે લોકો મારી ફિલ્મ ‘ધડક’ ના વખાણ કરતા હોય પરંતુ મારા માટે તેની યાદો કડવી છે. તે ધડકના રિલીઝ સમયે માનસિક રીતે ભાંગી પડી હતી.

જ્હાન્વી માટે તેની પહેલી ડેબ્યુ ફિલ્મનો અનુભવ ખૂબ જ પીડાદાયક રહ્યો હતો. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ તેની માતા અને દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીનું અવસાન થયું હતું. જ્હાન્વીએ ખુલાસો કર્યો કે, “માતાના મૃત્યુના આઘાત વચ્ચે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે બહારથી મળતી નકારાત્મકતા અને ટીકાઓએ મને હચમચાવી દીધી હતી. મને એવું લાગવા માંડ્યું હતું કે લોકો મને નફરત કરે છે. એકબાજુ માતા ગુમાવવાનું દુઃખ હતું. અને બીજી બાજુ ડેબ્યુ ફિલ્મ રિલીઝ વખતે લોકોની ટીકાઓ. હુ ડિપ્રેશનમાં સરી પડી. મને ડર લાગ્યો કે મારી કારકિર્દી શરૂ થતા પહેલા જ ખતમ થઈ ગઈ છે.

વધુમાં અભિનેત્રીએ કહ્યું કે બધા કહેતા કે મારી પહેલી ફિલ્મ ધડકે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું. ઇશાન ખટ્ટર અને મારા અભિનયની પણ લોકો પ્રશંસા કરી હતી. ફિલ્મના ગીતો આજે પણ લોકોને પસંદ છે. છતાં આ ફિલ્મ વખતે હું ડિપ્રેશનમાં હતી. મને આશા હતી કે પ્રેક્ષકો મને મારી માતાની જેમ જ તરત સ્વીકારી લેશે, જે શક્ય નહોતું. મારું ધ્યાન ફક્ત નેગેટિવિટી પર જ હતું. મને ખ્યાલ પણ નહોતો કે ‘ધડક’ તે સમયની મોટી હિટ હતી. મને લાગતું હતું કે હું એક ખરાબ એક્ટર છું.

નોંધનીય છે કે શશાંક ખૈતાન દ્વારા દિગ્દર્શિત “ધડક”, 2016 ની બ્લોકબસ્ટર મરાઠી ફિલ્મ “સૈરાટ” ની સત્તાવાર રીમેક હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પ્રભાવશાળી ₹110.11 કરોડની કમાણી કરી હતી. ત્યારબાદ, જાહ્નવી કપૂરે “ગુંજન સક્સેના”, “ઘોસ્ટ સ્ટોરીઝ”, “રૂહી” અને “ગુડ લક જેરી” સહિત વિવિધ શૈલીની ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા સાબિત કરી. જ્હાન્વી કપૂર ટૂંક સમયમાં સાઉથ સુપરસ્ટાર રામ ચરણ સાથે તેલુગુ ફિલ્મ ‘પેડ્ડી’ માં જોવા મળશે, જે આ વર્ષે સિનેમાઘરોમાં ધમાક મચાવવા તૈયાર છે.

Ahmedabad : RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કચેરી ખાલી કરાવાઈ, તપાસ શરૂ

અમદાવાદ શહેરના સુભાષ બ્રિજ વિસ્તારમાં આવેલી પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) ને આજે સવારે ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સનસનાટી મચી ગઈ હતી. ધમકીભર્યો મેઈલ મળતા જ RTO પ્રશાસન દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

સુરક્ષાના કારણોસર RTO કચેરીના તમામ બિલ્ડિંગોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા. કચેરીમાં હાજર અરજદારો અને સ્ટાફને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ધમકીને પગલે ડ્રાઈવિંગ લાયસન્સ માટેના ટ્રેક ટેસ્ટ અને અન્ય તમામ વહીવટી કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે અરજદારોમાં ભારે હાલાકી જોવા મળી હતી.

ઘટનાની ગંભીરતાને જોતા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની ટીમોને બોલાવવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા RTO કેમ્પસના ખૂણે-ખૂણે તપાસ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને લાયસન્સ ટ્રેક, સર્વર રૂમ અને પાર્કિંગ એરિયામાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.

Maharashtra : અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ

0

દુષ્કર્મના આરોપી ઢોંગી બાબા અશોક ખરાતની કૉલ ડિટેઈલ લીક થયા બાદ મહારાષ્ટ્રમાં હડકંપ મચી ગયો છે. આ મામલો સામે આવ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક દેવેન્દ્ર ફડણવીસે તપાસના આદેશ આપ્યા છે. ફડણવીસે નાસિકમાં મોટું નિવેદન આપતા કહ્યું છે કે, ખરાત કેસમાં લીક થયેલા કૉલ ડિટેલ રેકોર્ડ (CDR)ની તપાસ કરાવાશે અને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. આ ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED) દ્વારા તેની સંપત્તિના તપાસ કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, કોઈપણ વ્યક્તિને તેની કૉલ ડિટેલ રેકોર્ડ મેળવવાનો અધિકાર નથી, માત્ર અધિકૃત એજન્સીઓઓ જ મેળવી શકશે. સીડીઆર લીક કેવી રીતે થઈ અને તેની પાછળ કોનો હાથ છે, તેની ઊંડાણપૂર્વક તપાસ કરાવાશે.

અશોક ખરાત અનેક હાઈપ્રોફાઈલ લોકો સાથે વાતચીત કરતો હતો. આ મામલે ત્યારે સામે આવ્યો છે, જ્યારે સામાજિક કાર્યકર અંજલિ દામણિયાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અન્ય વરિષ્ઠ નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. દામણિયાનો દાવો છે કે, દુષ્કર્મના કેસમાં ધરપકડ કરાયેલા સ્વયંભૂ ધર્મગુરુ અશોક ખરાત સાથે રાજ્યના અનેક દિગ્ગજ નેતાઓ સંપર્કમાં હતા. તેમણે દાવો કર્યો હતો કે એકનાથ શિંદેના મોબાઈલ પરથી ખરાતને 17 વખત કોલ કરવામાં આવ્યા હતા, જેમાંથી સૌથી લાંબી વાતચીત 21 મિનિટ સુધી ચાલી હતી. આ 17 કોલમાંથી 10 ઇનકમિંગ અને 7 આઉટગોઇંગ હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

આ વિવાદમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એનસીપી(NCP) નેતા રૂપાલી ચાકણકર અંગે થયો છે. અંજલિ દામણિયાએ કોલ ડિટેલ રેકોર્ડ(CDR) સોશિયલ મીડિયા પર શેર કરતા આક્ષેપ કર્યો કે રૂપાલી ચાકણકરે ખરાત સાથે કુલ 177 વખત વાત કરી છે, જેનો કુલ સમયગાળો 33,727 સેકન્ડ જેટલો થાય છે. એટલું જ નહીં, રૂપાલીની બહેન પ્રતિભાએ પણ ખરાતને 236 કોલ કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભાજપના મંત્રી ચંદ્રકાંત પાટીલ અને એનસીપીના પ્રદેશ પ્રમુખ સુનીલ તટકરેએ પણ ખરાત સાથે 8-8 વખત ફોન પર વાત કરી હોવાના આક્ષેપ દામણિયાએ લગાવ્યા છે.

શિંદે મામલે ફડણવીસે કહ્યું કે, ‘આવા સંવેદનશીલ કેસોમાં માત્ર આરોપોના આધારે કાર્યવાહી ન કરી શકાય, તે માટે ચોક્કસ પુરાવા હોવા જરૂરી છે. આ કેસમાં લગભગ 12 કેસ નોંધાયા છે અને વિશેષ તપાસ ટીમ (SIT)ને સતત નવી માહિતીઓ મળી રહી છે. આ મામલે વધુમાં વધુ લોકો સામે આવીને માહિતી આપી રહ્યા છે. મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં કડકમાં કડક સજા સુનિશ્ચિત કરવામાં આવશે. કેટલાક લોકો આ કેસને રાજકીય રંગ આપવા માંગે છે, પરંતુ સરકાર આવા રંગને મહત્ત્વ નહીં આપે.’

અશોક ખરાત સામે અત્યાર સુધીમાં કુલ 12 કેસ નોંધાયેલા છે, જેમાંથી 8 કેસ ‘દૈવી શક્તિ’ના બહાને મહિલાઓના જાતીય શોષણના છે, જ્યારે બે કેસ છેતરપિંડી અને ખંડણીના છે. આ ગંભીર ગુનાહિત ઈતિહાસ ધરાવતા વ્યક્તિ સાથે રાજકીય નેતાઓની આટલી લાંબી વાતચીત પાછળનો હેતુ શું હતો, તે અંગે દામણિયાએ સ્પષ્ટતાની માંગ કરી છે. બીજી તરફ, શિવસેનાના પ્રવક્તા સંજય શિરસાટે આ આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે લોકોએ ધીરજ રાખવી જોઈએ, સત્ય જલ્દી સામે આવશે. તેમણે વિરોધ પક્ષો પર આ મુદ્દાને રાજકીય રંગ આપીને આરોપી ખરાતને બચાવવાનો પ્રયાસ કરવાનો વળતો આક્ષેપ પણ કર્યો છે.

Assam: આસામમાં NDAની હેટ્રિક થવા જઇ રહી છે. આસામમાં બોલ્યા પીએમ મોદી

0

આસામ વિધાનસભાની ચૂંટણીને લઇને બીજેપી દ્વારા જોરશોરથી પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. ખુદ પીએમ મોદી આ પ્રચારમાં જોડાયા છે. ત્યારે આસામના બારપેટા ખાતે પીએમ મોદીએ ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે કહ્યું કે આસામ બુલંદી તરફ જઇ રહ્યું છે. બીજેપી જે કહે છે તે કરીને બતાવે છે. આસામની ઓળખ દુનિયામાં મજબૂત બનાવવાની છે. ગત 10 વર્ષે આસામમાં શાંતિ અને સમૃદ્ધિના હતા.

મહિલા અનામત બિલ અંગે પીએમ નરેન્દ્ર મોદી કહે છે કે સરકારે 16 એપ્રિલથી સંસદનું ખાસ સત્ર બોલાવ્યું છે. અમે દેશના તમામ રાજકીય પક્ષો સાથે આ અંગે ચર્ચા કરી છે. અમે બધાને દેશની બહેનો અને દીકરીઓના અધિકારો સાથે સંબંધિત આ કાર્યને સર્વસંમતિથી આગળ વધારવા વિનંતી કરી છે. કેટલાક લોકો આ ઉમદા કાર્ય વિશે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશના તમામ રાજ્યોને આનો ફાયદો થશે. તેનાથી કોઈ પણ રાજ્યને નુકસાન થશે નહીં. પછી ભલે તે પૂર્વોત્તર હોય કે દક્ષિણ ભારત, જ્યાં વસ્તી નિયંત્રણ પ્રવર્તે છે, તેમનું પ્રતિનિધિત્વ બિલકુલ ઓછું થશે નહીં. અમે મહિલાઓ માટે વધારાની બેઠકો પૂરી પાડવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ. બેઠકોની વર્તમાન સંખ્યા વધુ વધારવી જોઈએ. તેથી, હું ખાસ કરીને આસામની બહેનોને વિનંતી કરું છું કે તેઓ તમામ રાજકીય પક્ષોના તમામ નેતાઓને આ કાયદો એકસાથે પસાર કરવા વિનંતી કરે.

આસામ વિધાનસભા ચૂંટણી: પીએમ નરેન્દ્ર મોદી કહે છે કે કોંગ્રેસ એક એવી પાર્ટી છે જે ક્યારેય લાંબા ગાળાના વિઝન સાથે વિકાસ માટે કામ કરતી નથી. કોંગ્રેસ ટૂંકા ગાળામાં કામ કરે છે જેથી તે ભ્રષ્ટાચારમાં ડૂબી શકે. બીજી બાજુ ભાજપ એક એવી પાર્ટી છે જે લાંબા ગાળાના વિઝન સાથે કામ કરે છે. અમે વિકસિત આસામમાંથી ભારતનો વિકાસ કરવા માટે આગળ વધી રહ્યા છીએ, અને તેથી જ અમે છેલ્લા દસ વર્ષમાં ખંતપૂર્વક કામ કર્યું છે. છેલ્લા દસ વર્ષ આસામમાં શાંતિ અને સુમેળ સ્થાપિત કરવા માટે સમર્પિત હતા. આવનારા વર્ષો આસામની સમૃદ્ધિનો વિસ્તાર કરશે.

.

Gujarat : રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે

0

છેલ્લા બે વર્ષથી ગુજરાત કેરોસીનમુક્ત બન્યું હતું. રાંધણગેસનો વધુ વપરાશ થતાં કેરોસીનને વિદાય અપાઈ હતી. આ મુદ્દો ભાજપની ચૂંટણીનો મુદ્દો બની રહ્યો હતો. કેમકે, ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને ગેસ સિલિન્ડર અપાયા હતા. હવે ઘડિયાળના કાંટા ઊંધા ફરતા હોય તેમ લાગી રહ્યું છે. ઈઝરાયલ-અમેરિકા, ઈરાન વચ્ચે યુદ્ધ વધુ વકરી રહ્યું છે ત્યારે એલપીજી ગેસના સંકટ વચ્ચે ફરીવાર ગુજરાતમાં પ્રાયમસ-ફાનસ સળગશે. રાજ્ય સરકારે પરિવારદીઠ 5 લિટર કેરોસીન આપવા નક્કી કર્યું છે. આ પરિસ્થિતિ જોતાં જૂના જમાનાની યાદ તાજી થઈ છે.

ફરી એકવાર ગુજરાતમાં કેરોસીનની વાપસી થઈ છે. એલપીજીના સંકટ ઘેરા બને તેવી સંભાવના છે ત્યારે વૈકલ્પિક ઈંધણના ભાગરૂપે કેન્દ્ર સરકારે ફરી કેરોસીન આપવા નક્કી કર્યું છે. કેન્દ્ર સરકારે ગુજરાતને કુલ 1452 કિલોલિટર કેરોસીન ફાળવ્યું છે. અમદાવાદ સહિત બધાય જિલ્લાઓમાં 36 કિલોલિટર કેરોસીનની ફાળવણી છે. આ કેરોસીનનું વિતરણ માત્ર ગ્રામીણ વિસ્તારોમાં કરાયું છે. પરિવાર દીઠ 5 લિટર જ્યારે સંસ્થાઓને 25 લિટર કેરોસીન આપવા નક્કી કરાયું છે તેમાંય મોટા પરિવારો તથા મોટી સંસ્થાઓને પ્રાથમિકતા અપાશે. માત્ર રાંધવા માટે તેમજ પ્રકાશની વ્યવસ્થા કરવા માટે આ કેરોસીનનો ઉપયોગ કરી શકાશે.

આ ઉપરાંત દરેક તાલુકામાં એક પેટ્રોલ પંપ પર કેરોસીન મળે તેવી વ્યવસ્થા કરાઈ છે. ટ્રાન્સપોર્ટ તથા બીજા ખર્ચને ધ્યાનમાં લઈને કેરોસીનના ભાવમાં વધારો કરાયો છે. કાર્ડધારકોને પ્રતિ લિટર કેરોસીન રૂ. 61.40થી માંડીને રૂ. 66.14ના ભાવે મળી રહેશે. ચૂંટણી વખતે મહિલાઓને ધુમાડાથી રાહત મળશે તેવી ડિંગો હાંકીને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર આપીને મતદારોને રિઝવવામાં ભાજપે કોઈ કસર છોડી ન હતી.

હવે ફરી કેરોસીન જ ગરીબ કાર્ડધારકોનો સહારો બની રહેશે. ભાજપ સરકાર અને સંગઠન હવે આ વાત મતદારોના માનસપટ પરથી ભૂલવવા અથાગ મહેનત કરશે.

કેરોસીનની વાપસી થઈ છે જેના પગલે ગ્રામિણ વિસ્તારોમાં લોકોએ ફરી પ્રાયમસ, ફાનસ પાછળ ખર્ચ કરવો પડશે. અગાઉ કેરોસીનને વિદાય અપાતાં લોકોએ ગેસ સિલિન્ડર-સગડી પાછળ ખર્ચ કર્યો હતો. આ ઉપરાંત લોકોને મોંઘા ભાવે એટલે કે બમણા ભાવે કેરોસીન ખરીદવું પડશે. વર્ષ 2020માં કોરોનાકાળમાં કેરોસીન રૂ. 14-15 લિટરના ભાવે મળતું હતું ત્યારબાદ 2021માં તેનો ભાવ વધીને રૂ. 30 સુધી પહોંચ્યો હતો. હવે લોકોને રૂ. 66 લિટર કેરોસીન ખરીદવું પડશે.

કેન્દ્ર સરકારે ગુજરાતમાં તા. 1 જાન્યુઆરી, 2023થી કેરોસીન આપવાનું બંધ કર્યું હતું. કેન્દ્રએ વર્ષ 2006-07માં ગુજરાતને કેન્દ્ર તરફથી 95,72,18,000 લિટર ક્વોટા મળતો હતો. ધીરે ધીરે કેરોસીનના ક્વોટામાં ઘટાડો થયો હતો. વર્ષ 2014-15માં 67.08 કરોડ લિટર કેરોસીન મળ્યું હતું. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન આપવાનું શરૂ થયું ત્યારે ગુજરાતને 2016-17માં 49.30 કરોડ લિટર કેરોસીન ફાળવાયું હતું. છેલ્લે 2022-23માં ગુજરાતને માત્ર 2.51 કરોડ લિટર કેરોસીન અપાયું હતું. તે વખતે રાજ્ય સરકારે એવો દાવો કર્યો હતો કે, 2021-22થી માંડી 2023-24માં કુલ 13.64 લાખ ઉજ્જવલા ગેસ કનેક્શનો અપાયા હતા અને ગુજરાત હવે કેરોસીન મુક્ત રાજ્ય બની ગયું હતું.

Entertainment : Dhurandhar 2 એ બોક્સ ઓફિસ પર મચાવ્યો હાહાકાર, માત્ર 18 દિવસમાં 1000 કરોડની ક્લબમાં એન્ટ્રી

0

રણવીર સિંહની “ધુરંધર 2” એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. રિલીઝના 18મા દિવસે પણ ધુરંધરનો દબદબો જોવા મળ્યો. ધુરંધર ધ રિવેન્જ ફિલ્મે રિલીઝના પહેલા બે અઠવાડિયામાં જંગી કમાણી કર્યા પછી, ફિલ્મે તેના ત્રીજા શનિવારે મજબૂત કમાણી કરી છે. હવે, તેના ત્રીજા રવિવારે, “ધુરંધર 2” એ ફરી એકવાર કમાણીમાં વધારો દર્શાવ્યો છે, જે આજ સુધી કોઈ પણ બોલીવુડ ફિલ્મ હાંસલ કરી શકી નથી તેવો રેકોર્ડ બનાવ્યો છે. આદિત્ય ધર અને રણવીર સિંહની જોડીએ સિને ઇન્ડસ્ટ્રીમાં તહલકો મચાવી દીધો છે.

ફિલ્મ ‘ધૂરંધર 2’ એ તેની રિલીઝના 18મા દિવસે પણ રેકોર્ડબ્રેક કમાણી કરી છે. ટ્રેડ ડેટા વેબસાઇટ સેકનિલ્ક અનુસાર, ફિલ્મે તેની રિલીઝના 18મા દિવસે રાત્રે 10 વાગ્યા સુધી 27.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ કલેક્શન ઉમેર્યા પછી, ભારતમાં ફિલ્મની કુલ કમાણી 1012 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ ફિલ્મે માત્ર 18 દિવસમાં ભારતમાં 1000 કરોડ રૂપિયાનો ચોખ્ખો કલેક્શન પાર કરીને ઇતિહાસ રચ્યો છે. આવું કરનારી તે પહેલી હિન્દી ફિલ્મ બની છે. આ ફિલ્મે પહેલા 900 કરોડ અને હવે અંતે 1000 કરોડ ક્લબ તોડીને બોલીવુડના ઇતિહાસમાં એક બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે, એક એવી સિદ્ધિ જેને પાર કરવી ભવિષ્યની ફિલ્મો માટે અત્યંત મુશ્કેલ હશે.

“ધુરંધર 2” 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારથી બોક્સ ઓફિસ પર તોફાન મચાવ્યું છે. રણવીર અને આદિત્ય ધરની જોડીએ કમાલ કરી દીધી. આ ફિલ્મની સફળતાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. અગાઉ, ₹1000 કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ફક્ત બે ફિલ્મો ‘બાહુબલી 2’ અને ‘પુષ્પા 2’ હતી. પરંતુ હવે ‘ધુરંધર 2’ ત્રીજા નંબરે આવી છે. પરંતુ ફિલ્મના કલેક્શનને જોતાં, એવું લાગે છે કે તે બંનેને પાછળ છોડી દેશે. રિલીઝ થયાને એક મહિનો પણ થયો નથી, અને તે હજી વધુ કમાણી કરવા માટે તૈયાર છે.

Ahmedabad : નવા વાડજમાં પરિણીતાનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત, પતિના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું

અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક પરિણીતાએ સાસરિયાના અને પતિના અસહ્ય ત્રાસથી કંટાળીને બિલ્ડિંગના છઠ્ઠા માળેથી પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ગત 20મી માર્ચના રોજ બનેલી આ ઘટના અંગે મૃતકના ભાઈએ રવિવારે (પાંચમી એપ્રિલ) પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર, મૃતક રીનાબેન (નામ બદલ્યું છે) ના લગ્ન અંદાજે 15 વર્ષ પૂર્વે રાજસ્થાનના ચિત્તોડગઢ ખાતે રહેતા વિપુલ શર્મા સાથે થયા હતા. સુખી લગ્નજીવનની આશા સાથે શરૂ થયેલી આ સફરમાં તેમને એક પુત્ર પણ છે. જોકે, લગ્નના થોડા સમય બાદથી જ પતિ વિપુલ શર્મા દ્વારા રીનાબેનને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દેવાયું હતું. સામાજિક મર્યાદા અને બદનામીના ડરે રીનાબેન વર્ષો સુધી આ બધું જ સહન કરતા રહ્યા હતા.

સતત મળતા ત્રાસને કારણે નવેમ્બર-2025માં રીનાબેનની માનસિક સ્થિતિ કથળી હતી, જેથી તેમને અમદાવાદ સ્થિત પિયરમાં લાવવામાં આવ્યા હતા. અહીં સાયકોલોજિસ્ટ પાસે તેમની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન પણ 13મી ફેબ્રુઆરીએ પતિ વિપુલ શર્માએ અમદાવાદ આવીને પત્નીને સાથે રાખવાની ના પાડી ડિવોર્સની ધમકી આપી હતી.

આપઘાતના એક દિવસ પહેલા, એટલે કે 19મી માર્ચના રોજ ફરીથી પતિએ ફોન પર ડિવોર્સ લેવાની જીદ કરી માનસિક ત્રાસ આપ્યો હતો. આ સતત ટોર્ચરથી હતાશ થઈને રીનાબેને બીજે દિવસે (20મી માર્ચ) સવારે છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી હતી. હોસ્પિટલમાં બે-ત્રણ કલાકની ટૂંકી સારવાર બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

બહેનની અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ આઘાતમાંથી બહાર આવેલા ભાઈએ હવે ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવ્યા છે. પોલીસે આરોપી પતિ વિપુલ શર્મા વિરુદ્ધ આપગાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat : ગુજરાતમાં આવતીકાલે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

0

ગુજરાતમાં ભરઉનાળે ગરમી વચ્ચે હવે હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલે 7 એપ્રિલના રોજ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે હવામાનમાં આ ફેરફાર જોવા મળશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાંની સંભાવના છે.

વરસાદ દરમિયાન 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા-ભડાકા થવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાન સ્થિર રહેશે, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થતા ગરમીનો પારો ફરી ઉંચકાય તેવી શક્યતા છે. 12 એપ્રિલ પછી ફરીથી હવામાન સૂકું થઈ જશે.

​GUJARAT : શિક્ષણ, સંસ્કાર અને સફળતાનો ત્રિવેણી સંગમ: હળવદની મંગલમ વિદ્યાલય ખાતે યોજાયેલો પ્રેરણાદાયી શૈક્ષણિક મહોત્સવ

0


​મોરબી જિલ્લાનું ઐતિહાસિક અને શૂરવીરોની ભૂમિ ગણાતું હળવદ શહેર તાજેતરમાં એક અનોખી શૈક્ષણિક ચેતનાનું સાક્ષી બન્યું. હળવદ ખાતે આવેલી ખ્યાતનામ સ્વનિર્ભર શાળા મંગલમ વિદ્યાલયમાં એક એવો કાર્યક્રમ યોજાયો જેણે માત્ર વિદ્યાર્થીઓના જ નહીં, પરંતુ વાલીઓ અને નગરજનોના માનસપટલ પર પણ એક અમીટ છાપ છોડી દીધી છે. શિક્ષણની સાથે જીવન ઘડતરના મૂલ્યો પીરસતા આ ‘અભૂતપૂર્વ કાર્યક્રમ’માં જ્ઞાન, વિજ્ઞાન અને સંસ્કારનો અદભૂત સમન્વય જોવા મળ્યો હતો.


​મંગલમય શરૂઆત: સંસ્કૃતિના સાનિધ્યમાં
​કોઈપણ કાર્યક્રમની સફળતા તેની શરૂઆતમાં છુપાયેલી હોય છે. મંગલમ વિદ્યાલયના આંગણે જ્યારે મહેમાનોનું આગમન થયું, ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહવર્ધક બની ગયું હતું. કાર્યક્રમનો પ્રારંભ પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. પ્રજ્વલિત દીપકની જ્યોત જાણે અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનના પ્રકાશના ફેલાવવાની પ્રતીતિ કરાવી રહી હતી. ત્યારબાદ, શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સુમધુર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું, જેણે ઉપસ્થિત સૌ કોઈના હૃદય જીતી લીધા. ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત વિઘ્નહર્તા દેવ ગણેશની આરાધનાથી થાય છે, તે મુજબ વિદ્યાર્થિનીઓએ મનમોહક ગણેશ વંદના રજૂ કરીને સમગ્ર પટાંગણને મંગલમય બનાવી દીધું હતું.


​પ્રખર કેળવણીકાર રાહુલ ભારત: સફળતાના પંચામૃત અને મોબાઈલ મુક્તિનો સંદેશ
​કાર્યક્રમના મુખ્ય વક્તા અને જાણીતા કેળવણીકાર શ્રી રાહુલ ભારત જ્યારે મંચ પર આવ્યા ત્યારે શ્રોતાઓમાં એક અલગ જ ઊર્જાનો સંચાર થયો. તેમણે આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓએ સફળતાના શિખરો સર કરવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, તે માટે ‘પાંચ સૂત્રો’ આપ્યા અને તેની ગહન સમજ આપી:
​વૈદિક પરંપરા: આપણી પ્રાચીન સંસ્કૃતિ અને મૂલ્યોને ભૂલ્યા વગર આધુનિકતા તરફ ડગ માંડવા.
​બડી સોચ (વિશાળ વિચારધારા): સ્વપ્ન હંમેશા ઊંચા જોવા જોઈએ, કારણ કે મોટું વિચારશો તો જ મોટું મેળવી શકશો.
​કડી મેહનત (સખત પરિશ્રમ): સફળતાનો કોઈ શોર્ટકટ નથી, માત્ર ને માત્ર મહેનત જ તમને લક્ષ્ય સુધી પહોંચાડે છે.
​જીદ: કંઈક કરી છૂટવાની અને વિજેતા બનવાની હકારાત્મક જીદ કેળવવી.
​જવાબદારી: પોતાના પ્રત્યે, પરિવાર પ્રત્યે અને સમાજ પ્રત્યેની જવાબદારીનું વહન કરવું.
​આ ઉપરાંત, તેમણે આજના સમયની સૌથી મોટી સમસ્યા ‘મોબાઈલના વ્યસન’ વિશે વાલીઓ સાથે ગંભીર ચર્ચા કરી હતી. તેમણે ખૂબ જ માર્મિક રીતે સમજાવ્યું કે મોબાઈલ એ સુવિધા છે, વ્યસન નહીં. બાળકોને મોબાઈલના માયાજાળમાંથી છોડાવી મેદાનની રમત અને પુસ્તકો તરફ વાળવા તેમણે વાલીઓને નમ્ર અપીલ કરી હતી.
​ગણિતના જાદુગર અક્ષય ખત્રી: અંક અને સંસ્કારનો સમન્વય
​બીજા વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત શ્રી અક્ષય ખત્રી, જેઓ ગણિતના જાદુગર તરીકે ઓળખાય છે, તેમણે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમણે શિક્ષણની સાથે ગર્ભ સંસ્કારનું મહત્વ સમજાવતા કહ્યું કે, બાળકની બુદ્ધિનો વિકાસ અને સંસ્કારનું સિંચન માતાના ગર્ભમાંથી જ શરૂ થઈ જતું હોય છે.
​ગણિત વિષય જે મોટાભાગના વિદ્યાર્થીઓ માટે અઘરો હોય છે, તેને અક્ષયભાઈએ અત્યંત સરળ બનાવી દીધો. તેમણે ગોખણપટ્ટી દૂર કરવા પર ભાર મૂક્યો અને તાર્કિક રીતે ગણિતને કેવી રીતે સમજવું તેના જાદુઈ નુસખાઓ બતાવ્યા. વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા ગણિતના અઘરા કોયડાઓના તેમણે પલકવારમાં જવાબ આપીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા.


​મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ
​આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે હળવદ પ્રાથમિક શાળા વિભાગના કેળવણી નિરીક્ષક શ્રી ધનજીભાઈ ચાવડા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મંગલમ વિદ્યાલયના શૈક્ષણિક સ્તર અને શિસ્તના મુક્ત કંઠે વખાણ કર્યા હતા.
​શાળાના મુખ્ય ટ્રસ્ટીશ્રીઓ ચંદુભાઈ ઝાલા, ગિરીશભાઈ પટેલ, અને ડૉ. મિલન માલમપરા સાહેબના માર્ગદર્શન હેઠળ આ આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ મહાનુભાવોની દીર્ઘદ્રષ્ટિને કારણે જ હળવદમાં આવું ઉચ્ચ કોટિનું શિક્ષણ શક્ય બન્યું છે.
​કાર્યક્રમના સફળ સંચાલન પાછળ સંચાલક મંડળના શ્રી અશોકભાઈ હીરાભાઈ પટેલ, અશ્વિનભાઈ એ. વિડ્જા, ડી.એસ. કાલરીયા, રાજેશભાઈ આર. પટેલ અને મહેશભાઈ જી. પટેલનો સિંહફાળો રહ્યો હતો. તેમની મહેનતને કારણે જ આટલી વિશાળ સંખ્યામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને નગરજનો માટે આ કાર્યક્રમ યાદગાર બની રહ્યો.
​નિષ્કર્ષ
​મંગલમ વિદ્યાલયનો આ કાર્યક્રમ માત્ર એક ઉત્સવ નહોતો, પરંતુ આવતીકાલના ભારતને ઘડવાની એક ગંગોત્રી હતી. જ્યારે શિક્ષણમાં સંસ્કાર અને વિજ્ઞાનમાં વિવેક ભળે છે, ત્યારે જ સાચું રાષ્ટ્ર નિર્માણ થાય છે. હળવદના આંગણે ખરેખર જ્ઞાનનો સૂરજ ઉગ્યો હોય તેવો અહેસાસ દરેક ઉપસ્થિત વ્યક્તિને થયો હતો.


​લેખક : અશ્વિન ગોહિલ ની કલમે (લેખક, કવિ, સાહિત્યકાર)

Rashifal : આજ ના રાશિફળ….

0

મેષ: આજનો દિવસ આનંદદાયક તથા સફળતા આપનાર રહેશે. પ્રભાવશાળી લોકો સાથેની વાતચીત ખૂબ જ સકારાત્મક રહેશે. કોઈ લક્ષ્ય હાંસલ કરવામાં ભાઈઓનો પણ પૂરતો સહકાર મળશે.

વૃષભ: વૃષભ રાશિના લોકોને સમય પ્રમાણે પોતાના વર્તનમાં ફેરફાર કરવાનું જરૂરી છે. બાળકો સાથે વર્તન કરતી વખતે તેમની નજરિયેથી જોવું વધુ યોગ્ય રહેશે. પતિ-પત્ની વચ્ચે સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નજીકીઓ યથાવત રહેશે.

મિથુન: મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. જીવન સંબંધિત કેટલીક બદલાવ આવી શકે છે. સહકર્મચારીઓ સાથે તાળમેલ મજબૂત રહેશે અને કોઈ મહત્વના પ્રોજેક્ટમાં તમારી ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે, જે ભવિષ્યની સફળતાનું આધાર બનશે.

કર્ક: કર્ક રાશિના જાતકોને આજે વ્યવસાયમાં લાભ મેળવવાની તક મળશે. પૈસાથી સંબંધિત બાબતોમાં પણ પ્રગતિ થશે. લાંબા સમય સુધી બેસીને કામ કરનારોએ પોતાની સ્થિતિમાં સુધારો કરવાની જરૂર છે.

સિંહ: સિંહ રાશિના લોકોને આજનો દિવસ મિશ્રિત રહેશે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. અગાઉની કેટલીક ભૂલોમાંથી શીખીને તમે તમારી કાર્યપદ્ધતિમાં કેટલાક ફેરફાર લાવશો, જે ઉત્તમ રહેશે. યુવાઓને કરિયર સંબંધિત કોઈ પરીક્ષામાં ઉત્તમ પરિણામ મળી શકે છે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ અને તાળમેલ યથાવત રહેશે.

કન્યા: કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારા કાર્ય લઈને આવશે. જીવનસાથી તરફથી સહકાર મળશે. પરિવારના સભ્યોમાં પ્રેમ અને તાળમેલ રહેશે. કોઈ મિત્રને મળવાથી જૂની મીઠી યાદો તાજી થશે.

તુલા: તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. તમારા અટકેલા પૈસા પાછા મળી શકે છે. નોકરીમાં તમારા ઉત્તમ કાર્યની પ્રશંસા થશે અને પ્રમોશન સંબંધિત ખુશખબર મળી શકે છે.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ પરેશાનીઓથી ભરેલો રહેશે. સહકર્મચારીઓ સાથે વિવાદ થઈ શકે છે. કામમાં નેતૃત્વ, આયોજન અને ઝડપી નિર્ણય લેવાની જરૂર પડશે. સરકારી વિભાગ અથવા કોર્પોરેટ ક્ષેત્રમાં ઈન્ટરવ્યૂ સંબંધિત સંદેશ મળી શકે છે.

ધનુ: ધનુ રાશિના લોકો માટે આજનો દિવસ પડકારોથી ભરેલો રહેશે. તમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત بنانے માટે વધુ મહેનત કરશો. જીવનસાથી તમારી કોઈ કઠોર વાતને ગલત સમજી શકે છે, તેથી વાતચીત શાંત રાખો. સિંગલ લોકો કોઈ જવાબદાર અને પ્રભાવશાળી વ્યક્તિ તરફ આકર્ષણ અનુભવી શકે છે.

મકર: આજનો દિવસ તમારા માટે સારો રહેશે. જીવનસાથી સાથે બહાર ફરવા જઈ શકો છો અને બંને સાથે સમય આનંદમાં પસાર થશે.

કુંભ: આજના દિવસે તમે કોઈ પણ પ્રકારની મુસાફરી અથવા પ્રવાસ પર જઈ શકો છો. દાંપત્ય જીવન સારું રહેશે. કામમાં સફળતા મળશે.

મીન: મીન રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. કોઈ સામાજિક કાર્યક્રમમાં પાર્ટનર સાથે સમજણ અને નજીકીઓ વધી શકે છે.