Home Blog Page 198

World : ટ્રમ્પ, પ્લીઝ કંઈક તો બોલો, અમે કંટાળ્યા છીએ’, ઈરાને અમેરિકન પ્રમુખની ઉડાવી મજાક

0

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનનું યુદ્ધ ભયાનક તબક્કામાં પહોંચી ગયું છે. એકતરફ ઈરાન મધ્ય-પૂર્વના દેશો પર ધડાધડ હુમલાઓ કરી રહ્યું છે, તો બીજીતરફ અમેરિકા-ઈઝરાયલ પણ ઈરાન પર બોંબ ઝિંકી રહ્યા છે. રિપોર્ટ મુજબ ઈરાને છેલ્લા 24 કલાકમાં અમેરિકાના બે ફાઈટર જેટ, એક મોટું એરક્રાફ્ટ અને અનેક હેલીકોપ્ટર ઉડાવી દીધા છે. આ ઘટના બાદ ઈરાને અમેરિકાની ભારે ફજેતી કરી છે.

ઈરાને ટ્રમ્પની મજાક ઉડાવી

ઈરાને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવતા કહ્યું કે, ‘ટ્રમ્પ… પ્લીઝ કંઈક તો બોલો, અમે કંટાળી રહ્યા છીએ.’ આ પોસ્ટ ઝિમ્બાબ્વે સ્થિત ઈરાનના દૂતાવાસે કરી છે. આનાથી અમેરિકા અને અમેરિકન સેનાની વિશ્વભરમાં ભારે ફજેતી થઈ રહી છે. ઈરાને એવા સમયે આ પોસ્ટ કરી છે, જ્યારે તેણે અમેરિકાના અનેક ફાઈટર જેટ, MQ9 ડ્રોન અને ક્રૂઝ મિસાઈલને હવામાં જ ઉડાવી દીધી છે.

ટ્રમ્પનો દાવો ખોટો પડ્યો

ટ્રમ્પે તાજેતરમાં જ સંબોધન કરીને કહ્યું હતું કે, ઈરાનની મિસાઈલ ઝિંકવાની અને ડિફેન્સ કરવાની ક્ષમતા લગભગ ખતમ થઈ ગઈ છે. જોકે ઈરાને છેલ્લા 24 કલાકમાં ભયાનક આક્રમકતા બતાવીને અમેરિકન સેનાનું નાક કાપી નાખ્યું છે, જેનાથી ટ્રમ્પના આ દાવા ખોટા પડી રહ્યા છે. ઈરાન ઈઝરાયલના તેલ-અવીવથી લઈને મધ્ય પૂર્વમાં અમેરિકન સેનાના બેઝને સતત ટાર્ગેટ કરી રહ્યું છે. આ યુદ્ધના કારણે અમેરિકા મોટી નુકસાની વેઠી રહ્યું છે. શુક્રવારે ઈરાની હુમલામાં એક અમેરિકન ફાઈટર જેટ ક્રેશ થયું હતું, આ જેટનો એક પાયલટ હજુ પણ લાપતા હોવાથી તેની શોધખોલ ચાલી રહી છે.

Ahmedabad : મેમનગરના ફ્લેટમાં ચાલતા IPL સટ્ટાકાંડનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે 6 બુકીઓને રંગેહાથ ઝડપ્યા

IPL 2026ની સિઝન ચાલી રહી છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં આવેલા મેમનગર લેક પાસેના એક એપાર્ટમેન્ટમાં ધમધમતા ક્રિકેટસટ્ટાના રેકેટને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. પોલીસે આ દરોડામાં 6 શખસોની ધરપકડ કરી છે, જેઓ ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ દ્વારા લાખોનો જુગાર રમાડતા હતા.

ગુપ્ત બાતમીના આધારે મધરાતે દરોડો

ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, મેમનગર તળાવ સામે આવેલા ‘આનંદ પાર્ક એપાર્ટમેન્ટ’ના એક ફ્લેટમાં IPLની મેચ પર સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોરંટ સાથે દરોડો પાડ્યો હતો. તે સમયે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાતી લાઈવ મેચ પર આરોપીઓ હાર-જીતનો જુગાર રમતા ઝડપાયા હતા.

6 શખસોની ધરપકડ

– કપિલ ઉર્ફે ચિરાગ ઠક્કર (ઉં.વ.24, રહે. ચાંદલોડિયા)

– અભય પ્રવીણભાઈ ઠક્કર (ઉં.વ.30, રહે. મેમનગર)

– યશકુમાર મહેશકુમાર અખાણી (ઉં.વ.30, રહે. મેમનગર)

– મીત પ્રકાશભાઈ જયસ્વાલ (ઉં.વ.25)

– કલ્પેશભાઈ ટેકચંદભાઈ ઠક્કર (ઉં.વ.35)

– ધ્રુવ દિલીપભાઈ ઠક્કર (ઉં.વ.27)

આ તમામ આરોપીઓ ખાનગી નોકરી કે વ્યવસાય સાથે સંકળાયેલા છે અને મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની હોવાનું ખૂલ્યું છે.

ઓનલાઈન એપ્લિકેશન દ્વારા સટ્ટો

આરોપીઓ ‘pdm999’, ‘dollar365’ અને ‘allpanelexch9’ જેવી વિદેશી વેબસાઇટ્સ અને એપ્લિકેશન પર મલ્ટિપલ યુઝર આઈડી(ID) બનાવીને ભાવ-તાલ (Odds) જોઈ સટ્ટો લગાવતા હતા. પોલીસને તપાસમાં આ બેટિંગ એકાઉન્ટ્સમાં મોટા પ્રમાણમાં વર્ચ્યુઅલ બેલેન્સ પણ મળી આવ્યું છે, જે સતત ચાલતી જુગારની પ્રવૃત્તિ સૂચવે છે

.મોબાઈલ અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત

16 મોબાઈલ ફોન (કિંમત રૂ.2.10 લાખ)

50,110 રોકડ રકમ

અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો મળી કુલ રૂ.3.10 લાખનો મુદ્દામાલ

મુખ્ય સુત્રધારોની શોધખોળ જારી

પૂછપરછમાં બહાર આવ્યું છે કે, અભય ઠક્કર અને યશકુમાર અખાણીએ ભાડે રાખેલા આ ફ્લેટમાં તેઓ IPL પર સટ્ટો રમવા ભેગા થયા હતા. આ નેટવર્ક પાછળ સાયન્સ સિટીના કિશન ઠક્કર, પાટણના રોનક ઠક્કર અને અમદાવાદના દીપ ઠક્કર નામના મોટા માથાઓની સંડોવણી પણ ખૂલી છે, જેઓ બેટિંગ આઈડી સપ્લાય કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે આ તમામ વોન્ટેડ આરોપીઓને પકડવા અને સટ્ટાના આ મસમોટા નેટવર્કને તોડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Gujarat : મહેસાણા મહાનગરપાલિકાનો જંગ: 13 વોર્ડની 52 બેઠકો માટે 425થી વધુ દાવેદારો મેદાનમાં

0

મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ હવે પ્રથમ વખત કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીને લઈને શહેરના રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મહેસાણા મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે 425 થી વધુ મુરતિયાઓએ પોતાની દાવેદારી નોંધાવી છે. બેઠક દીઠ 8 લોકોએ ટિકિટ માગી છે.

રાજકીય ગરમાવો અને દાવેદારોનો ઉત્સાહ
ચૂંટણી માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં પૂર્વ કોર્પોરેટરો અને આશાસ્પદ યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, વર્તમાન પાલિકાના આશરે 40 ટકા પૂર્વ કોર્પોરેટરોએ ફરીથી પોતાની દાવેદારી નોંધાવી છે, જ્યારે બીજી તરફ નવા જોડાયેલા 24 ગામોમાંથી પણ સ્થાનિક આગેવાનો અને યુવા કાર્યકરો ટિકિટ મેળવવા માટે સક્રિય થયા છે.

વસ્તી ગણતરી અને મતદારોનો અંદાજ
મહેસાણાની કુલ અંદાજિત વસ્તી 2.84 લાખ થી 3 લાખ વચ્ચે હોવાનું અનુમાન છે. જેમાં અંદાજે 1.50 લાખ પુરુષો અને 1.34 લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. પ્રથમ કોર્પોરેશન હોવાથી આ ચૂંટણી શહેરના ભાવિ વિકાસ માટે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. હવે રાજકીય પક્ષો માટે આટલી મોટી સંખ્યામાં દાવેદારોમાંથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવી તે એક કસોટી સમાન બની રહેશે.

Gujarat : જામનગર પાલિકા ચૂંટણી : આમ આદમી પાર્ટીએ વધુ 13 ઉમેદવારોની યાદી જાહેર કરી

0

જામનગર મહાનગરપાલિકા ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા વધુ 13 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. પક્ષ દ્વારા વિવિધ વોર્ડમાંથી ઉમેદવારો જાહેર કરતાં ચૂંટણી માહોલ વધુ ગરમાયો છે.

 જાહેર કરાયેલા ઉમેદવારોના નામની યાદી પર નિરીક્ષણ કરીએ તો વોર્ડ નં. 3માં શીતલબેન રાજેશભાઈ પટેલ, વોર્ડ નં.4 – રવિભાઈ નાઝાભાઈ ખરા, વોર્ડ નં.7 માં જ્યોતિબેન સુરેશભાઈ ગોંડલીયા, વોર્ડ નં.8 માં કલ્પેશભાઈ લીંબાસીયા, વોર્ડ નં. 8 માં નંદકિશોરભાઈ સવાણી, વોર્ડ નં. 9 માં સુનિલભાઈ નંદલાલભાઈ આશર, વોર્ડ નં.10 માં કિરીટ દૌડિયા, વોર્ડ નં.13 માં જિજ્ઞાસાબેન બીપીનભાઈ કડીવાર, વોર્ડ નં.14 માં હિંમતભાઈ ભદ્રા, વોર્ડ નં.14 માં ઉલાષબા જાડેજા અને વોર્ડ નં.14 માં કિશોરભાઈ ધીરજલાલ મેણીયા, વોર્ડ નં.15 મા કંકૂબેન બારૈયા,  અને વોર્ડ નં.16 માં રસિકભાઈ ગોહિલ વગેરેનો સમાવેશ થાય છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની વધુ યાદી જાહેર થતાં સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી છે. પક્ષ દ્વારા ટૂંક સમયમાં બાકીના ઉમેદવારોની યાદી પણ જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

National : ‘હું સંસદમાં બૂમબરાડા પાડવા કે માઈક તોડવા નથી જતો’, AAPના આરોપો પર રાઘવ ચઢ્ઢાનો વળતો જવાબ

આમ આદમી પાર્ટીમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પાર્ટી દ્વારા તેમના પર લગાવવામાં આવેલા ગંભીર આરોપોનો વળતો પ્રહાર કરતો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોના થંબનેલ પર તેમણે લખ્યું છે “ઘાયલ છું એટલે ઘાતક છું”, જે સ્પષ્ટપણે આરપારની લડાઈના સંકેત આપે છે.

સ્ક્રિપ્ટેડ કેમ્પેઈનનો ગંભીર આરોપ

રાઘવ ચઢ્ઢાએ વીડિયોમાં સીધો હુમલો કરતા કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી તેમની વિરુદ્ધ એક સુનિયોજિત અને સ્ક્રિપ્ટેડ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, ગઈકાલથી સોશિયલ મીડિયા પર એક જ પ્રકારની ભાષા અને એક જ સરખા આરોપો સાથે મને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. આ એક પૂર્વઆયોજિત કાવતરું છે.

વૉકઆઉટ વિવાદ પર સ્પષ્ટતા

પાર્ટી દ્વારા તેમના પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે જ્યારે આખું વિપક્ષ સંસદમાંથી વૉકઆઉટ કરી રહ્યું હતું, ત્યારે રાઘવ ચઢ્ઢા સદનમાં જ બેસી રહ્યા હતા અને વિપક્ષનો સાથ આપ્યો ન હતો.

રાઘવનો વળતો પ્રહાર

મારા પર એવો આરોપ છે કે હું વિપક્ષના વૉકઆઉટ દરમિયાન ત્યાં બેસી રહ્યો હતો, જે તદ્દન જૂઠું છે. હું AAP ને પડકાર ફેંકું છું કે તેઓ એક પણ એવો કિસ્સો જણાવે જ્યારે વિપક્ષે વૉકઆઉટ કર્યો હોય અને મેં સાથ ન આપ્યો હોય.

CCTV ફૂટેજ ચેક કરવાની આપી ચેલેન્જ

રાઘવ ચઢ્ઢાએ ટેકનિકલ પુરાવાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે સંસદમાં દરેક જગ્યાએ CCTV કેમેરા લાગેલા હોય છે. તેમણે પાર્ટી નેતૃત્વને પડકાર આપ્યો કે તેઓ સંસદના ફૂટેજ કઢાવીને જોઈ લે કે ક્યારે રાઘવે વિપક્ષનો સાથ છોડ્યો છે.

ષડયંત્રનો શિકાર?

ભાવુક થઈને કહ્યું કે, આ ત્રણ પાયાવિહોણા આરોપોને કારણે જ તેમને સંસદમાં બોલતા અટકાવવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી રાઘવ ચઢ્ઢાની સક્રિયતા અને પાર્ટી સાથેના તેમના સંબંધોને લઈને ઘણી અટકળો તેજ બની હતી, જે આ વીડિયો બાદ હવે ખુલીને સામે આવી ગઈ છે. આ ઘટનાક્રમથી દિલ્હી અને પંજાબના રાજકારણમાં નવો ગરમાવો આવ્યો છે.

Bollywood : અહાન પાંડેએ નવી એક્શન ફિલ્મ માટે શૂટિંગ શરૂ કર્યું

0

 ‘સૈયારા’માં રોમાન્ટિક હિરો તરીકે સફળ થયા બાદ અહાન પાંડેએ હવે  એક્શન રોલ સ્વીકાર્યો છે. તેણે પોતાની નવી એક્શન ફિલ્મનું શૂટિંગ ચાલુ કરી દીધું છે. અલી અબ્બાસ ઝફર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે.  આ ફિલ્મમાં શર્વરી વાઘ અહાનની હિરોઈન હશે. 

હાલ  મુંબઈમાં શૂટિંગ ચાલી રહ્યું છે અને આ પછી ફિલ્મની ટીમ મે મહિનામાં લંડન માટે રવાના થશે. જ્યાં  કેટલાંક એક્શન દ્રશ્યોનું શૂટિંગ થશે. 

‘સૈયારા’ની સફળતા બાદ અહાન પર ઓફરોનો ઢગલો થયો હતો. જોકે, તેણે બહુ કાળજીપૂર્વક નવી ફિલ્મો સ્વીકારવાનું નક્કી કર્યું છે. 

National : હાઇવે પ્રોજેક્ટ્સની ગતિ જાળવી રાખવા માટે ચોક્કસ રાહત જાહેર

0

 વૈશ્વિક કટોકટીએ ઇંધણ, બાંધકામ સામગ્રી અને લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો થવાને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ પર ખર્ચનું દબાણ વધાર્યું છે. દરમિયાન, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે કોન્ટ્રાક્ટરો અને કન્સેશનિયર્સને રાહત આપવા અને પ્રોજેક્ટ ગતિ જાળવી રાખવા માટે ત્રણ મહિનાની ખાસ ખર્ચ-વધારા વળતર પદ્ધતિની જાહેરાત કરી છે. 

આ પદ્ધતિ ૧ એપ્રિલથી ૩૦ જૂન, ૨૦૨૬ સુધી અસરકારક રહેશે, અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિના આધારે તેની વધુ સમીક્ષા કરવામાં આવશે.

સરકારે એન્જિનિયરિંગ, બાંધકામ અને હાઇબ્રિડ વાર્ષિકી મોડેલ પ્રોજેક્ટ્સ માટે જોગવાઈઓ હળવા કરી છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગુણવત્તા ધોરણો અનુસાર પૂર્ણ થયેલા કામ માટે હવે માસિક ચૂકવણી શક્ય બનશે. આનાથી કોન્ટ્રાક્ટરોની તરલતા વધશે અને સ્થળ પર કામની ગતિ જળવાઈ રહેશે.ઈપીસી કરાર હેઠળ ભાવ ગોઠવણ પદ્ધતિમાં પણ સુધારો કરવામાં આવ્યો છે જેથી વર્તમાન બજાર પરિસ્થિતિઓને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરી શકાય. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય અનુસાર, બાંધકામ મશીનરી, સામાન્ય પોર્ટલેન્ડ સિમેન્ટ, હળવા સ્ટીલ અને અન્ય મુખ્ય ચીજવસ્તુઓ માટે જથ્થાબંધ ભાવ સૂચકાંક હવે એક મહિના પહેલાના સંબંધિત વચગાળાના ચુકવણી પ્રમાણપત્ર પર આધારિત હશે. આનો અર્થ એ છે કે તાજેતરના ભાવ વધારાનો પ્રભાવ ચુકવણીમાં ઝડપથી પ્રતિબિંબિત થશે.

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય અનુસાર, બિટયુમેન માટે ભાવ ગોઠવણ હવે પાછલા ત્રણ મહિનાના સમયગાળાને બદલે, પાછલા મહિનાના પહેલા દિવસે લાગુ પડતા સત્તાવાર છૂટક ભાવ પર આધારિત હશે. બિટયુમેન, માર્ગ બાંધકામમાં મુખ્ય સામગ્રી હોવાથી, પ્રોજેક્ટ ખર્ચ પર સીધી અસર કરે છે. ઈપીસી કોન્ટ્રાક્ટ હેઠળ ભાવ ગોઠવણ ચૂકવણી હવે માસિક ચુકવણીઓ સાથે જારી કરવામાં આવશે. 

Business : બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી

0

જાહેર ક્ષેત્રના ધિરાણકર્તાઓ પંજાબ નેશનલ બેંક (પીએનબી) અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ૨૦૨૫-૨૬ નાણાકીય વર્ષ દરમિયાન બે આંકડામાં લોન વૃદ્ધિ નોંધાવી છે, જ્યારે થાપણ વૃદ્ધિ ધીમી પડી છે.

પંજાબ નેશનલ બેંક દ્વારા લોન વાર્ષિક ધોરણે ૧૨.૧૭ ટકા વધીને રૂા. ૧૧.૯૬ લાખ કરોડ થઈ, જ્યારે થાપણો વાર્ષિક ધોરણે ૯.૧૪ ટકા વધીને લગભગ રૂા. ૧૬.૫ લાખ કરોડ થઈ હતી.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની લોન વાર્ષિક ધોરણે ૧૮.૯ ટકા વધીને રૂા. ૩.૪૫ લાખ કરોડ થઈ હતી, જ્યારે થાપણો ૧૩.૪ ટકા વધીને રૂા. ૪.૬૮ લાખ કરોડ થઈ છે.

૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા સીએસબી બેંકની લોન ૨૭ ટકા વધીને રૂ. ૪૦,૩૬૪ કરોડ થઈ હતી. આમાંથી, સોનાના દાગીના સામેની લોન વાર્ષિક ધોરણે ૫૩ ટકા વધીને રૂ. ૨૧,૫૬૭ કરોડ થઈ હતી. સ્મોલ ફાઇનાન્સ બેંકો (એસએફબી) માં પણ લોન વૃદ્ધિ થાપણો કરતાં વધુ જોવા મળી છે.

ઉજ્જિવન એસએફબીની લોન વાર્ષિક ધોરણે ૨૬.૬ ટકા વધીને રૂ. ૪૦,૬૫૫ કરોડ થઈ, અને થાપણો ૨૧.૩ ટકા વધીને રૂ. ૪૫,૬૬૧ કરોડ થઈ હતી.

Gujarat : છોટા ઉદેપુરના અછાલા ગામે રેતી માફિયાઓનો આતંક, વિરોધ કરનારા ખેડૂતોને મળી ધમકી!

0

છોટા ઉદેપુરના અછાલા ગામેથી પસાર થતી નદીમાં છેલ્લા કેટલાય સમયથી બેરોકટોક ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનનને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રેતી માફિયાઓ દ્વારા રાત-દિવસ ટ્રેક્ટરો મારફતે નદીમાંથી રેતીની ચોરી કરવામાં આવી રહી છે. આ બાબતે અવાજ ઉઠાવનારા ગ્રામજનોને રેતી માફિયાઓ જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

ખેતરો અને પાણીની લાઈનોને મોટું નુકસાન

અછાલાના સ્થાનિક રહેવાસી દિનેશ નાયકના જણાવ્યાનુસાર, રેતી ભરેલા ટ્રેક્ટરો ગ્રામજનોના ખેતરોમાંથી પસાર થાય છે, જેના કારણે ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે. એટલું જ નહીં, પૂરપાટ ઝડપે દોડતા આ વાહનોને કારણે ગામની પીવાના પાણીની લાઈનો પણ વારંવાર તૂટી જાય છે. જ્યારે આ પ્રવૃત્તિનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે ટ્રેક્ટર ચાલકોએ દિનેશભાઈને ધમકી આપતા કહ્યું હતું કે, ‘જો તમે અમને રોકશો તો તમને જાનથી મારી નાખીશું.

‘ખાણ-ખનિજ વિભાગની મિલીભગત હોવાનો આક્ષેપ

અછાલા ગામના લોકોમાં એવી ચર્ચા છે કે રેતી માફિયાઓ અને ખાણ-ખનિજ વિભાગના કેટલાક અધિકારીઓ વચ્ચે મિલીભગત ચાલી રહી છે. સ્થાનિકોના દાવા મુજબ, ટ્રેક્ટર ચાલકો જાહેરમાં એવી વાતો કરે છે કે, ‘અમે અધિકારીઓને હપ્તો આપીએ છીએ અને તેમની મંજૂરીથી જ રેતી કાઢીએ છીએ.’ આ પ્રકારના નિવેદનોથી તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ નગરપાલિકાના સત્તાધારી પક્ષ દ્વારા પણ જિલ્લા કલેક્ટરને ગેરકાયદે રેતી ખનન અટકાવવા અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. છતાં અછાલા ગામમાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. ગ્રામજનો હવે એ પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું જવાબદાર અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે કે પછી રેતી માફિયાઓ સામે કડક પગલાં લેવામાં આવશે?

National : કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી

0

કેરળ વિધાનસભા ચૂંટણીના ગરમાવા વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરના કાફલા પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. થરૂર જ્યારે બે વાહનોના કાફલા સાથે પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક બે કારમાં આવેલા અંદાજે 8 જેટલા અજાણ્યા શખ્સોએ તેમની ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો.

વચ્ચે રસ્તો રોકી ગાડીના કાચ તોડવાનો પ્રયાસ

ચક્ષુદ્રષ્ટાઓના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ રસ્તાની વચ્ચે જ થરૂરનું વાહન અટકાવી દીધું હતું અને જોરજોરથી કારના કાચ પીટવાનું શરૂ કર્યું હતું. સ્થિતિ વણસતી જોઈને જ્યારે શશિ થરૂરના ગનમેને વચ્ચે પડી રસ્તો સાફ કરાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઉપદ્રવીઓએ તેની સાથે પણ ધક્કામુક્કી અને હાથાપાઈ કરી હતી.

પોલીસ એક્શન: બે શખ્સોની ધરપકડ

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી બે શખ્સોને કસ્ટડીમાં લીધા છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ હુમલો કોઈ પૂર્વનિયોજિત કાવતરું હતું કે પછી રસ્તા પર થયેલા કોઈ વિવાદનું પરિણામ.

કેરળ ચૂંટણી 2026: મહત્વની વિગતો

મતદાનની તારીખ: 9 એપ્રિલ 2026

પરિણામની તારીખ: 4 મે 2026

કુલ બેઠકો: 140 વિધાનસભા બેઠકો

મુખ્ય મુકાબલો: LDF (ડાબેરી મોરચો), UDF (કોંગ્રેસ પ્રેરિત મોરચો) અને ભાજપના નેતૃત્વ હેઠળના NDA વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.