Home Blog Page 200

Surendranagar : સુદામડામાં પથ્થરના ગેરકાયદે પાંચ ખાણ સંચાલકોને 595 કરોડનો દંડ

0

સાયલાના સુદામડા વિસ્તારમાં ખનિજ વિભાગ અને પોલીસે દરોડા પાડી ગેરકાયદે પાંચ ખાણોમાં થયેલા બેરોકટોક ખોદકામની માપણી બાદ તંત્ર દ્વારા રૃ. ૫૯૫.૦૮ કરોડથી વધુનો તોતિંગ દંડ ફટકારવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. 

 સાયલા તાલુકાના સુદામડા વિસ્તારમાં લાંબા સમયથી ચાલતા ગેરકાયદે ખનન પર ખનિજ વિભાગે લાલ આંખ કરી છે. ખનિજ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમે જુદા-જુદા સર્વે નંબરો પર ચાલતી પથ્થરની ખાણોમાં દરોડા પાડયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે નિયમોનું ઉલ્લંઘન કરી મોટા પાયે પથ્થર ચોરી કરવામાં આવી રહી છે. વિભાગે પાંચ ખાણોમાં થયેલા ખોદકામની ચોક્કસ માપણી કરી કુલ ૫૯૫ કરોડથી વધુનો દંડ આકારાયો છે.રેડ દરમિયાન ખનિજ ચોરીમાં વપરાતા ૩૮ ડમ્પરો અને ૧૪ જેટલા હેવી મશીનો જપ્ત કરાયા છે, જે હાલ સાયલા મામલતદાર કચેરી ખાતે સીઝ કરીને રાખવામાં આવ્યા છે. ખનિજ વિભાગે જવાબદાર ખાણ સંચાલકોને કારણદર્શક નોટિસ ફટકારી છે અને આગામી ૧૫ એપ્રિલના રોજ જરૃરી આધાર-પુરાવા સાથે કચેરીએ હાજર રહેવા આદેશ કર્યો છે. 

Article : નાથુરામ ગોડસે: એક વિવાદાસ્પદ જીવનની સફર અને તે ઐતિહાસિક ‘ગાંધી વધ’

વિશેષ લેખ: પવન માકન (એડિટર, પાક્કો ગુજરાત)
ભારતીય ઈતિહાસના પાનાઓમાં ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮નો દિવસ એક કાળા અક્ષરે લખાયેલો દિવસ છે. આ એ દિવસ હતો જ્યારે નવી દિલ્હીના બિરલા હાઉસમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના કેન્દ્રમાં જે નામ હતું, તે નામ આજે પણ ભારતીય રાજનીતિ અને ઈતિહાસમાં ભારે વિવાદ અને ચર્ચાનો વિષય બને છે –

નાથુરામ વિનાયક ગોડસે.
શરૂઆતનું જીવન અને વિચારધારા
નાથુરામ ગોડસેનો જન્મ ૧૯ મે, ૧૯૧૦ના રોજ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના બારામતીમાં થયો હતો. એક સામાન્ય ચિત્પાવન બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા નાથુરામનું પ્રારંભિક જીવન ધાર્મિક અને પરંપરાગત વાતાવરણમાં વીત્યું હતું.
શરૂઆતના દિવસોમાં ગોડસે ગાંધીજીના અહિંસાના વિચારોથી પ્રભાવિત હતા અને તેમણે સવિનય કાનૂન ભંગની લડતમાં પણ ભાગ લીધો હતો. જોકે, સમય જતાં તેમનો મોહભંગ થયો. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને બાદમાં હિન્દુ મહાસભા સાથે જોડાયા. વીર સાવરકરના પ્રખર હિન્દુત્વના વિચારોએ ગોડસેના માનસપટલ પર ઊંડી છાપ છોડી હતી.
ગાંધીજી સાથેનો વૈચારિક સંઘર્ષ
ગોડસેના મનમાં ગાંધીજી પ્રત્યેના રોષના મુખ્ય ત્રણ કારણો હતા:
૧. ફાળવણી અને ભાગલા: ગોડસેનું માનવું હતું કે ભારત દેશના ભાગલા અને પાકિસ્તાનના નિર્માણ માટે ગાંધીજી જવાબદાર હતા.
૨. તુષ્ટિકરણની નીતિ: ગોડસેને લાગતું હતું કે ગાંધીજીની નીતિઓ હંમેશા મુસ્લિમ સમુદાયના પક્ષમાં રહેતી હતી, જેનાથી હિન્દુઓના હિતોને નુકસાન થતું હતું.
૩. ૫૫ કરોડની રકમ: ભાગલા બાદ પાકિસ્તાનને આપવાના થતા ૫૫ કરોડ રૂપિયા રોકવા માટે ભારત સરકારે નિર્ણય લીધો હતો, પરંતુ ગાંધીજીએ આ રકમ ચૂકવવા માટે આમરણાંત ઉપવાસ કર્યા હતા. ગોડસે માટે આ ઘટના ‘છેલ્લો ઘા’ સાબિત થઈ.
તે ઐતિહાસિક ઘટના: ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮
સાંજના પાંચ વાગ્યાની પ્રાર્થના સભાનો સમય હતો. દિલ્હીના બિરલા ભવનમાં ગાંધીજી મનુ અને આભાના ખભા પર હાથ ટેકવીને આગળ વધી રહ્યા હતા. ત્યારે ભીડમાંથી ખાખી જેકેટ પહેરેલો નાથુરામ ગોડસે આગળ આવ્યો. તેણે ગાંધીજીના ચરણસ્પર્શ કરવાનો દેખાવ કર્યો અને અચાનક પોતાની સેમી-ઓટોમેટિક બેરેટા પિસ્તોલ કાઢીને ગાંધીજી પર ત્રણ ગોળીઓ ચલાવી. ‘હે રામ’ના છેલ્લા શબ્દો સાથે ગાંધીજીએ દેહત્યાગ કર્યો.
અદાલતી કાર્યવાહી અને અંતિમ નિવેદન
ગાંધીજીની હત્યા બાદ ગોડસે ભાગ્યો નહીં, પણ આત્મસમર્પણ કર્યું. લાલ કિલ્લા પર ચાલેલા કેસ દરમિયાન તેણે અદાલતમાં કલાકો સુધી નિવેદન આપ્યું હતું, જે પાછળથી ‘મેં ગાંધીને કેમ માર્યા?’ (Why I Assassinated Mahatma Gandhi) પુસ્તક તરીકે જાણીતું થયું.
અદાલતમાં તેણે દલીલ કરી હતી કે:

“મેં કોઈ વ્યક્તિની હત્યા નથી કરી, પરંતુ તે વિચારની હત્યા કરી છે જે દેશને નબળો પાડી રહ્યો હતો.”

ન્યાયાધીશ આત્માચરણ અગ્રવાલે ૮ નવેમ્બર, ૧૯૪૯ના રોજ નાથુરામ ગોડસે અને તેના સાથી નારાયણ આપ્ટેને ફાંસીની સજા સંભળાવી. ૧૫ નવેમ્બર, ૧૯૪૯ના રોજ અંબાલા જેલમાં બંનેને ફાંસી આપવામાં આવી.
વિવાદ જે આજે પણ જીવંત છે
આઝાદીના દાયકાઓ બાદ પણ ભારત નાથુરામ ગોડસેના મુદ્દે વહેંચાયેલું દેખાય છે. એક પક્ષ તેને ‘આતંકવાદી’ અને લોકશાહીનો હત્યારો ગણે છે, જ્યારે બીજો એક નાનો વર્ગ તેને ‘દેશભક્ત’ માની તેની વિચારધારાનું સમર્થન કરે છે.
પરંતુ, સત્ય એ છે કે હિંસા ક્યારેય કોઈપણ સમસ્યાનો ઉકેલ હોઈ શકે નહીં. વૈચારિક મતભેદોને કારણે દેશના રાષ્ટ્રપિતાની હત્યા એ ભારતના ઈતિહાસનો એવો જખમ છે જે ક્યારેય ભરાઈ શકે તેમ નથી.

Business : વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને 688.05 બિલિયન ડોલર

0

ભારતીય રિઝર્વ બેંકના તાજેતરના ડેટા અનુસાર, ૨૭ માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી હૂંડિયામણ અનામત ૧૦.૨૮ બિલિયન ડોલર ઘટીને ૬૮૮.૦૫ બિલિયન ડોલર થયું છે. પાછલા સપ્તાહમાં પણ ૧૧.૪૧૩ બિલિયન ડોલર નો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. વિદેશી હૂંડિયામણ અનામતમાં સતત બીજા સપ્તાહમાં ઘટાડો થયો છે,

વિદેશી હૂંડિયામણ અનામત ૨૭ ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ૭૨૮.૪૯૪ બિલિયન ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા બાદ તે ઘટી રહ્યું છે.

ડેટા અનુસાર, આ ઘટાડા માટે સૌથી મોટો ફાળો વિદેશી ચલણ સંપત્તિમાં ઘટાડો હતો, જે ૬.૬૨૨ બિલિયન ડોલર ઘટીને ૫૫૧.૦૭૨ બિલિયન ડોલર થયુ હતું. આ આંકડાઓમાં ડોલર સામે યુરો, પાઉન્ડ અને યેન જેવા અન્ય વિદેશી ચલણોમાં વધઘટનો પણ સમાવેશ થાય છે.આ સમયગાળા દરમિયાન, દેશના સોનાના ભંડારનું મૂલ્ય પણ ૩.૬૬૬ બિલિયન ડોલર ઘટીને ૧૧૩.૫૨૧ બિલિયન ડોલર થયું હતું .જોકે, સકારાત્મક સંકેતમાં, સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ  ૧૭ મિલિયન ડોલર વધીને ૧૮.૬૪૯ બિલિયન ડોલર અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ  સાથે ભારતની અનામત સ્થિતિ પણ ૧૭ મિલિયન ડોલર વધીને ૪.૮૧૬ બિલિયન  ડોલર થઈ હતી. એકંદરે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં ભારતના વિદેશી વિનિમય અનામતમાં વધઘટ થઈ છે, જેમાં સતત નીચે તરફ દબાણ જોવા મળી રહ્યું છે.

Bollywood : રાજપાલ યાદવને પેમેન્ટ માટે વધુ મુદ્દત આપવા હાઈકોર્ટનો ઈન્કાર

0

ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવે છ કરોડ રુપિયા ભરવા ૩૦ દિવસની મુદ્દત માગી હતી પરંતુ હાઈકોર્ટે તે માટે ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.

રાજપાલ અગાઉ આ કેસમાં તિહાર જેલમાં કેદ રહ્યો હતો. બાદમાં તેને જામીન મળ્યા હતા.

રાજપાલે પોતે પૈસા ભરવા તૈયાર છે એમ સુનાવણીમાં જણાવ્યું હતું. જોકે, અદાલતે તેની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે તમારા અને તમારા વકીલનાં નિવેદનમાં વિરોધાભાસ છે. વકીલ એવુું કહી રહ્યા છે કે તમે જેલવાસ ભોગવી લીધો હોવાથી હવે ચૂકવણી માટે તમે રાજી નથી.

આ દરમિયાન રાજપાલે અદાલતને ભાવુક થઈને કહ્યું હતું કે પોતે ઓલરેડી પાંચ ફલેટ વેચીને બહુ મોટી રકમ ચૂકવી ચૂકયો છે. પોતે પાંચ વાર જેલ જવા તૈયાર છે.

ફરિયાદ પક્ષના વકીલે કહ્યું હતું કે રાજપાલ જેલમાં જઈ આવ્યો છે તેના કારણે તેને પૈસા આપવામાંથી મુક્તિ મળી જતી નથી.

Top News : કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષા : ઉત્તર પ્રદેશમાં વીજળી પડતાં બે બાળકોનાં મોત

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) હવામાન વિભાગના કહેવા પ્રમાણે એક સાથે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થઈ હોવાથી દેશના અનેક રાજ્યોમાં હવામાન પલટાયું હતું. આગામી દિવસોમાં હજુય તેની તીવ્ર અસર રહેવાની હોવાથી ઘણાં રાજ્યોમાં વરસાદ પડશે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ જેવા પહાડી રાજ્યોમાં વરસાદ અને કરાં પડવાની શક્યતા છે. વાદળછાયું વાતાવરણ રહેશે તેના કારણે તાપમાન થોડું ઘટશે. દક્ષિણ ભારતમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આશંકા છે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં અમુક સ્થળોએ કરાં પડયા હતા. હજુય બે-ત્રણ દિવસ વરસાદ પડશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ એક સાથે સક્રિય થઈ હોવાથી દેશભરમાં તેની અસર થશે. તમિલનાડુ, પુડુચેરી, કેરળમાં ભારે વરસાદ પડી શકે છે. કાશ્મીરના પહાડો પર બરફવર્ષાની સાથે વરસાદ પણ થયો હતો. હિમાચલ પ્રદેશમાં કરાંનું તોફાન ત્રાટકે તેવી ભીતિ હોવાથી પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર થયો હતો. અટલ ટનલની નજીકમાં ભૂસ્ખલનની શક્યતા હોવાતી ચેતવણી આપવામાં આવી હતી. ટનલની આસપાસમાં ટૂરિસ્ટ એક્ટિવિટીને બંધ કરી દેવામાં આવી છે.ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં વરસાદની સાથે વીજળી પડવાની ઘટના સામે આવી હતી. વીજળી પડવાથી બે બાળકોનાં મોત થયા હતા. બે બાળકો પર વીજળી પડતાં તેમને ગંભીર ઈજા પહોંચી છે અને સારવાર આપવામાં આવી રહી છે. તે સિવાયના સ્થળોએ પણ વીજળી પડવાના બનાવો નોંધાયા હતા, પરંતુ સદ્ભાગ્યે કોઈને ગંભીર ઈજા પહોંચી ન હતી. પાટનગર દિલ્હીમાં ધૂળની ડમરી ઉડયા બાદ હળવો વરસાદ પડતાં રાહત થઈ હતી. દિલ્હીનું તાપમાન ૩૩ ડિગ્રી રહ્યું હતું, પરંતુ વરસાદ પડતાં બપોર પછી તાપમાનનો પારો ગગડયો હતો. એક-બે દિવસ તાપમાન ઓછું રહેશે, પરંતુ પછીથી ફરી તાપમાન વધશે. ઉત્તર ભારતના  રાજ્યોમાં હવામાનનો ફેરફાર નોંધાયો હતો. માર્ચ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહી હતી તેના કારણે કેટલાક સ્થળોએ વરસાદ પડયો હતો. હવામાન વિભાગના કહેવા પ્રમાણે એપ્રિલ મહિનામાં પણ તાપમાનમાં અસર થતી રહેશે. 

મેડિટેરિયન સમુદ્ર, કાળા સમુદ્ર અને કેસ્પિયન સમુદ્રમાં સિસ્ટમ એક્ટિવ થઈ હોવાથી ભારતના વાતાવરણમાં તેની અસર થશે.

Business : બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી

0

જાહેર ક્ષેત્રના ધિરાણકર્તાઓ પંજાબ નેશનલ બેંક (પીએનબી) અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ૨૦૨૫-૨૬ નાણાકીય વર્ષ દરમિયાન બે આંકડામાં લોન વૃદ્ધિ નોંધાવી છે, જ્યારે થાપણ વૃદ્ધિ ધીમી પડી છે. 

પંજાબ નેશનલ બેંક દ્વારા લોન વાર્ષિક ધોરણે ૧૨.૧૭ ટકા વધીને રૂા. ૧૧.૯૬ લાખ કરોડ થઈ, જ્યારે થાપણો વાર્ષિક ધોરણે ૯.૧૪ ટકા વધીને લગભગ રૂા. ૧૬.૫ લાખ કરોડ થઈ હતી.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની લોન વાર્ષિક ધોરણે ૧૮.૯ ટકા વધીને રૂા. ૩.૪૫ લાખ કરોડ થઈ હતી, જ્યારે થાપણો ૧૩.૪ ટકા વધીને રૂા. ૪.૬૮ લાખ કરોડ થઈ છે. 

૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા સીએસબી બેંકની લોન ૨૭ ટકા વધીને રૂ. ૪૦,૩૬૪ કરોડ થઈ હતી. આમાંથી, સોનાના દાગીના સામેની લોન વાર્ષિક ધોરણે ૫૩ ટકા વધીને રૂ. ૨૧,૫૬૭ કરોડ થઈ હતી. સ્મોલ ફાઇનાન્સ બેંકો (એસએફબી) માં પણ લોન વૃદ્ધિ થાપણો કરતાં વધુ જોવા મળી છે. 

ઉજ્જિવન એસએફબીની લોન વાર્ષિક ધોરણે ૨૬.૬ ટકા વધીને રૂ. ૪૦,૬૫૫ કરોડ થઈ, અને થાપણો ૨૧.૩ ટકા વધીને રૂ. ૪૫,૬૬૧ કરોડ થઈ હતી. 

Article : કુરુક્ષેત્ર થી મનક્ષેત્ર – જ્યારે દુનિયાનો શ્રેષ્ઠ યોદ્ધા હારી જાય!

0

આપણે સૌ જીવનમાં ક્યારેક ને ક્યારેક એવા મોરચે આવીને ઊભા રહીએ છીએ જ્યાં રસ્તો દેખાતો બંધ થઈ જાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય ‘અર્જુનવિષાદ યોગ’ માત્ર એક પૌરાણિક યુદ્ધની શરૂઆત નથી, પણ એ દરેક વ્યક્તિના મનમાં ચાલતા કુરુક્ષેત્રનો અરીસો છે.
કલ્પના કરો, જે યોદ્ધાએ આખી જિંદગી માત્ર માછલીની આંખ વીંધવા માટે તપસ્યા કરી હોય, જેનું નામ સાંભળીને શત્રુઓના લોહી થીજી જતાં હોય, એ જ મહાબાહુ અર્જુન યુદ્ધના મેદાનમાં ધ્રૂજવા લાગે છે! આ કોઈ સામાન્ય ડર નહોતો, આ એ ક્ષણ હતી જ્યારે એક ‘પરફોર્મર’ તેના જ ઈમોશન્સના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. ગીતાની શરૂઆત કોઈ શ્લોક કે મંત્રથી નથી થતી, પણ એક પ્રશ્ન અને એક વ્યક્તિના ‘બ્રેકડાઉન’ થી થાય છે. આ એવા માણસની વાર્તા છે જેની પાસે શક્તિ છે, શ્રેષ્ઠ શસ્ત્રો છે અને સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણનો સાથ છે, છતાં તે અંદરથી ભાંગી પડે છે.
૧. અંધાપો માત્ર આંખનો નહીં, વિચારનો પણ હોય છે
ગીતાનો પ્રથમ શ્લોક રાજા ધૃતરાષ્ટ્ર બોલે છે”ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ | મામકાઃ પાંડવાશ્ચૈવ કિમકુર્વત સંજય ||”* ધૃતરાષ્ટ્ર માત્ર આંખે અંધ નહોતા, તે ‘મોહ’ માં અંધ હતા. આ શ્લોકમાં તેમણે ‘મારા પુત્રો’ (મામકાઃ) અને ‘પાંડુના પુત્રો’ એમ કહીને ભેદરેખા દોરી દીધી. આ ‘મારું અને તારું’ એ જ દુનિયાના તમામ ક્લેશનું મૂળ છે. જ્યારે વ્યક્તિ પક્ષપાત કરે છે, ત્યારે તે વિવેક ગુમાવી બેસે છે. આજના સમયમાં પણ આપણો સ્વાર્થ અને ‘મારું-તારું’ કરવાની વૃત્તિ જ આપણને સાચું જોતા રોકે છે.
૨. વિષાદ: જ્યારે ‘એક્સપર્ટ’ પણ એક્ઝિટ શોધે!
અર્જુન કોઈ સામાન્ય માણસ નહોતો, તે એ સમયનો ‘સુપર હીરો’ હતો. પણ જે ક્ષણે તેણે રથ પરથી સામે પક્ષે પોતાના જ સંબંધીઓને જોયા, તેની બધી જ ટેલેન્ટ શૂન્ય થઈ ગઈ. તેનું શરીર ધ્રૂજવા લાગ્યું, મોઢું સુકાઈ ગયું અને તેનું પ્રખ્યાત ‘ગાંડીવ’ ધનુષ હાથમાંથી સરી પડ્યું.
જેમ એક સર્જન ડોક્ટર પોતાના જ સંતાનનું ઓપરેશન કરતી વખતે ધ્રૂજી જાય છે, તેમ અર્જુન પણ ઈમોશનલ બ્લેકમેલિંગનો શિકાર બન્યો. જ્યારે લાગણીઓ બુદ્ધિ પર હાવી થઈ જાય, ત્યારે માણસ લકવાગ્રસ્ત (Paralyzed) થઈ જાય છે. આ સ્થિતિ દર્શાવે છે કે બહારથી ગમે તેટલા સક્ષમ હોઈએ, જો મન કાચું પડે તો બધું જ વ્યર્થ છે.
૩. બહાનાબાજીનું બ્રહ્માંડ
અર્જુન યુદ્ધ ન લડવા માટે કૃષ્ણને લાંબી લચક દલીલો આપે છે “કૃષ્ણ, યુદ્ધથી કુળનો નાશ થશે, પાપ લાગશે, નરકમાં જવું પડશે.” આ સાચું જ્ઞાન નહોતું, આ અર્જુનનો ડર હતો. જ્યારે આપણે મહેનત નથી કરવી હોતી કે જોખમ નથી લેવું હોતું, ત્યારે આપણે ‘ફિલોસોફી’ અને ‘લોજિક’ પાછળ છુપાઈએ છીએ. ડરપોક માણસ હંમેશા પોતાની નબળાઈને ‘શાંતિ’ કે ‘સંસ્કાર’નું મહોરું પહેરાવે છે.
આજના જીવન માટે મનોબળ જ સાચું શસ્ત્ર છે જો રથ પર કૃષ્ણ (બુદ્ધિ) બેઠા હોય, તો પણ જો અર્જુન (મન) હારી જાય તો યુદ્ધ જીતી શકાતું નથી. સફળતા માટે માત્ર સાધનો પૂરતા નથી, તમારું મનોબળ મજબૂત હોવું જોઈએ.
મોહ એ વિવેકનો શત્રુ છેઅર્જુન લડવા માટે અસમર્થ નહોતો, પણ તે ‘સ્વજનો’ના મોહમાં ફસાયેલો હતો. સાચો પ્રેમ કર્તવ્ય નિભાવવામાં મદદ કરે, પાછળ ખેંચવામાં નહીં.
વિષાદ એ જ્ઞાનની શરૂઆત છે આ અધ્યાયનું નામ ‘અર્જુનવિષાદ યોગ’ છે. ગીતા આપણને શીખવે છે કે જ્યાં સુધી માણસનો અહંકાર અને તેની ખોટી દલીલો ભાંગીને ભૂકો ન થઈ જાય, ત્યાં સુધી પરમાત્માનું જ્ઞાન ઉતરવા માટે જગ્યા બનતી નથી. તમારું દુઃખ પણ જો તમને સત્ય તરફ લઈ જાય, તો તે ‘યોગ’ બની જાય છે.
તમે ક્યાં છો?
અધ્યાય ૧ ના અંતે અર્જુન રથના પાછળના ભાગમાં બેસી જાય છે અને હથિયારો મૂકી દે છે. ભગવાન શ્રીકૃષ્ણ આ આખા અધ્યાયમાં એક પણ શબ્દ બોલતા નથી. તેઓ માત્ર શાંતિથી અર્જુનને સાંભળે છે.
જો જીવનમાં અત્યારે અંધકાર છે, રસ્તો નથી મળતો અને તમે ભાંગી પડ્યા છો, તો ગભરાશો નહીં. તમે ગીતાના પ્રથમ અધ્યાયમાં છો. હવે તમારી બધી દલીલો બંધ થશે, ત્યારે જ કૃષ્ણનું જ્ઞાન શરૂ થશે. માર્ગદર્શન માટે પહેલા મૌન થવું અને સ્વીકારવું જરૂરી છે કે “હું મૂંઝાયેલો છું.”
શું તમે પણ ‘ગાંડીવ’ છોડીને બેસી ગયા છો?…
(ક્રમશ: આગામી અધ્યાય ૨ માં ભગવાન શ્રીકૃષ્ણનું મૌન તૂટશે અને અર્જુનને આત્માનું એવું જ્ઞાન મળશે જે તેને કાયરતામાંથી વીરતા તરફ લઈ જશે.)

દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

Bollywood : હેરાફેરી થ્રી ફરી અટકી, લેખકે જ ફિલ્મ છોડી દીધી

હેરાફેરી થ્રી’ આડે એક નવું વિધ્ન આવ્યું છે. આ ફિલ્મના લેખક  રોહન શંકરે જ ફિલ્મ છોડી દીધી છે.  ફિલ્મ આડે એક પછી એક કાનૂની સમસ્યાઓ આવી રહી  હોવાથી તેણે આ ફિલ્મ છોડી હોવાનું જણાવ્યું છે. 

અગાઉ આ ફિલ્મમાં પરેશ રાવલે અચાનક કામ કરવાનો ઈન્કાર કરી દેતાં તેને નોટિસ અપાઈ હતી. પરેશ રાવલને મનાવાયા બાદ મૂળ મલયાલમ ફિલ્મ ‘રામજી રાવ સ્પીકિંગ’ના  સર્જકોએ ફ્રેન્ચાઈઝીના રાઈટ્સ તેમની પાસે હોવાના મુદ્દે કાનૂની લડાઈની ચિમકી આપી હતી. 

રોહન શંકરે કહ્યું હતું કે આ કાનૂની વિવાદોને કારણે અમારું કામ આગળ વધી શકતું નથી. આ સંજોગોમાં પોતે કંટાળી ગયો છે. 

World : રશિયાએ યુક્રેન પર દિવસનાં સમયે કરેલા હુમલામાં પાંચનાં મોત

0

રશિયાએ યુક્રેન પર દિવસનાં સમયે કરેલા હુમલાઓમાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયા છે. રશિયાએ યુક્રેનની રાજધાની પાસે એક જોરદાર મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો હતો.

યુક્રેનનાં અધિકારીઓએ દાવો કર્યો છે કે રશિયા નાગરિકોની તકલીફો વધારવા માટે પોતાની રણનીતિ બદલી રહ્યું છે. હવે રશિયા દિવસમાં હુમલા કરી રહ્યું છે અને વધારે મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રકચરને નિશાન બનાવવાની તૈયારી કરી રહ્યું છે.

આ દરમિયાન યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સ્કીએ ઇસ્ટર પર સંભવિત યુદ્ધવિરામ માટે યુક્રેનની તત્પરતાનાં સંકેત આપ્ય હતાં. આ તહેવાર યુક્રેન અને રશિયા બંને દેશોેમાં ૧૨ એપ્રિલે ઉજવવામાં આવે છે.

ઝેલેન્સ્કીએ વધુમાં જણાવ્યું હતું કે યુક્રેન રશિયન હવાઇ હુમલાની રણનીતિમાં થયેલા ફેરફારનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે કારણકે ગુપ્ત માહિતીથી જાણવા મળ્યું છે કે ભવિષ્યનાં હુમલા હવે ફક્ત ઉર્જાથી જોડાયેલ ઇન્ફ્રાસ્ટ્રચર સુધી મર્યાદિત રહેશે નહીં.યુક્રેનનાં અધિકારીઓનાં જણાવ્યા અનુસાર રશિયાએ યુક્રેન પર ૫૦૦ ડ્રોન અને મિસાઇલો છોડી હતી. યુક્રેનનાં વિદેશ પ્રધાન એન્ડ્રી સિબિહાએ જણાવ્યું હતું કે યુક્રેનનાં યુદ્ધવિરામનાં પ્રસ્તાવનો જવાબ રશિયા ડ્રોન અને મિસાઇલ છોડીને આપી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સ્કીએ સંકેત આપ્યા છે કે યુક્રેન ઇસ્ટર પર સંભવિત યુદ્ધ વિરામ માટે હજુ પણ તૈયાર છે. આ પ્રસ્તાવની જાણ રશિયાને કરી દેવામાં આવી છે. જો કે રશિયા તરફથી આ પ્રસ્તાવ અંગે કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. ગયા વર્ષે ઇસ્ટર પર રશિયાએ ૩૦ કલાકનાં યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી પણ બંને પક્ષોએ એકબીજા પર તેનો ભંગ કરવાનો આરોપ મૂક્યો હતો.

આ દરમિયાન યુક્રેનનાં અધિકારીઓએ જણાવ્યું છે કે હવે રશિયા દિવસનાં સમયે વધારે હુમલા કરી રહ્યું છે. જે છેલ્લા કેટલાક મહિનાઓથી રાતનાં સમયે કરવામાં આવતા હુમલાની રણનીતિથી તદ્દન અલગ છે.

બીજી તરફ રશિયનાં ક્ષેત્રીય ગવર્નર એલેક્ઝાન્ડરે જણાવ્યું છે કે યુક્રેને રશિયાનાં  લેનિનગ્રાદ ક્ષેત્ર પર ડ્રોનથી હુમલો કર્યો છે. જેના કારણે ઘાયલ થયેલા બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

National : એડિટોરિયલ: જ્યારે સંસદમાં ગુંજતો અવાજ દીકરીના ન્યાય માટે મૌન બની જાય ત્યારે…

0

લેખક: પવન માકન (એડિટર, પાક્કો ગુજરાત)
ભારતીય લોકશાહીના સૌથી પવિત્ર મંદિર એટલે કે સંસદમાં આજે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધી રહ્યું છે, જે દરેક દેશવાસી માટે ગર્વની વાત છે. નારી શક્તિના સન્માનની વાતો મંચ પરથી ગુંજે છે, પણ જ્યારે ગલી-મહોલ્લાની કોઈ દીકરી પર આફત આવે છે, ત્યારે એ ગર્વ ક્યાંક ઓગળી જતો દેખાય છે. આજે સવાલ એ છે કે જો સંસદમાં બેઠેલી મહિલા શક્તિ એક દીકરીના આંસુ લૂછી ન શકે, તો એ ગર્વનો અર્થ શું?
ગર્વ છે, પણ અધૂરો છે!
આપણને ગર્વ છે કે મહિલાઓ દેશના કાયદા ઘડે છે, નીતિઓ નક્કી કરે છે. પણ જ્યારે ન્યાય માટે એક દીકરીને રસ્તા પર એકલી લડવું પડે, ત્યારે એ ગર્વ અધૂરો લાગે છે.

  • સવાલ: શું સંસદની ખુરશીઓ દીકરીની ચીસ સાંભળવા માટે બહેરી થઈ ગઈ છે?
  • વાસ્તવિકતા: સંસદમાં મહિલાઓની હાજરી માત્ર આંકડો નથી, તે એક આશા છે. પણ જ્યારે ન્યાયની વાત આવે ત્યારે ‘રાજકીય મૌન’ કેમ છવાઈ જાય છે?
    હવે મૌન નહીં, અવાજ બનવો પડશે
    દીકરી જ્યારે રડે છે, ત્યારે આખું આકાશ ધ્રૂજી ઉઠવું જોઈએ. પણ અફસોસ કે અત્યારે શાંતિ છવાયેલી છે. આ શાંતિ ખતરનાક છે. જો આજે આપણે અવાજ નહીં ઉઠાવીએ, તો આવતીકાલે કોઈ દીકરી સુરક્ષિત નહીં અનુભવે.

“સંસદમાં મહિલાઓ છે… પણ ન્યાય માટેની લડતમાં એ પ્રખર અવાજ ક્યાં છે?”

સમય આવી ગયો છે બોલવાનો!
ન્યાય માટે કોઈને એકલા લડવું પડે, તે સભ્ય સમાજ માટે કલંક છે. ‘પાક્કો ગુજરાત’ આજે દરેક નાગરિકને આ સવાલ પૂછવા મજબૂર કરે છે. આ લડત કોઈ પક્ષની નથી, આ લડત કોઈ વ્યક્તિની નથી, આ લડત છે આપણી દીકરીઓના અસ્તિત્વ અને સન્માનની.
નિષ્કર્ષ:
ગર્વ ચોક્કસ કરો, પણ એ ગર્વ ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે સંસદમાં બેઠેલી શક્તિઓ રસ્તા પર લડતી દીકરીના પક્ષમાં ઉભી રહેશે. હવે માત્ર વાતો નહીં, પરિણામ જોઈએ. મૌન તોડવાનો સમય આવી ગયો છે.
સજાગ બનો, સવાલ પૂછો!

  • પાક્કો ગુજરાત ન્યૂઝ