Home Blog Page 203

Sports : અભિષેક શર્મા નવી મુસીબતમાં ફસાયો! IPL કૉડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન કરતાં મળી સજા

0

IPL 2026માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં હૈદરાબાદનો વિજય તો થયો, પરંતુ તેમના સ્ટાર ઓપનર અભિષેક શર્મા માટે આ મેચ વિવાદો લઈને આવી છે. મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવનાર અભિષેક પર IPL આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવી છે.

મેચ ફીના 25% દંડ અને ડિમેરિટ પોઈન્ટ

ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચ દરમિયાન અભિષેક શર્માએ IPL કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.3 હેઠળ લેવલ 1નો ગુનો કર્યો હોવાનું સામે આવ્યું છે. જેના પરિણામે ખેલાડી પર મેચ ફીનો 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. અભિષેકે પોતાની ભૂલ સ્વીકારી લેતા મેચ રેફરીનો આ નિર્ણય અંતિમ માનવામાં આવ્યો છે.

શું હતો વિવાદ?

જોકે સત્તાવાર રીતે ભૂલ સ્પષ્ટ કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે, આ દંડ તેના વિવાદિત કેચ સાથે જોડાયેલો છે. 21 બોલમાં 48 રનની તોફાની ઇનિંગ રમી રહેલા અભિષેકનો કેચ વરુણ ચક્રવર્તીએ પકડ્યો હતો. આ કેચ ક્લિયર ન હોવા છતાં થર્ડ અમ્પાયરે તેને આઉટ જાહેર કરતા અભિષેકે મેદાન પર નારાજગી વ્યક્ત કરી હતી.

SRHનો દબદબો

વિવાદો વચ્ચે પણ હૈદરાબાદે શાનદાર પ્રદર્શન કરી KKRને હારનો સ્વાદ ચખાડ્યો હતો. 

SRHનો સ્કોર: 20 ઓવરમાં 226/8 (હેનરિક ક્લાસેન 52, અભિષેક શર્મા 48, ટ્રેવિસ હેડ 46).

KKRનો સ્કોર: 16 ઓવરમાં 161 રને ઓલઆઉટ.

હિરો ઓફ ધ મેચ: નીતિશ કુમાર રેડ્ડી (39 રન અને 2 વિકેટ). તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

બોલિંગ: જયદેવ ઉનડકટે 3 વિકેટ ઝડપીને KKRની કમર તોડી નાખી હતી.

શા માટે લાગ્યો દંડ? (આર્ટિકલ 2.3)

IPLના નિયમો મુજબ આર્ટિકલ 2.3 સામાન્ય રીતે મેદાન પર અભદ્ર ભાષાનો ઉપયોગ અથવા અમ્પાયરના નિર્ણય સામે અયોગ્ય પ્રતિક્રિયા આપવા બદલ લગાવવામાં આવે છે. અભિષેક માટે આ સિઝનની સારી શરૂઆત બાદ આ એક મોટો બોધપાઠ સમાન છે.

Health : સ્વાસ્થ્ય માટે ઓલિવ ઓઈલ કે સરસવનું ઓઈલ, કયું ઓઈલ છે વધુ ગુણકારી?

0

ઓઈલ આપણા રોજિંદા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ખોરાકનો સ્વાદ વધારવા ઉપરાંત, તે આપણા સ્વાસ્થ્ય પર પણ ઊંડી અસર કરે છે. પરંતુ પ્રશ્ન એ છે કે કયું ઓઈલ આપણા શરીર માટે સૌથી વધુ ફાયદાકારક છે. ઓલિવ ઓઈલ કે સરસવનું ઓઈલ? દરેક ઓઈલના પોતાના ફાયદા હોય છે, પરંતુ યોગ્ય પસંદગી તમારી જરૂરિયાતો અને સ્વાસ્થ્ય પર આધાર રાખે છે.

ઓલિવ ઓઈલ

ઓલિવ ઓઈલ હૃદયના સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ અને શક્તિશાળી એન્ટીઑકિસડન્ટો હોય છે , જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને હૃદય રોગનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.ઓલિવ ઓઈલ સ્કિનને ભેજયુક્ત અને પોષણ આપે છે.
તે ચરબી બર્ન કરવામાં પણ મદદ કરી શકે છે.
સરસવનું ઓઈલ

સરસવનું ઓઈલ ભારતીય ભોજનનો પરંપરાગત ભાગ છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે હાડકાં અને સાંધાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ ઓઈલ પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધારે છે .

તે ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે.
સરસવના ઓઈલથી હળવો શરીર માલિશ કરવાથી શરીર ગરમ રહે છે.
કયા ઓઈલનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ?

જો તમે હૃદય પ્રત્યે સભાન છો તો ઓલિવ ઓઈલ એક સારો ઓપ્શન છે.
જો તમે લીલા શાકભાજી અને તંદૂરી વાનગીઓનો સ્વાદ વધારવા માગતા હો, તો સરસવનું ઓઈલ યોગ્ય રહેશે.
યોગ્ય માત્રામાં ઓઈલનું સેવન કરવું જોઈએ

કોઈપણ ઓઈલનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. દરરોજ 1 ચમચી ઓઈલનું સેવન પૂરતું છે. આ સાથે, સંતુલિત આહાર અને નિયમિત કસરત પણ જરૂરી છે. ઓલિવ ઓઈલ અને સરસવનું ઓઈલ બંનેના પોતાના ફાયદા છે. ઓલિવ ઓઈલ હૃદય અને વજન નિયંત્રણ માટે સારું છે, જ્યારે સરસવનું ઓઈલ પાચન અને હાડકાં માટે ફાયદાકારક છે. સૌથી મહત્વની બાબત એ છે કે તમારી જરૂરિયાત અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઓઈલ પસંદ કરો અને સ્વસ્થ જીવનનો આનંદ માણો.

Top News : પ્રીમિયમ પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG પણ થયું મોંઘું, ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) સામાન્ય જનતા પર ફરી એકવાર મોંઘવારીનો બોજ વધ્યો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા અમદાવાદમાં CNGના ભાવમાં પ્રતિ કિલોએ 1.50 રૂ.નો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા વધારા બાદ હવે શહેરમાં CNGનો છૂટક ભાવ 83.77 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે.

2026માં ત્રીજી વખત ફેરફાર

વર્ષ 2026ની શરૂઆતમાં અદાણીએ ભાવમાં થોડી રાહત આપી હતી, પરંતુ ત્યારબાદ ટૂંકા ગાળામાં સતત બે વાર ભાવ વધારવામાં આવ્યા છે. આમ, ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ભાવમાં કુલ રૂ.2.00નો વધારો થઈ ચૂક્યો છે, જે જાન્યુઆરીમાં અપાયેલી રાહત કરતાં પણ વધારે છે.

1 જાન્યુઆરી, 2026: રૂ. 1.21નો ઘટાડો (રાહત)

7 ફેબ્રુઆરી, 2026: રૂ. 0.50નો વધારો2 એપ્રિલ, 2026: રૂ. 1.50નો વધારો

કોને પડશે સૌથી વધુ અસર?

CNGના ભાવમાં થયેલા આ વધારાને કારણે મધ્યમ વર્ગ અને પરિવહન ક્ષેત્ર પર સીધી અસર પડશે. રિક્ષા ચાલકોના રોજના ખર્ચમાં વધારો થતાં આવક પર કાતર ફરશે અથવા તો તેઓ ભાડું વધારશે તો સામાન્ય નાગરિકોને અસર પડશે. ટેક્સી અને કેબ ઓપરેટર્સને ઓપરેશનલ કોસ્ટ વધવાથી ભાડામાં વધારો થવાની શક્યતા છે. સામાન્ય વાહન ચાલકોને ખાનગી વાહન લઈને ઑફિસ કે કામ અર્થે જનારા નાગરિકોનું બજેટ ખોરવાશે.

પેટ્રોલ-ડીઝલમાં પણ મોટો વધારો

1 એપ્રિલથી આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારાના વલણ વચ્ચે CNGનો આ ભાવ વધારો અમદાવાદીઓની કમર તોડનારો સાબિત થશે. આગામી દિવસોમાં રિક્ષા કે ટેક્સીના ભાડામાં વધારો થાય તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. હાલ તો વિધાનસભા ચૂંટણી હોવાના કારણે પેટ્રોલ-ડીઝલ પણ રોકાયેલું છે પરંતુ આ ચૂંટણીઓ પૂર્ણ થયે તેમાં પણ મોટો વધારો રાહ જોઈ રહ્યો હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. 

National : સિસ્ટમ સામે લડનારા ‘જાંબાઝ’ IAS રિંકુ સિંહ રાહીનું રાજીનામું: 10 ગોળીઓ ખાધી, જેલમાં ગયા, છતાં ઝૂક્યા નહીં!

“કામ વગરનો પગાર ખપે નહીં”: સેવાનો મોકો ન મળતા ઈમાનદાર અધિકારીએ પદ ઠુકરાવ્યું, વાંચો સંઘર્ષની પૂરી કહાની

અમદાવાદ / લખનૌ
આજના સમયમાં જ્યારે ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામાન્ય બન્યા છે, ત્યારે એક એવા અધિકારીની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે જેમણે ઈમાનદારી માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું. IAS રિંકુ સિંહ રાહીએ પોતાના પદ પરથી રાજીનામું આપીને ફરી એકવાર સાબિત કર્યું છે કે તેમના માટે પદ કરતા સિદ્ધાંતો વધુ વહાલા છે.


100 કરોડનું કૌભાંડ ખોલ્યું અને મળી 10 ગોળીઓ!

રિંકુ સિંહ રાહીના સંઘર્ષની શરૂઆત 2008માં થઈ હતી. તે સમયે તેઓ મુઝફ્ફરનગરમાં સમાજ કલ્યાણ અધિકારી (PCS) તરીકે ફરજ બજાવતા હતા. તેમણે વિદ્યાર્થીઓની સ્કોલરશિપમાં થયેલું 100 કરોડનું મોટું કૌભાંડ બહાર પાડ્યું હતું. આ ઈમાનદારીની કિંમત તેમને લોહીથી ચૂકવવી પડી. ભ્રષ્ટાચારીઓએ તેમના પર જીવલેણ હુમલો કર્યો અને 10 ગોળીઓ મારી. રિંકુ સિંહ મોતને માત આપીને જીવતા તો બચ્યા, પરંતુ તેમણે પોતાની એક આંખ ગુમાવી અને જડબું પણ તૂટી ગયું.
તંત્રનો અત્યાચાર: RTI કરી તો માનસિક હોસ્પિટલ મોકલાયા!
2012માં જ્યારે તેમણે પોતાના જ વિભાગમાં ભ્રષ્ટાચારની માહિતી માંગવા RTI કરી અને ધરણા પર બેઠા, ત્યારે તંત્રએ તેમને મદદ કરવાને બદલે પોલીસ દ્વારા પકડાવીને માનસિક હોસ્પિટલ મોકલી દીધા હતા. આટલું માનસિક અને શારીરિક શોષણ છતાં તેમણે હિંમત હારી નહીં.
સંઘર્ષનું ફળ: 2023માં UPSC પાસ કરી બન્યા IAS
તમામ મુસીબતોની વચ્ચે રિંકુ સિંહે અભ્યાસ ચાલુ રાખ્યો અને વર્ષ 2023માં UPSCની કઠિન પરીક્ષા પાસ કરીને તેઓ IAS બન્યા. તેમની નિમણૂક યુપીના પુવાયાં તહસીલમાં SDM તરીકે થઈ હતી.
એક કિસ્સો જેણે તેમની કાર્યશૈલી બતાવી
SDM તરીકે ફરજ દરમિયાન તેમણે એક વકીલના મુનશીને જાહેરમાં ગંદકી કરતા જોયા અને સજા રૂપે ઊઠક-બેઠક કરાવી. જ્યારે વકીલોએ વિરોધ કર્યો, ત્યારે રિંકુ સિંહે પોતે પણ ઊઠક-બેઠક કરીને સંદેશ આપ્યો કે નિયમ દરેક માટે સમાન છે. જોકે, આ ઘટના બાદ સરકાર દ્વારા તેમની બદલી કરી દેવામાં આવી અને તેમને કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવી નહીં.
“કામ વગરનો પગાર લેવો એ પણ ભ્રષ્ટાચાર છે”
છેલ્લા 8 મહિનાથી રિંકુ સિંહ કોઈ પણ ફિલ્ડ ડ્યુટી વગર બેઠા હતા. અંતે કંટાળીને તેમણે રાજીનામું આપતા કહ્યું કે:

“મને પગાર તો મળી રહ્યો હતો, પણ જનતાની સેવા કરવાનો મોકો નહોતો. જો હું લોકો માટે કામ જ ન કરી શકું, તો આવા અધિકારી બનવાનો કોઈ અર્થ નથી.”

આજે જ્યારે સત્તા માટે લોકો ગમે તે હદ સુધી જાય છે, ત્યારે રિંકુ સિંહ રાહી જેવા અધિકારીઓ સમાજ માટે ઈમાનદારીનું જીવતું જાગતું ઉદાહરણ પૂરું પાડે છે.
વિશેષ અહેવાલ: પાક્કો ગુજરાત ન્યૂઝ ડેસ્ક

Gandhinagar : ગુજરાત લોકલ બોડી ઇલેક્શન: ભાજપનો ‘નો-રિપીટ’ અને ‘વય મર્યાદા’નો મોટો દાવ, અનેક દિગ્ગજોના પત્તા કપાશે!60 વર્ષથી ઉપરના અને 3 ટર્મ પૂરી કરનારાઓને ટિકિટ નહીં!: સંગઠનના હોદ્દેદારો પણ ચૂંટણી નહીં લડી શકે, CECની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

ગાંધીનગર / અમદાવાદ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. આગામી 26મી એપ્રિલે એક જ તબક્કામાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 10,005 બેઠકો માટે મતદાન થવાનું છે. આ જંગ જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગીમાં અત્યંત કડક માપદંડો અપનાવીને રાજકીય ગરમાવો લાવી દીધો છે.


ભાજપના કડક માપદંડો: નવા ચહેરાઓને તક
દિલ્હીમાં મળેલી ભાજપની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC)ની બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ, આ વખતે અનેક સીટિંગ કાઉન્સિલરો અને દિગ્ગજોના પત્તા કપાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ભાજપે નીચે મુજબના ‘ફિલ્ટર’ તૈયાર કર્યા છે:

  • વય મર્યાદા: 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા કાર્યકરોને ટિકિટ આપવામાં આવશે નહીં.
  • ટર્મ લિમિટ: જે ઉમેદવારો સતત 3 ટર્મ (15 વર્ષ) પૂરી કરી ચૂક્યા છે, તેમને પણ આ વખતે ઘરે બેસવાનો વારો આવશે.
  • સંગઠન કે ચૂંટણી: પક્ષમાં હોદ્દો ધરાવતા હોદ્દેદારોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કોઈ હોદ્દેદાર ચૂંટણી લડવા માંગતા હોય, તો તેમણે સંગઠનમાંથી રાજીનામું આપવું પડશે.
    10,005 બેઠકો પર રસાકસીનો જંગ
    રાજ્યની 15 મહાનગરપાલિકાઓ સહિતની કુલ 10,005 બેઠકો પર ઉમેદવારી કરવા માટે ભાજપમાં ભારે ખેંચતાણ ચાલી રહી છે. ભાજપે આ વખતે યુવા અને શિક્ષિત ઉમેદવારો પર વધુ પસંદગી ઉતારવાનું મન બનાવ્યું છે. ‘નો-રિપીટ’ થીયરીના કડક અમલથી વર્ષોથી પદ પર ચીપકી રહેલા નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    ચૂંટણીનું આખું શિડ્યુલ એક નજરે:
  • મતદાનની તારીખ: 26 એપ્રિલ, 2026 (એક જ તબક્કામાં)
  • પરિણામની તારીખ: 29 એપ્રિલ, 2026
  • ક્યાં યોજાશે ચૂંટણી?
  • 15 મહાનગરપાલિકા
  • 84 નગરપાલિકા
  • 34 જિલ્લા પંચાયત
  • 260 તાલુકા પંચાયત
    વિપક્ષોની પણ તૈયારીઓ તેજ
    એક તરફ ભાજપ કેડર અને શિસ્તના જોરે ચૂંટણી મેદાનમાં છે, તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ સ્થાનિક પ્રશ્નોને લઈને મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, ભાજપના આ નવા નિયમોને કારણે કાર્યકરોમાં ક્યાંક ઉત્સાહ તો ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહેશે કે 29 એપ્રિલે જનતા કોના પર કળશ ઢોળે છે.
    બ્યુરો રિપોર્ટ: પાક્કો ગુજરાત

Gujarat : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કે ‘સગવડિયો’ ખેલ? પોરબંદરમાં લિકર શોપને મંજૂરી અને આરોગ્યના નામે ‘અમૃત’નો વ્યવહાર!

0

ગુજરાતમાં દારૂબંધી એ માત્ર કાયદો નથી, પણ એક રાજકીય અને સામાજિક ગરિમાનો વિષય છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં દાયકાઓ પછી પ્રથમ વખત લિકર શોપ (પરમિટ શોપ) ખોલવાની જે પરવાનગી અપાઈ છે, તેણે રાજ્યમાં ચાલતી ‘કથિત’ દારૂબંધીની પોલ ખોલી નાખી છે. એક તરફ સરકાર દારૂબંધીના બણગાં ફૂંકે છે, તો બીજી તરફ દારૂના ‘ગ્રાહકો’ ઉભા કરવા માટે નિયમોમાં છૂટછાટોની ગંગોત્રી વહી રહી છે.


આરોગ્ય પરમિટ: દારૂ પીવા માટેનું ‘સરકારી લાયસન્સ’
ગુજરાતમાં જો તમારે કાયદેસર દારૂ પીવો હોય, તો સૌથી સહેલો રસ્તો છે ‘હેલ્થ પરમિટ’. પરંતુ આ પરમિટ મેળવવાના ફોર્મમાં જે વિગતો છે તે આશ્ચર્યજનક છે:

  • રોગનું બહાનું: હાઈ બ્લડ પ્રેશર, અનિદ્રા (Insomnia), હૃદયની બીમારી કે માનસિક તણાવ જેવા કારણો ધરીને 40 વર્ષથી ઉપરની વ્યક્તિઓ આસાનીથી પરમિટ મેળવી લે છે.
  • આરોગ્ય કે આડંબર?: સરકારના ફોર્મમાં દારૂને એક ‘ઉપચાર’ તરીકે દર્શાવવામાં આવે છે, જે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ‘જરૂરી’ છે તેવું મેડિકલ બોર્ડ પ્રમાણિત કરે છે.
    WHO વિરુદ્ધ ગુજરાત સરકાર: કોણ સાચું?
    વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના રિપોર્ટ અને ગુજરાત સરકારના તર્ક વચ્ચે મોટો વિરોધાભાસ છે:
  • WHO નો રિપોર્ટ: વિશ્વ આરોગ્ય સંસ્થા સ્પષ્ટ કહે છે કે દારૂનું એક ટીપું પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તે કેન્સર સહિતના અનેક રોગોનું મૂળ છે.
  • સરકારી તર્ક: ગુજરાતમાં હેલ્થ પરમિટ આપતી વખતે એવો તર્ક આપવામાં આવે છે કે અમુક રોગોમાં દારૂ ‘દવા’ તરીકે કામ કરે છે. શું ગુજરાતની મેડિકલ સાયન્સ વિશ્વની સંસ્થા કરતા અલગ છે?
    પોરબંદર: પ્રતીકાત્મક હાર કે જરૂરિયાત?
    ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં અત્યાર સુધી પરમિટ ધારકોએ દારૂ લેવા જામનગર કે રાજકોટ સુધી લંબાવવું પડતું હતું. પરંતુ હવે ત્યાં જ શોપ ખોલવાની મંજૂરી આપીને સરકારે સંકેત આપ્યો છે કે પ્રવાસન અને બિઝનેસના નામે ગાંધીના આદર્શો સાથે સમાધાન થઈ રહ્યું છે. ગિફ્ટ સિટીમાં મળેલી છૂટછાટ બાદ હવે પોરબંદર જેવી ઐતિહાસિક જગ્યાએ લિકર શોપ ખુલવી એ દારૂબંધીના કાયદાના શબપેટીમાં છેલ્લો ખીલો મનાઈ રહ્યો છે.
    ‘પાક્કો ગુજરાત’ નો સવાલ:
    જો દારૂ સ્વાસ્થ્ય માટે સારો છે અને તેને ‘દવા’ તરીકે પરમિટ અપાય છે, તો પછી દારૂબંધીનું નાટક શા માટે? અને જો તે ઝેર છે, તો સરકાર પોતે જ ગ્રાહકો ઉભા કરવા માટે સગવડિયા નિયમો કેમ બનાવી રહી છે? શું આ બધું માત્ર રેવન્યુ અને ચોક્કસ વર્ગને ખુશ કરવા માટે જ થઈ રહ્યું છે?
    અહેવાલ: પાક્કો ગુજરાત સ્પેશિયલ ડેસ્ક
    એડિટર: પવન માકન

National : નેવીનો ‘કેપ્ટન’ કે પાખંડી ‘હૈવાન’? 154 દેશોનો પ્રવાસ કરનાર અશોક ખરાતના કાળા કારનામાનો પર્દાફાશ!આસ્થાની આડમાં અઘોરી ખેલ:

0

નાસિક / અમદાવાદ
કહેવાય છે કે જ્યારે શ્રદ્ધા આંધળી બને છે, ત્યારે તે વિનાશ નોતરે છે. મહારાષ્ટ્રના નાસિકમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જેણે આખા દેશને હચમચાવી દીધો છે. મર્ચન્ટ નેવીમાં 22 વર્ષ નોકરી કરનાર અને પોતાને ‘દિવ્ય દ્રષ્ટા’ ગણાવતો 67 વર્ષીય અશોક ખરાત (Ashok Kharat) ઉર્ફે ‘કેપ્ટન’ આજે પોલીસના સકંજામાં છે. આ ‘ઢોંગી બાબા’એ આસ્થાના નામે જે ખેલ ખેલ્યા છે, તે સાંભળીને રૂંવાડા ઉભા થઈ જશે.


PCO ચલાવતો શખ્સ કેવી રીતે બન્યો ‘દિવ્ય જ્યોતિષ’?
ત્રણ દાયકા પહેલા નાસિકમાં એક નાનકડા ગાળામાં STD-PCO ચલાવતા અશોક ખરાતે ધીરે-ધીરે જમીન-મકાનનો વ્યવસાય શરૂ કર્યો. અંકશાસ્ત્ર અને જ્યોતિષનો અભ્યાસ કરી તેણે મફત સલાહ આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ભવિષ્યવાણીઓ સાચી પડતા લોકોનો વિશ્વાસ વધ્યો અને જોતજોતામાં ‘ઈશાન્યેશ્વર મહાદેવ મંદિર’ અને ‘શિવનિકા સંસ્થાન ટ્રસ્ટ’ ઉભા કરી દીધા. તે પોતાની વેબસાઈટ પર નેવીનો અનુભવ અને 154 દેશોના પ્રવાસનો દમ ભરી લોકોને આંજી દેતો હતો.
ભયનું સામ્રાજ્ય અને ‘વિશેષ પૂજા’ના નામે ઉઘાડી લૂંટ
તપાસમાં બહાર આવ્યું છે કે, અશોક ખરાત ભક્તોને મનોવૈજ્ઞાનિક રીતે ડરાવવામાં માહિર હતો.

  • ડરનો વેપાર: પ્લાસ્ટિકના સાપ અને વાઘની ચામડી જેવા પ્રોપ્સનો ઉપયોગ કરી મંદિરમાં ભયાનક વાતાવરણ ઉભું કરતો.
  • મર્સિડીઝની ખંડણી: પુણેના એક બિલ્ડરને મોતનો ડર બતાવીને 5 કરોડ રૂપિયા પડાવ્યા અને મજબૂરીમાં મર્સિડીઝ કાર પણ ખરીદાવી.
  • અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા: ‘પારસ’ શક્તિ મેળવવા માટે 21 દેશોની માટીમાં પૂજા કરવાના નામે બિલ્ડરના ખર્ચે વિદેશ પ્રવાસ કર્યા.
    મહિલાઓ સાથે ક્રૂરતા: ‘પ્રસાદ’માં ડ્રગ્સ આપી આચરતો દુષ્કર્મ
    સૌથી ભયાનક ખુલાસો મહિલા શ્રદ્ધાળુઓના શોષણને લઈને થયો છે.
  • બ્લેકમેલિંગનો ખેલ: વશીકરણ અને પૂજાના નામે મહિલાઓને નશાકારક પીણું પીવડાવી તેમની સાથે દુષ્કર્મ આચરતો.
  • વીડિયો રેકોર્ડિંગ: રૂમમાં છુપા કેમેરા લગાવી વીડિયો ઉતારતો અને પછી બ્લેકમેલ કરતો. પોલીસને તપાસમાં આવા 58થી 100 જેટલા આપત્તિજનક વીડિયો મળી આવ્યા છે.
    1500 કરોડનું સામ્રાજ્ય અને હથિયારોનો જથ્થો
    SITની તપાસ મુજબ, આ પાખંડીની સંપત્તિનો આંકડો 200 કરોડથી લઈને 1500 કરોડ સુધી હોઈ શકે છે. તેના ઘરેથી રિવોલ્વર, જીવતા કારતૂસ અને રોકડ રકમ મળી આવી છે. 18 માર્ચે એક પીડિત મહિલાની ફરિયાદ બાદ તેની ધરપકડ થઈ અને અત્યાર સુધીમાં તેની સામે 8 FIR નોંધાઈ છે. શંકા તો એવી પણ છે કે આ શખ્સે અઘોરી પૂજામાં બલી પણ આપી હોઈ શકે છે.
    સાવધાન રહેવાની જરૂર
    આ કિસ્સો સાબિત કરે છે કે ચમત્કારના નામે ભય બતાવનારા લોકો ક્યારેય તમારા હિતેચ્છુ હોતા નથી. ‘પાક્કો ગુજરાત’ જનતાને અપીલ કરે છે કે અંધશ્રદ્ધામાં આવીને આવા લેભાગુ તત્વોના શરણે ન જશો.
    અહેવાલ: પાક્કો ગુજરાત ન્યૂઝ ડેસ્ક

National : મધ્યમ વર્ગનો આર્તનાદ: “પગાર હાથમાં આવે તે પહેલાં જ ક્યાં ગાયબ થઈ જાય છે?”

0

દેશના વિકાસનો આધાર ગણાતો ‘સેન્ડવિચ ક્લાસ’ ટેક્સ અને મોંઘવારીના બેવડા પડ પડ વચ્ચે પીસાયો: રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં ઉઠાવ્યો મુદ્દો
અમદાવાદ / નવી દિલ્હી
“મારી આવક મને મળે તે પહેલાં જ ક્યાં જાય છે?” – આ પ્રશ્ન આજે ભારતના કરોડો મધ્યમ વર્ગીય પરિવારોનો છે. તાજેતરમાં રાજ્યસભામાં સાંસદ રાઘવ ચઢ્ઢાએ જ્યારે આ મુદ્દો ઉઠાવ્યો, ત્યારે તે માત્ર એક રાજકીય નિવેદન નહીં પણ દેશના પગારદાર વર્ગની વાસ્તવિકતા બનીને ઉભર્યો છે. આ ચર્ચા માત્ર આંકડાઓની નથી, પરંતુ મધ્યમ વર્ગ પર વધી રહેલા અસહ્ય આર્થિક બોજની છે.
કોર્પોરેટ કરતા વ્યક્તિગત કરદાતાઓનો ફાળો વધ્યો!
તાજેતરના આંકડાઓ ચોંકાવનારા છે. દેશમાં વ્યક્તિગત કરદાતાઓ આવકવેરા પેટે અંદાજે ₹11 લાખ કરોડનું યોગદાન આપે છે, જેની સામે કોર્પોરેટ ટેક્સની વસૂલાત અંદાજે ₹9.8 લાખ કરોડ છે. આ સરખામણી દર્શાવે છે કે જેમના પગારમાંથી સીધો ટેક્સ (TDS) કપાય છે, તેવા સામાન્ય કર્મચારીઓ પર નાણાકીય બોજ ઉદ્યોગગૃહો કરતા પણ વધી રહ્યો છે.
‘સેન્ડવિચ વર્ગ’ની બેવડી મુસીબત
મધ્યમ વર્ગ આજે એક એવી સ્થિતિમાં છે જ્યાં તેને ‘સેન્ડવિચ ક્લાસ’ કહેવામાં આવે છે:

  • નથી મળતી સબસિડી: ગરીબ વર્ગની જેમ તેને સરકારી સબસિડીનો લાભ મળતો નથી.
  • નથી મળતા મોટા પ્રોત્સાહનો: મોટા ઉદ્યોગપતિઓની જેમ તેને ટેક્સમાં મોટી છૂટછાટો કે રાહતો મળતી નથી.
    મોંઘવારીનો માર: આંકડા બોલે છે
    જ્યારે આવક મર્યાદિત છે, ત્યારે ખર્ચમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે:
  • શિક્ષણ ખર્ચ: વાર્ષિક 8% નો વધારો.
  • આરોગ્ય સેવાઓ: 9% જેટલો વધારો.
  • ભાડું અને રહેઠાણ: 7% નો ઉછાળો.
  • ફુગાવો: સતત 6-7% ની આસપાસ રહેતા દૈનિક ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે.
    શું છે મધ્યમ વર્ગની માંગ?
    આર્થિક નિષ્ણાતો અને કરદાતાઓ તરફથી એવી પ્રબળ માંગ ઉઠી રહી છે કે સરકાર ટેક્સ સિસ્ટમમાં સંતુલન જાળવે. સૂચનો મુજબ, સ્ટાન્ડર્ડ ડિડક્શન (Standard Deduction) ને હાલના ₹50,000 થી વધારીને ₹75,000 અથવા ₹1.5 લાખ સુધી લઈ જવાની જરૂર છે, જેથી પગારદાર વર્ગના હાથમાં ખર્ચવા માટે થોડા વધુ નાણાં બચે.
    નિષ્કર્ષ
    મધ્યમ વર્ગ માત્ર કર ચૂકવનાર જૂથ નથી, પરંતુ તે દેશની આર્થિક ગતિશીલતાનો મુખ્ય આધાર છે. જો આ વર્ગની નાણાકીય સ્થિરતા જોખમાશે, તો વપરાશ (Consumption) ઘટશે જે અંતે દેશના જીડીપીને અસર કરી શકે છે. હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં સરકાર આ ‘સેન્ડવિચ વર્ગ’ને રાહત આપવા માટે કેવા પગલાં ભરે છે.
    અહેવાલ: પાક્કો ગુજરાત આર્થિક ડેસ્ક

National : ફરીદાબાદનો પંક્ચર મિસ્ત્રી કે પાકિસ્તાની જાસૂસ? નોશાદ અલીની ધરપકડથી સુરક્ષા એજન્સીઓ સતર્ક!સામાન્ય મજૂરના વેશમાં દેશની સંવેદનશીલ માહિતી સરહદ પાર મોકલવાનું મોટું કૌભાંડ

0

ફરીદાબાદ / અમદાવાદ
શું કોઈ પંક્ચર કાઢનારો સામાન્ય મજૂર દેશની સુરક્ષા માટે ખતરો બની શકે? આ સવાલ ફરીદાબાદમાં થયેલી એક ધરપકડ બાદ આખા દેશમાં ચર્ચાઈ રહ્યો છે. ફરીદાબાદમાં પંક્ચર રિપેરિંગનું કામ કરતા નોશાદ અલી નામના શખ્સની જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.


જાસૂસીનું હાઈટેક નેટવર્ક અને સામાન્ય વેશ
નોશાદ અલી દેખાવમાં એક સામાન્ય પંક્ચર મિસ્ત્રી હતો, પરંતુ તેની પડદા પાછળની પ્રવૃત્તિઓ અત્યંત શંકાસ્પદ હતી. સુરક્ષા એજન્સીઓ છેલ્લા ઘણા સમયથી તેની હલચલ પર ગુપ્ત નજર રાખી રહી હતી. આખરે પુખ્ત પુરાવા મળતા તેને એક પેટ્રોલ પંપ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે.

  • વિદેશી સંપર્કો: અધિકારીઓને શંકા છે કે નોશાદ અલી સોશિયલ મીડિયા કે અન્ય ગુપ્ત માધ્યમો દ્વારા વિદેશી હેન્ડલર્સ (ખાસ કરીને પાકિસ્તાની એજન્સીઓ) સાથે સંપર્કમાં હતો.
  • માહિતી લીક: તે ભારતના સંવેદનશીલ વિસ્તારો કે સુરક્ષા સંસ્થાઓની માહિતી સરહદ પાર મોકલતો હોવાની આશંકા છે.
    હવે તપાસનો ધમધમાટ: પાછળ કોણ છે?
    હાલ તપાસ એ દિશામાં ચાલી રહી છે કે નોશાદ અલી એકલો કામ કરતો હતો કે તેની પાછળ કોઈ મોટું જાસૂસી નેટવર્ક કાર્યરત છે. તેની પાસેથી મળી આવેલા મોબાઈલ અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે, જેથી કઈ માહિતી લીક થઈ છે તેનું સત્ય સામે આવી શકે.
    ફિલ્મી જાસૂસી નહીં, વાસ્તવિક ખતરો
    આ કેસ સાબિત કરે છે કે આજકાલની જાસૂસી ફિલ્મો જેવી ગ્લેમરસ નથી હોતી. જાસૂસો તમારી આસપાસ, સામાન્ય લોકોના વેશમાં, પંક્ચર મિસ્ત્રી, ફળ વેચનારા કે સામાન્ય મજૂર બનીને છુપાયેલા હોઈ શકે છે. તેઓ આપણી વચ્ચે રહીને જ દેશની ગુપ્ત વિગતો દુશ્મન દેશો સુધી પહોંચાડે છે.
    સાવચેતી એ જ સુરક્ષા
    આ ઘટના બાદ દેશની સુરક્ષા એજન્સીઓએ જનતાને પણ અપીલ કરી છે કે જો તમારી આસપાસ કોઈ વ્યક્તિની પ્રવૃત્તિ શંકાસ્પદ જણાય, તો તુરંત પોલીસને જાણ કરવી. દેશની સુરક્ષા માટે દરેક નાગરિકે સતર્ક રહેવું અનિવાર્ય છે.
    બ્યુરો રિપોર્ટ: પાક્કો ગુજરાત

Gujarat : અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે જુગારની ‘માયાજાળ’, પોલીસના આશીર્વાદ કે આળસ?

0

અંકલેશ્વર: ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ગુનાખોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓએ માઝા મૂકી છે. શહેરના હાર્દ સમાન રેલ્વે સ્ટેશનની બિલકુલ બાજુમાં આવેલા ઝુંપડાઓમાં રાત-દિવસ ‘વરલી-મટકા’ અને ‘તીન પત્તી’ જેવા જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. સવાલ એ ઊભો થાય છે કે શું ભરૂચ પોલીસ ઊંઘમાં છે કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરી રહી છે?


વિજય બુટલેગરનું ‘સામ્રાજ્ય’
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ જુગારનો અડ્ડો વિજય નામનો બુટલેગર ચલાવી રહ્યો છે. અહીં માત્ર સ્થાનિકો જ નહીં, પણ દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ અને સુરતથી લઈને વડોદરા સુધીના લોકો નસીબ અજમાવવા (કે હારવા) ઉમટી પડે છે. એક અંદાજ મુજબ, એકસાથે 150 થી 200 જેટલા જુગારીઓ અહીં જાહેરમાં જુગાર રમે છે.
પોલીસની ભૂમિકા સામે સવાલોના ઘેરા
રેલ્વે સ્ટેશન જેવો સંવેદનશીલ અને ભીડભાડવાળો વિસ્તાર હોવા છતાં, સ્થાનિક પોલીસ કે LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.

  • શું પોલીસને આટલા મોટા પાયે ચાલતા અડ્ડાની જાણ નથી?
  • શું ખાખી પર ‘હપ્તાખોરી’ ના ડાઘ લાગી રહ્યા છે?
  • કેમ આ અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી?
    જનતાની માગ: SP અને SMC મેદાનમાં આવે
    અત્યારે ભરૂચ જિલ્લાના સજાગ નાગરિકોમાં એક જ ચર્ચા છે કે, શું ભરૂચ જિલ્લાના SP (સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ) અથવા ગાંધીનગરની SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) આ અડ્ડા પર દરોડા પાડીને દૂષણને ડામશે? સામાન્ય જનતા પૂછી રહી છે કે પોલીસ કાયદાનું પાલન કરાવશે કે પછી બુટલેગરોના ખિસ્સા ગરમ કરી આ જુગારની બદી ચાલવા દેશે?

“જો સ્ટેશન જેવા જાહેર વિસ્તારમાં પોલીસની નાક નીચે 200 લોકો જુગાર રમતા હોય, તો તે સમગ્ર કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા સૂચવે છે.” — સ્થાનિક રહીશ

હવે જોવાનું એ રહે છે કે ‘પાક્કો ગુજરાત’ ના આ અહેવાલ બાદ કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું તંત્ર જાગશે કે કેમ?
અહેવાલ: ટીમ પાક્કો ગુજરાત