Home Blog Page 211

Recipe : Summerમાં મહેમાનોનું સ્વાગત કરવા માટે બેસ્ટ ઓપ્શન ડાર્ક ચોકલેટ સ્મૂધી

0

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. તાપમાનનો પારો 35ને પાર થવા લાગ્યો છે. દેશભરમાં ઉનાળાના આકરો તડકો પડતા જ લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. પરંતુ આ દિવસોમાં અનેક સ્થાનો પર શાળામાં વેકેશનનો માહોલ હોય છે. બાળકોની શાળામાં રજા હોવાથી લોકો સંબંધીઓના ઘરે ફરવાનો પ્લાન બનવાતા હોય છે. ગરમીના દિવસોમાં સાંજના સમયે અચાનક મહેમાનોનું આગમન થાય તો તેમને શું આપવું તેને લઈને તમે પરેશાન છો, તો હવે તમારી સમસ્યાની આ સરળ ટીપ્સ તમને જણાવીશું. ઉનાળામાં જયારે પણ ઘરે મહેમાન આવી જાય તો તમે આ સ્પેશિયલ ડ્રિંક્સથી તેમનું સ્વાગત કરી શકો છો.

સામાન્ય રીતે ભારતીયો કોઈના પણ ઘરે જાય ત્યારે તેમનું ચા અથવા કોફી થી સ્વાગત કરવામાં આવે છે. પરંતુ ગરમીના દિવસોમાં ઘણા લોકોને ચા-કોફી જેવા પીણાં એસિડીટી કરે છે. આથી આ દિવસોમાં શરીરને ઠંડક આપે તેવા પીણાં પીવા જોઈએ. બજારના સોફ્ટ ડ્રિંક્સના બદલે તમે ઘરે આવતા મહેમાનને આ સ્પેશિયલ ડાર્ક ચોકલેટની સ્મૂધી આપી શકો છો. તે ફક્ત બાળકોને જ નહીં પણ મોટાઓને પણ ખૂબ પસંદ આવશે. કારણ કે કોઈપણ ઉંમરની વ્યક્તિ હોય તેમને ચોકલેટ ખાવું પસંદ હોય છે. ડાર્ક ચોકલેટ સ્મૂધી બનાવવાની આ સ્ટેપ-બાય-સ્ટેપ રીત નોંધી લો.

મહેમાનના વેલકમ માટે ડાર્ક ચોકલેટ સ્મૂધી એક બેસ્ટ ઓપ્શન છે. તે માત્ર 5 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને પીવામાં ખૂબ જ ટેસ્ટી અને રિફ્રેશિંગ લાગે છે.

ડાર્ક ચોકલેટ સ્મૂધી બનાવવા માટે સામગ્રી

2 કપ – દૂધ (ઠંડુ કરેલું)
50 ગ્રામ – ડાર્ક ચોકલેટ (ચોપ્ડ કરેલી અથવા પાવડર)
2 નંગ – કેળા
2 ચમચી – મધ અથવા સાકર
4-5 નંગ – બરફના ટુકડા
ગાર્નિશિંગ માટે: ચોકલેટ ચિપ્સ અથવા ડ્રાય ફ્રૂટ્સ

ડાર્ક ચોકલેટ સ્મૂધી બનાવવાની રીત:

ડાર્ક ચોકલેટ સ્મૂધી બનાવવા માટે સૌ પહેલા કેળાની છાલ ઉતારી તેના ટુકડા કરી લો. ડાર્ક ચોકલેટને નાના ટુકડામાં કાપી લો અથવા તેને ગરમ દૂધમાં ઓગાળી લો (ગણતરીની સેકન્ડો માટે). હવે એક મિક્સર જારમાં ઠંડુ દૂધ, કેળાના ટુકડા, ડાર્ક ચોકલેટ અને મધ ઉમેરો. તેમાં બરફના ટુકડા ઉમેરીને મિક્સરને ૨-૩ મિનિટ સુધી સરસ રીતે બ્લેન્ડ કરો જ્યાં સુધી મિશ્રણ એકદમ ક્રીમી અને સ્મૂધ ન થઈ જાય. તૈયાર સ્મૂધીને કાચના ગ્લાસમાં કાઢો. ઉપરથી થોડી ચોકલેટ ચિપ્સ અથવા બદામની કતરણ ભભરાવો. મહેમાનો ડાયેટ પ્રત્યે સભાન હોય, તો તમે મધને સ્કીપ કરી શકો છો કારણ કે કેળા અને ડાર્ક ચોકલેટમાં પોતાની મીઠાશ હોય જ છે.

National : હવે airport પર પણ થશે Blinkit! મુસાફરો માટે ઇન-ટર્મિનલ ડિલિવરી શરૂ કરનારૂં વિશ્વનું પ્રથમ એરપોર્ટ બનશે મુંબઇ

0

ઘણીવાર એવું બને છે કે એરપોર્ટ પહોંચ્યા પછી યાદ આવે કે મોબાઈલનું ચાર્જર ઘરે રહી ગયું છે અથવા લાંબી ફ્લાઈટ માટે કોઈ પુસ્તક લેવાનું ભૂલાઈ ગયું છે. અત્યાર સુધી આ ભૂલનો પસ્તાવો કરવો પડતો હતો, પરંતુ હવે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) પર મુસાફરોને આવી ચિંતાઓમાંથી મુક્તિ મળી છે. ક્વિક કોમર્સ પ્લેટફોર્મ બ્લિંકિટે ટર્મિનલ-2 (ડોમેસ્ટિક ડિપાર્ચર્સ) પર પોતાની વિશેષ ઇન-ટર્મિનલ ડિલિવરી સેવા શરૂ કરી છે.

બ્લિંકિટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે , મુંબઈ એરપોર્ટ વિશ્વનું પ્રથમ એરપોર્ટ બન્યું છે જ્યાં આવી ‘ઝડપી ઇન-ટર્મિનલ ડિલિવરી’ સુવિધા ઉપલબ્ધ છે. અદાણી એરપોર્ટ્સ સાથેની વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ શરૂ કરાયેલી આ સેવામાં એરપોર્ટની અંદર જ એક સમર્પિત ‘વોકર ટીમ’ તૈનાત કરવામાં આવી છે, જે ઓર્ડર મળતાની સાથે જ મુસાફર જે-તે ગેટ પર હોય ત્યાં સુધી સામાન પહોંચાડે છે.

મુસાફરો બ્લિંકિટ એપ દ્વારા 2500 થી વધુ પ્રોડક્ટ્સનો ઓર્ડર આપી શકશે. જેમાં ઇલેક્ટ્રોનિક્સ (ચાર્જર, પાવર બેંક, ઈયરફોન), પુસ્તકો, ગિફ્ટ આઈટમ્સ, પર્સનલ કેર પ્રોડક્ટ્સ અને મુસાફરી દરમિયાન જરૂરી નાની-મોટી ચીજોનો સમાવેશ થાય છે. આ સુવિધાને કારણે હવે મુસાફરોએ પેકિંગ કરતી વખતે “કંઈક ભૂલી જઈશું તો?” એવા ડર રાખવાની જરૂર નથી. સોશિયલ મીડિયા પર લોકો આ સુવિધાને વધાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે હવે એરપોર્ટ પર ચેકલિસ્ટ કરતા બ્લિંકિટ એપ વધુ ઉપયોગી સાબિત થશે.

જોકે, આ નવી સેવાથી એરપોર્ટની અંદર આવેલા મોંઘા રિટેલ સ્ટોર્સના બિઝનેસ મોડલ સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. સામાન્ય રીતે એરપોર્ટ પર વસ્તુઓ ઊંચા ભાવે વેચાતી હોય છે, પરંતુ બ્લિંકિટ પર વ્યાજબી ભાવે પ્રોડક્ટ્સ મળતી હોવાથી સ્થાનિક દુકાનદારોમાં ચિંતા જોવા મળી રહી છે.

હાલમાં આ સેવા માત્ર મુંબઈના ટર્મિનલ-2 પર જ ઉપલબ્ધ છે, પરંતુ જો આ પ્રયોગ સફળ રહેશે તો આગામી સમયમાં દિલ્હી, બેંગલુરુ અને અમદાવાદ જેવા અન્ય મોટા એરપોર્ટ્સ પર પણ આ સુવિધા વિસ્તરવામાં આવશે તેવી શક્યતા છે. ટૂંકમાં, બ્લિંકિટે સાબિત કરી દીધું છે કે ‘ઝડપી ડિલિવરી’ હવે માત્ર રસ્તાઓ પર જ નહીં, પણ રન-વે સુધી પહોંચી ગઈ છે.

Surat : સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી, ક્યાંક 160 તો ક્યાંક માંડ 35 દાવેદારો, બાયોડેટાનો ખડકલો

0

સુરત પાલિકાની ચૂંટણી માટે કાઉન્ટડાઉન શરુ થઈ ગયા બાદ ભાજપે ઉમેદવારો શોધવા માટેની પ્રક્રિયાના ભાગરૂપે ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો આવ્યા હતા. જેમાં પહેલા દિવસે વોર્ડ નંબર 1 થી 12ના દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા શરુ થઈ છે. પહેલા જ દિવસે દાવેદારોનો રાફડો ફાટ્યો હોય તેવા દ્રષ્યો ભાજપ કાર્યાલય ખાતે જોવા મળ્યા હતા. જો કે, ભાજપના ગઢ એવા વિસ્તારમાં એક વોર્ડમાં 160 જેટલા દાવેદારો છે, જ્યારે સૌરાષ્ટ્રીયન વસ્તીવાળા વિસ્તારમાં એક વોર્ડમાં માંડ 35-40 દાવેદારો જોવા મળ્યા છે. જેમાં પાલિકાની ચૂંટણી જીત્યા બાદ AAPમાંથી ભાજપમાં આવેલાનો પણ સમાવેશ થાય છે.

સુરત પાલિકાની ચૂંટણી માટે ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે, તેવામાં ભાજપ દ્વારા ઉમેદવારો શોધવા માટેની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આજથી ત્રણ દિવસ માટે ભાજપ કાર્યાલય ખાતે આવેલા નિરીક્ષકો પાલિકાની ચૂંટણી લડવા ઇચ્છતા દાવેદારોને સાંભળવા માટે આવ્યા છે. આજે પહેલા દિવસે પાલિકાના વોર્ડ નંબર 1 થી 12 માં ચૂંટણી લડવા ઇચ્છતા દાવેદારોને સાંભળી રહ્યા છે.

આજે શરુ થયેલી આ પ્રક્રિયા દરમિયાન હાલમાં જ ટર્મ પૂરી થઈ છે તેવા કોર્પોરેટરો, સિનિયર કાર્યકરો અને યુવા કાર્યકરોની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી હતી. ભાજપ માટે સૌથી સલામત ગણાય છે તેવા રાંદેર- અઠવા ઝોન જેવા વિસ્તારમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રીયન પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં દાવેદારો ઓછા છે, હાલ મળતી માહિતી પ્રમાણે ભાજપની બહુમતી વાળા વિસ્તારમાં એક વોર્ડની ચાર ટિકિટ માટે 160 જેટલા દાવેદારો છે જ્યારે સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં 35 થી 40 દાવેદારો જોવા મળી રહ્યાં છે.

આજે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા આગામી 3 એપ્રિલ સુધી ચાલશે અને ત્યાર બાદ 120 બેઠકો માટે કેટલાએ દાવેદારી કરી છે તે આંકડો બહાર આવશે. આજની દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા દરમિયાન દાવેદારો નિરીક્ષકો સામે દાવેદારી કર્યા બાદ પોતાની ભલામણો માટે સંગઠનના હોદ્દેદારોને પણ પોતાનો બાયોડેટા આપ્યા હતા.

National : માઈન્સના કારણે સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તૈનાત… હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે નીકળ્યા ભારતના જહાજ

0

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધ વચ્ચે LPG ભરેલા ભારતીય જહાજોએ હોર્મુઝ જળમાર્ગ સુરક્ષિત રીતે પાર કરી લીધું છે. આ જહાજો ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તેમજ ભારતીય સેનાની કુશળતાના કારણે અને સેનાએ ઓમાનના અખાતથી અરબી સમુદ્ર સુધી લગભગ 20 કલાક સુધી રક્ષણ કર્યા બાદ ખતરનાક હોર્મુઝ જળમાર્ગ પાર કરી લીધો છે.

રિપોર્ટ મુજબ, 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરું થયું હતું, જોકે તેના એક દિવસ પહેલા સંયુક્ત આરબ અમીરાતના રુવૈસ પોર્ટથી ‘પાઈન ગેસ’ નામનું LPG ટેન્કર ભારત આવવાનું હતું અને તે એક સપ્તાહની અંદર પહોંચવાની આશા હતી. પરંતુ યુદ્ધના કારણે હોર્મુઝ જળમાર્ગ પર પ્રતિબંધ લદાયો હતો. જોકે હવે માત્ર પસંદગીના દેશોને જ હોર્મુઝ પાર કરવાની મંજૂરી મળી હોવાથી, ભારતીય LPG ભરેલું આ જહાજને લગભગ ત્રણ સપ્તાહનો સમય લાગી ગયો છે.

ભારતીય જહાજ એક સપ્તાહના બદલે ત્રણ સપ્તાહ બાદ ભારત પહોંચવાનું છે. આ જહાજો ખતરનાક હોર્મુઝમાંથી કેવી રીતે પસાર થયા, તે અંગે ગેસ ચીફ ઓફિસર સોહન લાલે સમગ્ર માહિતી આપી છે. તેમણે કહ્યું કે, યુદ્ધના કારણે જહાજ પર સવાર 27 ક્રૂ મેમ્બર ભયાનક ડર વચ્ચે યુદ્ધને નજરે જોયું છે. જ્યારે તેઓ હોર્મુઝ તરફ હતા, ત્યારે તેઓએ ઉપર ઉડતી મિસાઈલો અને ડ્રોન જોયા હતા. ભારતીય અધિકારીઓએ ક્રૂ મેમ્બર્સને લગભગ 11 માર્ચે જવા માટે તૈયાર રહેવા કહ્યું હતું. જોકે યુદ્ધ આક્રમક બન્યા બાદ જહાજોને 23 માર્ચ સુધી હોર્મુઝ જળમાર્ગ પાર કરવાની મંજૂરી ન હતી. ત્યારપછી ઈરાની સેનાએ ઈરાન જળમાર્ગથી દૂર લારક ટાપુના ઉત્તરમાં એક સાંકળા રસ્તામાંથી જવાની મંજૂરી આપી હતી.

સોહન લાલે વધુમાં કહ્યું કે, ભારતીય સેનાની કુશળતાના કારણે જહાજો હોર્મુઝ પાર કરી શક્યા છે. સેનાએ જહાજનો હોર્મુઝના બદલે લારક જળમાર્ગમાંથી પસાર થવાની સલાહ આપી હતી, કારણ કે હોર્મુઝવાળો રસ્તો સમુદ્રી સુરંગોથી ભરેલો હતો. જ્યારે તમામ ક્રૂ મેમ્બર્સ આગળ જવા માટે તૈયાર થયા ત્યારે ભારતીય અધિકારીઓ અને જહાજના માલિકે જહાજને આગળ વધવાની મંજૂરી આપી હતી. જ્યારે ભારતીય જહાજો પસાર થઈ રહ્યા હતા, ત્યારે ભારતીય નૌસેનાએ ઓમાનની ખાડીથી લઈને અરબ સાગર સુધી લગભગ 20 કલાક સુધી મોનિટરીંગ કર્યું હતું અને ક્રૂ મેમ્બર્સને ગાઈડ પણ કરવાની સાથે સુરક્ષા આપી હતી.

Tharad : પાણી માટે રણચંડી બની મહિલાઓ, નગરપાલિકા કચેરી ગજવી, તંત્ર સામે ભારે રોષ

0

બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા વાવ-થરાદમાં ઉનાળાની શરૂઆતે જ પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. થરાદ શહેરના મુખ્ય મથકે પીવાના પાણીના મુદ્દે આજે મહિલાઓએ નગરપાલિકામાં ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી પાણી ન મળતા રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકા કચેરી માથે લીધી હતી અને તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

થરાદ શહેરના વોર્ડ નં. 4 અને 7 માં આવેલા ધોરાવાસ તેમજ અંબિકા-2 વિસ્તારના રહીશો પાણીની ટીંપા માટે ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા દિવસોથી નળમાં પાણી આવતું નથી, જેના કારણે ઘરકામ અને પીવાના પાણી માટે ભારે મુશ્કેલી પડી રહી છે. અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા આજે મહિલાઓનું ધૈર્ય ખૂટ્યું હતું.

હોબાળા દરમિયાન એવું પણ સામે આવ્યું હતું કે, શહેરના મુખ્ય પાણીના સંપ પર વીજ કનેક્શન ન હોવાને કારણે પંપ ચલાવી શકાતા નથી. વીજળીના અભાવે પાણીની લાઈનો કોરીધાકોર પડી છે. એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી તરફ તંત્રની આવી બેદરકારીને કારણે હજારો લોકો તરસ્યા રહેવા મજબૂર બન્યા છે. મહિલાઓએ ચીમકી આપી છે કે જો આગામી ૨૪ કલાકમાં પાણી પુરવઠો શરુ કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

Entertainment : આદિત્ય ધરે સ્ટોરી ચોરી કરીને ફિલ્મ બનાવી, કાનૂની કાર્યવાહી કરીશ…’ ધુરંધર-2 અંગે રાઈટરનો દાવો

આદિત્ય ધરના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર નવી ક્રાંતિ લઈને આવી છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને જબરદસ્ત કમાણી કરી રહી છે. ‘ધુરંધર 2’એ ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. પરંતુ આ વચ્ચે હવે ફિલ્મને લઈને એક મોટો દાવો કરવામાં આવ્યો છે. એક રાઈટરે આદિત્ય ધર પર ‘ધુરંધર 2’ની સ્ટોરી ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે.રાઈટર અને ફિલ્મ મેકર સંતોષ કુમાર આરએસે દાવો કર્યો છે કે ‘મેં જ ધુરંધર 2 ની સ્ક્રિપ્ટ લખી છે. હું આ ફિલ્મને આદિત્ય રોય કપૂર સાથે બનાવવા માગતો હતો, પરંતુ આદિત્ય ધરે મારી સ્ટોરી ચોરી કરીને ‘ધુરંધર 2′ બનાવી દીધી છે.’ તેમણે ફિલ્મના મેકર્સ સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ વાત કરી છે. તેમણે કહ્યું કે, ‘હું ખૂબ જ દુઃખી છું.’

સંતોષ કુમારે આરોપ લગાવ્યો છે કે, ‘ફિલ્મ ‘ધુરંધર 2’ની સ્ટોરી મારી 2023ની સ્ક્રિપ્ટ પર આધારિત છે. મારી પાસે પુરાવા છે, જેમાં સ્ક્રીનરાઇટર્સ એસોસિએશનમાં તેનું રજિસ્ટ્રેશન પણ સામેલ છે. હું હવે કાનૂની કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યો છું.’મીડિયા સાથે વાત કરતા સંતોષે જણાવ્યું કે, ‘ધુરંધર 2 જોયા પછી મને ખ્યાલ આવ્યો કે આ ફિલ્મ અને મારી સ્ક્રિપ્ટ વચ્ચે ઘણી સમાનતાઓ છે. તમે બધાએ કદાચ ધુરંધર 2 જોઈ જ હશે. તે દરેક જગ્યાએ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ જોયા પછી ખબર પડી કે તે મારી પોતાની જ સ્ક્રિપ્ટ અને સ્ટોરી છે. મેં 2023માં ખૂબ જ મહેનતથી સ્ક્રિપ્ટ લખી હતી. મેં તેને ઘણી કંપનીઓને સંભળાવી છે કારણ કે મને કહેવામાં આવ્યું હતું કે જો હું ફિલ્મમાં મોટા સ્ટાર્સને કાસ્ટ કરવા માંગુ છું, તો કોઈ કોર્પોરેટ સંગઠનના સમર્થનની જરૂર છે.’

સંતોષે દાવો કે, ‘મેં સોની પિક્ચર્સ, ઝી સ્ટુડિયો, ટી-સિરીઝ અને ધર્મા પ્રોડક્શન્સ સહિત અનેક મોટા પ્રોડક્શન હાઉસને સ્ક્રિપ્ટ બતાવી હતી. આ સાથે જ મોટા સ્ટાર્સ સાથે આ પ્રોજેક્ટને બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. હું આદિત્ય રોય કપૂરને લીડ રોલમાં લેવા માગતો હતો.’

તેમણે આગળ કહ્યું કે, ‘સ્ક્રિપ્ટ ઔપચારિક રીતે નવેમ્બર 2023માં સ્ક્રીનરાઈટર્સ એસોસિએશનમાં રજિસ્ટર કરાવી હતી. મારી પાસે પુરાવા તરીકે ઈમેઇલ રેકોર્ડ અને અન્ય દસ્તાવેજો પણ છે. મેં ખૂબ જ પ્રયાસ કર્યો અને મારી સ્ટોરી ઘણા લોકોને મોકલી. હું સ્ક્રીનરાઈટર્સ એસોસિએશનનો મેમ્બર છું. મેં નવેમ્બર 2023માં ત્યાં મારી સ્ટોરી રજિસ્ટર કરાવી હતી.’

રાઈટરે વધુમાં કહ્યું કે, ‘હું આ ફિલ્મ સામે કેસ નોંધાવી રહ્યો છું કારણ કે, ભલે તેમણે સારી ફિલ્મ બનાવી હોય, પરંતુ મારી સ્ટોરીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. મેં આ ફિલ્મ સિનેમા અને મનોરંજન માટે લખી હતી, પરંતુ તેમણે તેને પોલિટિકલ પ્રોપેગેન્ડા બનાવી દીધી છે. આનાથી મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. હું નથી ઈચ્છતો કે મારી સાથે જે બન્યું તે બીજા કોઈની સાથે થાય. તેથી જ હું આ અંગે લોકોને જણાવવાનો પોતાનો સંપૂર્ણ પ્રયાસ કરીશ.’

World : નેતન્યાહૂનું મિશન ‘ગ્રેટર ઈઝરાયલ’, લેબેનોનમાં 6 લાખ લોકો બેઘર, હવે ત્યાં વસવાટ કરવા નહીં દે

0

ઈરાન સાથેના ઘર્ષણની વચ્ચે, ઈઝરાયલ હવે પડોશી દેશ લેબેનોનમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે એક ગંભીર વ્યૂહનીતિ અમલમાં મૂકી રહ્યું છે. ઈઝરાયલી સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાટ્ઝના જણાવ્યા અનુસાર, તેમની સેના દક્ષિણ લેબેનોનના વિશાળ ક્ષેત્રને હસ્તગત કરીને ત્યાં એક ખાસ ‘સિક્યુરિટી ઝોન’ ઊભો કરશે. આ રણનીતિનો મુખ્ય હેતુ લેબેનોન સરહદથી લિતાની નદી સુધીના આશરે 30 કિલોમીટરના પટ્ટાને પોતાના તાબા હેઠળ લાવી, ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહ પર બાજ નજર રાખવાનો અને પોતાની સરહદોની સુરક્ષા અભેદ્ય બનાવવાનો છે.

આ સૈન્ય અભિયાનને કારણે અત્યાર સુધીમાં દક્ષિણ લેબેનોનમાંથી અંદાજે 6 લાખ લોકોને પલાયન કરવાની ફરજ પડી છે. જોકે, હવે ઈઝરાયલે જાહેરાત કરી છે કે જ્યાં સુધી સ્થિતિ સંપૂર્ણપણે સુધરે નહીં ત્યાં સુધી આ ભાગેદુ લોકોને પરત આવવા દેવામાં આવશે નહીં. આ સિવાય સરહદ પર આવેલા લેબેનોની ઘરોને પણ તોડી પાડવાની વાત સામે આવી છે. નોંધનીય છે કે આયતુલ્લા અલી ખામેનેઈના મોતના બદલા તરીકે હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયલે આકરી જવાબી કાર્યવાહી શરૂ કરી છે. લેબેનોનની રાજધાની બેરૂત સહિત દક્ષિણ વિસ્તારોમાં ઈઝરાયલી હુમલામાં અત્યાર સુધીમાં 1250થી વધુ લોકોના મોત થયા છે અને કુલ 10 લાખ લોકો બેઘર બન્યા છે.

ઈઝરાયલ માટે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ, હૂથી બળવાખોરો અને હમાસ સતત મોટો પડકાર રહ્યા છે. હિઝબુલ્લાહનો દાવો છે કે તેમણે આ જંગ દરમિયાન ઈઝરાયલના 44 ઠેકાણાઓ પર હુમલો કર્યો છે, જેમાં ઈઝરાયલના 10 સૈનિકોના મોત થયા છે. બીજી તરફ, ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસનું કહેવું છે કે હિઝબુલ્લાહ દ્વારા અત્યાર સુધીમાં 5 હજાર જેટલા રોકેટ, ડ્રોન અને મોર્ટાર વડે હુમલા કરવામાં આવ્યા છે. હાલમાં ઈઝરાયલ આ ત્રણેય મોરચે લડી રહ્યું છે અને દક્ષિણ લેબેનોન પર કબજો કરવાની તેની આ હિલચાલ પશ્ચિમ એશિયામાં લાંબા ગાળાના પ્રાદેશિક ફેરફારોના સંકેત આપી રહી છે.

Ahmedabad : માધુપુરામાં હત્યાનો આરોપી પેરોલ પર છૂટીને ફરી મૃતકના પરિવારની કારમાં કરી તોડફોડ

શહેરના માધુપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઊડાવતી ઘટના સામે આવી છે. બે વર્ષ પહેલા જે પરિવારના દીકરાની હત્યા કરવામાં આવી હતી, તે જ પરિવારને નિશાન બનાવી હત્યાના મુખ્ય આરોપીએ જેલમાંથી બહાર આવતાની સાથે જ આતંક મચાવ્યો છે. જૂની અદાવતનો બદલો લેવા આરોપીએ પોતાના સાગરિતો સાથે મળી પીડિત પરિવારની કારમાં ભારે તોડફોડ કરી છે.

માધવપુરા વેપાર ભવન પાસે રહેતા જૈમીન ઠાકોરે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, તોડફોડ કરનારો મુખ્ય સૂત્રધાર કરણ રાજપૂત છે. કરણ અગાઉ આ જ પરિવારના એક યુવકની હત્યાના ગુનામાં સાબરમતી જેલમાં બંધ હતો અને હાલમાં જ તે પેરોલ પર મુક્ત થયો છે. જેલમાંથી બહાર આવતા જ તેણે ફરીથી ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો છે.

ઘટનાની વિગત મુજબ, ગત 31મી માર્ચની રાત્રે જૈમીનનો પરિવાર ખાટુશ્યામ મંદિરેથી દર્શન કરીને પરત ફર્યો હતો. મોડી રાત્રે જ્યારે પરિવાર સૂતો હતો, ત્યારે એક્ટિવા પર આવેલા ત્રણ શખ્સો – કરણ રાજપૂત, રાજ ઠાકોર અને દીપક ઠાકોર – એ જૈમીનના ઘરની બહાર પાર્ક કરેલી કાર પર હુમલો કર્યો હતો. આરોપીઓએ પાઇપ અને દંડા વડે કારના આગળ-પાછળના કાચ અને દરવાજા તોડી નાખ્યા હતા. વહેલી સવારે પરિવારે જ્યારે નુકસાન જોયું ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો.

આ સમગ્ર ઘટના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં આરોપીઓ સ્પષ્ટપણે તોડફોડ કરતા જોઈ શકાય છે. પીડિત પરિવારે આક્ષેપ કર્યો છે કે, આરોપી પેરોલ પર બહાર હોવા છતાં પોલીસનો કોઈ ડર રાખ્યા વગર સતત ધાક-ધમકી આપી રહ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થઈ રહ્યા છે.માધવપુરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી ફરાર થયેલા ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જેલમાંથી છૂટેલા ગુનેગારો દ્વારા ફરીથી આ જ પ્રકારે આતંક મચાવવામાં આવતા સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Surat : મહુવા સુગરમાં શેરડીના ભાવ મુદ્દે ભારે હોબાળો, ડિરેક્ટરોની ચેમ્બરમાં ઘૂસી ખેડૂતોએ કર્યો ઘેરાવ

0

દક્ષિણ ગુજરાતની આર્થિક જીવાદોરી સમાન સુગર ઉદ્યોગમાં અત્યારે ભાવ વધારાને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લાની સુગર મિલો દ્વારા ગતરોજ શેરડીના ટન દીઠ ભાવો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં મહુવા સુગર ફેક્ટરી દ્વારા જાહેર કરાયેલા ભાવને લઈને વિવાદ ફાટી નીકળ્યો છે. અન્ય મિલોની સરખામણીએ મહુવા સુગરે માત્ર 3101 રૂપિયા ભાવ જાહેર કરતા ખેડૂત સભાસદોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઓછો ભાવ જાહેર થતાની સાથે જ આજે મોટી સંખ્યામાં નારાજ સભાસદો અને ખેડૂતો મહુવા સુગર ફેક્ટરી ખાતે ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા સભાસદો સીધા જ ફેક્ટરીના ડિરેક્ટરોની ચેમ્બરમાં પ્રવેશ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે મહેનત સામે મળતો આ ભાવ ઘણો ઓછો છે અને અન્ય સુગર મિલો કરતા અન્યાયી છે. સભાસદોએ તમામ ડિરેક્ટરોનો ઘેરાવ કરી તાત્કાલિક ભાવ વધારાની માંગ કરી હતી.

સભાસદોનો આક્રોશ જોતા સ્થિતિ વણસી હતી. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો શેરડીના ભાવમાં તાત્કાલિક વધારો કરવામાં નહીં આવે તો તમામ ડિરેક્ટરોએ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દેવું જોઈએ. વિવાદ વકરતા સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો શાંત પાડવા પ્રયાસો હાથ ધર્યા હતા. ખેડૂતો પોતાની માંગ પર અડગ છે, જેના કારણે આગામી સમયમાં આ આંદોલન વધુ તેજ બને તેવી શક્યતા છે.

Botad : સાળંગપુરમાં રચાશે ઇતિહાસ, હનુમાન જયંતી પર પહેલીવાર ‘AI’ આધારિત ભવ્ય શાર્પી લાઈટ એન્ડ સાઉન્ડ શો

0

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી (કષ્ટભંજન દેવ) મંદિરે આ વર્ષનો હનુમાન જન્મોત્સવ દાદાના ભક્તો માટે કંઈક ખાસ અને ઐતિહાસિક બની રહેશે. મંદિરના સંતો અને સેવકો દ્વારા છેલ્લા એક મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં અંદાજે 800થી 1000 લોકોની ટીમ રાત-દિવસ કામ કરી તૈયારી પૂરી કરી દીધી છે. આ વખતના જન્મોત્સવનું મુખ્ય આકર્ષણ ‘AI આધારિત શાર્પી લાઇટ એન્ડ સાઉન્ડ શો’ છે.

સામાન્ય રીતે લાઇટ એન્ડ સાઉન્ડ શો કોઈ સ્ક્રીન કે વસ્તુ પર થતા હોય છે, પરંતુ સાળંગપુરમાં આ વખતે 150 લોકોની મહેનતે તૈયાર થયો 10 મિનિટનો ખાસ શો સીધો ભક્તો પર ફોકસ કરશે. કોઠારી સ્વામીના જણાવ્યા અનુસાર, કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિની બંને બાજુ 30-30 ફૂટ ઊંચા સ્કેફોલ્ડિંગ ઉભા કરીને 201 જેટલી શાર્પી લાઇટો લગાવવામાં આવી છે, જેની ડિઝાઇન AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ની મદદથી તૈયાર કરાઈ છે.

ભક્તોને ઇન્ટરનેશનલ કોન્સર્ટ જેવી અનુભૂતિ કરાવવા અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવી છે, જેમાં 28 મીડ સ્પીકર નો ઉપયોગ કરાયો છે. વેસ્ટર્ન ટ્રાન્સ મ્યુઝિકની સાથે હરિપ્રકાશ સ્વામીના અવાજ અને દાદાના મહિમાને જોડીને એક અદભુત ટ્રેડિશનલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે.

લાઇટ એન્ડ સાઉન્ડ શો ઉપરાંત, 100 જેટલા કલાકારો દ્વારા 14થી 15 મિનિટ માટે હરિદ્વારની ગંગા આરતીની જેમ જ ભવ્ય સાળંગપુર આરતી કરવામાં આવશે. આરતી બાદ 8 મિનિટનો ભવ્ય ફાયર શો થશે, જેના માટે 2000થી વધુ ઇમ્પોર્ટેડ ફટાકડાઓ મંગાવવામાં આવ્યા છે. વિશેષ આકર્ષણ એ રહેશે કે ક્રેનની મદદથી દાદાની વિશાળ મૂર્તિની પાછળથી ફાયર શો કરાશે, જેનાથી મૂર્તિ પાછળ ચક્ર કે કિરણો નીકળતા હોય તેવો નજારો સર્જાશે. આ પ્રકારનો નજારો અગાઉ માત્ર ચીન કે જાપાન જેવા દેશોમાં જ જોવા મળતો હતો.

બીજા દિવસે સવારે હનુમાન જન્મોત્સવના મુખ્ય સમયે કેક કટિંગ કરવામાં આવશે. આ પાવન અવસરે 1 લાખ જેટલા બલૂન ડ્રોપ કરીને અને બ્લોઅરથી કાગળ ઉડાડીને ભવ્ય ઉજવણી કરાશે.