નડિયાદ શહેરના મધ્યમાં આવેલા અને પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતા ઐતિહાસિક તલાટી બાગનો ૨૯૨ લાખના ખર્ચે સર્વાંગી વિકાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું આજે વિધિવત્ ખાતમુહૂત કરવામાં આવ્યું છે, જેમાં વોક-વે, સ્પોન્જ ગાર્ડન અને બાળકો માટે પ્લે એરિયા જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવાનું આયોજન છે.
નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તલાટી બાગના નવીનીકરણ માટે લાંબા સમયથી પ્રતિક્ષા કરવામાં આવી રહી હતી, જેનો હવે અંત આવ્યો છે. રૂપિયા ૨૯૨ લાખના માતબર ખર્ચે આ બાગને નવો ઓપ આપવા માટેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પર્યાવરણની જાળવણી અને જળ સંચયના આધુનિક અભિગમ સાથે સ્પોન્જ ગાર્ડનનો અનોખો કોન્સેપ્ટ અમલમાં મૂકવામાં આવશે. આ નવીનીકરણથી શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ભાગના રહીશોને મનોરંજન માટે એક ઉત્તમ સ્થળ મળી રહેશે. ગાર્ડનની અંદર કરવામાં આવનારા આધુનિક ફેરફારોમાં આકર્ષક પોન્ડ અને વિવિધ પ્રકારના પ્લાન્ટેશનનો સમાવેશ થાય છે. નાગરિકોને સવાર-સાંજ ફરવા માટે સુવિધાયુક્ત વોક-વે તૈયાર કરવામાં આવશે, જ્યારે બેસવા માટે સુશોભિત ગઝેબોનું નિર્માણ કરાશે. ખાસ કરીને નાના બાળકો માટે રમતગમતના સાધનો સાથેનો અદ્યતન પ્લે એરિયા બનાવવામાં આવનાર છે, જેથી બાળકોને સુરક્ષિત વાતાવરણમાં રમવાની તક મળે. આ સુવિધાઓને કારણે તલાટી બાગ આગામી સમયમાં નડિયાદનું મુખ્ય આકર્ર્ષણનું કેન્દ્ર બની રહેશે.
મધ્ય-પૂર્વમાં યુદ્ધ શરૂ થયા પછી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામેનું યુદ્ધ જીતી ગયા હોવાનો દાવો કરવાની સાથે તેના પર શાંતિ સમજૂતી સ્વીકારવા દબાણ પણ કરી રહ્યા છે. ટ્રમ્પે ફરી એક વખત ઈરાનને તેમનો ૧૫ મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ સ્વીકારી લેવા ધમકી આપી છે. આ યુદ્ધ એક મહિના કરતાં વધુ સમય લંબાયું હોવાથી ઈરાન શાંતિ સમજૂતી નહીં કરે તો પ્રમુખ ટ્રમ્પે ઈરાનના પાણીના ડિસેલિનેશન પ્લાન્ટ, ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કરી નાંખવાની ધમકી આપી છે. ટ્રમ્પની ધમકીના જવાબમાં ઈરાને પણ અમેરિકાના સાથી દેશોના પ્લાન્ટ્સ પર હુમલાની ચેતવણી આપી છે. મધ્ય-પૂર્વના દેશો માટે આ યુદ્ધ પાણીની અછત સહિત અત્યંત ભયાનક સ્થિતિ ઊભી થઈ શકે છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટમાં લખ્યું કે, મધ્ય-પૂર્વમાં ચાલતું યુદ્ધ ઝડપથી બંધ કરવા માટે કોઈ ડીલ નહીં થાય અને હોર્મુઝની ખાડીની નાકાબંધી દૂર નહીં થાય તો અમે ઈરાનના બધા જ વીજળી પેદા કરતા પ્લાન્ટ, ઓઈલના કુવા, ખાર્ગ આઈલેન્ડ, પાણી શુદ્ધ કરવાના ડિસેલિનેશન પ્લાન્ટને ઉડાવી દઈશું, જેના પર અમે હજુ સુધી ઈરાદાપૂર્વક હુમલા કર્યા નથી. અમે ઈરાનને સંપૂર્ણપણે ખતમ કરી નાંખીશું.
પ્રમુખની ટ્રમ્પની આ ચેતવણીએ મધ્ય-પૂર્વમાં ભારે હોબાળો મચાવી દીધો છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે હાલમાં સૌથી મોટું જોખમ એ નથી કે ટ્રમ્પ શું કરી શકે છે, પરંતુ એ છે કે ઈરાન વળતા જવાબમાં શું કરી શકે છે. ઈરાન પોતાના એક નાના ભાગ માટે પાણીને શુદ્ધ કરતા ડિસેલિનેશન પ્લાન્ટ પર નિર્ભર છે, પરંતુ અખાતના અન્ય આરબ દેશો વ્યાપક સ્તર પર પાણી શુદ્ધ કરવાના પ્લાન્ટ પર નિર્ભર છે. ફારસની ખાડીના કિનારે અનેક ડિસેલિનેશન પ્લાન્ટ છે, જે લાખો લોકોને પીવાના પાણીનો સપ્લાય કરે છે અને આ બધા જ પ્લાન્ટ ઈરાનના મિસાઇલ અથવા ડ્રોન હુમલાની રેન્જમાં છે. આ પ્લાન્ટ વિના અખાતના દેશોના મોટા શહેરો જેમ કે યુએઈનું દુબઈ અને અબુ ધાબી અથવા કતરની રાજધાની દોહા કે સાઉદી અરબનું રિયાધ પોતાની વર્તમાન વસતીને સંભાળી નહીં શકે.
હ્યુમન રાઈટ્સ વોચના સંશોધક નિકુ જાફર્નિયાએ કહ્યું કે, ડિસેલિનેશન સુવિધા મોટાભાગે સામાન્ય લોકોના જીવતા રહેવા માટે જરૂરી છે અને આ પ્રકારની સુવિધા ઈરાદાપૂર્વક ખતમ કરવી એ વોર ક્રાઈમ છે. ઈરાન ડિસેલિનેશન પ્લાન્ટ પર ઓછું નિર્ભર હોવા છતાં કેટલાક ઈરાની મીડિયા રિપોર્ટ્સ મુજબ તહેરાન પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ઈરાન તેનું મોટાભાગનું પાણી નદીઓ, જળાશયો અને ખતમ થઈ ગયેલા અન્ડરગ્રાઉન્ડ એક્વિફિશરથી મેળવતું હતું. હાલ તહેરાનમાં પાણીનો સપ્લાય ખોરવાયોછે.
જોકે, જાફર્નિયાએ કહ્યું કે, ઈરાન સિવાય અખાતની ખાડીમાં ડિસેલિનેશનના અનેક પ્લાન્ટ છે, જે પાવર સ્ટેશનો સાથે જોડાયેલા છે. કુવૈતમાં લગભગ ૯૦ ટકા, ઓમાનમાં ૮૬ ટકા, સાઉદી અરબમાં ૭૦ ટકા પીવાનું પાણી ડિસેલિનેશન પ્લાન્ટમાંથી આવે છે. આ કારણે મધ્ય-પૂર્વના દેશો નહીં ઈચ્છે કે અમેરિકા ઈરાનના ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલા કરે, કારણ કે ઈરાન પાસે અમેરિકાને જવાબ આપવાની શક્તિ નથી, પરંતુ તે અન્ય દેશોના પ્લાન્ટને નુકસાન પહોંચાડીને તેમના પર મોટો આર્થિક બોજ નાંખી શકે છે.
ઈરાનમાં સત્તા પરિવર્તન અને તેના ઓઈલ પર કબજો કરવાના આશયથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય-પૂર્વમાં શરૂ કરેલું યુદ્ધ હવે તેમના માટે મુશ્કેલીરૂપ બની રહ્યું છે. ઈરાન યુદ્ધ મુદ્દે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ વારંવાર તેમના નિવેદનો બદલી રહ્યા છે. ઈરાન પાસે ૨૯૦ વર્ષ ચાલે તેટલું ક્રૂડ ઓઈલ હોવાના અહેવાલો વચ્ચે ક્રૂડ ઓઈલ પર કબજો કરવા ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યું હોવાનો દાવો કરનારા પ્રમુખ ટ્રમ્પ હવે બીજા જ દિવસે ફરી ગયા છે અને તેમણે ખાર્ગ ટાપુ પર કબજા કે હોર્મુઝની ખાડી ખોલ્યા વિના જ યુદ્ધ સમેટવાના સંકેત આપ્યા છે. સાથે વ્હાઈટ હાઉસે આ યુદ્ધથી અમેરિકન અર્થતંત્ર પર પડેલા બોજની વસૂલાત ખાડીના દેશો પાસેથી કરવાના પણ સંકેત આપ્યા છે.
મધ્ય-પૂર્વમાં ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યા પછી નાટો દેશો સાથ આપશે તેવી અમેરિકન પ્રમુખ ટ્રમ્પની આશા ફળીભૂત થઈ નથી. વધુમાં ઈરાન સામેના યુદ્ધ મુદ્દે ટ્રમ્પની પોતાની પણ કોઈ સ્પષ્ટ નીતિ નથી. ટ્રમ્પ એક દિવસ કહે છે અમેરિકા ઈરાન સામેનું યુદ્ધ જીતી ગયું છે, ઈરાનની નેતાગીરીને ખતમ કરી નાંખી છે. બીજા દિવસે ટ્રમ્પ હોર્મુઝની ખાડી ખોલાવવા માટે સાથી દેશોને મદદ કરવા માટે આગળ આવવા વિનંતી કરે છે.
પ્રમુખ ટ્રમ્પે ગઈકાલે ઈરાન પાસે ૨૯૦ વર્ષ ચાલે તેટલું ક્રૂડ હોવાના અહેવાલોને ટાંકીને વેનેઝુએલા, ક્યુબા પછી હવે ઈરાનના ખાર્ગ ટાપુ પર કબજો કરવા અને તેના ઓઈલ માટે યુદ્ધ શરૂ કર્યાનો દાવો કર્યો હતો.
હવે ટ્રમ્પ ખાર્ગ ટાપુ પર કબજા અને ઈરાનના ઓઈલ કે હોર્મુઝની ખાડી ખોલ્યા વિના જ યુદ્ધ સમેટવાના સંકેત આપી રહ્યા છે. ટ્રમ્પનું માનવું છે કે અમેરિકા હવે મધ્ય-પૂર્વની ઊર્જા પર નિર્ભર નથી. એવામાં તેઓ હોર્મુઝની ખાડી ખોલ્યા વિના જ ઈરાન સામે ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત કરી શકે છે.
ધ વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ ટ્રમ્પ ઈરાનમાં અમેરિકન અભિયાન ખતમ કરવા પર વિચાર કરી રહ્યા છે. તેમણે સાથીઓને સંકેત આપ્યા છે કે હોર્મુઝની ખાડી બંધ હોય તો પણ તેઓ ચારથી છ સપ્તાહની સમય મર્યાદામાં ઈરાન સામે સૈન્ય ઓપરેશન ખતમ કરવા માટે તૈયાર છે. ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકાએ ઈરાનની ટોચની નેતાગીરીને ખતમ કરી નાંખી છે તથા ઈરાનની નેવી અને મિસાઈલ ક્ષમતાઓને નબળી પાડી દીધી છે. અમેરિકાએ પોતાના મુખ્ય આશયો પૂરા કરી લીધા છે. આથી હોર્મુઝની ખાડી બંધ હોય તો પણ તે પોતાની દુશ્મની ખતમ કરી શકે છે અને જીત મેળવ્યાની જાહેરાત કરી શકે છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા ઓઈલનો ૮૪ ટકા હિસ્સો એશિયન બજારોમાં જાય છે. એવામાં હોર્મુઝની ખાડીને ફરી ખોલવી હવે એશિયા અને યુરોપની પ્રાથમિક્તા હોવી જોઈએ. તેઓ રાજદ્વારી રીતે હોર્મુઝની ખાડી ખોલાવવામાં નિષ્ફળ જાય તો ટ્રમ્પ યુરોપ અને અખાતના સાથી દેશોને યુદ્ધમાં આગળ આવવા દબાણ કરી શકે છે. દરમિયાન વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પ અને પેન્ટાગોનના ચીફ ઈરાન સામે સૈન્ય ઓપરેશન માટે નિશ્ચિત કરેલી ચારથી છ સપ્તાહની સમય મર્યાદાને વળગી રહે તેવી શક્યતા છે. આ યુદ્ધને ૩૦ દિવસથી વધુનો સમય થઈ ગયો છે ત્યારે હવે અમેરિકા તેનું સૈન્ય ઓપરેશન અટકાવી શકે છે. તેમણે એવા પણ સંકેત આપ્યા કે ઈરાન સામેના યુદ્ધથી અમેરિકન અર્થતંત્ર પર જે બોજ પડયો છે તેની અમેરિકા કુવૈત, યુએઈ અને સાઉદી અરબ જેવા દેશો પાસેથી વસૂલાત કરી શકે છે. આ દેશોએ ઈરાન સામેના યુદ્ધનો આર્થિક બોજ ઉપાડવો જોઈએ.
ગાંધીનગર શહેરના મુખ્ય માર્ગો ઉપર સીસીટીવી સર્વેલન્સ ગોઠવવામાં આવેલું છે ત્યારે કોર્પોરેશન વિસ્તારની અલગ અલગ કચેરીઓ અને અર્બન હેલ્થ સેન્ટરની સાથે મુખ્ય કચેરી ખાતે પણ સીસીટીવી લગાડવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને આ માટે નવા ૫૫ જેટલા કેમેરા લગાવવામાં આવશે. જેનું કામ ૧૦૦ દિવસમાં પૂર્ણ કરી દેવા તાકીદ કરવામાં આવી છે.
ગાંધીનગર શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ સજ્જ બનાવવા માટે મહાનગરપાલિકાએ કમર કસી છે ત્યારે સ્માર્ટ સિટી તરફ ડગ માંડી રહેલા પાટનગરમાં હવે જાહેર સ્થળો અને અર્બન હેલ્થ સેન્ટર્સ પર ત્રીજી આંખની નજર રહેશે. કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ ૯ સ્થળોને આવરી લેતા આધુનિક સીસીટીવી પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રોજેક્ટ હેઠળ શહેરના વ્યૂહાત્મક સ્થળોની પસંદગી કરવામાં આવી છે. જેમાં મહાનગરપાલિકાની મુખ્ય કચેરી,અર્બન હેલ્થ સેન્ટર્સ પેથાપુર, વાવોલ, સુઘડ, કુડાસણ અને કોબા તેમજ જાહેર લાઈબ્રેરીઓ અને અન્ય મહત્વના ભવનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સ્થળોએ કુલ ૫૫ જેટલા આધુનિક કેમેરા લગાવવામાં આવશે. જેમાં જરૃરિયાત મુજબ બુલેટ કેમેરા, ટરેટ કેમેરા અને ૩૬૦ ડિગ્રી મૂવમેન્ટ ધરાવતા કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. આ સિસ્ટમને સપોર્ટ કરવા માટે ૮-ચેનલ, હાઈ-કેપેસિટી સ્ટોરેજ, એલઈડી મોનિટર અને પાવર બેકઅપ માટે યુપીએસ જેવી હાઈ-ટેક સુવિધાઓ પણ ઉભી કરાશે. આ પ્રોજેક્ટ માત્ર કેમેરા લગાવવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેના લાંબા ગાળાના સંચાલન પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. તમામ ૯ સ્થળોની ફૂટેજ એક જ પ્લેટફોર્મ પર જોઈ શકાશે, જેનાથી દેખરેખ રાખવી અત્યંત સરળ બનશે. ઇન્સ્ટોલેશન બાદ ટેસ્ટિંગ અને સ્ટાફની ટ્રેનિંગ ઉપરાંત ૫ વર્ષ સુધી ઓપરેશન અને મેન્ટેનન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ટેકનિકલ ખામી સર્જાય તો તુરંત નિવારણ લાવી શકાય.
ગોત્રીના દિનદયાળ નગરમાં ગઇમોડી રાત્રે માથાભારે યશ લસ્સીએ ફરીએકવાર ઉપદ્રવ મચાવતાં લક્ષ્મીપુરાના મહિલા પીઆઇએ તેની સામે એકપછીએક ચાર ગુના નોંધી વિસ્તારમાં વરઘોડો કાઢીને ફેરવ્યો હતો.
ગોત્રી દિનદયાળ વુડાના મકાનમાં રહેતા નામચીન ગુનેગાર યશ ઉર્ફે લસ્સી સંતોષ વસાવાએ ફરી એક ઉપદ્રવ મચાવતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.લસ્સીએ નીતિન મિશ્રા નામના સિક્યુરિટી ગાર્ડના હાથમાંથી ઠંડાપીણાની બોટલ ફેંકી દઇ કોઇ પણ કારણ વગર તેને માર માર્યો હતો.ત્યારબાદ તે હથિયાર લેવા ઘેર ગયો હતો.ગાર્ડ પોતાના ઘેર જઇ બારણા બંધ કરી દેતાં લસ્સીએ કોઇ હથિયાર વડે બારણા પર ઘા માર્યા હતા.
આવી જ રીતે એક યુવતીની છેડતી કરતાં તેનો વિરોધ કરનાર ભાઇ પર પથ્થરવડે હુમલો કર્યો હતો.જે દરમિયાન યુવતીની ભાભી વચ્ચે પડતાં તેના હાથમાં પથ્થર વાગ્યો હતો.
યશ લસ્સી આટલેથી અટક્યો નહતો.તેણે એક યુવતીના શરીર સાથે અડપલાં કરી અઘટિત માગણી કરતાં તેણે પણ ફરિયાદ નોંધાવી હતી.જ્યારે ચોથા એક કિસ્સામાં એક યુવક સાથે ઝઘડો કરી તેની સગર્ભા પત્નીને પેટમાં લાત મારતાં તેણે પણ ફરિયાદ કરી હતી.ઉપરોક્ત ચારેય ફરિયાદો નોંધી લક્ષ્મીપુરાના પીઆઇ ગાયત્રી રાજપૂતે આજે યશ લસ્સીનો તેના દાદાગીરી વાળા વિસ્તારમાં વરઘોડો કાઢતાં ટોળાં જામ્યાં હતા.
લસ્સી સામે પાસા,તડીપાર સહિત 17 ગુના
યશ લસ્સી સામે અગાઉ મારામારી, દારૃ,જુગાર સહિતના ૧૫ જેટલા ગુના નોંધાયા હતા.જ્યારે,એક વાર પાસા હેઠળ જેલ પણ ગયો હતો.આવી જ રીતે તેને તડીપાર પણ કરવામાં આવ્યો હતો.આમ છતાં તેની દાદાગીરી ઓછી થઇ નહતી.
PIએ કહ્યું આવારા તત્વોથી ડરો નહિ, ગુંડાઓ સુધરી જાય નહિંતર શહેર છોડી દે
સાયબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે અવનવી તરકીબ અપનાવી રહ્યા છે. તેમાંયે ખાસ કરીને જાત જાતની લિંક મોકલીને રૃપિયા કમાવા પ્રલોભન આપતા હોય છે જો ભુલથી લિંક ઓપન કરવામાં આવે તો ખાતું ખાલી થઇ જવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મેઘણીનગરની યુવતીના મોબાઇલમાં એક લિંક આવી હતી જેથી યુવતી લિંક કાઢવા જતાં વીઆઇપી નામના અજાણ્યા ગૃ્રપમાં એડ થઇ ગઇ હતી અને બે દિવસમાં જુદા જુદા છ વ્યક્તિના ખાતામાં કુલ રૃા. ૧.૭૪ ટ્રાન્સફર થઇ ગયા હતા જો કે રૃપિયા ઉપડી ગયા બાદ મેસેજ આવ્યો કે રૃપિયા પરત લેવા માટે રૃા. ૨૫,૦૦ ટ્રાન્સફર કરો તમારી ગયેલી રકમ પાછી આવી જશે યુવતીએ ફોન પે એપ્લિીકેશન ચેક કરતાં ખાતામાંથી રૃપિયા ઉપડી ગયાની જાણ થઇ હતી. આ બનાવ અંગે મેઘાણીનગર પોલીસે છ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ટેલીગ્રામ એપ્લિકેશનમાં રૃપિયા ઉપડયા પછી મેસેજ આવ્યો ૨૫,૦૦ ટ્રાન્સફર કરો તમારી ગયેલી રકમ પરત આવી જશે
મેઘાણીનગરમાં મહિલાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં કિર્તી સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૦૭-૧૧-૨૦૨૫ના રોજ યુવતીના મોબાઇલમાં ટેલીગ્રામ એપ્લિકેશનમાં લિંક આવી હતી જે લિંક કાઢવા જતાં યસ લખેલું તેના ઉપર ક્લીક થઇ જતાં બે દિવસ પછી વીઆઇપી નામના ર્ગૃપમાં એડ થઇ ગયા હતા.
તા. ૧૦-૧૧-૨૫ના રોજ ફરિયાદીના બેન્ક એકાઉન્ટમાંથી રૃા. ૫૦૦૦ કિર્તી નામની વ્યકિતના ખાતામાં ટ્રાન્સફર થયા હતા આમ વારા ફરતી બીજા પાંચ લોકોના જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં કુલ રૃા. ૧.૭૪ ટ્રાન્સફર થઇ ગયા હતા જો કે રૃપિયા ઉપડી ગયા પછી તા. ૧૩-૧૧-૨૫ના રોજ મેસેજ આવ્યો કે રૃપિયા પરત લેવા માટે રૃા. ૨૫,૦૦ ટ્રાન્સફર કરો તમારી ગયેલી રકમ પાછી આવી જશે યુવતીએ ફોન પે એપ્લિીકેશન ચેક કરતાં ખાતામાંથી રૃપિયા ઉપાડીને તેમની સાથે વિશ્વાસઘાત, છેતરપીેંડી થયાની જાણ થઇ હતી.
ભારતનાં ૪૦ ટકા જિલ્લાઓમાં કોઇ પણ સરકારી એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી તેમ મંગળવારે જારી કરવામાં આવેલા એક સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે. જેના કારણે લાખો લોકો પાસે હવા અંગે વિશ્વાસપાત્ર અને રિયલ ટાઇમ માહિતી ઉપલબ્ધ નથી.
‘એર ક્વાલિટી ડેટા એસેસિબિલિટી ઇન ઇન્ડિયા ઃ ડિસ્ટ્રિબ્યુશન,ગેપ્સ એન્ડ નેટવર્ક કોરરિલેશન’ નામના આ સ્ટડીને એરવોઇસ દ્વારા જારી કરવામાં આવ્યું છે.
આ એક વૈશ્વિક કંપની છે જે હવાની ગુણવત્તાની સમીક્ષા અને સંચાલન માટે ઉકેલ વિકસિત કરે છે. આ સ્ટડી કરવા માટે રિપોેર્ટનાં લેખકોએ ૨૦૨૫ સુધીના સત્તાવાર ડેટાસેટનો ઉપયોગ કરીને ભારતની ત્રણ મુખ્ય સમીક્ષા પ્રણાલીઓનાં વિસ્તાર અને દેખાવનું વિશ્લેષણ કર્યુ હતું.
જેમાં નેશનલ એર મોનિટરિંગ પ્રોગ્રામ (એનએએમપી), કન્ટીન્યૂઅસ એમ્બિઅન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ (સીએએક્યુએમ) નેટવર્ક અને સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (એસએએફએઆર)નો સમાવેશ થાય છે.
સ્ટડીમાં જાણવા મળ્યું છે કે દિલ્હી, મુંબઇ અને બેંગાલુરુ જેવા શહેરી કેન્દ્રોમાં સમીક્ષાની સઘન વ્યવસ્થા છે જ્યારે અનેક મધ્યમ આકારના શહેરો અને લાખોેની વસ્તી ધરાવતા મોટા જિલ્લાઓમાં ફક્ત એક કે બે જ સ્ટેશન છે અથવા એક પણ નથી.
અનેક વધુ વસ્તીવાળા જિલ્લાઓ જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશનાં જિલ્લાઓ સામેલ છે જ્યાં યોગ્ય રીતે સમીક્ષા થતી નથી અથવા રિયલ ટાઇમ સમીક્ષા નેટવર્કથી સંપૂર્ણ રીતે બહાર છે.
સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં સ્ટેશન ઉપલબ્ધ છે ત્યાં પણ તેમની વિશ્વસનીયતા સામે પ્રશ્રો ઉઠાવવામાં આવે છે.
હાલ ઇરાન-ઇઝરાયલ યુદ્ધને લીધે દુબઇની પરિસ્થિતિ વણસી ગઇ હોવાથી હવે ત્યાં શૂટિંગ થઇ શકે એમ ન હોવાથી બોલિવુડની અનેક ફિલ્મોનાં શૂટિંગ કેન્સલ થઇ રહ્યા છે. હાલમાં જ શાહરૂખ ખાને પોતાની ફિલ્મ ‘કિંગ’નું શૂટિંગ કેન્સલ કરીને પાર્લાના એક સ્ટુડિયોમાં કરવાનો નિર્ણય લીધો હતો. હવે અક્ષય કુમારની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું દુબઇનું શૂટિંગ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દુબઇમાં આ ફિલ્મના એક ગીતના દ્રશ્યનું શૂટિંગ કરવાનું હતું જે હવે મલાડના મઢ આઇલેન્ડમાં કરવામાં આવશે.
ફિલ્મ દિગ્દર્શક અહમદ ખાને પોતાની આ કોમેડી ફિલ્મના ગીતનું શૂટિંગ માટે મઢ આઈલેન્ડ તથા ગોરેગામના સ્ટુડિયોમાં તૈયારી આદરી છે. સ્ટુડિયોમાં નાઇટ ક્લબ, કસીનો અને પ્રાઇવેટ જેટ ના સેટ તૈયાર કરવામાં આવશે.
આ ગીતમાં ફિલ્મની મુખ્ય કલાકારો અક્ષય કુમાર, રવીના ટંડન, જેકી શ્રોફ, પરેશ રાવલ,લારા દત્તા, દિશા પટાણી, સુનીલ શેટ્ટી, અરશદ વારસી, જેકલીન ફર્નાન્ડિઝ, શ્રેયસ તલપડે સહિતના કલાકારો જોવા મળે તેવી સંભાવના છે.
સિંગર અલકા યાજ્ઞિાકે જણાવ્યું છે કે તેની કાનની બીમારી હજુ યથાવત હોવાથી હજુ પણ કેટલાક સમય માટે પોતે કોઈ ગીત ગાઈ શકે તેમ નથી.
તેણે કહ્યું હતું કે સંગીતકારો ગીત ગાવા માટે મારો સંપર્ક કરે છે, પરંતુ હું તેમની સાથે કામ કરવા સક્ષમ નથી.અલકા યાજ્ઞિાકે ઇમ્તિઆઝ અલીની ફિલ્મ અમર સિંહ ચમકીલામાં ગાયું હતું. જે ૨૦૨૪માં ંરિલીઝ થઇ હતી. બે વર્ષ પહેલાં તેને સેન્સોરિયલ નર્વ હિયરિંગ લોસનું નિદાન થયું હતું. કોઈ વાયરલ એટેકના કારણે તેને આ બીમારી થઈ છે. અલકાએ અગાઉ ૨૦૨૪માં જણાવ્યું હતું કે એક ફલાઈટમાંથી ઉતરતી વખતે પોતાને સહસા ખ્યાલ આવ્યો હતો કે પોતે કશું સાંભળી શકતી નથી. તે પછી તેણે તબીબી તપાસ કરાવી હતી. તેમાં આ બીમારીનું નિદાન થયું હતું. ત્યારથી પોતે સંગીતની દુનિયાથી અલિપ્ત થઈ ગઈ છે.
એપ્રિલ મહિનામાં યોજાનારી વાર્ષિક પરીક્ષાઓ માટે શહેર અને જિલ્લાનું પ્રાથમિક શિક્ષણ તંત્ર વ્યસ્ત બન્યું છે. તેમાં ધોરણ ૩થી ૫ની વાષક કસોટી તારીખ ૬ એપ્રિલથી અને ધોરણ ૬થી ૮ની વાષક કસોટી તારીખ ૧૩મી એપ્રિલથી પ્રારંભાશે. જિલ્લા શિક્ષણ તંત્રના અધિકારી સુત્રોએ કહ્યું કે તેમાં ધોરણ ૩ અને ૪ના બાળકોએ પ્રશ્ન પત્રમાં જ અને ધોરણ ૫થી ૮માં વિદ્યાર્થીઓએ અલગથી ઉતરવહીમાં લખીને જવાબ આપવાના રહેશે.
ગાંધીનગર જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં એકસાથે પરીક્ષાઓ લેવાશે. ધોરણ ૩માં ચાર અને ધોરણ ૪ અને ૫માં પાંચ વિષયની જ્યારે ધોરણ ૬થી ૮માં બાળકોએ સાત વિષયની પરીક્ષા આપવાની રહેશે. ધોરણ ૩, ૪ અને ધોરણ ૫માં ૪૦ ગુણની પરીક્ષા રહેશે. તારીખ ૬ એપ્રિલે પ્રથમ અને દ્વિતિય ભાષા ગુજરાતી, ૭ એપ્રિલે ગણિત, તારીખ ૮ એપ્રિલે પર્યાવરણ, તારીખ ૯ એપ્રિલે પ્રથમ અને દ્વિતિય ભાષા હિન્દી, તારીખ ૧૦ એપ્રિલે પ્રથમ અને દ્વિતિય ભાષા અંગ્રેજી, તારીખ ૧૧ એપ્રિલે પ્રથમ ભાષા મરાઠી, ઉડિયા, તેલગુ, તમિલ અને ઉર્દુની પરીક્ષા લેવામાં આવશે. આ સાથે પરીક્ષા પુરી થશે.
બીજી બાજુ ધોરણ ૬થી ૮ની પરીક્ષામાં સાત વિષયની પરીક્ષામાં ૮૦ ગુણના પ્રશ્નો રહેશે. તેમાં તારીખ ૧૩ એપ્રિલે પ્રથમ અને દ્વિતિય ભાષા ગુજરાતી, તારીખ ૧૫ એપ્રિલે ગણિત, તારીખ ૧૬મીએ પ્રથમ અને દ્વિતિય ભાષા હિન્દી, તારીખ ૧૭મીએ વિજ્ઞાાન, તારીખ ૧૮મીએ પ્રથમ અને દ્વિતિય ભાષા અંગ્રેજી, તારીખ ૨૦મીએ સામાજીક વિજ્ઞાાન, તારીખ ૨૧મીએ સંસ્કૃત તથા તારીખ ૨૨મી એપ્રિલે પ્રથમ ભાષા મરાઠી, ઉડિયા, તેલગુ, તમિલ અને ઉર્દુની પરીક્ષાનું આયોજન કરાયું છે. શિક્ષણ તંત્રના સુત્રોએ જણાવ્યું કે ધોરણ ૩થી ૫માં પરીક્ષાનો સમય સવારે ૮થી ૧૦નો અને ધોરણ ૬થી ૮માં પરીક્ષાનો સમય સવારે ૮થી ૧૧નો રહેશે.