તળાજામાં તળાજી નદી પર નવા બ્રિજના નિર્માણનું ચાલી રહેલું કામ મંથરગતિએ થતું હોવાના કારણે વાહનચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
તળાજી નદીના સામાકાંઠે રહેણાંક સોસાયટી, સરકારી કચેરીઓ, મોડેલ સ્કૂલ, કોર્ટ વગેરે આવેલી છે. તળાજામાં આવવા-જવા માટે તળાજી નદી પર રજવાડાના સમયમાં બનેલો પુલ ઉપયોગી હતી. પરંતુ કોન્ટ્રાક્ટની અણઆવડતથી આ પુલના રોડ ઉપર તિરાડ પડી જતાં તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાયો છે. જ્યારે કોલેજ તરફ જતો નદી પરનો નાનો પુલ તોડીને નવા પુલનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. તેમાં મંદગતિએ કામ ચાલતું હોવાના કારણે સમયમર્યાદામાં પુલનું કામ પૂર્ણ થાય તેવું લાગી રહ્યું નથી. ચોમાસાના સમયમાં ભીડભંડજન મહાદેવ મંદિરનો કેટલોક ભાગ વરસાદી પાણીમાં ડૂબી જાય છે. વધુ વરસાદ હોય તો સામાકાંઠે પાણી ભરાઈ જવાનો ડર રહે છે. આવા સંજોગોમાં રજવાડાના સમયનો પુલ ખૂબ જ ઉપયોગી હોય, તે પણ બંધ કરાતા સ્થાનિકોમાં અત્યારજી જ ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. પુલના ધીમા કામ બાબતે માર્ગ અને મકાન વિભાગ-તળાજાના ઈજનરે ચોટલિયાએ જણાવ્યું હતું કે, ખાતમુહૂર્તને ચારેક માસ થયા છે, ૧૧ માસમાં કામ પૂર્ણ કરવાનું છે. આગામી સમયમાં કામની ગતિ વધશે તેવો દાવો કર્યો હતો.
સમુદ્રી જીવસૃષ્ટિની ચિંતાજનક પ્રવૃત્તિઓ સામે આવી છે. એક તરફ ડોલ્ફિન નશો કરતી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ, શાર્કના શરીરમાં કોકેઇનના અંશ મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ બધું સમુદ્રમાં વધી રહેલા પ્રદૂષણના સંકેત છે.
રિસર્ચમાં સામે આવ્યું કે, ડોલ્ફિન પફરફિશ સાથે અનોખી રીતે રમતી હોય છે. આ દરમિયાન પફરફિશમાંથી ટેટ્રોડોટોક્સિન નામનું ઝેર બહાર પડે છે. જે ઓછી માત્રામાં નશા જેવી અસર કરે છે. વૈજ્ઞાનિકોના મતે, ડોલ્ફિન આનંદ લેવા માટે આવું કરતી હોઈ શકે છે.
બીજી તરફ, કેટલીક શાર્કના શરીરમાં કોકેઈન અને પેઈનકિલર દવાઓના અંશ મળી આવ્યા છે. આ પદાર્થો સમુદ્રમાં ગંદાપાણી, ગટર અને ટુરિઝમ સંબંધિત પ્રદૂષણ મારફતે પહોંચે છે. તેમના શરીરમાં કેફીન સૌથી વધુ પ્રમાણમાં જોવા મળ્યું હતું. જે વ્યાપક પ્રદૂષણ દર્શાવે છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, શાર્કના વર્તનમાં કોઈ સ્પષ્ટ બદલાવ નથી જોવા મળ્યો. પરંતુ ,તેમના શરીરની અંદર રાસાયણિક ફેરફાર નોંધાયા છે. વૈજ્ઞાનિકો ચેતવણી આપી છે કે, ઘણા સમુદ્રમાં દવાઓ અને રસાયણોનું પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે, જે સમુદ્રી જીવસૃષ્ટિ પર ગંભીર અસર કરી શકે છે.
પાકિસ્તાન હજુ પણ આતંકી સંગઠનોનો અડ્ડો છે, પાકિસ્તાન આ આતંકી સંગઠનોનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરી રહ્યું છે આ ખુલાસો અમેરિકાની સરકારના કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ સીઆરએસ દ્વારા કરવામાં આવ્યો છે. ભારત પર હુમલા કરી ચુકેલા આ આતંકી સંગઠનોના ખાતમાના નામે પાકિસ્તાન દ્વારા અનેક ઓપરેશન ચલાવવામાં આવ્યા છે જોકે તેમ છતા આ સંગઠનો મોટા પ્રમાણમાં પાકિસ્તાનની ધરતી પર સક્રિય છે. પાક.માં વર્ષ ૨૦૧૯માં આતંકી ઘટનાઓમાં ૩૬૫ લોકો માર્યા ગયા હતા જે સંખ્યા ગયા વર્ષે વધીને ચાર હજારને પાર જતી રહી છે.
અમેરિકન સરકારના સીઆરઅસનો આ રિપોર્ટ ૨૫ માર્ચ ૨૦૨૬ની સ્થિતિ મુજબનો છે, જેમાં વધુમાં ખુલાસો કરતા જણાવાયું છે કે હાલ પણ પાકિસ્તાન આતંકવાદનું મથક છે, હાલ પણ અનેક હથિયારધારી સંગઠનો સક્રિય છે, કેટલાક આતંકી સંગઠનો તો ૧૯૮૦ના સમયથી પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ચાલી રહ્યા છે.
પાકિસ્તાનમાં સક્રિય આ આતંકી સંગઠનોના ટાર્ગેટ ક્યા ક્યા દેશો કે સ્થળો છે તેની વિગતો પણ અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવી છે.
જેમ કે કેટલાક આતંકી સંગઠનો માત્ર અફઘાનિસ્તાન પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે, જ્યારે કેટલાક સંગઠનો ભારતના અન્ય ભાગોમાં કે જમ્મુ કાશ્મીરમાં હુમલા કરવા સક્રિય છે.
કેટલાક આતંકી સંગઠનો માત્ર પાકિસ્તાનની અંદર જ હુમલા કરી રહ્યા છે. જેમાં શિયા મુસ્લિમો પણ નિશાન બનાવવામાં આવતા હોય છે. રિપોર્ટ મુજબ ૧૫માંથી ૧૨ એવા આતંકી સંગઠનો છે કે જે કટ્ટરવાદી ઇસ્લામિક વિચારધારા સાથે જોડાયેલા છે અને અમેરિકાના કાયદાઓ મુજબ તેને ફોરેન ટેરેરિસ્ટ ઓર્ગેનાઇઝેશન જાહેર કરવામાં આવ્યા છે.
પાક.ના આતંકીઓનો મુખ્ય ટાર્ગેટ જમ્મુ કાશ્મીર
અમેરિકાના આ રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠનોમાં મોટાભાગના એવા છે કે જેનો મુખ્ય ટાર્ગેટ ભારતનું જમ્મુ કાશ્મીર છે, આવા સંગઠનોમાં લશ્કર-એ-તોયબાનો સમાવેશ થાય છે જેની સ્થાપના ૧૯૮૦ના સમયમાં કરવામાં આવી હતી. આ સંગઠન મુખ્યત્વે પાકિસ્તાનના પંજાબ અને કબજાવાળા કાશ્મીરમાં સક્રિય રહ્યું છે. ૨૦૦૮ના મુંબઇ હુમલા માટે પણ પાકિસ્તાનનું જ આ આતંકી સંગઠન જવાબદાર હોવાની કબુલાત અમેરિકાના આ રિપોર્ટમાં કરવામાં આવી છે.
અન્ય સંગઠનોમાં જૈશ-એ-મોહમ્મદ, હરકત-ઉલ-જિહાદ ઇસ્લામી, હરકત-ઉલ-મુજાહિદિન, હિઝબુલ મુજાહિદીન વગેરેનો સમાવેશ આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ સંગઠનો ગમે ત્યારે હજુ પણ ભારત પર હુમલા કરી શકે છે.
વૈશ્વિક સ્તરે ખતરનાક સંગઠનો પાક.માં ઃ રિપોર્ટ
સીઆરએસના રિપોર્ટમાં પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠનોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, આ એવા સંગઠનો છે કે જે માત્ર ભારત જ નહીં વૈશ્વિક સ્તરે ખતરનાક માનવામાં આવે છે. આ સંગઠનોમાં અલ-કાયદા ટોચના સ્થાને છે જેની સ્થાપના ૧૯૮૮માં ઓસામા બિન લાદેન દ્વારા કરવામાં આવી હતી. લાદેનને ઠાર માર્યાને આટલા વર્ષો વીતી ગયા છતા અલ કાયદા પાક.ના અંતરિયાળ વિસ્તારોમાં સક્રિય છે. અન્ય સંગઠન ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રોવિન્સનો સમાવેશ થાય છે જે આઇએસ સાથે જોડાયેલું છે.
પાકિસ્તાનમાં જ ખતરા સમાન આતંકી સંગઠનો
પાકિસ્તાનમાં તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન ટીટીપી પાક.માં જ હુમલા કરી રહ્યું છે, આ સંગઠનની સ્થાપના ૨૦૦૭માં નૂર વાલી મેહસુદ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત પાકિસ્તાનના બલુચિસ્તાનમાં પણ અનેક સંગઠનો સક્રિય છે. એટલુ જ નહીં પાકિસ્તાનમાં શિયા વિરોધી સંગઠનો કેટલા છે તેની વિગતો પણ અમેરિકાના આ રિપોર્ટમાં જાહેર કરાઇ છે, આવા શિયા મુસ્લિમ વિરોધી સંગઠનમાં લશ્કર-એ-જહાંગવીનો સમાવેશ થાય છે. પાક.માં ૨૦૦૩થી આતંકવાદ વકર્યો જ્યારે ૨૦૦૯માં તે વધુ વિકરાળ બનતો ગયો. ૨૦૨૫માં આતંકી હુમલાઓમાં પાક.માં ૪૦૦૧ લોકો માર્યા ગયા જે દસકાનો સૌથી મોટો વાર્ષિક મૃત્યુઆંક છે, મોટાભાગના મૃતકો ખૈબર અને બલુચિસ્તાનના છે. પાકિસ્તાન અનેક વખત આતંકી સંગઠનોના ખાતમા માટે ઓપરેશનોના દાવા કરતુ રહ્યું છે જોકે તેમ છતા અનેક આતંકી સંગઠનો સક્રિય છે અને તેની સંખ્યા પણ વધી રહી છે.
ધાર્મિક તહેવારો પર જાહેર રજાઓની વધી રહેલી માગણીઓ વચ્ચે સુપ્રીમ કોર્ટે એક સ્પષ્ટતા કરી છે. સુપ્રીમે કહ્યું છે કે બંધારણના આર્ટિકલ ૨૫ હેઠળ લોકોને જે ધાર્મિક સ્વતંત્રતાના અધિકારો મળ્યા છે તેમાં ધાર્મિક તહેવારો સમયે જાહેર રજાની માગણી કરવાનો અધિકાર સામેલ નથી, ધાર્મિક તહેવારોએ જાહેર રજાઓ સરકારનો નીતિગત નિર્ણય છે.
સુપ્રીમ કોર્ટે એવુ પણ અવલોકન કર્યું હતું કે ભારતમાં પહેલાથી જ અનેક જાહેર રજાઓ આવે છે એવામાં વધુ એક જાહેર રજાની માગણી સ્વીકારી શકાય નહીં. ગુરુ ગોવિંદસિંહની જયંતિ પર પુરા દેશમાં રજા જાહેર કરવામાં આવે તેવી માગણી કરતી એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ અવલોકન કર્યું હતું. સાથે જ ગુરુ ગોવિંદસિંહના વખાણ પણ કર્યા હતા. ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મેહતાની બેંચે કહ્યું હતું કે ગુરુ ગોવિંદસિંહજી પ્રત્યે ભારે સન્માન છે. તેઓ ન્યાય, કર્તવ્ય પ્રત્યે અતુટ પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે.
સુપ્રીમે કહ્યું કે અરજીમાં જે માગ કરાઇ છે તે પાછળની ભાવના સન્માનનીય છે. પરંતુ આ મામલામાં ન્યાયિક દખલ આપવી શક્ય નથી. ધાર્મિક તહેવારો સમયે જાહેર રજાનો નિર્ણય લેવો તે સરકારની નીતિની બાબત છે અને તેમાં કોર્ટ દખલ ના આપી શકે. સુપ્રીમે કહ્યું હતું કે એક તરફ બંધારણ દ્વારા અપાયેલી ધાર્મિક સ્વતંત્રતા એક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા કે અધિકાર આપે છે. જોકે રાજ્યો પાસેથી જાહેર રજાઓ અપાવવાનો અધિકાર આ ધાર્મિક સ્વતંત્રતામાં સામેલ નથી. રાજ્યો કે કેન્દ્ર સરકાર ઇચ્છે તો આ અંગે નિર્ણય લઇ શકે છે, સામાન્ય રીતે જાહેર રજાઓનો નિર્ણય સ્થાનિક જરૂરિયાતો, સામાજિક સાંસ્કૃતિક સ્થિતિ પર આધાર રાખે છે. ભારત જેવા વિવિધતાપૂર્ણ દેશમાં પહેલાથી જ અનેક ધાર્મિક તહેવારો પર જાહેર રજાઓ અપાય છે, ભિન્નતાને ભેદભાવ ના માની શકાય. બેંચમાં સામેલ ન્યાયાધીશ સંદીપ મેહતાએ ટિપ્પણી કરી હતી કે ભારત પહેલાથી જ હોલીડેનો દેશ છે.
મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધને લઈને ૨૪ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વાતચીત થઈ હતી. હવે આ ફોન કોલને લઈને ન્યૂયોર્ક ટાઇમ્સે એવો દાવો કર્યો છે કે આ વાતચીતમાં ઇલોન મસ્ક પણ હાજર હતો. ભારતીય વિદેશ મંત્રાલયે આ વાત ફગાવી દીધી છે. ટ્રમ્પ અને મોદી વચ્ચે થયેલી વાતચીત ઇરાન યુદ્ધ શરૂ થયા પછીની પ્રથમ વાતચીત હતી.
પીએમ મોદી અને ટ્રમ્પે મંગળવારે વાત કરી હતી. ન્યૂયોર્ક ટાઇમ્સે અમેરિકાના અજાણ્યા અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની વાતચીતમાં ઇલોન મસ્ક પણ જોડાયા હતા. બે રાષ્ટ્રપ્રમુખો વચ્ચેની વાતચીતમાં કોઈ ખાનગી વ્યક્તિ જોડાય તેવું ભાગ્યે જ બને છે. આવો ભાગ્યે જ બનતો બનાવ બન્યો હતો.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ મોદી સાથે ઘણા સારા સંબંધ ધરાવે છે અને બંને વચ્ચેનો સંવાદ રચનાત્મક રહ્યો હતો એમ વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું.
ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટે જણાવ્યું હતું કે મસ્કના આ સંવાદમાં સમાવેશને બે અમેરિકન અધિકારીઓએ સમર્થન આપ્યું હતું. આ બતાવે છે કે વિશ્વની સૌથી સમૃદ્ધ વ્યક્તિના અમેરિકન પ્રમુખ સાથે ઘણા સારા સંબંધો છે. ગયા વર્ષે મસ્ક સરકારમાંથી નીકળી ગયા ત્યારે ટ્રમ્પ અને મસ્ક વચ્ચે વિખવાદ થયો હતો. અહેવાલે જણાવ્યું હતું કે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી કે શા માટે મસ્ક આ કોલ પર હતા અને તેમણે વાત કરી હતી.
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વાતચીતને લઈને જે સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે તે ભ્રામક અને વાસ્તવિકતાથી પરે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ પશ્ચિમ એશિયા અંગેના સંવાદનો મુખ્ય હેતુ વર્તમાન સ્થિતિ અંગે વૈચારિક આદાનપ્રદાનનો હતો. મંત્રાલયના જણાવ્યા મુજબ બંને નેતાઓએ આ ક્ષેત્રમાં જારી ઘટનાક્રમ, સુરક્ષા પરિદ્રશ્ય અને શાંતિ જાળવી રાખવાના પ્રયત્નો પર ચર્ચા કરી.
લીંબડીના વ્યસ્ત ગણાતા આઝાદ ચોક વિસ્તારમાં આવેલી સબર ટ્રાન્સપોર્ટની ઓફિસને નિશાન બનાવી અજાણ્યા શખ્સો રૂ.૧.૮૦ લાખની રોકડ રકમની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ટ્રાન્સપોર્ટના માલિકે લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદને લઇ લીંબડી પી.આઈ. એ.આર. સહિતના સ્ટાફે તસ્કરોને પકડવા માટે તપાસ હાથ ધરતા ટ્રાન્સપોર્ટમાં જ મજૂરી કરતા હિતેશ કલ્યાણભાઈ મકવાણાની હિલચાલ શંકાસ્પદ જણાતા તેની કડક પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન હિતેશે કબૂલાત કરી હતી કે તેની બહેનના લગ્ન હોવાથી નાણાંની જરૂરિયાત ઊભી થઈ હતી, જેના કારણે તેણે જ ઓફિસના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ.૪૭,૦૦૦ની રોકડ અને રૂ.૫,૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂ.૫૨,૦૦૦નો મુદ્દામાલ રિકવર કર્યો છે. બાકીની રકમ ક્યાં છુપાવી છે તે અંગે પોલીસ હાલ વધુ તપાસ ચલાવી રહી છે.
વઢવાણ તાલુકાના અણિન્દ્રા ગામના વતની અને હાલ રતનપરની ગણેશ પાર્ક શેરી નંબર -૪ પાસે રહેતા મહેશભાઈ ડુંગરભાઈ પંચાસરાનો ૨૨ વર્ષીય પુત્ર રીતેન હાલ અમદાવાદ અભ્યાસ કરી રહ્યા છે.
રીતેન અમદાવાદથી મિત્ર સાથે બાઈક લઈને સુરેન્દ્રનગર તરફ આવી રહ્યો હતો ત્યારે લખતર હાઈવે પર ગેથળા હનુમાન મંદિર અને મલકારી તલાવડી વચ્ચે પહોંચતા પાછળથી આવતી કારના ચાલકએ બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રીતેન પંચાસરાનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લખતર સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. જ્યારે આ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ જોવા મળ્યા હતા. બનાવ અંગેની પોલીસને જાણ થતા લખતર પોલીસ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતક યુવકના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આશાસ્પદ યુવકના અકસ્માતમાં મોતના બનાવથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
અભિષેક બચ્ચનનું લેટેસ્ટ ટ્રાન્સફોર્મેશ જોઇને ચાહકો અચંબામાં પડી ગયા હતા. અભિનેતાની તસવીર સોશયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો તેની આવનારી ફિલ્મ કિંગનું લુક હોવાની અટકળ કરી રહ્યા છે.
અભિનેતા છેલ્લે કાલિધર લાપતા ફિલ્મમાં જોવા મળ્યો હતો. હવે તે પોતાની આવનારી ફિલ્મ કિંગના શૂટિંગમાં વ્યસ્ત થઇ ગયો છે. આ દરમિયાન તેનું અલગ લુક વાયરલ થતાં જ લોકો કિંગનું લુક માની રહ્યા છે.
કિંગની શૂટિગ દરમિયાન અભિષેક બચ્ચન લાઇમલાઇટથીદૂર છે. ફિલ્મમાં તે ક્યા પાત્રમાં જોવા મળશે તેની માહિતી ખાનગી રાખવામાં આવીછે. પરંતુ તેણે તે આ ફિલ્મનો હિસ્સો હોવાની વાતને પુષ્ટિ આપી હતી.
બોલીવૂડના અભિનેતા-નિર્માતા જેકી અને વાશુ ભગનાનીએ મુંબઇનો પોતાનો જુહુનો એપાર્ટમેન્ટ રૂપિયા ૨૦. ૭ કરોડમાં વેંચ્યો છે. જેને ક્રિકેટર શુભમને ખરીદ્યો છે.
આ આલિશાન ફ્લેટ બિલ્ડિંગના ૧૨મા માળે આવ્યો છે. દસ્તાવેજોના અનુસાર,આ ફ્લેટ ૧૨ માળે આવેલો એક જ ફ્લેટ છે. જે ૩,૩૬૭ સ્કે. ફ્રૂટમાં ફેલાયેલો છે.
જેકી અને વાસુ ભગનાની રિયલ એસ્ટેટમાં સક્રિય છે. આ પ્રોજેકટનું ભૂમિ ભૂજન ગયા વરસે જ કરવામાં આવ્યું હતું. જેમાં ભગનાની પરિવારે એક પ્રિમીયમ અને લકઝરી હાઉસિંગ પ્રોજેક્ટ તરીકે ઓળખાવ્યો હતો.