Home Blog Page 247

Gujarat : છોટાઉદેપુરમાં 6 રૂપિયે કિલો ટામેટા વેચવા ખેડૂતો મજબૂર, દેવું વધતા ચિંતા

0

છોટાઉદેપુર જિલ્લાના ટામેટા પકવતા ખેડૂતો હાલ બેવડી મુસીબતમાં મુકાયા છે. એકતરફ કુદરતી આફત અને બીજી તરફ બજારમાં મળતા તળિયાના ભાવને કારણે જગતનો તાત દેવાદાર બનવાની સ્થિતિમાં આવી ગયો છે. જિલ્લામાં ટામેટાના ભાવ કિલો દીઠ માત્ર 6 થી 7 રૂપિયા થઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

તાજેતરમાં આવેલા વાવાઝોડાને કારણે ટામેટાના છોડ વજનથી નમી પડ્યા છે, જેનાથી પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને આ ખેતી પકવી હતી, પરંતુ હવે જ્યારે પાક તૈયાર છે ત્યારે બજારમાં ભાવ મળતા નથી. ખેડૂતો ટામેટા તોડવા માટે મજબૂર છે, પરંતુ તોડામણનો ખર્ચ પણ નીકળે તેમ નથી. સ્થિતિ એટલી હદે વણસી છે કે કેટલાક ખેડૂતો હવે ટામેટાના છોડ જ ઉખેડી નાખવાનું મન બનાવી રહ્યા છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે, છોટાઉદેપુર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા બાગાયતી ખેતીમાં થયેલા નુકસાનનો કોઈ પણ પ્રકારનો સર્વે કરવામાં આવતો નથી. વળતર તો દૂરની વાત છે, પરંતુ અધિકારીઓ નુકસાનીની ગણતરી કરવા પણ ખેતરો સુધી પહોંચતા નથી, જેને કારણે ખેડૂતો લાચાર અનુભવી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લામાં એક પણ જગ્યાએ કોલ્ડ સ્ટોરેજની સુવિધા નથી. આ સુવિધાના અભાવે ખેડૂતોએ પાક તૈયાર થતા જ તાત્કાલિક વેચી દેવો પડે છે. વેપારીઓ જે ભાવ આપે તે ભાવે માલ વેચવા સિવાય ખેડૂતો પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. જિલ્લાના ખેડૂતો વર્ષોથી તાલુકા મથકો અને APMC સેન્ટરોમાં કોલ્ડ સ્ટોરેજની માંગ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી આ દિશામાં કોઈ નક્કર કામગીરી થઈ નથી. હાલ તો 6 થી 7 રૂપિયાના ભાવે ટામેટા વેચવા પડતા હોવાથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. જો સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરી વળતર જાહેર કરવામાં નહીં આવે, તો આ વિસ્તારના ખેડૂતો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બની જશે.

Botad : બોટાદમાં કષ્ટભંજન મંદિરની પાછળનાં ૨સ્તા ઉપર અન-અધિકૃત રીતે ફેરીયાઓ ઉપરાંત લારી-ગલ્લાવાળાઓને મનાઈ ફરમાવતા જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ

0

બોટાદ જિલ્લાના સાળંગપુર ગામ તા.બરવાળા ખાતે આવેલ કષ્ટભંજનદેવ હનુમાનજીનું મંદિર શ્રધ્ધાળુઓની આસ્થાનું મોટુ કેન્દ્ર છે. જ્યાં દર્શનાર્થે ખુબ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ,યાત્રીકો તથા મહાનુભવો પધારે છે.

સાળંગપુર ગામ ખાતે કષ્ટભંજન મંદિરની પાછળ આવેલાં કષ્ટભંજન કિરાણા સ્ટોર થી દરબાર ગઢ તરફનાં સમગ્ર જાહેર રસ્તા ઉપર તથા બોટાદ જવાના રસ્તે આવેલ સાળંગપુર ટી પોઈન્ટથી કષ્ટભંજન હનુમાનજી મંદિરના મેઈન દરવાજા સુધીના માર્ગ ઉપર ફેરિયાઓ, લારી-ગલ્લા કે અન-અધિકૃત રીતે મુકવામાં આવતા આનંદ-પ્રમોદની રાઇડ્સ અથવા ખાનપાનની લારીઓ, પાથરણાઓ રાખવા તથા દબાણકારો દ્વારા દબાણ કરી યાત્રીકોને અવરજવરમાં અવરોધ ઉભો કરવામાં આવે છે.

દર્શનાર્થે આવતાં શ્રધ્ધાળુઓની સલામતી/સુરક્ષા જળવાય તથા કાયદો અને વ્યવસ્થાને ધ્યાને લઈ યોગ્ય રીતે વ્યવસ્થા જાળવી શકાય તથા મંદિર પરિસર તથા જાહેર રસ્તા ઉપર ભાગદોડ જેવી ઘટના ન બને તે હેતુસર ઉપરોક્ત ફેરીયા, લારી-ગલ્લા કે અન-અધિકૃત રીતે મુકવામાં આવતાં સાધનોની બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પી.એલ ઝણકાત દ્વારા મનાઈ ફરમાવવામાં આવી છે. જે અંતર્ગત કષ્ટભંજન મંદિરની પાછળ આવેલ કષ્ટભંજન કિરાણા સ્ટોર થી દરબાર ગઢ સુધીનાં જાહેર ૨સ્તા ઉપર ફેરીયા, લારી-ગલ્લા કે અન-અધિકૃત રીતે મુકવામાં આવતાં આનંદપ્રમોદની અથવા ખાનપાનની લારીઓ, પાથરણાઓ રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

આ જાહેરનામું તા.૨૩/૦૩/૨૦૨૬થી તા.૨૨/૦૫/૨૦૨૬ (૨-માસ બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ – ૧૯૫૧ ની કલમ – ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાનો અમલ અને તેનાં ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સટેબલથી નીચેનાં ન હોય તેવા ફરજ પરનાં પોલીસ અધિકારીને અધિકાર રહેશે.

Ahmedabad : અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા

પ્રયાગરાજ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં નકલી ટિકિટ કૌભાંડ બહાર આવતાં રેલવે તંત્ર ચોંકી ઉઠ્યું છે. ગત 21 માર્ચના રોજ અમદાવાદ સ્ટેશન પર પહોંચેલી ટ્રેનમાં નિયમિત ચેકિંગ દરમિયાન ટિકિટ ચેકિંગ સ્ટાફે સતર્કતા દાખવી 15 શખ્સોને ઝડપી પાડ્યાં હતાં.

પ્રયાગરાજ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ ખાતે આવી પહોંચ્યાં બાદ ટિકિટ ચેકિંગ દરમિયાન કેટલાક મુસાફરોની ટિકિટમાં એક સરખો સિરિયલ નંબર જોવા મળતાં શંકા ઉભી થઈ હતી. ક્યૂઆર કોડ સ્કેનિંગ અને ટેકનિકલ ચકાસણીમાં ટિકિટો નકલી હોવાનું બહાર આવ્યું હતું. આગળ તપાસ કરતાં જાણવા મળ્યું કે, અસલી ટિકિટ સ્કેન કરી તેની 10-10 નકલો બનાવીને ગેરકાયદેસર રીતે વેચવામાં આવતી હતી.

આ કારસ્તાન પ્રયાગરાજમાં એટીવીએમ ફેસિલિટેટર તરીકે કામ કરતા કેટલાક શખ્સો દ્વારા ચલાવવામાં આવતું હતું. બાદમાં અસલી ટિકિટો પર રિફંડ મેળવી નકલી ટિકિટો મુસાફરોને વેચી ગેરકાયદેસર નફો કમાતો હતો. રેલવે પોલીસે મામલાની ગંભીરતાથી નોંધી લઈ વધુ તપાસ હાથ ધરાઈ છે.

Entertainment : ઈવરાના પહેલા જન્મદિવસ પર આથિયા અને રાહુલે વરસાવ્યો પ્રેમ, વાયરલ તસવીરોએ જીત્યા ચાહકોના દિલ

0

બોલીવુડ અભિનેત્રી આથિયા શેટ્ટીએ પુત્રીના ઇવરાના પ્રથમ જન્મદિવસની ખાસ પ્રકારે ઉજવણી કરી. આથિયા અને કેએલ રાહુલે તેમની ઈવરાના જન્મદિવસે દિકરી પર પ્રેમ વરસાવ્યો. આ કપલની પોસ્ટ્સ અને ક્યૂટ ફોટાઓએ ચાહકોના દિલ જીતી લીધા છે, અને હવે તે વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં આથિયાની પુત્રીની ઝલક જોવા મળે છે. આથિયાએ તેની પુત્રી માટે એક ભાવનાત્મક નોંધ પણ લખી, જેમાં તેણીની હૃદયસ્પર્શી લાગણીઓ વ્યક્ત કરી અને તેણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.

લોકપ્રિય બોલિવૂડ અને ક્રિકેટ કપલ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ આ દિવસોમાં સમાચારમાં છે. આજે તેમની પુત્રી ઇવારાનો જન્મદિવસ છે, જે હવે એક વર્ષની થઈ ગઈ છે. રાહુલ અને આથિયા પુત્રી જન્મદિવસની ખાસ પ્રકારે ઉજવણી કરી રહ્યા છે. ઇવરાના જન્મદિવસની સજાવટમાં લીલી થીમ હતી, જેમાં ફુગ્ગાઓ પર લખેલું હતું “ઈવારુ એક છે” લખ્યું હતું. આ પ્રકારની ખાસ થીમ જન્મદિવસની ઉજવણીને વધુ ખાસ અને વ્યક્તિગત સ્પર્શ આપે છે. આથિયા શેટ્ટીએ પુત્રી ઇવરાના જન્મદિવસ પર ભાવનાત્મક નોંધ લખી. આથિયાએ પોસ્ટમાં લખ્યું કે મારા જીવનમાં રાખવા બદલ આભાર વ્યક્ત કરું છું.

સોશિયલ મીડિયામાં આથિયાએ શેર કરેલા ફોટામાં કેએલ રાહુલ તેની દીકરીને તેના હાથમાં પ્રેમથી જોતો જોવા મળે છે, જ્યારે બીજી બાજુ, આથિયા તેની સાથે આ ખાસ ક્ષણનો આનંદ માણતી જોવા મળે છે. અન્ય એક ફોટામાં, ઇવરાહ તેના જન્મદિવસની કેક સાથે રમતી જોવા મળી હતી, જેના પર “ઇવરુ ટર્ન્સ વન” લખેલું હતું. રાહુલે તેની પુત્રીની નાની આંગળી પકડી હતી, જેની પોતાની આંગળી પર “1” લખેલું હતું, તે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ પણ કેદ થઈ ગઈ હતી.

કેએલ રાહુલ અને આથિયા સાથે, ઇવરાના મામા, અહાન શેટ્ટીએ પણ ઇન્સ્ટાગ્રામ પર તેમની પ્રિય પુત્રીનો ફોટો શેર કર્યો છે. ફોટામાં, અહાન તેની ભત્રીજીને પ્રેમથી ખોળામાં લેતો જોવા મળે છે. તેણે કેપ્શન આપ્યું, “ઇવારા એક વર્ષની થઈ ગઈ છે.” અનન્યા પાંડેએ ટિપ્પણી કરી, ઇવરાહને “સ્વીટ એન્જલ” ગણાવી, જ્યારે અનુષ્કા શર્માએ “સ્વીટ બેબી” લખીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. મૃણાલ ઠાકુર, ભૂમિ પેડનેકર, અહાન શેટ્ટી અને રિદ્ધિમા કપૂર સાહની સહિત અન્ય ઘણા સ્ટાર્સે પણ અભિનંદન પાઠવ્યા.

Gujarat : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ઘોર બેદરકારી, 19 વર્ષથી હિસાબ જ નથી આપ્યો: CAG

0

રાજ્ય સરકારના વહીવટમાં પારદર્શિતાના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોનો વિકાસ કરતું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ છેલ્લા 19 વર્ષથી પોતાનો હિસાબ આપવામાં નિષ્ફળ રહ્યું છે. CAG ના અહેવાલો મુજબ, આ બોર્ડે વર્ષ 2006-07 થી અત્યાર સુધીના વાર્ષિક વહીવટી અહેવાલો વિધાનસભા સમક્ષ રજૂ કર્યા નથી.

સત્તાવાર વિગતો અનુસાર, ગાંધીનગર સ્થિત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના કુલ 19 વાર્ષિક અહેવાલો બાકી બોલે છે. 31 જુલાઈ 2025 સુધીની સ્થિતિએ, આ સંસ્થાએ 2006-07 થી લઈને 2024-25 સુધીના ઓડિટ રિપોર્ટ જમા કરાવ્યા નથી. નિયમ મુજબ, દરેક સ્વાયત્ત સંસ્થા કે બોર્ડે દર વર્ષે પોતાના હિસાબ અને કામગીરીનો અહેવાલ વિધાનસભામાં રજૂ કરવો ફરજિયાત છે, પરંતુ અહીં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામોના વિકાસ, શ્રદ્ધાળુઓની સુવિધા અને મોટા પ્રોજેક્ટ્સ માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. સોમનાથ, દ્વારકા, અંબાજી જેવા મોટા યાત્રાધામોમાં થતા વિકાસકાર્યો પાછળ ખર્ચાતા જાહેર નાણાંનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થયો, તે બાબત છેલ્લા બે દાયકાથી અસ્પષ્ટ છે. ઓડિટ રિપોર્ટ રજૂ ન થવાને કારણે આર્થિક ગેરરીતિ અને વહીવટી શિથિલતાની આશંકાઓ પણ પ્રબળ બની છે.

રિપોર્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOUADTGA) અને ગુજરાત શહેરી વિકાસ નિગમ જેવી સંસ્થાઓના પણ થોડા વર્ષોના અહેવાલો બાકી છે, પરંતુ 19 વર્ષ જેટલો લાંબો સમયગાળો માત્ર પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના નામે જ નોંધાયેલો છે. આટલી ગંભીર લાપરવાહી છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી તે પણ એક મોટો સવાલ છે. ભક્તોની આસ્થા સાથે જોડાયેલા ધામોના વિકાસ માટે મળતા ફંડનો હિસાબ આપવામાં આટલી મોટી નિષ્ફળતા એ સુશાસનના દાવાઓ સામે મોટું પ્રશ્નાર્થ ચિન્હ ઊભું કરે છે.

World : પાકિસ્તાનના જહાજને Hormuz Straitમાંથી પસાર થવા માટે ન મળી પરવાનગી, Iranએ પરત મોકલ્યુ

0

પાકિસ્તાનના સેલેન કન્ટેનર જહાજને એવા સમયે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પરત મોકલવામાં આવ્યુ છે. જ્યારે ઇસ્લામાબાદ અમેરિકા અને ઇરાનની વચ્ચે સમજૂતિ કરાર કરવા માટે બેઠકનું આયોજન કરી રહ્યુ હતુ. આ પાકિસ્તાન માટે એક આંચકો છે. કારણ કે પાકિસ્તાનના વરિષ્ઠ નેતાઓએ છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા ત્રણ વખત ઈરાનના ટોચના નેતૃત્વ સાથે વાત કરી છે. પરંતુ હવે ઇરાને પાકિસ્તાને કહ્યુ છે કે, તેમની મધ્યસ્થતા તેઓને મંજૂર નથી.

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં ખાડીથી કરાચી જઈ રહેલા સેલેન જહાજને રોક્યુ છે. જેના કારણે તેને હોર્મુઝ સ્ટ્રેટમાં પાછા ફરવાની ફરજ પડી છે. ઈરાની અધિકારીઓએ જણાવ્યું હતું કે, જહાજને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની પરવાનગી આપવામાં આવી ન હતી. જેના કારણે તેને પાછું મોકલી દેવામાં આવ્યું હતું. જહાજ સંયુક્ત આરબ અમીરાતથી પાકિસ્તાનના કરાચી જઈ રહ્યું હતું. પાકિસ્તાન સરકારે આ બાબતે મૌન સેવ્યું છે. અને યુએઈએ પણ કોઈ ટિપ્પણી કરી નથી.

કાબુલમાં ઈરાની દૂતાવાસના નિવેદન અનુસાર, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ નેવીએ પાકિસ્તાન જતું એક જહાજ યુએઈ પાછું ફેરવી દીધું છે. કારણ કે, ઈરાની સરકારે તેને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. આ જહાજ એક નાનું ફીડર કન્ટેનર જહાજ છે. જે 2000માં બનાવવામાં આવ્યું હતું. જે 6,850 ટન સુધીનો કાર્ગો વહન કરવામાં સક્ષમ હતું. કન્ટેનર જહાજ શારજાહ નજીક લોડ કરવામાં આવ્યું હતું અને ઓમાન થઈને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યું હતું.

પાકિસ્તાન માટે આંચકો કેમ ?

  1. ઈરાને ઘણા પાકિસ્તાની જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. ઓછામાં ઓછા એક જહાજ અંગે સત્તાવાર માહિતી ઉપલબ્ધ છે. પરંતુ હવે, સેલાન કન્ટેનર જહાજને અચાનક પાછું ફેરવી દેવામાં આવ્યું છે. આ એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર અંગે ઇસ્લામાબાદમાં બેઠકનું આયોજન છે.
  2. પાકિસ્તાની અધિકારીઓએ છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા ત્રણ વખત વરિષ્ઠ ઈરાની નેતાઓ સાથે વાત કરી છે. પીએમ શાહબાઝ શરીફે પોતે રાષ્ટ્રપતિ મસૂદ પજેશ્કિયાન સાથે વાત કરી હતી. તેમ છતાં, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સે ઈરાની જહાજોને અટકાવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાન ઈરાન સાથે યોગ્ય રીતે વાતચીત કરવામાં નિષ્ફળ ગયું છે.

Punjab : પંજાબમાં વધુ એક ધારાસભ્યની ધરપકડ, દુષ્કર્મના આરોપમાં 6 મહિનાથી ફરાર હતા

0

પંજાબ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. બળાત્કાર અને છેતરપિંડી જેવા ગંભીર આરોપોમાં છેલ્લા છ મહિનાથી ફરાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરાની પંજાબ પોલીસે ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 48 કલાકમાં ધરપકડ થનારા તે બીજો વર્તમાન ધારાસભ્ય છે. આ પહેલા સોમવારે પૂર્વ પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લરની આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

આપ ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા વિરુદ્ધ બળાત્કાર, છેતરપિંડી અને ગુનાહિત ધમકી જેવી ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ થઇ હતી. ધરપકડથી બચવા માટે તે 2 સપ્ટેમ્બર, 2025થી જ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. વારંવાર સમન્સ મોકલવા છતાં પોલીસ સમક્ષ હાજર ન થતા કોર્ટે તેને પ્રોક્લેમ ઓફેન્ડર જાહેર કર્યો હતો.

પઠાણમાજરા દેશ છોડીને ભાગી ન જાય તે માટે પોલીસ દ્વારા લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. પોલીસની એક વિશેષ ટીમ છેલ્લા ઘણા સમયથી તેના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી હતી. અંતે, સતત પ્રયત્નો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે તેને દબોચી લીધો હતો. હવે પોલીસ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે જેથી આ કેસમાં ઊંડી તપાસ થઈ શકે.

માત્ર બે દિવસમાં બે ધારાસભ્યોની ધરપકડને કારણે પંજાબની ભગવંત માન સરકાર રક્ષણાત્મક મોડમાં આવી ગઈ છે. વિપક્ષો આ મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે અને રાજ્યની કાયદો-વ્યવસ્થા તેમજ સત્તાધારી પક્ષના નેતાઓના ચારિત્ર્ય પર સવાલો ઉઠાવી રહ્યા છે. હાલ તો માન સરકાર વધારે એક મામલે ભોંઠી પડી રહી હોય તેવી સ્થિતિ પેદા થઇ છે.

જ્યાં એક તરફ લાલજીત ભુલ્લરનો કેસ એક અધિકારીની આત્મહત્યા સાથે જોડાયેલો છે, ત્યાં બીજી તરફ પઠાણમાજરા પર લાગેલા બળાત્કારના ગંભીર આરોપોએ આ મામલાને વધુ સંવેદનશીલ બનાવી દીધો છે. હાલમાં પોલીસે સત્તાવાર રીતે ધરપકડની પુષ્ટિ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Surat : સુરતના કતારગામમાં સાવકા પિતાએ દીકરી સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યુ

0

સુરતના કતારગામમાં સાવકા પિતાએ દીકરી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે, તો પિતાએ દીકરી સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે.

સુરતને કલંકિત કરતી ઘટના સામે આવી છે જેમાં સાવકા પિતાએ દીકરી સાથે આચર્યુ દુષ્કર્મ અને 14 વર્ષની દીકરી સાથે જ કરી બળજબરી અને પેટમાં દુખાવો થતા સમગ્ર હકીકત બહાર આવી છે, માતાએ નરાધમ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે, કતારગામ પોલીસે ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી છે.

સુરતના કતારગામમાં સાવકા પિતાએ દીકરી સાથે દુષ્કર્મ આચર્યુ છે, દીકરીને પેટમાં દુખાવો ઉપડતા સમગ્ર ઘટના સામે આવી અને તેના પિતાએ તેની સાથે આવું કર્યુ તેવી વાત દીકરીએ માતાને વર્ણવી હતી અને મામલો સામે આવ્યો, માતાએ સમગ્ર ઘટના પોલીસને કહી હતી અને પોલીસે તપાસ કરી હતી અને બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી, બાળકીના અલગ-અલગ મેડિકલ રીપોર્ટ પણ નીકાળવામાં આવ્યા છે અને પોલીસે પોકસો હેઠળ ગુનો નોંધ્યો છે.

પલસાણા વિસ્તારમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ ગુજારી ભાગી ગયેલો આરોપી ત્રણ વર્ષ બાદ નવી દિલ્હીથી ઝડપાયો છે. જિલ્લા એલ.સી.બી.ની ટીમે બાતમીને આધારે નવી દિલ્હી ખાતે પહાડ ગંજ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જે દરમિયાન આરોપી પંકજ ભભુતી પાંડે (ઉ.વ. 32 )ને પકડીને પૂછપરછ કરતા તેણે વર્ષ 2022માં સગીરા ઉપર બળાત્કાર કર્યો હોવાની વાત કબૂલતા સુરત લઈ આવી હતી.

Ahmedabad : અમદાવાદના રાણીપમાં પત્નીના અન્ય પુરુષો સાથેના આડાસંબંધોથી કંટાળી પતિએ જીવન ટૂંકાવ્યું

અમદાવાદના રાણીપમાં પત્નીના અન્ય પુરુષો સાથે આડાસંબંધોથી કંટાળી પતિએ જીવન ટૂંકાવ્યું છે, આ સમગ્ર ઘટનામાં પોલીસને સ્યુસાઈડ નોટ પણ મળી આવે છે અને ગુનો નોંધ્યો રાણીપ પોલીસે.

પતિને પત્નીના અનેક પુરુષ સાથે આડા સંબંધની હતી આશંકા અને પત્નીના ફોનની કોલ ડિટેઈલ કઢાવતા પત્નીનો ભાંડો ફૂટ્યો હતો જેના કારણે પતિને માઠું લાગ્યું અને પતિએ આપઙાત કરી લીધો હતો, માનસિક તણાવમાં આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, રાણીપ પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

તો પતિ અને પત્ની વચ્ચે લાંબા સમયથી ઝઘડા પણ થતા હતા અને પતિએ પત્નીને સમજાવ્યું હતુ કે તું બહારના કોઈ વ્યકિત સાથે આડા સબંધો ના રાખ પણ પત્ની આ વાત માની નહી અને માનસિક તણાવમાં આવી પતિ દશરથ દેસાઈએ ઘરમાં ગળેફાંસો ખાધો હોવાની વાત સામે આવી છે, મૃતકના ભાઈએ ભાભી ભગવતી દેસાઈ સામે નોંધાવી ફરિયાદ.

ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, રાણીપ પોલીસે આત્મહત્યા અને દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, મૃતકના પત્ની પોલીસની સમક્ષ કયારે હાજર થાય છે તે જોવાનું રહ્યું.

Entertainment : ધુરંધર 2′ વિવાદોમાં! શીખ સમુદાયના અપમાનનો આરોપ, માધવને મૌન તોડતાં માફી માગી

0

આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ધુરંધર 2 બોક્સ ઓફિસ પર પસ્તાળ પાડી રહી છે. પરંતુ તેની સાથે જ ફિલ્મ એક મોટા વિવાદમાં સપડાઈ છે. ફિલ્મમાં અભિનેતા આર. માધવનના એક સીન પર શીખ સમુદાયની ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લાગ્યો છે. વિવાદ વધતા માધવને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પોતાની સ્પષ્ટતા રજુ કરી છે સાથે સાથે માફી પણ માંગી છે.

ફિલ્મ ધુરંધર 2 ના એક સીનમાં આર. માધવનનું પાત્ર ગુરુ ગોવિંદ સિંહ જીના દશમ ગ્રંથની પવિત્ર પંક્તિઓ બોલે છે. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવ્યો કે, માધવને સિગરેટ પીતા-પીતા આ પવિત્ર પંક્તિઓ ઉચ્ચારી હતી. શીખ સમુદાયમાં આ બાબતે ભારે રોષ જોવા મળ્યો અને ફિલ્મ મેકર્સ પર ધાર્મિક અપમાનના આક્ષેપો થયા.

વિવાદને ગંભીરતાથી લેતા આર. માધવને એક વીડિયો મેસેજ જાહેર કર્યો છે. તેણે કહ્યું કે, ફિલ્મને મળી રહેલા પ્રેમ માટે આભાર, પરંતુ મને જાણવા મળ્યું છે કે એક સીનને લઈને ખોટી સમજ ઉભી થઈ છે. હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે પવિત્ર પંક્તિઓ બોલતા પહેલા જ મેં સિગરેટ બુઝાવી દીધી હતી.

માધવને વીડિયોમાં સ્પષ્ટતા કરી કે, નિર્દેશક આદિત્ય ધરે પહેલેથી જ સૂચના આપી હતી કે આ પવિત્ર લાઈનો બોલતી વખતે મોઢામાંથી ધુમાડો ન નીકળવો જોઈએ કે હાથમાં સિગરેટ ન હોવી જોઈએ. સીનની શરૂઆતમાં પાત્રના હાથમાં સિગરેટ હતી કારણ કે તે પાત્ર સ્મોકિંગ કરે છે, પરંતુ પંક્તિઓ શરૂ થાય તે પહેલા જ સિગરેટ બુઝાવી દેવામાં આવી હતી. દર્શકો ધ્યાનથી જોશે તો ખ્યાલ આવશે કે તે આખા સીન દરમિયાન ક્યાંય ધુમાડો કે સિગરેટ દેખાતી નથી.

માધવને વધુમાં ઉમેર્યું કે, તે પોતે શીખ સમુદાયનો ખૂબ આદર કરે છે અને દરેક ફિલ્મની રિલીઝ પહેલા અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ ખાતે માથું ટેકવવા જાય છે. તેણે અંતમાં ભાવુક થઈને કહ્યું, અમારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો ક્યારેય નહોતો. જો જાણે-અજાણે કોઈનું દિલ દુભાયું હોય તો અમે દિલથી માફી માંગીએ છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધુરંધર 2: ધ રિવેન્જમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં આર. માધવન ઉપરાંત સંજય દત્ત, અર્જુન રામપાલ અને સારા અર્જુન જેવા કલાકારોએ મહત્વના રોલ ભજવ્યા છે. હાલમાં આ ફિલ્મ તેની એક્શન અને સ્ટારકાસ્ટને કારણે ચર્ચામાં છે, ત્યારે આ વિવાદથી ફિલ્મના કલેક્શન પર શું અસર પડશે તે જોવું રહ્યું.