Home Blog Page 246

Ahmedabad : અમદાવાદના નવરંગપુરામાં બુલેટ સવારનો આતંક, અકસ્માત સર્જી બે લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ફરી એકવાર બેફામ ગતિએ દોડતા વાહને અકસ્માત સર્જ્યો છે. સ્ટેડિયમ રોડ પર પૂરઝડપે આવતા એક બુલેટ સવારે એક્ટિવાને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક્ટિવા સવાર યુવક લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ જતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ગઈકાલ રાત્રે નવરંગપુરા વિસ્તારમાં આવેલા કોમર્સ સિક્સ બિલ્ડિંગ પાસે, મેટ્રો પિલર નંબર 195 નજીક આ ઘટના બની હતી. હોટલમાં કામ કરતા વિજયસિંહ પરમાર અને શૈલેષ નામનો યુવક પોતાના એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન એક બેફામ ગતિએ આવતા GT બુલેટ બાઈક સવારે તેમને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે એક્ટિવા સવાર બંને યુવકો રોડ પર ફંગોળાયા હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બુલેટની ઝડપ એટલી વધારે હતી કે, એક્ટિવા સવારને કાંઇ પણ કરવાની તક મળી નહોતી. અકસ્માતમાં વિજયસિંહ પરમારને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓ સ્થળ પર જ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયા હતા. જ્યારે શૈલેષ અને બુલેટ ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 મારફતે ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ વિજયસિંહની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઘટનાની જાણ થતા જ નવરંગપુરા પોલીસ અને બી-ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ટ્રાફિક પોલીસે બુલેટ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના માર્ગો પર વધતા જતા ઓવર સ્પીડિંગના કિસ્સાઓ નિર્દોષ લોકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે, ત્યારે આ ઘટનાએ ફરી એકવાર વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.

Surat : સુરતની ખજોદ ડમ્પિંગ સાઈટ પર સતત બીજા દિવસે પણ કચરામાં લાગેલી આગ બુઝાતી નથી

0

સુરત પાલિકામાં 213 કરોડનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ નવા કોન્ટ્રાક્ટર નહીં મળતા વધુ 10 મહિના માટે કૌભાંડી એજન્સીને કચરા નિકાલની કામગીરી સોંપવામાં આવી છે. દરમિયાન છેલ્લા 52 દિવસમાં સતત બીજીવાર લાગેલી આગ શંકાનું કારણ બની છે. આગ લાગી છે કે લગાવવામાં આવી છે તે અંગેના અનેક સવાલો ઉભા થયા છે. ખજોદ કચરા કૌભાંડ અંગે તપાસ સમિતિ બની છે તેની તપાસ ધીમી પડી ગઈ છે પરંતુ આગ હજી પણ ધીમી પડતી નથી. સતત બીજા દિવસે પણ લાગેલી આગ પર કાબુ મેળવી શકાયો નથી ત્યારે આગના કારણો શોધવા માંગણી થઈ રહી છે.

વાપીના કોન્ટ્રાક્ટર સી.ડી ટ્રાન્સપોર્ટ દ્વારા સુરતનો રોજના 2500 મેટ્રીક ટન કચરો ઉલેચી ખજોદમાં સાયન્ટીફીક રીતે નિકાલ કરવાના બદલે મહુવાના કાંકરીયામાં બારોબાર નિકાલ કરવામાં આવ્યો હતો તેમાં પોલીસ ફરિયાદ થતા મસમોટું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડના કારણે સુરત પાલિકાની ઈમેજને ધક્કો પહોંચ્યો છે અને કચરા કૌભાંડની તપાસ કોઈક કારણોસર ઠંડી પડી છે. આજે સતત બીજા દિવસે આગ લાગી છે કે લગાવવામાં આવી છે તેનો વિવાદ ઉભો થયો છે.

આ આગ અંગે મ્યુનિ. કમિશનરથી માંડીને મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, આગ લાગવાના કારણો શોધવા પોલીસ ફરિયાદ કરવા, કચરો બળતા થતા હવા પ્રદૂષણ રોકવા, આગ ઓલવવા તથા ઘન કચરાનો ગેરકાયદેસર નિકાલ કરવાની તપાસમાં ઢીલાશ દૂર કરવા, બેદરકાર કોન્ટ્રાકટરને દંડ કરી બ્લેક લિસ્ટ કરવા કાર્યવાહી કરવા, કચરના નિકલમાં આગ લગાડી ભ્રષ્ટાચાર આચરવાની ઘટનામાં તપાસ કરી જવાબદાર સામે પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે.

આગ લાગવાના કારણે ભ્રષ્ટાચારના પુરાવા છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે ખજોદ ખાતે સીસીટીવી કેમેરા લગાવ્યા છે તેની તપાસની માગણી ભુતકાળમાં કરી હતી તેમાં કોઈ પગલાં ભરાયા ન હતા તેથી હવે ફરીથી સીસીટીવીના આધારે તપાસની માગણી કરવામાં આવી રહી છે.

સુરત પાલિકાની ડમ્પિંગ સાઈટ પર લાગેલી આગના કારણે શહેરના પ્રદૂષણની માત્રામાં વધારો થઈ રહ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ખજોદ સાઈટ પર સતત લાખો ટન બળતા કચરાને લીધે આજુબાજુમાં ભારે ધુમાડો આવી રહ્યો છે અને શહેરની હવા પ્રદુષિત થઈ રહી છે એક્યુઆઈમાં પણ વધારો થતા લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. આ સાથે પ્રદૂષણ પર કંટ્રોલ કરવા સાથે ખજોદ ડમ્પિંગ સાઈટ પર પણ જીપીસીબી પ્રદૂષણ માપવાના સાધનો મુકે તેવી માંગણી થઈ રહી છે.

આ કોન્ટ્રાક્ટરના બાકી બીલ છે તેને પાસ કરાવવા કેટલાક દલાલો પાલિકામાં પ્રયાસ કરી રહ્યાં છે જેના કારણે આ આગની તપાસ થવી જોઈએ અને કસૂરવારો સામે તાત્કાલિક પગલાં ભરવા જોઇએ તેવી માગણી થઈ રહી છે.

National : લોકસભામાં ફાઇનાન્સ બિલ પાસ, બજેટ પ્રસ્તાવ પર લાગી મ્હોર, જાણો તમારા ખિસ્સા પર કેટલી થશે અસર

0

લોકસભાએ ફાઇનાન્સ બિલ પસાર કર્યું છે. આ વર્ષ 2026-2027 માટે કેન્દ્ર સરકારની નાણાકીય યોજનાઓ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ બિલ બજેટ દરખાસ્તો માટે કાનૂની માળખું પૂરું પાડે છે. કર અને ફરજોમાં કરવામાં આવેલા ફેરફારો સામાન્ય લોકો અને વ્યવસાયો બંને પર અસર કરશે.

બુધવારે લોકસભામાં નાણાકીય બિલ પસાર થયુ. જે નાણાકીય વર્ષ 2026-2027 માટે કેન્દ્ર સરકારની બજેટ દરખાસ્તોને અમલમાં મૂકવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે ગૃહમાં આ બિલ રજૂ કર્યું હતું. નાણાકીય બિલ એક મહત્વપૂર્ણ કાયદાકીય પગલું છે જે કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલ દરખાસ્તો માટે કાનૂની આધાર પૂરો પાડે છે.

નાણાકીય બિલ હવે આવકવેરા દરો, શુલ્ક અને અન્ય levyમાં ફેરફારો લાગુ કરશે. જે વ્યક્તિઓ અને વ્યવસાયો દ્વારા સરકારી તિજોરીમાં ફાળો આપવાની રકમ પર સીધી અસર કરશે. આ જોગવાઈઓ નાગરિકોની નિકાલજોગ આવક, બચત અને રોકાણો પરના વળતરને અન્ય પગલાંઓ સાથે પ્રભાવિત કરશે તેવી અપેક્ષા છે.

2026 -27 ના બજેટની મુખ્ય દરખાસ્તો વૃદ્ધિને વેગ આપવા, રોજગારીનું સર્જન કરવા અને સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવા પર ખાસ ભાર મૂકે છે. બજેટમાં મૂડી ખર્ચ આધારિત માળખાગત સુવિધાઓ અને ખાનગી રોકાણ માટે વિસ્તરણ કરવા, ‘યુવા શક્તિ’ (યુવા શક્તિ) જેવી રોજગાર અને કૌશલ્ય વિકાસ પહેલ, અને લોન અને પ્રોત્સાહનો દ્વારા MSME (માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ) ને ટેકો પૂરો પાડવાને પ્રાથમિકતા આપવામાં આવી છે.

ઉત્પાદન, ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રો ઉત્પાદન-સંલગ્ન યોજનાઓ, ઔદ્યોગિક કોરિડોર, સિંચાઈ પ્રોજેક્ટ્સ અને ગ્રામીણ માળખાગત વિકાસથી લાભ મેળવવા માટે તૈયાર છે. બજેટમાં ગ્રીન એનર્જી, ડિજિટલ ગવર્નન્સ, શહેરી વિકાસ અને કનેક્ટિવિટીને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે.

વધુમાં, શિક્ષણ, આરોગ્યસંભાળ સેવાઓ અને પોષણના ક્ષેત્રોમાં માનવ મૂડી વૃદ્ધિ પર નોંધપાત્ર ભાર મૂકવામાં આવ્યો છે. કલ્યાણ યોજનાઓ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) અને સમાજના નબળા વર્ગોને સહાયની જોગવાઈ દ્વારા સમાવેશી વૃદ્ધિ અને સામાજિક સુરક્ષાને મજબૂત બનાવવામાં આવી છે.

અગાઉ, 1 ફેબ્રુઆરીના રોજ તેમના બજેટ 2026 ના ભાષણ દરમિયાન, નાણામંત્રીએ 2025-26 નાણાકીય વર્ષથી માનક કપાત અને આવકવેરા સ્લેબને યથાવત રાખીને અનેક મુખ્ય સુધારાઓની જાહેરાત કરી હતી.

બજેટ 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવેલ એક નવો આવકવેરા કાયદો રજૂ કરે છે, જે નિયમો અને ફોર્મ્સને સરળ બનાવે છે જેથી પાલન સરળ બને.

વિદેશી પ્રવાસ પેકેજો પર TCS (ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ) નો દર, તેમજ શૈક્ષણિક અને તબીબી હેતુઓ માટે LRS (લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ) હેઠળ કરવામાં આવેલા રેમિટન્સ પર, ઘટાડીને 2 ટકા કરવામાં આવ્યો છે.

સુધારેલા આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ સુધી લંબાવવામાં આવી છે, જ્યારે આવકવેરા સ્લેબ યથાવત છે. વધુમાં, કોઈ વધારાના વય-આધારિત લાભો પૂરા પાડવામાં આવ્યા નથી.

Bharuch : દક્ષિણ ગુજરાત થકી ભરૂચના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય જોડાણની તક, લગભગ 2 લાખ લોકોને રોજગારી આપતું ભારતનું કેમિકલ હબ

0

નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગ એકમોની વ્યાપક હાજરીને કારણે અહીં અદ્યતન ઉત્પાદન ક્ષમતા વિકસેલી છે, જેના પરિણામે આ વિસ્તારને “ભારતનું કેમિકલ કેપિટલ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારતના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત રાજ્ય હંમેશા અગ્રેસર રહ્યું છે અને તેમાં ભરૂચ જિલ્લો કેમિકલ તથા પેટ્રોકેમિકલ ઉદ્યોગના ક્ષેત્રમાં દેશના અગ્રણી હબ તરીકે વિશિષ્ટ ઓળખ ધરાવે છે. અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ, સાયખા અને વિલાયત જેવા વિકસિત ઔદ્યોગિક ક્લસ્ટર્સના કારણે ભરૂચ જિલ્લો આજે વિશ્વકક્ષાના કેમિકલ ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયો છે.

આ પ્રગતિને નવી ઉંચાઈ સુધી લઈ જવા માટે, આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત 2026 નું આયોજન સુરત ખાતે થવા જઈ રહ્યું છે. VGRC ગુજરાત રાજ્યનું મહત્વપૂર્ણ પ્રાદેશિક મંચ છે, જ્યાં ઉદ્યોગ, વેપાર અને નવીનતાના ક્ષેત્રોમાં કાર્યરત ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને નીતિનિર્માતાઓ એકત્રિત થશે. આ મંચ દ્વારા વિસ્તૃત રોકાણ, ટેકનોલોજીકલ સહકાર અને વૈશ્વિક ભાગીદારી માટે નવી તકો ઊભી થશે, જેના પરિણામે રાજ્યના ઉદ્યોગ વિકાસને નવી ગતિ મળશે.

ભરૂચ જિલ્લામાં કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ, ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ ઇન્ટરમિડિયેટ્સ, ડાયઝ અને પિગમેન્ટ, એગ્રોકેમિકલ્સ અને પેસ્ટિસાઇડ, ટેક્સટાઇલ અને ફાઇબર સહિતના વિવિધ સબ-સેક્ટર્સમાં કુલ 1394 જેટલા નાના-મોટા ઉદ્યોગો કાર્યરત છે. તેમાંના 45% થી વધુ કેમિકલ યુનિટો અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ, સાયખા અને વિલાયત જેવી ઔદ્યોગિક વસાહતોમાં સ્થિત છે, જ્યાંથી પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે લગભગ 2 લાખ લોકોને રોજગારી મળી રહી છે.

વિતરણ, માર્ગ, શક્તિ, પાણી અને માનવબળ જેવી આધારભૂત સુવિધાઓ સાથે રાજ્ય સરકારની અનુકૂળ નીતિઓએ ભરૂચનું ઉદ્યોગ પર્યાવરણ મજબૂત બનાવ્યું છે. આ ઔદ્યોગિક પ્રગતિમાં MSME અને મોટી કંપનીઓ બંને યોગદાન આપી રહ્યા છે, જે સ્થાનિક રોજગારી વધારવાના સાથે દેશને નિકાસમાં પ્રતિષ્ઠિત સ્થાન અપાવી રહ્યા છે.

ભરૂચ જિલ્લો આજે ભારતના આર્થિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ “ગ્રોથ એન્જિન” તરીકે ઉભરી આવ્યો છે અને ખાસ કરીને કેમિકલ ક્ષેત્રમાં ભરૂચ માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન માનવામાં આવે છે. દેશના કુલ કેમિકલ નિકાસમાં અંદાજે 19 % કરતાં વધુ ફાળો ભરૂચ જિલ્લો આપે છે, જ્યારે ગુજરાત રાજ્યએ છેલ્લા વર્ષે ભારતના કુલ કેમિકલ નિકાસમાં 45% જેટલો નોંધપાત્ર હિસ્સો પૂરો પાડ્યો છે, જે રાજ્યના મજબૂત ઔદ્યોગિક આધાર અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાનું પ્રતિબિંબ છે. ભરૂચ જિલ્લો રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે નિકાસ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. અહીં ઉત્પાદન થતા વિવિધ કેમિકલ ઉત્પાદનો અમેરિકા, બ્રાઝિલ, જાપાન, નેધરલેન્ડ વગેરે દેશો તેમજ દક્ષિણ આફ્રિકા જેવા વૈશ્વિક બજારોમાં નિકાસ થાય છે અને વિશ્વભરના ગ્રાહકો તરફથી ઊંચી માન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે.

VGRC દક્ષિણ ગુજરાત અંતર્ગત કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્ર માટે વિશેષ સત્રો, રોકાણ પર્વ, સ્ટાર્ટઅપ પિચ તથા ઇનોવેશન ડાયલોગ્સનું આયોજન કરવામાં આવશે, જેથી સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક માપદંડો સાથે સ્પર્ધાત્મક બનવાની તક મળશે. સુરતમાં VGRCના આયોજનથી પરિવહન, લોજિસ્ટિક્સ અને વેપાર પ્રવૃત્તિઓ માટે અનુકૂળ માહોલ સર્જાશે તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે સહકાર વધશે. આ પ્રક્રિયા દ્વારા ભરૂચ સહિતના ઉદ્યોગો માટે નવી સંભાવનાઓ ખુલશે, નવા રોકાણકારો આકર્ષાશે અને યુવા ઉદ્યોગસાહસિકોને નવી દિશા મળશે.

છેલ્લા કેટલાક વર્ષો માં અહીંના ઉદ્યોગકારોની સકારાત્મક ભૂમિકા ને કારણે પર્યાવરણ ક્ષેત્રે અનેક પ્રદૂષિત કચરા ના નિકાલ માટે ની અનેક ગુણવત્તા ધરાવતી સાઈટ કાર્યરત છે. હવા પ્રદુષણ ને નિયંત્રણ માં રાખવા કરોડો ના ખર્ચે સુવિધાઓ ઉભી કરાઈ છે. જલ પ્રદૂષિત પાણી ના નિકાલ માટે અંકલેશ્વર, ઝઘડિયા, પાનોલી, દહેજ અને વિલાયત થી દરિયામાં ઊંડે NEERI દ્વારા નિર્ધારિત કરાયેલ સાઇટ માં નિકાલ કરી રહ્યો છે. પર્યાવરણ ના જતન માટે GPCB અને CPCB પાસે પૂરતી માહિતી ઉપલબ્ધ છે. ઉદ્યોગ વિકાસ સાથે પર્યાવરણનું રક્ષણ અને ટકાઉ વિકાસ એ આજના સમયની મુખ્ય આવશ્યકતા છે. ભરૂચમાં કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, હવા પ્રદૂષણ નિયંત્રણ મશીનરી અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) સિસ્ટમ જેવી વ્યવસ્થાઓ અમલમાં છે, જે ટકાઉ ઉત્પાદન પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે.

કેમિકલ ઉદ્યોગ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર માળખું ઉભું કરીને તથા તે પ્રમાણે ઔદ્યોગિક એસ્ટેટ વિકસાવી અને સરળ હપ્તા પધ્દ્ધતિથી જમીનની ફાળવણી કરીને તેમજ સરકારની સબસિડી, વીજળી બિલમાં રાહત, પહેલા સર્વિસ ટેક્સ અને હવે GST રીઈમ્બર્સમેન્ટ જેવી યોજનાઓ ખૂબ લાભકારી બની રહી છે.

રાજ્ય સરકાર દ્વારા સિંગલ વિન્ડો અને ઑનલાઇન પોર્ટલ જેવી સુવિધાઓથી ઉદ્યોગોને મંજૂરી પ્રક્રિયા સરળ થઇ છે. સમય અને ખર્ચ બંનેમાં બચત થતી હોવાથી વધુ ઉદ્યોગો રૂચી દાખલ કરી રહ્યા છે.

દહેજ વિસ્તારને આવરી લેતા પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્ર તથા VGRC જેવી મહત્વપૂર્ણ પહેલોના કારણે ભવિષ્યમાં ભરૂચ અને આસપાસના વિસ્તારો માટે મોટા પાયે રોકાણ અને ઔદ્યોગિક વિકાસના નવા દ્વાર ખુલવા જઈ રહ્યા છે. આ પ્રકારના પ્લેટફોર્મ દ્વારા સ્થાનિક ઉદ્યોગોને આધુનિક ટેકનોલોજી, વૈશ્વિક કનેક્શન અને નવા રોકાણોની તક મળશે. VGRC જેવી પ્રોસ્પરિટી પ્લેટફોર્મ રાજ્ય સરકાર, ઉદ્યોગપતિઓ અને યુવા ઉદ્યોગસાહસિકો વચ્ચે સહકાર વધારશે અને “વોકલ ફોર લોકલ” તથા “આત્મનિર્ભર ભારત”ના સંકલ્પને મજબૂત આધાર આપશે.

આ ઉપરાંત, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 452.98 ચોરસ કિલોમીટરમાં જાહેર કરાયેલ પેટ્રોલિયમ, રસાયણો અને પેટ્રોકેમિકલ્સ રોકાણ ક્ષેત્ર (PCPIR) ભવિષ્ય માટે એક મોટો રોકાણ હબ બની રહ્યો છે. હાલ કેટલીક જગ્યાએ પાણી, વીજળી અને માર્ગ જેવી માળખાગત સુવિધાઓના વિકાસની જરૂરિયાત છે, તેમ છતાં આ પ્રોજેક્ટ હેઠળ વર્લ્ડ-ક્લાસ લોજિસ્ટિક્સ અને મેન્યુફેક્ચરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની પ્રક્રિયા આગળ વધી રહી છે, જે કેમિકલ અને પેટ્રોકેમિકલ એકમો માટે અત્યંત લાભદાયી સાબિત થશે. આ તમામ પ્રયત્નોના પરિણામે ભરૂચ જિલ્લો હવે માત્ર કેમિકલ સેક્ટરનો હબ નહીં, પરંતુ વૈશ્વિક ઉદ્યોગ નકશામાં મજબૂત સ્થાન ધરાવતું એક આગવું ઔદ્યોગિક કેન્દ્ર બની રહ્યો છે, જે સમગ્ર પ્રદેશના સર્વાંગી વિકાસ માટે નવી દિશા અને નવી તક રજૂ કરશે.

Business : સોનામાં ઘટાડાને વાગી બ્રેક, ચાંદીમાં પણ ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ

0

સ્થાનિક વાયદા બજારમાં, બુધવાર, 25 માર્ચના રોજ સોના અને ચાંદીના ભાવમાં મજબૂત રિકવરી જોવા મળી રહી છે. MCX પર, સોનાના વાયદામાં આશરે ₹5,400 ના ઉછાળા સાથે વેપાર થઈ રહ્યો હતો.સ્થાનિક વાયદા બજારમાં બુધવાર, 25 માર્ચના રોજ સોના અને ચાંદીના ભાવમાં મજબૂત રિકવરી જોવા મળી રહી છે. આ લખતી વખતે 2 એપ્રિલ, 2026 ના રોજ સમાપ્ત થતા સોનાના વાયદા કરારો, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આશરે ₹5,400 ના ઉછાળા સાથે ટ્રેડિંગ કરી રહ્યા હતા.

MCX પર, સોનાના વાયદા ₹143,079 (પ્રતિ 10 ગ્રામ) પર ખુલ્યા હતા. પાછલા ટ્રેડિંગ દિવસે, MCX પર સોનું ₹138,912 પર બંધ થયું હતું. સવારે 10:00 વાગ્યાની આસપાસ, સોનાના વાયદા ₹144,325 પર ટ્રેડિંગ કરી રહ્યા હતા, જે 3.90 ટકાનો વધારો દર્શાવે છે. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન, સોનાના વાયદા ₹144,434 ની ઊંચી સપાટીને સ્પર્શી ગયા હતા. ચાલો આજે તમારા શહેરમાં સોના અને ચાંદીના તાજેતરના ભાવો પર એક નજર કરીએ…

આજે ચાંદીનો ભાવ
MCX પર, 5 મે, 2026 ના રોજ સમાપ્ત થતા ચાંદીના વાયદા ₹236,400 (પ્રતિ કિલોગ્રામ) પર ટ્રેડ થઈ રહ્યા હતા, જેમાં 5.56 ટકા – અથવા આશરે ₹12,450 નો ઉછાળો નોંધાયો હતો. ચાંદીના ટ્રેડિંગ દિવસે ₹232,898 પર ખુલી હતી. દિવસના ટ્રેડિંગ સત્ર દરમિયાન, ચાંદી ₹236,899 ની ઊંચી સપાટીને સ્પર્શી ગઈ હતી.

દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં, 10 ગ્રામ ચાંદી હાલમાં ₹2,500 ના ભાવે વેચાઈ રહી છે. દરમિયાન, ગ્રાહકોએ 100 ગ્રામ ચાંદી ખરીદવા માટે ₹25,000 ખર્ચ કરવા પડશે. ચેન્નાઈમાં, 10 ગ્રામ ચાંદીનો ભાવ હાલમાં ₹2,600 ની આસપાસ ફરે છે.

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)

શહેર
24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,46,720
1,34,500
વડોદરા 1,46,720 1,34,500
રાજકોટ 1,46,720 1,34,500
સુરત 1,46,720 1,34,500
મુંબઈ 1,46,670 1,34,450
દિલ્હી 1,46,820 1,34,600
આ પણ વાંચો: ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?

Gandhinagar : વંદે માતરમ @150 વર્ષની બીજા તબક્કાની ઉજવણી કરાશે, 23 થી 31 માર્ચ 2026 સુધી રાજ્યવ્યાપી મહાઅભિયાન

દેશવાસીઓની રાષ્ટ્રીય ભાવનાને પ્રેરણા આપતું અમર રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત ‘વંદે માતરમ @૧૫૦ વર્ષ’ના બીજા તબક્કામાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી તા.૨૩થી ૩૧ માર્ચ,૨૦૨૬ દરમિયાન કરવામાં આવશે.

જેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં રાષ્ટ્ર ભાવનાને વધુને વધુ ઉજાગર કરવાનો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા, તાલુકા, નગરપાલિકા,મહાનગરપાલિકા અને ગ્રામીણ સ્તરે વંદે માતરમના સમૂહ ગીતનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ,યુવાનો,સરકારી અધિકારીશ્રીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોની વિશાળ જનભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે.

વધુમાં, દેશભક્તિનો સંદેશ વ્યાપક સ્તરે પહોંચે તે હેતુથી વિવિધ સ્થળોએ રેલી,પદયાત્રા અને જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવશે. આ ઉપરાંત શાળાઓ અને કોલેજોમાં વંદે માતરમ-દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત “વંદે માતરમ@૧૫૦વર્ષ ” બીજા તબક્કાના વિવિધ કાર્યક્રમોમાં વધુમાં વધુ યુવાનો- નાગરિકોને ઉત્સાહપૂર્વક જોડાઈ રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે સહભાગી થવા યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Gujarat : ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 7 જિલ્લામાં કમોસમી વરસાદનું એલર્ટ, જગતના તાતની ચિંતા વધી

0

રાજ્યમાં ઉનાળાની શરૂઆતે જ કુદરતી આફત જેવો માહોલ સર્જાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે આગામી 29 અને 30 માર્ચે રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ (માવઠું) પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29 માર્ચે ખાસ કરીને બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ રહેશે, જેને પગલે માછીમારોને 29 તારીખે દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. જ્યારે 30 માર્ચે વરસાદનો વ્યાપ વધશે અને કચ્છ, બનાસકાંઠા ઉપરાંત પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે.

વરસાદની આ આગાહી વચ્ચે હાલ રાજ્યમાં પવનોની દિશા બદલાતા ગરમીનો પ્રકોપ પણ જોવા મળી રહ્યો છે. 25 થી 28 માર્ચ દરમિયાન રાજ્યભરમાં ગરમીની અસર વર્તાશે, જેમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચવાની ધારણા છે. પવનોના બદલાતા પ્રવાહને કારણે બપોરના સમયે કાળઝાળ ગરમી અનુભવાશે, પરંતુ માર્ચના અંતિમ દિવસોમાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ અને માવઠાની અસરને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉનાળુ પાક અને બાગાયતી ખેતી કરતા ખેડૂતો પર ફરી એકવાર આર્થિક નુકસાનનું જોખમ તોળાઈ રહ્યું છે.

અમદાવાદ હવામાનના અધિકારી એ. કે. દાસે જણાવ્યું કે, આગામી 25થી 31 માર્ચ સુધીના હવામાન વિશે હું જણાવવા માંગુ છું કે 28 તારીખ સુધી વાતાવરણ સામાન્ય રીતે સૂકું રહેશે, પરંતુ 28 માર્ચથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 29 અને 30 માર્ચે અમુક સ્થળોએ હળવો વરસાદ અને ગાજવીજ થઈ શકે છે. 29 તારીખે અમે કચ્છ અને બનાસકાંઠા માટે તથા 30 તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાઓ માટે વરસાદની સંભાવના દર્શાવી છે. આગામી 48 કલાક સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે, પણ ત્યારપછી મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં 15 થી 20ની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશાથી પવન ફૂંકાશે. અત્યારે પવનની ગતિ અંગે કોઈ ખાસ ચેતવણી નથી.

Gandhinagar : કૃષિ અને પશુપાલન મંત્રીના હસ્તે નવનિયુક્ત 34 બીજ અધિકારી અને 11 પશુધન નિરીક્ષકોને નિમણૂક પત્ર એનાયત

ગાંધીનગર ખાતે કૃષિ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારમાં નવનિયુક્ત બીજ અધિકારી અને પશુધન નિરીક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવાનો સમારોહ યોજાયો હતો.

આ કાર્યક્રમ દરમિયાન કૃષિ અને પશુપાલન મંત્રીના હસ્તે નવનિયુક્ત ૩૪ બીજ અધિકારી તથા ૧૧ પશુધન નિરીક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કૃષિ મંત્રીએ નવનિયુક્ત ઉમેદવારોને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાનિર્દેશ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભરતી પ્રક્રિયાને અત્યંત પારદર્શક બનાવવામાં આવી છે, જેના પરિણામે આજે હજારો પ્રતિભાશાળી યુવાનો કોઈપણ ભલામણ વગર પોતાની મહેનતથી સરકારી સેવામાં જોડાઈ રહ્યા છે.

મંત્રીએ જણાવ્યું કે, કૃષિ અને પશુપાલન વિભાગમાં કામ કરવું એ માત્ર નોકરી નથી, પણ અન્નદાતાની સેવાની એક ઉત્તમ તક છે. બીજ નિગમમાં જોડાયેલા અધિકારીઓની જવાબદારી ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ યોગ્ય સમયે અને વ્યાજબી ભાવે મળી રહે તે સુનિશ્ચિત કરવાની છે. મગફળી, ડાંગર, ઘઉં અને ચણા જેવા પાકોનું ગુણવત્તાયુક્ત બીજ ઉત્પાદન ખેડૂતોના સમૃદ્ધિકરણમાં મહત્વનો ભાગ ભજવશે. તેવી જ રીતે, પશુ નિરીક્ષકોને મૂંગા પશુઓની સેવા કરવાનો અવસર મળ્યો છે.

નવનિયુક્ત અધિકારીઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ના ‘વિકસિત ભારત’ના વિઝનમાં સહભાગી થવા મંત્રીએ આહવાન કર્યું હતું. મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતનું વહીવટીતંત્ર અન્ય રાજ્યો કરતા અલગ ઓળખ ધરાવે છે, કારણ કે અહીંના અધિકારીઓ સમર્પણ ભાવથી કામ કરે છે. તેમણે યુવાનોને ૧૦ થી ૫ ની નોકરીની માનસિકતા છોડી, પોતાની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરી જનકલ્યાણના કામોમાં જોડાવા અનુરોધ કર્યો હતો. મંત્રીએ નવનિયુક્ત કર્મચારીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, ફિલ્ડમાં કામ કરતી વખતે આવતા નવા સૂચનો કે પ્રશ્નો માટે અમારી ઓફિસના દ્વાર હંમેશા ખુલ્લા છે. નાના સૂચનો પણ ભવિષ્યમાં મોટી જનકલ્યાણકારી યોજનાઓનું સ્વરૂપ લઈ શકે છે. અંતમાં મંત્રીશ્રીએ નવનિયુક્ત અધિકારીઓને પ્રામાણિકતા અને નિષ્ઠાથી ફરજ બજાવવાની શીખ આપી હતી.

આ કાર્યક્રમના પ્રારંભે પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકરે સૌનું શાબ્દિક સ્વાગત કરીને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે, ખેતી નિયામક આર. પી. રાજપૂતે કાર્યક્રમના અંતે આભારવિધિ કરી હતી. આ સમારોહમાં પશુપાલન અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ અરૂણકુમાર સોલંકી તથા કૃષિ વિભાગના અગ્ર સચિવ આર. સી. મીણા ઉપરાંત કૃષિ અને પશુપાલન વિભાગના અધિકારી-કર્મચારીઓ, નવનિયુક્ત ઉમેદવારો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

National : LPG ગ્રાહકો સાવધાન, જો PNG કનેક્શન નહીં લો તો 3 મહિનામાં ગેસ સિલિન્ડર બંધ થઈ જશે!

0

ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે દેશના ઉર્જા માળખામાં એક કડક ફેરફાર કરવાની જાહેરાત કરી છે. નવા જાહેર કરાયેલા ‘કુદરતી ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનો વિતરણ આદેશ, 2026’ મુજબ, જે વિસ્તારોમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાંના ગ્રાહકોએ ફરજિયાતપણે PNG કનેક્શન લેવું પડશે. જો ગ્રાહકો આ આદેશનું પાલન નહીં કરે, તો આગામી ત્રણ મહિનામાં તેમનો LPG (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ) પુરવઠો કાપી નાખવામાં આવશે.

હાલમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધો અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સર્જાયેલા અવરોધોને કારણે ભારત સતત LPG ની અછતનો સામનો કરી રહ્યું છે. ભારત પોતાની LPG જરૂરિયાતો માટે મોટાભાગે આયાત પર નિર્ભર છે. આ નિર્ભરતા ઘટાડવા અને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કુદરતી ગેસના નેટવર્કને મજબૂત બનાવવા માટે સરકાર PNG ને પ્રોત્સાહન આપી રહી છે. PNG સીધું પાઇપલાઇન દ્વારા રસોડા સુધી પહોંચે છે, જેનાથી ગ્રાહકોને વારંવાર સિલિન્ડર બુકિંગ કરવાની કે તેના ડિલિવરીની રાહ જોવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે.

ફરજિયાત સ્વિચિંગ: જો તમારા વિસ્તારમાં PNG પાઇપલાઇન નાખવામાં આવી હોય અને ટેકનિકલી તમારા ઘર સુધી કનેક્શન પહોંચાડવું શક્ય હોય, તો તમારે PNG અપનાવવું જ પડશે.ત્રણ મહિનાની સમયમર્યાદા: PNG નેટવર્ક ઉપલબ્ધ હોવા છતાં જો ગ્રાહક કનેક્શન લેવાનો ઇનકાર કરશે, તો મંત્રાલય 90 દિવસ પછી તેમનું LPG કનેક્શન રદ કરી દેશે.

ટેકનિકલ અપવાદ (NOC): જે ઘરોમાં ભૌગોલિક કે ટેકનિકલ કારણોસર PNG કનેક્શન આપવું શક્ય નથી, તેમને સરકાર ‘નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (NOC) આપશે. આવા કિસ્સાઓમાં જ ગ્રાહક પોતાનું LPG કનેક્શન ચાલુ રાખી શકશે.

World : CANADA પાયલટે ખૂબ જ જોરથી બ્રેક મારી’એર કેનેડાની ફ્લાઈટમાં બચેલા મુસાફરે કહી આપવીતી

0

ન્યુ યોર્કના લગાડિયા એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એર કેનેડા ફ્લાઈટ ટ્રક સાથે અથડાઈ.પાઈલટ્ના મોત.40થી વધુ લોકો ઈજાગ્રસ્ત.ફ્લાઈટમાં બચેલા મુસાફરો હજુ પણ એ ભયાનક ક્ષણોને યાદ કરીને ધ્રુજી ઉઠે છે.

એર કેનેડાની ફ્લાઈટમાં બચેલા મુસાફરો હજુ પણ એ ભયાનક ક્ષણોને યાદ કરીને ધ્રુજી ઉઠે છે.રવિવારે મોડી રાત્રીના ન્યુ યોર્કના લગાડિયા એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એર કેનેડા ફ્લાઈટ 8646 ફાયર ટ્રક સાથે અથડાઈ હતી.એકસ્માત એટલો ભયાનક હતો કે વિમાનમાં સવાર મુસાફરોને કઈ સમજાય તે પહેલા બધુ બની ગયું.

મુસાફર જેટ કેબોટે જણાવ્યું હતું કે “વિમાન નીચે ઉતરતાની સાથે પાયલોટે ખૂબ જ જોરથી બ્રેક મારી હતી.જેના કારણે વિમાન નીચે ઉતરતા સમયે જોરદાર ઝટકો લાગ્યો હતો અને ભારે અથડામણનો અવાજ આવ્યો એ ક્ષણ અમારા માટે ભયાનક હતી.અન્ય એક મુસાફર ફ્રેન્ચ નાગરિક ક્લેમેન્ટ લેલીવરે પણ આ ઘટનાને “ભયજનક અનુભવ” ગણાવ્યો.તેમણે જણાવ્યું પાયલટે અંતિમ ક્ષણ સુધી શાંતિ જાળવી રાખી અને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.પાયલટની બહાદુરીના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

આ દુર્ઘટનામાં કેપ્ટન એન્ટોઈન ફોરેસ્ટ અને ફર્સ્ટ ઓફિસર મકેન્ઝી ગુંથરનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.ફ્લાઈટ એટેન્ડન્ટ સોલેન્જ ટ્રેમ્બલ સહિત 40થી વધુ મુસાફરને ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.એરલાઈન પ્રશાસન દ્વાર આ દુર્ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે.મૃત પાઈલટના પરિવારો તેમજ જાઝ એવિએશન પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે.અધિકારીઓએ અકસ્માતની ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે.

તપાસકર્તાઓની પ્રાથમિક તપાસ મુજબ વિમાન ઉતરાણ માટે સંપૂર્ણપણે નિયંત્રિત અને સ્થિર દિશામાં આગળ વધી રહ્યું હતું.તમામ સિસ્ટમ્સ સામાન્ય રીતે કાર્યરત હતી.પાયલટ્સને લેન્ડિંગ માટે એર ટ્રાફિક કંટ્રોલ દ્રારા મંજૂરી પણ આપવામાં આવી હતી.પરંતુ તે જ સમયે કોઈ કામગીરી માટે એક ફાયર ટ્રક મૂકવામાં આવી હતી.આ ફાયર ટ્રકને રનવે પર પ્રવેશ માટે યોગ્ય પરવાનગી મળી હતી કે નહીં અને એર ટ્રાફિક કંટ્રોલ સામે સંકલન થયું હતું કે નહીં તે અંગે તપાસમાં ઘ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે સંપૂર્ણ તપાસ થયા બાદ જ અકસ્માતનું યોગ્ય કારણ બહાર આવશે.