Home Blog Page 271

Ahmedabad : ટ્રેનમાં મુસાફરોને કેફી પદાર્થ આપી લૂંટતા કુખ્યાત અમિત ઠાકુર ઝડપાયો, ફુગ્ગાવાળા બનીને પોલીસે રેકી કરી

અમદાવાદ રેલવેની LCBની ટીમે એક રીઢા ગુનેગારને પકડવા માટે દિલ્હીમાં ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડ્યું છે. ટ્રેનમાં મુસાફરોને કેફી પદાર્થ પીવડાવી બેભાન કરીને તેનો કિંમતી સામાન, દાગીના તથા એટીએમ કાર્ડની ચોરી કરનાર અમિત ઠાકુરને પોલીસે દિલ્હીથી દબોચી લીધો છે.

આ આરોપી એટલો ચાલાક હતો કે તેને પકડવા માટે રેલવે પોલીસની ટીમે સતત 7 દિવસ સુધી દિલ્હીમાં ધામા નાખ્યા હતા. પોલીસ અધિકારીઓએ પોતાની ઓળખ છુપાવીને ફેરિયા અને ફુગ્ગા વેચનારા બનીને આરોપીના ઘરની આસપાસ રેકી કરી હતી. જેવો અમિત ઠાકુર તેના ઘરે પહોંચ્યો કે તરત જ પોલીસે તરાપ મારી તેની ધરપકડ કરી લીધી હતી.

મળતી માહિતી અનુસાર, આરોપી અમિત ઠાકુર સામે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશમાં 25થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયા છે. તેની મોડસ ઓપરેન્ડી અત્યંત જોખમી હતી; તે મુસાફરોનો વિશ્વાસ જીતી તેમને નશીલા પદાર્થો યુક્ત પીણું પીવડાવી દેતો અને તેઓ બેભાન થાય એટલે રોકડ તેમજ ઘરેણાંની લૂંટ ચલાવતો હતો. ખાસ કરીને તે મુસાફરોના એટીએમ કાર્ડની ચોરી કરી બેન્કમાંથી નાણાં ઉપાડી લેવામાં પણ માહિર હતો. હાલ રેલવે પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેમાં અન્ય કેટલીક મોટી ચોરીઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

વેસ્ટર્ન રેલ્વે LCBના DySP ચેતન મુધવાના જણાવ્યાનુસાર, અમદાવાદ રેલવે એલસીબી ટીમે દિલ્હીથી અમિત કુમાર સુખદેવ ઠાકુર નામના એક કુખ્યાત આરોપીની ધરપકડ કરી છે, જે મૂળ બિહારનો વતની છે અને દિલ્હીમાં રિક્ષા ચાલક તરીકે કામ કરતો હતો. આ આરોપી ટ્રેનના સ્લીપર કોચમાં લાંબી મુસાફરી દરમિયાન પેસેન્જરો સાથે મિત્રતા કેળવી, તેમનો વિશ્વાસ જીતીને તેમના ખાણીપીણીમાં ઊંઘની ગોળીઓ કે અલ્ટ્રાઝોમ જેવી કેફી દવાઓ ભેળવી તેમને બેભાન કરી દેતો અને તેમના જીવ જોખમમાં મૂકીને તેમની પાસેથી રોકડ, કિંમતી દાગીના, મોબાઈલ અને એટીએમ કાર્ડની ચોરી કરતો હતો.

આરોપી મુસાફરોના ફોનમાંથી સીમકાર્ડ મેળવી નજીકના એટીએમમાંથી પૈસા પણ ઉપાડી લેતો હતો. આરોપીએ ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા વિવિધ રાજ્યોમાં અંદાજે 25 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે. અમદાવાદ રેલવે એલસીબીની ટીમે દિલ્હીમાં સાત દિવસ સુધી રોકાઈને, સ્થાનિક ફેરિયાઓ અને મજૂરોનો વેશ ધારણ કરી વોચ ગોઠવીને આ આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી 2 લાખની રોકડ અને ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા છે. આરોપીએ પોતાના મોજશોખ અને આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે આ ગુનાહિત પ્રવૃત્તિ શરૂ કરી હતી.

Entertainment : બોલવુડમાં શોકનું મોજું! આ જાણીતા સ્ટારના માતાનું થયું નિધન, સાંત્વના આપવા પહોંચ્યા દિગ્ગજ સ્ટાર્સ

0

પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની માતાનું અવસાન થયું છે. તેમના અવસાનથી ડિઝાઇનર ખૂબ જ શોકમાં ડૂબી ગયા છે. ઘણી સેલિબ્રિટીઓ તેમના ઘરે પહોંચી છે.

બોલવુડમાંથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે. ફેમસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રા શોકમાં ડૂબી ગયા છે. તેમની માતાનું 94 વર્ષની વયે અવસાન થયું છે. ઘણા બોલવુડ સ્ટાર્સ તેમના ઘરે તેમનું દુઃખ શેર કરવા માટે પહોંચ્યા હતા. ડિઝાઇનર તેમની માતાની ખૂબ નજીક હતા, અને તેમના નિધનથી તેઓ ખૂબ જ દુ:ખી થઈ ગયા છે. કેટલાક બોલીવુડ સ્ટાર્સ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને મનીષ મલ્હોત્રાની માતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

મનીષ મલ્હોત્રાની માતા ગરિમા 94 વર્ષના હતા. ગયા ગુરુવારે રાત્રે ડિઝાઇનરની માતાનું અવસાન થયું. બોલવીુડ સ્ટાર્સને તેમની માતાના અવસાનની જાણ થતાં જ તેઓ તેમના ઘરે દોડી ગયા. મનીષ મલ્હોત્રાનો બોલીવુડ સ્ટાર્સ સાથે ખાસ સંબંધ છે. આ જ કારણ છે કે આ મુશ્કેલ સમયમાં સ્ટાર્સ ડિઝાઇનરની સાથે ઉભા છે.

બોલીવુડના ઘણા સ્ટાર્સ એક પછી એક મનીષ મલ્હોત્રાના ઘરે જતા જોવા મળ્યા. ઐશ્વર્યા રાય બચ્ચન અભિષેક બચ્ચન સાથે ડિઝાઇનરના ઘરે પહોંચ્યા. આ સ્ટાર્સ ઉપરાંત, કરણ જોહર, કરિશ્મા કપૂર, ઉર્મિલા માતોંડકર, મલાઈકા અરોરા, સોનાલી બેન્દ્રે અને અનન્યા પાંડે જેવી અનેક સેલિબ્રિટીઓએ મોડી રાત્રે મનીષ મલ્હોત્રાના ઘરે જઈને તેમનું દુઃખ શેર કર્યું. આ દુઃખદ સમયમાં મનીષ મલ્હોત્રાનો આખો પરિવાર પણ એક સાથે છે.

મનીષ મલ્હોત્રાના પિતાનું 2019માં અવસાન થયું હતું. હવે, સાત વર્ષ પછી, ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની માતાનું પણ અવસાન થયું છે. મનીષ મલ્હોત્રા બોલીવુડના નંબર વન ડિઝાઇનર છે. બધા બોલીવુડ સ્ટાર્સ તેમના ડિઝાઇન કરેલા કપડાં પહેરે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. દર્શકો પણ તેમના ડિઝાઇનર કપડાંને પસંદ કરે છે.

Gujarat : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ચરોતરમાં મીની વાવાઝોડું : ખેડા જિલ્લામાં કમોસમી વરસાદ

0

ખેડા અને આણંદ જિલ્લામાં ગુરૂવારે વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ તેજ ગતિએ પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ નડિયાદ શહેર અને ખેડા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકતા તૈયાર રવી પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્ર્બન્સની અસર હેઠળ ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું ત્રાટકતા જનજીવન પ્રભાવિત થયું હતું. તેમજ કાપણી કરી ખેતરમાં રાખેલા ઘઉં તેમજ તમાકુના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતો આથક પાયમાલીની દહેશત અનુભવી રહ્યા છે.રાજ્યમાં છેલ્લા થોડા સમયથી કુદરતી આફતોનો સિલસિલો યથાવત્ રહ્યો છે, ત્યારે ખેડા અને આણંદ જિલ્લામાં સવારથી જ આકાશ વાદળછાયું બન્યું હતું. બપોર બાદ અચાનક પવનની ગતિમાં વધારો થયો હતો અને જોતજોતામાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. પવન એટલો પ્રચંડ હતો કે અનેક વિસ્તારોમાં વીજ લાઈનો પર ઝાડની ડાળીઓ પડવાને કારણે વીજ પ્રવાહ ખોરવાઈ ગયો હતો. ખેડા જિલ્લામાં સાંજ પડતાની સાથે જ પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થતા વાતાવરણમાં ઠંડક તો પ્રસરી હતી, પરંતુ ખેડૂતો માટે આ આફત બનીને આવ્યો હતો. ખેતીવાડીના નુકસાનની વાત કરીએ તો હાલ ખેતરોમાં રવિ પાકની સીઝન અંતિમ તબક્કામાં છે. ખેડૂતોએ ઘઉંની કાપણી કરી લીધી છે અને અનેક જગ્યાએ ઘઉંના પુળા ખેતરમાં જ પડયા છે. આ ઉપરાંત તમાકુનો પાક પણ તૈયાર થઈ ગયો હોવાથી તેની પણ કાપણી ચાલી રહી છે. આવી સ્થિતિમાં ખેડા જિલ્લામાં વરસાદ પડવાને કારણે તૈયાર માલ પલળી ગયો છે. અગાઉ દિવાળી સમયે થયેલા વરસાદે તમાકુના ધરૂવાડીયાનો નાશ કર્યો હતો અને હવે જ્યારે પાક ઘરે લાવવાનો સમય થયો છે ત્યારે ફરી કુદરત રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. 

વરસાદને કારણે તમાકુના પાકની ગુણવત્તા બગડવાની અને ઘઉંમાં કાળી પડી જવાની શક્યતા વધી ગઈ છે. ખેડા જિલ્લામાં માત્ર રવિ પાક જ નહીં પણ આગામી ઉનાળુ સીઝન માટે તૈયાર કરવામાં આવેલા બાજરીના ધરુને પણ આ કમોસમી વરસાદથી ફટકો પડયો છે. ખેડૂતોએ રાત-દિવસ એક કરીને પકવેલી મજૂરી પર પાણી ફરી વળતા ગ્રામ્ય વિસ્તારોમાં સન્નાટો વ્યાપી ગયો છે. તેજ પવનને કારણે ઉભા પાક પણ નમી પડયા છે, જેની સીધી અસર ઉત્પાદન પર પડશે. જ્યારે નડિયાદ શહેરમાં મોડી સામે કમોસમી વરસાદ ખાબક્યો હતો. તેમજ ગુરૂવારે નડિયાદમાં ‘નમોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કમોસમી વરસાદની આગાહીને પગલે ભારે પવન અને ધૂળની આંધીને કારણે આયોજકોને કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી. જ્યારે આણંદમાં પણ તેજ ગતિએ પવન ફૂંકાવાનું શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. જેના કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. તેજ ગતિએ પવન ફૂંકાતા આણંદ શહેરમાં ૩૫થી વધારે અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ૫૦થી વધુ વૃક્ષો ધરાશયી થયા હતા. જ્યારે ઝુંપડાઓના પતરાંઓ પણ ઉડયા હતા. આ ઉપરાંત કેટલાક સ્થળોએ મંડપો પણ ઉડી ગયા હતા. શહેરમાં બે કલાક વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. એટલું જ નહીં કેટલાક સ્થળોએ રોડ પર વૃક્ષો પડતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. બાદમાં તંત્ર દ્વારા વૃક્ષો હટાવીને માર્ગ પૂર્વવત કરાયો હતો. – વાયરો તૂટી પડતા, ફોલ્ટ સર્જાવાની ઘટનાથી તંત્રની કામગીરી સામે સવાલો 

પવન ફૂંકાવાની શરૂઆત થતાની સાથે જ નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. સામાન્ય પવનમાં પણ વીજ વાયરો તૂટી પડવાની કે ફોલ્ટ સર્જાવાની ઘટનાઓ તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. મોડી સાંજ સુધી અનેક સોસાયટીઓ અને ગામડાઓમાં અંધારપટ છવાયેલો રહ્યો હતો, જેને કારણે ગૃહિણીઓ અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

Ahmedabad : AMCએ પઝેશન લીધું તોય નારોલ-લાંભા સહિતના 16 તળાવમાં 2600થી વધુ દબાણ

અમદાવાદમાં આવેલા તળાવો ઈન્ટરલિંક કરી બારેમાસ પાણીથી ભરેલા રાખવાની ગુલબાંગ પોકળ પુરવાર થઈ છે. શહેરના નારોલ,લાંભા અને વટવા અને ઈસનપુર વોર્ડમાં આવેલા સોળ તળાવમાં 2681 દબાણો છે. જેમાં રહેણાંક મકાનો ઉપરાંત કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ એકમની સાથે ગોડાઉન અને ધાર્મિક સ્થાન આવેલા છે. નોંધપાત્ર બાબત એ છે કે આ સોળ તળાવ પૈકી દસ તળાવનુ મ્યુનિસિપલ કોર્પોરેશને પઝેશન લઈ લીધુ  હોવાછતાં વોટરબોડીના દબાણ દુર કરવામા એસ્ટેટ વિભાગ સદંતર નિષ્ફળ નિવડ્યું છે.

કોર્પોરેશન વોટરબોડીના દબાણ દુર કરવામા નિષ્ફળ

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન શહેરમા ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા તેમજ જે વિસ્તારોમા વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે. તેના નિવારણ માટે શહેરના વિવિધ વોર્ડમાં આવેલા તળાવો ઈન્ટરલિંક કરવાની બાબતમા અનેક વખત તંત્ર અને શાસકપક્ષ તરફથી મોટી મોટી જાહેરાતો કરવામા આવી. પરંતુ રાજ્ય સરકાર કે કલેક્ટર તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશનને જે તળાવો ડેવલપ કરવા આપવામા આવ્યા છે તેના ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં કોઈ રસ બતાવવામા ના આવ્યો. અપવાદરુપે ચંડોળા તળાવનુ બહુ ગાજેલુ ડિમોલીશન અને અન્ય એક કે બે તળાવની આસપાસના દબાણો દુર કરવા રાજકીય દબાણ તંત્રના અધિકારીઓ કે, ભાજપના હોદ્દેદારો ઉપર લાવવામા આવ્યુ એટલે વોટરબોડીના દબાણ દુર કરવામા આવ્યા હતા. નારોલ, વટવા અને લાંભા કે ઈસનપુર વોર્ડમા તો પે એન્ડ યુઝ ટોઈલેટ પણ કોર્પોરેશને બાંધી દીધા છે આથી મોટી બેદરકારી તંત્રની કઈ હોઈ શકે. આ 16 તળાવ ઉપર વર્ષોથી 2509 રહેણાંક મકાન, 114 દુકાન, 8 ગોડાઉન, 36 ઈન્ડસ્ટ્રીયલ એકમ તથા 2 ધાર્મિક સ્થાન અને બે પે એન્ડ યુઝના બાંધકામો થયેલા છે. આમછતાં ત્યાંના કોર્પોરેટરોના ધ્યાનમા આ બાબત ના હોય એમ બને જ નહીં.

AMCએ પઝેશન લીધું તોય નારોલ-લાંભા સહિતના 16 તળાવમાં 2600થી વધુ દબાણ 2 - image

તળાવ ઈન્ટરલિંકીંગના કરોડોના આયોજન મંથરગતિએ

વટવા તળાવને 13 કરોડ રૂપિયા, હાથીજણ ગામ તળાવને અંદાજે 4.28 કરોડ રૂપિયા, અસલાલી તળાવને અંદાજે રુપિયા 4.88 કરોડ રૂપિયાના ખર્ચથી આસપાસના તળાવ સાથે ઈન્ટરલિંક કરવાની કામગીરી દબાણો દુર નહીં થવાના કારણે મંથરગતિએ ચાલતી હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

Gujarat : બાલાસિનોરની 163 આંગણાવાડીઓને તાળાં, વર્કર – હેલ્પરોનું વિરોધ પ્રદર્શન

0

ગુજરાતભરમાં આંગણવાડી વર્કર અને હેલ્પરો દ્વારા શરૂ કરવામાં આવેલી લડતના એલાન અનુસાર બાલાસિનોર તાલુકામાં પણ ૧૬૩ આંગણવાડીને ત્રણ દિવસ માટે તાળાં લાગી ગયા છે. તેમજ કર્મચારીઓએ એકત્ર થઇને સૂત્રોચ્ચાર પોકારી વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.


બાલાસિનોર શહેર અને તાલુકામાં આવેલી તમામ આંગણવાડીના વર્કરો અને હેલ્પરો દ્વારા રાજ્યવ્યાપી લડતમાં ભાગ લઇને તા.૧૮થી ૨૦ માર્ચ સુધી રજા રાખી છે. જેના પગલે તાલુકાની તમામ ૧૬૩ આંગણવાડીને તાળાં લાગ્યા છે. આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત સરકારે ૨૦૨૨ પછી પગારમાં કોઇ વધારો કર્યો નથી. ત્યારે હાઇકોર્ટના ચુકાદા મુજબ વેતન વધારો કરીને લઘુતમ વેતન જેટલો પગાર વધારો આ૫વા, સરકારની વિવિધ ડિજિટલ કામગીરી કરવા માટે નવા મોબાઇલ ફોન આપવા, નિવૃત્તિની વય મર્યાદા વધારી ૬૦ વર્ષ કરી આપવા, ઉનાળું વેકેશન આપવા સહિતની માંગણીઓ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી સુધી કરાયેલી રજૂઆતોનું કોઇ અસરકાર પરિણામ આવ્યું નથી. પરિણામે આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા ત્રણ દિવસની સામૂહિક રજા રાખીને વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરાયું છે.ગુજરાતભરમાં શરૂ કરાયેલી આ લડતમાં બાલાસિનોર શહેર અને તાલુકાની આંગણવાડીના કર્મચારીઓ પણ જોડાયા છે.

Gujarat : રાજકોટમાં સોની વેપારીનું રૂા. 40 લાખનું સોનું કારીગર ઓળવી ગયો

0

રાજકોટમાં સોની વેપારીઓનું સોનું લઇ કારીગરો ભાગી જતા હોવાના કિસ્સા હવે સામાન્ય બની ગયા છે. મોરબી રોડ પરના અભીરામ પાર્કમાં જે.કે. કોમ્પલેક્સમાં રહેતા જયદિપભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ. 35)નું રૂા. 40 લાખનું સોનું કારીગર હારૂન કૌશર શેખ (રહે. હાથીખાના શેરી નં. 13) ઓળવી ગયાની ફરિયાદ એ.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ છે.

ફરિયાદમાં જયદિપભાઇએ જણાવ્યું છે કે ઘરેથી ભક્તિ ઓર્નામેન્ટ નામની પેઢી રાખી સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. છેલ્લા દોઢેક વર્ષથી જુની ગુજરી બજાર જ્વેલ પોઇન્ટ સામેના બિલ્ડિંગમાં દુકાન ધરાવતા હારૂનને ફાઇન સોનું આપી દાગીના બનાવડાવતા હતા. છેલ્લે તેણે સોય, દોરા અને લટકણ વગેરે દાગીના બનાવવાનું કામ હારૂનને સોપ્યું હતું. ગત સપ્ટેમ્બર માસમાં સોની બજાર બોઘાણી શેરીમાં એ.બી. ટાવરમાં આવેલ આર.જે. ઓર્નામેન્ટમાં રૂા. 11.42 લાખ RTGS થી મોકલ્યા હતા. જેના આધારે હારૂન ત્યાંથી 100 ગ્રામ ફાઇન સોનાનું બિસ્કિટ દાગીના બનાવવા લઇ ગયો હતો. તેના થોડા દિવસ બાદ ફરીથી આર.જે. ઓર્નામેન્ટમાં રૂા. 28.9 લાખ આરટીજીએસથી મોકલ્યા હતા. જેના આધારે હારૂન 257 ગ્રામ ફાઇન સોનું લઇ ગયો હતો. 

8 દિવસમાં દાગીના બનાવી આપવાની વાત કરી હતી. પરંતુ વાયદો પુરો નહીં કરતા પુછ્યું હતું ત્યારે થોડા દિવસમાં બનાવી આપીશ તેમ કહીં ટાઇમ પસાર કરતો રહ્યો હતો. ગત ઓક્ટોબર માસમાં તેની દુકાને જતા ફરીથી બહાના બતાવ્યા હતા. ત્યાર પછી દુકાન જ બંધ કરી ક્યાંક જતો રહેતાં આખરે તેના વિરૂદ્ધ આજે એ.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.

Gujarat : સુરતની લૂંટેરી દુલ્હન જસદણ પાસેથી ઝડપાઇ: વારાફરતી 2 યુવાન સાથે લગ્ન કરી પૈસા પડાવ્યા

0

સુરતના પાસોદરા યુવાન સાથે લગ્ન બાદ રૂા. 1.70 લાખ લઇને ફરાર થયા બાદ રાજકોટના યુવાન સાથે લગ્ન કરીને તેની પાસેથી પણ રૂા. 1.80 લાખ પડાવનાર લૂંટેરી દુલ્હનને લસકાણા પોલીસે રાજકોટના જસદણ પાસેથી ઝડપી લીધી હતી. મૂળ નાગપુરની 33 વર્ષની અનાથ યુવતીએ દલાલના કહ્યા મુજબ પહેલી વખત પૈસા લઈ સુરતના યુવાન સાથે લગ્ન કર્યા હતા અને બાદમાં દલાલના જ કહેવાથી બહાનું કાઢી રાજકોટ જઈ ત્યાંના યુવાન સાથે સગાઈ કરી સુરત પરત ફરી અઠવાડીયા બાદ લગ્ન કર્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પાસોદરા વિસ્તારમાં રહેતા અને હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરતા મૂળ અમરેલીના 43 વર્ષના અપરિણીત વિપુલભાઈ વિરજીભાઈ ટીંબડીયા સાથે ડિસેમ્બર 2025 માં રૂ. 1.70 લાખ લઈ મંદિરમાં લગ્ન કરનાર યુવતી સોનલ ચૌહાણ જેના હસ્તક લગ્ન થયા હતા તે કમલેશ કમાણીના દીકરાની સારવાર માટે 5 દિવસ પહેલા રાજકોટ ગયા બાદ તેના રાજકોટના યુવાન રાજેશ પડાળીયા સાથે લગ્ન થયા હોય તેવા ફોટા ફેસબુક મારફતે મળતા અને રાજેશ પડાળીયા સાથે પણ રૂ.1.80 લાખ લઈ સોનલે લગ્ન કર્યા હોવાનું જાણવા મળતા ભોગ બનેલા વિપુલભાઈ ટીંબડીયાએ લૂંટેરી દુલ્હન ગેંગની સોનલ ચૌહાણ અને તેના લગ્ન કરાવનાર દલાલ કમલેશ કમાણી વિરૂદ્ધ લસકાણા પોલીસમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.જેથી લસકાણા પોલીસની એક ટીમ જસદણ રવાના થઇ હતી અને પોલીસે લૂંટેરી દુલ્હન સોનલ સંદીપ ચૌહાણ (ઉ.વ. 33, રહે.તુકારામ નગર, ગોરા બજાર રોડ, જુની બસ્તી, જુની કામઠી, નાગપુર, મહારાષ્ટ્ર. હાલ રહે.બજરંગ નગર, જસદણ, જી.રાજકોટ) ને ઝડપી લીધી હતી.પોલીસે પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે અનાથ છે અને એક ભાઈ સાથે નાગપુરમાં રહેતી હતી.દલાલ કમલેશની પત્ની પણ નાગપુરની હોવાથી તેના મારફતે તે કમલેશના સંપર્કમાં આવી હતી અને કમલેશના કહ્યા મુજબ પહેલી વખત પૈસા લઈ સુરતના વિપુલ ટીંબડીયા સાથે લગ્ન કર્યા હતા.ત્યાર બાદ કમલેશના કહેવાથી જ બહાનું કાઢી રાજકોટ જઈ રાજેશ પડાળીયા સાથે સગાઈ કરી સુરત પરત ફરી અઠવાડીયા બાદ લગ્ન કર્યા હતા.

Bollywood : અનિલકપૂરનો ડ્રેગન ફિલ્મમાં વિલનના રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો

0

ફિલ્મ ડ્રેગનના દિગ્દર્શક અને અનિલ કપૂરહાલ મુંબઇમાં સાથેજોવા મળ્યા હતા. ત્યારથી અભિનેતા ડ્રેગન ફિલ્મમાં વિલનના રોલમાં કામ કરવા માટે વાતચીત કરી રહ્યો હોવાની ચર્ચા છે. જોકે સત્તાવાર રીતે ઘોષણા કરવામાં આવી નથી.ડ્રેગન ફિલ્મમાં જુનિયર એનટીઆર મુખ્ય રોલમાં જોવા મળવાનો છે. પહેલા આ ફિલ્મ જુન મહિનામાં રિલીઝ કરવાની યોજના હતી પરતુ હવે ૨૦૨૬ના અંતિમ મહિનાઓમાં રિલીઝ કરવાની યોજના છે.

થોડા સમય પહેલા ૨૦૨૬ની આવનારી ફિલ્મોમાં ડ્રેગનનો ઉલ્લેખ હતો. અનિલ કપૂરે ત્યારે જ ફોટો શેર કરીને ફિલ્મમાં પોતાની એન્ટ્રી કન્ફર્મ કરી હતી.

જોકે ત્યારે પણ ફિલ્મસર્જકે આ બાબતે ચૂપકીદી સેવી હતી.

ઉલ્લેખનીય છે કે, ધૂરંધર ટુ માટે પણ અનિલ કપૂરનો સંપર્ક કરવામા આવ્યો હતો. પરંતુ તેની પાસે ફિલ્મના શેડયુલ માટે તારીખો ન હોવાથી તેણે આ ફિલ્મ સ્વીકારી નહોતી.

Gandhinagar : ઓઈલના ગોડાઉનમાં ભીષણ આગ ઃ કરોડો રૃપિયાનો મુદ્દામાલ ખાખ

કલોલ શહેરના કર્મયોગી સોસાયટી વિસ્તારમાં આવેલી એક ઓઈલના ગોડાઉનમાં ગત મધરાતે ભયાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તંત્ર દ્વારા તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આ ભીષણ અગ્નિકાંડમાં ગોડાઉનમાં રાખેલો કરોડો રૃપિયાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

આ આગની ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે મધરાત્રિના સમયે જ્યારે આખું શહેર નિદ્રાધીન હતું, ત્યારે કર્મયોગી સોસાયટીમાં આવેલા ઓઈલ અને ટાયરના ગોડાઉનમાંથી અચાનક આગની જ્વાળાઓ ઉઠતી જોવા મળી હતી. ગોડાઉનમાં ઓઈલ અને ગ્રીસ જેવા જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૃપ ધારણ કરી લીધું હતું. આકાશમાં ધુમાડાના ગોટેગોટા અને ઊંચી જ્વાળાઓ જોઈ આસપાસના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા. આગની ગંભીરતાને જોતા કલોલ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક અન્ય કેન્દ્રોની મદદ લેવામાં આવી હતી. કલોલ, કડી, ઇફકો, ઓએનજીસી અને ગાંધીનગરથી કુલ ૮ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઓઈલની આગ હોવાથી પાણીની સાથે સ્પેશિયલ ફાયર ફાઇટિંગ ફોમનો પણ મારો ચલાવવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૃપે બાજુમાં આવેલી હોસ્પિટલ અને સોસાયટીના મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા ત્યારે આખા વિસ્તારનો પાવર સપ્લાય કાપી નાખવામાં આવ્યો હતો. જ્યારે સવસ રોડને અવરજવર માટે સંપૂર્ણ બંધ કરી દેવાયો હતો. આ ઘટનાની જાણ થતા જ મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. પોલીસ કાફલાએ પણ ભીડને નિયંત્રિત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા મોરચો સંભાળ્યો હતો. ગાંધીનગર ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, રાત્રે ત્રણ વાગ્યે મેજર કોલની વરદી મળતા જ અમારી ટીમો રવાના થઈ હતી. અંદાજે ૨થી ૨.૫ લાખ લિટર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી છે, જેનાથી આજુબાજુની સોસાયટીઓને મોટી હોનારતથી બચાવી લેવાઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ આગમાં ગોડાઉનમાં રાખેલો ઓઈલ, ગ્રીસ અને ટાયરનો કરોડો રૃપિયાનો મુદ્દામાલ બળીને રાખ થઈ ગયો છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સકટ હોવાની આશંકા સેવાઈ રહી છે.

Gujarat : ઓડિશાથી 8.210 કિલો ગાંજો લઇ આવેલી મૂળ મોરબીની વિધવા સુરતમાં ઝડપાઈ

0

સુરત: દારૂડીયા પતિનું લીવર ફેઈલ થતા આઠ મહિના પહેલા અવસાન થયા બાદ દીકરીની સારવારમાં રૂ.૮ થી ૯ લાખનો ખર્ચ થતા નણંદ અને અન્ય સંબંધીઓ પાસે લીધેલા ઉછીના લીધેલા પૈસાનું દેવું ચૂકતે કરવા અને ભાઈના સાળા સાથે નવી જીંદગી શરૂ કરવા માટે ભૂતકાળને ભૂંસવા ઓડિશાથી ગાંજો લઈ પરત ફરેલી ૩૨ વર્ષીય વિધવાને ચોકબજાર પોલીસે રૂ.૪.૧૦ લાખની મત્તાના 8.210 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લીધી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ રાહુલભાઇ કમલેશભાઇ, મહાવિરસિંહ ભીમજીભાઇ અને સંજયસિંહ કરશનભાઇને મળેલી બાતમીના આધારે ચોકબજારત પીઆઇ એન.જી.ચૌધરી, મહિધરપુરા પોલીસ મથકના મહિલા પીઆઇ યુ.જે.જોષી અને ચોકબજાર પોલીસના સ્ટાફે વેડરોડ ભરીમાતા રોડ ફૂલવાડી ઝુપડપટ્ટી ઘર નં.૨૦ ના ગ્રાઉન્ડ ફ્લોરના રૂમમાં રેઇડ કરી ત્યાંથી ૩૨ વર્ષીય વિધવા ઇજાઇના કાસમ સંધવાની (મુળ રહે.સંધવાની વાસ, માળીયા બસ સ્ટેશનની પાસે, તા.માળીયા મીયાણા, જી.મોરબી) ને રૂ.૪,૧૦,૫૦૦ ની મત્તાના ૮.૨૧૦ કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી, મોબાઈલ ફોન અને ગાંજો મળી કુલ રૂ.૪,૨૫,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.ઇજાઇનાનો દારૂડીયો પતિ લીવર ફેઇલ થતા આઠ મહિના પહેલા મૃત્યુ પામ્યો હતો. સિલાઇકામ કરી એક બાળાનું ભરણપોષણ કરતી હતી. પણ બાળાને વેન્ટિલેટર પર સારવાર દરમિયાન રૂા.૮-૯ લાખનો ખર્ચ થતા નણંદ સહિત સબંધીઓ પાસે ઉછીના લીધે પૈસા ચૂકતે કરવા ગાંજો ઓડિશાથી લાવી હતી. પંડોળમાં ચ્હાની લારી પર આવતા એક વ્યક્તિએ પૈસાની જરૂર હોવાનું જાણીને ગાંજો લાવવાની સલાહ આપી એક નંબર આપતા તેના પર વાત કરી તે એકલી ટ્રેનમાં ઓડિશા ગઇ હતી. તેણે સાદી ટિકિટ લીધી હતી અને સ્લીપર કોચમાં ચઢી જતા ટીટીએ પકડી ત્યારે કામ અટકે નહીં તે માટે દંડના રૂ. 1,000 ભરીને તે ભરતપુર પહોંચી હતી.ત્યાં બુલ્લુ માલીયાનો સંપર્ક કરી તેને રૂ. 50,000 આપી ગાંજો લઈ તે જનરલ કોચમાં પહેલા પુણે અને ત્યાંથી સુરત આવી હતી. તેનો ઈરાદો ગાંજાની પડીકી બનાવી આજુબાજુની ઝૂંપડપટ્ટીમાં રહેતા ઓડિશાવાસીઓને વેચી રોકડી કરવાનો હતો.

પોલીસની તપાસમાં દેવું ચૂકતે કરવા તેણે આમ કર્યું હોવાનું કહ્યું હતું. જોકે, વધુ પુછપરછ કરાતા તેણે ચોંકાવનારી કબૂલાત કરી હતી કે તેની દીકરી તેના પિયર સુરેન્દ્રનગરમાં પિતા પાસે રહેતી હોય તેમને જ સોંપીને તે ભાઈના સાળા સાથે લગ્ન કરી નવી જીંદગી જીવવા માંગતી હતી. તે માટે ભૂતકાળને ભૂંસવા તે દેવું ચૂકતે કરવા માંગતી હતી, તેથી ગાંજો લાવી હતી. ચોકબજાર પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી તેને ગાંજો સપ્લાય કરનાર ઓડિશા ભરતપુરના બુલ્લુ માલીયાને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.