Home Blog Page 273

World : ખાડી દેશોમાં ‘એનર્જી વોર’ : ઈરાને કતારના ગેસ પ્લાન્ટ ફૂંક્યા, 12 દેશોએ આપી ગંભીર ચેતવણી

0

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધમાં ભયંકર તબાહી સર્જાઈ રહી છે. સ્થિતિ એવી છે કે, ઈરાનના પડોશી દેશો પણ યુદ્ધની ઝપેટમાં આવી ગયા છે. ઈઝરાયલે ગઈકાલે ઈરાનના સૌથી મોટા ઓઇલ-ગેસ ઈન્ફ્રાસ્ટ્રકચર હુમલો કર્યો હતો, ત્યારબાદ ઈરાને પણ કતાર અને સંયુક્ત આરબ અમીરાતના ગેસ પ્લાન્ટ પર હુમલો કર્યો છે. આ તબાહી બાદ 12 અરબ અને ઈસ્લામિક દેશોએ રોષ ઠાલવ્યો છે અને ઈરાનના હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. આ દેશોએ ઈરાનને હુમલા રોકીને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સન્માન કરવા કહ્યું છે.

સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં ગુરુવારે યોજાયેલી બેઠક આ 12 દેશોની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ અજરબૈજાન, બેહરીન, ઈજિપ્ત, જોર્ડન, કુવૈત, લેબેનોન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, સીરિયા, તુર્કેઈ અને સંયુક્ત આરબ અમિરાતના મંત્રીઓએ સંયુક્ત નિવેદન જાહેર કરી ઈરાનને તાત્કાલીક હુમલાઓ રોકવા અને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવા કહ્યું છે.

સંયુક્ત નિવેદનમાં જોર્ડર, અજરબૈજાન અને તુર્કેઈએ ઈરાની હુમલાની નિંદા કરી છે. વિદેશ મંત્રીઓએ કહ્યું કે, ઈરાને રહેણાંક વિસ્તારો, તેલ પ્લાન્ટ, એરપોર્ટ, રહેણાંક બિલ્ડિંગો અને ડિપ્લોમેટિક સ્થળોને ટાર્ગેટ કર્યા હતા.

ઈરાને રાસ લફ્ફાન ઔદ્યોગિક શહેરને ટાર્ગેટ કર્યું હોવાનો કતારે આક્ષેપ કર્યો છે. કતારે કહ્યું કે, ઈરાને કરેલા હુમલાઓ સંયુક્ત રાષ્ટ્ર પરિષદના પ્રસ્તાવ 2817નું ઉલ્લંઘન છે. હુમલા બાદ કતારે ઈરાની દુતાવાસ, સૈન્ય સ્થળો, ઓફિસો ખાલી કરવાનો અને તેના સ્ટાફને 24 કલાકમાં દેશ છોડવાનો આદેશ આપી દીધો છે.

Sports : પિતા સચિનની જેમ જ અર્જુન પણ વાપરે છે ‘ભારે’ બેટ, વજન જાણીને રિષભ પંત પણ ચોંકી ગયો!

0

IPL 2026 ની તૈયારીઓ અત્યારે જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ સોશિયલ મીડિયા પર એક રસપ્રદ વીડિયો શેર કર્યો છે, જેમાં રિષભ પંત અને અર્જુન તેંડુલકર વચ્ચે બેટના વજનને લઈને ખાસ વાતચીત જોવા મળી રહી છે.વીડિયોમાં રિષભ પંત અર્જુનને તેના બેટના વજન વિશે પૂછતો જોવા મળે છે. અર્જુને ખુલાસો કર્યો કે તેના બેટનું વજન 1220 ગ્રામ છે. જ્યારે પંતે ભારે બેટના ફાયદા વિશે પૂછ્યું, ત્યારે અર્જુને સચોટ જવાબ આપતા કહ્યું કે:

અર્જુને વધુમાં જણાવ્યું કે તે ક્યારેય 1200 ગ્રામથી હલકા બેટનો ઉપયોગ કરતો નથી. આ સાથે જ તેણે તેના પિતા અને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના બેટ વિશે પણ માહિતી આપી હતી.

અર્જુને જણાવ્યું કે સચિન તેંડુલકર તેમના કરિયર દરમિયાન 1310 થી 1315 ગ્રામ વજનના અત્યંત ભારે બેટથી રમતા હતા. આ જ ભારે બેટની મદદથી સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે.

આ વાતચીત દરમિયાન રિષભ પંત અર્જુન તેંડુલકરના ક્રિકેટ પ્રત્યેના સમર્પણથી ઘણો પ્રભાવિત દેખાયો હતો. પંતે ઉલ્લેખ કર્યો કે અર્જુન તેના લગ્નના બીજા જ દિવસે મેદાન પર પ્રેક્ટિસ કરવા પહોંચી ગયો હતો. નોંધનીય છે કે અર્જુને 5 માર્ચના રોજ સાનિયા ચાંડોક સાથે લગ્ન કર્યા હતા અને તરત જ તે DY પાટિલ T20 ટૂર્નામેન્ટમાં રમવા ઉતર્યો હતો.

અર્જુન તેંડુલકર અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો, પરંતુ IPL 2026 માં તે પ્રથમ વખત લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતો જોવા મળશે. મુંબઈ માટે રમતા તેણે અત્યાર સુધી 4 મેચમાં 3 વિકેટ ઝડપી છે. હવે જોવાનું એ રહેશે કે લખનૌની ટીમમાં તેને કેટલી તકો મળે છે અને તે કેવું પ્રદર્શન કરે છે.

Ahmedabad : અમદાવાદમાં રિક્ષામાં લવ ટ્રાયંગલ! એક જ પ્રેમી માટે બે પ્રેમિકાઓ બાખડી, એકે બીજીના વાળ કાપી નાંખ્યા

અમદાવાદના વટવામાં ‘એક ફૂલ ઓર દો માળી’ જેવી ઘટના સામે આવી છે. જેમાં એક જ યુવકના પ્રેમમાં પાગલ બે પ્રેમિકાને સમગ્ર મામલે જાણ થતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એક પ્રેમિકાએ તેના સાથીદારો સાથે મળીને બીજી યુવતીનું રિક્ષામાં અપહરણ કરીને માર માર્યો અને કાતરથી વાળ કાપી જ્ઞાતિ વિષયક અપશબ્દો બોલવાને લઈને વટવા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસ ફરિયાદ મુજબ, અમદાવાદ શહેરના વટવામાં રહેતી પ્રિયા(નામ બદલ્યું છે, ઉં.વ.30) વિપુલ ઉર્ફે ધિરેન્દ્ર નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. આ અંગે ભારતી પટણી નામની અન્ય યુવતીને જાણ થઈ હતી. ભારતી પણ વિપુલની પ્રેમિકા હોવાનું જણાય છે. ગત 14 માર્ચ 2026ના રોજ પ્રિયા જ્યારે ભારતી, પારૂલ પટણી અને સાગર મારવાડી સાથે રિક્ષામાં જઈ રહી હતી, ત્યારે ભારતીએ પ્રિયાને જાતિ વિષયક અપશબ્દો કહ્યા હતા. આ દરમિયાન ભારરતી, પારૂલ અને સાગર ત્રણેયએ એકબીજાની મદદગારી કરીને પ્રિયાને શરીરે ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ ભારતીએ પ્રિયાને અપમાનિત કરવાના ઈરાદે કાતર વડે માથાના વાળ કાપી નાખ્યા હતા. આ ઝપાઝપી દરમિયાન પીડિત પ્રિયાનો 8,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ પણ રિક્ષામાંથી પડી ગયો હતો.

આ ઘટના અંગે મળતી વિગતવાર માહિતી મુજબ, પ્રિયા આશરે અઢી વર્ષ પહેલાં વટવાની જીંદાલ કંપનીમાં નોકરી કરી હતી, ત્યારે રિક્ષાચાલક વિપુલ સાથે તેનો પરિચય થયો હતો. આ પછી બંનેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કરી ફોન પર વાતચીત કરતા હતા. જો કે, છેલ્લા દોઢેક મહિનાથી વિપુલ ભારતીના સંપર્કમાં આવતા તેણે પ્રિયા સાથે વાત કરવાનું ઓછું કરી દીધું હતું. ગત 14 માર્ચ 2026ના રોજ પ્રિયાએ વિપુલને ફોન કર્યો ત્યારે ભારતીએ ફોન ઉપાડી તમે કોણ બોલો છો? તેમ પૂછતા પ્રિયાએ કહ્યું કે, “હું બોલું છું અને મારે વિપુલ સાથે વાત કરવી છે”. ત્યારબાદ ભારતી, પારૂલ અને સાગર સાગર નામના શખસ સાથે પ્રિયાને મળવા તેઓ તેના ઘરે પહોંચ્યા હતા અને વિપુલ સાથે વાત કરાવવાના બહાને પ્રિયાને રિક્ષામાં બેસાડી લઈ ગયા હતા.

રિક્ષામાં હતા તે દરમિયાન પ્રેમ પ્રકરણ બાબતે ભારતીએ પ્રિયાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “હું વિપુલને પ્રેમ કરું છું અને મારે તેની સાથે લગ્ન કરવાના છે”, જેના જવાબમાં પ્રિયાએ પણ કહ્યું કે, “હું પણ આ વિપુલને પ્રેમ કરું છું”. આ વાત સાંભળતા જ ભારતી ઉશ્કેરાઈ ગઈ હતી અને પ્રિયાને જ્ઞાતિ વિશે અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ ભેગા મળીને પ્રિયાને ગડદાપાટુનો માર મારતા ગભરાઈને પ્રિયાએ કહ્યું કે, “હવે ફરીવાર હું વિપુલ સાથે વાત કરીશ નહીં.” આ પછી આરોપીઓ પ્રિયાને પરત મૂકી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના અંગે પીડિતાએ પોતાના ભાભીને હકીકત જણાવતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ મામલે પીડિતાએ આરોપી ભારતી પટણી, પારુલ પટણી અને સાગર મારવાડી વિરુદ્ધ જાતિવિષયક અપમાન અને મારઝુડ અંગે વટવા પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધાવી છે.

Dwarka : વાતાવરણમાં આવ્યો પલટો: ધોમધખતા ઉનાળે અષાઢી માહોલ જામ્યો

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં ઓચિંતો પલટો જોવા મળ્યો છે. બપોર બાદ અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં ઓચિંતો પલટો જોવા મળ્યો છે. બપોર બાદ અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ભારે પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદની શરૂઆત થતા દ્વારકાવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.

દ્વારકા શહેરમાં વાતાવરણ એટલું પલટાયું હતું કે જાણે અષાઢી આભ મંડાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વાદળછાયા વાતાવરણ અને ફૂંકાયેલા ઠંડા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેનાથી લોકોને ગરમીમાં રાહત તો મળી છે, પરંતુ કમોસમી વરસાદની આ એન્ટ્રીએ ચિંતા પણ વધારી છે. યાત્રાધામ દ્વારકામાં દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ પણ આ અચાનક બદલાયેલા હવામાનને જોઈ આશ્ચર્યચકિત થયા હતા.

આ કમોસમી વરસાદ (માવઠું) ખેડૂતો માટે મુસીબત સમાન સાબિત થઈ શકે છે. ખાસ કરીને જે ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે, તેમને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જો વરસાદ વધુ વરસે તો તૈયાર થયેલા પાકની ગુણવત્તા બગડી શકે છે અને ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાની શક્યતા છે. અત્યારે સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને આકાશ હજુ પણ વાદળોથી ઘેરાયેલું છે.

Kutch : નલિયામાં બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય, સ્થાનિક લોકોએ એક મહિલાને ઝડપી પાડી

0

કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના નલિયામાં આજે ‘બાળક ઉઠાવતી ગેંગ’ સક્રિય થઈ હોવાની આશંકાએ ભારે ઉત્તેજના જગાવી છે.

કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના નલિયામાં આજે ‘બાળક ઉઠાવતી ગેંગ’ સક્રિય થઈ હોવાની આશંકાએ ભારે ઉત્તેજના જગાવી છે. નલિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં એક અજાણી મહિલા શંકાસ્પદ રીતે ફરતી હોવાનું સ્થાનિકોના ધ્યાને આવતા, લોકોએ તેને ઘેરી લીધી હતી અને પ્રાથમિક પૂછપરછ બાદ પોલીસને હવાલે કરી હતી.

આજે નલિયાના રહેણાંક વિસ્તારમાં એક અજાણી મહિલાને શંકાસ્પદ હિલચાલ કરતા જોઈ સ્થાનિક રહીશો સતર્ક થઈ ગયા હતા. લોકોએ એકઠા થઈ આ મહિલાને ઝડપી પાડી હતી. આ ઘટનાને પગલે નલિયા પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને માતા-પિતા પોતાના બાળકોની સુરક્ષાને લઈ ચિંતિત બન્યા છે.

ઘટનાની જાણ થતા જ નલિયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અજાણી મહિલાની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન ખસેડી છે. પ્રાથમિક તપાસમાં મહિલા કોણ છે, ક્યાંથી આવી છે અને તેનો હેતુ શું હતો તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

World : સાઉદીમાં 20 માર્ચે ઈદની સત્તાવાર જાહેરાત બાદ જાણો ભારતમાં ક્યારે દેખાશે શવ્વાલનો ચાંદ?

0

સાઉદી અરેબિયામાં 20 માર્ચે ઈદ-ઉલ-ફિત્રની જાહેરાત થઈ છે, જ્યારે ભારતમાં 19 માર્ચની સાંજે ચાંદ દેખાવા પર ઈદની તારીખ નક્કી થશે.મુસ્લિમ બિરાદરો માટે પવિત્ર રમઝાન માસ હવે પૂર્ણતાના આરે છે અને સમગ્ર વિશ્વમાં ઈદ-ઉલ-ફિત્રની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ઈસ્લામિક કેલેન્ડર મુજબ રમઝાનના 29 અથવા 30 રોઝા રાખ્યા બાદ, શવ્વાલ મહિનાનો ચાંદ દેખાય ત્યારે ઈદ મનાવવામાં આવે છે. વર્ષ 2026માં ચાંદના દર્શનને લઈને અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સાઉદી અરેબિયાની સુપ્રીમ કોર્ટે અગાઉ નાગરિકોને બુધવારે સાંજે ચાંદ જોવાની અપીલ કરી હતી, પરંતુ તે દિવસે ચંદ્ર દેખાયો ન હતો. પરિણામે, સાઉદી અરેબિયામાં 19 માર્ચ 2026ને ગુરુવારના રોજ રમઝાનનો છેલ્લો દિવસ (30મો રોઝો) માનવામાં આવી રહ્યો છે. આથી, ત્યાં 20 માર્ચ 2026ને શુક્રવારના રોજ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવશે.

ભારતમાં ચાંદ જોવાના ભૌગોલિક તફાવતને કારણે સામાન્ય રીતે સાઉદી અરેબિયા કરતા એક દિવસ પછી ઈદ મનાવવામાં આવતી હોય છે. ભારતમાં આજે રમઝાનનો 29મો દિવસ છે. જો આજે સાંજે આકાશમાં ચાંદ દેખાશે, તો ભારતમાં પણ શુક્રવારે ઈદ મનાવી શકાય છે. જો આજે ચાંદ ન દેખાય તો શુક્રવારે રમઝાનનો 30મો દિવસ હશે અને શનિવાર, 21 માર્ચ 2026 ના રોજ ઈદ મનાવવામાં આવશે.

જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષે ચાંદ દેખાવાની શક્યતાઓને જોતા ભારત અને સૌદીમાં એક દિવસના અંતરે અથવા સાથે પણ ઈદ હોઈ શકે છે, જે સંપૂર્ણપણે ગુરુવારની સાંજની ચાંદની દૃશ્યતા પર નિર્ભર છે.

ઈદ-ઉલ-ફિત્ર એ માત્ર તહેવાર નથી, પરંતુ અલ્લાહ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. આ તહેવાર હિજાબી કેલેન્ડરના દસમા મહિના એટલે કે ‘શવ્વાલ’ના પ્રથમ દિવસે ઉજવાય છે. આ દિવસે મુસ્લિમ બિરાદરો નવા કપડાં પહેરે છે, ઈદગાહમાં વિશેષ નમાઝ અદા કરે છે અને એકબીજાને ગળે મળીને ‘ઈદ મુબારક’ પાઠવે છે.

Business : Facebook રીલ્સ બનાવવી બનશે કમાણીનું સાધન, Meta આપશે દર મહિને રૂ.2.80 લાખ સુધીનું ફિક્સ પેમેન્ટ

0

ફેસબુક પર રીલ્સ બનાવીને કમાઓ લાખો રૂપિયા. મેટાએ તાજેતરમાં ‘Creator Fast Track’ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, જેનો હેતુ પ્રતિભાશાળી ક્રિએટર્સને ફેસબુક પ્લેટફોર્મ પર લાવવાનો અને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે.

સોશિયલ મીડિયાની દુનિયામાં અત્યારે ટૂંકા વિડિયો એટલે કે ‘રીલ્સ’નો ક્રેઝ માઝા મૂકી રહ્યો છે. અત્યાર સુધી લોકો મનોરંજન માટે રીલ્સ બનાવતા હતા, પરંતુ હવે મેટા (Meta) સંચાલિત ફેસબુક (Facebook) ક્રિએટર્સ માટે કમાણીનો એક સુવર્ણ અવસર લઈને આવ્યું છે. મેટાએ તાજેતરમાં ‘Creator Fast Track’ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, જેનો હેતુ પ્રતિભાશાળી ક્રિએટર્સને ફેસબુક પ્લેટફોર્મ પર લાવવાનો અને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે.

ઘણીવાર એવું જોવા મળે છે કે ક્રિએટર્સ ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર તો સફળ હોય છે, પરંતુ ફેસબુક પર નવેસરથી શરૂઆત કરવામાં તેમને મુશ્કેલી પડતી હોય છે. આ સમસ્યાના ઉકેલ રૂપે મેટાએ આ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ અંતર્ગત, જે ક્રિએટર્સ અન્ય પ્લેટફોર્મ પર પહેલેથી જ ફેમસ છે, તેમને ફેસબુક પર ઝડપી ગ્રોથ અને ગેરંટીડ પેમેન્ટ આપવામાં આવશે.

આ પ્રોગ્રામ ખાસ કરીને એવા ક્રિએટર્સ માટે છે જેમણે અન્ય પ્લેટફોર્મ (Instagram, TikTok કે YouTube) પર ઓછામાં ઓછા 1,00,000 (1 લાખ) ફોલોઅર્સ મેળવ્યા છે. પ્રોગ્રામમાં સામેલ થનારા ક્રિએટર્સને ત્રણ મહિના સુધી ગેરંટીડ પેમેન્ટની ખાતરી આપવામાં આવશે. આ ઉપરાંત, તેમની રીલ્સની રીચ (Reach) પણ વધારવામાં આવશે જેથી ફેસબુક પર તેમના ફોલોઅર્સ ઝડપથી વધે.

$1,000 (અંદાજે ₹93,397): જે ક્રિએટર્સના અન્ય પ્લેટફોર્મ પર 1 લાખથી વધુ ફોલોઅર્સ છે, તેઓ દર મહિને આટલી રકમ મેળવી શકે છે.

$3,000 (અંદાજે ₹2,80,193): જો કોઈ ક્રિએટરના અન્ય કોઈ એક પ્લેટફોર્મ પર 10 લાખ (1 મિલિયન) થી વધુ ફોલોઅર્સ હોય, તો તે દર મહિને અંદાજે પોણા ત્રણ લાખ રૂપિયાથી વધુની કમાણી કરી શકે છે.

સૌથી મહત્વની વાત એ છે કે, આ પ્રોગ્રામ પૂરો થયા પછી પણ ક્રિએટર્સ ફેસબુકના અન્ય મોનેટાઈઝેશન ટૂલ્સ જેમ કે એડ્સ ઓન રીલ્સ, સ્ટાર્સ વગેરે દ્વારા કમાણી ચાલુ રાખી શકશે.

વર્ષ 2025માં ફેસબુકે તેના ક્રિએટર મોનેટાઈઝેશન પ્રોગ્રામ દ્વારા વિશ્વભરના ક્રિએટર્સને અંદાજે $3 બિલિયનની ચૂકવણી કરી છે. આ આંકડો 2024ની સરખામણીએ 35% વધુ છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ફેસબુક હવે કન્ટેન્ટ ક્રિએટર્સ માટે એક ખૂબ જ આકર્ષક પ્લેટફોર્મ બની રહ્યું છે. જો તમે પણ કન્ટેન્ટ ક્રિએટર છો, તો આ તકનો લાભ લેવાનો આ સાચો સમય છે.

Business : પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ

0

કલ્પના કરો કે તમે વર્ષો પહેલા ઘર ખરીદવા માટે લોન લીધી હતી અને આજે તેનો છેલ્લો હપ્તો ચૂકવી દીધો છે. સ્વાભાવિક છે કે તમારા માથા પરથી દેવુ ઉતરી જતાં તમારી માસિક આવકમાંથી થોડી બચત થવા લાગે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવના સંદર્ભમાં પણ હાલમાં આવી જ ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી વારંવાર એવી દલીલ કરે છે કે, કોંગ્રેસના નેતૃત્વ હેઠળની પૂર્વ યુપીએ સરકાર દ્વારા ઊભા કરાયેલા ‘ઓઇલ બોન્ડ’ના કારણે સરકારી તિજોરી પર ભારે બોજ હતો, જેના લીધે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી શકાતા નહોતા. હવે નાણા મંત્રીએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે આ દેવું માર્ચ 2026 સુધીમાં સંપૂર્ણપણે ચૂકવી દેવાયું છે. આ સ્થિતિમાં સામાન્ય જનતાના મનમાં એક જ સવાલ છે, જો દેવું ઉતરી ગયું તો શું હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે? ચાલો, આ સમગ્ર મુદ્દાને વિગતવાર સમજીએ.

‘ઓઇલ બોન્ડ’ એ એક પ્રકારનું નાણાકીય સાધન હતું, જે તત્કાલીન યુપીએ સરકાર દ્વારા 2005થી 2010ની વચ્ચે બહાર પડાયા હતા. તે સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ $100 પ્રતિ બેરલની ઉપર પહોંચી ગયા હતા. લોકોને મોંઘવારીથી રાહત આપવા યુપીએ સરકાર ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ જેવી ઓઈલ કંપનીઓને રોકડ સબસિડી આપતી હતી. પરંતુ નાણાકીય તંગીને કારણે યુપીએ સરકારે ઓઈલ કંપનીઓને રોકડના બદલે ઓઇલ બોન્ડ આપ્યા. સરળ ભાષામાં કહીએ તો સરકારે ભવિષ્યમાં ચૂકવવાના વચન સાથે IOU(I Owe You) નોંધ આપી. આ બોન્ડ પર 7%થી 8.4%નો વ્યાજ દર નક્કી કરાયો હતો. મહત્ત્વની વાત એ હતી કે આ બોન્ડને સરકારી બજેટની બહાર રખાયા હતા, જેથી નાણાકીય ખાધ ઓછી દેખાય.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં આપેલા નિવેદન મુજબ 2004-05થી 2009-10 દરમિયાન યુપીએ સરકાર દ્વારા કુલ ₹1.48 લાખ કરોડના ઓઇલ બોન્ડ જાહેર કરાયા હતા. આ બોન્ડ પર ચૂકવેલા વ્યાજની કુલ રકમ 2007-08થી અત્યાર સુધીમાં લગભગ ₹1.44 લાખ કરોડ થાય છે. એટલે કે, મૂળ દેવું અને તેના વ્યાજ સહિત કુલ બોજ લગભગ ₹2.92 લાખ કરોડનો થયો હતો.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે માર્ચ 2026ની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે, અમારી સરકારે યુપીએ યુગના આ ઓઇલ બોન્ડનું સંપૂર્ણ દેવું (મૂળધન+વ્યાજ) ચૂકવી દીધુ છે. રાજ્યસભામાં એક ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ‘કલ્પના કરો, જો આ રકમ ભૂતકાળના દેવાની ચૂકવણી પાછળ ન ખર્ચાઈ હોત, તો તેનો ઉપયોગ ભારતના ભવિષ્યના નિર્માણમાં થઈ શક્યો હોત. બંદરો, રસ્તા, હોસ્પિટલો અને સ્કૂલોના નિર્માણ માટે એ નાણાં વાપરી શકાયા હોત. આવું દેવું નાબૂદ કરવું ખર્ચાળ હોય છે, પરંતુ તે જરૂરી હતું.’ આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે સરકારે આ દેવાને પોતાના માટે મોટો બોજ ગણાવ્યો હતો.

હવે પ્રશ્ન એ છે કે શું આટલા વર્ષો સુધી પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ માટે ફક્ત આ ₹2.92 લાખ કરોડના દેવાને જ જવાબદાર ઠેરવી શકાય? કેટલાક આંકડા પર નજર કરીએ.

સરકારની કમાણી: નાણામંત્રીના જણાવ્યા મુજબ આ દેવું ₹2.92 લાખ કરોડનું હતું. પરંતુ સરકારે 2014થી 2023ની વચ્ચે પેટ્રોલ અને ડીઝલ પર વસૂલાતી એક્સાઇઝ ડ્યુટીમાંથી કેટલી કમાણી કરી હતી? વિવિધ અહેવાલો અને સંસદમાં આપેલા જવાબો પ્રમાણે આ સમયગાળામાં સરકારે આ ડ્યુટીમાંથી અંદાજે ₹20થી ₹25 લાખ કરોડની આવક મેળવી હતી.

એક્સાઇઝ ડ્યુટીમાં થયેલો ભારે વધારો: 2014માં પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી ₹9.48 પ્રતિ લિટર હતી, જે મે 2020માં વધીને ₹32.98 પ્રતિ લિટરની ટોચે પહોંચી ગઈ હતી. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC)ના ડેટા અનુસાર 2020-21માં એક્સાઇઝ ડ્યુટી કલેક્શન ₹3.84 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ હતું, જે અગાઉના વર્ષ કરતાં લગભગ 67% વધુ હતું.

આ બે આંકડાની તુલનાથી સ્પષ્ટ થાય છે કે સરકારે ઓઇલ બોન્ડના દેવા કરતાં અનેક ગણી વધુ કમાણી માત્ર એક્સાઇઝ ડ્યુટીમાંથી જ કરી હતી. તેથી સવાલ છે કે શું દેવાનો બોજ એ ખરેખર ભાવ ઘટાડી ન શકવાનું મુખ્ય કારણ હતું કે પછી તે એક બહાનું હતું?

પેટ્રોલ-ડીઝલના ભાવને અસર કરતા અન્ય પરિબળો

  1. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ: આ સૌથી મોટું પરિબળ છે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85% ક્રૂડ ઓઇલ આયાત કરે છે, તેથી આંતરરાષ્ટ્રીય ભાવમાં થતો ફેરફાર સીધી અસર કરે છે. હાલમાં યુદ્ધના કારણે ભાવ ઊંચા છે.
  2. ડૉલર સામે રૂપિયાનો ભાવ: આંતરરાષ્ટ્રીય વ્યવહારો ડૉલરમાં થતા હોવાથી રૂપિયો નબળો પડે તો આયાત મોંઘી પડે છે.
  3. કેન્દ્રીય અને રાજ્ય કર: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સૌથી મોટો હિસ્સો કરનો હોય છે. કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી વસૂલે છે, જે હાલમાં પેટ્રોલ પર લગભગ ₹21.90 પ્રતિ લિટર અને ડીઝલ પર ₹17.80 પ્રતિ લિટર છે. આ ઉપરાંત, રાજ્ય સરકારો પોતપોતાના ‘વેટ’ વસૂલે છે, જેના કારણે દરેક રાજ્યમાં ભાવ જુદા હોય છે.

યુદ્ધના સંજોગોમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટશે?

હવે દેવું ચૂકવાઈ ગયું છે, પરંતુ હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને પ્રભાવિત કરતા બીજા અનેક પરિબળો સક્રિય છે, જેના કારણે તાત્કાલિક રાહતની આશા ઓછી દેખાય છે.

  1. ભૂ-રાજકીય તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવ: હાલમાં મધ્ય-પૂર્વ એશિયામાં ઈઝરાયલ-ઇરાન યુદ્ધને કારણે પરિસ્થિતિ અત્યંત તંગ છે. ઈરાને હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં ઊર્જા ઉત્પાદનોને મર્યાદિત કરી દીધા છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. 19 માર્ચ, 2026ના રોજ બ્રેન્ટ ક્રૂડનો ભાવ વધીને $112 પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગયો હતો.
  2. હોર્મુઝની ખાડીનું મહત્ત્વ: ભારત તેની ક્રૂડ ઓઇલની લગભગ 85% અને એલપીજીની 65% જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે, જેમાંથી 90% એલપીજી હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય છે. આ માર્ગ પરની અનિશ્ચિતતા સીધી રીતે ભારતની ઊર્જા સુરક્ષા અને ભાવોને અસર કરે છે.
  3. સરકારની તૈયારી: સંભવિત સંકટને ધ્યાનમાં રાખીને સરકારે સક્રિય પગલાં લીધાં છે. નાણા મંત્રીના મતે, દેશમાં એલપીજીનું ઉત્પાદન 25% વધારાયું છે, જેથી ઘરગથ્થુ ગેસ સિલિન્ડરનો પુરવઠો સુનિશ્ચિત રાખી શકાય. સરકાર પાસે કરવેરામાં ઘટાડો કરીને ભાવને નિયંત્રણમાં રાખવાનો વિકલ્પ પણ છે, પરંતુ તેની મર્યાદાઓ છે.

તો શું ભાવ ઘટવાની શક્યતા નહીંવત છે?

ઓઇલ બોન્ડનો ઐતિહાસિક બોજો હવે નથી રહ્યો, પરંતુ હાલના ભૂ-રાજકીય સંકટ અને તેના કારણે આસમાને પહોંચેલા ક્રૂડ ઓઇલના ભાવને જોતાં ટૂંકા ગાળામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. નિષ્ણાતોના મતે ક્રૂડનો ભાવ $70-75 પ્રતિ બેરલ સુધી નીચો જાય તો જ સરકાર કરમાં ઘટાડો કરવાનું વિચારી શકે છે. હાલની પરિસ્થિતિમાં આગામી સમયમાં પણ ભાવ સ્થિર રહેવાની અથવા વધવાની જ શક્યતા વધુ છે, તેથી સામાન્ય જનતાએ પેટ્રોલ-ડીઝલના ભાવઘટાડા માટે હજુ રાહ જોવી પડશે.

Gujarat : જામનગર દરિયાકાંઠે હાઈ ઍલર્ટ, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે મરીન ટાસ્ક ફોર્સનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ

0

વૈશ્વિક સ્તરે ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને ભારતની દરિયાઈ સીમાઓ પર તકેદારી વધારી દેવામાં આવી છે. જામનગર જિલ્લાના સંવેદનશીલ દરિયાકાંઠા પર કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના કે ઘૂસણખોરીને રોકવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ‘સઘન કોસ્ટલ પેટ્રોલિંગ’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, એ.ટી.એસ. (ATS) અને કોસ્ટલ સિક્યુરિટીના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ આ ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. યાદવ અને મરીન કમાન્ડોની ટીમે જિલ્લાના વિવિધ લેન્ડિંગ પોઈન્ટ્સ પર ફૂટ પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

મરીન કમાન્ડો દ્વારા જામનગરના દરિયાઈ પટ્ટી પર આવેલા અત્યંત સંવેદનશીલ ગણાતા સરમતની નાળ અને રસૂલનગર વિસ્તાર, સિક્કા સોલ્ટ ગેટ અને ડી.સી.સી. (DCC) જેટી વિસ્તારમાં ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું.

પેટ્રોલિંગ દરમિયાન મરીન ટાસ્ક ફોર્સે માત્ર વોચ જ નથી રાખી, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર નક્કર કામગીરી કરી છે. દરિયાકાંઠાના તમામ લેન્ડિંગ પોઈન્ટ અને ફિશિંગ સેન્ટરોનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું. શંકાસ્પદ જણાતી બોટ અને વ્યક્તિઓની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી. આતંકવાદી પ્રવૃત્તિ કે ઘૂસણખોરી માટે ઉપયોગમાં લઈ શકાય તેવી દરિયાકાંઠાની અવાવરુ જગ્યાઓ અને ખાડી વિસ્તારોનું ચેકિંગ કરાયું.

મરીન ટાસ્ક ફોર્સના આ પગલાથી જામનગરનો દરિયાકાંઠો અભેદ્ય બન્યો છે. પોલીસ તંત્ર દ્વારા દરિયાકાંઠાના રહીશો અને માછીમારોને અપીલ કરવામાં આવી છે કે, જો દરિયાઈ વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ હિલચાલ કે અજાણી વ્યક્તિ જણાય તો વિલંબ કર્યા વગર તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો. વૈશ્વિક યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે જામનગર મરીન ટાસ્ક ફોર્સની આ સજ્જતા દેશની આંતરિક સુરક્ષા માટે અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે.

National : વિશ્વનું એક માત્ર શ્રી રામ યંત્ર, રાષ્ટ્રપતિએ કરી સ્થાપના, જાણો તેની ખાસિયત વિશે

0

ચૈત્ર નવરાત્રિના પવિત્ર મંગલ પ્રારંભે અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરમાં એક અત્યંત મહત્વપૂર્ણ આધ્યાત્મિક વિધિ સંપન્ન થઈ છે. ભારતની આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ વચ્ચે ‘શ્રી રામ યંત્ર’ ની સ્થાપના કરી છે. આ યંત્ર માત્ર ધાતુની એક આકૃતિ નથી, પરંતુ તે ભગવાન શ્રી રામના વિજય અને ગૌરવનું ગાણિતિક તેમજ આધ્યાત્મિક સ્વરૂપ માનવામાં આવે છે.

આ દિવ્ય રામ યંત્રનું નિર્માણ દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલા પવિત્ર શહેર કાંચીપુરમ ના એક મઠમાં કરવામાં આવ્યું હતું. આ યંત્ર વિશેષ ધાતુઓના મિશ્રણ અને સચોટ વૈદિક ગણતરીઓનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. 150 કિલો વજન ધરાવતું આ યંત્ર સંપૂર્ણપણે સોનાથી મઢેલું (Gold Plated) છે.

જે રીતે ‘શ્રી યંત્ર’ ને દેવી લક્ષ્મીનું પ્રતીક અને ભૌતિક સુખ-સમૃદ્ધિનું કારક માનવામાં આવે છે, તે જ રીતે ‘શ્રી રામ યંત્ર’ ને ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામની શક્તિ અને આતતાયીઓ પર તેમના વિજયના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. તે બ્રહ્માંડિક ઊર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે, જે ભક્તોમાં સકારાત્મકતા અને આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરશે.

કાંચીપુરમમાં નિર્માણ પામ્યા બાદ આ યંત્રને આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે લઈ જવામાં આવ્યું હતું. ત્યાંથી 10 દિવસની ભવ્ય રથયાત્રા યોજીને તેને ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે લાવવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન ઠેર-ઠેર ભક્તોએ તેના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે 10:30 વાગ્યે અયોધ્યા એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રામ લલ્લાના દર્શન કર્યા બાદ રાષ્ટ્રપતિએ મંદિરના બીજા માળે વૈદિક આચાર્યોની હાજરીમાં વિધિવત પૂજા કરી હતી. પૂજા પૂર્ણ થયા બાદ, આ ઐતિહાસિક યંત્રને મંદિરના દ્વિતીય તળ (બીજા માળે) સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ સમગ્ર મંદિર સંકુલની મુલાકાત પણ લીધી હતી અને શ્રમિકો સાથે સંવાદ કર્યો હતો. આ સ્થાપના વિધિ સાથે અયોધ્યાના રામ મંદિરની આધ્યાત્મિક શક્તિમાં એક નવો આયામ ઉમેરાયો છે, જે ભારતની સાંસ્કૃતિક એકતાનું પ્રતીક છે.