Home Blog Page 286

Rajkot : ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, જાણો શું છે ભાવ?

0

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે. જસાધાર અને કંટાળાની કેરીના 200 બોક્સની આવક થઈ છે. હરાજીમાં 10 કિલો કેસર કેરીના ભાવ રૂપિયા 2500 થી 5500 રહ્યા છે.

ઉનાળાના પ્રારંભની સાથે જ કેરીના રસિયાઓ માટે ખુશખબર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રમાં કેરીનું પીઠું ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજથી વિધિવત રીતે કેસર કેરીની સિઝનનો પ્રારંભ થયો છે. ચાલુ વર્ષે સિઝનની શરૂઆતમાં જ કેસર કેરીના ભાવ આસમાને જોવા મળ્યા છે, જેમાં 10 કિલોના એક બોક્સના ભાવ રૂપિયા 5500 સુધી બોલાયા છે.

સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં કેરીની આવક વધતી હોય છે, પરંતુ આ વર્ષે ગોંડલ યાર્ડમાં કેસર કેરીનું 8 દિવસ વહેલું આગમન જોવા મળ્યું છે. યાર્ડમાં પ્રથમ દિવસે જ ‘ગણેશ ફ્રુટ’ નામની પેઢીમાં કેસર કેરીના 200 બોક્સની આવક થઈ હતી. ગીર પંથકના જસાધાર, કંટાળા અને મોતીસર ગામની ગુણવત્તાયુક્ત કેસર કેરી માર્કેટમાં ઉતરી છે.

કેરીની સિઝનના પ્રથમ દિવસે હરાજીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કેસર કેરીના 10 કિલોના એક બોક્સના ભાવ રૂપિયા 2500થી શરૂ થઈને ઉંચામાં રૂપિયા 5500 સુધી બોલાયા હતા. શરૂઆતમાં આવક મર્યાદિત હોવાથી અને પ્રીમિયમ ક્વોલિટીની કેરી હોવાથી ભાવ ઉંચા રહ્યા છે. જોકે, આગામી દિવસોમાં ગીર અને અન્ય પંથકમાંથી કેરીની આવક વધતા ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે.

ગોંડલ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થતા જ વેપારીઓ અને ખરીદદારોની ભીડ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં જેમ જેમ ગરમીનો પારો વધશે, તેમ તેમ કેસર કેરીની આવક અને માગ બંનેમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે. કેરીના આગમનથી માર્કેટ યાર્ડમાં અત્યારથી જ કેરીની સિઝનનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, કેરી ફળોનો રાજ કહેવામાં આવે છે. ગુજરાતની જનતા કેરીની દીવાની છે, જેથી ઉનાળા આવતાની સાથે જ કેરીની માગ આખી સિઝન રહે છે.

Sabarkantha : છાપરીયામાં મીની ટેમ્પો ઘરમાં ઘૂસ્યો, માટીના વાસણોનો કચ્ચરઘાણ વળ્યો, આધેડનો આબાદ બચાવ

0

હિંમતનગરના છાપરીયામાં ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા ટેમ્પો ઘરમાં ઘૂસ્યો હતો. જે કારણે માટીના વાસણોને મોટું નુકસાન થયું છે. આ અકસ્માતમાં આધેડનો આબાદ બચાવ થયો છે. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક પૂરપાટ ઝડપે આવતા મીની ટેમ્પોના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો સીધો જ રસ્તાની બાજુમાં આવેલા એક ઘરમાં ઘૂસી ગયો હતો. આ ઘટનામાં ઘરની બહાર રાખવામાં આવેલા માટીના વાસણો અને અન્ય ચીજવસ્તુઓનો કચ્ચરઘાણ વળી ગયો હતો, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.

ઘટનાની મળતી માહિતી અનુસાર, છાપરીયા વિસ્તારમાં પ્રજાપતિ સમાજના લોકો માટીકામ અને માટલા બનાવવાનો વ્યવસાય કરે છે. અકસ્માત સમયે એક આધેડ વ્યક્તિ ઘરની બહાર જ ઉભા હતા, પરંતુ ટેમ્પો આવે તે પહેલા જ તેઓ ઘરમાં ગયા હતા. તેઓ ઘરમાં પ્રવેશ્યાની ગણતરીની સેકન્ડોમાં જ ટેમ્પો માટલાઓ પર ફરી વળ્યો હતો. જો આધેડ બહાર હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

નિયંત્રણ ગુમાવનાર ટેમ્પો ચાલકે સૌ પ્રથમ ઘરની બહાર પાર્ક કરેલી એક કારને જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ ટેમ્પો ઘરની દિવાલ પાસે ઘૂસી ગયો હતો. આ અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આસપાસના લોકો ભેગા થઈ જાય તે પહેલા જ અકસ્માત સર્જીને ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતમાં ઘરની બહાર વેચાણ માટે રાખેલા અસંખ્ય માટલા અને માટીની ચીજવસ્તુઓ તૂટી જવાથી ગરીબ પરિવારને મોટું આર્થિક નુકસાન થયું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ફરાર ટેમ્પો ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Surat : ભેસ્તાનમાં અસામાજિક તત્વોનો આતંક, બસમાં ચઢવા જેવી નજીવી બાબતે કંડક્ટર પર હિચકારો હુમલો

0

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે. જાહેર પરિવહન સેવા એવી ‘બ્લુ બસ’ના કંડક્ટર પર કેટલાક અસામાજિક તત્વોએ હિંસક હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે.

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે. જાહેર પરિવહન સેવા એવી ‘બ્લુ બસ’ના કંડક્ટર પર કેટલાક અસામાજિક તત્વોએ હિંસક હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભેસ્તાન વિસ્તારમાં બસ સ્ટોપ પર બસ ઉભી હતી ત્યારે બસમાં ચઢવા જેવી સામાન્ય બાબતે 3 થી 4 અસામાજિક તત્વોએ કંડક્ટર સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.

વિવાદ એટલો વધી ગયો કે આ શખ્સોએ પોતાની મર્યાદા ઓળંગીને બસના કંડક્ટર પર હુમલો કરી દીધો હતો. જાહેરમાં કંડક્ટરને માર મારતા મુસાફરોમાં પણ ફફડાટ ફેલાયો હતો. આ હુમલાની સમગ્ર ઘટના કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે અસામાજિક તત્વો કાયદાનો ડર રાખ્યા વિના ફરજ પરના કર્મચારીને માર મારી રહ્યા છે.

વાયરલ વીડિયોના આધારે સ્થાનિક પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભેસ્તાન જેવા વિસ્તારોમાં અવારનવાર માથાભારે તત્વો દ્વારા કરવામાં આવતી આવી દાદાગીરીને ડામી દેવા માટે સ્થાનિકો દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. પોલીસે ખાતરી આપી છે કે વીડિયોમાં દેખાતા તમામ હુમલાખોરોની ઓળખ કરી તેમની સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે.

Entertainment : નોરા ફતેહી પર આભ ફાટ્યું! અંગત મિત્રના નિધનથી ભાંગી પડી, રડી રડીને હાલત થઈ ગઈ ખરાબ!

0

બોલીવુડ ડાન્સ ક્વીન નોરા ફતેહીના ખૂબ જ નજીકના મિત્રનું અવસાન થયું છે. અભિનેત્રીએ રવિવારે ઇન્સ્ટાગ્રામ પર આ માહિતી શેર કરી હતી. આ મિત્રનું નામ માર્સે પેડ્રોઝો હતું, જે એક સેલિબ્રિટી હેર આર્ટિસ્ટ હતી. માર્સેના નિધનથી નોરા ફતેહી પર ઊંડી અસર પડી છે, જેનાથી તે શોકમાં ડૂબી ગઈ છે. નોરાની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પરથી સ્પષ્ટ થાય છે કે માર્સેના નિધન પછી તે દુ:ખી છે.

નોરા ફતેહીએ ઇન્સ્ટાગ્રામ પર તેના મિત્રના નિધનની બે સ્ટોરીઓ શેર કરી. પહેલામાં, તેણે લખ્યું, આજે મેં એક ખૂબ જ પ્રિય મિત્ર, એક ભાઈ અને એક વિશ્વાસુ ગુમાવ્યો… એક એવી વ્યક્તિ જે પહેલા દિવસથી જ મારી સફરનો ભાગ રહી છે. એક એવી વ્યક્તિ જેની સાથે તમે બધા મારા સંબંધોના સાક્ષી છો. તેણે મારામાં શ્રેષ્ઠતા લાવી. અને જ્યારે પણ તમે મને તેની સાથે જોતા હતા, ત્યારે હું હંમેશા હસતી અને હસતી રહેતી હતી.

નોરા ફતેહી સમજાવે છે, અમે બધું સાથે મળીને કર્યું. મેં આ પહેલાં ક્યારેય કોઈ મિત્રને આ રીતે ગુમાવ્યો નથી. હું આને કેવી રીતે સહન કરવું તે શોધવાનો પ્રયાસ કરી રહી છું. હું તમને બધાને તેના માટે પ્રાર્થના કરવા વિનંતી કરું છું. માર્સ પેડ્રોઝો હવે આપણી વચ્ચે નથી તેમનું અવસાન થયું છે. અને મારું હૃદય સંપૂર્ણપણે તૂટી ગયું છે. મારા માટે બધું બરબાદ થઈ ગયું છે.

માર્સેના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 53,000 લોકો ફોલોઅર્સ છે. તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર નાખતાં ખબર પડે છે કે તેમણે માત્ર નોરા ફતેહી માટે જ નહીં, પરંતુ જાહ્નવી કપૂર, જેકલીન ફર્નાન્ડીઝ, ખુશી કપૂર, તૃપ્તિ ડિમરી, મલાઈકા અરોરા, શર્વરી વાઘ અને સુહાના ખાન સહિત અનેક અભિનેત્રીઓ માટે હેરસ્ટાઇલિસ્ટ તરીકે કામ કર્યું છે.

Surat : પ્રેમલગ્નનો કરૂણ અંજામ, દારૂની મહેફિલ માણ્યા બાદ પતિએ મિત્રો સાથે મળી પત્ની પર આચર્યું દુષ્કર્મ

0

સુરત શહેરમાં માનવતાને શર્મસાર કરતી અને સંબંધોને કલંકિત કરતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. કાપોદ્રા વિસ્તારમાં પતિએ જ પોતાના મિત્રો સાથે મળીને પત્ની પર ગેંગરેપ આચર્યો હોવાની ચોંકાવનારી ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રેમ લગ્ન કર્યા બાદ પત્નીને સુરક્ષા આપવાને બદલે પાષણ બનેલા પતિએ જ પોતાના ત્રણ મિત્રો સાથે મળીને પરિણિતા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ ઘટનાને પગલે સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર પરિણિતાએ આરોપી યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ગત રાત્રે પતિએ પોતાના મિત્રો સાથે ઘરે જ દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું. દારૂના નશામાં ચૂર પતિએ પોતાની પત્નીને મિત્રોની હવસનો શિકાર બનવા મજબૂર કરી હતી. પતિ અને તેના ત્રણ મિત્રોએ મળીને આખી રાત પરિણિતા પર ગેંગરેપ આચર્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રેમ લગ્ન જેવા પવિત્ર સંબંધમાં પત્ની પર જ અત્યાચાર ગુજારવાની આ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. આરોપીઓએ માનવતાની તમામ હદો વટાવી દીધી હતી. પીડિતાએ હિંમત દાખવી કાપોદ્રા પોલીસ મથક પહોંચી આપવીતી વર્ણવતા પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

કાપોદ્રા પોલીસે ગેંગરેપની કલમો હેઠળ ગુનો નોંધીને પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ ગંભીર મામલે પોલીસે આરોપી પતિ અને તેના ફરાર મિત્રોને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. પોલીસ આ મામલે કડક તપાસ કરી રહી છે, જેથી ભોગ બનનારને ન્યાય મળી શકે.

Gujarat : નર્મદા પરિક્રમાની તડામાર તૈયારીઓ: જાણો 18 કિમીના રૂટ પર શ્રદ્ધાળુઓને શું-શું સુવિધાઓ મળશે?

0

ભારતીય સંસ્કૃતિમાં આસ્થા અને સાધનાનું કેન્દ્ર ગણાતી ‘ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા’નો આગામી 19 માર્ચ 2026 (ચૈત્ર સુદ એકમ) થી વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. એક મહિના સુધી ચાલનારી આ આસ્થાની યાત્રા 17 એપ્રિલ 2026 (ચૈત્ર વદ અમાસ)ના રોજ પૂર્ણ થશે. આ વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતાને જોતા 18 કિમીના પરિક્રમા માર્ગ પર સુરક્ષા અને સુવિધાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.

યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે હંગામી અને કાયમી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. જેમા રહેવા અને વિશ્રામ માટે વિશાળ વોટરપ્રૂફ ડોમ શેલ્ટરમાં ખાટલા, ગાદલા, ઓશીકા અને બેડશીટ સાથેની બેઠક વ્યવસ્થા.

મહિલાઓ અને પુરુષો માટે અલગ શૌચાલય, મોબાઇલ ટૉયલેટ વાન, સ્નાનગૃહ અને ચેન્જિંગ રૂમ. શ્રદ્ધાળુઓનો સામાન રાખવા માટે ક્લોક રૂમ, સતત પાણી પુરવઠો અને માર્ગ પર જરૂરી ચીજવસ્તુઓ માટે સેવા કેન્દ્રોની વ્યવસ્થા કરાઈ છે.

ભીડને નિયંત્રિત કરવા અને સુરક્ષા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા આધુનિક ટેકનોલોજીનો આશરો લેવાયો છે. હેડ કાઉન્ટ સિસ્ટમથી ઇન્ફ્રારેડ (IR) અને રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) દ્વારા યાત્રાળુઓની સંખ્યા અને અવર-જવર પર સતત નજર રખાશે. સમગ્ર 18 કિમીના માર્ગ અને તમામ ઘાટ પર LED અને ફ્લડ લાઇટ લગાડવામાં આવી છે, જેથી રાત્રિ દરમિયાન પણ યાત્રા સુગમ રહે. સીસીટીવી કેમેરા, વૉચ ટાવર અને વાયરલેસ કમ્યુનિકેશન દ્વારા કંટ્રોલ રૂમમાંથી સમગ્ર વિસ્તારનું મોનિટરિંગ કરવામાં આવશે.

શ્રદ્ધાળુઓ માટે માર્ગમાં મેડિકલ યુનિટ્સ અને 24×7 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે. આ ઉપરાંત, કોઈપણ આકસ્મિક સ્થિતિમાં મદદ માટે ખાસ ‘ઇમર્જન્સી હેલ્પ પોઇન્ટ’ ઊભા કરવામાં આવ્યા છે. પરિક્રમા ક્ષેત્રને સ્વચ્છ રાખવા માટે હાઉસકીપિંગની ટીમો દિવસ-રાત અલગ-અલગ શિફ્ટમાં કાર્યરત રહેશે.

National : મમતા vs શુભેન્દુ! પશ્ચિમ બંગાળ અને કેરલમ માટે ભાજપની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

0

ભાજપે આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે, જેના ભાગરૂપે પશ્ચિમ બંગાળ અને કેરલમ માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષને પડકાર આપવા માટે ભાજપે મજબૂત વ્યૂહનીતિ સાથે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આ યાદીમાં અનુભવી નેતાઓ અને નવા ચહેરાઓનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી રાજ્યના વિવિધ સમીકરણોને સાધી શકાય. બંગાળમાં ચૂંટણી જંગ આ વખતે વધુ રસપ્રદ બનવાની શક્યતા છે કારણ કે ભાજપ ત્યાં પોતાની પકડ મજબૂત કરવા માટે પૂરી તાકાત લગાવી રહ્યું છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 144 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. ભાજપે શુભેન્દુ અધિકારી અને દિલીપ ઘોષને ટિકિટ આપી છે. ભાજપે નંદીગ્રામ અને ભવાનીપુર બેઠકથી શુભેન્દુ અધિકારીને બે બેઠકથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામ બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનર્જીને 2000 મતથી હરાવ્યા હતા. બાદમાં ભવાનીપુરથી પેટાચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગત વખત જીત હાંસલ કરી હતી.

બીજી તરફ, દક્ષિણ ભારતના મહત્ત્વના રાજ્ય કેરલમમાં પણ ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે. કેરલમ વિધાનસભા ચૂંટણી માટે પક્ષે 47 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં પક્ષના પાયાના કાર્યકરોથી લઈને જાણીતા નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે કેરલમમાં ભાજપના વધતા પ્રભાવને દર્શાવે છે. કેરલમમાં પરંપરાગત રીતે ચાલતા આવતા રાજકીય ગઠબંધનો વચ્ચે ભાજપ ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવવા માટે આ ઉમેદવારો દ્વારા જનતા સુધી પહોંચશે. બંને રાજ્યોમાં ઉમેદવારોની આ જાહેરાત સાથે જ ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નેમોનથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખર ચૂંટણી લડશે. ત્યારે કઝાક્કુટ્ટમથી પૂર્વ વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરનને ઉતાર્યા છે. ભાજપે મલયાલમની જાણિતા લેખત આર.શ્રીલેખાને વટ્ટિયૂરકાવુથી ઉમેદવાર બનાવ્યા છે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્રનને મંજેશ્વરથી અને પી.કે.કૃષ્ણદાસને કાટ્ટાકાડાથી ટિકિટ આપી છે.

જણાવી દઈએ કે, ભારતીય ચૂંટણી પંચ (ECI) પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી, જેમાં 17.4 કરોડ મતદારો ભાગ લેશે, 2.19 લાખ જેટલા મતદાન કેન્દ્રો ઊભા કરવામાં આવશે અને 25 લાખ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે.

ગુજરાતમાં ઉમરેઠ બેઠક પર ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારનું નિધન થતાં બેઠક ખાલી પડી છે, જેના પર પેટા ચૂંટણી યોજાશે, 23 એપ્રિલના રોજ મતદાન તો 4 મેના રોજ પરિણામ જાહેર થશે.

Ahmedabad : દક્ષિણ બોપલમાં 54 સોસાયટીઓના સમન્વયથી ગુંજ્યો રાષ્ટ્રધર્મનો નાદ, યોજાયું ‘વિરાટ હિન્દુ સંમેલન’

દક્ષિણ બોપલ વિસ્તારની 54 જેટલી સોસાયટીઓના અભૂતપૂર્વ સંકલનથી આયોજિત ‘વિરાટ હિન્દુ સંમેલન’ અત્યંત દબદબાભેર સંપન્ન થયું. આ કાર્યક્રમ માત્ર એક સંમેલન નહીં, પણ રાષ્ટ્રપ્રેમ અને સાંસ્કૃતિક એકતાનો એક મહાકુંભ સાબિત થયો.

દક્ષિણ બોપલ વિસ્તારમાં સામાજિક એકતા અને રાષ્ટ્રભાવનાના અનોખા દર્શન થયા હતા. અહીંની 54 સોસાયટીઓના સંકલિત પ્રયાસો દ્વારા એક ભવ્ય ‘વિરાટ હિન્દુ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3100થી વધુ રાષ્ટ્રપ્રેમી નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.

કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે એક દેશભક્તિ સભર બાઈક રેલી દ્વારા કરવામાં આવી હતી, જેણે સમગ્ર વિસ્તારમાં એકતાનો સંદેશ ફેલાવ્યો હતો. ત્યારબાદ, ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત ‘રાષ્ટ્ર યજ્ઞ’માં વૈદિક મંત્રોચ્ચાર સાથે પર્યાવરણ અને રાષ્ટ્રના કલ્યાણ માટે આહુતિઓ આપવામાં આવી હતી. સાંજના સમયે આકર્ષણનું કેન્દ્ર 501 બાળિકાઓની ભવ્ય કળશયાત્રા રહી હતી. મુખ્ય સમારોહનો પ્રારંભ સાંજે 5:00 કલાકે ગણેશ વંદના અને દીપ પ્રાગટ્ય સાથે થયો હતો.

કાર્યક્રમમાં સાંસ્કૃતિક વિવિધતા અને સામાજિક જાગૃતિનો સમન્વય જોવા મળ્યો હતો. સ્થાનિક બાળકો દ્વારા કથક અને ‘ઓપરેશન સિંદૂર’ વિષય પર દેશભક્તિ નૃત્ય રજૂ કરાયા હતા. વિસ્તારની ડિઝાઇન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આધુનિક શૈલીમાં નૃત્ય-નાટિકા દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. પરિસરમાં ગૌમાતા આલિંગન, શંખનાદ પ્રશિક્ષણ, મફત પુસ્તક વિતરણ અને ‘પંચ પરિવર્તન’ પ્રદર્શની રાખવામાં આવી હતી.

આ પ્રસંગે વિસ્તારના સ્વચ્છતા કર્મચારીઓનું મંચ પર સન્માન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમની સૌથી પ્રેરણાદાયક ક્ષણ બની રહી હતી. મુખ્ય વક્તા તરીકે સુશ્રી મીનાક્ષી સહરાવત, કાયાવરોહણના સંત મુક્તાનંદજી અને સાધના પ્રકાશનના તંત્રી ભાનુભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ રાષ્ટ્રભાવના અને સાંસ્કૃતિક એકતા પર ભાર મૂકતું પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. અંતે, તમામ ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા સાથે આ ઐતિહાસિક સંમેલનનું સમાપન થયું હતું. સોસાયટીઓના અધ્યક્ષો અને સચિવોના સહકારથી યોજાયેલું આ સંમેલન સામાજિક જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

Ahmedabad : ટ્યુશન ક્લાસમાં બેસવા મુદ્દે છરી જેવા હથિયારથી વિદ્યાર્થી પર હુમલો

અમદાવાદ શહેરમાં ટ્યુશન ક્લાસ દરમિયાન વિદ્યાર્થી પર હુમલો થયાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે બાપુનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે . અમદાવાદ શહેરમાં ટ્યુશન ક્લાસ દરમિયાન વિદ્યાર્થી પર હુમલો થયાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે બાપુનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

માહિતી મુજબ, ટ્યુશન ક્લાસમાં બેસવાની જગ્યાને લઈને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. એક વિદ્યાર્થીને અન્ય ક્લાસમાં બેસવા માટે કહેવામાં આવતા બંને વચ્ચે તણાવ સર્જાયો હતો. શરૂઆતમાં થયેલી બોલાચાલી બાદ મામલો શાંત થયો હતો, પરંતુ બાદમાં આ વિવાદ ગંભીર બની ગયો હતો.પોલીસ તપાસ અનુસાર, બોલાચાલીનો મનદુઃખ રાખીને એક વિદ્યાર્થીએ છરી જેવા ધારદાર હથિયારથી બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા ટ્યુશનમાં સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ માહિતી મેળવી શકાય.આ ઉપરાંત હુમલાખોર વિદ્યાર્થી હથિયાર ક્યાંથી લાવ્યો હતો તે મુદ્દે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે તમામ પાસાઓની તપાસ કરીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Gandhinagar : કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, તોલ-માપ વિભાગને મળ્યો ધમકીભર્યો ઈમેલ

ગાંધીનગરમાં આવેલા કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સેક્ટર-10 સ્થિત આ ભવનના તોલ-માપ વિભાગને ઈમેલ દ્વારા ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર,, કર્મયોગી ભવનના બ્લોક નંબર 2માં આવેલી તોલ-માપ વિભાગની કચેરીમાં એક અનામી ઈમેલ આવ્યો હતો, જેમાં ભવનને ઉડાવી દેવાની ગંભીર ધમકી આપવામાં આવી હતી. જેને લઈને કર્મચારીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે તમામ કર્મચારીઓ તાત્કાલિક કચેરીની બહાર નીકળી આવ્યા હતા અને આખું કેમ્પસ ખાલી કરી દેવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યાનુસાર, ઈમેલની જાણ થતા જ પોલીસની વિવિધ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર બિલ્ડિંગમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઈમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં મહત્ત્વની સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી રહી છે. અગાઉ પણ અનેક જિલ્લાઓની પોસ્ટ ઓફિસો, પાસપોર્ટ ઓફિસો અને શૈક્ષણિક સંસ્થાઓને આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા.