Home Blog Page 287

Gujarat : ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

0

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે 18મીથી 20મી માર્ચ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 30થી 40 કિ.મી. પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર, 18મી માર્ચે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. જેમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે.

19મી માર્ચે વરસાદનું પ્રમાણ વધુ વિસ્તારોમાં જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા ઉપરાંત દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ સહિત કચ્છ અને દીવ વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

20મી માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને મહેસાણા સહિત કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર આ વરસાદથી ગરમીમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, ‘આવનારા 16મીથી 22મી માર્ચના સાત દિવસ માટે અમારું અનુમાન છે કે 16-17 તારીખે હવામાનમાં પલટો આવશે અને 18મી, 19મી તથા 20મી તારીખે હળવાથી મધ્યમ વરસાદની સાથે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ થવાની સંભાવના છે. આ વરસાદનું મુખ્ય કારણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે ગુજરાત સુધી વિસ્તરાયેલું છે. આ ફેરફારોને કારણે આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે, જોકે હાલમાં રાજકોટમાં સૌથી વધુ 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને અમદાવાદમાં 39 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.’

Entertainment : ઓસ્કારમાં રેડ કાર્પેટ પર ‘સ્વદેશ’નો દબદબો, ભારતીય કળા દર્શાવતા આભૂષણો અને વસ્ત્રો બન્યા આકર્ષણનું કેન્દ્ર

0

હાલમાં જ યોજાયેલા વિશ્વપ્રસિદ્ધ ઓસ્કાર એવોર્ડ્સ સમારંભમાં માત્ર ફિલ્મો જ નહીં, પરંતુ ભારતની પરંપરાગત હસ્તકલા અને ઝવેરાતે પણ વૈશ્વિક ફલક પર સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રિલાયન્સ ફાઉન્ડેશનના વિઝન હેઠળ કાર્યરત ‘સ્વદેશ’ બ્રાન્ડ દ્વારા તૈયાર કરાયેલા આઉટફિટ્સ અને જ્વેલરી પહેરીને અનેક આંતરરાષ્ટ્રીય હસ્તીઓ રેડ કાર્પેટ પર ઉતરી હતી.

ઝેના રોબર્ટ્સ રાસીએ ઓસ્કર રેડ કાર્પેટ પર ‘સ્વદેશ’ અને ‘અબુ જાની સંદીપ ખોસલા’નું આઉટફિટ પહેરીને ભારતીય કાપડ કલાની ભવ્યતા વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરી હતી. તેના રેશમી બ્રોકેડ ક્રોપ ટોપમાં આધુનિક પાવર શોલ્ડર્સ સાથે હજારો બીડ્સ (bugle beads), પથ્થરો અને ક્રિસ્ટલ્સનું ઝીણવટભર્યું કામ કરવામાં આવ્યું હતું, જે લાઈટમાં અત્યંત આકર્ષક લાગતું હતું. આ ડિઝાઈન પરંપરાગત ‘ઈકત’ શૈલી પર આધારિત છે, જેમાં વણાટકામ પહેલાં દોરાઓને બાંધીને રંગવાની ખાસ પદ્ધતિથી અદભૂત ભૌમિતિક પેટર્ન તૈયાર થાય છે. 2000 કલાકથી વધુની મહેનત અને બારીક હેન્ડ-એમ્બ્રોઇડરીથી બનેલો આ બ્લાઉઝ કલા પ્રત્યેના સમર્પણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.

પ્રીતિકા સ્વરૂપે એલ્ટન જોન એઇડ્સ ફાઉન્ડેશન એકેડેમી વ્યુઈંગ પાર્ટીમાં ‘સ્વદેશ’ બ્રાન્ડનો અદભૂત નેકલેસ પહેરીને ભારતીય જ્વેલરી કલાને આધુનિક સ્વરૂપે પ્રદર્શિત કરી હતી. ગળાના આકારને અનુરૂપ અત્યંત સુંદર રીતે કંડારેલી ‘ઝિપ'(ચેઈન) જેવી આ વિશિષ્ટ ડિઝાઇન કોઈ સામાન્ય મોટિફને પણ હાઈ-જ્વેલરીમાં કેવી રીતે ફેરવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

નેકલેસના રનર(pull tab) પર 6 કેરેટનો એમરલ્ડ (નીલમ) જડેલો છે, જેનો ઘેરો લીલો રંગ હીરાની ચમક સાથે અદભૂત મેળ બેસાડે છે. લગભગ 160 કલાકની મહેનત અને બારીક કારીગરીથી તૈયાર થયેલો આ નેકલેસ ‘સ્વદેશ’ની એ વિચારધારાને સાર્થક કરે છે, જેમાં ભારતની પ્રાચીન હસ્તકલાને આધુનિક ડિઝાઇન સાથે જોડીને નવું સ્વરૂપ આપે છે.

હોલિવૂડના જાણીતા સ્ટાઈલિશ લો રોચ ઓસ્કાર રેડ કાર્પેટ પર એક આકર્ષક બ્રોચ સાથે જોવા મળ્યા હતા. આ બ્રોચની ડિઝાઇન મુંબઈની આઇકોનિક ‘ઈરોસ બિલ્ડિંગ’ની આર્ટ ડેકો આર્કિટેક્ચર શૈલી પર આધારિત હતી. સોનાથી બનેલા આ બ્રોચમાં મધ્યમાં ઘેરા લાલ રંગનો રૂબી(માણેક) અને તેની આસપાસ હીરાની કલાત્મક ગોઠવણી કરાઈ છે, જે ભારતીય ઝવેરીઓની પેઢી દર પેઢી ચાલી આવતી આવડત દર્શાવે છે.

આ પ્રસંગે ગાયિકા બ્રાન્ડી કાર્લાઈલે ‘પેટલ પ્રિઝમ બ્રોચ’ પહેર્યો હતો, જે સૂર્યમુખીની ડિઝાઇનથી પ્રેરિત હતો. તેલંગાણાના કારીગરોએ 100 કલાકની મહેનત પછી તૈયાર કરેલા આ બ્રોચમાં નીલમ અને હીરાનું જડતર કામ કરાયું છે. તેમની સાથે કેથરિન શેફર્ડ પણ ‘સ્વદેશ’ના ડાયમંડ નેકલેસમાં નજરે પડી હતી, જેમાં હીરાની રિફાઈન્ડ શેવરોન પેટર્ન જોવા મળી હતી.

આમ, ઓસ્કાર 2026ના મંચ પર ‘મેક ઇન ઇન્ડિયા’ના સૂત્ર સાથે ભારતીય ટેક્સટાઇલ અને જ્વેલરીએ હોલિવૂડમાં ભારતના ભવ્ય વારસાનો ડંકો વગાડ્યો છે.

Sports : ‘મને પણ ભૂલ કરવાનો હક છે…’ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ગૌતમ ગંભીર શા માટે આવું બોલ્યો?

0

વર્લ્ડ કપ જીત્યા બાદ ગૌતમ ગંભીરે ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે. ગૌતમ ગંભીરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘હું માનુ છું કે મારાથી ભૂલ થઈ હશે, પરંતુ હું પણ માણસ છું. મને પણ ભૂલ કરવાનો હક છે, બધાને ભૂલ કરવાનો હક છે. ખેલાડીઓ કરે છે, હું પણ કરું છું. છેલ્લા 18 મહિનામાં મે અનેક ભૂલો કરી છે.’ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ગૌતમ ગંભીર શા માટે આવું બોલ્યો? ચાલો જાણીએ.

ગંભીરે કહ્યું કે, ‘કોઈ સારા ઈરાદથી ભૂલ કરે છે તો કોઈ વાંધો નથી. પરંતુ જો ખોટા ઈરાદે ભૂલ કરે તો તે સહન ન થાય. હું ડ્રેસિંગ રૂમમાં બધા સાથે ઈમાનદાર હતો અને દરેક ખેલાડી સાથે મે ઈમાનદારીથી વાત કરી છે. હું બધાની સામે આંખોમાં આંખો નાખીને વાત કરું છું. આગામી 18 મહિના જેટલો પણ કાર્યકાળ બાકી છે, હું એજ કરવાનો છું.’ગૌતમ ગંભીરે 2026 T20 વર્લ્ડ કપ પહેલા અને તે દરમિયાન પોતાના ખેલાડીઓને મજબૂત ટેકો આપ્યો હતો. ટુર્નામેન્ટ પહેલા સૂર્યકુમાર યાદવ ફોર્મમાં ન હતો અને અભિષેક શર્મા વર્લ્ડ કપ દરમિયાન ખરાબ ફોર્મમાં હતો. તેમ છતાં ગંભીરનો તેમના પરનો વિશ્વાસ ક્યારેય ડગ્યો ન હતો.

ગંભીરે કહ્યું, ‘તમે ફક્ત 3 કે 4 મેચ પછી તમારા ખેલાડીઓ પરનો વિશ્વાસ ગુમાવતા નથી. લોકો ‘આઉટ ઓફ ફોર્મ’ અને ‘આઉટ ઓફ રન’ વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. ઉદાહરણ તરીકે અભિષેક શર્મા ક્યારેય ખરેખર આઉટ ઓફ ફોર્મ નહોતો.’ ગંભીરે સંજુ સેમસન પર પણ વિશ્વાસ મૂક્યો અને તેને ઈશાન કિશનને બદલે અભિષેક સાથે ઓપનિંગ કરાવી અને સેમસનને T20 વર્લ્ડ કપમાં ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ જાહેર કર્યો.

ગંભીરે તેમના આગામી ટાર્ગેટ વિશે પણ ખુલાસો કર્યો હતો. T20 ટુર્નામેન્ટમાં તો જીતી મેળવી છે, પરંતુ ગંભીરનો ટાર્ગેટ હવે ઓલિમ્પિકમાં પણ પોતાની છાપ છોડવાનો છે. તેમણે કહ્યું કે, ‘હું ઓલિમ્પિકનો ભાગ બનવા માંગુ છું. ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત હશે.’ નોંધનીય છે કે, લૉસ એન્જેલિસ ઓલિમ્પિક 2028માં યોજાવાનું છે અને ટીમ ઈન્ડિયા ગોલ્ડ મેડલ માટે મજબૂત દાવેદાર હોવાની અપેક્ષા છે.

Gujarat : નેશનલ હાઈવે 56ની કામગીરી ખેડૂતો માટે આફત, પ્રોટેક્શન વોલના કારણે ખેતરોમાં જવાનો રસ્તો બંધ

0

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નેશનલ હાઈવે નંબર 56ને ફોર લેન બનાવવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જોકે, ધામસિયાથી ગોધામ વચ્ચે રોડની સાઈડમાં બનાવવામાં આવી રહેલી પ્રોટેક્શન વોલ ખેડૂતો માટે મુસીબત બની છે. ખેતરમાં જવાના રસ્તાઓ બંધ થઈ જતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, નસવાડી તાલુકાના ધામસિયાથી જબુગામ સુધી આશરે 900 કરોડ રૂપિયાના ખર્ચે હાઈવેને પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ માટે ખેડૂતોની જમીનોનું સંપાદન પણ કરવામાં આવ્યું છે. હાલમાં ધામસિયાથી ગોધામ સુધી પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી રહી છે, પરંતુ આ દીવાલને કારણે ખેતરોમાં જવાના વર્ષો જૂના રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.

ખેડૂતોનું કહેવું છે કે, ખેતરના એક છેડે કેનાલ આવેલી છે અને હવે બીજી તરફ નેશનલ હાઈવેની પ્રોટેક્શન વોલ આવી ગઈ છે. ખેતરમાં ટ્રેક્ટર કે અન્ય ખેતીવાડીના સાધનો લઈ જવા માટે હવે કોઈ જગ્યા બચી નથી. ખેતીનો પકવેલો પાક બજાર સુધી કેવી રીતે પહોંચાડવો તે મોટો સવાલ ઊભો થયો છે. માલ-ઢોરને ખેતર સુધી લઈ જવામાં પણ ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે.

સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે, ‘અમે વિકાસના કામ માટે અમારી કિંમતી જમીનો આપી છે, પરંતુ તંત્રએ અમારા પાયાના રસ્તાનો વિચાર કર્યો નથી.’ ખેડૂતોએ માગણી કરી છે કે નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓ સ્થળ તપાસ કરે અને પ્રોટેક્શન વોલની વચ્ચે ખેતરોમાં અવરજવર માટે યોગ્ય રસ્તો ફાળવે, જેથી તેમનું ગુજરાન ચલાવવામાં અવરોધ ન આવે.

National : Facebook પર કોપી પેસ્ટ કન્ટેન્ટ કરનારાની હવે ખેર નહી, Metaએ લીધો મોટો નિર્ણય

0

મેટાએ કોપી અને ફેક કન્ટેન્ટનો સામનો કરવા માટે ફેસબુક પર નવા ટૂલ્સ લોન્ચ કર્યા છે. નિર્માતાઓ હવે ડેશબોર્ડ દ્વારા કોપી કરેલી સામગ્રીની જાણ કરી શકશે. કંપનીએ મૂળ કન્ટેન્ટની વ્યાખ્યા પણ અપડેટ કરી છે.મેટાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોપી અને ફેક કન્ટેન્ટને રોકવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કંપનીએ ફેસબુક માટે નવા ટૂલ્સ અને અપડેટેડ કન્ટેન્ટ માર્ગદર્શિકા રજૂ કરી છે, જેનો હેતુ ક્રિએટર્સની મૂળ સામગ્રી માટે વધુ સારી સુરક્ષા પૂરી પાડવાનો છે.

આ નવી સુવિધાઓ દ્વારા, ક્રિએટર્સ હવે સેન્ટ્રલાઇઝ્ડ ડેશબોર્ડનો ઉપયોગ કરીને સરળતાથી કોપી કરેલી અથવા નકલ કરેલી સામગ્રીની જાણ કરી શકે છે. મેટાએ જણાવ્યું છે કે આ પહેલ પ્લેટફોર્મ પર AI-જનરેટેડ સ્પામ અને કોપી કરેલી સામગ્રીના વધતા જથ્થાને નિયંત્રિત કરવામાં મદદ કરશે.સરળતાથી તે કન્ટેન્ટને ફ્લેગ કરી શકે છે. જેને કોઇએ કોપી કરીને તેમના પોતાના નામે પોસ્ટ કરી હોય. આ અપડેટનો મુખ્ય ઉદ્દેશ્ય રિપોર્ટિંગ પ્રોસેસને સરળ બનાવવાનો છે. આ પહેલા અલગ અલગ પોસ્ટ માટે અલગ રિપોર્ટીંગ કરવુ પડતુ હતું પરંતુ હવે ક્રિએટર્સએક જગ્યાએથી જ ફરિયાદ દાખલ કરી શકે છે. જેનાથી કોપી કન્ટેન્ટ પર જલદી કાર્યવાહી થવાની આશા છે.

મેટાએ કંપની “મૂળ સામગ્રી” શું માને છે તે સ્પષ્ટ કરવા માટે ફેસબુકની સામગ્રી માર્ગદર્શિકા પણ અપડેટ કરી છે. આગળ વધતાં ક્રિએટર્સ દ્વારા સીધી રીતે ફિલ્માવવામાં આવેલી અથવા ઉત્પાદિત સામગ્રીને સ્પષ્ટપણે મૂળ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. વધુમાં, રીલ્સ અથવા વિડિઓઝ જે નવી વિશ્લેષણ, ટિપ્પણી અથવા પૂરક માહિતી પ્રદાન કરવા માટે હાલની સામગ્રીને રિમિક્સ કરે છે તે પણ આ શ્રેણીમાં આવી શકે છે. આ ફેરફારનો ધ્યેય સર્જકોને પ્રોત્સાહિત કરવાનો અને “કોપી-પેસ્ટ” સામગ્રીના પ્રસારને ઘટાડવાનો છે.

જ્યારે Meta ના નવા સાધનો ડુપ્લિકેટ સામગ્રી શોધવામાં સક્ષમ છે, તેઓ હાલમાં AI-જનરેટેડ ડીપફેક્સને સંપૂર્ણપણે ઓળખવામાં અસમર્થ છે. આનો અર્થ એ છે કે જો ક્રિએટર્સની સમાનતા અથવા ઓળખનો ઉપયોગ કરીને ડીપફેક વિડિઓ બનાવવામાં આવે છે, તો તેની સામે પગલાં લેવાનું એક પડકાર રહે છે. અસંખ્ય વપરાશકર્તાઓએ અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેખાતી AI-જનરેટેડ સામગ્રીના વધતા જથ્થા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ પછી, Meta એ સ્પામ અને બિન-મૌલિક સામગ્રી પર વધુ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

Meta એ Facebook Marketplace માટે એક નવું ફીચર પણ રજૂ કર્યું છે. આ અપડેટ સાથે, વ્યવસાયો અને વેચાણકર્તાઓ હવે Meta AI નો ઉપયોગ કરીને ગ્રાહકોની પૂછપરછનો આપમેળે જવાબ આપી શકશે. જ્યારે ખરીદનાર કોઈ ઉત્પાદન વિશે પ્રશ્ન પૂછે છે – જેમ કે “શું આ હજુ પણ ઉપલબ્ધ છે?” – ત્યારે મેટા એઆઈ સૂચિમાં આપેલી માહિતીના આધારે પ્રતિભાવ જનરેટ કરશે. આમાં ઉત્પાદનની કિંમત, ઉપલબ્ધતા અને પિકઅપ સ્થાન જેવી વિગતો શામેલ હોઈ શકે છે, જેનાથી ખરીદી અને વેચાણ પ્રક્રિયા સુવ્યવસ્થિત થાય છે.

National : ઓઇલ સંકટ વચ્ચે સરકારનું નિવેદન: દેશમાં CNG-LPGનો પૂરતો જથ્થો, અનેક રાજ્યોમાં કોમર્શિયલ LPGની સપ્લાય શરૂ

0

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઇલના સંકટ વચ્ચે ભારત સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર, દેશમાં ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક છે અને LPG-CNGનો પુરવઠો પણ સંપૂર્ણ રીતે ચાલુ છે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતની તમામ રિફાઇનરીઓ પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે, તેથી પેટ્રોલ પંપ પર ઇંધણની કોઈ અછત સર્જાશે નહીં.

ગેસ પુરવઠા અંગે સરકારે ખાતરી આપી છે કે ઘરેલું વપરાશકારોને સમયસર સિલિન્ડર મળે તે તેમની પ્રાથમિકતા છે. હાલમાં ગેસ બુકિંગની પ્રક્રિયા અને ડિલિવરી સિસ્ટમમાં પણ ઘણો સુધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ સરકારે લોકોને જરૂર જણાયે LPGથી પાઈપલાઈન ગેસ(PNG) પર શિફ્ટ થવાનો વિકલ્પ પણ આપ્યો છે. ગેસની કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા માટે તંત્ર દ્વારા કડક તપાસ કરવામાં આવી રહી છે, જેથી સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી ન પડે.

આ દરમિયાન, ભારત માટે રાહતના સમાચાર એ છે કે UAEથી રવાના થયેલું ભારતીય જહાજ ‘જગ લાડકી’ અંદાજે 81,000 ટન કાચું તેલ લઈને સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહ્યું છે અને તે આવતીકાલે મુંદ્રા પોર્ટ પર પહોંચશે. આ ઉપરાંત, સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પસાર કરીને ‘શિવાલિક’ નામનું LPG જહાજ પણ આજે સાંજે 5 વાગ્યા સુધીમાં ભારત પહોંચી જશે. શિપિંગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ખાડી દેશોના વિસ્તારમાં તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે અને સરકાર દરેક જહાજ તથા ક્રૂ મેમ્બર્સ સાથે સતત સંપર્કમાં રહીને સ્થિતિ પર બાજ નજર રાખી રહી છે. છેલ્લા 24 કલાકમાં દરિયાઈ માર્ગે કોઈ પણ અઘટિત ઘટના બની નથી, જે ભારતની ઊર્જા સુરક્ષા માટે હકારાત્મક સંકેત છે.

Vadodara : કોયલીના મકાનમાં રાત્રે ભજનના કાર્યક્રમ દરમિયાન ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ, 5 દાઝ્યા

0

વડોદરાના કોયલી વિસ્તારમાં ગઈ રાત્રે એક મકાનમાં ભજનનો કાર્યક્રમ ચાલતો હતો તે દરમિયાન ગેસ સિલિન્ડર જ થતા આગ લાગવાથી પાંચ જણા દાઝ્યા હતા. વડોદરા ફાયર બ્રિગેડે આસપાસના મકાનોને બચાવી લીધા હતા.કોયલીની ઇન્દિરા નગર વસાહતમાં એક મકાનમાં ગઈકાલે રાત્રે ભજન કીર્તનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન ચા-નાસ્તો કરતી વખતે ગેસ સિલિન્ડર લીકેજ થતા ભડકો થયો હતો. આ સાથે જ સિલિન્ડર આડો પડી ગયો હતો અને ઘરવખરી લપેટાઈ હતી. જેને પગલે ભારે અફરાતફરી સર્જાઇ હતી.

આ દરમિયાન પાંચ જણા દાઝી ગયા હતા. જેમને તરત જ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. વડોદરા ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી ત્યારે આખું કાચું મકાન આગમાં લપેટાઈ ચૂક્યું હતું અને આ બાજુના મકાન સુધી પહોંચી હતી. ફાયર બ્રિગેડના ઓફિસર મનોજ સીતાપરા ની આગેવાની હેઠળ બે ટીમોએ આસપાસના મકાનોમાં આ પ્રસરતી અટકાવી આગ કાબુમાં લીધી હતી.

બનાવના સ્થળે પોલીસ પણ આવી ગઈ હતી અને વિગતો મેળવી હતી. ઇજાગ્રસ્તોમાં (1) સોલંકી અર્જુનભાઈ અમરશીભાઈ-ઉ.વ.35, (2) ચૌહાણ અમિત ચંદુભાઈ (30), (3) ચૌહાણ ધર્મેન્દ્રસિંહ (34), (4) ચૌહાણ સુનિલ મહેન્દ્રભાઈ (28) અને (5) ચૌહાણ ભાવેશ ભગાભાઈ (૩૨) નો સમાવેશ થાય છે.

Entertainment : સલમાન ખાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું નામ બદલાયું, હવે આ નવા ટાઈટલ સાથે થશે રિલીઝ

0

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી ઐતિહાસિક અથડામણ પર આધારિત આ ફિલ્મનું નામ હવે બદલી નાખવામાં આવ્યું છે. સલમાન ખાને પોતે 16 માર્ચના રોજ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આ અંગે માહિતી આપી છે કે, હવે આ ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ'(Matrubhoomi: May War Rest in Peace) તરીકે ઓળખાશે. આ ફિલ્મમાં સલમાન ખાન શહીદ કર્નલ બી. સંતોષ બાબુની ભૂમિકામાં જોવા મળશે.

રસપ્રદ વાત એ છે કે, આ વર્ષે ગણતંત્ર દિવસ પહેલા 24 જાન્યુઆરીએ સલમાન ખાને આ ફિલ્મનું એક દેશભક્તિ ગીત રિલીઝ કર્યું હતું, જેનું શીર્ષક પણ ‘માતૃભૂમિ’ હતું. આ ગીત અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવ્યું છે, જેનું સંગીત હિમેશ રેશમિયાએ આપ્યું છે. હવે આ ગીતના નામ પરથી જ ફિલ્મનું નવું ટાઇટલ રાખવામાં આવ્યું છે. અપૂર્વ લાખિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સલમાનની સાથે ચિત્રાંગદા સિંહ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મની રિલીઝ ડેટને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. અગાઉ આ ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થવાની હતી, પરંતુ લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હોવાનું જણાય છે. સલમાન ખાને ફિલ્મનું નવું પોસ્ટર તો શેર કર્યું છે, પરંતુ તેમાં રિલીઝ ડેટ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ગલવાનની ઘટના પર આધારિત હોવાથી સલમાનના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે નવા ટાઇટલ સાથે હવે તેની રિલીઝ ક્યારે થશે તે જોવું રહ્યું.

Panchmahal : શહેરાના પાલીખંડા રોડ પર ખેતરમાં ભીષણ આગ, કાળઝાળ ગરમી વચ્ચે પાક બળીને ખાખ

0

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આગની ઘટના સામે આવી છે. શહેરાના પાલીખંડા વાટાવ છોડા રોડ પર આવેલા એક ખેતરમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. કાળઝાળ ગરમીના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં ખેડૂતનો તૈયાર થયેલો પાક બળીને રાખ થઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર, ખેતરમાં ધુમાડાના ગોટા અને આગની જ્વાળાઓ દેખાતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ઘટનાની ગંભીરતાને જોઈ ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી અને તેના પર કાબૂ મેળવ્યો હતો.

ભોગ બનનાર ખેડૂતના જણાવ્યાનુસાર, ખેતરમાં તુવેરની ખેતી કરી હતી. પાક તૈયાર થવાની તૈયારીમાં હતો ત્યારે જ લાગેલી આ અચાનક આગમાં તુવેરનો સંપૂર્ણ પાક બળીને ખાખ થઈ ગયો છે. ખેડૂતને આ ઘટનામાં મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.હાલ પડી રહેલી કાળઝાળ ગરમી અને સૂકા વાતાવરણના કારણે ખેતરોમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. શહેરાના આ વિસ્તારમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ આકરા તાપ વચ્ચે લાગેલી આ આગે ખેડૂતના મોં સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે.

Business : સોમવારે ઘટ્યા સોના ચાંદીના ભાવ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

0

સોમવાર 16 માર્ચના રોજ ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. આ લખાય છે ત્યારે 2 એપ્રિલ 2026ના રોજ સમાપ્ત થતા સોનાના વાયદાના કરારો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આશરે 1200 રૂપિયાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.MCX પર સોનાના વાયદા ₹157,347 (પ્રતિ 10 ગ્રામ) પર ખુલ્યા હતા. પાછલા ટ્રેડિંગ દિવસે, MCX પર સોનું ₹158466 પર બંધ થયું હતું. સવારે 9.45 વાગ્યાની આસપાસ, સોનાના વાયદા ₹157270 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે 0.75 ટકા ઘટીને હતા. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સોનાના વાયદા ₹157 347ની ઊંચી સપાટીને સ્પર્શી ગયા હતા.

MCX પર ચાંદીના વાયદા – જે 5 મે, 2026 ના રોજ સમાપ્ત થઈ રહ્યા હતા – ₹256,100 (પ્રતિ કિલોગ્રામ) પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે 1.29 ટકા અથવા ₹3,335 નો ઘટાડો દર્શાવે છે. ચાંદીનો ટ્રેડિંગ દિવસ ₹255,101 પર ખુલ્યો. દિવસના ટ્રેડિંગ સત્ર દરમિયાન, ચાંદી ₹256,158 ની ઊંચી સપાટીને સ્પર્શી ગઈ. દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં, 10 ગ્રામ ચાંદી હાલમાં ₹2,749 ના દરે વેચાઈ રહી છે. દરમિયાન, ગ્રાહકોએ 100 ગ્રામ ચાંદી ખરીદવા માટે ₹27,490 ખર્ચ કરવા પડશે. ચેન્નાઈમાં, 10 ગ્રામ ચાંદીનો ભાવ ₹2,799 છે.

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)

શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,59,200 1,45,950
વડોદરા 1,59,200 1,45,950
રાજકોટ 1,59,200 1,45,950
સુરત 1,59,200 1,45,950
મુંબઈ 1,59,170 1,45,900
દિલ્હી 1,59,300 1,46,050

ભારતમાં સોનું ફક્ત રોકાણનું સાધન નથી. તે લોકોની પરંપરાઓ અને લાગણીઓ સાથે પણ ઊંડે સુધી જોડાયેલું છે. લગ્ન, તહેવારો અને ખાસ પ્રસંગો દરમિયાન સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. ઘણા પરિવારો પેઢી દર પેઢી સોનાને સાચવવાની પરંપરાને જાળવી રાખે છે, તેને સુરક્ષા અને સમૃદ્ધિનું પ્રતીક માને છે.

ગ્રામીણ વિસ્તારોથી લઈને શહેરી કેન્દ્રો સુધી, સોનાને એક વિશ્વસનીય સંપત્તિ માનવામાં આવે છે. જ્યારે પણ આર્થિક અનિશ્ચિતતા વધે છે, ત્યારે લોકો ઘણીવાર સોના તરફ વળે છે. આ જ કારણ છે કે, ભારતમાં, સોનાને ફક્ત ઘરેણાં સાથે જ નહીં, પરંતુ સંસ્કૃતિ, શ્રદ્ધા અને ભવિષ્યની સુરક્ષા સાથે પણ જોડવામાં આવે છે.