Home Blog Page 373

National : અચૂક નિશાન, જોરદાર હુમલો, S-400ની જોવા મળી એક્શન

0

ભારતીય વાયુસેનાએ પોતાની શક્તિ બતાવતાં S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો ‘લશ્કરી ઇતિહાસમાં સૌથી લાંબા હવાઈ હુમલા’ની યાદ અપાવે છે.

ભારતીય વાયુસેનાએ ગુરુવારે રશિયન મૂળની S-400 મિસાઇલ સિસ્ટમનું ફાયરિંગ દર્શાવતા વીડિયો જાહેર કર્યો. વિડિયોમાં સ્પષ્ટ રીતે મિસાઇલને હવાઈ ટાર્ગેટ તરફ જતા અને સચોટ હિત હાંસલ કરતી દેખાય છે. IAFએ આને “લશ્કરી ઇતિહાસમાં સૌથી લાંબો હવાઈ હુમલો” જાહેર કર્યો છે. S-400 સિસ્ટમ ઓપરેશન સિંદૂર દરમિયાન ખાસ ભુમિકા ભજવી હતી, જે ગયા વર્ષે મેમાં પાકિસ્તાન સામે કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં ભારતીય વાયુસેના લગભગ 300 કિ.મી. દૂર પાકિસ્તાની વિમાનોને નિશાન બનાવવામાં સફળ રહી.

IAFના વિડીયોમાં રડાર પર નજીક આવતી દુશ્મન જેટ્સને શોધતા અને પછી મિસાઇલને લૉન્ચ કરતા દૃશ્યો છે. સેનાએ સ્પષ્ટ સંદેશ આપ્યો: “દુશ્મન તમારી પહોંચની બહાર હોઈ શકે છે, પરંતુ ક્યારેય દૃષ્ટિની બહાર નહીં.” આ મેસેજ ભારતની વાયુસેનાની શક્તિ અને તૈયારી દર્શાવે છે.

જો કે, ખાસ નોંધવાની વાત એ છે કે આ ફાયરિંગનો વિડિયો ઓપરેશન સિંદૂરનું વાસ્તવિક ફૂટેજ નથી. આ એક પ્રમોશનલ વિડિયો છે, જે 27 ફેબ્રુઆરીના રાજસ્થાન વાયુ શક્તિ કવાયત માટે બનાવવામાં આવ્યો છે. છતાં, વિડીયોમાં ઓપરેશન સિંદૂરની સફળતાનું સ્પષ્ટ સંકેત છે.ગયા વર્ષે ઓક્ટોબરમાં, એર ચીફ માર્શલ એપી સિંહે ઓપરેશન સિંદૂરની વિગતો જાહેર કરી હતી. તેમણે કહ્યું કે ઓપરેશન દરમિયાન ભારતીય દળોએ ઓછામાં ઓછા એક ડઝન પાકિસ્તાની વિમાનોને નષ્ટ અથવા નુકસાન પહોંચાડ્યું.

વિશેષ ધ્યાન S-400ની લાંબી અંતરની ક્ષમતા પર છે. એર ચીફે જણાવ્યું કે લગભગ 300 કિ.મી. દૂર પાકિસ્તાની SIGINT પ્લેન, જેમાં F-16 અને J-17 જેહાદી લડવૈયા હતા, તેમને સિસ્ટમ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું. આ બધું S-400ની લાંબી અંતરની સપાટીથી હવામાં હુમલાની ક્ષમતા કારણે શક્ય થયું.

Ahmedabad : ધોરણ 10ની બોર્ડ પરીક્ષાના શ્રીગણેશ, પ્રથમ ભાષાનું પેપર પ્રમાણમાં સહેલું નીકળતા વિદ્યાર્થીઓ ખુશ

0

અમદાવાદમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું પ્રથમ પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. મોર્નિંગ સેશનમાં 98.06 ટકા હાજરી નોંધાઈ હતી. કુલ 48,941 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે હાજર રહ્યા હતા.વિષયવાર હાજરીમાં અંગ્રેજી વિષયમાં સૌથી વધુ 99.51 ટકા હાજરી નોંધાઈ હતી. પરીક્ષા દરમિયાન કોઇ ગેરરીતિ નોંધાઈ નહોતી અને સમગ્ર વ્યવસ્થા સુચારૂ રહી હતી.

વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ પ્રથમ ભાષાનું પેપર પ્રમાણમાં સહેલું હતું. ગુજરાતી વિષયમાં “યાદગાર પ્રવાસ”, “એ શિક્ષકને કઈ રીતે ભૂલી શકું” અને “સ્વદેશી અપનાવો, દેશને અપનાવો” જેવા નિબંધ પૂછાયા હતા.અંગ્રેજી વિષયમાં ઇન્ડિયા ઓફ માય ડ્રિંમ, એઆઇ માનવ દિમાગનું સ્થાન લઈ શકે જેવા નિબંધ પૂછાતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

શહેરમાં પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા વાલીઓ અને શિક્ષણ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે..

Vadodara : બોર્ડની પરીક્ષા દરમિયાન બે વિદ્યાર્થિનીઓની તબિયત લથડી, 108ની ટીમ તાત્કાલિક શાળાએ દોડી

0

વડોદરાના માંજલપુરમાં પરીક્ષા આપી રહેલી બે વિદ્યાર્થિનીઓની તબિયત એકાએક લથડતા શાળા પ્રશાસન અને ત્યાં હાજર આરોગ્ય ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાજ્યભરમાં આજથી બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, ત્યારે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલ પરીક્ષા કેન્દ્ર પર એક ચિંતાજનક ઘટના બની હતી. પરીક્ષા આપી રહેલી બે વિદ્યાર્થિનીઓની તબિયત એકાએક લથડતા શાળા પ્રશાસન અને ત્યાં હાજર આરોગ્ય ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, પરીક્ષા ખંડમાં પેપર લખતી વખતે એક વિદ્યાર્થિનીને અચાનક ખેંચ (આંચકી) આવતા તેની સ્થિતિ ગંભીર બની હતી. શાળા દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તેને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે બીજી એક વિદ્યાર્થિનીને ગભરામણને કારણે ચક્કર આવતા તે ઢળી પડી હતી.

ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ મિનિટોમાં શાળાએ પહોંચી ગઈ હતી. ગભરામણને કારણે બીમાર પડેલી વિદ્યાર્થિનીને પેરામેડિકલ સ્ટાફ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સારવાર બાદ વિદ્યાર્થિની ભાનમાં આવી હતી અને તેણે પરીક્ષા આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તબિયતમાં સુધારો જણાતા તેને ફરીથી પરીક્ષા ખંડમાં બેસાડવામાં આવી હતી, જેને પગલે બહાર ઉભેલા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

Gujarat : પહેલા રાષ્ટ્રગાન વગાડાશે કે રાષ્ટ્રગીત ? સરકારે બહાર પાડી માર્ગદર્શિકા

0

જાહેર યાદીમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો કોઈ ફિલ્મના ભાગરૂપે રાષ્ટ્રગીત વાગતું હોય તો દર્શકોએ ઊભા થવાની ફરજિયાત જરૂર નથી. જોકે, રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યે સન્માન જાળવવાની નૈતિક જવાબદારી સૌની છે.ગુજરાત માહિતી ખાતાએ ‘વંદે માતરમ’ તથા રાષ્ટ્રગીતના ગાન અને સન્માન અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરતી અખબારી યાદી પ્રસિદ્ધ કરી છે. જાહેર યાદીમાં નાગરિકોને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન પ્રત્યે યથોચિત આદર જાળવવા અપીલ કરવામાં આવી છે.

માર્ગદર્શિકા મુજબ જ્યારે પણ રાષ્ટ્રગીત વાગે કે ગવાય ત્યારે તમામ નાગરિકોએ સાવધ સ્થિતિમાં ઊભા રહી સન્માન વ્યક્ત કરવું જરૂરી રહેશે. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બંને વગાડવાના હોય તેવી પરિસ્થિતિમાં પ્રથમ રાષ્ટ્રગીત અને ત્યારબાદ રાષ્ટ્રગાન વગાડવાની વ્યવસ્થા રાખવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. શાળાઓમાં દરરોજ દિવસની શરૂઆત રાષ્ટ્રગીતના ગાન સાથે કરવી જરૂરી ગણાવવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના અને શિસ્તનો વિકાસ થાય.

જાહેર યાદીમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો કોઈ ફિલ્મના ભાગરૂપે રાષ્ટ્રગીત વાગતું હોય તો દર્શકોએ ઊભા થવાની ફરજિયાત જરૂર નથી. જોકે, રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યે સન્માન જાળવવાની નૈતિક જવાબદારી સૌની છે. તમામ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર કાર્યક્રમોના આયોજકોને આ સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે, જેથી રાષ્ટ્રીય ગૌરવ અને એકતા વધુ મજબૂત બને.

માર્ગદર્શિકા અનુસાર નીચેની પરિસ્થિતિઓમાં રાષ્ટ્રગીત વગાડી શકાશે
નાગરિક સન્માન સમારોહ દરમિયાન
રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલના સત્તાવાર આગમન અને વિદાય સમયે
રાષ્ટ્રીય ધ્વજને પરેડમાં લાવવામાં આવે ત્યારે
દૂરદર્શન અને આકાશવાણી પર રાષ્ટ્રપતિના સંબોધન પહેલાં અને પછી

Bihar : લગ્ન મંડપમાં ઘૂસીને પ્રેમીએ દુલ્હનના પેટમાં મારી દીધી ગોળી

0

બિહારના બક્સરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં લગ્ન મંડપમાં ઘૂસીને પ્રેમીએ દુલ્હનના પેટમાં ગોળી મારી દીધી હતી. લગ્ન પ્રસંગ દરમિયાન એકતરફી પ્રેમીએ દુલ્હનને ગોળી મારી દેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ પછી તાત્કાલિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ લઈ ગયા હતા.

બિહારના બક્સરમાં એક લગ્ન સમારંભ શોકમાં ફેરવાઈ ગયો હતો. મંગળવારે(24 ફેબ્રુઆરી, 2026) રાત્રે લગ્ન પ્રસંગ દરમિયાન દુલ્હનને તેના પ્રેમીએ જાહેરમાં ગોળી મારી દીધી હતી. મળતી માહિતી મુજબ, આરોપીની ઓળખ પાડોશી દીનબંધુ તરીકે થઈ છે. 18 વર્ષની આરતી કુમારી તેના ભાવિ પતિ સાથે સ્ટેજ પર હતી. કપલ મિત્રો અને પરિવારથી ઘેરાયેલું હતું. આ દરમિયાન એક યુવતી કદાચ મૃતકની બહેન સ્ટેજ પર ધાર્મિક વિધિ કરી રહી હતી. જેમાં તે તેના બનેવીના માથા પર તિલક કરી રહી હતી. આ પછી યુવતી આરતી તરફ વળીને તિલક લગાવ્યું, એટલામાં અચાનક સ્ટેજની સામે ભેગા થયેલા મહેમાનોમાંથી એક વ્યક્તિએ આરતીને ગોળી મારી દીધી હતી.

આ ઘટનામાં ગોળી આરતીના પેટમાં તેની નાભિ પાસે વાગી હતી. આ હુમલાથી લગ્નમાં અફરાતફરી મચી ગઈ હતી. કેટલાક લોકો તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, લોકોએ તાત્કાલિક આરતીને નજીકની સદર હોસ્પિટલમાં લઈ ગયા હતા. પ્રાથમિક સારવાર આપ્યા પછી ડૉક્ટરે દુલ્હનને વારાણસી ટ્રોમા સેન્ટરમાં રિફર કરી હતી.

સમગ્ર મામલે DSPએ જણાવ્યું હતું કે, ઘટના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના નગર ચૌસા પંચાયતના મલ્લાહ ટોલાની છે. પરિવારનું કહેવું છે કે, યુવક તેમની દીકરીને એકતરફી પ્રેમ કરતો હતો. ઈજાગ્રસ્ત દુલ્હને આરોપી પ્રેમીનું નામ લઈને કહ્યું, ‘દીનબંધુએ મને ગોળી મારી દીધી.’

Gujarat : દ્વારકાના જગતમંદિરમાં બપોરે જ ઉજવાશે ફૂલડોલ ઉત્સવ, જાણો દર્શન અને સેવા ક્રમનો નવો સમય

0

આગામી 3 માર્ચે ચંદ્રગ્રહણ છે, જેમાં ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક અને 27 મિનિટનો રહેશે. પરંતુ ભારતમાં ઘણા રાજ્યો અને શહેરોમાં આ ગ્રહણ સાંજે 6 વાગ્યા પછી જ માત્ર અડધો કલાકથી 45 મિનિટ માટે જોવા મળશે. જ્યારે કેટલાક રાજ્યો અને શહેરોમાં ચંદ્રોદય ગ્રહણ કાળ પછી થવાનો હોવાથી ગ્રહણ જોવા મળશે નહીં. જેના લીધે વિવિધ શહેરોમાં ચંદ્રગ્રહણ પાળવા મામલે અલગ-અલગ મત પ્રવર્તે છે. જો કે, ભારતમાં કેટલાક ભાગોમાં ગ્રહણ દેખાવાના કારણે મંદિરોમાં વેધકાળ વગેરેનું પાલન સહિતની પરંપરાઓ અનુસરવામાં આવશે. એટલે ચંદ્રગ્રહણના સમયગાળાને ધ્યાનમાં રાખીને દ્વારકાના જગતમંદિરમાં બપોરે જ ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે, જાણો દર્શન અને સેવા ક્રમનો નવો સમય.

ફાગણી પૂનમના બીજા દિવસે મંદિરોમાં અને ખાસ કરીને વિષ્ણુ ભગવાન અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના મંદિરો તથા પુષ્ટીમાર્ગીય મંદિરોમાં ફૂલડોલ ઉત્સવની પરંપરા છે. જો કે, ચંદ્રગ્રહણના કારણે ફૂલડોલ ઉત્સવની ઉજવણીમાં પણ પરિવર્તન જોવા મળશે.

શ્રી નાથદ્વારાથી પ્રકાશિત થતાં વૈષ્ણવ પંચાગ સમાન ટીપ્પણી અનુસાર તથા દ્વારકાના જગતમંદિર શ્રી દ્વારકાધીશ મંદિર અનુસાર, ફૂલડોલ ઉત્સવ 3 માર્ચના બપોરે ઉજવવામાં આવશે. જ્યાં હજારો કિલોમીટરનું અંતર કાપી લાખો પદયાત્રીઓ ફૂલડોલ ઉત્સવ માટે ઉમટે છે. એ દ્વારકાના જગતમંદિરે 3 માર્ચ, 2026ના સવારે 11 થી 12 વાગ્યામાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરાશે. જેમાં બપોરે 12થી રાત્રે 8 વાગ્યા સુધી મંદિરમાં દર્શન બંધ રહેશે અને રાત્રે 8 વાગ્યે ઉત્થાપન દર્શન થશે, પછી ક્રમશ: સેવા ક્રમ નિભાવી રાત્રે 11 વાગ્યે શયન દર્શન પછી મંદિરના દ્વાર બંધ થશે.

‘છોટીકાશી’ જામનગરના વિવિધ મંદિરોમાં પણ દ્વારકાના જગતમંદિરની જેમ જ બપોર પછી મોડી સાંજ સુધી મંદિર બંધ રહેશે. જેના કારણે સાંજે 7:30થી 8 વાગ્યે બંધ થઈ જતાં મંદિરો બીજે દિવસે સવારે રાબેતા મુજબ ખોલવામાં આવશે. જ્યારે અમુક મંદિરોમાં સાંજે 7 થી 10 વાગ્યા સુધી ભગવાનના દર્શન તથા નિત્ય સેવા ક્રમ નિભાવવામાં આવશે.

Business : હવે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી! નેશનલ હાઈવે પર બિઝનેસ કરવા ઓનલાઈન મળશે NOC

0

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા હાઈવે પર મુસાફરી કરનારાઓ અને વેપારીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. નેશનલ હાઈવે પર પેટ્રોલ પંપ, ફૂડ કોર્ટ કે અન્ય સુવિધાઓ શરૂ કરવા માટે હવે વિવિધ સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ‘રાજમાર્ગ પ્રવેશ'(Rajmarg Pravesh) પોર્ટલનું અપગ્રેડેડ વર્ઝન લોન્ચ કર્યું છે. આ ડિજિટલ પ્લેટફોર્મની મદદથી હવે જરૂરી મંજૂરી મેળવવાની પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને સરળ બનશે, જેનાથી સામાન્ય નાગરિકો અને ઉદ્યોગસાહસિકોના સમય અને શક્તિની બચત થશે.

આ પોર્ટલ ખાસ કરીને એવા લોકો અને સંસ્થાઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે જેમને નેશનલ હાઈવે સાથે જોડાયેલા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ(NOC) અથવા અન્ય પરવાનગીઓની જરૂર હોય છે. ભલે તમારે હાઈવેના કિનારે પેટ્રોલ પંપ ખોલવો હોય, ફૂડ કોર્ટ બનાવવો હોય કે કનેક્ટિંગ રોડ અને રેસ્ટ એરિયા જેવી સુવિધાઓ ઊભી કરવી હોય, હવે આ તમામ પ્રક્રિયાઓ એક જ પ્લેટફોર્મ પર ઓનલાઇન પૂર્ણ કરી શકાશે. આ સુવિધાનો લાભ સામાન્ય નાગરિકો, ખાનગી કંપનીઓ અને સરકારી વિભાગો એમ તમામ લઈ શકશે.

વેપારીઓ ઉપરાંત ટેલિકોમ કંપનીઓ ઓપ્ટિકલ ફાઈબર કેબલ માટે તેમજ પાણી, ગેસ અને વીજળીની પાઈપલાઈન નાખવા માટે પણ આ પોર્ટલ દ્વારા અરજી કરી શકશે. પહેલા આ તમામ કાર્યો માટે અલગ-અલગ વિભાગોમાં જઈને દસ્તાવેજો જમા કરાવવા પડતા હતા, પરંતુ હવે અરજદારો પોતાની અરજીનું સ્ટેટસ ઓનલાઇન જોઈ શકશે અને નિયત સમય મર્યાદામાં તેનો જવાબ પણ મેળવી શકશે. 1.45 લાખ કિલોમીટરથી વધુ લાંબું ભારતનું નેશનલ હાઈવે નેટવર્ક હવે માત્ર રસ્તો જ નહીં, પરંતુ લોજિસ્ટિક્સ, રીટેલ અને હોસ્પિટાલિટીનું મોટું હબ બની રહ્યું છે, ત્યારે આ પોર્ટલ નાના વેપારીઓ અને મોટા પ્રોજેક્ટ્સ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

Surat : ગૌહત્યા અટકાવવા ગયેલા ગૌરક્ષકો અને પોલીસ પર 50 લોકોના ટોળાનો હુમલો, સુરતના હથોડા ગામની ઘટના

0

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે ગૌહત્યા અટકાવવા ગયેલી પોલીસ ટીમ અને ગૌરક્ષકો પર અસામાજિક તત્ત્વોએ હિંસક હુમલો કરતા સમગ્ર પંથકમાં ભારે તંગદિલી સર્જાઈ છે. આ હુમલામાં એક ગૌરક્ષકને માથાના ભાગે તલવારના ઘા વાગ્યા છે, જ્યારે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.

બુધવારે (25મી ફેબ્રુઆરી) મોડી રાત્રે કોસંબા પોલીસને હથોડા ગામમાં ગૌહત્યા થવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસ સ્ટાફ અને ગૌરક્ષકોની ટીમ ગામમાં તપાસ માટે પહોંચી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન છ જેટલા શખસો બાઈક પર આવ્યા હતા અને બોલાચાલી શરૂ કરી હતી. જોતજોતામાં આ શખસોએ ફોન કરીને 50 જેટલા લોકોનું ટોળું ભેગું કરી લીધું હતું અને પોલીસ પર તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડ્યા હતા.જેમાં ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે હુમલામાં બે પોલીસ જવાનો ઘાયલ થયા છે, જેમાં એક કર્મચારીનો હાથ તૂટી ગયો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ કીમ-કોસંબાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

ઘટનાની ગંભીરતા જોતા સુરત જિલ્લા પોલીસ વડા (SP) રાજેશ ગઢિયાના આદેશથી હથોડા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. DySP બી.કે. વનારની આગેવાનીમાં કુલ 15 પોલીસ ટીમો દ્વારા ગામમાં કોમ્બિંગ હાથ ધરાયું છે. તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ શખસોની અટકાયત કરવામાં આવી છે. FSLની મદદથી પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

બીજી તરફ ગૌરક્ષક સાજન ભરવાડે પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘હથોડા, કોસલી અને ઝંખવાવ જેવા સંવેદનશીલ ગામોમાં અવારનવાર ગૌહત્યાની રજૂઆત કરવા છતાં તંત્ર કડક પગલાં લેતું નથી. પોલીસનો ડર રહ્યો ન હોય તેમ કસાઈઓ હવે કાયદો હાથમાં લઈ રહ્યા છે.’ હાલમાં ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Entertainment : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ કર્યા તેલુગુ રીતરિવાજથી લગ્ન, હવે કન્નડ વિધિ પણ કરાશે

0

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેવરિટ કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ઉદયપુરની આઈટીસી હોટલ મેમેન્ટોસ ખાતે યોજાયેલા આ ભવ્ય સમારોહમાં બંનેના આજે સૌ પ્રથમ તેલુગુ રીતિ-રિવાજ મુજબ લગ્ન સંપન્ન થઈ ગયા છે અને હવે સાંજે 4 વાગ્યે રશ્મિકાના વતન કુર્ગની પરંપરા મુજબ ‘કોડવા’ રીત-રિવાજ મુજબ લગ્ન યોજાશે.

ભારતીય સંસ્કૃતિ તેના વૈવિધ્યસભર રીત-રિવાજો અને વિશિષ્ટ લગ્ન સંસ્કારોને કારણે વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવે છે. આ પરંપરાઓનું એક ઉત્તમ ઉદાહરણ કર્ણાટકના કોડગુ (કૂર્ગ) વિસ્તારમાં જોવા મળે છે, જ્યાં ‘કોડવા સમુદાય’ વસે છે. પોતાની ભવ્ય લોક સંસ્કૃતિ, સ્વાદિષ્ટ ભોજન અને સદીઓ જૂની પ્રથાઓ માટે જાણીતા આ સમુદાયની જીવનશૈલીની સાચી ઝલક તેમના લગ્ન પ્રસંગોમાં જોવા મળે છે.

કોડવા સમુદાયમાં લગ્નનો ઉત્સવ ‘મંગલા’ તરીકે ઓળખાય છે, જે અત્યંત ઉલ્લાસ અને રંગબેરંગી વાતાવરણમાં ઉજવાય છે. આ લગ્ન માત્ર મનોરંજન કે જમણવાર પૂરતા સીમિત નથી, પરંતુ તે પરિવારજનો અને મિત્રો માટે પરસ્પર પ્રેમ અને ખુશીઓ વહેંચવાનું એક મહત્ત્વનું માધ્યમ છે.

આ લગ્ન વિધિની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે તેમાં પ્રચલિત હિન્દુ લગ્નોની જેમ કોઈ પંડિત કે પૂજારીની હાજરી હોતી નથી. એટલું જ નહીં, અહીં પવિત્ર અગ્નિની આસપાસ ફેરા લેવાની પણ પ્રથા નથી. આ સમગ્ર મંગળ વિધિનું સંચાલન પરિવારના વડીલો દ્વારા જ કરવામાં આવે છે. વર-વધૂ અને બંને પક્ષના લોકો પોતાના પૂર્વજોનું સ્મરણ કરી ‘કાવેરી અમ્મા’ (દેવી કાવેરી)ના આશીર્વાદ મેળવે છે. એક પવિત્ર દીવાની સાક્ષીએ અત્યંત સાદગીપૂર્ણ રીતે લેવામાં આવતા આ આશીર્વાદ કોડવા લગ્નને સરળ છતાં આધ્યાત્મિક રીતે અત્યંત ગહન બનાવે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગ્ન પૂર્વેના ફંક્શનમાં રશ્મિકાએ પોતાની ફિલ્મ ‘પુષ્પા 2’ના ગીતો પર ડાન્સ કરીને મહેમાનોનું દિલ જીતી લીધું હતું. તેમજ સોશિયલ મીડિયા પર આ જોડીની ફેક AI તસવીરો વાઇરલ થઈ રહી છે, પરંતુ કપલે હજી સુધી લગ્નની ઓફિશિયલ તસવીરો શેર કરી નથી.

Vapi : 13 વર્ષીય સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની કેદ, પીડિતાને 4 લાખનું વળતર આપવા કોર્ટનો આદેશ

0

વાપીના છીરી વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવવાના ચકચારી કેસમાં વાપી એડિશનલ સેશન્સ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારવાની સાથે પીડિતાને આર્થિક સહાયનો પણ આદેશ કર્યો છે.

મળતી માહિતી અનુસાર, વર્ષ 2023માં વાપીના છીરી વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતિય પરિવારની 13 વર્ષીય સગીરાને પડોશમાં જ રહેતા કિશન ખેલારી વર્માએ પ્રેમજાળમાં ફસાવી હતી. 13 સપ્ટેમ્બર 2023ના રોજ, સગીરા જ્યારે મોપેડ શીખવા નીકળી હતી ત્યારે આરોપી તેનું અપહરણ કરી મહારાષ્ટ્રના કોલ્હાપુર ભગાડી ગયો હતો. પોલીસ તપાસ દરમિયાન બંને કોલ્હાપુરથી મળી આવ્યા હતા. મેડિકલ તપાસમાં બહાર આવ્યું હતું કે સગારીને આરોપીના કૃત્યના કારણે દોઢ મહિનાનો ગર્ભ રહી ગયો હતો.

આ કેસ વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં જજ એચ.એન. વકીલ સમક્ષ ચાલી ગયો હતો. સરકારી વકીલ (DGP) અનિલ ત્રિપાઠીએ પીડિતાની જુબાની, મેડિકલ રિપોર્ટ અને અન્ય ટેકનિકલ પુરાવાઓ રજૂ કરી આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી.

કોર્ટે આરોપી કિશન વર્માને પોક્સો (POCSO) એક્ટ અને દુષ્કર્મની વિવિધ કલમો હેઠળ 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પીડિતાની સ્થિતિને ધ્યાને રાખી કોર્ટે ‘ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ’ હેઠળ તેને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

સગીર વયની બાળકીઓ સાથે થતા આવા ગુનાઓમાં સમાજમાં દાખલો બેસે તે હેતુથી કોર્ટે આ મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. હાલ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. આ ચુકાદાથી પીડિત પરિવારને ન્યાય મળ્યો હોવાની લાગણી વ્યાપી છે.