Home Blog Page 374

Baroda : વડોદરામાં બેંકના હપ્તાથી બચવા બોલેરો માલિકનું કારસ્તાન : બે બોલેરોમાં એક સરખી નંબર પ્લેટ

0

વડોદરામાં એક જ નંબરની બે બોલેરો જીપ ફેરવતા આરોપીની સામે સીટી પોલીસે ગુનો દાખલ કર્યો છે. સીટી પોલીસની માહિતી મળી હતી કે યાકુતપુરા એમ.ઇ.એસ બોય સ્કૂલની સામે સરસીયા તળાવ રોડ પર શેરખાન ખલીલખાન પઠાણ બે ગાડીઓ રાખે છે અને બંને ગાડીઓના નંબર સરખા છે. આ બંને ગાડીઓ હાલમાં તેના મકાન પાસે ઊભી છે.

જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા એક જ નંબરની બે બોલેરો જીપ મળી આવી હતી. શેરખાન પઠાણની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે યસ બેન્ક આજરોજની શાખામાંથી ફાઇનાન્સ પર લોન લીધી હતી. જેના ત્રણ હપ્તા ચડી ગયા હતા જેથી તેનાથી બચવા માટે મારી બીજી જીપની નંબર પ્લેટ ફીટ કરી દીધી હતી.

Gujarat : ગુજરાત યુનિવર્સિટી તોડફોડની ઘટનાને કુલપતિએ કાવતરું ગણાવ્યું, NSUI કાર્યકર્તાઓ સામે કડક કાર્યવાહીના આદેશ

0

ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ ભવનમાં થોડા દિવસો અગાઉ NSUI દ્વારા કરવામાં આવેલી તોડફોડના મામલે કુલપતિએ આક્રમક વલણ અપનાવ્યું છે. કુલપતિએ આ ઘટનાને યુનિવર્સિટીની છબી ખરડવા માટેનું કાવતરું ગણાવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, શૈક્ષણિક સંકુલમાં આવી અરાજકતા ચલાવી લેવામાં આવશે નહીં અને જવાબદારો સામે કાયદાકીય તેમજ શિસ્તભંગના કડક પગલાં ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

આ ઘટનાની વિગત મુજબ, અટલ કલામ ભવનમાં આયોજિત એક પ્રદર્શનમાં 16 ફેબ્રુઆરીથી વિવિધ સમાચાર પત્રોના કટિંગ્સ સહિત સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા મહાનુભાવોના ઐતિહાસિક પત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન 16 થી 23 ફેબ્રુઆરી સુધી શાંતિપૂર્ણ રીતે ચાલ્યું હતું અને તે દરમિયાન કોઈ પણ વિદ્યાર્થી સંગઠન કે NSUI તરફથી કોઈ વિરોધ કે રજૂઆત કરવામાં આવી નહોતી. જોકે, 23 ફેબ્રુઆરીએ અચાનક NSUIના કાર્યકર્તાઓ અને નેતાઓએ કોઈ પણ પૂર્વ સૂચના કે રજૂઆત વગર પ્રદર્શનમાં તોડફોડ કરી પોસ્ટરો અને સામગ્રી ફાડી નાખી હતી.

કુલપતિએ વધુમાં જણાવ્યું હતું કે, આ તોડફોડ કોઈ આવેશમાં આવીને કરેલું કૃત્ય નથી પરંતુ પૂર્વ આયોજિત કાવતરું હતું. એક ધર્મ વિશે વાણીવિલાસ કરવાના આક્ષેપો પણ સામે આવ્યા છે, જે અત્યંત ગંભીર બાબત છે. યુનિવર્સિટી તંત્રએ આ મામલે તપાસ સમિતિની નિમણૂક કરી છે અને CCTV ફૂટેજના આધારે તોડફોડ કરનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે. હાલ પૂરતું વિદ્યાર્થીઓના હિતમાં પ્રવેશ રદ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે, પરંતુ સુરક્ષામાં બેદરકારી બદલ સિક્યોરિટી એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારીને સુરક્ષાકર્મીઓ બદલી નાખવામાં આવ્યા છે.

Business : ચાંદીમાં ₹5800નો ઘટાડો, સોનું ₹1.60 લાખની નીચે, શેરબજારે પણ રોકાણકારોને મૂંઝવ્યા

0

ગુરુવારે સવારથી જ રોકાણકારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સતત વધી રહેલા સોના-ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે, તો બીજી તરફ શેરબજારમાં પણ ભારે ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળી રહ્યો છે.

કોમોડિટી માર્કેટમાં ગુરુવારે ચાંદીના ભાવમાં તેજીને બ્રેક લાગી છે. MCX પર ચાંદી તેના પાછલા બંધ ભાવ 2,78,364ની સરખામણીએ સીધી ઘટીને 2,72,560 પર ખૂલી હતી. આમ, 1 કિલો ચાંદીના ભાવમાં એકઝટકે 5,804નો ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે, 29 જાન્યુઆરીના ઓલ-ટાઇમ હાઇ લેવલ 4,20,048થી સરખામણી કરીએ તો ચાંદી અત્યારે અંદાજે 1,47,488 જેટલી સસ્તી મળી રહી છે.

ચાંદીની પાછળ સોનાના ભાવમાં પણ નરમી જોવા મળી છે. MCX પર 2 એપ્રિલની એક્સપાયરીવાળું સોનું બુધવારે 1,61,145 પર બંધ થયું હતું, જે આજે ઘટીને 1,60,516 પર ઓપન થયું હતું. એટલે કે પ્રતિ 10 ગ્રામ સોનામાં 629નો ઘટાડો થયો છે. સોનું પણ તેના હાઇ લેવલ 1,93,096થી અત્યાર સુધીમાં 32,580 જેટલું તૂટી ચૂક્યું છે.

સોના-ચાંદીમાં ઘટાડા વચ્ચે શેરબજારની ચાલ આજે રોકાણકારોને મૂંઝવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ગ્રીન ઝોનમાં ખૂલ્યા બાદ તરત જ રેડ ઝોનમાં આવી ગયા હતા.

BSE Sensex: પાછલા બંધ 82,276ની સામે 82,418 પર ખૂલ્યો, પણ મિનિટોમાં ઘટીને 82,244 પર આવી ગયો. થોડી વારમાં ફરી 200 પોઇન્ટ ઉછળ્યો હતો.

NSE Nifty: પાછલા બંધ 25,482 સામે 25,556 પર ખૂલ્યા બાદ ઘટીને 25,487 સુધી પહોંચ્યો હતો. સમાચાર લખાયા સુધી નિફ્ટી 50 પોઇન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.

National : ટોચની હસ્તીઓ ધર્મ, ભાષા, જાતિ કે ક્ષેત્રના આધારે કોઈ વિશેષ સમુદાયને નિશાન ન બનાવી શકે : સુપ્રીમ કોર્ટ

0

સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય એકતા અને સામાજિક સૌહાર્દ માટે ભાઈચારાને જરૂરી ગણાવતા કહ્યું કે, ‘ઉંચા બંધારણીય પદો પર બેઠેલા લોકો ધર્મ, ભાષા, જાતિ અથવા ક્ષેત્રના આધારે કોઈ વિશેષ સમુદાયને નિશાન ન બનાવી શકે. કોઈ પણ ટોચની હસ્તી પછી ભલે તે સરકારી હોય કે બિન-સરકારી, ભાષણો, મીમ્સ, કાર્ટૂન અથવા ચિત્રો દ્વારા કોઈ વિશેષ સમુદાયને બદનામ અથવા અપમાનિત ન કરી શકે.’

જસ્ટિસ ઉજ્જલ ભુઈયાએ આ ટિપ્પણી ફિલ્મ “ઘુસખોર પંડિત” (Ghooskhor Pandit)ની રિલીઝને પડકારતી અરજી પર એક અલગ ચુકાદામાં કરી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે અરજીમાં તેની રિલીઝને પડકારવામાં આવી છે.

જસ્ટિસ ઉજ્જલ ભુઈયાએ પોતાના 39 પાનાના ચુકાદામાં લખ્યું છે કે, ‘કોઈપણ વ્યક્તિ, પછી ભલે તે સરકારી હોય કે બિન-સરકારી, ભાષણો, મીમ્સ, કાર્ટૂન, દ્રશ્ય કલા વગેરે માધ્યમથી કોઈપણ સમુદાયને બદનામ કરે અને તેની નિંદા કરે તે બંધારણીય રીતે અસ્વીકાર્ય છે.’

તેમણે આગળ લખ્યું કે, ‘ધર્મ, ભાષા, જાતિ અથવા ક્ષેત્રના આધારે કોઈ વિશેષ સમુદાયને નિશાન બનાવવો એ બંધારણનું ઉલ્લંઘન કહેવાશે, પછી ભલે તે ગમે તે વ્યક્તિ હોય. આ વિશેષરૂપે ઉંચા બંધારણીય પદ પર બેસેલા લોકો માટે છે જેમણે બંધારણને જાળવી રાખવા માટે શપથ લીધા છે.’જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ભુઈયાની બેન્ચે 19 ફેબ્રુઆરીના રોજ ફિલ્મ નિર્માતા નીરજ પાંડેના સોગંદનામાને રેકોર્ડ પર લીધા બાદ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માગ કરતી અરજીનો નિકાલ કર્યો હતો અને કહ્યું હતું કે આશા છે કે આ વિવાદનો દરેક રીતે અંત આવશે.

પોતાના ચુકાદામાં જસ્ટિસ ભુઈયાએ કહ્યું કે, બંધારણના પ્રમુખ ઉદ્દેશ્યોમાંથી એકનો ઉલ્લેખ પ્રસ્તાવનામાં કરવામાં આવ્યો છે અને તે પ્રમાણે ભારતના તમામ નાગરિકો વચ્ચે ભાઈચારાને પ્રોત્સાહન આપવાનો, વ્યક્તિની ગરિમા અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને જાળવી રાખવાનો છે.

જસ્ટિસ ભુઈયાએ કહ્યું કે, વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપણા બંધારણના આદર્શોમાંથી એક છે તથા કલમ 19(1)(a) બધા નાગરિકોને આવો મૌલિક અધિકાર આપે છે.

તમને જણાવી દઈએ કે, “ઘુસખોર પંડિત” રિલીઝ થાય તે પહેલાં જ ભારે વિવાદમાં ફસાઈ ગઈ છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં સિરીઝના દિગ્દર્શક અને પ્રોડક્શન ટીમ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, વેબ સિરીઝનું શીર્ષક અને કન્ટેન્ટ સમાજના અમુક વર્ગોની ધાર્મિક અને જાતિગત લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે.

Surat : પાણીપતના વિવાદની અસર ગુજરાતમાં, L&Tના હજારો કર્મચારીઓએ હજીરા પ્લાન્ટમાં તોડફોડ મચાવી

0

પાણીપતમાં L&Tના કર્મચારીઓના વિવાદના વાઈરલ વીડિયોની અસર સુરતના હજીરામાં જોવા મળી હતી. હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AM/NS)ના નિર્માણધીન પ્લાન્ટમાં કામ કરતા L&Tના અંદાજે 5000 જેટલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ પગાર વધારા અને કામના કલાકો મુદ્દે ઉગ્ર આંદોલન કરી ભારે તોડફોડ મચાવી હતી. સ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસે લાઠીચાર્જ કરી 40 જેટલા ટીયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી.

મળતી માહિતી અનુસાર, લાંબા સમયથી પડતર માંગણીઓ સંતોષવામાં આવી રહી ન હતી. શ્રમિકો પાસે 12 કલાક કામ લેવામાં આવે છે, જેની સામે તેઓ 8 કલાકની ડ્યુટીની માંગ કરી રહ્યા છે. હાલમાં ઓવરટાઇમ સિંગલ રેટ પર ચૂકવાય છે, જ્યારે શ્રમિકો ડબલ રેટની માંગ કરી રહ્યા છે. ઊંચાઈ પર જોખમી ઇરેક્શન કામ કરવા છતાં માત્ર 600થી 700 રૂપિયા જેટલું જ વેતન આપવામાં આવે છે.

વહેલી સવારે શરૂ થયેલો દેખાવ ગણતરીની મિનિટોમાં હિંસક બન્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ કંપનીની ત્રણ ફાયર ફાઇટર ગાડીઓમાં તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું અને બાઈકોને આગ ચાંપી હતી. એન્ટ્રી-એક્ઝિટ ગેટ પરના અત્યાધુનિક પ્રવેશ મશીનો અને ઓફિસોમાં તોડફોડ કરી હતી.

ઘટનાની જાણ થતા જ સુરત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હિંસક ટોળાને વિખેરવા માટે પોલીસે 40થી વધુ ટીયરગેસના શેલ છોડ્યા હતા અને હળવો લાઠીચાર્જ કર્યો હતો. કાયદો અને વ્યવસ્થાના ભંગ બદલ અત્યાર સુધીમાં 25થી વધુ શ્રમિકોની અટકાયત કરવામાં આવી છે.હાલમાં સમગ્ર પ્લાન્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થિતિ પર કાબૂ મેળવ્યા બાદ હવે કંપનીના સત્તાધીશો અને શ્રમિક પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન માટે મંત્રણાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જોકે, પ્લાન્ટમાં હજુ પણ તણાવપૂર્ણ શાંતિ જોવા મળી રહી છે.

Surat : બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસ, પુત્રીએ પિતાને વોટેસએપમાં લખ્યું હતું, મિ.તુષાર ઘેલાણી, ભીખ માગીને પૈસા ચૂકવીશ

0

સુરતના પ્રખ્યાત બિલ્ડર તુષાર ઘેલાણીના આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસના મુખ્ય આરોપી પૂનમ ભદોરિયાએ હવે ઘેલાણી પરિવાર પર આરોપ લગાવતા ખળબળાટ મચી ગયો છે.

સુરતના પ્રખ્યાત બિલ્ડર તુષાર ઘેલાણીના આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસના મુખ્ય આરોપી પૂનમ ભદોરિયાએ હવે ઘેલાણી પરિવાર પર આરોપ લગાવતા ખળબળાટ મચી ગયો છે.બુધવારે સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરતા પૂનમે સનસનાટીભર્યા દાવા કર્યા હતા અને તુષારની પુત્રી પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. પૂનમ ભદોરિયાના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે તુષારની આત્મહત્યા માટે તે જવાબદાર નથી, પરંતુ તેનો પોતાનો પરિવાર છે.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ઘેલાણી પરિવાર તુષારને ફક્ત “એટીએમ મશીન” માનતો હતો. સૌથી ચોંકાવનારો દાવો તુષારની પુત્રી અંગે કરવામાં આવ્યો હતો. પૂનમે આરોપ લગાવ્યો છે કે વિદેશમાં અભ્યાસ કરીને પરત આવેલી તેની પુત્રી તેના પિતાને “પાપા” ને બદલે ” મિ. તુષાર ગેલાની” કહેતી હતી.પૂનમે કોર્ટમાં કેટલીક વોટ્સએપ ચેટ્સ પણ રજૂ કરી હતી, જેમાં તેની પુત્રીએ તેના પિતા તુષારને લખ્યું હતું કે, “ચિંતા ના કરો, જો જરૂર પડશે તો હું પૈસા ચૂકવવા માટે મારી જાતને વેચી દઈશ, હવે તમે મજા કરો.”

પૂનમે દાવો કર્યો હતો કે તેની પુત્રી તેના પિતાની દરેક હિલચાલ, કોલ અને મીટિંગ પર નજર રાખતી હતી, જેના કારણે તુષાર ગૂંગળામણ અનુભવતો હતો.

આ સમગ્ર મામલો 1 ફેબ્રુઆરીએ શરૂ થયો હતો જ્યારે 58 વર્ષીય તુષાર ઘેલાણીએ તેમની પુત્રીના લગ્નની તૈયારી કરતી વખતે પોતાને ગોળી મારી લીધી હતી. 5 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તુષારનું મૃત્યુ થયું હતું. તુષારની પુત્રીએ પૂનમ ભદોરિયા વિરુદ્ધ FIR નોંધાવી હતી. તેણીએ આરોપ લગાવ્યો હતો કે પૂનમ છેલ્લા 15 વર્ષથી તેના પિતા સાથે અનૈતિક સંબંધમાં હતી અને તેને બદનામ કરવાની ધમકી આપીને કરોડો રૂપિયા પડાવી લીધા હતા. ફરિયાદ મુજબ, પૂનમે તુષારની પ્રિ-પ્રાઇમરી સ્કૂલમાં 50% હિસ્સો બળજબરીથી લીધો હતો અને સતત દબાણ કરી રહી હતી.

પૂનમે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે તે 2010 થી તુષાર સાથે સંપર્કમાં હતી. એવું કહેવામાં આવ્યું હતું કે તુષાર બહારથી ખુશ દેખાતો હતો પણ અંદરથી તૂટી ગયો હતો. પૂનમે કહ્યું હતું કે, 31 જાન્યુઆરી (તેની આત્મહત્યાના આગલા દિવસે) સાંજે જ્યારે તેણીએ તુષાર સાથે વાત કરી ત્યારે તે ખૂબ જ ખુશ હતો અને તેનું વર્તન આત્મહત્યાનો સંકેત આપતું ન હતું.

Gandhinagar : ગુજરાતમાં આંગણવાડી ક્ષેત્રે માળખાગત સુધારા માટે રાજ્યમાં 2000 નવા આંગણવાડી કેન્દ્રો બનશે

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સુપોષિત ભારત’ના વિઝનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ૭,૬૯૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આ બાબતે વિગતે માહિતી આપવા માટે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનિષાબેન વકીલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આંગણવાડી ક્ષેત્રે માળખાગત સુધારા માટે રાજ્યમાં ૨,૦૦૦ નવા આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે રૂ. ૩૬૦ કરોડની જોગવાઈ, આંગણવાડી કેન્દ્રો ‘ચાઈલ્ડ ફ્રેન્ડલી’ કન્સેપ્ટ પર બનશે, જેમાં મોડ્યુલર ફર્નિચર, RO મશીન, LED ટીવી સ્ક્રીન અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવી આધુનિક સુવિધાઓ મળશે.

આદિજાતિ વિસ્તારોના ૫૩ ઘટકોમાં દૂધ સંજીવની યોજનાનો વિસ્તાર કરાશે. દૂધમાં ફેટનું પ્રમાણ ૧.૫% થી વધારીને ૩% અને ૪.૫% (પાયલોટ પ્રોજેક્ટ તરીકે નર્મદા, દાહોદ અને ડાંગમાં) કરવા માટે રૂ. ૩૮.૬૪ કરોડની જોગવાઈ, ઓછા વજન ધરાવતા બાળકોના સુધારા માટે હેલ્થ ચેકઅપ અને હોમ વિઝિટ માટેના પોષણ સંગમ કાર્યક્રમો માટે રૂ.૧૬ કરોડ, આંગણવાડીઓ અને પોષણ સ્તરનું સઘન મોનિટરિંગ કરવા માટે પોષણ પ્રગતિ અને નિરીક્ષણ કેન્દ્રની બનાવાશે, આંગણવાડીના બાળકોની હાજરી અને મોનિટરિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઇમેજ પ્રોસેસિંગ સિસ્ટમ માટે AI બેઝ્ડ અટેન્ડન્સ સિસ્ટમ વિકસાવવામાં આવી છે.

રાશનની ચોરી અટકે અને ડિજિટલ ટ્રેકિંગ થઈ શકે તે માટે પૂરક પોષણ યોજના-THRના પેકેજિંગ પર QR કોડ લગાવાશે કિશોરીઓમાં નેતૃત્વના ગુણો વિકસે અને પંચાયતી રાજ તેમજ બાળ અધિકારો પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી બાલિકા પંચાયત યોજના માટે રૂ. ૧.૦૩ કરોડની ફાળવણી, તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે શ્રેષ્ઠ કામગીરી કરતી બાલિકા પંચાયતોને સન્માનિત કરાશે આ પરિષદમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સચિવ રાકેશ શંકર સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

National : અજિત પવારના પ્લેન ક્રેશની તપાસની માગ, બારામતીમાં પોલીસ સ્ટેશનની બહાર રોહિત પવારના ધરણાં

0

મહારાષ્ટ્રના દિવંગત ડેપ્યુટી સીએમ અજિત પવારના પ્લેન ક્રેશની તપાસને લઈને ધારાસભ્ય અને અજિત પવારના ભત્રીજા રોહિત પવારે કડક વલણ અપનાવ્યું છે. મુંબઈ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાનો ઈનકાર કર્યા બાદ રોહિત પવાર આજે બારામતી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આ કેસની ગંભીરતાથી તપાસ કરાવવાની માગ સાથે ધરણાં પર બેઠા છે. તેમણે કહ્યું કે, ‘આ દુર્ઘટનાની વહેલી તકે તપાસ પૂરી કરવામાં આવે અને જો કોઈની બેદરકારી અથવા દોષ સામે આવે તો તેમના વિરુદ્ધ તાત્કાલિક FIR નોંધીને તેમને કસ્ટડીમાં લેવા જોઈએ.’

રોહિત પવારની સાથે સેંકડો સમર્થકો અને મોટી સંખ્યામાં વકીલો પણ પોલીસ સ્ટેશનની બહાર હાજર રહ્યા. સમર્થકોની મોટી હાજરીને કારણે પોલીસ સ્ટેશન વિસ્તાર સંપૂર્ણપણે રાજકીય ગતિવિધિનું કેન્દ્ર બની ગયો હતો.રોહિત પવારે સ્પષ્ટ કર્યું કે, આ મામલો માત્ર દુર્ઘટનાની તપાસનો નથી, પરંતુ સત્યને સામે લાવવાનો છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે, ‘જ્યાં સુધી તપાસ પારદર્શક અને નિષ્પક્ષ રીતે પૂર્ણ ન થાય અને જવાબદારો સામે કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી હું મારો અવાજ ઉઠાવતો રહીશ.’

આ મામલાને લઈને બારામતીમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે અને સ્થાનિક સ્તર પર જનતા પણ આ તપાસને લઈને ખૂબ ચિંતિત છે. આ મામલે પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આવી, પરંતુ એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ટૂંક સમયમાં નિષ્પક્ષરૂપે તપાસ થશે અને દોષિતોને સજા મળશે.

આ દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા અને તેની પાછળનું સત્ય બહાર લાવવા માટે હવે સતત દબાણ વધી રહ્યું છે, જેથી રાજ્યના રાજકીય અને વહીવટી સ્તરે જવાબદારી સુનિશ્ચિત કરી શકાય.28 જાન્યુઆરીના રોજ સવારે લગભગ 8:45 વાગ્યે બારામતી એરપોર્ટ પર એક ચાર્ટર્ડ વિમાન ક્રેશ થઈ ગયુ હતું, જેમાં મહારાષ્ટ્રના પૂર્વ ડેપ્યુટી સીએમ અજિત પવાર સહિત 5 લોકોના મોત થઈ ગયા હતા. આ વિમાન મુંબઈથી બારામતી જઈ રહ્યું હતું. આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી મૂક્યું છે.

Surat : સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે

0

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થતા શાસકો હવે ‘20-20’ ફોર્મેટમાં આવી ગયા છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ 11 માર્ચે પૂર્ણ થવાની છે, અને તે પહેલાં વિકાસ કામોનો મોટો સ્કોર બાંધી દેવા તાબડતોબ બેઠકોનું આયોજન થઈ રહ્યું છે. આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ સાત સમિતિઓની બેઠક એક જ દિવસે બોલાવવામાં આવી છે, જેમાં 100થી વધુ કામો રજૂ કરી મંજૂરી અપાય તેથી સાથે આગામી સામાન્ય સભામાં તમામ કામો મંજુર કરી ખાત મુર્હુત માટે આયોજન થઈ રહ્યું છે.

હાલ 20-20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને મેચમાં ડેથ ઓવરમાં સૌથી વધુ રન કરનારી ટીમ વિજેતા થાય તેવું કહેવાય છે. બરાબર આ મોડમાં પાલિકાના શાસકો આવી ગયા છે. સુરત પાલિકાની ગત ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદત આગામી 11 માર્ચના રોજ પૂરી થવા જઈ રહી છે. જેના કારણે હવે આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ સાત સમિતિની બેઠક એક જ દિવસે મળશે તેમાં 100થી વધુ કામો રજૂ કરી મંજૂરી આપી દેવામાં આવશે. હાલ ક્રિકેટ જગતમાં 20-20 વર્લ્ડ કપની ગરમાવો વચ્ચે “ડેથ ઓવર”માં વધુ રન કરનારી ટીમ જ જીતે છે એવી ચર્ચા છે. બરાબર તે જ અંદાજે પાલિકાના શાસકો પણ ટર્મ પૂરી થવા પહેલાંના છેલ્લાં દિવસોમાં વિકાસ કામોનો સ્કોર મોટો કરવા મરણીયા બન્યા છે. સામાન્ય સભા આચારસંહિતા જાહેર થાય તે પહેલાં બોલાવી, સમિતિઓમાં મંજૂર થયેલા કામોને લીલી ઝંડી આપી ખાત મુહૂર્તનું આયોજન કરવાની તૈયારી ચાલી રહી છે.

ટર્મ પુરી થાય તે 11 માર્ચ પહેલાં હજી ત્રણ સ્થાયી સમિતિની બેઠક યોજાય તેવી શક્યતા છે. હાલની બેઠકમાં કતારગામની શાળાનું સ્થળ પરિવર્તન સહિત કુલ 21 કામો રજૂ થયા છે. સમિતિઓમાંથી પસાર થયેલા તમામ પ્રસ્તાવો 11 માર્ચ પહેલાં થનારી સામાન્ય સભામાં રજુ કરી મંજૂર કરાશે. ત્યારબાદ વિકાસ કાર્યોના ખાત મુહૂર્તો પણ ઝડપથી યોજવાના સંકેત મળી રહ્યા છે.

ટર્મ પૂર્ણ થવાની ઘડીઓ નજીક આવતા શાસકોની તાત્કાલિકતા સ્પષ્ટ દેખાઈ રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આ ‘ડેથ ઓવર’ના નિર્ણયોથી શહેરને કેટલો લાંબા ગાળાનો ફાયદો થાય છે કે પછી આ બધું માત્ર ચૂંટણી પૂર્વેનો રાજકીય સ્કોરકાર્ડ જ સાબિત થાય છે.

પાલિકાની સ્થાયી સમિતિ સાથે શુક્રવારે વિવિધ સમિતિઓમાં ડ્રેનેજ કમિટીની બેઠક સવારે 10 વાગ્યે મળશે અને તેમાં 6 કામો માટે દરખાસ્ત રજુ કરવામાં આવી છે. ત્યારબાદ 10.30 વાગ્યે મળનારી પબ્લીક ટ્રાન્સપોર્ટ સમિતિની બેઠકમાં બે કામ રજુ થયા છે. 11.30 વાગ્યે મળનારી જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં 20 કામ અને બપોરે 2.30 વાગ્યે મળનારી ટી.પી. સમિતિની બેઠકમાં 5 કામ માટે દરખાસ્ત રજુ કરવામાં આવી છે.1.30 વાગ્યે પાણી સમિતિની બેઠકમાં મળશે જેમાં 17 કામો, 2.30 વાગ્યે મળનારી લાઇટ એન્ડ ફાયર સમિતિની બેઠકમાં 30 માટે દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જેના કારણે પાલિકા કચેરી શુક્રવારે વિવિધ સમિતિની બેઠકના કારણે ધમધમશે સાથે સ્થાયી સહિતની વિવિધ 7 સમિતિઓની બેઠકમાં કુલ 101 કામો રજૂ થશે

WhatsApp SIM rule : 1 માર્ચથી સિમ વગર WhatsApp નહીં ચાલે, જાણો નવો નિયમ

0

કેન્દ્ર સરકારે ડિજિટલ સુરક્ષા મજબૂત કરવા માટે સિમ-બાઇન્ડિંગ નિયમ કડક કર્યો છે. 1 માર્ચ 2026થી સક્રિય સિમ વગર WhatsApp સહિત મેસેજિંગ એપ્સ કામ નહીં કરે.

ડિજિટલ સુરક્ષા મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે સિમ-બાઇન્ડિંગ નિયમ કડક બનાવ્યો છે. 1 માર્ચ 2026થી સક્રિય સિમ વગર WhatsApp સહિત મેસેજિંગ એપ્સ કામ નહીં કરે.

સરળ શબ્દોમાં કહીએ તો, જે મોબાઇલ નંબર પરથી તમે મેસેજિંગ એપમાં એકાઉન્ટ બનાવ્યું છે, તે જ સિમ કાર્ડ તમારા ફોનમાં સક્રિય હોવું ફરજિયાત રહેશે. અત્યાર સુધી OTP વેરિફિકેશન બાદ સિમની સતત તપાસ થતી નહોતી, પરંતુ હવે આ બદલાશે. સિમ કાઢી નાખશો, નિષ્ક્રિય થશે અથવા બીજા ફોનમાં મૂકશો તો એપ સેવાઓ અસ્થાયી રીતે બંધ થઈ શકે છે.

આ નિયમ WhatsApp, Telegram અને Signal જેવી લોકપ્રિય મેસેજિંગ એપ્સ પર લાગુ થશે. સરકારનો હેતુ નકલી નંબરોનો દુરુપયોગ, ઑનલાઇન છેતરપિંડી અને સાયબર ક્રાઇમને અટકાવવાનો છે.

સરકાર માને છે કે જ્યારે દરેક એકાઉન્ટ વાસ્તવિક અને સક્રિય સિમ સાથે જોડાયેલ હશે, ત્યારે ફ્રોડ એકાઉન્ટ ઓળખવું સરળ બનશે. આ પગલું ડિજિટલ ઇકોસિસ્ટમને વધુ સુરક્ષિત બનાવશે અને વપરાશકર્તાઓનો વિશ્વાસ વધારશે.

Department of Telecommunications (DoT) એ 28 નવેમ્બર 2025ના રોજ આ નિયમ જાહેર કર્યો હતો અને કંપનીઓને 90 દિવસનો સમય આપ્યો હતો. એટલે કે 1 માર્ચ 2026 સુધીમાં તમામ પ્લેટફોર્મ્સે આ સિસ્ટમ અમલમાં મૂકવી ફરજિયાત છે. ત્યારબાદ કોઈ છૂટછાટ નહીં મળે.

જો તમે વેબ અથવા ડેસ્કટોપ પર WhatsApp વાપરો છો, તો હવે 6 કલાકે એકવાર ફરીથી QR કોડ સ્કેન કરીને લૉગિન કરવું પડી શકે છે. કારણ કે પ્રાઈમરી ફોનમાં સિમ સક્રિય છે કે નહીં—તેની સતત ચકાસણી થશે.

સામાન્ય વપરાશકર્તા પર અસર
તમારો નંબર સક્રિય છે અને એ જ સિમ ફોનમાં છે? → કોઈ સમસ્યા નહીં
સિમ કાઢી નાખ્યો/નિષ્ક્રિય થયો? → એપ અસ્થાયી રીતે બંધ
રિચાર્જ બંધ હોવાથી નંબર બંધ થયો? → ફરી વેરિફિકેશન અથવા એકાઉન્ટ લોક
નંબર બદલશો તો શું થશે?
જો તમે તમારો નંબર બદલો છો, તો એપ તમને ફરી વેરિફિકેશન માટે કહેશે. યોગ્ય રીતે “Change Number” ફીચર વાપરશો નહીં તો એકાઉન્ટ બંધ થવાની શક્યતા પણ રહે છે.

વપરાશકર્તાઓ માટે સલાહ
હંમેશા તમારો મોબાઇલ નંબર સક્રિય રાખો
સિમ બદલતા પહેલા એપમાં “Change Number” પ્રક્રિયા પૂરી કરો
અજાણ્યા લિંક્સ અને OTP શેર કરવાનું ટાળો
આ નિયમનો અંતિમ હેતુ એ છે કે ડિજિટલ પ્લેટફોર્મ્સ વધુ સુરક્ષિત બને અને સામાન્ય લોકો છેતરપિંડીથી બચી શકે.