રાજકોટના જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા પાસે SMCએ રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે, બટેકાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
રાજકોટના જેતપુર પાસે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે, દરોડા પાડી રૂ. 86.33 લાખનો મુદ્દામાલ ઝડપ્યો છે અને પાંચ રાજ્યોના રીઢા આરોપીઓ ઝડપી પાડ્યા છે અને પોલીસને સોંપ્યા છે, આગળની તપાસ જેતપુર પોલીસ કરી રહી છે અને દારૂનો માલ કોણે મંગાવ્યો છે તે દિશામાં તપાસ ચાલુ છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ચંડીગઢથી દારૂનો માલ સપ્લાય કરવામાં આવ્યો છે, જેમાં પોલીસે ત્રણ મુખ્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને પાંચ રાજયનો રીઢો આરોપી ઝડપાયો છે, SMCએ રનિંગ રેડ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે, SMCની ટીમે દરોડો પાડી અલગ-અલગ બ્રાન્ડની કુલ 25,920 IMFLબોટલો કબ્જે કરી.
જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે ચાલી રહેલી કાનૂની તપાસમાં એક મોટો વળાંક આવ્યો છે. સગીર બટુકોના જાતીય શોષણના ગંભીર આરોપો બાદ કરવામાં આવેલા મેડિકલ પરીક્ષણમાં કુકર્મની પુષ્ટિ થઈ હોવાના અહેવાલોથી ખળભળાટ મચી ગયો છે.પ્રયાગરાજના ઝૂંસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો (POCSO) એક્ટ હેઠળના કેસમાં પોલીસે બંને સગીર પીડિત બાળકોનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રિપોર્ટમાં બાળકો સાથે કુદરતી ક્રમ વિરુદ્ધના કૃત્ય (કુકર્મ)ની પુષ્ટિ થઈ છે. આ રિપોર્ટને હવે પોલીસ દ્વારા કેસ ડાયરીમાં મહત્વના પુરાવા તરીકે સામેલ કરવામાં આવ્યો છે, જે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ માટે કાયદાકીય ફાંસો વધુ મજબૂત બનાવી શકે છે.
ધરપકડની ભીતિ વચ્ચે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે અલ્લાહાબાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. આ અરજી પર આવતીકાલે જસ્ટિસ જિતેન્દ્ર કુમાર સિંહાની બેંચમાં સુનાવણી હાથ ધરાશે. જો કોર્ટ તરફથી જામીન નામંજૂર કરવામાં આવે, તો પોલીસ દ્વારા તેમની ગમે ત્યારે ધરપકડ કરવામાં આવી શકે છે.
આ કેસમાં ફરિયાદ કરનાર આશુતોષ બ્રહ્મચારીએ દાવો કર્યો છે કે તેમની પાસે એક લેપટોપ છે જેમાં જાતીય શોષણને લગતા ફોટા અને વીડિયો સહિતના સજ્જડ પુરાવા છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો છે કે આ કૌભાંડમાં માત્ર સ્વામી જ નહીં પરંતુ અન્ય કેટલાક VIP વ્યક્તિઓ અને રાજકીય નેતાઓ પણ સામેલ હોઈ શકે છે. આશુતોષ બ્રહ્મચારીએ આશ્રમમાં કરોડો રૂપિયાના નાણાકીય કૌભાંડ અને પુરાવા મિટાવવાના પ્રયાસોના પણ ગંભીર આરોપો લગાવ્યા છે.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય મુકુન્દાનંદ ગિરી સહિત અન્ય લોકો વિરુદ્ધ સગીર બાળકોના જાતીય શોષણ બદલ પોક્સો કોર્ટના આદેશ પર FIR નોંધવામાં આવી છે. અત્યાર સુધીની તપાસમાં પીડિતોએ કોર્ટ સમક્ષ પોતાના નિવેદનો નોંધાવ્યા છે અને હવે મેડિકલ રિપોર્ટ આવતા તપાસ તેજ બની છે.
અમદાવાદના સાણંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 28 તારીખે ભવ્ય રોડ-શો યોજાનાર છે. વડાપ્રધાનનો સાણંદ હેલિપેડથી સભા સ્થળ સુધી રોડ-શો યોજાશે, જેને લઇ સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ છે. આશરે 3 કિમીનો રોડ શો યોજાશે.વડાપ્રધાન સાણંદ ખાતે સેમિકન્ડક્ટર યુનિટનું લોકાર્પણ કરશે. ખાસ કરીને માઈક્રોન પ્લાન્ટના ઉદ્ઘાટનને લઇ દેશ-વિદેશમાં ચર્ચા ચાલી રહી છે. આ પ્રોજેક્ટને ભારત માટે ટેકનોલોજી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
રોડ-શો અને કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને જનસભાની તમામ વ્યવસ્થાઓ માટે અધિકારીઓએ સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી છે.
ગુજરાતનું સૌથી ગ્રીનેસ્ટ સિટી ગણાતું ગાંધીનગર અત્યારે પાનખરની તુના આગમન સાથે બદલાતા મિજાજમાં જોવા મળી રહ્યું છે. શહેરના માર્ગો અને વન આરક્ષિત વિસ્તારોમાં ચારેતરફ સૂકા પાંદડાની ચાદર પથરાયેલી છે. જોકે, આ કુદરતી સૌંદર્ય વચ્ચે કેટલાક ટીખળખોર તત્વો દ્વારા સૂકા પાંદડામાં આગ ચાંપવાની ઘટનાઓ સામે આવી રહી છે, જે નગરની હરિયાળી અને પર્યાવરણની સાથે શહેરની ગરિમા માટે ચિંતાનો વિષય બન્યો છે.
પાનખરની તુમાં કુદરતી રીતે જ પાંદડા ખરતા હોય છે, પરંતુ આ પાંદડાના કચરાનો યોગ્ય નિકાલ કરવાના બદલે કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેમાં આગ લગાડવામાં આવે છે. આ આગ માત્ર સૂકા પાંદડા પૂરતી સીમિત રહેતી નથી, પરંતુ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરીને આસપાસની લીલોતરી અને વૃક્ષોની ડાળીઓને પણ પોતાની ઝપેટમાં લઈ લે છે.ગાંધીનગરની ઓળખ સમાન હરિયાળીને આનાથી વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે. આ ઉપરાંત, કચરો અને પાંદડા સળગવાને કારણે ઉઠતા ધુમાડાના ગોટેગોટા વાયુ પ્રદૂષણમાં ધરખમ વધારો કરે છે, જેનાથી રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક રહીશોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડે છે. તાજેતરમાં જ આવી એક ઘટના રોડ નંબર ૩ પર સેક્ટર-૬ ના ખૂણા પાસે આવેલા વન વિસ્તારમાં બની હતી. કોઈ અજ્ઞાાત શખ્સ દ્વારા અહીંના આરક્ષિત વિસ્તારમાં આગ લગાડવામાં આવી હતી. સદનસીબે, એક જાગૃત નાગરિકની નજર આ આગ પર પડતા તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જેના પગલે વન વિભાગના ફોરેસ્ટર અને તેમની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ વધુ પ્રસરે તે પહેલાં જ તેને કાબૂમાં લઈ લીધી હતી. આ ત્વરિત કામગીરીને કારણે વનરાજીને થતું મોટું નુકસાન અટકાવી શકાયું હતું. વન વિભાગે આ ઘટનાને ગંભીરતાથી લઈને હવે આગામી દિવસોમાં સતત પેટ્રોલિંગ વધારવાનો નિર્ણય કર્યો છે. વન વિભાગે નાગરિકોને પણ અપીલ કરી છે કે આ પ્રકારે જાહેરમાં આગ લગાડવી એ ગુનો છે અને જો કોઈ આવી પ્રવૃત્તિ કરતા જણાય તો તુરંત તંત્રને જાણ કરવી.
આણંદ ગ્રામ્ય પોલીસે બોરીયાવીથી રાવળાપુરા તરફ જવાના માર્ગ ઉપરથી એક ટુ-વ્હીલર ચાલકને વિદેશી દારૂની ૧૨ બોટલો સાથે ઝડપી પાડયો હતો. પોલીસે ટુ-વ્હીલર અને વિદેશી દારૂ મળી કુલ રૂપિયા ૪૫,૦૦૦ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
આણંદ ગ્રામ્ય પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન નેશનલ હાઇવે નંબર આઠ ઉપર આવેલા આણંદ તાલુકાના બોરીયાવી ગામથી આણંદ તરફ એક શખ્સ ટુ-વ્હીલર ઉપર વિદેશી દારૂનો જથ્થો લઈ આવનાર હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ રાવળાપુરા બ્રિજ નજીક વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન એક શખ્સ ટુ-વ્હીલર લઈને આવતા પોલીસે તેને રોકવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને જોઈ તેણે ટુ-વ્હીલર પૂર ઝડપે હંકારી મૂક્યું હતું. જેથી પોલીસે તેનો પીછો કરી રાવડાપુરા તરફ જવાના માર્ગ ઉપર આવેલી ફેક્ટરી નજીક તેને ઝડપી પાડી તેના નામ ઠામ અંગે પૂછતા શખ્સે ધવલકુમાર અરવિંદભાઈ પટેલ (રહે.હાડગુડ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટુ-વ્હીલરના આગળના ભાગે જોતા પૂઠાંના બોક્સમાંથી વિદેશી દારૂની કુલ ૧૨ બોટલો મળી આવી હતી. જેની અંદાજિત કિંમત રૂપિયા ૧૫,૬૦૦ જેટલી થવા જાય છે. પોલીસે વિદેશી દારૂ, ટુ-વ્હીલર મળીને રૂપિયા ૪૫,૬૦૦નો મુદ્દામાલ કબજે લઈ ધવલ પટેલની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો ભૂમેલ ગામના હર્ષદ તળપદા પાસેથી લાવ્યો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જિલ્લાના ગાંધીનગર, કલોલ, દહેગામ અને માણસા શહેર તથા ગ્રામ્યના ધોરણ ૧૦ના ૨૫,૪૪૪ અને ધોરણ ૧૨નાં ૧૯,૮૪૦ વિદ્યાર્થીની બોર્ડ કસોટીનો પ્રારંભ થવાથી જિલ્લો પરીક્ષામય બન્યો છે. તમામ પરીક્ષા કેન્દ્ર પર મહિલા સહિત બે પોલીસ અને દરેક ઝોનલની ગાડીમાં પણ પોલીસ તૈનાત રહેશે. જિલ્લામાં પરીક્ષાના સંચાલનમાં ૩ હજાર જેટલા કર્મચારી રોકાશે. જ્યારે પ્રશ્નપત્ર ફુટવા સહિતના ચેડા રોકવા પેપર ટ્રેકિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરાશે. પરીક્ષામાં ગેરરીતિ રોકવા જિલ્લાની અને બોર્ડની ફ્લાઇંગ સ્કવોડ અચાનક ત્રાટકશે.તારીખ ૨૬ ફેબુ્રઆરીથી ૧૮મી માર્ચ સુધી યોજાનારી બોર્ડની પરીક્ષા માટે ગાંધીનગર જિલ્લામાં ધોરણ ૧૦ના ૨૫,૪૪૪ વિદ્યાર્થીઓ માટે ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં ૩૪ સેન્ટરમાં ૧૦૦ બિલ્ડીંગના ૮૮૪ બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરાઇ છે. જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૧૫,૧૪૧ પરીક્ષાર્થી માટે સીટી અને રૂરલ ઝોનમાં ૩૫ સેન્ટરમાં ૫૮ બિલ્ડીંગના ૫૦૫ બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરાઇ છે. બીજી બાજુ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૪,૬૯૯ વિદ્યાર્થીઓ માટે ૨૩ સેન્ટરમાં ૨૪ બિલ્ડીંગના ૨૩૮ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પ્રાથમિક વિભાગના ૨૦૦ શિક્ષકો જ સરકારી પ્રતિનિધિ તરીકે દરરોજ સ્ટ્રોંગરૂમમાંથી પ્રશ્નપત્રના બંડલ લેવા સમયે તે સીલબંધ હોવાની ફોટોગ્રાફી કરશે અને પરીક્ષા કેન્દ્ર પર સોંપણી વખતે સીલબંધ હોવાનો ફોટો પાડશે. મુખ્ય બોક્સમાં કેટલા બંડલ દેખાય છે, તેની પણ ફોટોગ્રાફી કરશે. આ ફોટોગ્રાફ પેપર ટ્રેકિંગ એપ્લિકેશનમાં અપલોડ કરશે. પરીક્ષા દરમિયાન ગેરરિતી પકડવા માટે બોર્ડની ફ્લાઇંગ સ્કવોડ તો ફરશે જ. ઉપરાંત ડિસ્ટ્રીક્ટ ફ્લાઇંગ સ્કવોડની રચના કરીને તેમાં સરકારના વિવિધ વિભાગના વર્ગ ૧ અને ૨ના ૫૦ અધિકારીઓની નિમણૂક કરાઇ છે. આ અધિકારીઓને દરરોજ સવારે જ તેમણે ક્યા પરીક્ષા કેન્દ્ર પર જવાનું છે, તેની જાણ કરાશે. તેઓ નિયત સ્થળે આકસ્મિક તપાસ કરશે.
– પરીક્ષાર્થી ક્યાંય અટવાય તો પોલીસ તેને કેન્દ્ર પર પહોંચાડી દેશે
વિદ્યાર્થીઓને કોઇપણ સમસ્યા સંબંધમાં માર્ગદર્શન અને મદદ માટે બુધવારથી જ જિલ્લા કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. ત્યારે કોઇ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર મળતું ન હોય કે વાહન બગડવા સહિત કોઇ સમસ્યા આવી હોય તો કંટ્રોલરૂમના નંબર ૦૭૯ ૨૩૨ ૨૦૩૧૪ પર જાણ કરશે તો તે બાળકને પોલીસ દ્વારા નિયત પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવ્યાનું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યુ હતું.
– 18મી માર્ચ સુધી હેલ્પલાઇન પરથી વિદ્યાર્થીને માર્ગદર્શન મળશે
પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ કે પરીક્ષાની કામગીરીના કર્મચારીને માર્ગદર્શન આપવા માટે જિલ્લાના કંટ્રોલરૂમ પર ફોન નંબર ૦૭૯ ૨૩૨૨૦૩૧૪ પર સંપર્ક કરી શકાશે. જે જાહેર રજાઓ સહિત સવારે ૭થી રાત્રે ૮ વાગ્યા સુધી કાર્યરત રહેશે. ઉપરાંત રાજ્ય કક્ષાએ હેલ્પ લાઇન નંબર ૧૮૦૦૨૩૩૫૫૦૦ આપવામાં આવ્યો છે. તમામ દિવસોમાં સવારે ૧૦થી સાજે ૬.૩૦ સુધી કાર્યરત રહેશે.
– શિક્ષણમંત્રીઓ પરીક્ષાર્થીઓનું સ્વાગત કરશે
રાજ્યના શિક્ષણમંત્રીઓ ગાંધીનગરના કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવશે. ડા. પ્રદ્યુમન વાજા સ્વામીનારાયણ ગુરૂકુલ પર અને રીવાબા જાડેજા એમ. બી. પટેલ ઇંગ્લીશ મીડિયમ હાઇસ્કૂલમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત ધારાસભ્ય, મેયર, બોર્ડના સચિવ, કલેક્ટર અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાનાં છે. વિદ્યાર્થીઓને ગુલાબનું ફુલ આપીને સ્વાગત કરવાની સાથે કુમકુમ તિલક કરાશે.
હળવદ-માળીયા હાઈવે પર આવેલી હરિદર્શન ચોકડી પાસે જોખમી બમ્પના કારણે આગળ જઈ રહેલા ટ્રેલરે ગતિ ધીમી કરી હતી, તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવતા ડમ્પરના ચાલકે કાબૂ ગુમાવતા ડમ્પર સીધું જ ટ્રેલરના પાછળના ભાગે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત એટલો પ્રચંડ હતો કે ડમ્પરનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો અને ચાલક કેબિનમાં જ લોખંડના પતરા વચ્ચે ફસાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ડમ્પર ચાલકને બહાર કાઢવા માટે બે જેસીબી મશીન અને ક્રેનની મદદ લેવી પડી હતી. આશરે એક કલાક સુધી ચાલેલી ભારે જહેમત અને રેસ્ક્યુ ઓપરેશન બાદ લોખંડના પતરા કાપીને ચાલકને બહાર કાઢવામાં સફળતા મળી હતી. ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમ દ્વારા તેને તાત્કાલિક હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર જણાતા ફરજ પરના તબીબોએ વધુ સારવાર અર્થે મોરબી રિફર કર્યો છે.
સ્થાનિક જાગૃત નાગરિકોમાં આ અકસ્માતને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, હરિદર્શન ચોકડી પાસેના આ બમ્પ અકસ્માતને નોતરી રહ્યા છે. તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ ‘કુંભકર્ણની નિદ્રા’ માં પોઢેલા અધિકારીઓ કોઈ નક્કર કાર્યવાહી કરતા નથી. જો આ જોખમી બમ્પને વહેલી તકે સુધારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વધુ મોટા અકસ્માતો સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ હળવદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
નડિયાદ ખાતે ખેડા જિલ્લા મજદૂર સંઘ દ્વારા શ્રમિકોની પડતર માંગણીઓ અને અખિલ ભારતીય અધિવેશનના ઠરાવોના અમલીકરણ માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. દેશભરમાં આયોજિત ધરણાં પ્રદર્શનના ભાગરૂપે શ્રમિકોએ પેન્શન વધારા અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદી જેવા મુદ્દે સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
નડિયાદ ખાતે ખેડા જિલ્લા મજદૂર સંઘ દ્વારા શ્રમિકોના વિવિધ પડતર પ્રશ્નો અને હિતલક્ષી માંગણીઓ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ઓડિશાના પુરી ખાતે ફેબુ્રઆરી ૨૦૨૬માં યોજાયેલા ભારતીય મજદૂર સંઘના ૨૧માં ત્રિવાષક અખિલ ભારતીય અધિવેશનમાં દેશભરના શ્રમિકોને સ્પર્શતા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરી કેટલાક પાયાના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. આ ઠરાવોના અમલીકરણમાં થઈ રહેલા વિલંબને પગલે ૨૫ ફેબુ્રઆરી ૨૦૨૬ના રોજ દેશભરમાં આયોજિત ધરણાં અને પ્રદર્શનના કાર્યક્રમના ભાગરૂપે નડિયાદમાં પણ શ્રમિક સંગઠને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. અગાઉ કેન્દ્રીય શ્રમ મંત્રી સાથેની મુલાકાત બાદ ખાતરી મળી હોવા છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા શ્રમિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.આવેદનપત્રમાં મુખ્યત્વે તમામ ક્ષેત્રોના કામદારો માટે શ્રમ કાયદાઓનું સાર્વત્રિક અમલીકરણ કરવા અને ઔદ્યોગિક સંબંધો સહિતની સંહિતાઓમાં કામદારોની ચિંતાઓનું યોગ્ય નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે. શ્રમિક સંગઠને આથક સુરક્ષાના ભાગરૂપે લઘુત્તમ પેન્શનમાં ધરખમ વધારો કરવા તેમજ ઈએસઆઈ અને ઈપીએફની કવરેજ મર્યાદા વધારવા પર ભાર મૂક્યો છે. આ ઉપરાંત યોજના કામદારો અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ હેઠળ કામ કરતા શ્રમિકોના નિયમિતકરણ માટે બંધારણીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે. સામાન્ય ભરતી પરનો પ્રતિબંધ હટાવી ગેરંટીયુક્ત રોજગારીની ખાતરી આપવા માટે સરકાર સમક્ષ આગ્રહ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રને સોંપવામાં આવેલા આવેદનપત્રમાં વિવિધ ઉદ્યોગોના વિશિષ્ટ ઠરાવોની નકલો પણ સામેલ કરી કેન્દ્ર સરકાર આ દિશામાં ત્વરિત હકારાત્મક પ્રતિસાદ આપે તેવી આશા વ્યક્ત કરી છે.
લઘુત્તમ પેન્શનમાં સાડા સાત ગણા વધારાની માંગ
શ્રમિકોના આર્થિક હિતોના રક્ષણ માટે ઈપીએસ ૯૫ હેઠળ મળતા માસિક પેન્શનમાં મોટા વધારાની રજૂઆત કરવામાં આવી છે. હાલમાં શ્રમિકોને મળતા ૧૦૦૦ રૂપિયાના નજીવા લઘુત્તમ પેન્શનને વધારીને ૭૫૦૦ રૂપિયા કરવા અને તેની સાથે મોંઘવારી રાહત આપવાની માંગણી જોરશોરથી ઉઠાવવામાં આવી છે. પેમેન્ટ ઓફ બોનસ એક્ટ ૧૯૬૫ હેઠળ બોનસની પાત્રતા મર્યાદામાં પણ સુધારો કરવાની આવશ્યકતા પર ભાર મૂકાયો છે.
શ્રમ પરિષદ અને ત્રિપક્ષીય મિકેનિઝમનું પુનરૂત્થાન
શ્રમિકોના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સરકાર અને શ્રમિક સંગઠનો વચ્ચે સંવાદ સ્થાપવા ત્રિપક્ષીય મિકેનિઝમનું પુનરૂત્થાન કરવાની માંગણી કરાઈ છે. ભારતીય શ્રમ પરિષદની બેઠક લાંબા સમયથી બોલાવવામાં આવી નથી, જેને તાત્કાલિક અસરથી યોજીને શ્રમિકોની વર્તમાન સ્થિતિ અને નવા શ્રમ કાયદાઓની અસરો અંગે વિસ્તૃત ચર્ચા કરવા સરકારને જણાવવામાં આવ્યું છે.
કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદી અને રોજગારીની સુરક્ષા
દેશમાં વધતી જતી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી શ્રમિકોનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે બંધારણની કલમ ૧૪, ૧૫, ૧૬ અને ૨૧ની ભાવના મુજબ કામદારોનું નિયમિતકરણ કરવા માંગ કરાઈ છે. સરકારી અને અર્ધસરકારી વિભાગોમાં સામાન્ય ભરતી પર મુકાયેલા પ્રતિબંધો હટાવીને યુવાનોને અનિશ્ચિતતા વગરની સુરક્ષિત સરકારી નોકરીઓ પૂરી પાડવા માટે સંગઠને આ દેશાત્મક રજૂઆત કરી છે.
કહેવાય છે કે જો મનમાં અડગ વિશ્વાસ અને મહેનત કરવાની તૈયારી હોય તો શારીરિક લાચારી પણ સફળતાના આડે આવતી નથી. આવું જ કંઈક કરી બતાવ્યું છે સાયલા તાલુકાના છેવાડાના નોલી ગામના રબારી પરિવારના પુત્ર ‘બિજલ લોહ’એ. બિજલે તાજેતરમાં જાહેર થયેલા સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર (એસટીઆઇ)ના પરિણામમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે.બિજલની આ સફર સંઘર્ષોેથી ભરેલી રહી છે. વર્ષ ૨૦૦૮માં જ્યારે તે માત્ર છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો, ત્યારે એક શોર્ટ સકટની ઘટનામાં તેણે પોતાના બંને હાથ ગુમાવ્યા હતા. પિતા બકરીઓ ચરાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, છતાં બિજલે હિંમત હારી નહીં. તેણે ધોરણ ૧૨ કોમર્સમાં ૭૮.૯૩ ટકા મેળવ્યા બાદ અમદાવાદમાં બી.કોમ અને એમ.કોમ પૂર્ણ કર્યું અને હાલમાં પીએચડીનો અભ્યાસ કરી રહ્યો છે. વર્ષ ૨૦૨૩માં જૂનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરી હાલ તે બોટાદ જિલ્લા પંચાયતમાં ફરજ બજાવી રહ્યો છે.
પોતાની સફળતાનો શ્રેય આપતા બિજલે જણાવ્યું હતું કે, રાયસણ સ્થિત લીંબોજ ધામ અને વાળીનાથ ભગવાનની સંસ્થા દ્વારા મળેલા માર્ગદર્શન અને આશીર્વાદથી તેને સરકારી નોકરીની તૈયારીમાં ખૂબ મદદ મળી હતી. મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં તેણે હિંમત અને મહેનત છોડી નહીં, જેનું પરિણામ આજે એસ.ટી.આઈ.ની પરીક્ષામાં મળ્યું છે. બિજલની આ સિદ્ધિ આજના યુવાનો માટે એક મોટો સંદેશ છે કે જો લક્ષ્ય સ્પષ્ટ હોય તો ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ સફળતાના શિખરો સર કરી શકાય છે.
સ્થાનિક માહિતી ટેકનોલોજી (આઈટી) કંપનીઓના શેર બે દાયકામાં સૌથી મોટો વેચવાલીનો સામનો કરી રહ્યા છે. આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) ને કારણે નોંધપાત્ર વિક્ષેપની સંભાવનાએ રોકાણકારોની ચિંતા વધારી છે. મંગળવારે IT ઇન્ડેક્સ લગભગ ૫ ટકા ઘટતા આ મહિને તેનો કુલ ઘટાડો ૨૧ ટકા થયો છે. જો કે આજે બુધવારે નવી લેવાલીએ આઇટી શેરો સુધરતા નિફટી આઇટી ઇન્ડેક્સ ૪૭૨ પોઇન્ટ વધ્યો હતો. જો ફેબુ્રઆરીના બાકીના ટ્રેડિંગ સત્રોમાં ઇન્ડેક્સની સ્થિતિમાં સુધારો નહીં થાય, તો તે એપ્રિલ ૨૦૦૩ પછીનો તેનો સૌથી ખરાબ માસિક દેખાવ હશે.
વેચાણનો આ નવો રાઉન્ડ વૈશ્વિક રિસર્ચ કંપની સિટ્રિની ના એક અહેવાલ પછી આવ્યો છે, જે વૈશ્વિક ટેકનોલોજી સેવા ઉદ્યોગમાં એઆઈ ના વધતા પ્રભાવને પ્રકાશિત કરે છે. આ રિપોર્ટમાં એક એવી પરિસ્થિતિની રૂપરેખા આપવામાં આવી છે જેમાં ૨૦૨૭ સુધીમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ઇન્ફોસિસ અને વિપ્રો જેવી મોટી ભારતીય આઇટી કંપનીઓમાં કરાર રદ કરવાની પ્રક્રિયા ઝડપી બની શકે છે કારણ કે એઆઈ-સક્ષમ કોડિંગ ટૂલ્સ ખર્ચ ઘટાડે છે અને પરંપરાગત ઓફશોર લેબર મોડેલ્સ પર નિર્ભરતા ઘટાડે છે.સિટ્રિની દલીલ કરે છે કે ભારતીય આઇટી સેવાઓ સ્પર્ધકો માટે આકર્ષક હતી અને પશ્ચિમી કંપનીઓની તુલનામાં નોંધપાત્ર રીતે સસ્તી હતી. એઆઈ કોડિંગ એજન્ટોના ખર્ચમાં ઝડપથી ઘટાડો થયો હોવાથી હવે આ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે સેવાઓની નિકાસમાં સતત ઘટાડો ભારતના બાહ્ય સંતુલનને જોખમમાં મૂકી શકે છે, કારણ કે આ ક્ષેત્ર ચાલુ ખાતાના સરપ્લસમાં સૌથી વધુ ફાળો આપે છે.
નિષ્ણાતોના મતે ભારતમાં એઆઈ વાર્તા હમણાં જ શરૂ થઈ છે. તેમણે કહ્યું કે વિશ્વની મોટી એઆઈ કંપનીઓ દાવો કરે છે કે એઆઈ સોફ્ટવેરની જરૂરિયાત ઘટાડી શકે છે. જો કે, ભારતીય આઈટી કંપનીઓ ફક્ત કોડિંગ સુધી મર્યાદિત નથી, તેઓ ક્લાયન્ટ ઇન્ટરેક્શન, ડિઝાઇન, કન્સલ્ટિંગ અને અન્ય વિવિધ સેવાઓમાં પણ જોડાય છે.
આ મહિનામાં અત્યાર સુધીમાં, લિસ્ટેડ આઇટી કંપનીઓએ બજાર મૂડીકરણમાં આશરે રૂ. ૬.૨ લાખ કરોડનું ($૬૮ બિલિયન) ધોવાણ થયું છે, જેમાં ઘણી લાર્જ-કેપ કંપનીઓ વર્ષોના સૌથી નીચા સ્તરે આવી ગઈ છે. બ્રોકરેજ કંપનીઓ પણ વધુ સાવધ બની છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, જેફરીઝે ઇન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજીસ અને એમફેસિસને ડાઉનગ્રેેડ કર્યા હતા, અને મધ્યમ ગાળામાં વધતી અનિશ્ચિતતા વચ્ચે મૂલ્યાંકનમાં વધારો માટે મર્યાદિત અવકાશનો ઉલ્લેખ કર્યો હતો.
જેફરીઝે જણાવ્યું હતું કે, આ વર્ષે અત્યાર સુધીમાં નિફ્ટી આઇટી ઈન્ડેક્સમાં ૧૪ ટકાનો ઘટાડો થયો છે અને નિફ્ટી ૫૦ કરતા ૧૨ ટકા ઓછો દેખાવ કર્યો છે. જ્યારે ત્રીજા ક્વાર્ટરના પરિણામોમાં મોટાભાગની આઇટી કંપનીઓ માટે કમાણીમાં વધારો જોવા મળ્યો છે, ત્યારે એઆઈમાં તાજેતરના વિકાસે મધ્યમથી લાંબા ગાળાના વિકાસના અંદાજ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને મૂલ્યાંકનમાં ૨૭ ટકાનો ઘટાડો કર્યો છે.બ્રોકરેજ સંસ્થાઓ એવું માને છે કે શેરનું પ્રદર્શન હવે ટૂંકા ગાળાના કમાણી કરતાં લાંબા ગાળાના વ્યવસાય સાતત્યની ધારણાઓ દ્વારા વધુ નક્કી કરવામાં આવશે.
નિષ્ણાતોના મતે હાલની ગતિવિધિની વર્તમાન વ્યવસાય પર બહુ અસર નથી. વાસ્તવિક ચિંતા લાંબા ગાળાની વૃદ્ધિની છે. એઆઈ ક્ષેત્રમાં ભારતમાંથી કેટલીક સારી નાની કંપનીઓ ઉભરી શકે છે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે શું ભારતીય આઇટી કંપનીઓને આ નવી ટેકનોલોજીનો ફાયદો થશે કે નુકસાન થશે.