Home Blog Page 397

Kheda : વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક શૈલેષ રાઠવા ઝડપાયો

0

ખેડાના ઠાસરા તાલુકાના ચિતલાવ ગામે ગુરૂ-શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લગાડતી શરમજનક ઘટનામાં સંડોવાયેલા વિદ્યા સહાયક શૈલેષ રાઠવાને ડાકોર પોલીસે ઝડપી પાડયો છે. ચિતલાવ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આ શિક્ષકે ધોરણ ૯મા અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી.

ઠાસરાના ચિતલાવ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વિદ્યા સહાયક શૈલેષ રાઠવાએ શિક્ષણ જગતને શર્મસાર કર્યું છે. આક્ષેપો મુજબ, આ શિક્ષકે ગત જુલાઈ ૨૦૨૪મા ધોરણ ૯મા ભણતી એક સગીર વિદ્યાથની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. વિદ્યાથનીએ પ્રાથમિક શાળામાં ૮ ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેના પરિવારે તેને આગળના અભ્યાસ માટે ગામની બહાર મૂકી હતી. જોકે આ લંપટ શિક્ષકે દીકરીનો પીછો છોડયો ન હતો અને સતત તેની પાછળ પડયો હતો. શિક્ષકે વિદ્યાથનીને સંપર્કમાં રાખવા માટે એક મોબાઈલ પણ લઈ આપ્યો હતો. આ ફોન દ્વારા તે વિદ્યાથનીને અવારનવાર હેરાન કરતો હતો અને તેની પાસે બિભત્સ ફોટાની માંગણી કરતો હતો. શિક્ષકની આ હરકતો અને બિભત્સ ફોટા મંગાવવાની બાબત પરિવારના ધ્યાને આવતા સમગ્ર ભાંડો ફૂટયો હતો. પરિવારે આ અંગે તુરંત ડાકોર પોલીસ મથકનો સંપર્ક કરી શિક્ષક વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ડાકોર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી શિક્ષક શૈલેષ રાઠવાને છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ગામેથી ઝડપી પાડયો છે.

સુરેન્દ્રનગરના બાર ગામોમાંથી 45.77 લાખની વીજ ચોરી ઝડપાઈ

0

સુરેન્દ્રનગર જિલ્લામાં વધી રહેલા વીજ લોસને ડામવા માટે પીજીવીસીએલ વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૧૮ એસઆરપી જવાનો અને ૩૧ પોલીસ ટીમોના ચુસ્ત બંદોબસ્ત સાથે વીજ વિભાગના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું,

ચેકિંગ દરમિયાન જિલ્લાના ચુલી, ગાળા, સોલડી, જૈનાબાદ અને મીઠાઘોડા સહિતના ૧૨ ગામોમાં દરોડા પાડયા હતા. આ મેગા ડ્રાઈવ દરમિયાન કુલ ૮૦૫ વીજ કનેક્શનોની સઘન તપાસ કરવામાં આવી હતી, જેમાં ૧૨૩ જોડાણોમાં સીધી વીજચોરી કે ગેરરીતિ માલૂમ પડી હતી.

આ કાર્યવાહી દરમિયાન પીજીવીસીએલ દ્વારા કુલ રૂ.૪૫.૭૭ લાખનો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે. વિભાગે વીજચોરી કરતા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. એકસાથે આટલા મોટા કાફલા સાથે વીજ વિભાગની ટીમો ગામડાઓમાં ત્રાટકતા વીજચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવાના સંકેત તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે. 

Gujarat : મોરબીમાં છરી ઝીંકી સોની વેપારીની હત્યા : સોની બજાર રોષપૂર્ણ બંધ

0

મોરબીના શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડ નજીક ગત મોડી રાત્રીના વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે બે શખ્સોએ સરાજાહેર આતંક મચાવ્યો હતો અને સોની વેપારીને કારમાંથી ઉતારી સ્કૂટર પર આવેલા બે શખ્સોએ છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. આ હત્યાના ઘેરા પ્રત્યાઘાત સોની સમાજમાં પડયા છે. સોની બજારે સજ્જડ બંધ પાળી આરોપીઓને કડક સજા આપવા માંગ કરી છે.

મોરબીમાં ભક્તિનગર-2, શનાળા રોડ પર રહેતા મૌલિકભાઇ રસિકભાઇ આડેસરા (ઉ.વ. 41) એ પોલીસમાં તેમના નાના ભાઇ જતીનભાઇ રસિકભાઇ આડેસરા (ઉ.વ. 33)ની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવવા અંગે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે તેઓ અને તેમના નાનાભાઇ જતીનભાઇ સંયુક્ત કુટુંબમાં રહે છે અને સોની કામની દુકાન ગ્રીન ચોક, સોની બજાર ખાતે ધરાવે છે. તેમના ઘરે વાસ્તુ પ્રસંગ હોવાથી નાના બહેન ચેતનાબહેન કે જે રાજકોટ ખાતે સાસરે હોય તેને તેડવા જતીનભાઇ ગઇકાલે બપોર પછી કાર લઇ રાજકોટ ગયા હતા.

ગત રાત્રે નાની કેનાલ રોડ પર તેમના મકાનનું કામ ચાલુ હોવાથી ફરિયાદી યુવાન ત્યાં ગયા હતા. ત્યારે તેમના નાનાભાઇ જતીનભાઇનો તેમને ફોન આવ્યો હતો કે શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડ પાસે એક્સેસ સ્કૂટર વાળા બે અજાણ્યા છોકરા સાથે કારને સાઇડ આપવા બાબતે ઝઘડો થયો છે અને મને બંનેએ છરીના ઘા ઝીંક્યા છે, તું તાત્કાલિક આવ.

તેથી ફરિયાદી યુવાન શનાળા રોડે જતા ત્યાંથી જતીનભાઇને હોસ્પિટલે લઇ જવાયાની ખબર પડતા તેઓ હોસ્પિટલે ગયા હતા. ત્યાં તેમના બહેન ચેતનાબેન, જતીનભાઇના માસાજી સસરા કિશોરભાઇ પાટડીયા વગેરે હાજર હતા. જતીનભાઇની ઇમરજન્સી રૂમમાં સારવાર ચાલતી હતી. તેમને છાતીમાં ડાબા પડખામાં તથા પાછળ ડાબા થાપામાં ઇજા થઇ હતી અને લોહીલુહાણ હાલતમાં હતા અને સારવાર દરમિયાન જતીનભાઇનું મોત થયું હતું. પોલીસે બંને આરોપી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મૃતક જતીનભાઇને 11 માસની દીકરી છે.

Rajkot : ખતરાની ઘંટીઃ રાજકોટ જિલ્લામાં 4 ટકા બાળકો કુપોષિત, 8 ટકા રોગિષ્ટ

0

 રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની 29 ટીમો દ્વારા એપ્રિલ- 2025થી જાન્યુઆરી- 2026 દરમિયાન હાથ ધરવામાં આવેલા ‘શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’માં વિવિધ તાલુકાઓમાં ૩.૬૧ લાખ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 48,000થી વધુ બાળકોમાં વિવિધ પ્રકારની સ્વાસ્થ્યલક્ષી ખામીઓ જોવા મળી છે. તેમાં ૫ણ 214 જેટલા બાળકોને કાર્ડિયાક, કિડની, કેન્સર અને બહેરાશ જેવી ગંભીર તકલીફ જણાઈ હતી.

આરોગ્ય શાખા દ્વારા સમયાંતરે બાળ આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે, જેમાં તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ, બાળકોમાં સૌથી વધુ બીમારીઓ અને પોષણની ઉણપ જોવા મળી છે. કુલ 3,61,784 બાળકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવતા 48,832 બાળકોમાં કોઈ ને કોઈ રોગ કે ખામી જોવા મળ્યા હતા. જેમાં 431 બાળકોને જન્મજાત ખામીઓ હતી તો 14,764 બાળકોમાં પોષણની ઉણપ જણાઈ હતી. અન્ય 27,984 બાળકો વિવિધ રોગોથી પીડાતા જોવા મળ્યા હતા. 5653 બાળકોમાં વિકાસ સંબંધિત વિલંબતા નજરે પડી હતી.ગોંડલ તાલુકામાં સૌથી વધુ 67,459 બાળકોની તપાસ કરવામાં આવી હતી, જ્યારે જસદણ અને ઉપલેટામાં ખામીવાળા બાળકોનું પ્રમાણ અન્ય તાલુકાઓની સરખામણીએ નોંધપાત્ર જણાયું છે. રાજકોટ તાલુકામાં 56,762 બાળકોમાંથી 5387 બાળકોમાં ખામીઓ જોવા મળી હતી. આ કાર્યક્રમ હેઠળ માત્ર તપાસ જ નહીં, પરંતુ ગંભીર બીમારી ધરાવતા બાળકોને નિઃશુલ્ક સારવાર માટે રીફર પણ કરવામાં આવ્યા હતા. જેમાં હૃદય સંબંધિત બીમારી ધરાવતા 129 બાળકોને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે 26 બાળકોમાં કિડનીને લગતી સમસ્યાઓ જોવા મળી હતી. 42 બાળકોમાં કેન્સરના લક્ષણો જણાતા સારવાર હેઠળ લેવાયા હતા. 17 બાળકોને જન્મજાત બહેરાશ માટે ‘કોકલિયર ઈમ્પ્લાન્ટ’ની સારવારની મંજૂરી આપવામાં આવી હતી. આ અભિયાન દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારના બાળકોમાં રહેલી શારીરિક ખામીઓને વહેલી તકે ઓળખી તેમને સમયસર સારવાર પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Gandhinagar : કલોલમાં ૫૦ હજાર રૃપિયાની લાંચ લેતા સિનિયર સહિત બે સર્વેયર પકડાયા

0

 કલોલ ખાતે આવેલી સીટી સર્વેની કચેરીમાં જમીનની નોંધ પાડવા માટે રૃપિયા લેવામાં આવતા હોવાની ફરિયાદને પગલે એસીબી દ્વારા ગઈકાલે ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને તેમાં સિનિયર સર્વેયર સહિત બે સર્વેયર ૧૦ નોંધ પાડવા માટે ૫૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જેમની સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાજ્યમાં સરકારી કચેરીઓમાં લાંચ લેવાની પ્રવૃત્તિ સતત વધી રહી છે ત્યારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચિયા અધિકારી કર્મચારીઓને પકડવામાં આવી રહ્યા છે તેમ છતાં લાંચ લેવાની આ પ્રવૃત્તિ બંધ થતી નથી. આ સ્થિતિમાં બે દિવસ અગાઉ જ કલોલ તાલુકા પંચાયતની કચેરીમાં એન્જિનિયરને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો હતો તેમ છતાં કલોલની કચેરીઓમાં આ પ્રવૃત્તિ ચાલુ જ રહી હતી. ગાંધીનગર એસીબીને ફરિયાદ મળી હતી કે કલોલ ખાતે આવેલી સીટી સર્વે કચેરી ખાતે જમીનની નોંધ પાડવા માટે ૫ હજાર રૃપિયા લેવામાં આવે છે. જેના પગલે એસીબીના નાયબ નિયામક એ.કે પરમારના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી ચાવડા દ્વારા અહીં ટ્રેપ ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને એક વ્યક્તિને તૈયાર કરવામાં આવ્યો હતો. જે ૧૦ જેટલી નોંધ પડાવવા માટે આ કચેરીમાં પહોંચ્યો હતો. જ્યાં સિનિયર સર્વેયર પંકજકુમાર ગોવિંદભાઈ પરમાર અને સર્વેયર રાજકુમાર હર્ષદકુમાર જયસ્વાલ સાથે વાતચીત કરતા એક નોંધના ૫ હજાર લેખે ૧૦ નોંધના ૫૦ હજાર રૃપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જેથી આ વ્યક્તિ દ્વારા ૫૦ હજાર રૃપિયા આપવામાં આવ્યા ત્યારે એસીબીની ટીમ પહોંચી ગઈ હતી અને બંને લાંચિયા કર્મચારીઓને ઝડપી લીધા હતા. જેમની સામે હવે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં હજી પણ ઘણી કચેરીઓમાં લાંચ લીધા વગર કામ થતા નથી ત્યારે આગામી દિવસમાં એસીબી દ્વારા અહીં પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ લાગી રહ્યું છે.

Vadodara : દિલ્હી-રાજકોટમાં ચોરી કરી વડોદરામાં ચોરી માટે આવેલી અપટુડેટ મહિલા પકડાઇ,હોટલમાં રહી હતી

0

 વડોદરાના ગોત્રીની મેડિકલ કોલેજ બહારથી ગોરવા પોલીસે એક હાઇપ્રોફાઇલ કહી શકાય તેવી મહિલા ચોરને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે.

મેડિકલ કોલેજની હોસ્ટેલ બહાર એક મહિલા શંકાસ્પદ હાલતમાં હોવાની માહિતી મળતાં ગોરવાના પીઆઇ કિરીટ લાઠિયાએ સાદાવેશમાં ટીમને મોકલી હતી.પોલીસે આ મહિલા પર ખાસ્સો સમય નજર રાખ્યા બાદ તેની તપાસ કરતાં તે ચોરીના ઇરાદે ફરતી હોવાની વિગતોને સમર્થન મળ્યું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે,મહિલાનું નામ દિપ્તી સિંઘ હોવાનું અને હાલમાં યુપીના લખનૌ ખાતેની સોસાયટીમાં રહેતી હોવાની પ્રાથમિક માહિતી મળી છે.તેની પાસેથી સોનાનું બ્રેસલેટ,નેકલેસ,વીંટી,બુટ્ટી અને પેન્ડન્ટ સહિતના રૃ.૨ લાખ ઉપરાંતની કિંમતના દાગીના મળી આવ્યા હતા.વધુ તપાસ દરમિયાન આ મહિલાની રાજકોટ ખાતે પ્રદ્યુમન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ચાર દિવસ પહેલાં દિવસે એક રૃમમાંથી દાગીના ચોરવાના બનેલા બનાવમાં સંડોવણી જણાઇ આવતાં રાજકોટ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિલાએ દસેક દિવસ પહેલાં દિલ્હીમાં પણ કોઇ સ્થળે ચોરી કર્યાની કબૂલાત કરતાં દિલ્હી પોલીસને જાણ કરાઇ છે.

ગોરવાના પીઆઇએ કહ્યું હતું કે,મહિલા બે-ત્રણ દિવસથી વડોદરા આવી હતી અને સ્ટેશન નજીકની એક હોટલમાં રોકાઇ હતી. અગાઉ વડોદરા આવી હતી કે કેમ અને તેના પરિવારમાં કોણ છે તેવી બાબતોએ પણ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

બ્રાન્ડેડ ચશ્માનું બોક્સ,પણ અંદર સાદા ચશ્મા..કિંમતી ડ્રેસ હતા

મહિલા પોલીસે હોટલમાં જઇ મહિલાની બેગ અને અન્ય ચીજો તપાસતાં બ્રાન્ડેડ કંપનીના ગોગલ્સનું બોક્સ મળ્યું હતું.પરંતુ અંદર ચશ્મા સાદા હતા.આવી જ રીતે તે કિંમતી ડ્રેસ  પણ રાખતી હોવાનું જણાઇ આવ્યું હતું.

બ્લેક ટી શર્ટ,બ્લેક જીન્સ..બૂટ અને ગુલાબી દુપટ્ટો પહેરેલ હતા

પ્રથમ નજરથી જાજરમાન દેખાતી મહિલા પર કોઇને પણ ચોરીનો શક જાય તેમ નહતું.આ મહિલાએ બ્લેક ટી શર્ટ,બ્લેક જીન્સ પેન્ટ,સ્પોર્ટ્સ બૂટ,ચશ્મા અને ગુલાબી દુપટ્ટો પહેરેલ હતા.હોસ્ટેલની બહાર આંટા મારતી હોવાથી એક મહિલા ગાર્ડને શંકા ગઇ હતી અને પોલીસને જાણ કરી હતી.

Gujarat : શ્રી નર્મદા કોલેજ ઓફ એજ્યુકેશન, માંગરોલ દ્વારા માંગરોલ ગામે ખાતે‘માતૃભાષા મહોત્સવ ઉજવાયો

0

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા આયોજિત ‘માતૃભાષા મહોત્સવ-૨૦૨૬’ અન્વયે શ્રી નર્મદા કોલેજ ઓફ એજ્યુકેશન, માંગરોલ, શ્રી નર્મદા ગ્રામ વિદ્યાપીઠ, માંગરોલ અને શ્રી નર્મદા MSW કોલેજ,માંગરોલ ના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા ગૌરવગાન અંગેનો સાહિત્યિક કાર્યક્રમ યોજાયો હતો.


આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે મહેન્દ્રભાઈ પટેલ અને અતિથિ વિશેષ તરીકે આર.
આર. રાવલજી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના વક્તા તરીકે શ્રી દીપક જગતાપ ( જાણીતા સાહિત્યકાર લેખક અને
પ્રમુખ – નર્મદા સાહિત્ય સંગમ) તેમજ સુરેશભાઈ પટેલ (પ્રાધ્યાપક, એમ.આર.
આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપળા) એ માતૃભાષાના મહત્વ અને તેના જતન વિશે પ્રેરણાદાયીવક્તવ્ય આપ્યું હતું.

જાણીતા સાહિત્યકાર, વિજ્ઞાન લેખક અને નર્મદાસાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપે માતૃભાષાનું મહત્વ, ઇતિહાસ અને સંવર્ધન વિષય ઉપર મનનીય પ્રવચન આપતા જણાવ્યું હતું કે શાળા કોલેજ માં છાશવારે વપરાતા અંગ્રેજી શબ્દ પ્રયોગો ટાળી
માતૃભાષા ગુજરાતીના શબ્દ પ્રયોગો વાપરવા ખાસ ભાર મૂકી દીપક જગતાપે માતૃભાષાનો ઇતિહાસ,
ઇઝરાઇલ દેશ, ચીન દેશ, તેમજ મહારાષ્ટ્ર, ગુજરાતના માતૃભાષા પ્રેમની વાત રજૂ કરી માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સંયોજક મહેશચંદ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ,
પ્રાધ્યાપકો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

Repoter :દીપક જગતાપ, રાજપીપલા

Rashi : 21 ફેબ્રુઆરી 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ
આજે નવા અવસર મળશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને અટકેલા કામો પૂર્ણ થશે. ક્યાંકથી શુભ સમાચાર મળી શકે છે.

વૃષભ
પરિવારમાં સુમેળ રહેશે. ધનલાભના યોગ છે. કોઈ નવા કાર્યની શરૂઆત માટે સમય સારો છે.

મિથુન
તમારી સંવાદ કુશળતા તમને સહાય કરશે. કાર્યક્ષેત્રમાં તમારી યોજનાઓ સફળ થશે. મિત્રોનો સહયોગ મળશે.

કર્ક
ઘર-પરિવારમાં શાંતિ રહેશે. ભાવનાત્મક નિર્ણય લેતા ટાળો. આરોગ્ય પર ધ્યાન આપો.

સિંહ
આજે તમારું વ્યક્તિત્વ આકર્ષક રહેશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિના સંકેતો છે. કોઈ જૂના કાર્યમાંથી લાભ મળી શકે છે.

કન્યા
કાર્યમાં સાવધાની રાખો. અનાવશ્યક ખર્ચથી બચો. કોઈ સલાહકારની મદદથી લાભ મળશે.

તુલા
માન-સન્માનમાં વધારો થશે. ભાગીદારીમાં કામ કરવાથી લાભ મળશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.

વૃશ્ચિક
આજે ગુપ્ત કાર્યોમાં સાવધાની રાખો. કોઈ નવા પ્રોજેક્ટની શરૂઆત મુલતવી રાખો. પરિવારનો સહયોગ મળશે.

ધનુ
પ્રવાસના યોગ બની રહ્યા છે. પ્રગતિના નવા અવસર મળી શકે છે. વિવાદોથી દૂર રહો.

મકર
આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. મહેનતનું ફળ મળશે. પરિવાર સાથે સમય સારો પસાર થશે.

કુંભ
આજે તમારું મન સર્જનાત્મક કાર્યોમાં લાગશે. અચાનક ધનલાભ શક્ય છે. સામાજિક વર્તુળ વધશે.

મીન
આજે ચિંતા ઓછી થશે. કાર્યમાં ઝડપ આવશે. પ્રેમ અને પારિવારિક જીવન સુખદ રહેશે.

Gujarat : PM મોદીનો એક સવાલ અને ત્રણ સપ્તાહમાં તૈયાર થઈ સરલાબેન AI APP, જાણો ઈન્ફોસિસના નંદન નીલેકણીએ શું કહ્યુ?

0

દિલ્હી ખાતે ભારત મંડપમમાં યોજાયેલી India Ai Impact Summitમાં અનેક દેશો અને અગ્રણી ટેક CEO ભાગ લઈ રહ્યા છે. આ સમિટમાં ઈન્ફોસિસના સહ સ્થાપક નંદન નીલેકણીએ પ્રેરણાદાયક નિવેદન આપ્યું હતું.

દિલ્હી ખાતે ભારત મંડપમમાં યોજાયેલી India Ai Impact Summitમાં અનેક દેશો અને અગ્રણી ટેક CEO ભાગ લઈ રહ્યા છે. આ સમિટમાં ઈન્ફોસિસના સહ સ્થાપક નંદન નીલેકણીએ પ્રેરણાદાયક નિવેદન આપ્યું હતું. નીલેકણીએ વડાપ્રધાન મોદી સાથેની તેમની મુલાકાતનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. તેમણે આ કિસ્સાને લઈને કહ્યું કે, પીએમ મોદીએ ખેડૂતો માટે AI લાગુ કરવાનો વિચાર કેવી રીતે સૂચવ્યો.તેમણે કહ્યું કે આ સાબિત કરે છે કે નેતાઓ ટેકનોલોજીને કેટલી ઊંડાણપૂર્વક સમજી શકે છે.પીએમ મોદીની સલાહથી કંપનીની દિશા બદલાઈ અને તેમણે “સરલાબેન” એપ બનાવી, જે ગુજરાતના લાખો ખેડૂતોને મદદ કરશે.

નીલેકણીએ કહ્યું કે, જ્યારે હું 8 જાન્યુઆરીએ પીએમ મોદીને મળ્યો અને ખેડૂતો માટે AIનો અમલ કરવા અંગે વાત કરી, ત્યારે તેમણે કહ્યું, આપણે તેને ગાય અને ઢોર પર કેમ લાગુ ન કરી શકીએ? કારણ કે જો ગાય બીમાર હોય તો તે તમને કહી શકતી નથી કે તે બીમાર છે.તમે આ સમસ્યાને કેવી રીતે હલ કરી શકો? તેમણે અમને ખેતી અને ડેરીમાં AI લાગુ કરવાનું પોતાનું વિઝન આપ્યું. 8 જાન્યુઆરીના રોજ, પીએમ ઓફિસમાં અધિકારીઓ, અમૂલના પ્રતિનિધિઓ અને તેમના કેટલાક સાથીદારો સાથે એક બેઠક યોજાઈ હતી.માત્ર ત્રણ અઠવાડિયામાં એપ્લિકેશન લાઇવ થઈ ગઈ.આ વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા છે, જેમાં 3.6 મિલિયન ખેડૂતો, વાર્ષિક 2 અબજ દૂધના ટ્રાન્ઝેક્શન અને 40 મિલિયન પશુઓ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર વીડિયો પોસ્ટ કર્યો હતો.જેમાં લખ્યું હતું કે, ટેકનોલોજી જયારે લોકની ભાષા બોલે છે ત્યારે ત્યારે તે સૌથી શક્તિશાળી બની જાય છે. વડાપ્રધાન મોદીના ટેકનોલોજીથી સશક્ત એવા ગ્રામીણ ભારતની દૂરદર્શિતાને સ્પર્શતી અમારા ‘Amul AI’ની પહેલનો ઉલ્લેખ નંદન નીલકેનીજીએ India Ai Impact Summit દરમિયાન કર્યો તે વાત જાણીને મને અત્યંત હર્ષની લાગણી થઇ. તાજેતરમાં જ આ પ્લેટફોર્મનો પ્રારંભ કરાવવાની મને તક મળી. ‘Amul AI’ 200 કરોડ ડેટાનો ઉપયોગ કરી અનેકોની જિંદગીમાં પરિવર્તન લાવી રહ્યું છે. અમૂલનું AI સહાયક ‘સરલાબેન’ અમારા પશુપાલકો માટે ગેમ-ચેન્જર છે, જે પશુ સ્વાસ્થ્ય અને ઉત્પાદકતા પર વાસ્તવિક સમયની સમજ પૂરી પાડે છે. પશુપાલનમાં ટેકનોલોજીના સમાવેશ કરીને અમે દૂધ ઉત્પાદકો – ખાસ કરીને અમારી મહેનતુ મહિલાઓ માટે અભૂતપૂર્વ સફળતા સુનિશ્ચિત કરી છે.

Sabarkantha : પોશીના અને ખેડબ્રહ્મામાં આદિવાસી દીકરીઓની સોદાબાજીનો આરોપ, દલાલો દ્વારા ચાલતુ નેટવર્ક પકડાયુ

0

સાબરકાંઠામાં આદિવાસી દીકરીઓની સોદાબાજી કરાતી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. પોશીના અને ખેડબ્રહ્માના આંતરિયાળ વિસ્તારમાં આ સોદાબાજી થી હોવાનો આરોપ લગાવાયો છે. ફોટો અને વીડિયો કોલ દ્વારા સોદાબાજી કરતા બે શખ્સો પકડાયા છે.

સાબરકાંઠામાં આદિવાસી દીકરીઓની સોદાબાજી કરાતી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. પોશીના અને ખેડબ્રહ્માના આંતરિયાળ વિસ્તારમાં આ સોદાબાજી થી હોવાનો આરોપ લગાવાયો છે. ફોટો અને વીડિયો કોલ દ્વારા સોદાબાજી કરતા બે શખ્સો પકડાયા છે. બે પરપ્રાંતિય યુવકોને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. યુવકોના મોબાઈલમાં દીકરીઓના ફોટા જોવા મળ્યા હતાં. લગ્નના બહાને દીકરીઓને અન્ય સમાજમાં લઈ જવા દલાલો દ્વારા ચાલતુ નેટવર્ક પકડાયું છે.

આજે વિધાનસભામાં ભાગેડુ લગ્ન નોંધણી અંગે ચર્ચાઓ થઈ હતી. ત્યાર બાદ નાયબ મુખ્યમંત્રીએ દીકરીઓની રક્ષા માટેની વાત કરી હતી. ત્યારે સાબરકાંઠામાં આદિવાસી દીકરીઓની સોદાબાજી થતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોશીના અને ખેડબ્રહ્માના આંતરિયાળ વિસ્તારોમાં સોદાબાજીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફોટા અને વીડિયો કોલ દ્વારા સોદાબાજી કરતા બે પરપ્રાંતિય શખ્સો ઝડપાયા છે.

આ બંને શખ્સોને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. આ શખ્સોના મોબાઈલમાં દીકરીઓના ફોટો જોવા મળ્યા હતાં. લગ્નના બહાને દીકરીઓને અન્ય સમાજમાં લઈ જવાનું નેટવર્ક પકડાયું છે. આ નેટવર્ક દલાલો દ્વારા ચાલતુ હોવાનું પણ સામે આવ્યું છે. અજાણ્યા લોકોથી સાવધ રહેવા આદીવાસી સમાજનું આહ્વાન છે. આ રેકેડમાં સંડોવાયેલા દલાલો સામે કડક કાર્યવાહી કરવા માગ કરાઈ છે.