Home Blog Page 399

Entertainment : મહાભારતની ‘દ્રૌપદી’ રૂપા ગાંગુલી અત્યારે ક્યાં છે? અંગત જીવનનો એ ખુલાસા જેણે સૌને ચોંકાવી દીધા

0

80ના દાયકામાં આવેલ મહાભારત સીરિયલ આજે પણ લોકોના માનસપટ પર છે. 94 એપિસોડની આ સીરિયલ 2 ઓક્ટોબર, 1988 થી 24 જૂન, 1990 સુધી દૂરદર્શન પર પ્રસારિત કરાઈ હતી. બી. આર. ચોપરાનું નિર્માણ અને તેમના પુત્ર રવિ ચોપરા દ્વારા દિગ્દર્શન કરાયેલ આ સીરિયલ એ સમયમાં પ્રસારિત થઈ ત્યારે માર્ગ સૂમશાન અને લોકો ટીવી સામે બેસી જતા હતા. આ સીરિયલના તમામ પાત્રો ખૂબ લોકપ્રિય થયા. પાંડવોની પત્ની દ્રૌપદીની ભૂમિકા ભજવનાર રૂપા ગાંગુલીના અભિનય જોઈ લોકો દંગ થઈ ગયા હતા. ‘મહાભારત’થી પ્રસિદ્ધિ મેળવ્યા બાદ રૂપા ગાંગુલી આજે ફિલ્મો અને ટીવીથી દૂર છે.

રૂપાને 1980 ના દાયકામાં સૌથી વધુ કમાણી કરતી ટીવી અભિનેત્રી માનવામાં આવતી હતી. તેમના શાનદાર અભિનય બદલ રૂપા ગાંગુલીને રાષ્ટ્રીય પુરસ્કારથી પણ સન્માનતિ કરાયા. અભિનેત્રી રૂપા ગાંગુલીએ હિન્દી સિનેમા ઉપરાંત તેમણે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાનું અભિનય કૌશલ્ય બતાવ્યું છે. 1986 માં, રૂપાએ ટેલિફિલ્મ નિરુપમા સાથે અભિનયની શરૂઆત કરી. પહેલો હિન્દી પ્રોજેક્ટ 1989 ની ફિલ્મ “એક દિન અચાનક” હતો. સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કરનાર રૂપા ગાંગુલીનું અંગત જીવન વધુ દર્દભર્યું રહ્યું.

રિયાલિટી શો “સચ કા સામના” શોમાં પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન રૂપા ગાંગુલીએ અંગતજીવનને લઈને ખુલાસો કર્યો હતો જેણે સૌને ચોંકાવી દીધા. અભિનેત્રીએ કહ્યું કે લગ્નમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેના પતિ ધ્રુવના દબાણના કારણ તેણે અભિનય છોડી દીધો હતો. કામ છોડવાના કારણે તે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી. વારંવાર પતિ પાસે પૈસા માંગવા પડતા, પરંતુ તે આપતા નહોતા. પતિના વર્તનથી કંટાળી તેણે 3 વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ ઉપરાંત અભિનેત્રીએ પણ કબૂલાત કરી કે મહાભારતના શૂટિંગ દરમિયાન એક સહ-કલાકાર સાથે તે પ્રેમસંબંધમાં હતી. પરંતુ સીરિયલ બાદ તેમના સંબંધનો પણ અંત આવ્યો. આ વ્યક્તિનું નામ તેણે જાહેર કર્યું નહોતું. નોંધનીય છે કે રૂપાએ 1992માં મિકેનિકલ એન્જિનિયર ધ્રુવ મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન 2007 માં સમાપ્ત થયા. તેમને એક પુત્ર છે. છૂટાછેડા પછી, તેણી બંગાળી ગાયક દિવ્યેન્દુ મુખર્જી સાથે પ્રેમમાં પડી. તેઓ લાંબા સમય સુધી સાથે રહ્યા, પરંતુ આ સંબંધ પણ સમાપ્ત થયો.

Gandhinagar : કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માગું છું, વેશ્યાવૃત્તિના નિવેદન બાદ અભિનેત્રી મોના થીબાનો ખુલાસો

0

ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મોના થીબાએ એક ફિલ્મના પ્રમોશન દરમિયાન વેશ્યાવૃત્તિને લઈને નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં લોકોએ તેમની ખૂબ ટીકા કરી હતી. આ નિવેદન અંગે વિવાદ વકરતાં જ તેમણે ખુલાસો કર્યો હતો.

ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મોના થીબાએ એક ફિલ્મના પ્રમોશન દરમિયાન વેશ્યાવૃત્તિને લઈને નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં લોકોએ તેમની ખૂબ ટીકા કરી હતી. આ નિવેદન અંગે વિવાદ વકરતાં જ તેમણે ખુલાસો કર્યો હતો. તેમણે વેશ્યાવૃત્તિને સમાજ સેવા ગણાવી હતી. હવે તેમણે કહ્યું હતું કે, મેં ફિલ્મની વાર્તાને લઈને ચર્ચા કરી હતી. મારો કોઈ ખોટો હેતુ નહોતો.

અભિનેત્રી મોના થીબાએ આપેલા વેશ્યાવૃત્તિના નિવેદન અંગે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, મેં ફિલ્મની વાર્તાના અનુસંધાને વાત કરી હતી. હું વેશ્યાવૃત્તિ કરતી મહિલાઓના સંપર્કમાં આવી હતી. આ મહિલાઓએ મને કહ્યું હતું કે, તેમના પુરૂષો કમાતા નથી. તેમના બાળકોનું પેટ ભરવાના પણ તેમની પાસે પૈસા નથી. તેમના પુરૂષો વ્યસની છે. ઘર કેવી રીતે ચલાવવું એક સવાલ છે. આ મહિલાઓએ મને કહ્યું હતું કે, તેઓ મજબૂરીમાં આ કામ કરે છે. મારી વાતને ખોટા અર્થમાં લેવામાં આવી છે.

મેં ફિલ્મના પ્રમોશન દરમિયાન વાત કરી હતી. હું આવી વાતનો સપોર્ટ નથી કરતી. કોઇની લાગણી દુભાઇ હોય તો માફી માંગું છુ. અમારી વાતો સંસ્કાર, સમાજ, સંસ્કૃતિની હોય છે. અભિનેત્રી મોના થીબાએ વેશ્યાવૃત્તીને સમાજ સેવા ગણાવી હતી. વેશ્યાવૃત્તિને કારણે જ દીકરીઓ સલામત છે એવું તેમણે નિવેદન આપ્યું હતું. વેશ્યાવૃત્તીથી બળાત્કારની ઘટનાઓ અટકે છે એવો તેમણે દાવો કર્યો હતો. તેમના આ પ્રકારના નિવેદન બાદ સોશિયલ મીડિયામાં તેમની ભારે ટીકા થઈ રહી છે. આખરે તેમણે આ નિવેદનને લઈને માફી માંગી છે.

Himachal Pradesh : હિમાચલ જવું હવે મોંઘું! પ્રવેશ ફીમાં અઢી ગણી વધારો

0

હિમાચલ પ્રદેશમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા છો? તો હવે તમારા બજેટમાં થોડો વધારો કરવો પડશે. 1 એપ્રિલથી બહારના રાજ્યોના વાહનો માટે હિમાચલમાં પ્રવેશ ફી નોંધપાત્ર રીતે વધારવામાં આવી છે.

હિમાચલ પ્રદેશ સરકારએ રાજ્યમાં બહારના રાજ્યોમાંથી આવતા વાહનો માટે પ્રવેશ ફીમાં અઢી ગણો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નવા દરો 1 એપ્રિલથી અમલમાં આવશે અને રાજ્યના તમામ 55 પ્રવેશ અવરોધો (Entry Barriers) પર લાગુ પડશે. આ નિર્ણયનું મુખ્ય કારણ રાજ્યની નબળી નાણાકીય સ્થિતિ અને વધતા ખર્ચને પહોંચી વળવાનો છે.

“એન્ટ્રી બેરિયર પોલિસી”
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના નેતૃત્વ હેઠળ સરકારે નવી “એન્ટ્રી બેરિયર પોલિસી” જાહેર કરી છે. આ નીતિ હેઠળ બહારના રાજ્યોના ખાનગી, વ્યાવસાયિક અને ભારે વાહનો માટે પ્રવેશ કર વધારવામાં આવ્યો છે, જ્યારે હિમાચલમાં નોંધાયેલા વાહનોને પહેલાની જેમ સંપૂર્ણ મુક્તિ મળશે.

નવા પ્રવેશ દરો શું છે? (વાહનવાર વિગત)
સામાન્ય ખાનગી વાહન: ₹70 → ₹170
12+1 ક્ષમતા ધરાવતા મુસાફરી વાહન: ₹110 → ₹170
ભારે વાહન (Heavy Vehicles): ₹720 → ₹900
બાંધકામ મશીનરી (JCB વગેરે): ₹570 → ₹800
ટ્રેક્ટર: ₹70 → ₹100
ડબલ-એક્સલ બસ અને ટ્રક: ₹570 (કોઈ ફેરફાર નથી)

સરકારનું કહેવું છે કે અલગ-અલગ વાહન શ્રેણીઓ માટેના દર તેમના ઉપયોગ અને રસ્તાઓ પર પડતા ભારને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યા છે.
55 પ્રવેશ અવરોધો અને FASTag સિસ્ટમ
હિમાચલમાં કુલ 55 પ્રવેશ અવરોધો છે, જ્યાંથી બહારના રાજ્યોના વાહનો પ્રવેશે છે. મહત્વના અવરોધો સિરમૌર, નુરપુર, ઉના, બદ્દી, પરવાનો અને બિલાસપુર વિસ્તારમાં આવેલાં છે. હવે ટોલ વસૂલાત વધુ પારદર્શક અને ઝડપી બને તે માટે આ તમામ સ્થળોએ FASTag સિસ્ટમ લાગુ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. અવરોધોની હરાજી અને દેખરેખ માટે ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં સમિતિ બનાવવામાં આવી છે.

નાણાકીય દબાણનું કારણ
હિમાચલ સરકાર હાલ ગંભીર આર્થિક દબાણનો સામનો કરી રહી છે. પગાર, પેન્શન અને વિકાસ યોજનાઓ માટે મોટી રકમની જરૂર છે. સરકાર માને છે કે પ્રવેશ કરમાં વધારાથી સ્થિર આવક મળશે અને રાજ્યનું નાણાકીય સંતુલન જાળવી શકાશે.

પ્રવાસન પર શું પડશે અસર?
હિમાચલ, ખાસ કરીને શિમલા, દેશના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે. લાખો પ્રવાસીઓ દર વર્ષે પોતાના ખાનગી વાહનોમાં અહીં આવે છે. અધિકારીઓ માને છે કે ₹170ની ફી બહુ મોટી નથી, પરંતુ વધતા પેટ્રોલ-ડિઝલના ભાવ અને અન્ય ખર્ચ વચ્ચે પ્રવાસીઓ પર વધારાનો બોજ જરૂર પડશે. પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે જો ખર્ચ વધુ વધશે, તો કેટલાક પ્રવાસીઓ પડોશી રાજ્યો તરફ વળે તેવી શક્યતા પણ છે.

આ નિર્ણય રાજ્યની આવક
હિમાચલ સરકારનો આ નિર્ણય રાજ્યની આવક વધારવા માટે મહત્વનો છે, પરંતુ તેનો સીધો અસર પ્રવાસીઓ અને વ્યવસાયિક વાહનો પર પડશે. જો તમે 1 એપ્રિલ બાદ હિમાચલ પ્રવાસનું આયોજન કરો છો, તો આ વધારાની પ્રવેશ ફી તમારા બજેટમાં જરૂર ગણતરીમાં લો.

Rajkot : RTOમાં એક બે નહીં 30 જેટલા એજન્ટો પકડાયા, ટ્રાયલ વિના લાઈસન્સ કઢાવવાના ચાર હજાર વસૂલતા હતાં

0

સંદેશ દ્વારા રાજકોટ આરટીઓમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જ્યાં લોકો પાસેથી પૈસા લેતા એજન્ટો કેમેરામાં કેદ થઈ ગયા હતાં. એટલું જ નહીં કેમેરા જોઈને એજન્ટો ઉભી પૂંછડીએ ભાગ્યા હતાં.

ગુજરાતમાં એજન્ટો સિવાય કોઈ સરકારી કામ નથી થતાં એવું લોકમુખે વારંવાર ચર્ચાતુ હોય છે. ત્યારે રાજકોટમાં આરટીઓમાં લોકોના કામ માટે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા એજન્ટો બેફામ બન્યાં છે. એજન્ટોને સરકારી કચેરીઓના પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કરતા જાહેરનામા પ્રસિદ્ધ થતાં હોય છે પરંતુ રિયાલિટી કંઈક જુદી જ હોય છે. સંદેશ દ્વારા રાજકોટ આરટીઓમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જ્યાં લોકો પાસેથી પૈસા લેતા એજન્ટો કેમેરામાં કેદ થઈ ગયા હતાં. એટલું જ નહીં કેમેરા જોઈને એજન્ટો ઉભી પૂંછડીએ ભાગ્યા હતાં.

રાજકોટ આરટીઓમાં એક બે નહીં પણ 30 જેટલા એજન્ટો કેમેરામાં કેદ થઈ ગયા હતાં. કેમેરો જોઈને બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા એજન્ટો ઊભી પૂંછડિયે ભાગ્યા હતાં. સંદેશ ન્યૂઝ દ્વારા આરટીઓમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. આ એજન્ટો 400 રૂપિયાના લાઈસન્સના કામ માટે લોકો પાસેથી 1200થી 1500 રૂપિયા સુધી પડાવતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ટ્રાયલ વિના જ લાઈસન્સ કઢાવવા માટે 3500થી 4000 હજાર રૂપિયા પડાવતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. સરકાર દ્વારા લાઈસન્સ પ્રક્રિયાને વધુ સુરક્ષિત કરી છે. તે છતાંય કયા અધિકારીના આશિર્વાદથી આ એજન્ટો ટ્રાયલ વિના જ લાઈસન્સ કઢાવી આપતા હતાં તેવા સવાલો ઉભા થયાં છે.

અરજદારોનું કહેવું છે કે, આરટીઓમાં કામ માટે એજન્ટો ના હોય તો વારંવાર ધક્કા ખાવા પડે છે. એજન્ટો લાઈસન્સ માટે 1500 રૂપિયા લેતા હોય છે. આ અંગે અધિકારીએ એવું કહ્યું હતું કે, આરટીઓમાં અરજદાર સિવાય કોઈને પ્રવેશ નથી. એજન્ટો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરીશું. એજન્ટો પ્રવેશે નહીં તે માટે સિક્યુરિટી રાખી છે. સિક્યુરિટી વિરૂદ્ધ પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સંદેશના રિયાલિટી ચેકમાં સામે એજન્ટોની વિગતો આવ્યા બાદ તંત્ર જાગ્યુ અને કાર્યવાહી કરવાની વાત કરી, પરંતુ હવે જોવાનું એ છે કે આ સ્થિતિ ક્યાં સુધી ચાલુ રહેશે?

Entertainment : બોબી દેઓલની ફિલ્મ બંદરની રિલીઝ ડેટ જાહેર, ભાઈ સનીની ગબરુ સાથે જમાવશે ટક્કર, ફેન્સમાં ભારે ક્રેઝ!

0

2026 સની દેઓલ માટે એક મહત્વપૂર્ણ વર્ષ સાબિત થશે, આ વર્ષે બીજી ઘણી મોટી ફિલ્મો રિલીઝ થવાની છે. તેમજ બોબી દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ રિલીઝ થવાની છે.

2026 આવતાની સાથે જ સની દેઓલે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. તેની બોર્ડર 2ની ખૂબ પ્રશંસા થઈ હતી. પરંતુ બોબી દેઓલ પણ દેખાવાનો હતો. હા, તે થલાપતિ વિજયની ફિલ્મ જન નાયગનનો ભાગ છે અને ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવે છે. ફિલ્મની રિલીઝ હજુ પણ મુલતવી રાખવામાં આવી છે. ફેન્સને બોબી દેઓલનો લુક ગમ્યો, પરંતુ રમત અહીં જ અટકી ગઈ. એપ્રિલમાં, એવું કહેવામાં આવ્યું હતું કે આલિયા ભટ્ટની આલ્ફા રિલીઝ થશે. પરંતુ ત્યાં પણ, મામલો અટકી ગયો છે, કારણ કે કામ પૂર્ણ થવામાં હજુ સમય લાગશે. તેની અને અનુરાગ કશ્યપની ફિલ્મ બંદરની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે.

અનુરાગ કશ્યપની બંદર એક હિન્દી ક્રાઈમ-થ્રિલર ફિલ્મ છે જેમાં બોબી દેઓલ અભિનીત છે અને તે સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. ફિલ્મનો વર્લ્ડ પ્રીમિયર ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF 2025) માં યોજાયો હતો. અનુરાગ કશ્યપે જણાવ્યું હતું કે બોબીએ ફિલ્મમાં પોતાને સંપૂર્ણપણે ડૂબાડી દીધો છે, અને કહ્યું કે તે અત્યાર સુધીની તેની સૌથી શાનદાર ફિલ્મ છે.

બોબી દેઓલે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે જેલના સળિયા પાછળ જોવા મળે છે. તે કોટ અને આંખો પર ચશ્મા પહેરેલો પણ જોવા મળે છે. તેની ફિલ્મ બંદર 22 મે, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેનું નિર્દેશન અનુરાગ કશ્યપ દ્વારા કરવામાં આવ્યું છે. જોકે, આ ફિલ્મ દિગ્દર્શક ઇન્દ્ર કુમારના પુત્ર અમનની ફિલ્મ સાથે ટકરાશે. તેની ફિલ્મ તેરા યાર હું મૈંનું પોસ્ટર રિલીઝ થયું હતું. આ ફિલ્મ પણ તે જ દિવસે સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન મિલાપ મિલન ઝવેરી દ્વારા કરવામાં આવ્યું છે. આકાંક્ષા શર્મા અમન ઇન્દ્ર કુમાર સાથે કામ કરી રહી છે.

સની દેઓલની ફિલ્મ બોર્ડર 2 રિલીઝ થઈ ચૂકી છે. ગબરુ પહેલા 13 માર્ચે રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેને મુલતવી રાખવામાં આવી છે. એવી ચર્ચા છે કે આ ફિલ્મ 8 મેના રોજ રિલીઝ થશે. જો પુષ્ટિ થાય, તો બંને ભાઈઓની ફિલ્મો એક જ મહિનામાં રિલીઝ થશે. ફેન્સ પણ બોબી દેઓલની ફિલ્મ બંદર માટે ખૂબ ઉત્સાહિત છે.

Happy birthday Ahmedabad : કાલુપુર દરવાજો ક્યાં આવેલો છે? કેમ ખાસ હતો અહેમદ શાહ બાદશાહ માટે? જાણો ઇતિહાસ

0

હેરિટેજ સીટી તરીકે ઓળખાતું અમદાવાદ આજે પણ પોતાના દરવાજાઓમાં છુપાયેલ ઇતિહાસને સાચવી રાખે છે. એમાં ખાસ સ્થાન ધરાવે છે કાલુપુર દરવાજો, જે માત્ર એક દરવાજો નહીં પરંતુ અહેમદ શાહ બાદશાહના શાસનકાળ દરમિયાન પણ ખાસ કામ માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો.

અમદાવાદની સ્થાપના 15મી સદીમાં અહેમદ શાહ બાદશાહ દ્વારા કરવામાં આવી હતી. તે સમયમાં શહેરને સુરક્ષિત રાખવા માટે વિશાળ કિલ્લાબંધી કરવામાં આવી હતી અને તેની સાથે બનાવવામાં આવ્યા હતા કુલ 12 મુખ્ય દરવાજાઓ. આ દરવાજાઓ શહેરમાં આવનજાવન, વેપાર, સુરક્ષા અને વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હતા. કાલુપુર દરવાજો એ જ ઐતિહાસિક દરવાજાઓમાંનો એક છે, જે આજે પણ પોતાના મૂળ સ્વરૂપમાં ઊભો છે. સમય બદલાયો, વાહનો આવ્યા, શહેર વિસ્તર્યું છતાં આ દરવાજો અમદાવાદના ગૌરવનું પ્રતિક બનીને ટક્યો છે.

કાલુપુર દરવાજો અમદાવાદના પૂર્વ ભાગમાં આવેલો છે. આજકાલ જે વિસ્તાર કાલુપુર માર્કેટ તરીકે ઓળખાય છે, એ વિસ્તાર આ દરવાજાના કારણે જ વિકસ્યો. આ દરવાજો શહેરના અંદરના ભાગને બહારના ગ્રામ્ય વિસ્તારો સાથે જોડતો મુખ્ય માર્ગ હતો.

અહેમદ શાહ બાદશાહના શાસનકાળ દરમિયાન કાલુપુર દરવાજાનો ખાસ ઉપયોગ શહેરમાં ભોજન અને અનાજ લાવવા માટે થતો હતો. ગામડાઓમાંથી શાકભાજી, અનાજ અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ આ દરવાજા મારફતે શહેરમાં પ્રવેશતી હતી. એટલે કહી શકાય કે કાલુપુર દરવાજો અમદાવાદની “અન્ન દરવાજા” સમાન હતો.

કાલુપુર દરવાજાનું નિર્માણ 15મી સદીમાં થયું હતું અને તેની રચના મોહમદ બેગડાના સમયમાં કરવામાં આવી હતી. આ દરવાજાની ઊંચાઈ લગભગ 27 ફૂટ છે. તેની રચનામાં આયર્ન પ્લેટ અને મજબૂત ટિમ્બર (લાકડું)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમયના કારીગરોએ એટલી દ્રઢ બનાવટ કરી હતી કે સદીઓ વીતી ગઈ છતાં દરવાજો આજે પણ મજબૂતીથી ઊભો છે. દરવાજાની અંદર સિપાઈઓ માટે ખાસ ખાણા અને ગોખલા બનાવવામાં આવ્યા હતા, જ્યાંથી શહેરની સુરક્ષા રાખવામાં આવતી હતી. આ તમામ ઢાંચાકીય રચનાઓ આજે પણ જોવા મળે છે, જે તે સમયની અદભૂત આર્કિટેક્ચરલ સમજ બતાવે છે.

આજે કાલુપુર દરવાજો મુખ્યત્વે કાલુપુર માર્કેટ માટે ઓળખાય છે. આ માર્કેટ અમદાવાદનું સૌથી જૂનું અને સૌથી વ્યસ્ત શાકભાજી બજાર માનવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી દુકાનો, પરંપરાગત વેપાર પદ્ધતિ અને માહોલને કારણે રોજિંદા હજારો લોકો અહીં ખરીદી માટે આવે છે. કોઈ પણ તહેવાર કે ખાસ પ્રસંગ હોય ત્યારે લોકો શાકભાજીથી લઈને ડ્રાયફ્રૂટ સુધીની ખરીદી કરવા ખાસ કરીને કાલુપુર માર્કેટનો પસંદ કરે છે. એટલું જ નહીં, શહેરભરના અનેક રિટેલ વેપારીઓ પણ પોતાનો માલ સીધો અહીંથી જ ખરીદે છે, જેના કારણે કાલુપુર માર્કેટ અમદાવાદના વેપાર જીવનનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે.

અમદાવાદને યુનેસ્કો દ્વારા હેરિટેજ સીટીનો દરજ્જો મળ્યા બાદ દેશ-વિદેશથી પ્રવાસીઓ અહીં આવે છે. તેઓ અમદાવાદની સંસ્કૃતિ, ખાણીપીણી અને ઇતિહાસને નજીકથી જોવા માંગે છે અને આ પ્રવાસ દરમિયાન કાલુપુર દરવાજાની મુલાકાત અચૂક લે છે. કાલુપુર દરવાજો માત્ર ઈંટ-પથ્થરનું બંધાણ નથી, પરંતુ તે અમદાવાદના 615 વર્ષના ગૌરવ, પરંપરા અને જીવનશૈલીનું પ્રતિબિંબ છે.

National : ‘દેશના ગદ્દારોને છોડીશું નહીં, આતંક ફેલાવનારા દયાની ભીખ માંગશે, એવી સજા કરીશું’ મનોજ સિંહાની ચેતવણી

0

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોહ સિન્હાએ દેશના ગદ્દારો અને આતંકવાદીઓ ગંભીર ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, દેશ વિરુદ્ધ ગદ્દારી કરનારાઓ અને આતંકવાદીઓને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે. તેમણે દેશની સુરક્ષા બગાડનારા તત્ત્વોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, સુરક્ષા એજન્સીઓ આતંકવાદ સંબંધી તમામ કેસોની ગંભીરતાથી તપાસ કરી રહી છે, જો કોઈપણ દોષિતો પકડાશે તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર કાશ્મીરી પંડિતોને પરત લાવવા માટે પ્રતિબંધ હોવાનું જણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વચન આપ્યું છે કે, કાશ્મીરી પંડિતોને સંપૂર્ણ સન્માન અને સુરક્ષા સાથે પરત લાવવામાં આવશે.

જમ્મુ-કાશ્મીર યુનિવર્સિટીના રાજેન્દ્ર સિંહ સભાગારમાં પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ઉપરાજ્યપાલ મનોહ સિન્હા (LG Manoj Sinha)એ કહ્યું કે, ‘કાશ્મીર પંડિતોને સન્માન સાથે ઘરે પરત લાવાવ માટે કેન્દ્ર સરકાર પ્રતિબંધ છે. વડાપ્રધાને કાશ્મીરી પંડિતોને સંપૂર્ણ સુરક્ષા અને સન્માન સાથે ઘરવાપરી કરાવવાનું વચન આપ્યું છે. આપણી ધરતી પર અજાણ્યા બની જવું તે વિશ્વના સૌથી મોટા દુઃખોમાંથી એક છે. હું કાશ્મીરી પંડિતોના તે દર્દને અનુભવી રહ્યો છું, જેમાં 1989-90માં તેમણે રાતોરાત પોતાના ઘરો છોડવા પડ્યા હતા. હું કાશમીરી પંડિતોની જબરદસ્ત ભાવનાને સલામ કરું છું. કાશ્મીરી પંડિતોને પરત લાવવા માટે માઈગ્રન્ટ વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ તે લોકો માટે હતું, જેમની જમીન પર કબજો કરવામાં આવ્યો હતો.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘યુવા પેઢીઓએ તે ક્યારેય ભુલવું ન જોઈએ કે, પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ હજારો નિર્દોશ કાશ્મીરી મુસલમાનોની હત્યા કરી છે. આમાંથી કેટલાક કિસ્સાઓ હૃદયદ્વારક હોય છે, જેમને યાદ કરીએ તો બોલતા પણ ખચકાટ થાય છે. ગત વર્ષથી તે પરિવારોને ન્યાય મળવાનો શરૂ થયો છે અને તેઓને જરૂરી ચીજવસ્તુઓ અને રોજગારી આપવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

મનોજ સિન્હાએ કહ્યું કે, ‘ઓગસ્ટ-2019માં કલમ-370 નાબુદ થયા બાદ વિશ્વાસ ઉભો થયો છે કે, કાશ્મીરી પંડિત સમાજની યુવા પેઢી કોઈપણ ડર વગર પોતાના ઘરે પરત ફરી શકે છે. વર્ષ 2019થી જમ્મુ-કાશ્મીર મોટા વિકાસ સાથે આગળ વધી રહ્યું છે. અહીંના લોકોએ પોતાના સપના અને કિસ્મતને બરબાદ કરવાના દુશ્મનોના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યો છે. સરકારે અનેક પ્રયાસો કર્યા બાદ તેઓની જમીનની જૂની શાન પરત લવાઈ છે અને વિકાસ ઝડપી થયો છે. સરકાર ટૂંક સમયમાં આ જમીનને આતંકવાદના ખતરાથી મુક્ત કરાવશે.’

એલજીએ કહ્યું કે, ‘આતંકવાદ સાથે સંકળાયેલી તમામ ઘટનાઓનો સામે લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. પ્રજાના સપનાને બરબાદ કરનારાઓને આકરો જવાબ અપાશે. આતંકવાદ સાથે જોડયેલા તમામ તત્વોની એવી હાલત કરાશે, એવી સજા અપાશે કે આતંકનો ઈકો સિસ્ટમ પણ રહેમની ભીખ માગવા લાગશે. અમે આતંકવાદ ફેલાવનારા આતંકવાદીઓ અને મદદગારોને ક્યારે માફ ન કરી શકીએ.

Gujarat : ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનું 40% કામ પૂર્ણ, 2028માં દોડશે પ્રથમ ટ્રેન, જાણો ક્યાં બનશે સ્ટેશન

0

તારંગા-અંબાજી-આબુ રોડ રેલવેનો 2,798.16 કરોડના પ્રોજેક્ટમાં ગુજરાતની સૌથી મોટી 1,830 મીટરની ટનલની 40 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. આ કામગીરી 24 કલાક યુદ્ધના ધોરણે આધુનિક મશીનરીની મદદથી 11.5 મહિનામાં 683 મીટર ટનલ તૈયાર કરાઈ છે. જ્યારે 60 ટકા ટનલ પૂર્ણ કરતા એક વર્ષનો સમય લાગશે. આ પ્રોજેક્ટ શરૂ થતાં ઉત્તર ગુજરાત સહિત ગુજરાત, રાજસ્થાનના લોકોને કનેક્ટિવિટી સરળતાથી મળશે.

તારંગા-અંબાજી-આબુ રોડ સુધીના 11.65 કિલોમીટરના નવો રેલવે લાઈન પ્રોજેક્ટ અંતર્ગત પોશીના તાલુકાના ધ્રોવફળો પાસે ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલ નિર્માણ પામી રહી છે. રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ, આ ટનલ ગુજરાતની સૌથી લાંબી ટનલ છે. જેની કુલ લંબાઈ 1,830 મીટર રહેશે. ટનલને બનાવવા માટે મુખ્ય ઇજનેરે જણાવ્યું કે, કામ દરમિયાન અનેક પડકાર આવે છે પરંતુ અંદર કામ કરતા મોટાભાગના લોકો અનુભવી હોવાથી ખાસ વાંધો આવતો નથી. ટનલ બનાવવા માટે ટેમરોક નામના મશીનની મુખ્ય ભૂમિકા છે.

ટનલમાં એક મિનિટ રહેવું અઘરું હોવાથી વેન્ટિલેશન મશીન મૂકાયું છે. જેમ ટનલની અંદર જઈએ તેમ ગરમી વધુ લાગે છે અને ઓક્સિજન ઓછું થતું જાય છે. જેથી 1 મિનિટ પણ રહેવું અઘરું હોય છે. જેના માટે મોટું વેન્ટિલેશન મશીન મૂકાયું છે, જેથી ગરમ હવા બહાર આવે અને તાજી હવા અંદર આવે છે અને આ મશીન 24 કલાક ચાલુ રહે છે.

તારંગા અંબાજી આબુ રેલવે લાઇન પ્રોજેક્ટને 2026-27 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. રેલવે સૂત્રોનું માનીએ તો અંદાજે 2028માં પ્રથમ રેલવે પાટા ઉપર દોડાવી ટેસ્ટિંગ કરવામાં આવશે.પોશીના તાલુકામાં પેટાછાપરા (હોલ્ટ) અને આંબા મહુડા (હોલ્ટ) એમ કુલ 2 સ્ટેશન બનાવવામાં આવશે. આ ઉપરાંત તાલુકામાં 8 મેજર બ્રિજ નિર્માણ પામશે, 1 રોડ ઓવર બ્રિજ બનશે અને 6 અંડર બ્રિજ બનાવવામાં આવશે.

Breaking News : બિટકોઈન કૌભાંડ મામલે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને જામીન

0

EDએ સપ્ટેમ્બર 2025માં PMLA હેઠળ નોંધાયેલા કેસમાં સ્પેશિયલ કોર્ટમાં સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં રાજ કુન્દ્રા અને રાજેશ સતીજાને આરોપી બનાવવામાં આવ્યા હતા. તપાસ એજન્સીના જણાવ્યા પ્રમાણે, કુખ્યાત ‘ગેન બિટકોઈન પોન્ઝી કૌભાંડ’ના માસ્ટરમાઈન્ડ અને પ્રમોટર અમિત ભારદ્વાજે રાજ કુન્દ્રાને યુક્રેનમાં બિટકોઈન માઈનિંગ ફાર્મ શરૂ કરવા માટે 285 બિટકોઈન આપ્યા હતા.

જોકે, આ સોદો આગળ વધી શક્યો નહોતો, પણ EDનો દાવો છે કે આ 285 બિટકોઈન આજે પણ રાજ કુન્દ્રા પાસે જ છે, જેની હાલની કિંમત 150 કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે. ચાર્જશીટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કુન્દ્રાએ આ વ્યવહારમાં પોતાની જાતને માત્ર એક મધ્યસ્થી ગણાવ્યા હતા, પરંતુ આ વાત સાબિત કરવા માટે તે કોઈ મજબૂત દસ્તાવેજો રજૂ કરી શક્યો નથી.

ED અનુસાર, ‘ટર્મ શીટ’ સમજૂતી સાબિત કરે છે કે અસલી સોદો રાજ કુન્દ્રા અને અમિત ભારદ્વાજ વચ્ચે જ થયો હતો, તેથી કુન્દ્રાનો માત્ર ‘મધ્યસ્થી’ હોવાનો દાવો માન્ય નથી. તપાસ એજન્સીએ નોંધ્યું છે કે સાત વર્ષ પછી પણ કુન્દ્રાને પાંચ હપ્તામાં મળેલા બિટકોઈનની ચોક્કસ સંખ્યા યાદ છે, જે સાબિત કરે છે કે તે જ આ વ્યવહારનો અસલી લાભાર્થી છે.

Ahmedabad : ફિક્સ પગારની નોકરીઓનો અનુભવ કાયમી ભરતીમાં માન્ય ગણાશે, સરકારી યુનિવર્સિટીઓમાં થશે લાગુ, શિક્ષણ વિભાગનો નિર્ણય

0

ગુજરાતના શિક્ષણ જગતમાં વર્ષોથી ચાલી રહેલી અનુભવની ગણતરી અંગેની મુંઝવણનો અંત આવ્યો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે એક ઐતિહાસિક નિર્ણય લેતા જાહેર કર્યું છે કે, રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસરની સીધી ભરતીમાં હવે ‘અધ્યાપક સહાયક’ તરીકેના 5 વર્ષના ફિક્સ પગારના સમયગાળાને શૈક્ષણિક અનુભવ તરીકે માન્ય રાખવામાં આવશે.

શિક્ષણ વિભાગે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીને પરિપત્ર પાઠવી સ્પષ્ટ આદેશ કર્યો છે કે, અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે જે અભિપ્રાય આપવામાં આવ્યો હતો, તેમાં સમાનતા જાળવવા માટે હવે તમામ સરકારી યુનિવર્સિટીઓમાં આ નિયમ લાગુ કરવો. એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસરની સીધી ભરતીમાં અધ્યાપક સહાયક તરીકે ફિક્સ પગારના 5 વર્ષના સમયગાળને શૈક્ષણિક અનુભવ તરીકે ગણી યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપવાનો રહેશે.

રાજ્ય સરકારના આ પરિપત્રથી ખાસ કરીને ગ્રાન્ટેડ કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપકોમાં ખુશીની લહેર જોવા મળી છે. જે અધ્યાપકોએ પોતાના કરિયરના શરૂઆતના પાંચ વર્ષ ફિક્સ પગારમાં વિતાવ્યા છે, તેમને હવે ઉચ્ચ હોદ્દા પર પ્રમોશન કે સીધી ભરતી માટે પાત્ર ગણવામાં આવશે. આ નિર્ણયથી અનુભવી ઉમેદવારોને ઉચ્ચ શૈક્ષણિક જગ્યાઓ પર અરજી કરવામાં સરળતા રહેશે.

રાજ્ય સરકારે માર્ચ મહિના પહેલા એટલે કે નવા નાણાકીય વર્ષ પૂર્વે ખાલી પડેલી ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની જગ્યાઓ ભરવા આદેશ આપ્યો હતો.ગુજરાત યુનિવર્સિટીમાં હાલ નોન-ટીચિંગ સ્ટાફની ભરતી ચાલુ છે અને આગામી સમયમાં ટીચિંગ સ્ટાફની 100થી વધુ જગ્યાઓ ભરાશે. જ્યારે ભાવનગર, જૂનાગઢ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ ભરતી પ્રક્રિયા વેગવંતી બની છે.