Home Blog Page 400

Business : ટ્રમ્પે અલ્ટિમેટમ આપતા એકઝાટકે વધ્યા સોના-ચાંદીના ભાવ ! જાણો લેટેસ્ટ રેટ

0

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધવાના કારણે આજે 20 ફેબ્રુઆરીએ સોના-ચાંદીની કિંમતમાં ધરખમ ઉછાળો થયો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને જાહેરમાં ચેતવણી આપીને ન્યૂક્લિયર ડીલ માટે 10-15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે, નહીં તો ઈરાને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી છે.

અમેરિકાએ ઈરાનને ધમકી આપ્યા બાદ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના-ચાંદીના ભાવમાં જોરદાર વધઘટ જોવા મળી છે. 10 ગ્રામ સોનાના ભાવની વાત કરીએ ગઈકાલે ભાવ 154,819 રૂપિયા પર બંધ થયા બાદ આજે 155,105 રૂપિયા પર ઓપન થયો હતો. ત્યારબાદ સોનું નીચામાં 154,890 રૂપિયા અને ઊંચામાં 156,607 પર પહોંચ્યો હતો. એટલે કે દિવસ દરમિયાન સોનાના ભાવમાં 1.717 રૂપિયાની ઉથલપાથલ જોવા મળી છે. હાલ સોનાનો ભાવ બપોરે 2.40 કલાકે 1,56,413 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

જ્યારે સોનાના ભાવની વાત કરીએ ગઈકાલે ભાવ 241,393 રૂપિયા પર બંધ થયા બાદ આજે 243,874 રૂપિયા પર ઓપન થયો હતો. ત્યારબાદ ચાંદી નીચામાં 241,245 રૂપિયા અને ઊંચામાં 251,300 પર પહોંચ્યો હતો. એટલે કે દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં 10,055 રૂપિયાની ઉથલપાથલ જોવા મળી છે. હાલ ચાંદીનો ભાવ 2.40 કલાકે 2,47,993 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

સ્પૉટ ગોલ્ડની કિંમત 5010 ડૉલરથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ડૉલર મજબૂત થવાના કારણે સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. કરન્સી બાસ્કેટમાં અન્ય કરન્સીના મુકાબલે ડૉલર મજબૂત થવાથી સામાન્ય રીતે અન્ય કરન્સીથી ખરીદી કરનારાઓ માટે સોનું મોંઘુ થઈ જાય છે. આ જ કારણે ભાવમાં સોનાના ભાવમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે.

અમેરિકન ફેડરલ રિઝર્વની FOMC બેઠકમાંથી માહિતી સામે આવી છે કે, પોલિસી બનાવનારાઓમાં વ્યાદરમાં કપાત કરવા મામલે જુદા જુદા મંતવ્યો ચાલી રહ્યા છે. કેટલાકનું કહેવું છે કે, જો મોંઘવારીનો ટાર્ગેટ પુરો નહીં થાય તો વ્યાજ દર વધી શકે છે.

Sports : હાર્દિક પાંડ્યાનો ગર્લફ્રેન્ડ માહિકા શર્મા માટે અનોખો પ્રેમ, 25માં બર્થડે પર આપ્યા 25 શાનદાર ગિફ્ટ્સ!

0

ભારતીય ક્રિકેટર હાર્દિક પાંડ્યા આ દિવસોમાં પોતાની વ્યવસાયિક જિંદગી સાથે સાથે વ્યક્તિગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. તેઓ હાલમાં પ્રેમિકા માહિકા શર્માને મળતા રહે છે. 19 ફેબ્રુઆરીએ હાર્દિકે માહિકા શર્માનો જન્મદિવસ ઉજવ્યો હતો. માહિકાના 25મા જન્મદિવસ પર હાર્દિકે એક ખાસ વિડિયો શેર કર્યો, જેમાં તેઓ માહિકા સાથે ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે.

હાર્દિકે પોતાના સામાજિક માધ્યમ પર માહિકા શર્માના જન્મદિવસ નિમિત્તે જે વીડિયો મૂક્યો છે, તેમાં બંને સાથે હસતા, પછી એકબીજાના હાથ પકડીને સાથે બેઠેલા દેખાય છે. આ દરમિયાન પાછળ આકાશી આતશબાજી જોવા મળે છે. આ વીડિયો સાથે હાર્દિકે લખ્યું – મારા પ્રિયે, જન્મદિવસની શુભેચ્છાઓ. 25 વર્ષ પહેલાં આ દુનિયામાં આવવા બદલ આભાર. તમે ખૂબ જ અદ્ભુત વ્યક્તિ છો. હું તમને ખૂબ પ્રેમ કરું છું. હાર્દિકના આ સંદેશ પર તેમની પ્રેમિકા માહિકાએ પ્રતિભાવ આપતાં લખ્યું – તમે આ વર્ષનું સૌથી સુંદર ભેટ છો.

હાર્દિક પાંડ્યાએ માહિકા શર્માનો 25મો જન્મદિવસ વિશેષ બનાવી દીધો. તેણે 25 આશ્ચર્યજનક ભેટો આપી, જેમાં લાલ અને ગુલાબી ગુલાબો અને વૈભવી ભેટો સામેલ હતી. માહિકા એ ઈન્સ્ટા સ્ટોરીમાં તેની ઝલક બતાવી અને હાર્દિકનો આભાર માનતા લખ્યું કે તેઓ જન્મદિવસના દરેક ગિફ્ટ્સનો આનંદ લઈ રહી છે.

માહિકા શર્માએ એક વધુ તસ્વીર પણ શેર કરી છે, જેમાં હાર્દિક બંને હાથમાં ગુલાબ પકડીને પોઝ આપતો નજર આવે છે. ફેન્સ તેની આ તસ્વીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.હાર્દિકે 2020માં સર્બિયાની મોડેલ નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. બંનેનો એક પુત્ર અગસ્ત્ય પણ છે, પરંતુ ચાર વર્ષ બાદ 2024માં તેમનું વૈવાહિક જીવન તૂટ્યું અને બંનેનો છૂટાછેડો થયો હતો. નતાશા સ્ટેનકોવિક સાથેના છૂટાછેડા પછી હાર્દિકે 2025માં માહિકા સાથેના સંબંધની પુષ્ટિ કરી હતી. હાલમાં બંને ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા છે. T20 વિશ્વકપ 2026 દરમિયાન માહિકા હાર્દિકને પ્રોત્સાહન આપવા સ્ટેડિયમમાં પણ પહોંચી રહી છે. અનેક વખત બંને રજાઓ દરમિયાન પણ સાથે નજર આવ્યા છે.

Ahmedabad : અમદાવાદ પ્લેન ક્રેશમાં દાઝેલા અજય પરમારનો એર ઈન્ડિયા સામે ગંભીર આક્ષેપ, કહ્યું – ‘દબાણ હેઠળ સહી કરાવી વિશ્વાસઘાત કર્યો’

0

અમદાવાદમાં 12મી જૂન 2025ના રોજ એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બચેલા અને ગંભીર રીતે દાઝેલા પીડિત અજય પરમારે એરલાઈન્સ કંપની સામે ગંભીર આક્ષેપો કરતા ચકચાર મચી ગઈ છે. તેણે દાવો છે કે કંપનીએ તેની મજબૂરીનો ફાયદો ઉઠાવી, વકીલ કે પરિવારની ગેરહાજરીમાં દબાણ પૂર્વક દસ્તાવેજો પર સહી કરાવી લીધી છે.

મળતી માહિતી અનુસાર, 12મી જૂનના રોજ જ્યારે અજય પરમાર મોપેડ લઈને જમવા જઈ રહ્યા હતા, ત્યારે પ્લેન ક્રેશની ઘટના બની હતી. આ અકસ્માતમાં તેનું મોપેડ સળગી ગયું હતું અને તે 23 ટકા જેટલા દાઝી ગયો હતો. અકસ્માત બાદ તેણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સતત બે મહિના સુધી સારવાર લીધી હતી. પીડિત અજય પરમારના જણાવ્યાનુસાર, લગ્નના માત્ર એક જ મહિના બાદ આ દુર્ઘટના ઘટી હતી. શારીરિક અક્ષમતાને કારણે પત્ની પણ જતી રહી છે અને હાલ તેમની પાસે કોઈ રોજગારી નથી.

અજય પરમારે દાવો કર્યો કે, મોપેડના ખર્ચના બિલ પર સહી કરાવવાના બહાને તેની પાસે ‘ફુલ એન્ડ ફાઈનલ’ સેટલમેન્ટના દસ્તાવેજો પર સહી કરાવી લેવામાં આવી. વકીલ કે પરિવારને જાણ કર્યા વગર જ દસ્તાવેજો પડાવી લેવાયા. તેમણે કહ્યું કે, ‘મને દસ્તાવેજ સમજાયો નહોતો.’ 5 લાખ રૂપિયા આપીને કાયમી કાનૂની હક્કો છીનવી લેવાનો પ્રયાસ થયો હોવાનો દાવો. અત્યાર સુધી તેને 25 હજાર રોકડા અને 25 લાખ (સારવાર/વળતર પેટે) મળ્યા હોવાનો ઉલ્લેખ છે, પરંતુ ભવિષ્યની રોજગારી અને નુકસાન સામે આ રકમ અપૂરતી છે.

પીડિત અજય પરમારે કહ્યું કે, ‘હું 5 લાખ રૂપિયા પરત આપવા તૈયાર છું, પણ મારે ન્યાય જોઈએ. એર ઈન્ડિયાએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. મારે કામ જોઈએ છે, મને અત્યારે કોઈ રોજગારી આપતું નથી.’

Valsad : કપરાડાના કુંભઘાટ નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રક અને ઈકો વચ્ચેની ટક્કરમાં 5 લોકોના કરૂણ મોત

0

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ નજીક આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. કપરાડા-નાનાપોંઢા હાઈવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો કપરાડા તાલુકાના આંબા જંગલ ગામના રહેવાસી હતા. તેઓ પોતાની ઈકો કારમાં સવાર થઈને કપરાડાથી નાનાપોંઢા તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન કુંભઘાટ નજીક ટ્રક સાથે તેમની ઈકો કારની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકો અને પોલીસની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

National :” ‘વડાપ્રધાન બનેગી…’, આસામમાં બાબાએ પ્રિયંકા ગાંધીને આપ્યા આશીર્વાદ, જુઓ કોંગ્રેસ સાંસદનું રિએક્શન

0

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે ગુરુવારથી આસામના બે દિવસીય પ્રવાસે છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આસામમાં સક્રિય થયેલા પ્રિયંકા ગાંધીએ પોતાના પ્રવાસની શરૂઆત પ્રસિદ્ધ શક્તિપીઠ મા કામાખ્યાના દર્શન અને વિશેષ પૂજા સાથે કરી હતી. આ દરમિયાન પ્રિયંકા ગાંધીને એક બાબાએ આપેલા આશીર્વાદનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

શક્તિપીઠ મા કામાખ્યાના દર્શન કરવા પહોંચેલી પ્રિયંકા ગાંધીની સાથે સાંસદ ગૌરવ ગોગોઈ પણ હાજર હતા. મંદિરમાં પૂજન-અર્ચન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, ‘હું અહીં માતાના આશીર્વાદ લેવા આવી છું. મા કામાખ્યા સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે અને અહીં આવીને મને ખૂબ જ શાંતિ અને આનંદનો અનુભવ થયો છે.’

દર્શન બાદ જ્યારે પ્રિયંકા ગાંધી મંદિર પરિસરમાં એક બાબાને મળ્યા, ત્યારે તે દ્રશ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બાબાએ પ્રિયંકાના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપતા કહ્યું કે, ‘બાબા મહાકાલ અને ભૈરવનાથના આશીર્વાદ..આ વર્ષે બહેનનું કામ સફળ થશે, અમારી દીકરી વડાપ્રધાન બનશે.’ બાબાની આ વાત સાંભળી પ્રિયંકા ગાંધીએ હસતા મુખે ‘ઓહ’ કહીને ત્યાંથી આગળ વધી ગયા હતા. આ ક્ષણનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાઈરલ થઈ રહ્યો છે.મંદિરના દર્શન બાદ પ્રિયંકા ગાંધી ગુવાહાટી સ્થિત કોંગ્રેસ રાજીવ ભવન માટે રવાના થયા હતા. અહીં તેઓ બ્લોક કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસના નેતાઓ અને આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિના સભ્યો સાથે મહત્વની બેઠકો યોજી હતી. આ પ્રવાસથી પ્રિયંકા ગાંધી આસામમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા અને આગામી ચૂંટણીની વ્યૂહનીતિ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

Gujarat : ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં ધરખમ ફેરફારની તૈયારી, ભાગીને લગ્ન કરનારા મુશ્કેલીમાં મૂકાશે

0

ગુજરાત વિધાનસભામાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક અત્યંત સંવેદનશીલ અને સામાજિક મહત્ત્વ ધરાવતા નિર્ણયની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર ‘ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-2006’ના નિયમોમાં ધરખમ સુધારા કરવા જઈ રહી છે. આ સુધારા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી રોકવાનો અને લગ્ન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે.

ગુજરાતમાં સરકારે રાજ્યમાં લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ભાગીને પ્રેમ લગ્ન વિરુદ્ધ છેલ્લા ઘણા સમયથી વિવિધ સમાજની સંસ્થાઓ નિયમો કડક કરવા માંગ કરી રહી હતી. એવામાં હવે જો તમે લગ્નની નોંધણી કરાવવા જશો તો માતા-પિતાને 10 દિવસમાં તેની જાણ કરાશે.

લગ્નની નોંધણી સમયે વર-વધુએ માતા-પિતાને જાણ કરી છે કે નહીં તેનું ડિક્લેરેશન આપવાનું રહેશે. માતા-પિતાના આધાર કાર્ડ, સરનામું અને મોબાઈલ નંબર પણ આપવા પડશે. જે બાદ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા 10 દિવસમાં માતા-પિતાને જાણ કરાશે. લગ્ન નોંધણીની તમામ વિગતો ઓનલાઈન પોર્ટલમાં મૂકાશે જેમાં સિરિયલ નંબર, પેજ નંબર, વોલ્યુમ નંબરની વિગતો મૂકવામાં આવશે.

સરકારે આ નિયમોમાં સુધારો કરવા માટે લોકશાહી અભિગમ અપનાવ્યો છે. આગામી 30 દિવસ સુધી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. નાગરિકો આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઇટ પર પોતાના મંતવ્યો મોકલી શકશે, જેના આધારે નવા નિયમોને અંતિમ ઓપ આપવામાં આવશે.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દીકરીઓના પ્રેમલગ્ન અને ત્યારબાદ પરિવારોમાં સર્જાતી પીડા અંગે સામાજિક આંદોલનો ચાલી રહ્યા હતા. ખાસ કરીને પાટીદાર સમાજ અને અન્ય ક્ષત્રિય-ઠાકોર સમાજની સંસ્થાઓએ લાંબા સમયથી માંગ કરી હતી કે લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ. લગ્ન જે તે સ્થાનિક વિસ્તાર(ગામ કે તાલુકા)માં જ નોંધવા જોઈએ.

અગાઉ અનેક સામાજિક સંગઠનોએ સચિવાલયમાં રજૂઆતો કરી હતી. આ મુદ્દે માત્ર સત્તાધારી પક્ષ જ નહીં, પરંતુ વિરોધ પક્ષના નેતાઓએ પણ અવાજ ઉઠાવ્યો હતો. વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ સરકારના આ નિર્ણયને આવકારતા ભાવુક થઈને જણાવ્યું હતું કે, “આ ગુજરાતની વર્ષો જૂની પીડા છે. આ બિલ માટે હું બે વર્ષથી કામ કરતો હતો, આજે સરકારને અભિનંદન આપવા હું ઘરેથી ચાલીને આવીશ અને પાઘડી પહેરાવીશ.”

હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ વિષય પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. ઘણી બધી સામાજિક સંસ્થાઓની રજૂઆતોને ધ્યાને રાખીને સરકાર એવા નિયમો બનાવવા માંગે છે કે જેથી કરીને સામાજિક માળખું જળવાઈ રહે અને કોઈ પણ પક્ષે અન્યાય ન થાય. લગ્ન નોંધણીની પ્રક્રિયામાં ડિજિટાઇઝેશન અને સ્થાનિક સાક્ષીઓની હાજરી જેવા મુદ્દાઓ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આ સુધારો માત્ર કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ ગુજરાતના સામાજિક તાણાવાણાને સુરક્ષિત રાખવાનો પ્રયાસ છે. હવે જોવાનું એ રહેશે કે 30 દિવસમાં આવનારા સૂચનો બાદ સરકાર ‘માતા-પિતાની સંમતિ’ના કયા સ્તરને કાયદાકીય સ્વરૂપ આપે છે.

Gujarat : રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી ન પહોંચી, મહિલાને કણસતી હાલતમાં ખાનગી જીપમાં ઘર સુધી લઈ જવાઈ

0

એક તરફ ભારત દેશ વિશ્વ સ્તરે ‘AI ટેક્નોલોજી સમિટ’ યોજીને ડિજિટલ ઇન્ડિયા અને આધુનિકતાના ડંકા વગાડી રહ્યો છે, ત્યારે ગુજરાતના છેવાડાના જિલ્લા છોટાઉદેપુરના નસવાડી તાલુકામાંથી વિકાસના દાવાઓની પોલ ખોલતી એક અત્યંત કરુણ તસવીર સામે આવી છે. નસવાડી CHC (સામૂહિક આરોગ્ય કેન્દ્ર) માં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવનાર એક મહિલાને પાકા રસ્તાના અભાવે કણસતી હાલતમાં ખાનગી જીપમાં ઘરે જવાની ફરજ

નસવાડી તાલુકાના કુંડા ગામના નોલીયાબારી ફળિયામાં રહેતી એક મહિલા કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા નસવાડી CHC ખાતે આવી હતી. ઓપરેશન બાદ જ્યારે તેને ઘરે પરત ફરવાનું હતું, ત્યારે સરકારી એમ્બ્યુલન્સ કે વાહન તે ફળિયા સુધી પહોંચી શક્યું નહીં. કારણ માત્ર એટલું જ હતું કે ગામના આ ફળિયા સુધી પહોંચવા માટે કોઈ પાકો રસ્તો જ નથી. માત્ર પથરાળ અને ઉબડખાબડ કાચો રસ્તો હોવાને કારણે એમ્બ્યુલન્સે આવવાનો ઇનકાર કરી દીધો.

મહિલાના પતિ માલજીભાઈએ જણાવ્યું કે, હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પત્નીને કણસતી હાલતમાં જ એક ખાનગી જીપમાં બેસાડવામાં આવી હતી. ઓપરેશનના ટાંકા અને દુખાવા સાથે પત્નીને ઉબડખાબડ રસ્તા પર લઈ જવી એ મોટું જોખમ હતું. જે રસ્તે એમ્બ્યુલન્સ જેવું સુવિધાજનક વાહન ન જઈ શક્યું, ત્યાં એક ખાનગી વાહનમાં પત્નીને લાધવી પડી તે શાસકો માટે શરમજનક બાબત છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા આ કાચા રસ્તાને પાકો બનાવવા માટે અગાઉ 11 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. પરંતુ વહીવટી તંત્રની આળસને કારણે ટેન્ડર પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ થઈ નથી. કાગળ પર કરોડો રૂપિયા મંજૂર હોવા છતાં, જમીની હકીકત એ છે કે લોકો આજે પણ વર્ષો પુરાણી હાડમારી ભોગવી રહ્યા છે. નોંધનીય છે કે, અગાઉ આ જ ફળિયાની એક પ્રસૂતાને રસ્તાના અભાવે સમયસર સારવાર ન મળતા પોતાનું સંતાન ગુમાવવાનો વારો આવ્યો હતો.

વિધાનસભામાં મોટા મોટા ભાષણો આપતા નેતાઓ અને તંત્ર માટે આ દ્રશ્યો આખું ઉઘાડનારા છે. પ્રશ્ન એ થાય છે કે વિકાસની વાતો માત્ર શહેરો પૂરતી જ સીમિત છે? છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવામાં તંત્ર ક્યાં સુધી નિષ્ફળ જશે?

Sports : અંદરોઅંદર બાખડ્યાં પાકિસ્તાની ક્રિકેટર્સ, હવે શાહિદ આફરીદી શાદાબ પર થયો લાલઘૂમ

0

T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8માં ક્વોલિફાય થયા બાદ પાકિસ્તાની ઓલરાઉન્ડર શાદાબ ખાને પોતાના જ દેશના પૂર્વ ખેલાડીઓની મજાક ઉડાવી હતી. જે હવે વિવાદનું કારણ બની છે. PCBની ચેતવણી બાદ હવે પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે.

ગ્રુપ સ્ટેજમાં ભારત સામે કારમી હાર બાદ પાકિસ્તાને નામિબિયાને હરાવી સુપર-8માં જગ્યા બનાવી હતી. જ્યારે શાદાબ ખાનને પૂર્વ ખેલાડીઓ દ્વારા કરવામાં આવતી ટીકા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કટાક્ષ કરતા કહ્યું હતું કે, “તેઓ (પૂર્વ ખેલાડીઓ) પોતાની રીતે લિજેન્ડ હશે, પરંતુ અમે (વર્તમાન ટીમ) ભારત સામે એક મેચ તો જીત્યા છીએ.” શાદાબનો ઇશારો એ તરફ હતો કે પાકિસ્તાનની જૂની ટીમો ભારત સામે વર્લ્ડ કપમાં ક્યારેય જીતી શકી નહોતી.

શાહિદ આફ્રિદીએ એક ટીવી ચેનલ પર શાદાબને જવાબ આપતા કહ્યું કે, સન્માન પચાવી ન શક્યા: “શાદાબે સાચું કહ્યું કે તેઓ ભારત સામે જીત્યા અને અમે નહીં. તેમને આ જીતનું સન્માન મળ્યું, પરંતુ તેઓ તેને સંભાળી શક્યા નહીં. 2021ની જીત બાદ તેઓ પોતાની વચ્ચેના મુદ્દાઓ જ ઉકેલી શક્યા નથી.”

આફ્રિદીએ ઉમેર્યું, “શાદાબ બેટા, તમે અત્યારે નામિબિયા જેવી નાની ટીમ સામે પ્રદર્શન કર્યું છે. હજુ ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને ઈંગ્લેન્ડ જેવી મોટી ટીમો સામે રમવાનું બાકી છે. ત્યાં પરફોર્મ કરીને જવાબ આપો, અમે પોતાની મેળે જ ચૂપ થઈ જઈશું.”

આફ્રિદીએ યાદ અપાવ્યું કે, “અમારી સામે પણ લોકો ઘણું બોલતા હતા, પણ અમે હંમેશા મોટી ટીમો સામે રમીને અમારા પ્રદર્શનથી જવાબ આપતા હતા. જ્યારે તું ફોર્મમાં નહોતો, ત્યારે અમે જ તારો બચાવ કરતા હતા.”

National : હૈદરાબાદમાં હચમચાવતી ઘટના, ચપ્પુની અણીએ દારૂ પીવડાવી 8મું ભણતી વિદ્યાર્થિની પર ગેંગ રેપ

0

હૈદરાબાદમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નરસિંગી વિસ્તારમાંથી લાપતા થયેલી 8માં ધોરણની વિદ્યાર્થિની સાથે ત્રણ શખ્સોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાની વિગતો બહાર આવતા સમગ્ર પંથકમાં રોષ ફેલાયો છે.

હૈદરાબાદના નરસિંગી વિસ્તારમાંથી ગત સોમવારથી લાપતા થયેલી 16 વર્ષીય વિદ્યાર્થિની ચેંગીચેરલાના એક ફ્લેટમાંથી મળી આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ત્રણ શખ્સોએ તેને બંધક બનાવી, ચપ્પુની અણીએ બળજબરીથી દારૂ પીવડાવી તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ મામલે એક 24 વર્ષીય યુવક અને એક સગીરની ધરપકડ કરી છે, જ્યારે ત્રીજો આરોપી હજુ ફરાર છે.

ભોગ બનનાર સગીરા ધોરણ 8માં અભ્યાસ કરે છે. તે ધરપકડ કરાયેલા સગીર આરોપીને પહેલાથી ઓળખતી હતી, જે ચારમિનારની એક ફૂટવેર શોપમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. ગત 16 ફેબ્રુઆરીના રોજ શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થિની તેને મળવા ગઈ હતી. ત્યાંથી આરોપીઓ તેને લલચાવી-ફોસલાવી ચેંગીચેરલાના એક ખાલી એપાર્ટમેન્ટમાં લઈ ગયા હતા.

એપાર્ટમેન્ટમાં ત્રણેય નરાધમોએ સગીરા પર હુમલો કર્યો અને જીવથી મારી નાખવાની ધમકી આપીને તેને દારૂ પીવા મજબૂર કરી હતી. તબીબી તપાસમાં સગીરાના ખાનગી ભાગોમાં ગંભીર ઈજાઓ હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે બુધવારે સગીરાને ફ્લેટમાંથી રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડી હતી.

સગીરા તેની નાની સાથે નરસિંગીની એક સોસાયટીમાં રહેતી હતી. સોમવારે સવારે તે સ્કૂલે જવા નીકળી હતી પરંતુ મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરી હતી. કોઈ પત્તો ન મળતા મંગળવારે સવારે તેની માતાએ પોલીસમાં ગુમશુદગી અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી આ પાપનો પર્દાફાશ કર્યો હતો.

Kutch : ગર્ભવતી પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ લાશ કૂવામાં ફેંકી, મિત્ર સાથે મળી રચ્યો લોહિયાળ ખેલ

0

કચ્છના અંજાર તાલુકાના ચંદિયા ગામે પ્રેમ પ્રકરણનો કરુણ અને પથ્થર દિલ માનવીની ક્રૂરતા દર્શાવતો કિસ્સો સામે આવ્યો છે. લગ્ન કરવા માટે દબાણ કરતી ગર્ભવતી પ્રેમિકાની પ્રેમીએ તેના મિત્ર સાથે મળીને ગળેટૂંપો આપી હત્યા કરી નાખી હતી અને પુરાવાનો નાશ કરવા મૃતદેહને પથ્થર બાંધી કૂવામાં ફેંકી દીધો હતો. જોકે, પોલીસે આ હત્યાકાંડનો પર્દાફાશ કરી આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, ચંદિયા ગામની મૃતક 18 વર્ષીય રાધા સથવારા અને મિંદીયાળા ગામના આરોપી રાજેશ રબારી વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. આ દરમિયાન રાધા ગર્ભવતી થતા તેણે રાજેશ પર લગ્ન કરવા માટે દબાણ શરૂ કર્યું હતું. જો કે, રાજેશ તેને પત્ની તરીકે સ્વીકારવા તૈયાર નહોતો અને તેણે રાધાને રસ્તામાંથી હટાવવાનું ક્રૂર કાવતરું ઘડ્યું હતું.

બે-ત્રણ દિવસ અગાઉ રાજેશ રાધાને લગ્ન કરવાના બહાને ઘરેથી ભગાડીને ગામના સીમાડે લઈ આવ્યો હતો. અહીં પૂર્વનિયોજિત કાવતરા મુજબ,તેણે મિત્ર રાહુલ રબારીની મદદથી રાધાને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી હતી. હત્યા કર્યા બાદ પાપ છુપાવવા માટે રાધાના મૃતદેહને વજનદાર પથ્થર સાથે બાંધ્યો હતો. પથ્થર બાંધેલી હાલતમાં લાશને સીમાડે આવેલા ઊંડા કૂવામાં ફેંકી દીધી હતી જેથી લાશ ઉપર ન આવે.

દીકરી ગુમ થતાં ચિંતિત પરિવારજનોએ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અંજાર પીઆઈ એ.આર. ગોહિલ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે શંકાસ્પદ રાજેશ રબારીની અટકાયત કરી હતી. પોલીસની કડક પૂછપરછમાં આરોપી રાજેશ ભાંગી પડ્યો હતો અને મિત્ર રાહુલ સાથે મળીને કરેલા હત્યાકાંડની કબૂલાત કરી હતી.

આરોપીની કબૂલાત બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. કૂવો પાણીથી ભરેલો અને ઊંડો હોવાથી ભુજ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ભારે જહેમત બાદ રાધાનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

હાલ અંજાર પોલીસે મુખ્ય આરોપી રાજેશ અને તેના સાગરીત રાહુલ વિરુદ્ધ હત્યા (IPC 302/BNS હેઠળ), પુરાવાનો નાશ કરવો અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.