Home Blog Page 751

Gandhinagar : સખીમંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ પ્રીમિયમ શિયાળુ પૌષ્ટિક હેમ્પર કેટલોગ “Winter Bliss”નું ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે વિમોચન

0

ગુજરાતની પરંપરા, શુદ્ધતા અને પૌષ્ટિકતાને એક જ છત્ર નીચે લાવી સ્વ સહાય જૂથનાં બહેનોને સ્થિર રોજગાર, ટકાઉ આજીવિકા અને મૂલ્યવર્ધિત બજાર પ્રદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલના માર્ગદર્શનમાં અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે.

ગુજરાતની ગ્રામ્ય મહિલાઓ દ્વારા બનાવાયેલ પરંપરાગત શિયાળાના પૌષ્ટિક ઉત્પાદનોનું પ્રીમિયમ હેમ્પર કલેક્શન એવા અનોખી પહેલ “Winter Bliss” પ્રીમિયમ શિયાળુ પૌષ્ટિક હેમ્પર કેટલોગનું આજે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં વિમોચન કર્યું હતું.

“Winter Bliss” ગુજરાતની ગ્રામ્ય મહિલાઓ દ્વારા બનાવાયેલ પરંપરાગત શિયાળાના પૌષ્ટિક ઉત્પાદનોનું પ્રીમિયમ હેમ્પર કલેક્શન છે. આ પહેલના માધ્યમથી સ્વ સહાય જૂથની બહેનોની આવકમાં વધારો, તેમના ઉત્પાદનોને બજારમાં સીધી પહોંચ અને ઉદ્યોગ સાહસિકતાનું મજબૂત પ્લેટફોર્મ મળે છે. આ હેમ્પરમાં શિયાળામાં પરંપરાગત રીતે બનાવાતી 14 પૌષ્ટિક વસ્તુઓને સ્વચ્છતા, શુદ્ધતા અને આધુનિક પેકેજિંગ સાથે રજૂ કરવામાં આવી છે.જેમાં 24 જિલ્લાના કુલ 40 સખી મંડળો આ ઉત્પાદનોના ઉત્પાદન અને પેકેજિંગમાં સક્રિય છે. તમામ વસ્તુઓ મહિલાઓ દ્વારા હાથ બનાવટની, શુદ્ધ અને પરંપરાગત રેસીપી પ્રમાણે તૈયાર કરવામાં આવે છે. આ પહેલ સ્વ સહાય જૂથનાં બહેનોને સ્થિર રોજગાર, ટકાઉ આજીવિકા અને મૂલ્યવર્ધિત બજાર પ્રદાન કરે છે.

પ્રીમિયમ કોમ્બો હેમ્પર્સ

આકર્ષક પેકેજિંગમાં ઉપલબ્ધ આ કોમ્બોમાં પસંદગીના ઉત્પાદનોને એકસાથે મિક્સ કરીને આકર્ષક પેકેજિંગમાં આપવામાં આવે છે. આ તમામ હેમ્પર્સ FSSAI પ્રમાણિત, સ્વચ્છ ઉત્પાદન અને આકર્ષક પેકેજિંગ સાથે તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ કિમતના કોમ્બો ઉપલબ્ધ છે.

1) Nutrinest – ₹2499

જેમાં ખજૂર પાક, મેથી લાડુ, અડદિયા, ખજૂર ડ્રાય ફ્રૂટ રોલ અને કાળા તલ કચરિયા સામેલ છે.

2) Healthy Bites – ₹1699

જેમાં ખજૂર પાક, મેથી લાડુ, અડદિયા અને ખજૂર ડ્રાય ફ્રૂટ રોલ સામેલ છે.

3) Rooted Joy – ₹1499

જેમાં ડ્રાય ફ્રૂટ કોકોનટ લાડુ, મેથી લાડુ, અડદિયા અને ગુંદર લાડુ સામેલ છે.

યોજનાનો હેતુ અને અપેક્ષિત પરિણામ

અ) મહિલાઓનું સશક્તિકરણ: સ્વ સહાય જૂથોની બહેનોની આવકમાં વધારો, Seasonal ઉત્પાદનોની રાજ્ય સ્તરેથી રાષ્ટ્રીય બજાર સુધી પહોંચ, મહિલા આધારિત ઉદ્યોગો માટે ટકાઉ આજીવિકાનિર્માણ માટેની કડી વિકસાવવી

બ) પરંપરાગત પૌષ્ટિકતાનો પ્રચાર: શિયાળામાં ગુજરાતની પરંપરાગત રેસીપીનું રાજ્યસ્તરીય બ્રાન્ડિંગ,શુદ્ધતા, સ્વાસ્થ્ય અને ઘરેલુ ગુણવત્તા ધરાવતી પ્રોડક્ટ્સનો પ્રચાર

ક) ગ્રામ્ય અર્થતંત્રને મજબૂતી આપવી: ખરીદી–ઉત્પાદન–પેકેજિંગ–માર્કેટિંગ સુધીની સંપૂર્ણ મહિલાઓ આધારિત સપ્લાય ચેઇન

40 સખી મંડળો દ્વારા બનાવાયેલ શિયાળાના પરંપરાગત
“Winter Bliss” એ ગુજરાતના 24 જિલ્લાના 40 સખી મંડળો દ્વારા બનાવાયેલ શિયાળાના પરંપરાગત 14 ઉત્પાદનો સાથેનું પ્રીમિયમ હેમ્પર કલેક્શન છે. આ પહેલ ગ્રામ્ય મહિલા ઓની આજીવિકા વધારવા, તેમના ઉત્પાદનોને રાજ્યસ્તરેથી રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવા અને પરંપરાગત ગુજરાતી પૌષ્ટિકતાને આધુનિક રીતે રજૂ કરવા માટેનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ પ્રસંગે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણે,ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર સુધીર કે. પટેલ સહિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

Business : ડોલરના મુકાબલે પહેલીવાર 90ની પાર રૂપિયો, જાણો કેમ થઇ રહ્યો છે ઘટાડો?

0

બુધવારે, રૂપિયો પહેલી વાર 90 ના સ્તરને પાર કરી ગયો. છેલ્લા સાત મહિનામાં રૂપિયો 6 રૂપિયાથી વધુ ઘટ્યો છે. આનો અર્થ એ થયો કે આ સમયગાળા દરમિયાન ડોલર સામે તે લગભગ 8% ઘટ્યો છે.મે મહિનામાં જ્યારે રૂપિયો ડોલર સામે 84 થી વધીને 83 પર પહોંચ્યો, ત્યારે બધાને વિશ્વાસ હતો કે દેશનું ચલણ ફરી 80ના સ્તર પર પહોંચશે. જોકે ત્યારથી સાત મહિના વીતી ગયા છે. આ સમય દરમિયાન ડોલર સામે રૂપિયો લગભગ 8% ઘટ્યો છે. બુધવારે તે પહેલી વાર ડોલર સામે 90 ના સ્તરને પાર કરી ગયો.નિષ્ણાતો માને છે કે ડોલરની સ્થાનિક માંગમાં વધારો અને વિદેશી રોકાણકારો દ્વારા નફા-બુકિંગને કારણે રૂપિયામાં ઘટાડો થયો છે.

નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં ડોલર સામે વધુ ઘટાડો જોવા મળી શકે છે,91 ના સ્તરને પાર કરે તેવી શક્યતા છે. જોકે ફેડના વ્યાજ દરમાં ઘટાડા અને RBI MPCના વલણના આધારે રૂપિયો પોતાનો માર્ગ બદલી શકે છે.

બુધવારે, ડોલર સામે રૂપિયો પહેલી વાર 90 ના સ્તરને વટાવી ગયો અને શરૂઆતના વેપારમાં 6 પૈસા ઘટીને 90.02 પર બંધ થયો. આનું કારણ બેંકો દ્વારા ઉચ્ચ સ્તરે યુએસ ડોલરની ખરીદી ચાલુ રાખવા અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા સતત ઉપાડ હતો. જોકે વિદેશી ચલણ વેપારીઓના મતે નબળા ડોલર ઇન્ડેક્સ અને વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાએ તીવ્ર ઘટાડાને ઓછો કર્યો.

આંતરબેંક વિદેશી ચલણ વિનિમય બજારમાં ડોલર સામે રૂપિયો 89.96 પર ખુલ્યો અને 90.15 ના રેકોર્ડ નીચા સ્તરે ગયો, પરંતુ પછી થોડો સુધરીને 90.02 પર ટ્રેડ થયો, જે તેના અગાઉના બંધ કરતા 6 પૈસા નીચે છે. મંગળવારે, ડોલર સામે રૂપિયો 43 પૈસા ઘટીને 89.96 ના જીવનકાળના નીચલા સ્તરે પહોંચી ગયો, મુખ્યત્વે સટોડિયાઓ દ્વારા સતત શોર્ટ-કવરિંગ અને આયાતકારો દ્વારા યુએસ ચલણ માટે સતત માંગને કારણે.

ફિનરેક્સ ટ્રેઝરી એડવાઇઝર્સ LLP ના ટ્રેઝરી હેડ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનિલ કુમાર ભણસાલીએ જણાવ્યું હતું કે ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) આયાતકારોને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે રૂપિયો નબળો પડી રહ્યો છે.તેમણે કહ્યું કે રાષ્ટ્રીયકૃત બેંકો ગઈકાલે મંગળવારે સતત ડોલર ખરીદી રહી હતી અને ટ્રેડિંગ પ્લેટફોર્મ પર બજાર બંધ થયા પછી 90.0050 પર સોદો થયો હતો. ભારત-યુએસ વેપાર વાટાઘાટો અટકી જવા અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) દ્વારા ભારે ઉપાડને કારણે ડોલર ઇન્ડેક્સ નબળો પડ્યો હોવા છતાં રૂપિયામાં આ ઘટાડો થયો હતો.

ભણસાલીએ કહ્યું કે જો RBI નું 90 પરનું સપોર્ટ લેવલ ઘટાડવામાં આવે છે, તો આ ચક્રમાં રૂપિયો 91 સુધી પહોંચી શકે છે. MPC ની બેઠક આજે થઇ રહી છે. વ્યાજ દરનો નિર્ણય 5 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે, જ્યારે ફેડ 10 ડિસેમ્બરે તેના પોલિસી રેટની જાહેરાત કરશે. તેમણે કહ્યું કે RBI ના વ્યાજ દરમાં ઘટાડાથી રૂપિયામાં વધુ વેચાણ થઈ શકે છે.

ડોલર સામે રૂપિયામાં પહેલાથી જ આશરે 8%નો ઘટાડો જોવા મળ્યો છે. ડેટા દર્શાવે છે કે 2 મેના રોજ રૂપિયો 83.76 ની વર્ષની ટોચે પહોંચ્યો હતો, જે 3 ડિસેમ્બરના રોજ 90.15 ના જીવનકાળના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. આનો અર્થ એ છે કે ડોલર સામે રૂપિયામાં પહેલાથી જ 6.39 રૂપિયાનો ઘટાડો થયો છે. આનો અર્થ એ છે કે ડોલર સામે રૂપિયામાં આશરે 8%નો ઘટાડો થયો છે.

Kutch : મુન્દ્રાના ધ્રબ ગામ નજીક GIDCના ગોડાઉનમાંથી 1 કરોડ કરતા વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

0

કચ્છના મુન્દ્રા નજીકથી કરોડોનો દારૂનો જથ્થો ઝડપાયો છે, ધ્રબ ગામ GIDCમાં ગોડાઉનમાંથી મળ્યો દારુનો જથ્થો અને ગોડાઉન નં-33માંથી કરોડોનો દારુ ઝડપાયો છે.દારૂના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા છે 3 ફરાર છે, નરેન્દ્ર મકવાણા નામના વ્યક્તિના નામે છે ગોડાઉન અને રાજસ્થાનથી દારૂનો જથ્થો મોકલાયો હતો અને અનિલ પાંડે નામના વ્યક્તિએ મોકલ્યો હતો દારૂ. પોલીસે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.જે.ઠુંમર મુન્દ્રા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની ટીમ સાથે મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃતિનો ગેરકાયદેસર જથ્થો મંગાવી વેચનારા ઇસમો પર વોચ રાખવા પેટ્રોલીંગમાં હતા, તેમજ સાયબર સેલ પોલીસ મહાનિરીક્ષકની કચેરી સરહદી રેન્જ ભુજ ના પો.સબ ઇન્સ. એમ.એચ.જાડેજા નાઓ પણ આ બાબતે કાર્યરત હતા.

તે દરમ્યાન પો.ઇન્સ. આર.જે.ઠુંમર તથા પો.સબ ઇન્સ. એમ.એચ. જાડેજા નાઓને સયુંક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મુન્દ્રા જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ ગોડાઉન નંબર 33માં દરશડી ગામના અનિલસિંહ જાડેજા તથા મહિપતસિંહ વાઘેલાનાઓ બહારથી ટ્રક મારફતે વિદેશી બનાવટના અંગ્રેજી પ્રકારના દારૂના જથ્થો અન્ય વ્યક્તિઓ મારફતે મુંદરા ધ્રબ જી.આઈ.ડી.સી. ગોડાઉન નં.33માં ઉતારવાની પેરવી કરી રહેલ છે. તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળતા તુંરત જ વર્કઆઉટ કરી રેઇડ કરતા બે ઇસમો નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીઓ દારૂની હેરફેર કરવા માટે પોલીસ ચેકીંગ સમયે બચવા માટે દારૂના જથ્થા ઉપર ચોખાનુ ભુસુ પેકીંગ કરેલ હાલતમાં રાખતા હતા. સદર રેઇડમાં પકડાયેલ ટ્રકમાં પણ આ પ્રકારના ભુસાના બાચકા હતા. તેમજ કટીંગ કરીને જે વાહનમાં દારૂ ભરી લઈ જવાના હતા તે વાહનમાં પણ આવા ચોખાના ભુસાના બાચકા મળી આવેલ છે.

પકડાયેલ આરોપી:-
(૧) વિક્રમસિંહ દીલુજી વાઘેલા ઉ.વ.૩૭ રહે.મુજપુર તા.શખેશ્વર જી.પાટણ

(૨) રામદેવસિંહ સુખદેવસિંહ જાદવ ઉ.વ.૨૫ રહે.જીલ્લા પંચાયતની સામે આશાપુરા ઝેરોક્ષની પાછળ હોનલી કંપાઉન્ડ સુરેન્દ્રનગર

પકડવાના બાકી આરોપી:-
(૧) અનિલસિંહ જાડેજા રહે.દરશડી તા.માંડવી (માલ મંગાવનાર)

(૨) મહિપતસિંહ કિરીટસંગ વાઘેલા રહે.મુજપુર તા.શંખેશ્વર જી.પાટણ(માલ મંગાવનાર-

(૩) અનિલ ઉર્ફે પાંડ્યા સ/ઓ જગદીશપ્રસાદ રહે. ખાનજીના વાસ જી.સીકર રાજસ્થાન(માલ મોકલનાર)

(૪) ટ્રક રજી.નં RJ-19-GJ-5475 વાળીનો ચાલક

Bhavnagar : ભાવનગર NSUI પ્રમુખની ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં ધરપકડ: અમદાવાદમાં ABVP નો ઉગ્ર વિરોધ

0

ભાવનગરમાં NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા) ના પ્રમુખ અસ્તાનાન ખાનની સાયબર ક્રાઈમ સાથે સંકળાયેલા ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં સંડોવણી ખુલતા ખળભળાટ મચી ગયો છે. સાયબર ઠગ ટોળકીને લોકોના બેંક ખાતાઓ પૂરા પાડવાના આરોપસર પોલીસ દ્વારા NSUI પ્રમુખની ધરપકડ કરવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાત અમદાવાદમાં જોવા મળ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ આ ઘટનાને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને NSUI ની પ્રવૃત્તિઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

ABVP આ સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડતા ABVP અમદાવાદના મહામંત્રીએ જણાવ્યું હતું કે, NSUI ના પદાધિકારીઓ હવે વિદ્યાર્થી રાજકારણની આડમાં ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળ્યા છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ‘ભૂતકાળમાં NSUI એડમિશન કૌભાંડો, વિદ્યાર્થીઓ પર છેડતી અને બહેન-દીકરીઓ સાથે અઘટિત ઘટનાઓમાં અગ્રણી રહ્યું છે. પરંતુ ભાવનગર NSUI પ્રમુખ દ્વારા જે રીતે સાયબર ક્રિમિનલ્સને મદદ કરી સમાજના નિર્દોષ નાગરિકોના પૈસા લૂંટવાનું કારસ્તાન કરવામાં આવ્યું છે, તે સાબિત કરે છે કે તેઓ હવે સમાજ માટે પણ ખતરાસમાન બની રહ્યા છે.’

વિરોધ પ્રદર્શન દરમિયાન ABVP એ એક અત્યંત ગંભીર મુદ્દો પણ ઉઠાવ્યો હતો. સંગઠને NSUI ની આંતરિક ચૂંટણી પ્રક્રિયામાં વિદ્યાર્થીઓના ડેટાના સંભવિત દુરુપયોગ અંગે શંકા વ્યક્ત કરી છે.

ABVP ના અગ્રણીએ માંગણી કરતા જણાવ્યું હતું કે ‘NSUI દ્વારા ચૂંટણી પ્રક્રિયાના નામે વિદ્યાર્થીઓ પાસેથી આઈડી પ્રૂફ અને બેંક એકાઉન્ટની વિગતો એકત્રિત કરવામાં આવે છે. અમને આશંકા છે કે આ ડેટાનો ઉપયોગ આવા આર્થિક ગુનાઓ કે ઠગાઈ માટે થઈ શકે છે. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે અમે સ્પષ્ટ માંગ કરીએ છીએ કે NSUI ની ચૂંટણી પ્રક્રિયાની તટસ્થ તપાસ થવી જોઈએ અને વિદ્યાર્થીઓની બેંક ડિટેલ્સ લેવાની પ્રથા તાત્કાલિક બંધ કરાવવી જોઈએ.’

ભાવનગર પોલીસ દ્વારા આરોપી પ્રમુખની ધરપકડ બાદ હવે તપાસનો રેલો અન્ય કોના સુધી પહોંચે છે તે જોવું રહ્યું. બીજી તરફ ગુજરાતના વિદ્યાર્થી રાજકારણમાં આ ઘટનાને પગલે વાતાવરણ અત્યંત ગરમાયું છે.

Up : કરોડોનો બિઝનેસ છોડી 30 વર્ષીય યુવકે સંન્યાસ લઈ લીધો, જૈન મુનિ બની જતાં પિતાએ શું કહ્યું જુઓ

0

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના રહેવાસી 30 વર્ષીય હર્ષિત જૈને પોતાના વૈભવી જીવનનો ત્યાગ કરીને જૈન મુનિ તરીકે સંયમનો માર્ગ અપનાવ્યો છે. દિલ્હીમાં કપડાંના મોટા વેપારી હર્ષિત જૈને કરોડોની પ્રોપર્ટી, કારોબાર, મોટો પરિવાર અને તમામ સુખ-સુવિધાઓ છોડી દીધી છે. તેમનો પરિવાર બાગપતનો જાણીતો પરિવાર છે, જેમાં પિતા સુરેશ જૈન ઇલેક્ટ્રોનિક્સનો મોટો બિઝનેસ ચલાવે છે અને ભાઈ સંયમ મેક્સ હોસ્પિટલમાં ડૉક્ટર છે. જોકે, કોવિડ-19 મહામારી દરમિયાન થયેલા અનુભવોએ હર્ષિતના જીવનની દિશા બદલી નાખી.

હર્ષિત જૈને જણાવ્યું કે, ‘કોવિડના સમયમાં માનવતાનું પતન, પ્રિયજનોથી અલગ થવું, ભયની અસર અને મૃત્યુની વાસ્તવિકતાએ મને હચમચાવી નાખ્યો. એક ભાઈને દૂરથી બીજા બીમાર ભાઈને ખવડાવતા જોવું, મૃત્યુ પછી લોકોને ખભા આપવાથી દૂર જતા જોવું, આ બધાથી મને અહેસાસ થયો કે, ‘માણસો એકલા આવે છે… અને એકલા જશે.’ આ અનુભવ પછી 4 વર્ષ સુધી તેમના મનમાં વૈરાગ્ય પર ચિંતન ચાલ્યું. જૈન મુનિઓ સાથેનો લગાવ વધ્યા બાદ તેમણે દીક્ષા લેવાનો અને ધન-દૌલત છોડીને સંયમનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો.

હજારો ભક્તોની હાજરીમાં બાગપત જિલ્લાના દોઘટ અને બામનૌલીના જૈન મંદિરોમાં હર્ષિતનો તિલક સમારોહ યોજાયો. આ દરમિયાન બગ્ગીમાં બેસીને બેન્ડ-વાજા સાથે તેમની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. મંત્રોચ્ચારની સાથે તેમણે પોતાનો સામાન બાંધીને મુનિ જીવનની પ્રથમ યાત્રા શરૂ કરી. હર્ષિતના આ નિર્ણય પર તેમના પિતા સુરેશ જૈને ગર્વ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, ‘મારા પુત્રએ સત્યને નજીકથી જોયું છે અને કોવિડના અહેસાસે જ તેને ધર્મના રસ્તે લાવી દીધો છે. આ વાતનો અમને ગર્વ છે.’

Vadodara : પાડોશીએ જ ઘરમાં ઘૂસીને ચોરી કર્યાનો વડોદરામાં બે દિવસમાં બીજો બનાવ, ગોત્રીમાં મહિલા સામે ફરિયાદ

0

વડોદરામાં મકાનની ચાવી સાચવતા પાડોશી દ્વારા જ ઘરમાં ઘૂસી આવીને ચોરી કરવામાં આવી હોવાનો બે દિવસમાં બીજો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. છાણી વિસ્તારમાં બપોરના સમયે દુકાનદાર જમવા આવ્યા ત્યારે ઘર ખુલ્લું હતું અને નજીકમાં રહેતા પરિચિત મકાનના પુજા રૂમમાંથી બહાર નીકળ્યા હતા. પાડોસીએ પીવા માટે પાણી માગ્યું હતું અને પછી ચાલ્યા ગયા હતા. તેમના ગયા બાદ વેપારીએ તિજોરીમાં જોયું તો દાગીના અને રોકડ મળી બે લાખની મતા ગુમ હતી. જેથી ફતેગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આવી જ રીતે ગોત્રીના ગુડાના મકાનમાં રહેતા અમિતભાઈ પટેલે પોલીસને કહ્યું છે કે ગઇ તા.29મી હું કલર કામ માટે ગયો હતો અને મારી પત્ની બાળકને નર્સરીમાં મુકવા ગઈ હતી. મારી પત્ની પરત ફરી ત્યારે દરવાજો ખુલ્લો હતો અને બેગનો સામાન વેર વિખેર હતો. જેથી અમે તપાસ કરતા સોનાના ઝુમ્મર અને મંગળસૂત્ર મળી બે તોલા સોનું અને રોકડા રૂ.2000 ચોરાઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું.

આ અંગે ઘરની ચાવી રાખતી અને અવરજવર કરતી મહિલા ઉપર શંકા જતા તેને પૂછપરછ કરી હતી. આ મહિલાએ દાગીના લઈ ગયા ની અને વેચી દીધા હોવાની કબુલાત કરી હતી. જેથી ગોત્રી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

Rajkot : રાજકોટમાં મંજૂરી વિના ‘લાલો’ ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી, માંડ બચ્યો બાળકીનો જીવ, મેનેજર સામે ફરિયાદ

0

રાજકોટ શહેરના ક્રિસ્ટલ મોલમાં મંગળવારે (2 ડિસેમ્બર) ગુજરાતી ફિલ્મ ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’ના પ્રમોશન દરમિયાન ભારે અવ્યવસ્થા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે મંજૂરી વિના ભીડ એકઠી કરવા બદલ યુનિવર્સિટી પોલીસે ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ગુનો દાખલ કર્યો છે.

ફિલ્મના કલાકારોને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડતાં લોકોની ભારે ભીડ જામી ગઇ હતી. ભીડના દબાણને કારણે એક બાળકી મોલના એસ્કેલેટર (ઈલેક્ટ્રિક સીડી) પર પટકાઈ હતી. જોકે, ત્યાં હાજર બે વ્યક્તિઓએ તાત્કાલિક બાળકીને બચાવી લીધી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. પરિસ્થિતિ વણસતી જોઈને અને વધુ કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ફિલ્મના કલાકારોએ કાર્યક્રમ ટૂંકાવીને તાત્કાલિક ત્યાંથી નીકળી જવું પડ્યું હતું.

સોશિયલ મીડિયામાં ભીડના વીડિયો વાયરલ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PSIએ તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે મોલના મેનેજર સમીર રામજીભાઈ વિસાણીએ પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી વિના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટેજ બાંધી કાર્યક્રમ યોજ્યો હતો. આથી, જાહેરનામા ભંગ બદલ મેનેજર વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનાએ જાહેર કાર્યક્રમોમાં સુરક્ષા અને આયોજકોની બેદરકારી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

World : એઆઈનો પ્રભાવ વિશ્વમાં અમીર-ગરીબ વચ્ચેના ભેદને વકરાવી શકે

0

આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ)ના બેવડા પ્રકારને ઉજાગર કરતા યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા જારી કરાયેલા તાજેતરના એક અહેવાલમાં તેનાથી થનારા સંભવિત લાભ તેમજ તેનાથી ઊભા થનારા પડકારો બંને પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ખાસ કરીને વંચિત વસતી માટે તેના નકારાત્મક પ્રભાવ વધુ થઈ શકે છે. અહેવાલમાં ઔદ્યોગિક ક્રાંતિના ગ્રેટ ડાયવર્ઝન સાથે તેની સરખામણી કરવામાં આવી છે અને તર્ક કરાયો છે કે સાવચેતીના પગલા નહિ લેવાય તો સમૃદ્ધ રાષ્ટ્રો એઆઈના મોટાભાગના લાભ આંચકી લેશે.એઆઈથી ઉદ્યોગોમાં પરિવર્તન આવી શકતું હોવાથી તેમજ તેનાથી પૂરતા સમર્થન અથવા કુશળતાથી વંચિત કામદારો બેરોજગાર થવાની સંભાવના હોવાને કારણે અહેવાલમાં તેના સામાજિક પ્રભાવો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અહેવાલમાં એઆઈ પર થતી ચર્ચામાં માનવીય તત્વ સામેલ કરવાના મહત્વ પર ભાર મુકાયો છે, ખાસ કરીને પહેેલેથી કૌશલ્ય તાલીમ, વીજળી અને ઈન્ટરનેટ જોડાણ જેવા મૂળભૂત સ્રોતોથી વંચિત રહેલા સમુદાય પર ધ્યાન આપવાની ભલામણ કરાઈ છે. અહેવાલમાં ડાટાના બળે ચાલતા વિશ્વમાં આ જૂથો ગાયબ થવાના જોખમ પર ભાર મુકાયો છે.કૃષિ, આરોગ્ય સંભાળ અને કટોકટી તરફ પ્રતિસાદ જેવા ક્ષેત્રોમાં સુધારા ઓફર કરીને એક તરફ એઆઈમાં ઉત્પાદન વધારવાની તેમજ ઈનોવેશનમાં ઉછાળો લાવવાની ક્ષમતા છે તો બીજી તરફ એવી પણ નોંધ કરાઈ છે કે વિસ્તરતા એઆઈ માળખાથી વીજ અને પાણીની વધતી માગને કારણે કાર્બન ઉત્સર્જન અને આરોગ્ય જોખમ તીવ્ર બની શકે. ઉપરાંત એઆઈના આગમનથી ગોપનીયતા ઉલ્લંઘન, સાયબર સુરક્ષા જોખમ અને ગેરમાહિતી માટે ડીપફેકના ઉદ્ભવ જેવી નૈતિક ચિંતાઓ પણ તોળાઈ રહી છે.

વધુમાં અહેવાલમાં એશિયામાં નોંધપાત્ર અસમાનતાઓ પ્રત્યે પણ ઈશારો કરવામાં આવ્યો છે જ્યાં ચીન અને જાપાન જેવા રાષ્ટ્રો અસરકારક રીતે એઆઈ અપનાવી શકે જ્યારે અફઘાનિસ્તાન અને મ્યાનમાર જેવા દેશો પાસે જરૂરી માળખા અને કૌશલ્યનો અભાવ હોય છે. વધી રહેલા ડિજિટલ ભેદને કારણે વિસ્તરતી એઆઈ પ્રેરિત વૈશ્વિક અર્થવ્યવસ્થામાંથી લાખો લોકો બાકાત રહી શકે છે, અને તેમના પર આ ટેકનોલોજિકલ વિભાજનની ખોટી બાજુએ હોવાનું લેબલ લાગી શકે છે.

અહેવાલમાં ડિજિટલ માળખા, શિક્ષણ, ન્યાયી સ્પર્ધા અને એઆઈ તૈનાતીમાં જવાબદારી અને પારદિર્શિતા નિશ્ચિત કરે તેવા નિયમનોમાં તાત્કાલિક રોકાણની ભલામણ કરાઈ છે. આખરે તેનો હેતુ તમામ દેશો અને સમુદાયોને લાભ અપાવવા એઆઈને લોકભોગ્ય બનાવવાનો તેમજ અનિચ્છનીય વિક્ષેપોથી અસહાય વસતીને સુરક્ષા આપવાનો છે. આ વિઝનમાં એઆઈને ઊર્જા, માર્ગ અને સ્કૂલો જેવા મૂળભૂત માળખા તરીકે ગણવામાં આવ્યું છે જેનો ભાવિ વૈશ્વિક સમાનતા પર નોંધપાત્ર પ્રભાવ પડી શકે.

Ahmedabad : વિરાટનગર બ્રિજ પાસે આવેલાં વ્રજેશ્વરી કોમ્પલેકસની એક દુકાનની આગથી ૧૮ દુકાનો ભષ્મીભૂત થઈ

0

અમદાવાદના વિરાટનગર બ્રિજ પાસે આવેલા વ્રજેશ્વરી કોમ્પલેકસની સોલવન્ટ સહિત અન્ય ફલેમેબલ ઓઈલ રાખતી એક દુકાનમાં મંગળવારે સવારે ૯.૩૦ કલાકે આગ લાગી હતી. આ આગ જોતજોતામા બે માળના બિલ્ડિંગમાં આવેલી ૧૮ દુકાન સુધી ઝડપથી પ્રસરી જતા આગ બેકાબૂ બનતા ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો.આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા દુર દુર સુધી આગની જવાળાઓ જોવા મળતી હતી. અઢી કલાકની ભારે જહેમત પછી ફાયર વિભાગ આગ ઉપર કાબૂ મેળવી શકયુ હતુ.આગ હોલવવા પાણીના મારાની સાથે ૫૦ ફોમ કેરબાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આગ લાગવા પાછળ ફાયર વિભાગે શોટ સરકીટનુ પ્રાથમિક તારણ આપ્યુ છે.સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી નહોતી.શહેરના વિરાટનગરમાં બાપુનગર એપ્રોચ પાસે આવેલા વ્રજેશ્વરી કોમ્પલેકસની ઓઈલની એક દુકાનમાં આગ લાગી હતી. ફાયર કંટ્રોલને આગનો મેસેજ મળતા શરુઆતના તબકકે બે ટેન્કર ઘટના સ્થળે આગ હોલવવા મોકલાયા હતા.સ્થળ ઉપર આગની પરિસ્થિતિ જોઈ એક મીની ફાયર ફાઈટર,એક ફાયર ફાઈટર ઉપરાંત દસ ગજરાજની સાથે એક વોટર બ્રાઉઝર સાથે અલગ અલગ ફાયર સ્ટેશનના અધિકારીઓ તથા ફાયરના જવાનોને આગ હોલવવાની કામગીરીમાં જોડવામા આવ્યા હતા.ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા અલગ અલગ ટીમ બનાવી પાણીના મારાની સાથે ફોમનો ઉપયોગ કરી આગને કાબૂમાં લેવા પ્રયાસ કરવામા આવ્યા હતા. સામાન્ય રીતે શહેરમા આગની મોટી ઘટનામાં ચીફ ફાયર ઓફિસર તરત જ ઘટના સ્થળે દોડી જતા હોય છે.વિરાટનગરની મંગળવારની આગની ઘટનામા ચીફ ફાયર ઓફિસર આગ બુઝાવવા આવી એ સમયે સ્થળ ઉપર પહોંચતા આ બાબત મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચાનુ કેન્દ્ર બનવા પામી હતી.જે દુકાનમાં આગ લાગી હતી એ દુકાનમા ફાયર સેફટી અંગેના કોઈ સાધન નહીં હોવાનો ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગેરેએ સ્વીકાર કર્યો હતો.

જવલનશીલ પદાર્થોના ગોડાઉન ઉપર ફાયર વિભાગનો કોઈ કંટ્રોલ નહીં

વર્ષ-૨૦૨૧માં ગૃહ વિભાગ હસ્તકની સ્ટેટ ફાયર  પ્રિવેન્શન સર્વિસના સલાહ-સુચનના આધારે એક નોટીફિકેશન બહાર પડાયુ હતુ.આ નોટીફીકેશનની જોગવાઈ મુજબ, જનરલ કેટેગરી માટે ૫૦૦ ચોરસમીટર વિસ્તારથી વધુ વિસ્તાર ધરાવનારા અને જોખમી અને જવલનશીલ કેટેગરી માટે ૩૦૦ ચોરસ મીટરથી વધુ વિસ્તાર ધરાવતા એકમો તેમજ ફેકટરી એકટ અંતર્ગત રજીસ્ટર ના હોય એવા એકમો જ ફાયર એન.ઓ.સી.ને લાયક બને છે.એનો સીધો અર્થ એ થાય છે કે, જણાવેલ વિસ્તારથી ઓછો વિસ્તાર ધરાવતા આવા એકમોને ફાયર એન.ઓ.સી.લેવાની થતી નથી. આ કારણથી શહેરમા આવેલા જવલનશીલ પદાર્થોના ગોડાઉન ઉપર ફાયર વિભાગના કોઈ પ્રકારના નિયંત્રણમા નથી.

National : ઓનલાઇન સટ્ટાબાજી એપ કેસમાં ઇડીએ નેહા શર્માની પૂછપરછ કરી

0

મોડેલ અને અભિનેત્રી નેહા શર્મા ઓનલાઇન સટ્ટાબાજી પ્લેટફોર્મ વનએક્સબેટથી જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સંમક્ષ હાજર થઇ હતી તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

અધિકારીએ જણાવ્યું હતું કે ૩૮ વર્ષીય શર્માનું નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની જોગવાઇઓ હેઠળ નોંધવામાં આવ્યું છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર શર્મા કેટલીક જાહેરાતોના માધ્યમથી સટ્ટાબાજી પ્લેટફોર્મ સાથે જોડાયેલ છે.

ફેડરલ તપાસ એજન્સીએ આ અગાઉ આ કેસમાં પૂર્વ ક્રિકેટરો શિખર ધવન અને  સુરેશ રૈનાની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેમની ૧૧.૧૪ કરોડ રૃપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી.કુરાકાઓમાં રજિસ્ટર્ડ વનએક્સબેટે પોતાને પોર્ટલ દ્વારા સટ્ટાબાજી ઉદ્યોગમાં ૧૮ વર્ષનાં અનુભવની સાથે વિશ્વ સ્તરે માન્યતા પ્રાપ્ત સટ્ટાબાજી એપ ગણાવી હતી.

ઇડીએ જણાવ્યું હતું કે વનએક્સબેટ ભારતમાં મંજૂરી વગર કાર્ય કરી રહ્યું હતું. ભારતીય ગ્રાહકોને આકર્ષવા આ પ્લેટફોર્મ સોશિયલ મીડિયા, ઓનલાઇન વીડિયો અને પ્રિન્ટ મીડિયામાં જાહેરાત આપતું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ભારતમાં વાસ્તવિક ધનવાળી ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવા માટે એક કાયદો લાવવામાં આવ્યો છે.

આ કેસમાં બે ક્રિકેટરોની સંપત્તિ ટાંચમાં લેવામાં આવ્યા ઉપરાંત ઇડીએ ક્રિકેટરો યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા, અભિનેતા સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા (વનએક્સબેટની ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર), મિમી ચક્રવતી (તૃણમુલનાં પૂર્વ સાંસદ) અને અંકુશ હાજરા (બંગાળી અભિનેતા)ની પૂછપરછ કરી હતી.