મનોજ બાજપાયી અને રાજકુમાર રાવ શૂજિત સરકારની એક કોમેડી ફિલ્મમાં સાથે જોવા મળશે. દિગ્દર્શક શૂજિત સરકાર મહાભારતના એક ચેપ્ટર પરથી કોમેડી ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે.
આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬માં શરૂ કરવામાં આવશે. કહેવાય છે કે આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી અનોખા પ્રોજેક્ટ્સમાંની એક હશે.
એક રિપોર્ટના અનુસાર, મનોજ બાજપાયી અને રાજકુમાર રાવ મળીને મહાભારતી એ કહાનીને અનોખો રંગ આપશે જેમાં હાસ્ય અને ચત્તુરાઇનો સમાવેશ હશે.
આ કોમેડીને આધુનિક સમયને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. જોકે ફિલ્મની વાર્તાના મૂળિયા મહાભારત સાથે જોડાયેલા હશે.
ઉલ્લેખનીય છે કે, રાજકુમાર રાવ અને મનોજ બાજપાયી બોક્સ ઓફિસના સફળ કલાકારોમાંના છે.
નવીબંદદર મરીન પોલીસ દ્વારા સ્ટાફ કોસ્ટલ એરિયામાં નવીબંદરથી ગોસાબારા સુધીના કાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન માછીમારી માટે વપરાતી બે FRP–OBM નાની બોટમાંથી ગેરકાયદેસર રીતે LED લાઈટો ફિટ ફિશીંગ કરતાં મળી આવતા બંને ટંડેલો સામે કાર્યવાહી હાથધરી છે.
કોસ્ટલ સિકયુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક પી.એલ.માલ તથા કોસ્ટલ સિકયુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ અધિક્ષક સુબોધ માનકર નાઓ દ્વારા ગુજરાત રાજયના કોસ્ટલના જીલ્લાઓમાં ફીશરીઝ એક્ટની જોગવાઇઓનો ભંગ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના થઇ આવેલ હોય જે અનુસંધાને ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમના કાયદાનો ભંગ કરી અન-અધિકૃત રીતે જેમ કે ટોકન વગર, રજીસ્ટ્રેશન વગર, ટોકન સમય મર્યાદાનો ભંગ તથા ગેર કાયદેસર પધ્ધતિથી જેમ કે લાઈન ફીશીંગ, ઘેરા ફીશીંગ, લાઈટ ફીશીંગથી ગેરકાયદેસર રીતે માછીમારી કરતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તથા કોસ્ટલ એરીયામાં થતા ગેરકાયદેસર પ્રવૃતિને રોકવા તથા કોસ્ટલ સિકયુરીટી સબબ સરકારી બોટ દ્વારા સખત દરિયાઈ પેટ્રોલીંગ કરી માછીમારી બોટો ચેકીંગ કરવા મરીન પોલીસ સ્ટેશનોને અવાર નવાર આદેશ થઈ આવેલ.
જેના અનુસંધાને જુનાગઢ રૅન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા નાઓએ પોરબંદર જીલ્લાના દરિયાઈ/દરિયાઈ કાંઠા વિસ્તારમાં ફીશીરીઝ એકટ હેઠળ ગુન્હા નોંધવા તેમજ સખત અને અસરકારક બોટ ચેકીંગ કરવા સુચના આપવમાં આવેલ.
જે અંગે રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયા નાઓના માર્ગદર્શન હેઠળ આજ તા.૦૧/૧૨/ ૨૦૨૫ ના રોજ નવીબંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એસ. ગામેતી સાથેનો સ્ટાફ નવીબંદર મરીન કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન ગોસા–ટુકડા ગામના ગોસાબારા લેન્ડીંગ પોઈન્ટ નજીક બે નાની બોટ દરિયા કાંઠે પડેલી નજરે ચઢતા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં (૧) નાનુ પીલાણુ ( નાની બોટ ) FRP-OBM Craft જેના રજીસ્ટ્રેશન નંબર IND-GJ- 25-MO-6938 નામે “ગેબી” જેમના ટંડેલ: અબ્દુલકાદર અબુભાઈ ઢીમર (ઉ. 38, માછીમાર, રહે. ગોસા–ટુકડા) તેમજ (૨) નાનુ પીલાણુ (નાની બોટ) ) FRP-OBM Craft નામે “રેહાન’ જેના રજીસ્ટ્રેશન નંબર જોવામાં આવતા નથી જેમના ટંડેલ: દિલાવર અબ્દુલભાઈ શમા (ઉ. 28, માછીમાર, રહે. બન્ને ગોસા–ટુકડા ગોસાબારવાળા ટંડેલો પાસે LED લાઇટ લગાવી માછીમારી કરવા બાબતનો કોઈ પરમિટ ન હોવાને પગલે, તેમણે ગુજરાત મત્સ્યધોગ સુધારા અધિનિયમ–2024ના પ્રકરણ 3, નિયમ–7, પેટા નિયમ–43 નો ભંગ કર્યો હોવાનો પ્રાથમિક પુરાવો મળતા સ્થળ પર બે પંચોની હાજરીમાં પોલીસ ઈન્સ્પેક્ટરે પંચનામું તૈયાર કર્યું હતું. BNSS કલમ 35(3) મુજબ આરોપીઓ ટંડેલ અબ્દુલકાદર ઢીમર તેમજ ટંડેલ દિલાવર શમા રહે બન્ને ગામ ગોસા ટુકડા ગોસા બરાવાળાના બંન્નેમાં પિલાણામાં બિન-અધિકૃત રીતે એકદમ પ્રકાશિત LED લાઈટો રાખી ગેર કાયદેસર રીતે લાઈટ ફીશીંગ કરતા હોવાનું જણાઇ આવતા આ બંન્ને ઈસમો વિરૂધ્ધ નવીબંદર મરીન પો.સ્ટે ગુ.ર.નં પાર્ટ બી-૧૧૨૧૮૦૦ ૫૨૫૦૧૦૨ /૨૦૨૫ તથા ગુ.ર.નં પાર્ટ બી-૧૧૨૧૮૦ ૦૫૨૫૦૧૦૩ /૨૦૨૫ ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ-૨૦૦૩ ના કાયદાની કલમ-૨૧(૧)(ચ) મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી પ્રશંશનીય કામગીરી કરેલ છે
આ કામગીરીમાં રોકાયેલ અધિકારી/કર્મચારીઓમાં નવીબંદર મરીન પોલીસ સ્ટેશન પોરબંદર ના પોલીસ ઇન્સપેક્ટર એસ.એસ.ગામેતી તથા એ.એસ. આઇ પ્રવિણભાઇ એન.ભુવા તથા એ.એસ. આઇ દેવાભાઈ એ.ઓડેદરા તથા પો.હેડ. કોન્સ. એ.જી.બાલસ તથા OSD ભરતભાઇ છેલાણા નાઓ રોકાયેલ હતા. રિપોર્ટર:- વિરમભાઈ કે.આગઠ
થમૅલ ટીંબાના મુવાડા પાસે અમદાવાદ ઈન્દોર હાઇવે પર ડીવાઇન્ડર પર કાર ચડી જતા મુસાફરોનો આબાદ બચાવો થયો હતો જો કે હાઇવે પર મોટી સંખ્યામાં ખાડાઓ હોવાથી છેલ્લા 2 મહિનામાં 15 થી વધુ અકસ્માત સર્જાયા છે
અમદાવાદ ઈન્દોર હાઈવે પર બાલાસિનોર તરફથી આવતીકાર અચાનક ખાડાઓ અને બિસ્માર રસ્તાને લઇ ડ્રાઇવરનો કાબુ ગુમાવતા હાઇવે પર આવેલા ડિવાઇન્ડર પર ચડીગઈ હતી પરંતુ અંદર બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો ત્યારે અને અમદાવાદ ઈન્દોર હાઈવે પર આવેલા મેનપુરા ચોકડી પર મસ મોટા ખાડાઓથી વાહનચાલકો અને રાહદારીઓ હેરાન ઞતી ભોગવી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ હાઈવે કઠલાલ સુધી અને સેવાલિયાથી ગોધરા સુધી અત્યત ખાડાઓના ભરમાર થીં અકસ્માત સામે ઘણા લોકોના જીવ ગયા છે છેલ્લા બે મહિનામાં સેવાલિયા અમદાવાદ અને બાલાસિનોર સુધી 15 થી વધારે અકસ્માતમાં 6 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે પરંતુ હાઈવે ઓથોરિટીના પેટનું પાણી હાલતું નથી હાલમાં તાજેતરમાં શાસક દ્વારા પ્રાઇવેટ એજન્સી પાસે આર હાઈવેનુ સવૅ કરાવી ગુજરાતના પ્રવાસ આવેલા નિતીન ગડકરી આ રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. ઈન્દોર હાઈવે નું સમારકામ શરૂ થાય તે જરૂરી છે..
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે દિલ્હીના પ્રદૂષણને લઇને સોમવારે કહ્યું હતું કે અમે પ્રદૂષણ મુદ્દે ચુપચાપ બેસી ના શકીએ. પ્રદૂષણ રોકવાના કોઇ ઉપાય જ નથી એવુ પણ માની લેવાની જરૂર નથી. એવુ પણ માની લેવાની જરૂર નથી કે પ્રદૂષણ એ માત્ર ઋતુ આધારીત છે. આ મામલે હવે સુપ્રીમ કોર્ટમાં દરરોજ સુનાવણી કરવામાં આવશે. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે મોટી ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે દિલ્હીના પ્રદૂષણ માટે માત્ર ખેડૂતોને જવાબદાર ના ઠેરવી શકાય. પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા પરાળી સળગાવવાને કારણે દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ થતું હોવાનો આરોપ લગાવાઇ રહ્યો છે એવામાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે કોરોના મહામારી સમયે પણ પરાળીઓ સળગાવાતી હતી પરંતુ તે સમયે તો આકાશ સ્વચ્છ હતું, જે દર્શાવે છે કે પરાળી સળગાવવાને પ્રદૂષણનું એકમાત્ર કારણ ના ગણી શકાય. અમે પરાળી સળગાવવાના મુદ્દા પર કોઇ જ ટિપ્પણી કરવા નથી માગતા, જે લોકો (ખેડૂતો) આ કોર્ટમાં હાજર જ નથી તેમના પર બધુ ભારણ નાખવું યોગ્ય નથી.
આ સાથે જ મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે અમે લોન્ગ ટર્મ, શોર્ટ ટર્મ પ્લાન જોવા માગીએ છીએ, કેન્દ્રીય પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડ, એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન, કેન્દ્ર સરકાર પાસેથી કાયમી ઉપાય માટેના આયોજન અંગે જવાબ માગ્યો હતો. હવે આ મામલે ૧૦મી ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી કરવામાં આવશે. સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ એશ્વર્ય ભાટીએ કહ્યું હતું કે પ્રદૂષણ પરાળી સળગાવવા, વાહનો દ્વારા થતું પ્રદૂષણ, કન્ટ્રક્શનની ધૂળ, રોડની ધૂળ વગેરેને કારણે થાય છે. જે દરમિયાન સીજેઆઇ કહ્યું કે અમે પરાળી સળગાવવા મુદ્દે ટિપ્પણી કરવા નથી માગતા, કેમ કે એવા લોકો કે જેનું આ કોર્ટમાં કોઇ જ નથી તેમના પર બોજ નાખવો સરળ છે.
પાછલાં બે-ત્રણ વર્ષમાં એકથી વધુ હોરર ફિલ્મો સફળ થતાં બોલિવુડના સંખ્યાબંધ સ્ટાર્સને હવે હોરર ફિલ્મોમાં રસ પડવા લાગ્યો છે. હવે દીપિકા પાદુકોણને પણ એક હોરર ફિલ્મ ઓફર કરાઈ હોવાનું કહેવાય છે.
દીપિકાને બંગાળી ભૂત શખચૂનીનું પાત્ર ધરાવતી ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચવા માટે અપાઈ છે. દીપિકા સમગ્ર સ્ક્રિપ્ટ તપાસ્યા બાદ જ આ રોલ ભજવવો કે કેમ તે ફાઈનલ કરશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ વિદ્યા બાલન તથા શ્રદ્ધા કપૂરને હોરર ફિલ્મોમાં સફળતા મળી ચૂકી છે. તે પછી આલિયા ભટ્ટ તથા ‘સૈયારા’ ફિલ્મથી જાણીતી બનેલી અનિત પડ્ડા પણ હોરર ફિલ્મો સ્વીકારી ચૂક્યાં છે.
દીપિકા હાલમાં નવી ફિલ્મો પસંદ કરવાની બાબતમાં બહુ સિલેક્ટિવ બની ગઈ છે. તે છથી આઠ જ કલાકની શિફ્ટનો આગ્રહ રાખી રહી છે. તેના કારણે તેણે સાઉથની ‘સ્પિરિટ’ સહિતની ફિલ્મો ગુમાવવી પણ પડી છે.
એશિયાના ઘણાં દેશ છેલ્લાં થોડા સમયથી કુદરતના કોપનો સામનો કરી રહ્યા છે. દિતવાહ, કોટો ચક્રવાત સેન્યાર જેવા ઉષ્ણ કટિબંધીય વાવાઝોડાને કારણે થયેલા ભારે વરસાદથી ઇન્ડોનેશિયા, શ્રીલંકા, થાઇલેન્ડ, વિયેતનામ અને મલેશિયામાં ભારે વરસાદ સાથે પૂરપ્રકોપ સહન કરી રહ્યા છે. આ કુદરતી દુર્ઘટનામાં 40 લાખ જેટલા લોકો પ્રભાવિત થયા છે, 1,000 થી વધુ લોકો માર્યા ગયા છે અને સેંકડો ગુમ છે. શું આ જળ અરાજકતા માટે ક્લાઈમેટ ચેન્જ જવાબદાર છે?
ઈન્ડોનેશિયામાં અસામાન્ય ચક્રવાત સર્જાયો
દિતવાહ, કોટો અને સેન્યાર જેવા ઉષ્ણ કટિબંધીય તોફાનો આ દેશોમાં અતિવૃષ્ટિ લાવ્યા છે. હવામાન વિજ્ઞાનીઓ માને છે કે ફિલિપાઈન્સની નજીક સક્રિય કોટો અને મલક્કા સમુદ્રદ્વારમાં ઊભો થયેલું ચક્રવાત સેન્યાર, આ તીવ્ર હવામાન ઘટનાઓ માટે જવાબદાર હોઈ શકે છે. ઈન્ડોનેશિયન હવામાન સંસ્થા મુજબ મલક્કા સમુદ્રદ્વારમાં ચક્રવાતનું સર્જન ‘અસામાન્ય’ ઘટના છે કેમ કે વિષુવવૃત્તની નજીક ઇન્ડોનેશિયાનું સ્થાન એવું છે જે સૈદ્ધાંતિક રીતે ઉષ્ણ કટિબંધીય ચક્રવાતોના નિર્માણ થવાની કે ત્યાંથી પસાર થવાની સંભાવના ઓછી બનાવે છે. જો કે, છેલ્લા પાંચ વર્ષમાં ઘણાં ઉષ્ણ કટિબંધીય ચક્રવાતો ઇન્ડોનેશિયા તરફ આગળ વધ્યા છે અને તેમની નોંધપાત્ર અસરો થઈ છે.
કુદરતી આફતો માટે ક્લાઈમેટ ચેન્જ જ જવાબદાર
હવામાન નિષ્ણાતો સૂચવે છે કે અશ્મિભૂત ઇંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલ, કોલસો વગેરે બળવાથી ગ્રીનહાઉસ વાયુઓમાં વધારો થઈ રહ્યો છે, દિવસે દિવસે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, મહાસાગરોના જળપ્રવાહ ગરમ થઈ રહ્યા છે, જેને લીધે ઉષ્ણ કટિબંધીય ચક્રવાતો વધુ શક્તિશાળી બની રહ્યા છે. સમુદ્ર જેટલો ગરમ થશે તેટલું વધારે બળતણ ચક્રવાતોને મળશે. ચક્રવાતો બેહિસાબ વરસાદ લઈ આવશે, જેને લીધે પૂરની ખાનાખરાબી સર્જાશે. એશિયામાં હાલમાં એ જ થઈ રહ્યું છે. આમ, હાલ તો ક્લાઈમેટ ચેન્જના કારણે જ કુદરતનો પ્રકોપ વધ્યો છે એવું ના કહી શકાય, પરંતુ તેની શક્યતા પૂરેપૂરી છે.
આ રીતે ગરમ થતું સમગ્ર વાતાવરણ જ વૈશ્વિક જળચક્રને ‘સુપરચાર્જ’ કરી રહ્યું છે. પરિણામે, મહત્તમ વરસાદનો આંકડો સતત વધી રહ્યો છે. ઓછા સમયમાં વધુ વરસાદ પડે છે, ત્યારે અચાનક આવતા પૂર (Flash Flooding)ની સંભાવના અનેકગણી વધી જાય છે. આ ફેરફાર સીધેસીધો માનવ વસાહતો અને માળખાગત સુવિધા માટે મોટું જોખમ ઊભું કરે છે.
ઈન્ડોનેશિયામાં સર્જાયો વ્યાપક વિનાશ
ઈન્ડોનેશિયામાં પૂર અને ભૂસ્ખલનથી થયેલા મૃત્યુની સંખ્યા 442 સુધી પહોંચી ગઈ છે, અને સેંકડો લોકો લાપતા છે. લગભગ 3 લાખ લોકો વિસ્થાપિત છે અને 3,000થી વધુ ઘરોને નુકસાન થયું છે. 2018ના ભૂકંપ અને સુનામી પછી આ સૌથી મોટી કુદરતી આફત છે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોની સરકાર પીડિતોને તાત્કાલિક સહાય પહોંચાડવામાં કાચી પડી રહી હોવાથી તેના પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાનું દબાણ બની રહ્યું છે.
થાઇલેન્ડમાં એક દાયકાનું સૌથી ભીષણ પૂર
થાઇલેન્ડમાં આવેલા ભયંકર પૂરથી 170થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. સોંગખલા પ્રાંતમાં સૌથી વધુ 131 મૃત્યુ નોંધાયા છે. હાટ યાઈ શહેરમાં 21 નવેમ્બરના રોજ 372 મિલીમીટર વરસાદ પડ્યો હતો, જે 300 વર્ષમાં એક દિવસમાં પડેલા સૌથી વધુ વરસાદનો રેકોર્ડ હતો. થાઈ સેના ડ્રોન, હેલિકોપ્ટર અને હોડીઓ દ્વારા ફસાયેલા લોકોને બચાવવા અને સહાય પહોંચાડવાના કામમાં જોડાઈ છે.
શ્રીલંકામાં કટોકટીની જાહેરાત કરાઈ
દિતવાહ વાવાઝોડાના કારણે શ્રીલંકામાં આવેલા પૂર અને ભૂસ્ખલન પછી કટોકટી જાહેર કરાઈ છે. 334 લોકો મૃત્યુ પામ્યા છે અને 400થી વધુ લોકો ગુમ છે. શ્રીલંકાએ બે દાયકામાં અનુભવેલી આ સૌથી ભયંકર કુદરતી આપત્તિ છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તેણે આંતરરાષ્ટ્રીય સહાય માટે હાકલ કરવી પડી છે. ભારત સરકારે શ્રીલંકાને રાહત સામગ્રી સહિતની સહાય પહોંચાડી છે અને વધુ મદદની તૈયારી જાહેર કરી છે.
કોમન વેલ્થ ગેમ્સ-૨૦૩૦ પહેલાં શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા રિવરબ્રિજ ઉપરાંત ફલાયઓવર,રેલવે ઓવરબ્રિજનુ સમારકામ હાથ ધરવામાં આવ્યુ છે. સુભાષ અને જુના ગાંધીબ્રિજના રીપેરીંગની કામગીરી હાલ ચાલી રહી છે.૧૩૨ વર્ષ જુના એલિસબ્રિજની સમારકામની કામગીરી રાજકમલ બિલ્ડર્સને રુપિયા ૨૭ કરોડના ખર્ચથી આપવામા આવી હતી.આ બ્રિજને સ્ટીલ સ્ટ્રકચર સાથે રીહેબ કરવામા આવી રહયો છે. જુના અને નવા સરદાર બ્રિજ ઉપરથી અદાણીની ગેસ પાઈપલાઈન પસાર થતી હોવાથી સપ્લાય બંધ ના થાય ત્યાં સુધી આ બંને બ્રિજના સમારકામની કામગીરી કરવી શકય બને એમ નથી.એક અંદાજ મુજબ અલગ અલગ બ્રિજના માઈનોર રીપેરીંગ પાછળ અત્યારસુધીમાં કોર્પોરેશન તરફથી રુપિયા ત્રણ કરોડથી વધુની રકમનો ખર્ચ કરાયો છે.અમદાવાદમાં નવ રિવરબ્રિજ, ૨૩ રેલવે ઓવરબ્રિજના ફકત પોર્શન, ૧૧ રેલવે અંડરબ્રિજના પોર્શન,૧૬ ફલાય ઓવરબ્રિજ, ચંદ્રભાગા ઉપરના બે તથા ખારીનદી ઉપરના એક તેમજ ખારીકટ કેનાલ ઉપરના સાત બોકસ કલ્વર્ટ મળી કુલ ૬૯ બ્રિજનું ઈન્સપેકશન કરવામા આવ્યુ હતુ.ઈન્સપેકશન પછી રીપેરીંગની કામગીરી શરૃ કરવામા આવી હતી.શહેરમા એક તરફ વિવિધ બ્રિજના મેજર અને માઈનોર રીપેરીંગની કામગીરી ચાલી રહી છે.જયારે બીજી તરફ ચોમાસુ પુરુ થયા પછી અલગ અલગ વિસ્તારમા આવેલા ૪૨ બ્રિજનુ ઈન્સપેકશન શરુ કરવામા આવ્યુ છે.જે બ્રિજના રીપેરીંગની કામગીરી પુરી કરાઈ છે તેમાં ચીમનભાઈ પટેલ અને જીવરાજ બ્રિજનો સમાવેશ થાય છે.પ્રબોધ રાવલ બ્રિજ તથા જમાલપુર બ્રિજ ઉપર માઈનોર રીપેરીંગ કામગીરી પુરી કરાઈ છે.
રેલવે ઓવરબ્રિજ ઉપર બેરીંગ રીપ્લેસમેન્ટ પાછળ ૪૩ કરોડ ખર્ચ કરાશે
શહેરમા આવેલા ગિરધરનગર રેલવે ઓવરબ્રિજ ઉપરાંત ચામુંડા રેલવે ઓવરબ્રિજ,કેડીલા અને નાથાલાલ ઝઘડા રેલવે ઓવરબ્રિજ તથા જરુરીયાત મુજબ અન્ય બ્રિજના બેરીંગ રીપ્લેસમેન્ટની કામગીરી કરાવવા જી.એસ.ટી.સિવાય રુપિયા ૪૩.૨૭ કરોડનો ખર્ચ અંદાજવામા આવ્યો છે.આ માટેનુ ટેકનિકલ બીડ ૬ ડિસેમ્બર-૨૫ના રોજ ખોલવામા આવશે.
દિનદયાળ પોર્ટ આથોરિટીમાં ચાલુ નોકરીએ અવસાન પામેલા કર્મચારીઓના વારસદારોને નોકરી આપવામાં ન આવી હોવાથી અનેક વખતની ચર્ચાઓ, મિટિંગો અને વાયદાઓ બાદ આખરે અચોક્કસ મુદતના ધરણા કરવાનું એલન કરવામાં આવ્યું હતું. જે ધારણા પ્રદર્શનને ૩ દિવસ થઈ ગયા હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય જવાબ આપવામાં ન આવતા આંદોલનકારીઓની હાલત કફોડી બની છે. એક મહિલાની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.
આ અંગે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ અને ડીપીએમાં ચાલુ નોકરીએ અવસાન પામેલા કર્મચારીઓના વારસદારોએ આક્ષેપો સાથે જણાવ્યુ હતું કે, પોર્ટ સમક્ષ અનેક રજૂઆતો કરી છે છતાં પોર્ટ પ્રશાસનના પેટનું પાણી હલતું નથી. તા. ૨૯-૧૧થી વારસદારો દ્વારા ભૂખ હડતાલ શરૂ કરી છે અને આ ભૂખ હડતાળમાં ૧૩ લોકો જોડાયા છે. ભૂખ હડતાલના ત્રીજા દિવસે પોર્ટ પ્રશાસન અને રામબાગ હોસ્પિટલના સત્તાધીશોને લેખિત અરજી આપ્યા છતાં ભૂખ હળતાલમાં બેઠેલા વ્યક્તિઓની રોજે રોજની જે બે ટાઈમ તપાસણી કરવામાં ન આવતી હોવાથી એક બહેનની તબિયત લથડતા તેમને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દિનદયાળ પોર્ટ આથોરિટીમાં મૃતક કર્મચારીઓના વારસદારોએ અનેક રજૂઆતો બાદ પણ પોર્ટ પ્રશાસન દ્વારા નોકરી આપવામાં આવતી નથી અને મૃતક વારસદારો સાથે અન્યાયી વલણ દાખવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. અગાઉ અનેક રજૂઆત બાદ પણ પોર્ટ પ્રશાસન દ્વારા ગત વર્ષે આંદોલન બાદ ૧૭ લોકોને નોકરી આપવામાં આવી હતી પણ હજુ ગંભીર પ્રશ્ન એ છે કે ૪૪૦ વારસદારો બાકી છે. જે રોજગારીથી વંચિત છે તેમને ન્યાય મળ્યું નથી. જેથી હવે ન છૂટકે કોઈ ઉગ્ર આંદોલન, રોડ-રસ્તા કે કચેરીની તાળાબંધી સહિતનું પગલું ભરવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે.
અહેવાલ : (રવિકુમાર કાયસ્થ ) અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. અહીં આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ઝડપથી પ્રસરી કે કોમ્પ્લેક્સમાં આવેલી અનેક દુકાનોને લપેટમાં લીધી હતી.
આગ લાગવાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમો તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આગને કારણે ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. કોમ્પ્લેક્સ રોડની સાઈડમાં આવેલું હોવાથી, રસ્તા પર પણ આગની અસર જોવા મળી હતી. જેના કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.સ્થળ પર લોકોની ભીડ જામી હતી અને પસાર થતાં લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. હાલમાં ફાયર બ્રિગેડની ટીમ આગને કાબૂમાં લેવાના સઘન પ્રયાસો કરી રહી છે. આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવશે. જોકે, આગથી થયેલા નુકસાનનો ચોક્કસ આંકડો હાલ જાણી શકાયો નથી.
અહેવાલ : (રવિકુમાર કાયસ્થ ) અમદાવાદમાં ફરી એકવાર SMCએ રેડ કરીને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એસ. પી. રીંગ રોડ પર આવેલા બાકરોલ નજીકથી SMCની ટીમે બાતમીને આધારે ઘેટાં-બકરાંના વાળ ભરેલા કોથળામાં છુપાવેલો કરોડોનો દારૂની હેરફેર ઝડપી છે. દારૂની હેરફેર કરતો આઈસરચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો છે અને 1.50 કરોડનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, SMCની ટીમે બાતમીને આધારે એસ.પી. રિંગરોડ પર આવેલા બાકરોલ ટોલ નાકાથી સનાથલ તરફ જતાં રસ્તા પર એક બંધ બોડીના ટ્રક તપાસ કરી હતી. અહીં આઇસર માલિક હાજર નહોતો. જે બાદ પોલીસે લોખંડના પાના વડે સીલ અને લોક તોડીને ટ્રકના દરવાજા ખોલ્યા હતા. આ દરવાજા ખોલતા જ અંદરના ભાગમાં ઘેટા-બકરાના વાળ ભરેલા કોથળાઓની થપ્પીઓ જોવા મળી હતી. આ કોથળાઓ હટાવતા, તેની નીચે પ્લાસ્ટિક પાથરેલું હતું અને તેની નીચે મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવેલો હતો.પોલીસે સરકારી પ્લોટમાં મજૂરો મારફતે ટ્રક ખાલી કરાવતા ઘેટા-બકરાના વાળ ભરેલા આશરે 196 કોથળાઓ ઉતારવામાં આવ્યા હતા. ત્યારબાદ નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 53,369 બાટલીઓ મળી આવી હતી, જેની બજાર કિંમત રૂ. 1,20,08,025 છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા રૂ. 30,00,000ની કિંમતના ટ્રક સહિત, કુલ રૂ. 1,50,08,025ની મતાનો મુદ્દામાલ બિનવારસી હાલતમાં જપ્ત કરવામાં આવ્યો હતો. ટ્રકમાંથી ફાસ્ટટેગ, ફ્યુઅલ અને ટોલ પાવતી જેવા કાગળો પણ મળી આવ્યા હતા. SMC દ્વારા આ ગુનામાં ટ્રક માલિક, દારૂનો જથ્થો ભરી આપનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે.