Home Blog Page 755

Sports : ‘વિરાટ તો વર્લ્ડ ક્લાસ બેટર, તેનો રોકવો મુશ્કેલ..’, દ.આફ્રિકાના સ્ટાર બોલરે કર્યા વખાણ

0

દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર માર્કો યાન્સેન એ ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને વિશ્વના સૌથી મુશ્કેલ પ્રતિસ્પર્ધીઓમાંથી એક ગણાવ્યો છે. યાન્સેને કહ્યું કે વિરાટ કોહલી જેવા વિશ્વસ્તરીય બેટ્સમેનને એકવાર ક્રિઝ પર જામી ગયા પછી રન બનાવતા રોકવો લગભગ અશક્ય બની જાય છે. તેણે સ્વીકાર્યું કે કોહલીની લાંબી ઇનિંગ્સ રમવાની અને ઇનિંગ્સના સૂત્રધાર બનવાની ક્ષમતા જ અમારા માટે બોલિંગ સૌથી મુશ્કેલ બનાવે છે.

વિશ્વસ્તરીય બેટ્સમેનો સામેની રણનીતિ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અહીં રમાયેલી પ્રથમ ODI મેચમાં કોહલીએ શાનદાર સદી ફટકારી હતી, જેના કારણે ભારતીય ટીમ 17 રનથી વિજય મેળવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવવામાં સફળ રહી. યાન્સેને કહ્યું કે વિશ્વસ્તરીય બેટ્સમેનો સામે બોલર પાસે શરૂઆતમાં જ તેમને આઉટ કરવાની તક હોય છે. યાન્સને પોતાની રણનીતિ સમજાવતા કહ્યું કે “જ્યારે તમે વિશ્વસ્તરીય બેટ્સમેનોને બોલિંગ કરો છો, ત્યારે તેમને આઉટ કરવા ખૂબ મુશ્કેલ હોય છે. હું હંમેશા બેટ્સમેનને તેની પહેલી 10 કે 15 બોલમાં આઉટ કરવાનો પ્રયત્ન કરું છું, કારણ કે તે સમયે તે વિકેટ સાથે તાલમેલ બેસાડવાનો પ્રયાસ કરી રહ્યો હોય છે. પરંતુ એકવાર તે લય હાંસલ કરી લે, પછી તેને રોકવો મુશ્કેલ થઈ જાય છે. આવી પરિસ્થિતિઓમાં તમારે પ્લાન B અથવા C પર જવું પડે છે.”

કોહલીને બોલિંગ કરવી: પડકાર અને આનંદ

યાન્સેને યાદ કર્યું કે ભારતના 2017-18ના દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન તેણે 17 વર્ષના નેટ બોલર તરીકે પહેલીવાર કોહલીને બોલિંગ કરી હતી. તેમણે કહ્યું કે આધુનિક ક્રિકેટના મહાન ખેલાડીઓમાંથી એક એવા કોહલી માટે બોલિંગ કરવાનો પડકાર નિરાશાજનક અને સુખદ બંને છે. “તેને રમતો જોવો ગમે છે, અમે બાળપણથી જ તેને ટીવી પર રમતા જોયા હતા. હવે તેને બોલિંગ કરવી ચોક્કસપણે પડકારજનક છે, પરંતુ તે મજા પણ આપે છે. તે ડ્રાઇવ સારી મારે છે, પુલ સારો મારે છે, કટ સારો મારે છે અને પેડનો પણ સારો ઉપયોગ કરે છે. મને નથી લાગતું કે કંઈ ખાસ બદલાયું છે. બસ તે વધુને વધુ સમય સુધી બેટિંગ કરવા માંગે છે.”

Bollywood : જ્હોન અબ્રાહમે રોહિત શેટ્ટીની રાકેશ મારિયાની બાયોપિકનું શૂટિંગ શરૂ કર્યું

0

રોહિત શેટ્ટીની મોટા ભાગની ફિલ્મો પોલીસ વિષય પર આધારિત હોય છે. હવે આમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાની બાયોપિક બનાવી રહ્યો છે. જેમાં જોન અબ્રાહમ મુખ્ય રોલમાં જોવા મળશે. જો કે અભિનેતા તેમજ દિગ્દર્શક ફિલ્મની હાલમાં જ અભિનેતાનું  સત્તાવાર ઘોષણા કરી નથી.

ખાખી વરદીમાં સોશયિલ મીડિયા પર તસવીર અને વીડિયો વાયરલ થયા હતા. 

જે જોઈને લોકો અનુમાન કરી રહ્યા છે  કે જોન અબ્રાહમે રોહિત શેટ્ટીની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. અટકળ એવી પણ છે કે જોન અબ્રાહમ આ ફિલ્મનું શૂટિંગ મુંબઈ સેન્ટ્રલ પર કરી રહ્યો છે.

એક રિપોર્ટના અનુસાર રોહિત શેટ્ટીની રાકેશ મારિયાની બાયોપિકનું મોટા ભાગનું શૂટિંગ સાઉથ મુંબઈમાં થઈ રહ્યું છે. એટલું જ નહીં, રોહિત શેટ્ટીએ આ બાયોપિક માટે એલોરા સ્ટુડિયોમાં એક પોલીસ સ્ટેશન પણ બનાવ્યું છે. જો કે રોહિત શેટ્ટીએ અભિનેતાની તથા ફિલ્મની સત્તાવાર ઘોષણા કરી નથી.રોહિત શેટ્ટીની આ ફિલ્મ ૨૬/૧૧ના બોમ્બ બ્લાસ્ટ સાથે જોડાયેલી હોવાથી તેમાં ૫૮૦ કલાકારોને કાસ્ટ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં દરેક કોન્સ્ટેબલ, ઈન્સ્પેક્ટર અને હવાલા ઓપરેટરોના સમાવેશ કરવામાં આવ્યો છે.

બાયોપિકનો સૌથી મહત્વાકાંક્ષી હિસ્સો મુંબઈ પોલીસ કન્ટ્રોલ રૂમ ૨૬/૧૧ના હુમલાનું પુનનિર્માણ છે. ચાર કલાકમાં ૧૩૦૦ ફોન આવ્યા હતા અને ૫૮૦ પોલીસ અધિકારીઓ ફિલ્ડમાં હતા.

Business : સોનું ઉછળી રૂ.133000: ચાંદી વધી રૂ.175000, વિશ્વ બજારમાં રેકોર્ડ તેજી

0

અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં નવા ઉંચા ભાવ દેખાયા હતા. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં તેજી આગળ વધતાં તથા ઘરઆંગણે ડોલર સામે રૂપિયો ગબડતાં ઘરઆંગણે સોના-ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટમાં વધુ વૃદ્ધી થતાં દેશના ઝવેરી બજારોમાં તેજીને નવું પીઠબળ મળી ગયું હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦૦ ઉછળી ૯૯૫ના ભાવ રૂ.૧૩૨૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૩૩૦૦૦ બોલાયા હતા. સોનાના ભાવ ૩ દિવસમાં રૂ.૩૫૦૦ ઉછળ્યા છે જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના વધુ રૂ.૪૦૦૦ ઉછળતાં છેલ્લાં છ દિવસની સળંગ રેકોર્ડ તેજીમાં ચાંદીના ભાવ રૂ.૧૯ હજાર વધી જતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. અમદાવાદ ચાંદી આજે રૂ.૧.૭૫૦૦૦ની ટોચે પહોંચી હતી.વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૨૩૯થી ૪૨૪૦ વાળા વધી ઉંચામાં ભાવ ૪૨૬૨ થઈ ૪૨૫૪થી ૪૨૫૫ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ જળવાઈ રહ્યાના વાવડ મળ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૫૬.૫૦થી ૫૬.૫૧ વાળા વધુ વધી ઉંચામાં ભાવ ૫૭ ડોલરની સપાટી પાર કરી ઉંચામાં ભાવ ૫૭.૮૬ થઈ ૫૭.૫૭થી ૫૭.૫૮ ડોલ ર બોલાઈ રહ્યા હતા. ચાંદીના ભાવ આ વર્ષે ૧૦૦ ટકા વધ્યા છે.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારનાં આજે સોનાના ભાવ જીએસટી વગર વધી ૯૯૫ના રૂ.૧૨૮૨૮૪ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૨૮૮૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભૌવ જીએસટી વગર વધી રૂ.૧૭૫૧૮૦ રહ્યા હતા. મુંબી સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૬૭૧ વાળા વધી ૧૭૨૭ થઈ ૧૭૦૦થી ૧૭૦૧ ડોલર રહ્યા હતા.

પેલેડીયમના ભાવ ઔંશના ૧૪૫૫ વાળા વધી ૧૫૦૮ થઈ ૧૪૭૪થી ૧૪૭૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે વધુ ૦.૩૧ ટકા વધ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પણ આજે આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા, બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ૬૩.૮૨ થઈ ૬૩.૪૭ ડોલર રહ્યા હતા યુએસ ક્રૂડના ભાવ વધી ૫૯.૯૭ થઈ ૫૯.૬૩ ડોલર રહ્યા હતા.

World : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલીદા ઝીયા વેન્ટીલેટર પર

0

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલીદા ઝીયાની તંદુરસ્તી અત્યંત નાજૂક બની ગઈ છે. તેઓને વેન્ટિલેટર પર મુકાયા છે. સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય તબીબો તેઓની સારવારમાં વ્યસ્ત છે તેમ તેઓની પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બી.એન.પી.)ના નેતાઓએ આજે જણાવ્યું હતું.

ખાલીદા ઝીયા ૮૦ વર્ષના છે તેઓને અનેકવિધ શારીરિક તકલીફોને લીધે ૨૩ નવેમ્બરે એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારે તેઓએ છાતીમાં દુ:ખાવો થતો હોવાથી તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે તેવી ફરિયાદ કરી હતી. હૉસ્પિટલમાં તબીબી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેઓને હૃદય તથા ફેફસામાં તકલીફ છે.ચાર દિવસ પછી તેઓને કોરોનરી કેર યુનિટમાં દાખલ કરાયા હતા. ત્યારે ત્રણ ત્રણ વખત દેશના વડાપ્રધાનપદે રહેલાં આ મહિલાને અનેકવિધ શારીરિક તકલીફો છે. તેમ જાણવા મળ્યું હતું તે પછી તેઓને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા હતા. આ માહિતી આપતા બીએનપીના ઉપપ્રમુખ એડવોકેટ અહમદ આઝમખાને ન્યુઝ પોર્ટલ ‘ટી.વી.એસ. ન્યૂઝ નેટ’ પર જણાવ્યું હતું કે તેઓ અનેક પ્રકારની બીમારીઓથી ઘેરાઈ ગયા છે તેઓનું લિવર ખરાબ થઈ ગયું છે. કીડની ફેલ્યોર છે ત્યારે ભારે ડાયાબીટીસ, આર્થરાઇટિસ તેમજ આંખોની પણ તકલીફ છે. આથી વધુ પ્રયત્નો પણ શા થઈ શકે ? હવે તો દેશવાસીઓએ તેઓની તંદુરસ્તી માટે અલ્લાહ સમક્ષ બંદગી જ કરવાની રહે છે.

અહીંની એક ખ્યાતનામ તેવી ‘એવરકેર હોસ્પિટલ’ના વેઇટિંગ એન્ક્લેવમાં અહમદ આઝમખાને પત્રકારોને સહેદ જણાવ્યું હતું. બીએપીના સેક્રેટરી જનરલે પણ પાર્ટીના ઉપપ્રમુખના આ કથનને ટેકો આપ્યો હતો.

આ પૂર્વે તેઓ આ વર્ષના પ્રારંભે લંડન સારવાર માટે ગયા હતાં મે-૬ના દિને સ્વદેશ પાછા ફર્યા હતા. તેમનો પુત્ર તારીક રહેમાન અત્યારે બીએનપીના એક્ટિંગ ચેરમેન છે તે ૨૦૦૮થી લંડનમાં રહેતો હતો. તેમનો બીજો પુત્ર અરાફત રહેમાન ૨૦૨૫માં જ હૃદયરોગથી મૃત્યુ પામ્યો છે.

National : નવેમ્બરમાં જીએસટી કલેક્શન ઘટીને રૃ. ૧.૭૦ લાખ કરોડ ઃ વર્ષની નીચલી સપાટી

0

૨૦૨૫માં ભારતનું જીએસટી કલેક્શન ઘટીને ૧.૭૦ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. જે ચાલુ વર્ષનું સૌથી ઓછું કલેક્શન છે. જો કે ગયા વર્ષનાં નવેમ્બરની સરખામણીમાં જીએસટી કલેક્શનમાં ૦.૭ ટકાની વૃદ્ધિ જોવા મળી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. લક્ઝરી વસ્તુઓ પર સેસથી થનારી આવકને દૂર કરાતા આ ઘટાડો જોવા મળ્યો છે. 

નવેમ્બર, ૨૦૨૫માં કુલ જીએસટી કલેક્શન ૧.૭૦ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. જે ગયા વર્ષે નવેમ્બરમાં ૧.૬૯ લાખ કરોડ રૃપિયા હતું. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર, ૨૦૨૫માં જીએસટી કલેક્શન ૧.૯૬ લાખ કરોડ રૃપિયા હતું.

ઉલ્લેખનીય છે કે ઘરેલુ વપરાશને વેગ આપવા અને વૈશ્વિક પરિબળોથી ભારતીય અર્થતંત્રને બચાવવાનાં હેતુથી એક મોટા સુધારણા હેઠળ સરકારે ૨૨ સપ્ટેમ્બરથી જીએસટીનાં ચાર દરો ઘટાડીને બે જ કરી દીધા છેહવે ફક્ત પાંચ અને ૧૮ એમ બે દરો રાખવામાં આવ્યા છે. જે અગાઉ ૫,૧૨,૧૮ અને ૨૮ હતાં. લક્ઝરી વસ્તુઓ પર ૪૦ ટકાનો અલગ દર રાખવામાં આવ્યો છે.

૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫થી જીએસટી કમ્પનસેશન ફક્ત તમાકુ અને પાન-મસાલા પર લગાવવામાં આવે છે. જે અગાઉ લક્ઝરી, સિન ડીમેરિટ વસ્તુઓ અલગ અલગ દરે નાખવામાં આવતો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે કુલ જીએસટી કલેક્શનની ગણતરીમાં સેસને સામેલ કરવામાં આવ્યો નથી કારણકે કમ્પનસેશન સેસ હવે એક અસ્થાયી વ્યવસ્થા છે.

નવેમ્બર, ૨૦૨૫માં હરિયાણા, આસામ અને કેરળમાં જીએસટી આવકમાં અનુક્રમે ૧૭,૧૮ અને ૮ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે મધ્ય પ્રદેશ અને ઓડિશામાં જીએસટી આવકમાં અનુક્રમે ૧૭ અને ૧૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ જીએસટીની આવકમાં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

Gandhinagar : માધવગઢમાં દરોડોઃરેતી ખનનના વાહનો સહિત કુલ ૩.૭૬ કરોડનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન કરતા ખનીજમાફિયાઓ સામે તંત્ર આક્રમક મુડમાં છે. રવિવારે માણસા તાલુકાના માધવગઢ પાસે સાબરમતી નદીના પટ્ટામાં ભૂસ્તર તંત્રની ટીમે અચાનક દરોડો પાડતાં ગેરકાયેદ નદીમાંથી રેતીનું ખનન કરતા માફિયાઓના હોશ ઉડી ગયા અને દોડધામ મચી ગઇ હતી. આ કાર્યવાહીમાં બે હિટાચી મશીન, બે યાંત્રિક નાવડી અને નવ ડમ્પરો સહિત કુલ ૧૩ મશીનો-વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, જેની કુલ કિંમત આશરે ૩.૭૬ કરોડ રૃપિયા થાય છે.

ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ ગાંધીનગર જિલ્લા ભૂસ્તર વિજ્ઞાાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમે રવિવારે માધવગઢ નજીક સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. બાતમી મળી હતી કે અહીં સાદી રેતીનું ગેરકાયદે ખોદકામ અને વહન ચાલુ છે. ટીમ પહોંચતાં જ અહીં રેતીચોરોમાં દોડધામ મચી હતી. ભુસ્તર તંત્રની ટીમે અહીંથી બે મોટાં હિટાચી મશીન, બે યાંત્રિક નાવડી અને નવ ડમ્પરો રેતી ચોરી કરતા ઝડપી પાડયા હતા. ખોદકામ કરનારા ખનીજમાફિયાઓ અહીંથી નાસી છુટવામાં સફળ રહ્યા હતા જ્યારે તેમના મોંઘા સાધનો ભુસ્તર તંત્રની ટીમે કબ્જે કરી લીધા છે. પરંતુ તમામ મશીનો અને વાહનોને કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં સીલ કરીને મૂકી દેવામાં આવ્યા છે.આ અંગે અધિકારીએ જણાવ્યું કે, માધવગઢ-સાબરમતી વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદે રેતી ખનનની ફરિયાદો મળી રહી હતી. હવે વધુ તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થતાં જ આ મશીનો-વાહનોના માલિકો સામે ગુજરાત મિનરલ નિયમો-૨૦૧૭ હેઠળ ભારે દંડ તથા કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.એટલુ જ નહીં, નદીના જે વિસ્તારમાં ખનન કરવામાં આવ્યું છે ત્યાંનું મેપિંગ કરવામાં આવશે અને આ વાહનોના માલિકને પાસેથી આ દંડની રમક વસુલવામાં આવશે.

Ahmedabad : પોલીસને થાપ આપી દારુના કેસનો કેદી ભાગી ગયો

0

અસારવા સિવિલ હોસ્પિટલમાં પોલીસને થાપ આપીને કેદી ભાગી ગયો હતો. ખેડાની બિલોદરા જેલમાંથી લાવેલા દારૃના કેસના આરોપીને રિફર કરવાની પ્રક્રિયા ચાલતી હોવાથી ડોક્ટરની રાગ જોઇને બાંકડા ઉપર  બેસાડયો હતો. દરમિયાન વોશરૃમ લઇ જતા હતા તે ભીડનો લાભ લઇને ભાગી ગયો હતો. આ  બનાવ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોેધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડાની બિલોદરા જેલનો કેદી વોશરૃમ જવાનું કહીને ભીડનો લાભ લઇ ૧૨૦૦ બેડ હોસ્પિટલ વોર્ડમાંથી ભાગ્યો પોલીસ પકડવા દોડી પણ હાથ લાગ્યો નહી

ખેડા કેમ્પ પોલીસ હેડ ક્વાર્ટસમાં રહેતા અને ખેડામાં હથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા માલાભાઇએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ખેડા જિલ્લાના પ્રતિકભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે કઠલાલ પોલીસે પ્રોહિબિશનના ગુનામાં આરોપીને પકડીને બિલોદરા જેલમાં મોકલ્યો હતો. આરોપીને સારવાર માટે સિવિલ ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ગઇકાલે રાતે ફરિયાદી અને લોકરક્ષક કેદી  જાપ્તામાં ત્યાં ફરજ ઉપર મૂક્યા હતા. આરોપીને સાંજના સમયે ૧૨૦૦ બેડ હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલ વોર્ડમાં લઇ ગયા હતા. ત્યાં રીફરની પ્રકિયા ચાલતી હોવાથી લઇ બંને પોલીસકર્મી આરોપી સાથે બહાર બાકડા પર બેઠા હતા. દરમિયાન આરોપીએ વોશરૃમ જવાનું કહેતા બંને પોલીસકર્મી તેને વોશરૃમ તરફ લઇ જતા હતા જ્યાં દર્દીઓ અને  સંબંધીઓની ભીડનો લાભ લઇને અંદરથી ભાગ્યોે હતો પોલીસે તેનો પીછો કર્યો પરંતુ આરોપી હાથ તાળી આપીને નાસી ગયો હતો. 

Junagadh : કચરાનો કડદોઃ જૂનાગઢનાં શંકાસ્પદ કૌભાંડના છેક ગાંધીનગરમાં પડઘા

0

જૂનાગઢ મનપાના કચરાના કડદામાં એક બાદ એક ગોટાળા અને બેદરકારીઓ સામે આવી રહ્યા છે. ઘન કચરાના નિકાલ માટે અગાઉ 4.28 કરોડનું જે કામ આપ્યું હતું તેની મુદ્દત ત્રણ માસની હતી,

તેને બદલે સાત મહિના બાદ પણ એજન્સીનું કામ પૂર્ણ થયું નથી અને મુદ્દત વધારવામાં આવી ન હતી છતાં પણ તેને બિલ ચૂકવી દેવાયું છે. એનજીટીની ગાઈડલાઈન મુજબ ટેન્ડર સહિતની પ્રક્રિયા માટે સક્ષમ અધિકારીને બદલે સ્ટ્રીટલાઈટ શાખાના અધિકારીને કામગીરી સોંપવાનું પણ શંકાસ્પદ છે એ સંજોગોમાં પ્રકરણ ગાંધીનગર સુધી પહોંચ્યું છે.શહેરી વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જૂનાગઢ મનપાના સ્ટ્રીટલાઈટ શાખાના અધિકારી અને તેને એસડબ્લ્યુએમ પ્રોજેક્ટના ઈન્ચાર્જ અધિકારી બનાવી દેવાયા છે તે અધિકારીએ તા.22-10-2024ના જય વચ્છરાજ રોડવેઝ એન્ડ અર્થ મુવર્સને 1.06 લાખ ટન કચરાના નિકાલ માટે 4.28 કરોડનું કામ શરૂ કરવા વર્ક ઓર્ડર આપી દીધો હતો. એજન્સીએ તા. 19-4-2025 ના એસડબ્લ્યુએમ પ્રોજેક્ટ ઓફિસરને પત્ર લખ્યો છે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, ‘આ કામગીરી અમારા વર્કઓર્ડર પ્રમાણે પૂર્ણ થવા પર છે, જો અમને નવું કામ આપવામાં આવે તો અમે વર્ક ઓર્ડરના ભાવ મુજબ કામગીરી કરવા તૈયાર છીએ’. 22 જાન્યુઆરી 2025ના મુદ્દત પૂર્ણ થાય છે છતાં પણ 19-4ના કામગીરી ચાલુ છે તેનો મતલબ સ્પષ્ટ છે કે મુદ્દત પૂર્ણ થઈ ગયા બાદ ત્રણથી ચાર માસ સુધી કામગીરી શરૂ હતી પરંતુ આ કામગીરીની મુદ્દત વધારવામાં આવી હોય તેવો રેકોર્ડમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. મુદ્દત પૂર્ણ થઈ ગયા બાદ કામ પૂર્ણ ન થયું હોય તો તેનું બિલ ચુકવવામાં આવતું નથી અથવા તેને યોગ્ય કારણ હોય તો મુદ્દત વધારો મળે છે. મુદ્દત વધારા વગર એજન્સીને બિલ ચુકવવામાં આવ્યા છે. 

Surendranagar : લાખણકા પાસે ગેરકાયદે રેતી વહન કરતા ઓવરલોડ 8 ડમ્પર પકડાયા

0

ચોટીલા -જસદણ હાઇવે પર લાખણકા ગામ પાસે હોટેલની બાજુમાં ગેરકાયદે સાદી રેતીનું વહન કરતા ઓવરલોડ ૮ ડમ્પર પકડાયા હતા. વાહનો, સાદી રેતી સહિત ૩.૨૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ચોટીલા મામલતદાર કચેરી ખાતે વાહનો વાહનો રાખવામાં આવ્યા છે. ડમ્પરના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા હાઈવે સહિત મુખ્ય માર્ગો પર થી મોટાપાયે ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન અને વહન થતું હોવાની ફરિયાદોને ધ્યાને લઈ ચોટીલા ડેપ્યુટી કલેકટર અને ટીમે મોડી રાત્રે ચોટીલા-જસદણ હાઈવે પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં લાખણકા ગામ પાસે આવેલી અલખધણી હોટલની બાજુમાંથી ગેરકાયદેસર સાદી રેતીનું વહન કરતા ઓવરલોડ અને રોયલ્ટી પાસ વગરના આઠ ડમ્પરો અને સાદી રેતી સહિત ફૂલ રૃ.૩.૨૨ કરોડનો મુદામાલ કબજે કર્યો હતો અને ચોટીલા મામલતદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ તમામ ડમ્પરોના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Vadodara : વિશ્વામિત્રીમાંથી માથા વગરની લાશ મળવાના ચકચારી બનાવનો ભેદ 4 મહિના પછી પણ અકબંધ

0

હરણી-સમા લિન્ક રોડ ખાતે વિશ્વામિત્રી નદીમાંથી માથા વગરની લાશ મળી આવવાના ચકચારી બનાવનો ભેદ હજી પણ અકબંધ રહ્યો છે.

ચાર મહિના પહેલાં ચેતક બ્રિજ નીચે એક પુરૃષની માથા વગરની લાશ મળી આવી હતી.ડિકમ્પોઝ થયેલા મૃતદેહ પર ઇજાના નિશાન મળી આવ્યા હતા.જેથી તેને મોતને ઘાટ ઉતારીને નદીમાં ફેંકી દીધો હોવાનું જણાઇ આવ્યું હતું.

સમા પોલીસે આ બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ કરી હતી.પોલીસે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના મિસિંગ સેલમાંથી ગુમ થયેલાઓનો ડેટા મેળવી તપાસ કરી હતી.પરંતુ હજી મૃતકની ઓળખ થઇ શકી નથી.

મૃતકની ઓળખ થયા પછી જ હત્યા કેવી રીતે,ક્યારે અને કોણે કરી તેની વિગતો જાણી શકાશે.પરંતુ હાલ પુરતું સમગ્ર ઘટનાનો ભેદ વણઉકલ્યો રહ્યો છે.

હિટ એન્ડ રનના બનાવમાં પણ હજી મરનાર ઓળખાયો નથી

વડોદરા હાઇવે પર દુમાડ પાસે ગઇ તા.૧૮મી એ સાંજે રોડ ક્રોસ કરતા અંદાજે ૬૦ વર્ષના પુરુષને એક અજાણ્યા વાહને અડફેટમાં લેતાં મોત નીપજ્યું હતું.સમા પોલીસે આ બનાવમાં ટીમો બનાવી સીસીટીવી ફૂટેજને આધારે કાર ચાલક મિતલ પટેલને અમદાવાદથી ઝડપી પાડયો હતો.પરંતુ હજી સુધી મરનારની ઓળખ થઇ શકી નથી.પીઆઇ બીબી કોડિયાતરે કહ્યું હતું કે,મરનારના હાથે સરોજ લખેલું છે.જેથી તે અન્ય રાજ્યનો વતની હોવાનું મનાય છે.