વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આજે (15મી એપ્રિલ) નાટકીય વળાંક આવ્યો છે. વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ અંતિમ દિવસે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા રાજકીય ક્ષેત્રે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ સાથે જ વોર્ડ નંબર 11ની આ બેઠક પર ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર ઉર્ફે વિષ્ણુ પ્રજાપતિ બિનહરીફ વિજેતા જાહેર થયા છે, જે ભાજપ માટે કોર્પોરેશનની પહેલી જીત ગણાય છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી કનુ પ્રજાપતિ પર ફોર્મ પરત ખેંચવા માટે ભારે રાજકીય દબાણ કરવામાં આવી રહ્યું હતું. પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર દ્વારા દબાણ થતું હોવાની ગંધ આવતા કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ સતર્ક બન્યા હતા. તેઓ કનુભાઈને સમજાવવા તેમના ઘરે પહોંચ્યા હતા, પરંતુ કનુભાઈએ આનાકાની કરતા તેમને તાત્કાલિક અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
ચર્ચા એવી છે કે, વડોદરાના ભાજપના એક પૂર્વ ધારાસભ્ય અને મેયરના પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ સાથેના અંગત સંબંધો આ કિસ્સામાં નિર્ણાયક સાબિત થયા હતા. કાયદાકીય ગૂંચ ટાળવા માટે કનુભાઈને પ્રદેશ સમિતિએ છૂટા મૂકી દીધા હોવાની વિગતો બહાર આવી છે. ત્યારબાદ પૂર્વ ધારાસભ્યના ટેકેદારો તેમને વડોદરા પરત લાવ્યા હતા અને આજે (15મી એપ્રિલ) ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે તેમની પાસે ફોર્મ પરત ખેંચાવ્યું હતું.

પોતાની ઉમેદવારી પરત ખેંચ્યા બાદ કનુ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ‘મેં કોઈ પણ રાજકીય દબાણને વશ થઈને આ નિર્ણય લીધો નથી. મેં કોંગ્રેસમાં વોર્ડ નંબર 10માંથી ટિકિટ માંગી હતી, પરંતુ પક્ષે મને વોર્ડ નંબર 11માંથી ટિકિટ આપી હતી, જે મારા નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે.’
કોંગ્રેસના ઉમેદવારને અમદાવાદ સુધી લઈ જવા છતાં અંતે તેમણે ફોર્મ પરત ખેંચી લેતા વડોદરા કોંગ્રેસના અગ્રણીઓમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે ચૂંટણી પૂર્વે જ વડોદરામાં ભાજપનું પલ્લું ભારે રહ્યું છે અને કોંગ્રેસ પોતાની પેનલ જાળવી રાખવામાં નિષ્ફળ રહી છે.
બીજી તરફ વડોદરા જિલ્લા પંચાયતની રણોલી બેઠક પરથી ચૂંટણી અંગે ઉમેદવારી નોંધાવનારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારોએ પોતપોતાના ફોર્મ આજે પરત ખેંચી લેતા રણોલી બેઠકના ભાજપના ઉમેદવાર કૈરવીબા જાડેજા બિનહરીફ ચૂંટાયેલા જાહેર છે.


