ભારતે રેલવે ક્ષેત્રમાં ઇતિહાસ રચ્યો છે, હરિયાણાના જિન્દથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની સફળતાપૂર્વક ટ્રાયલ કરવામાં આવી, આઠ ડબા સાથે આ ટ્રેન ૭૦થી ૮૦ કિમીની ઝડપે દોડી હતી. આશરે ૨૦ કિમી સુધી આ ટ્રેનને દોડાવીને તેની ટ્રાયલ કરવામાં આવી હતી, આગામી દિવસોમાં પણ આ જ પ્રકારનું પરિક્ષણ યથાવત રાખવામાં આવશે. ટ્રાયલ પૂર્ણ થઇ ગયા બાદ આમ નાગરિકો માટે તેને સામાન્ય ટ્રેનોની સાથે જ દોડાવવામાં આવશે.

હરિયાણાના જિન્દમાં હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેને પગલે આ વિસ્તારથી હાઇડ્રોજન ટ્રેન પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે જે આગામી દિવસોમાં હાઇડ્રોજન ટ્રેનો માટે દેશનું મુખ્ય કેન્દ્ર સ્થાન બની રહેશે. હાઇડ્રોજન ટ્રેનની અનેક ખાશિયતો છે જેમ કે ટ્રેન બહુ ઘોંઘાટ નથી કરતી, આ ટ્રેનને ભારતમાં જ ડિઝાઇન કરવામાં આવી છે.એક એન્જિન આગળ અને એક પાછળ લગાવવામાં આવ્યું છે.
હાલમાં ડીઝલ એન્જિનથી ચાલતી ટ્રેનો પણ સક્રિય છે, જેમાં ગ્રીનહાઉસ ગેસ એમિશન (સીઓ-૨ અને એનઓએક્સ) અને ફોસિલ ફ્યૂલ (હાઇ સ્પીડ ડીઝલ) યોગ્ય રીતે બળી નથી શકતા જેને કારણે પ્રદૂષણ ફેલાય છે. જ્યારે ઇલેક્ટ્રિક ટ્રેનો આ ડીઝલથી ચાલતી ટ્રેનોનો એક વિકલ્પ છે પરંતુ તેને ચલાવવા પાછળ ખર્ચ બહુ થાય છે. ઓવરહેડ લાઇનોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ખર્ચ થાય છે. તેની સરખામણીમાં હાઇડ્રોજનથી ચાલનારી ટ્રેનો મોંઘા ઇલેક્ટ્રિફાઇડ ટ્રેક વગર દોડી શકે છે. હાલ ટ્રાયલ માટે આ ટ્રેનને હરિયાણાના જિન્દથી લલીત ખેરા વચ્ચે દોડાવવામાં આવી હતી.
હાઇડ્રોજન ટ્રેન કેવી રીતે કામ કરે છે?
અન્ય ટ્રેનોની સરખામણીમાં હાઇડ્રોજન ટ્રેન ઘણી અલગ છે, કેમ કે આવી ટ્રેનમાં હાઇડ્રોજનમાં મોડિફાઇડ કમ્બશન એન્જિનનો ઉપયોગ કરીને ઉર્જા આપવાની તાકાત હોય છે, પ્રદૂષણને ઓછુ કરવા માટે કમ્બશન એટલે કે દહનની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં સામાન્ય રીતે હાઇડ્રોજન ફ્યૂલ સેલનો ઉપયોગ થાય છે. આ સેલ બે હિસ્સા વચ્ચે કેમિકલ રિએક્શનથી વીજળી પેદા કરે છે, જેમાં એક નેગેટિવ એનોડ અને એક પોઝિટિવ કૈથોડ હોય છે. ફ્યૂલ સેલમાં હાઇડ્રોજન ઓક્સીજન સાથે મળીને ઇલેક્ટ્રિકલ એનર્જી બનાવે છે, હાઇડ્રોજનને સમુદ્રી પાણીમાંથી નિકાળી શકાય. ફ્યૂલ સેલ હાઇડ્રોજનથી કેમિકલ એનર્જીને વીજળીમાં ફેરવી નાખે છે.
એક હાઇડ્રોજન ટ્રેન પાછળ કેટલો ખર્ચ થાય ?
પીઆઇબીની પ્રેસ રિલીઝ અને અન્ય માહિતી મુજબ હાઇડ્રોજનથી ચાલનારી એક ટ્રેન પાછળ આશરે ૮૦ કરોડ રૂપિયાનો ખર્ચ થઇ શકે છે. જ્યારે એક રૂટ પર તેના માટે ગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા આશરે ૬૦ કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે. હાલમાં એક પાયલટ પ્રોેજેક્ટ લોન્ચ કરાયો છે, પ્રથમ ટ્રેન હરિયાણામાં જિન્દથી સોનીપત સુધી ચાલશે. આ રૂટ પર ૯૦ કિમીનું અંતર કાપવામાં અન્ય સામાન્ય ટ્રેનો બે કલાકનો સમય લે છે જ્યારે હાઇડ્રોજન ટ્રેન વધુ ઝડપથી ચાલશે તેથી મુસાફરોનો સમય બચી શકશે. સાથે જ ભાડુ પણ ઓછુ રહેવાની શક્યતા છે કેમ કે હાલ જે ટ્રેનો ચાલી રહી છે તેને ચલાવવા પાછળ જે ખર્ચ થાય છે તેની સરખામણીમાં હાઇડ્રોજન ટ્રેન ચલાવવાનો ખર્ચ ઓછો આવશે તો મુસાફરો પર બોજ નહીં આપે.
ઇકોફ્રેન્ડલી ટ્રેન માનવામાં આવે છે
હાઇડ્રોજન સાથે ઓક્સીજનનું રિએક્શન કરવા માટે ફ્યૂલ સેલનો ઉપયોગ કરીને આ ટ્રેન બાયપ્રોડક્ટ તરીકે માત્ર પાણીની ભાપ અને ગર્મી જ પેદા કરે છે, જેને કારણે ધ્વની પ્રદૂષણ બહુ જ ઓછું થઇ જાય છે, હાઇડ્રોજન ટ્રેનો સોલાર કે વાયુ જેવા રિન્યુએબલ સોર્સથી મળતા ગ્રીન હાઇડ્રોજનથી ચાલે છે, જેને કારણે આ અસલી સસ્ટેનેબિલિટી પ્રાપ્ત કરી શકે છે. એટલે કે પર્યાવરણ પર ઓછામાં ઓછી અસર થાય તે રીતે લાંબા સમય સુધી આ ટ્રેનનો ઉપયોગ કરવો શક્ય છે.


