પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુરા ગામે એક અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. સામાન્ય ઘરકંકાસે એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે.
પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુરા ગામે એક અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. સામાન્ય ઘરકંકાસે એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. રાત્રિના સમયે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડા બાદ ઉશ્કેરાયેલી મહિલાએ પોતાના માત્ર એક વર્ષના પુત્ર સાથે કૂવામાં ઝંપલાવીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમરાપુરા ગામમાં રહેતી બે સંતાનોની માતાને ગત મોડી રાત્રે તેના પતિ સાથે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો.

આ વિવાદ એટલો વકર્યો કે આવેશમાં આવીને મહિલાએ પોતાના એક વર્ષના માસૂમ પુત્રને તેડીને ગામની સીમમાં આવેલા કૂવામાં છલાંગ લગાવી દીધી હતી. ઘટનાના કલાકો બાદ શોધખોળ કરતા બંનેના મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. માતા અને પુત્રના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પીએમ અર્થે સમી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
સમી પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઘરકંકાસ પાછળનું ચોક્કસ કારણ શું હતું અને અગાઉ પણ કોઈ વિવાદ હતો કે કેમ, તે દિશામાં પોલીસ પરિવારજનોની પૂછપરછ કરી રહી છે. એક વર્ષના માસૂમની પણ આ મામલે ભોગ લેવાતા લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.


