આજે દિવાળી છે. દીપાવલીના તહેવારોનો આરંભ થઈ ગયો છે ત્યારે દીપક, રંગોળી અને લક્ષ્મીપૂજનનું મહત્ત્વ સમજીએ.
દીપાવલીના તહેવારો શરૂ થઈ રહ્યા છે. હિંદુ સમાજનો આ મોટામાં મોટો તહેવાર છે. ગરીબ અને તવંગર એ સૌ કોઈ દીપાવલીના તહેવારને આનંદ અને ઉલ્લાસથી મનાવે છે. દીપાવલી એ પ્રકાશનો તહેવાર છે. ઝૂંપડું હોય, નાનું ઘર હોય, મોટી હવેલી કે બંગલો હોય,પરંતુ આ દિવસોમાં ઘરે ઘરે દીવડાં પ્રગટાવવામાં આવે છે.
દીપકને જીવનની પરંપરા તથા `તમસો મા જ્યોતિર્ગમય’ને આકાંક્ષાનો આધાર માનવામાં આવે છે. ઋગ્વેદ અનુસાર દીપકની ઉત્પત્તિ સૂર્ય દ્વારા થઈ છે. હિન્દુ શાસ્ત્રોમાં નવ પ્રકારની પૂજા અર્ચનાનું વિધાન છે, જેમાં દીપ પૂજા તથા દીપદાનને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે.
ઘણી બધી સદીઓથી દીપાવલી પર્વની કેટલીક પરંપરાઓ ચાલી આવી છે. દિવાળી પહેલાં સાફસફાઈ, રંગાઈ, સાજસજાવટ અને અર્ચનાનાં ભવ્ય રૂપ-એ બધી માન્યતાઓ અને રિવાજને સમજવાની જરૂર છે. દિવાળી પહેલાં ઘરની સાફ-સફાઈ કરી ઘરને રંગવાથી ઘરની અંદરની નકારાત્મક ઊર્જા બહાર નીકળી જાય છે અને સકારાત્મક ઊર્જા અંદર આવતાં ભાગ્યોદય થાય છે એમ મનાય છે. વૈજ્ઞાનિક રીતે પણ ચોમાસાની ઋતુથી ઘરમાં પેદા થયેલાં બેક્ટેરિયા મરી જવાથી ઘર કીટાણુરહિત થઈ જાય છે.
દીપક શા માટે પ્રજ્વલિત કરવામાં આવે છે, તેનું પણ એક મહત્વ છે. દીપક મન અને તન બંનેના અંધકારને દૂર કરે છે. દીપક શુભનું પ્રતીક છે. દીપક માત્ર અજવાળું આપે છે તેવું નથી, પરંતુ અંધકાર સામે લડવાની પ્રેરણા પણ આપે છે. દીપકથી જીવનમાં એક સુખદ અનુભૂતિ થાય છે.
લક્ષ્મીજીના આકાંક્ષી આપણે જ ઘણી વાર ભૂલી જઈએ છીએ કે જે લક્ષ્મીથી તમે ભવ્ય બંગલા અને આલીશાન આશિયાના બનાવો છો તે લક્ષ્મી ખુદ કદી ભૌતિક ચીજો પાછળ નહીં, પરંતુ ભગવાન વિષ્ણુની પાછળ દોડે છે. ક્ષીરસાગરમાં બિલકુલ શાંત ચિત્તે સૂતેલા ભગવાન વિષ્ણુ જ સમૃદ્ધિનું અસલ પ્રતીક છે. જો તમારી પાસે લક્ષ્મી ને વૈભવ છે તો તમે શ્રેષ્ઠ દાતા બનો. તમારી પાસે કોઈ સુખ સમૃદ્ધિ છે તો તેને વહેંચો. દરરોજ એક અજાણી વ્યક્તિના ચહેરા પર ખુશી લાવો, તમારી ભીતરની સમૃદ્ધિ ઔર વધશે.

યાદ રહે કે સમુદ્રમંથન દરમિયાન પ્રાપ્ત થયેલાં 14 રત્નો પૈકી એક વિશિષ્ટ રત્ન છે – `લક્ષ્મી’. આ અનુપમ સુંદરી, સુવર્ણમયી, તિમિરહારિણી, વરદાત્રી, પ્રસન્નવંદના, શુભા અને ક્ષમાદાયી છે. ભગવાન વિષ્ણુએ આ અનુપમાનો પત્નીના રૂપમાં સ્વીકાર કર્યો હતો. આ પ્રકાશમયી દેવી અમાવસ્યાની રાત્રિના અંધકારને પોતાના પ્રકાશપુંજથી ચીરતી સમુદ્રમાંથી પ્રગટ થઈ હતી અને સમગ્ર વાતાવરણને જ્યોતિર્મય બનાવ્યું હતું. આ કાળી અમાવસ્યાને આ કારણથી જ આપણે પ્રતિવર્ષ દીવડાંઓ પ્રગટાવી લક્ષ્મીજીનું સ્વાગત અને પૂજન કરીએ છીએ. કહેવાય છે કે સાત્ત્વિક ધન હોય તે જ લાંબું ટકે છે. જે દાન કરે છે તેનું ધન ટકે પણ છે અને વધે પણ છે. જે લોકો ખોટાં કૃત્યો કરી, દગો-ફટકો કરી, છેતરપિંડી કરી, અનૈતિક રીતરસમો અપનાવી ધન કમાય છે તેને તામસી ધન કહે છે. એવા પરિવારો પાસે ધન હોય તો પણ ઘરમાં ઝઘડા અને ક્લેશ વધે છે, પરિવાર તૂટે છે.
આમ, લક્ષ્મીપૂજન ઉપરાંત દીપાવલીના દિવસે આંખમાં કાજળ કરવાની પણ પરંપરા છે. ધાતુના પાત્રની પાછળ ઘી લગાડી તેને દીવા પર રાખી તેની પર વળતી કાળી મેશથી આંખ આંજવાની પણ એક પરંપરા છે. આ પરંપરા પ્રાચીનકાળથી ચાલી આવે છે. ભગવાન શ્રીરામ વનવાસ પૂરો કરી અયોધ્યા પાછા આવ્યા ત્યારે માતા કૌશલ્યાએ પુત્ર શ્રીરામની આંખમાં કાજળ આંજ્યું હતું. માન્યતા એવી છે કે દીપાવલીની રાતે આંખમાં કાજળ આંજવાથી આખું વર્ષ કોઈની બૂરી નજર લાગતી નથી. એ ઉપરાંત આંખની રોશની પણ વધે છે.
દીપાવલીના દિવસોમાં રંગોળીનું પણ એક મહત્ત્વ છે. ઘરના પ્રવેશદ્વાર પાસે રંગોળી દ્વારા લક્ષ્મીજીનાં ચરણ બનાવવાનું પ્રાવધાન છે. તેમાં લાલ, ગુલાબી, પીળો, લીલો અને સફેદ રંગ વપરાય છે. આ બધા જ રંગ સકારાત્મક ઊર્જા લાવે છે તેમાં વાદળી, કાળો, અને રાખોડી રંગ વપરાતો નથી, કારણ કે આ રંગો નકારાત્મક ઊર્જા પ્રદાન કરે છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે રંગોળી એ ખુશી અને ઉત્સવનું પ્રતીક છે.


